Included in the UGC-CARE list (Group B Sr. No 172)

‘પ્રવાસિની પ્રીતિ સેનગુપ્તા’ : ગુજરાતી પ્રવાસસાહિત્યના વિવેચનની પરિણતિ

ગુજરાતી સાહિત્યમાં બિપિન ચૌધરી વિવેચકની ભૂમિકા ભજવે છે. જેમના આશરે ૨૦થી વધુ લેખો અનેક સામાયિકોમાં પ્રકાશિત થયા છે. તેમની પાસેથી ‘નિબંધકાર ઉમાશંકર જોશી’ અને ‘પ્રવાસસાહિત્ય : રીતિ-ગતિ’ નામથી બે વિવેચન પુસ્તકો મળે છે. તદ્દ ઉપરાંત ‘સાહિત્યસેતુ’ E-journalમાં Special Issue : Coronatime and We (Sept-Oct 2020)માં તેમનો ‘ચાઇના કુંવરની કમાલ’નામે નિબંધ છપાયેલ છે. ગુજરાતી પ્રવાસ સાહિત્ય વૈવિધ્ય રૂપે ખેડાયું છે. જેમાં એક-બે પ્રવાસગ્રંથો લખ્યા હોય એવા તો સંખ્યાબંધ લેખકો ગુજરાતી સાહિત્યમાં જોવા મળે છે. પરંતુ જેમનું પ્રાણવાયુ જ પ્રવાસ હોય એવા પ્રવાસિની પ્રીતિ સેનગુપ્તા વિશે વિવેચક બિપિન ચૌધરીએ સંશોધન ગ્રંથ તૈયાર કરેલ છે. જે ‘પ્રવાસિની પ્રીતિ સેનગુપ્તા’(૨૦૧૩) નામથી પુસ્તકરૂપે આપણને મળે છે.

‘પ્રવાસિની પ્રીતિ સેનગુપ્તા’પુસ્તકમાં વિવેચક બિપિન ચૌધરી નોંધે છે કે :- “જેમનું પ્રવાસસાહિત્યમાં જ મુખ્યત્વે પ્રદાન છે, પ્રવાસ જ જેમનો પ્રાણવાયુ છે. એવા પ્રીતિ સેનગુપ્તા છેલ્લા વીસ પચ્ચીસ વર્ષથી સક્રિય છે. ઈ.સ. ૧૯૮૫ થી ૨૦૦૫ સુધીમાં તેમના પ્રગટ થયેલા ૧૭ જેટલા પ્રવાસ ગ્રંથોનો વિશિષ્ટ અને સવિગત અભ્યાસ આ ગ્રંથમાં મેં રજૂ કર્યો છે”(પૃ-૪; નિવેદનમાંથી). આ પુસ્તકમાં બિપિન ચૌધરીએ પ્રીતિ સેનગુપ્તાના જીવનની આછેરી ઝલક અને તેમના પ્રવાસ સાહિત્યને મુલવ્યું છે, જેમાં બિપિન ચૌધરીની ભાષાશૈલી, યોગ્ય જગ્યાએ યોગ્ય સંદર્ભ ટાંકવાની આવડત, અને તેમની વર્ણનશક્તિ જે નિરૂપાઈ છે તેનું (પ્રવાસિની પ્રીતિ સેનગુપ્તાનું જીવન અને પ્રવાસ સાહિત્યનું ) અવલોકન કરવાનો મારો ઉપક્રમ છે.

પ્રવાસિની પ્રીતિ સેનગુપ્તાનું જીવન :-

પ્રીતિ સેનગુપ્તાના જીવન માટે વિવેચક બિપિન ચૌધરી પુસ્તકની શરૂઆતમાં જ ઉમાશંકર જોશીની પંક્તિ ટાંકે છે :
“ઘરનો ઉંબર જડ ઓળંગી આજ હવે, પગમાં કંઈ પંથો રમાડુ રે.
ક્ષિતિજઉંબર મારે પૃથ્વીનો ઠેકવો, ક્ષણ ન વાર તો લગાડું”

આ પંક્તિ વિશે બિપિન ચૌધરી જણાવે છે કે “જાણે ઉમાશંકર જોશીની આ પંક્તિઓ પ્રીતિ સેનગુપ્તામાં ચરિતાર્થ થતી હોય એવું મને લાગ્યા કરે છે. છેલ્લા પચ્ચીસ–ત્રીસ વર્ષથી ભ્રમણનો ભેખ ધારણ કરી તેઓ દેશ દેશાંતરમાં એકલા ઘૂમે છે”(પૃ-૯).

