હોગાર્થ અને હોકની - નવા પરિપ્રેક્ષ્યમાં, સમયાનુસાર પુનરાવર્તિત ચિત્રાંકન…
૧૮મી સદીના મધ્યમ વર્ગીય પાશ્ચાત્ય અને વૈભવશાળી અનૈતિક્તા સભર જીવન જીવવાની લાલસા સંબંધિત ચિત્ત્રો અને છાપકૃતિઑનો સમૂહ “રેકની પ્રગતિ” માં અંગ્રેજ કલાકાર વિલિયમ હોગાર્થ દ્વારા આલેખિત તત્કાલીન સમાજની જાંકી પ્રદર્શિત કરે છે. ૨૫૦ વર્ષોથી વધુ સમય પૂર્વેની સામાજિક સ્થિતિ તથા માનવિય મનની વૈભવ અને ભોગોપયોગી લાલસા-યુક્ત જીવન ભોગવવાની હોડ માનવ જીવનને કેવી સ્થિતિએ પહોચાડી દે છે તે અંગેના ભાવો આ ચિત્રાકૃતિઓ દ્વારા સુંદર રીતે દર્શાવેલ છે, જે દર્શકોને અને કલારસિકોને ઘણે અંશે વ્યંગયાત્મક અભિવ્યક્તિનો અનુભવ કરાવી જાય છે. આધુનિક ભારતીય સામાજિક જીવનશૈલીમાં આવેલ બદલાવ કદાચ પાશ્ચાત્ય ભોગોપવાદી જીવનશૈલી ની ભેટ હોય શકે! સામાન્ય સમાજ જીવનમાં પણ નવીન ઉપભોગો આધારિત અને તેને અનુલક્ષીને જીવાતું વલણ જોઈ શકાય એમ છે. આમ વૈભવ્ય ના ઉચાળા ખાતું જીવન જીવવાની નેમ ખાતર જ માનવ જીવન ઘણી વાર ભવિષ્યનો વિચાર કર્યા વિના જ પોતાની જાત અને સમાજને કેવી વિકટ પરિસ્થિતિમાં મૂકી દેતા હોય તેવા કિસ્સાઓ અનેક વાર સાંભળવા અને જોવા મળતા હોય છે. હોગાર્થ દ્વારા અઢારમી સદીમાં આલેખિત આ જ વિષય-વસ્તુને પોતાના સંઘર્ષ, મનોસ્થિતિ તથા અનુભવોને ૨૦મી અને ૨૧મી સદીના સમકાલીન કલાકાર ડેવિડ હોકની કેવી રીતે આલેખિત કરે છે, તે હોગાર્થના મૂળ શીર્ષકને અનુસરીને તેની પોતાની શ્રેણી માટે ધાતુપાટ છાપચિત્ર (એચિંગ્સ) બનાવવાનો નિર્ધાર કરી આધુનીક માનસિકતા સહિતના તેમના નાયક ‘રેક’ને (પોતાને) અનુલક્ષીને વિચારો પ્રદર્શિત કરે છે, જેનું સાંપ્રત સમયાનુસાર મહત્વ અને કલાની અભિવ્યક્તિ રૂપે પણ ખૂબ જ મહત્વપૂર્ણ આલેખન થયેલ જોવા મળે છે. હોકની સિવાય મહાન રશિયન ઓપેરા સર્જક ઇગોર સ્ટ્રાવિન્સ્કી દ્વારા હોગાર્થ ચિત્રિત ઉપરોક્ત વિષયને ૨૦મી સદીમાં વર્ષ ૧૯૫૧થી વેનિસ, ન્યુયોર્ક, લંડન અને પેરિસ જેવા શહરોમાં ભજવવામાં આવેલ હતું, આ ઉપરાંત વર્ષ ૧૯૭૫ના ઓપેરા પ્રસ્તુતિકરણ માં ડેવિડ હોકની દ્વારા જ કલાત્મક રંગમંચ સજાવટ અને પોશાક નું સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું. આ સિવાય ૨૧મી સદીના બ્રિટિશ કલાકાર હેન્રી હડસન દ્વારા આ જ વિષયને આધુનિક વિચાર અને અર્થઘટન સાથે ચિત્રિત કરવાનો પ્રયાસ કરેલ છે.
