ભગવાંધારીઓની કામલીલાના લોક-પ્રતિકારની કથા: ‘શકરોબાજ’
ગુજરાતના ઇશાનિયા પ્રાંતના વાતાવરણમાં ધબકતા લોકજીવનને પન્નાલાલ પટેલની વાર્તાઓથી જરાક જુદી રીતે શ્રી પ્રભુદાસ પટેલે પોતાના પ્રથમ વાર્તાસંગ્રહ ‘વન્યરાગ’માં આપણી સમક્ષ મૂક્યું. વિજયનગરનું પ્રાકૃતિક વાતાવરણ અને તેમાં ધબકતું લોકજીવન પ્રભુદાસ પટેલની વાર્તાઓની પૃષ્ઠભૂમિ છે. આ જ વાતાવરણ અને લોકજીવનનાં સત્ત્વો અને સંવેદનોની વધુ ભીતરમાં જઈ સમૃદ્ધ સર્જકતાના પરિણામે ‘વન્યરાગ’ પછી પણ કેટલીક વાર્તાઓ તેમના દ્વારા પ્રગટ થતી રહી છે. તેમાં ‘શકરોબાજ’ વાર્તા તેની રૂપરચના અને સાંપ્રત સમાજની સળગતી સમસ્યાના આલેખનને કારણે એક મહત્ત્વની વાર્તા બની છે. પોતાની ચાલાકી, ઝડપ, શિકાર કરવાની આવડતને લીધી શકરોબાજ અન્ય નાનાં-મોટાં પક્ષીઓ કરતાં એક વિશિષ્ટ પ્રકારનું શિકારીપક્ષી છે, જે આછાં જંગલો અને ખેતર-વગડામાં સામાન્ય રીતે જોવા મળે છે.અહીં વાર્તામાં ‘ભગત’નો વેશ ધારણ કરીને લોકોને વર્ષોથી છેતરતો અને સ્ત્રીરૂપી સૌંદર્યપક્ષીની શોધમાં, તેના શિકારની શોધમાં રહેતો મેઘલો ભગત ‘શકરાબાજ’ રૂપે આલેખાયો છે. પરંતુ સર્વવ્યાપી એવો મનુષ્યકર્મનો સિદ્ધાંત જાણે કે લાગુ પડ્યો હોય એમ શિકાર કરવામાં માહેર મેઘલો ભગત એક નાની ભૂલ કરીને મોટી થાપ ખાઇ બેઠો છે. આ નાની ભૂલ તેના પતનની, તેના સામ્રાજ્યના અકાળે અંત માટે નિમિત્ત બને છે.
ભારત જેવા દેશમાં ભગવાં વસ્ત્રોની આડમાં ભોળી પ્રજાને ભરમાવવાની અનેક ઘટનાઓ નિત્ય બનતી રહે છે. તેવી જ એક ઘટના આ ડુંગરાળ પ્રદેશની વસ્તી વચ્ચે પણ ઘટતી બતાવી ઢોંગી લોકોની સાર્વત્રિકતા અને મેઘલા જેવા ભક્તોની પરંપરાની પ્રભાવકતા લેખકે બતાવી છે. એ આશારામ હોય, નિત્યાનંદ હોય કે મેઘલો ભગત હોય, વિસ્તાર અને વાહકો બદલાય છે, સાધકો એ જ રીતે છેતરાય છે.આવા અનેક ભગવાધારીઓ એક સમાન રીતે પોતાની કામલીલાનો ખેલ રચ્યે જાય છે. તેમની આ પાપલીલા ક્યારેક છાપરે ચડીને અને પછી છાપે ચડીને પોકારે છે. ટૂંકાગાળાની લોકસ્મૃતિને કારણે આ બધી જ ઘટનાઓ ભુલાઈ જાય છે અને આપણી ધર્મભીરુ પ્રજા ગીત ગાતીગાતી બનાવટી સાધુઓનાં કતલખાને અવિરત માથાં ધરવા તત્પર રહે છે.
સંસારથી સદા અલિપ્ત રહેલો અને હાલ તો સંસારથી સાવ પરવારી ગયેલો મેઘલો પચ્ચીસેક બકરાંની માયામાં અને દુઃખી લોકોના દોરાધાગા કરવામાં જીવન પસાર કરે છે. આ બધાની વચ્ચે તેની શકરાબાજની દૃષ્ટિ તો શોધે છે, સ્ત્રીઓના શિકારને. આવા કંઇ કેટલાયે શિકારને હજમ કરી તેની દૃષ્ટિ અને આવડત બધું પાકટ થયું છે. સાથે, ભગત તરીકેની કારકિર્દી પણ એવી પ્રસ્થાપિત થઈ છે કે એની સત્તાના ગઢનો કાંકરો પણ ખેરવવો મુશ્કેલ છે. એમાં ભળે છે રાજકારણનો સાથ. ગામનો સરપંચ પણ મેઘલાના શિકારનો ભાગીદાર બને છે. સાથે તેની સત્તા પ્રાપ્ત કરવાનું સાધન પણ મેઘલો ભગત બને છે. એકબીજાના સહકારથી સત્તાપ્રાપ્તિ અને સેક્સવૃત્તિ સંતોષવાનો માર્ગ મોકળો બન્યો છે.પરંતુ જીવનની કોઈ નબળી ક્ષણે મેઘલો એવી જગ્યાએ હાથ નાંખી બેઠો જે આજે એના વિનાશનું કારણ બન્યું છે. પહેલી વખત એનો પરચો મળી ચૂક્યો હોવા છતાં એના પ્રત્યે કામાંધ અને પોતાના ઈજારાથી બેપરવાહ બનેલો મેઘલો મોકો મળતાં તે જ સ્ત્રીને પોતાની વાસનાનો શિકાર બનાવે છે. જીવનની આ ભૂલ એના ભૂતકાળની તમામ પાપલીલાઓને છાપરે ચઢીને પોકારવા માટે નિમિત્ત બને છે.