પ્રવાસિની પ્રીતિ સેનગુપ્તા મૂળ તો એ અમદાવાદના પ્રીતિ શાહ. એમનો જન્મ ૧૭મી મે, ૧૯૪૫ના રોજ રૂઢિચુસ્ત કહી શકાય તેવા વૈષ્ણવ કુટુંબમાં થયો. માતા કાન્તાગૌરી ધર્મશીલ ને સૌંદર્યદ્રષ્ટિવાળા, પિતા રમણલાલ આદર્શવાદી સજ્જન. માતા-પિતાના આ ગુણોનો સુભગ સમન્વય પ્રીતિ સેનગુપ્તામાં થયો છે. તેમના કુટુંબના સભ્યોમાં સંગીત, ચિત્ર, અભ્યાસ, પ્રવાસનો ઊંડો શોખ. એમના પરિવારના સભ્યો વખતોવખત નાટક જોવા જાય તેમ અવાર-નવાર નોકર-ચાકરના રસાલા સાથે દેશના દૂર દૂરના સ્થાનો કે જ્યાં હજી કેડીઓ પણ ન પડી હોય ત્યાં મુસાફરીએ જતા. નાનકડી પ્રીતિને બાળપણથી જ વાંચન સાથે પ્રીતિ બંધાયેલી. વાંચનની ભૂખ તો એવી કે પુસ્તકનો કેડો ન મૂકે. જન્મદિનની ભેટમાં પુસ્તકોનો જ આગ્રહ રાખે. કનૈયાલાલ મુનશીની નવલકથા ‘ગુજરાતનો નાથ’વાંચીને એવા પ્રભાવિત થયા કે કાકના પ્રેમમાં પડેલા. પ્રીતિ સેનગુપ્તા બાલ્યકાળમાં જ માર્કોપોલો, કોલંબસ, વાસ્કો દ ગામા જેવા વિશ્વ પ્રવાસીઓનું વિસ્તૃત વાંચન કર્યું હતું. બાળપણથી જ કુટુંબીઓ સાથે પ્રવાસમાં જવાનું બન્યું. અન્ય જગ્યાએ પ્રવાસમાં ન જવાય તો છેવટે માઉન્ટ આબુ મુંબઈ તો હાથવગાં. શાળાના અન્ય વિદ્યાર્થીઓ સાથે પણ પ્રવાસમાં જવાની પણ બહુ હોંશ. શાળાના સામાયિકમાં કરેલ પ્રવાસોના કેટલાક પ્રવાસલેખો લખેલા. જે તેમનું સર્વ પ્રથમ મૌલિક સર્જન. શાળાના સામાયિકમાં એક જ નામથી બે લેખો આવે તો સારું ન દેખાય તેથી શિક્ષક નંદલાલભાઇએ પ્રીતિ સેનગુપ્તાને ‘પ્રિયદર્શીની’ ઉપનામ આપેલું. તેમણે ‘અશક્ય’ ને ‘નામુમકીન’તખલ્લુસ ધારણ કરેલું. શિક્ષણમાં તેમણે અમદાવાદની જાણીતી શેઠ ચીમનલાલ નગીનદાસ વિદ્યાલયમાં ૧૯૬૧માં એસ.એસ.સી., ૧૯૬૫માં ગુજરાત કૉલેજમાં અંગ્રેજી મુખ્ય અને સંસ્કૃત ગૌણ વિષય સાથે બી.એ., અને ૧૯૬૭માં ગુજરાત યુનિવર્સિટીના ભાષા ભવનમાંથી અંગ્રેજી વિષય સાથે એમ.એ. થયા. ત્યાર બાદ અમદાવાદની જાણીતી ઉચ્ચ શિક્ષણ સંસ્થા હરિવલ્લભદાસ કાળીદાસ મહાવિદ્યાલયમાં અંગ્રેજીનાં વ્યાખ્યાતા તરીકે થોડોક સમય કાર્ય કરેલ. અંગ્રેજી વિષયના અધ્યયનમાં આગળ ધપવા ૧૯૬૭માં અમેરિકા ગયા. ક્લાસમાં ચાર-પાંચ જણ સાથે સારી મૈત્રી બંધાઈ ગયેલી. ન્યૂયોર્કમાં જ એક બીજી મૈત્રી જામી કલકત્તાના બંગાળી બાબુ ચંદન સેનગુપ્તા સાથે. ચંદન સેનગુપ્તાએ લગ્નનો પ્રસ્તાવ મુક્યો. પ્રીતિ સેનગુપ્તાને ‘ખાતરી હતી કે આવો છોકરો અમદાવાદમાં-ગુજરાતમાં નહીં મળે’. તેથી પ્રસ્તાવ સ્વીકાર્યો ને પ્રીતિ-ચંદનની મૈત્રી લગ્નમાં પરિણમી. પ્રીતિ સેનગુપ્તા ચંદન ભાઈને ‘મીઠો’ કહીને બોલાવે. ચંદન ભાઈ સાચા અર્થમાં ‘મંગલમિત્ર’ , ‘જીવનમિત્ર’ બની રહ્યા છે. ચંદનભાઈ બધા પ્રવાસમાં પ્રીતિ સેનગુપ્તાને સાથ નથી આપી શકતા, પણ તેઓ આટલું ફરી શકે છે એ તેમના સહકારથી જ. તેથી પ્રીતિ સેનગુપ્તા આ વિશે કબૂલે છે જે બીપીન ચૌધરી અહીં નોધ્યું છે :- “મારું બધું જ મારા વરના પીઠબળને લીધે શક્ય બન્યું છે. જો એ મારા જીવનમાં હોત નહીં, તો મારું જીવન હોત નહીં. એણે મને સરસ ઘર આપ્યું, ને ઉદારતા એવી કે મને આખું વિશ્વ મળવા દીધું”(પૃ-૧૨).