ડેવિડ હોકની અમેરિકાના ન્યૂયોર્કથી તેમના ૧૯૬૧ના પ્રવાસથી પરત ફર્યા ત્યારે ‘રેકની પ્રગતિ’ છાપચિત્રો પર કામ કરવાનું શરૂ કર્યું હતું, જે ૧૮મી સદીના મહત્વપૂર્ણ અંગ્રેજ કલાકાર વિલિયમ હોગાર્થના મૂળ ચિત્ર સમૂહ પર આધારિત હતો, જે એક જ સમાન શીર્ષક હેઠળ સોળ (૧૬) તાંબા-પટ ની કોતરણીના છાપચિત્ર માધ્યમ દ્વારા જીવનની નૈતિકતા આધારિત વિષય સાથે વર્ષ ૧૯૬૫માં પ્રકાશિત થયેલ હતી. હોકનીનો હેતુ હોગાર્થના મૂળ શીર્ષકને અનુસરીને તેની પોતાની શ્રેણી માટે આઠ ધાતુપાટ છાપચિત્રો (એચિંગ્સ) બનાવવાનો હતો, પરંતુ આવૃત્તિઓની સંખ્યા વધારીને તેને એક પુસ્તક તરીકે પ્રકાશિત કરવામાં આવી, જેના પર તેમણે બે વર્ષ સુધી કામ કરેલ હતું.
‘રેકની પ્રગતિ’ એ વિલિયમ હોગાર્થ દ્વારા અઢારમી સદીના બ્રિટનમાં ફેલાયેલ સામાજિક અનૈતિકીકરણના અરીસા રૂપ આલેખન હતું, જેની ચૂંગાલમાંથી વેશ્યાઓ, મહિલાઓ કૅ પાદરીઓ પણ છટકી શક્યા નથી. હોગાર્થની આ આલેખિત છાપો અઢારમી સદીના લંડનના પાપોને રંગભૂમિના દૃશ્ય સમાન અંકિત કરે છે, જે તેમના સમયમાં સંપૂર્ણપણે નવીન અને નવલકથા રૂપ હતું, તેમના આ છાપચિત્રો દ્વારા ખૂબ જ સુસંગત રીતે દર્શકોને આનંદ પમાડવા સાથે ખુદને અતિ લોકપ્રિય બનાવવામાં મહત્વપૂર્ણ માનવમાં આવે છે. ‘રેકની પ્રગતિ’ (૧૭૩૫) એ વિલિયમ હોગાર્થની બીજી છાપ શ્રેણી હતી, જે ખૂબ જ લોકપ્રિય હોવાનું સાબિત થયું હતું, જેનું મુખ્ય પાત્ર છે ટોમ રેકવેલ. ટોમનું વિલાસિન અનૈતિક પાત્ર તથા તેને સમક્ક્ષ અઢારમી સદીના બ્રિટનમાં અસંખ્ય લોકો હોઈ શકે. લૈંગિક અનૈતિકતા અથવા સ્ત્રીનીકરણ અને આંધળી પ્રગતિની દોટ સમાન જીવન તથા વ્યક્તિગત જીવનશૈલી મનુષ્યને ક્યારેક કેવીક વિકટ પરિસ્થિતિમાં મૂકી દે છે, તે ટોમ રેકવેલના પાત્ર દ્વારા અહીં અલગ-અલગ પરિસ્થિતીઓ દ્વારા આલેખિત કરાયેલ છે.