પ્રીતિ સેનગુપ્તાની સર્જનયાત્રા અને વિશ્વ યાત્રાની ખરા અર્થમાં શરૂઆત તો અમેરિકાના વસવાટ દરમિયાન થાય છે. આ સમયગાળામાં મિત્રોને-ઘરનાને થોકબંધ પત્રો લખતા. માતા કાંતાબેનને તો છસો-સાતશો પત્રો લખેલા. માતૃભૂમિના યુગની હજુ કળ વળી નહોતી, ત્યાં માતા કાન્તાગૌરીનું અવસાન થયું. માતૃભૂમિ અને માતાનો વિયોગ અસહ્ય બને છે, જે તેમના સર્જનનું કારણ બને છે.

બિપિન ચૌધરી પ્રીતિ સેનગુપ્તાના જીવનને આલેખવામાં ભાષા અને વર્ણનશક્તિનો પ્રભાવ પુસ્તકમાં પાડ્યો છે બિપિન ચૌધરીની વર્ણન શક્તિ જોઈએ તો :- “પ્રીતિ સેનગુપ્તાનો દેખાવ દર્શનીય છે. મધ્યમ ઊંચાઈ (પાંચ ફૂટ દોઢ ઇંચ), મધ્યમ બાંધો, ચહેરો જાણે કોઈ સિનેસુંદરીનો. તેથી જ તો પરદેશમાં ઘણા તેમને ભારતીય હિરોઈન માંનવા પ્રેરાયા હતા ! ચહેરા પર કોઈ કડકાઇનો ભાવ નહીં. મુખ પર ને મનમાંય સદાય મહોરતો આનંદ, એય વળી અહંકાર વિનાનો. શબ્દો ચોર્યા વિના જે સાચું લાગે તે કહી દે તેવા તે આખાબોલા છે, તેમ સ્વભાવે સ્નેહાળ અને સૌહાર્દભર્યા. એમની હાજરી વાતાવરણને ઉત્સાહથી ભરી દે, જ્યારે મળે ઉમળકાથી મળે. સહજ રીતે વર્તે. દુનિયાભરની વાતો કરે. કંઈક નવો જ અનુભવ પામવા, કઈ જુદું જ સાહસ કરવા તેમનું મન સતત ઉત્સુક હોય છે”(પૃ-૧૩).

પ્રીતિ સેનગુપ્તાનું પ્રવાસ સાહિત્ય :-

પ્રીતિ સેનગુપ્તાના પ્રવાસસાહિત્ય વિશે વિવેચક બિપિન ચૌધરી નોંધે છે કે :- “પ્રીતિ સેનગુપ્તાએ કવિતા, નિબંધ અને ટૂંકી વાર્તા જેવા વિવિધ સાહિત્ય સ્વરૂપમાં ખેડાણ કર્યું છે, પણ એમની લેખિની પ્રવાસનિબંધોમાં પૂરબહારે ખીલી છે. એમનું પ્રવાસસાહિત્ય અત્યંત વિપુલ અને સમૃદ્ધ છે. ભ્રમણવૃતને તેઓ સર્જનાત્મક ભૂમિકાએ લઈ ગયા છે. પ્રવાસાનુભવને સોંદર્યાનુંભવમાં પલટી નાખવામાં તેમની સર્જકતાનો વિશેષ રહ્યો છે. ગુજરાતી પ્રવાસસાહિત્યની ગતિ-રીતીનો વિચાર કરીએ ત્યારે તેમની પ્રવાસરચનાઓ ઉપર ખાસ આંગળી મૂકવી પડે એમ છે”(પૃ-૨૨). પુસ્તકમાં બિપિન ચૌધરીએ ૧૭પ્રવાસ પુસ્તકોનું રસદર્શન કરેલ છે. જે આ મુજબ છે :- ‘પૂર્વા’ (૧૯૮૬) :- બિપિન ચૌધરી આ પ્રવાસ પુસ્તક વિશે નોંધે છે કે : “પ્રીતિ સેનગુપ્તા ‘પૂર્વા’દ્વારા ગુજરાતી પ્રવાસસાહિત્યમાં શ્રી ગણેશ કરે છે. તે પૂર્વ કવિ તરીકે પણ ઠીક-ઠીક જાણીતા બન્યા છે. ‘પૂર્વા’ શીર્ષક વાંચતા જ લાગે કે કોઈ કાવ્યસંગ્રહ હશે ! પણ ના. ‘પૂર્વા’એ પ્રીતિ સેનગુપ્તાના મધ્ય-પૂર્વના દેશોનું ભ્રમણ વૃતાંત છે”(પૃ-૨૫). આ પુસ્તક ચાર વિભાગોમાં વિભાજીત છે. પ્રથમ વિભાગમાં મધ્યમ-પૂર્વના ઇઝરાઇલ, ઇજિપ્તના સ્થળો; બીજા ભાગમાં કોરિયા, જાપાન અને ચીન; ત્રીજા ભાગમાં રુમાનિયા, યુગોસ્લાવિયા અને ચોથા ભાગમાં પૂર્વ આફ્રિકાના વિવિધ દેશોના સ્થળોની વાત આલેખી છે. ‘પૂર્વા’માં સમાયેલી પ્રીતિ સેનગુપ્તાની ભાષા શૈલી વિશે બિપિન ચૌધરી નોંધે છે જેમાં બિપિન ચૌધરીની પણ ભાષા શૈલી જોવા મળે છે જે ઉલ્લેખનીય છે, જેમકે :-“ ‘પૂર્વા’નું નોંધપાત્ર પાસું છે લેખિકાની ભાષાશૈલી. પરિસ્થિતિ, પ્રસંગ અનુસાર તેમની શૈલી નવતા ધારણ કરે છે. ક્યાંક કથાનાત્મક, તો ક્યાંક ચિત્રાત્મક, ક્યાંક સંવાદનો સહારો પણ લે છે. સમગ્ર દૃષ્ટિએ કહીએ તો ઇન્દ્રયબોધ જગાવતી તેમની વર્ણનરીતિ આકર્ષક છે”(પૃ-૪૪).