ટોમના પિતા, જે એક સમૃદ્ધ વેપારી, જેઓ અવસાન પામ્યા છે, અને ટોમ ઑક્સફર્ડ યુનિવર્સિટીથી તેના સ્વર્ગસ્થ પિતાની સંપત્તિ એકત્રિત કરવા અને બેફામ રીતે ખર્ચવા પાછો ફર્યો છે. તેની ગર્ભવતી મંગેતર સારાહ યંગને પૈસા ચૂકવવાનો પ્રયાસ કરીને તેણીને નકારી કાઢવામાં પણ ટોમે કોઈ સમય બગાડ્યો નથી. દૃશ્યને કૂટ વાંચન કરવા હેતુ હોગાર્થે દરેક છાપ-ચિત્રોને કડીરૂપ બાંધી દીધાં છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે સારાહ તેના હાથમાં સગાઈની વીંટી સાથે, તથા તેની માતા ગુસ્સાભેર તેની પાછળ ઉભી છે, જ્યારે ટોમે તેની પુત્રીને લખેલા પ્રેમ પત્રો હાથમાં પકડી તેમાંથી મુક્ત થવા ખાતર મુઠ્ઠીભર સિક્કા પકડેલ દર્શાવેલ છે.
અહીં દ્રશ્યોને જીવંત બનાવવા હોગાર્થ દ્વારા શરૂઆતના દૃશ્યમાં એક આધુનિક અને વૈભવશાળી જીવન જીવવાની આશામાં તેના સહજ ચીંથરેહાલ કુટુંબમાં; ઘરે નૃત્ય માસ્ટર, સંગીત શિક્ષક, કવિ અને દરજી દ્વારા ઘેરાયેલ તેની નવી એકલ વ્યક્તિલક્ષી ગાદીમાં ટોમ તેની આધુનિકતા સભર જીવનશૈલી પૂર્ણ કરવામાં સહાયરૂપ માળી, અંગરક્ષક અને ચાબુકસવાર જે બધા જ તેમની સેવાઓ પ્રદાન કરતા દર્શાવાયેલ છે. જેઓ તેની નવી મળી આવેલી સંપત્તિનું તુરંત શોષણ કરવા માંગે છે. ટોમનું આધુનિક જીવન પણ આધુનિક વેશભૂષા અને દુર્ગુણો સાથે લઈ આવેલું દર્શાવેલ છે, જેમ કે તેણે વેશ્યાઓના જૂથ સાથે ગુલાબ ટેવરમાં જોઇ શકીએ છીએ, જ્યાં એક સ્ત્રી ટોમના ખોળામાં બેસેલી દર્શાવાઈ છે, જે તેને એક હાથથી સંભાળ લેતી, જ્યારે બીજી એક સ્ત્રી તેની જ ઘડિયાળની લૂંટ ચલાવતી દર્શાવેલ છે. રોમન સમ્રાટોના ચિત્રો તેમની પાછળની દિવાલ પર લટકાવેલ દર્શવાયેલ છે, પરંતુ એકમાત્ર જેનું ખંડન થયું નથી તે છે ‘નીરો’, નીરો એક ભ્રષ્ટ મહિલા હતી જેણે ખ્રિસ્તીઓની ખૂબ સતામણી કરી હતી, જ્યોર્જિયનો નો અહી સ્પષ્ટ સંદેશ જોવા મળે છે, ‘ખ્રિસ્તી નૈતિકતા અહી મળી ન શકે’.
ટોમની અધોગતિભરી જીવનશૈલી લાંબું ટકતી નથી, અહીં અવનવા વળાંકો સાથે નાયિકા સારાહ યંગ તેના બચાવ માટે આવી પહોચે છે, જે ટોમના જામીન ચૂકવે છે, અને જામીનગીરીથી બચાવી લીધા છતાં, તે તેને પોતાની જાતથી બચાવી શકશે નહીં. પછીના દ્રશ્ય-ચિત્રમાં તે એક શ્રીમંત વૃદ્ધા ‘હાગ’ સાથે લગ્ન કરી રહ્યો છે. વૃદ્ધ મહિલાની આંખો આતુરતાથી રિંગ (વીંટી) તરફ અને ટોમની આંખો તેની દાસી તરફ લાલાયિત કરે છે. પૃષ્ઠભૂમિમાં સારાહ યંગ અને તેની માતા આ અંગે પોતાનો વાંધો ઉઠાવવા સંઘર્ષ કરતા દર્શાવેલ છે॰ ટોમ ફરીથી શ્રીમંત થાય છે, પરંતુ થોડા સમયમાં જ જુગારધામની લત સાથે ટૂંક સમયમાં જ તેનું નસિબ ઘૂંટણીએ આવી પડે છે, અઢારમી સદીમાં અતિશય જુગારની આદત એક વાસ્તવિક સમસ્યા હતી, જેમ કે સદીના અંતમાં, જ્યોર્જ-૩ ના પુત્ર, જે પાછળથી જ્યોર્જ-૪ બન્યા, તેમણે જુગારના દેવાં ચૂકવવાની મદદ માટે સંસદ પાસે પૈસા માંગવા પડ્યાં, જે તેને આપવામાં આવ્યા, પરંતુ વધુ પૈસાની જરૂર પડે તે પહેલાં ખુદ અત્યંત મુસીબતમાં મુકાય છે.
અંતે અન્ય લોકોની જેમ, ટોમ પણ દેવાદરોની જેલમાં જોવા મળે છે, એક તરફ તેની પત્ની તેનું નસીબ છે, તો બીજી બાજુ બીઅર-બોય અને જેલર તેને તેના સાપ્તાહિક બિલની પતાવટ માટે પજવે છે. તેમના બાળક સાથે ટોમની મુલાકાતે આવેલી સારાહ યંગ તેને આ નિરાશાજનક પરિસ્થિતિમાં જોઈને મૂર્છિત થઈ ગઈ છે. કલાકાર હોગાર્થ માટે આ પરિસ્થિતી ખૂબ જ વ્યક્તિગત રીતે સંબંધિત હોય શકે, કારણ કે તેમના બાળપણનો મોટાભાગનો સમય તેમના પિતાએ દેવાદારોની જેલમાં પસાર કર્યો હતો.
અંતિમ દ્રશ્ય “બેડલામ” માં ટોમ બેડલામ લંડનની કુખ્યાત માનસિક હોસ્પિટલમાં જોવા મળે છે, અહીં તેની છાતી પરનું નિશાન સૂચવે છે કે આત્મહત્યાના નિષ્ફળ પ્રયાસમાં તેણે પોતાને છરી મારી છે. અહી આધુનિક વેશભૂષા સજ્જ યુવતીઓ, જે થોડા સમય પહેલા જ ટોમની સાથે હતી, જે હવે તેની જ રમુજ કરતી જોવા મળે છે, જ્યારે તેની વિશ્વાસુ પ્રેમિકા સારાહ યંગ તેનો સાથ અને સંભાળ કરતી દર્શાવેલ છે. હોગાર્થ આ ચિત્રિત માધ્યમ દ્વારા સમાજના મધ્યમ વર્ગના લોકો વિશેની સમકાલીન નૈતિક જવાબદેહી અંગે વ્યંગ સાથે ચિંતા વ્યક્ત કરે છે, જેઓને અમિર-ઉમરાવોની જેમ જીવવા અને મદિરા તથા અનૈતિક લૈંગિક આનદ સાથે જીવન જીવવાનો પ્રયાસ કરે છે, જે આ પહેલાં ક્યારેય જોવા મળેલ ન હતું. હોગાર્થની ‘કોઈ કેદીઓ ન લો’ અર્થાત “તેની વાત ધ્યાને ન લેવી” એવો સામાજિક ટિપ્પણી કરવાનો અભિગમ છે, જેનાથી તે ખૂબ જ લોકપ્રિય થયો.‘રેકની પ્રગતિ’ શીર્ષક એ જ્હોન બન્યાન્સ ની ક્રુતિ ‘પિલગ્રીમ્સ પ્રોગ્રેસ’ (૧૬૭૮)નો સંદર્ભ આપે છે, જે તેના સમયે, બાઇબલ પછી બ્રિટનમાં સૌથી વધૂ વાંચવામાં આવતું પુસ્તક હતું. જાતિયતા, મદિરાપાન અને રોક એંડ રોલ નૃત્ય જીવનશૈલી એ વીસમી સદીની શોધ નહોતી, એ ઉલ્લેખનીય છે, જેનું પ્રથમ ઉદાહરણ, હોગાર્થે પોતાના ‘આધુનિક નૈતિક વિષય’ રૂપે ગણાવ્યું હતું તે “એ હરલોત્સ પ્રોગ્રેસ” (એક ગુણીકાણી પ્રગતિ) હતું.