‘દિકદિંગત’ (૧૯૮૭) :- આ પુસ્તક વિશે વિવેચક બિપિન ચૌધરીની કલમે જોઈએ તો :- “આ પુસ્તક થકી પ્રીતિ સેનગુપ્તા મોકળે મને તેમના પ્રવાસની ખાટી, મીઠી, તીખી, તૂરી, કડવી વાતોનો સ્વાદ ચખાડે છે”(પૃ-૪૭). જેમાં જુદા જુદા દેશ પ્રમાણની સાથે સાથે અનુભવથી મેળવેલા તારણો વડે તેમણે સમાજ, સંસ્કૃતિ, અને પ્રકૃતિનું આલેખન અહીં કર્યું છે. તેમાં અમેરિકા, ફિલિપ્પિન્સ, આઈબેરીયા, ફ્રાંસ, થાઇલેંડ, સ્પેઇન, આફ્રિકા, ઈન્ડોનેશિયા અને જમૈકા જેવા દેશોના જાણીતા તો ક્યારેક અજાણ્યા શહેરો ગામડાઓના પ્રવાસ અનુભવો આલેખે છે. અહીં આ પુસ્તક માટે બિપિન ચૌધરીએ રઘુવીર ચૌધરીનો સંદર્ભ ટાંક્યો છે, જેમકે :- “વિદેશ જતા ગુજરાતીઓ વેપાર ધંધામાં રચ્યાપચ્યા રહે છે. એમાં પ્રીતિનો પ્રવાસ કવિવર રાજેન્દ્ર શાહની પેલી પંક્તિનું સમર્થન કરી રહે છે : ‘ઘરને તજીને જનારને મળતી વિશ્વતણી વિશાળતા”(પૃ-૬૭).

‘સુરજ સંગે, દક્ષિણ પંથે’(૧૯૮૯) :- આ પુસ્તક વિશે બિપિન ચૌધરી જણાવે છે કે અહીં અમેરિકાના દેશોનું પ્રવાસનું વર્ણન છે. જેમાં પ્રવાસનો આરંભ જૈમેકાથી થાય છે. ત્યાંથી પેરુ, બ્રાઝિલ, બોલિવિયા, આર્જેન્ટીના, ચિલે થઈ છેલ્લે મેક્સિકોમાં તેમનો પ્રવાસ વિરમે છે. જેમાં બે માસના પરિભ્રમણના અનુભવો વર્ણવ્યા છે. તેથી આ પુસ્તક માટે બીપીન ચૌધરી તેમનો તટસ્થ મત નોંધે છે કે :- “આ કૃતિમાં વસ્તુ નિરૂપણનું સૌંદર્ય ઘણે સ્થળે અનુભવાય છે, પરંતુ તેમાં કેટલીક વાર કચાસ પણ દેખાય છે. જ્યાં તેમની સર્જક-ચેતનાનો સ્પર્શ નથી તેવા વર્ણનો કેવળ માહિતી લક્ષી બન્યા છે. તો ઇતિહાસ, ભૂગોળ, સમાજશાસ્ત્રના સંદર્ભો સૌંદર્યપ્રવણ ચેતનમાં ઝબકોળાતા નથી ત્યાં વર્ણનો શુષ્ક અને નીરસ બને છે. પ્રકૃતિવર્ણનનોમાં કેટલીકવાર એકરૂપતા જણાય છે. આમ છતાં, એકંદરે ‘સુરજ સંગે, દક્ષિણ પંથે’ નિ:સંગી લેખિકાની અનુભવકથા અને અવનવા પ્રદેશોના રોચક વર્ણન આલેખનને કારણે આસ્વાદ્ય બની છે”(પૃ-૮૬).

‘અંતિમ ક્ષિતિજો’(૧૯૯૧) :- આ પુસ્તકમાં પ્રીતિ સેનગુપ્તાએ ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, અને ફિજિ જેવા દેશોના પ્રવાસ અનુભવોને વાચા આપી છે. જેના વિશે વિવેચક બિપિન ચૌધરી જણાવે છે કે :- “આ પ્રવાસ વર્ણનમાં એક વ્યવસ્થાએ જડી આવે છે કે આ લેખિકા પ્રવાસ પ્રદેશનું આલેખ કરતા પહેલા જે તે દેશનો ઇતિહાસ, ભૌગોલિક-આર્થિક સ્થિતિ આદિનું નિરૂપણ કરી તે દેશનો સમગ્ર લક્ષી ચિતાર આપી દે છે. ત્યારબાદ તેના જોવાલાયક સ્થળોને પ્રત્યક્ષ કરાવે છે”(પૃ-૮૮).

‘ધવલ આલોક, ધવલ અંધાર’(૧૯૯૨) :- આ પુસ્તકમાં વિવેચક બિપિન ચૌધરીના જણાવ્યા મુજબ અહીં એન્ટાર્કટિકાને દ્રષ્ટિગત, ચરણગત અને સ્પર્શગત કરવાનો પ્રીતિ સેનગુપ્તાનો ઉદ્દેશ શબ્દાંકિત થયો છે.