ન્યૂયોર્કમાં સ્થાનાંતરિત, ડેવિડ હોકનીના અર્ધ આત્મકથા રૂપ‘રેકની પ્રગતિ’ છાપચિત્ર સમૂહ એ મુક્ત સમાજમાં મળેલા વૈભવી જીવનની શોધ રૂપે જોવા મળે છે. શરૂઆતમાં અહીં એક યુવાન ચિત્રકાર માટે આ બધુ જ ઉમળકાભેર અને આકર્ષણ સભર છે; તે પોતાના ચિત્રો અને છાપચિત્રોની સારી એવી વિક્રય કરે છે, જે સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિસમૂહ દ્વારા આવકારદાયક છે, તે તેના વાળને રંગથી નિખારે છે, પહેલી વાર દારૂના પિઠાઓમાં જાય છે, અને ખૂબ મોજ કરે છે. દુર્ભાગ્યે જ્યારે તેની પૈસાની તંગી દૂર થઈ જાય છે તથા સમાજના 'પ્રતિષ્ઠિત લોકો' દ્વારા તેને તેઓથી અલગ કરવામાં આવે છે! અહીં ઉલ્લેખનીય છે કે તેમનું ભાગ્ય હોગાર્થની ચિત્રકથાની જેમ ગાંડપણમાં ઉતરતું નથી, જે હોકનીના છાપસમૂહના અંતિમ બે ધાતુ પાટમાં દર્શાવવામાં આવેલ છે, અહીં તે તેના “બેડલામ” ચિત્રમાં, રોબોટ જેવી આકૃતિઓ દ્વારા‘રેક’ નો ભેદ પાડવાનો એકમાત્ર રસ્તો માથા ઉપર દર્શાવેલ એક નાના તીર દ્વારા સૂચવે છે, છેવટે તે એકસરખી ભીડભાડમાં સમાઈ પોતાની વ્યક્તિગત ઓળખ ખોઈ બેસે છે એમ દર્શાવે છે.
ડેવિડ હોકની કિશોર વયે તેમના વતનની ‘બ્રેડફોર્ડ સ્કૂલ ઓફ આર્ટ’માં અભ્યાસ કરતી વખતે નકશાકાર તરીકે તેમની પ્રતિભા દર્શાવવાનું શરૂ કર્યું. ૧૯૬૦ના દાયકાની શરૂઆતમાં લંડનની ‘રોયલ કોલેજ ઓફ આર્ટ’માં, તેમણે એક એવી શૈલીમાં કામ શરૂ કર્યું, જેમાં આકૃતિ અલંકરણ, અમૂર્તતા અને શાબ્દિક રૂપો એકસાથે જોડવામાં આવ્યા, જે તેમની ‘બ્રિટીશ પોપ આર્ટ’ ચળવળના નામથી ઓળખાયુ. અને લોસ એન્જલસ (અમેરિકા)માં ગયા પછી, તેમના એક્રેલિક રંગો થકી નીડર અને આકર્ષક રંગબેરંગી ચિત્રાંકણ શામેલ છે, જેમાં તેમના અંગત સંબંધો, તેમની સમલૈંગિકતા, સાહિત્યિક રુચિઓ અને તેમની કળા મુસાફરીમાં મૂળિયારૂપ, અને સૌથી ઉપર મૂળે એક આત્મકથારૂપ ભાવાત્મક અભિગમ જોવા મળે છે.