‘મન તો ચંપાનું ફૂલ’(૧૯૯૩) :- આ પુસ્તકમાં પ્રીતિસેને કરેલા પ્રવાસ જેમાં થાઇલેંડ, મલેશિયા અને વિયેતનામનું પ્રવાસવૃતાંત આલેખાયું છે. પ્રીતિ સેનગુપ્તા થાઈલેન્ડના પતયાના દરિયાકિનારે કવિ નાનાલાલની પંક્તિ યાદ કરે છે જેને વિવેચક બિપિન ચૌધરી અહીં ટાંકે છે :- “સાગર સખે ! મુજ કાનમાં એવું કંઈ તો ગા, જીવ્યુ મીઠું લાગે મ્હને, એવું કંઈ તો ગા”(પૃ-૧૨૦).

‘ઉત્તરોત્તર’(૧૯૯૪) :- આ પુસ્તકમાં પ્રીતિ સેનગુપ્તાએ પૃથ્વીના ગોળાના છેક ઉપરના ઢોળાવે વસેલા ઉત્તરોચ્ચ આર્કટિક સમુદ્રના કેટલાક ટાપુઓ અને ગુજરાતી આસપાસ ઘુમતા ચુંબકીય ઉત્તર ધ્રુવ સુધીની સફર વર્ણવી છે. જે માટે વિવેચક બિપિન ચૌધરી તેમનો તટસ્થ મત નોંધે છે :- “ ‘ઉત્તરોત્તર’ ભ્રમણવૃત્તના વર્ણનોમાં રસળતા ચિત્રાત્મક આલેખનની અપેક્ષાએ શુષ્ક, વિગતપ્રચૂર માહિતીલક્ષી વર્ણનો વધુ છે. કેટલીકવાર લેખિકાએ જોયેલા સ્થળો અને વ્યક્તિઓ વિશેની વાચકને માહિતી મળે છે પણ તેમનો આહ્-લાદક અનુભવ થતો નથી. તેમાંથી જેવી જાણકારી યા માહિતી મળે છે, તેના જેવો આનંદ આપણને મળતો નથી. અલબત્ત, કેટલેક અંશે પ્રવાસનો રુચિર અનુભવ કરાવતી આ પ્રવાસકથા આધુનિકયુગની પ્રવાસ કથાઓમાં ગણનાપાત્ર છે”(પૃ-૧૩૬).

‘કિનારે કિનારે’(૧૯૯૩) :- પ્રીતિ સેનગુપ્તાએ જોયેલા ભૂમધ્ય સાગરથી સંકળાયેલા ત્રણ જુદા જુદા ભૂમિ પ્રદેશો ઇટાલી, સિસિલી અને ટ્યુનિશિયાનું વર્ણન છે. આ પુસ્તક માટે વિવેચક બિપિન ચૌધરી લેખિકાના વ્યક્તિત્વ વિશે જણાવે છે કે :- “લેખિકાનું વ્યક્તિત્વ પણ આકર્ષક બન્યું છે. અન્ય પ્રવાસની જેમ આ પ્રવાસમાં પણ લેખિકા ભોજનની તકલીફ વેઠે છે પણ કશી દાદ-ફરિયાદ કરતા નથી. ‘કારણકે પોષણ દ્રશ્યોમાંથી આંખો વાટે જ મળી જાય છે' ”(પૃ-૧૪૫).

‘દૂરનો આવે સાદ’(૧૯૯૮) :- આ પુસ્તક માટે બિપિન ચૌધરી જણાવે છે કે :- શીર્ષક વાંચતા જ કવિ રવિન્દ્રનાથની આ પંક્તિઓ યાદ આવે છે : “આમી ચંચલ હૈ, આમી સુદૂરેર પિયાસી”(પૃ-૧૪૬). અહીં ફિનલેન્ડ, સ્વિડન, રસિયા, યુક્રેઈન અને જગ્યાઓનું પ્રથમ વિભાગમાં વર્ણન છે. તો બીજા ભાગમાં અલાસ્કાના વિવિધ સ્થળોની પ્રવાસકથા છે.

‘દેશ-દેશાવર’(૧૯૯૮) :- પ્રીતિ સેનગુપ્તાનું આ પુસ્તક બે વિભાગમાં છે. પ્રથમ વિભાગમાં ભારતના ગોવાથી શરૂ કરેલી યાત્રા બર્મા, જર્મની, આર્જેન્ટિના, ન્યુ મેક્સિકો, પોર્ટુગલ, ફીજિ થઈને દક્ષિણ આફ્રિકામાં પૂર્ણ થાય છે. બીજા ભાગમાં ભારતના સુદૂર-પૂર્વના કહી શકાય તેવા પ્રદેશોનું લગભગ પાંત્રીસ દિવસ સુધી સળંગ ભ્રમણ કરે છે. તેથી વિવેચક બિપિન ચૌધરી જણાવે છે કે :- “પ્રીતિ સેનગુપ્તાને વિદેશના પ્રવાસ વર્ણનોના ઘણા પુસ્તકો લખ્યા છે, પણ સ્વદેશ પ્રવાસ વર્ણવતું તેમનું આ પહેલું પુસ્તક છે”(પૃ-૧૫૮).

આ ઉપરાંત પ્રીતિ સેનગુપ્તા નીચે મુજબ પ્રવાસ પુસ્તકોની નોંધ બિપિન ચૌધરીએ પુસ્તકમાં મૂકેલી છે. જેમાં ‘એક પંખીના પીંછાં સાત’(૨૦૦૦)માં મધ્ય અમેરિકાના સાત દેશોની વિચરણ ગાથા આલેખવામાં આવી છે. આ સાત દેશો : બેલીઝ, ગૉતેમાલા, ઍલ સાલ્વાદોર, હોંદુરાસ, નીકારાગ્વા, કોસ્તારિકા અને પનામા., ત્યાર બાદ ‘નમણી વહે છે નદી’(૨૦૦૦)માં ચીનના પરિભ્રમણની કથા આલેખાયેલી છે., ‘રીઝો રે દરિયાદેવ’(૨૦૦૧)માં ગ્રીસ, આઇસલેન્ડ અને ગ્રીનલેન્ડના જળ-વિચરણના વૃતાંત આલેખાયેલ છે., ‘નૂરના કાફલા’(૨૦૦૨)માં વિભિન્ન સફરોની યાદોના એકઠા થયેલા ખજાનામાંથી ઈસ્લામી દેશોના થોડા ઘણા સંભારણા આલેખાયેલ છે., ‘દેવો સદા સમીપે’(૨૦૦૩)માં તિબેટ-નેપાળનો પ્રવાસ ત્રણ ખંડમાં આલેખાયેલો છે., ‘ખીલ્યા મારા પગલા’(૨૦૦૪)માં ફિજિ, ટોંગા, સામોઆ, કૂક આઇલેન્ડ્સ, સોસાયટી આઈલેન્ડ્સ જેવા દક્ષિણ પ્રશાંત માનસાગર પરના પાંચ ટાપુ-દેશોની પ્રવાસ કથા વર્ણવાયેલી છે., અને છેલ્લે ‘સૂતર સ્નેહના’(૨૦૦૫)માં દક્ષિણ આફ્રિકાના બે વાર કરેલા પ્રવાસના અનુભવો વર્ણવાયેલા છે.

‘પ્રવાસિની પ્રીતિ સેનગુપ્તા’ (સંશોધન ગ્રંથ) પુસ્તકમાંથી પસાર થતા. વિવેચક બિપિન ચૌધરીની ભાષાશૈલી, વર્ણનશક્તિ અને યોગ્ય જગ્યાએ યોગ્ય સંદર્ભ ટાંકવાની આવડત તેમના આ (સંશોધન ગ્રંથને)પુસ્તકને ગુજરાતી સાહિત્યમાં ગણનાપાત્ર સ્થાન અપાવે છે.

સંદર્ભગ્રંથ :-

  1. ‘પ્રવાસિની પ્રીતિ સેનગુપ્તા’ - ડૉ. બિપિન ચૌધરી, પાર્શ્વ પબ્લિકેશન : અમદાવાદ, પ્રથમ આવૃત્તિ : ૨૦૧૩, મૂલ્ય - ૨૦૦.

સુરેશ તુરી, કેસરગામ, તા: થરાદ, જિ: બનાસકાંઠા, પોસ્ટ: લુવાણા ૩૮૫૫૬૫, મો:9662341983, email : suryabarot8@gmail.com