હોકનીની સરળ છાપચિત્ર પદ્ધત્તિ તેમના આલેખનોમાં ખૂબ જ કેન્દ્રની ભૂમિકા નિભાવે છે, ધાતુપાટ પરનો તેમનો રેખાત્મક અભિગમ તેમના કુદરતી સ્વભાવ સાથે મેળ ખાય છે, લિથોગ્રાફીનું છાપચિત્ર માધ્યમ તેને ચમકતા રંગની અન્વેષણ કરવાની સૂજ આપે છે. તેમણે ફોટોકોપી મશીનનો ઉપયોગ કરીને કાગળના માવા અને અનેક સંશોધનાત્મક છાપ-પદ્ધતિઓનો ઉપયોગ કરીને પણ નવીન આવૃત્તિઓ બનાવી. આ ઉપરાંત યુરોપ અને અમેરિકાના પ્રખ્યાત છાપચિત્રકારો અને કાર્યશાળાઓ સાથે સહયોગ કરીને પોતાના નવીન પ્રયોગો સાથે, ડેવિડ હોકનીએ લગભગ પાંચસોથી વધુ છાપચિત્રો બનાવ્યાં હશે.
૧૯૬૧માં હોકનીની ન્યુયોર્ક શહેરની પ્રારંભિક સફર દરમ્યાન, તેમના પ્રથમ મુખ્ય છાપચિત્રજૂથ “રેકની પ્રગતિ” ની રચના માટે પ્રેરણા મળી, જે વિલિયમ હોગાર્થેના અઢારમી સદીના પ્રખ્યાત ધાતુપાટ છાપચિત્રોના ચક્રને ફરીથી નવીન વ્યાખ્યા આપવા સમાન હતું. ગહન સમજશક્તિ અને મનોહર સરળ આકૃતિઓ સાથે, હોકનીનો "રેક" (પોતે) એક યુવાન કલાકાર અને ગે માણસ છે, જે ન્યૂયોર્ક શહેરમાં પોતાનો કળામાર્ગ શોધવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. થોડા વર્ષો પછી, લોસ એન્જલસમાં સ્થાયી થયા પછી તેમણે “એ હોલીવુડ કલેક્શન” નામની લિથોગ્રાફની છાપશ્રેણી પણ કરી, જે આધુનિક શહેરની કૃત્રિમ સુંદરતાને પ્રતિબિંબિત કરે છે. ઉપરોક્ત છાપ શ્રેણીઓ દ્વારા અહી ભારતીય જીવનશૈલી અને પાશ્ચાત્ય જીવનશૈલીનો વિરોધાભાસ, સામ્યતા, અનુરૂપતા અને મહત્વતા અંગે પણ વ્યક્તિગત રીતે જોઈ તેમજ વિચારી શકાય એમ છે, આ સાથે એક જ વિષયને ભિન્ન ભિન્ન સમય અને કલાકારો દ્વારા કઇ રીતે જોવામાં તથા અભિરુપિત કરવામાં આવ્યા છે, જેનું સામાજિક તેમજ વ્યક્તિગત મહત્વ અને દર્શક દ્વારા તેના સમય અનુસાર મહત્વ તથા કલાની અભિવ્યક્તિ અને અર્થઘટન જેવા પાસાઓ સમજવા તેમજ વિચારવા યોગ્ય છે.
સંદર્ભ