વાર્તાની શરૂઆતમાં મેઘલો આ વાતથી બરાબર ગભરાયેલો છે. સાથે, આવા આપત્તિટાણે સરપંચનો સાથ ન મળતો હોવાથી છંછેડાયેલા પણ છે. પોતાના પ્રત્યેની ભક્તિથી અભિભૂત લોકોથી ઘેરાયેલો રહેતો મેઘલો આજે બે-ચાર સાથીઓના સહવાસથી લાચાર બન્યો છે. દીવાળીના તહેવારની સાંજે જ તેની પાપલીલાઓનો લોકો બદલો લેશે એવી આશંકાઓનાં વાદળોથી મેઘલો ઘેરાઈ ગયો છે. સાવ ગણ્યાગાંઠ્યા બચેલા સમર્થકો જે સમાચાર લાવી રહ્યા છે તે હવે બચવાની ઉમ્મીદ પર પાણી ફેરવે તેવા છે. ભયના આ માહોલથી મેઘલાની મતિ મરી જાય એવો ઘાટ રચાયો છે. ડૂબતો માણસ તણખલું ઝાલે એમ મેઘલો મનોમન બચાવપ્રયુક્તિઓ શોધતો રહે છે. સ્વ-બચાવના વિચારોમાં જ તેની પાસે રહેલું હથિયાર વાપરવાની તૈયારી સુધીનો મનસૂબો તે ઘડી કાઢે છે. પણ આ બધો મનોસંઘર્ષ તેને થકવી નાંખે છે, ને આ સ્થિતિ સામે ઝઝૂમવાની હિંમત કોઠીમાં પડેલો દારુ ગટગટાવીને મેળવે છે. નક્કી ભય ભાળી ગયેલો મેઘલો તેના ઘર પાછળની ખજૂરીઓની આડમાં જઇ સંતાઇ જાય છે ને નશામાં હોય કે ચિત્તભ્રમની અવસ્થામાં હોય, લોકહુમલો થાય તો તેનો વળતો હુમલો કરવાના મનસૂબા ઘડતો ઘડતો થોડીવાર જંપી જાય છે. અચાનક જાગે છે તો જાણે સાચે જ શકરાબાજ પર સાવ સામાન્ય લાગતાં પક્ષીઓએ આક્રમણ કર્યું છે. એકલદોકલ કે પરિસ્થિતિવશ સામનો ન કરી શકનારાં પક્ષીઓ આજે એકજૂટ થઈને શકરાબાજનું પીંછેપીંછું ખેરવી નાંખે છે.
આમ, મનુષ્યની અમર્યાદિત કામેચ્છાએ ક્યાંક ધવલ વસ્ત્રોનો આશરો લીધો છે તે ક્યાંક ધર્મનો. પણ ભારત જેવા દેશમાં આવો અનાચાર અને પાપાચાર સાર્વત્રિક છે એ આ વાર્તા દ્વારા સૂચવાય છે. ભોળી,અભણ અને અશિક્ષિત પ્રજાની વચ્ચે પણ કામાચારને પોષતા ‘શકરાબાજ’ ટાંપીને બેઠા છે. ત્યાં જ્યારે તેમના પાપોનો અતિરેક વધી જાય છે ત્યારે કાયદો પણ દૂર રહી જાય છે અને એ ભોળાં પારેવાં જેવી પ્રજા શકરાબાજ જેવા શિકારીને પણ પીંખી નાંખે છે.
વાર્તાનું વસ્તુ, તેની વાર્તામાં થયેલી માવજત અને પ્રદેશિક બોલીના બળકટ ભાષાપ્રયોગ વાર્તાને આસ્વાદ્ય બનાવે છે. કહેવતો અને રૂઢિપ્રયોગોનો સમુચિત ઉપયોગ પણ લેખકની કથ્યરીતીને વધારે ધારદાર બનાવે છે. વાર્તાના શરૂઆતથી ઊભું થયેલું ‘ટેન્શન’ ભાવકને વાર્તાના પ્રવાહમાં સામેલ કરી દે છે. મધ્યમાં ઊભો થતો પાત્રનો મનોસંઘર્ષ અને ઊભી થયેલી પરિસ્થિતિ સામે લડવાનો વલોપાત વાર્તાને ઉપકારક નીવડે છે. અંતે થતો શકરાબાજનો અણધાયો અંત પણ નૂતન અર્થ-સંદર્ભ જોડી આપી વાચકની જિજ્ઞાસાને સંતોષે છે.
લોકબોલી અને પ્રાદેશિક વાતાવરણ આ વાર્તાનું જીવનાભૂત તત્ત્વ હોવા છતાં લેખકની ભાષા અને બોલીપ્રયોગો વચ્ચેની સમતુલા ક્યાંક ખોરવાતી હોય એવું જણાય છે. કથન,વર્ણન અને સંવાદમાં વપરાતા ભાષા અને બોલીના રૂઢ પ્રયોગો અને પ્રદેશગત લાક્ષણિકતાઓ દરેક વખત સચવાતાં હોય એવું બન્યું નથી. એટલે એક જ પ્રદેશના બોલીના જુદાં જુદાં સ્વરૂપ કાને પડે છે. ‘લોકશ્રદ્ધા અને ખ્યાતિના વાવાઝોડામાં...’ જેવા પ્રયોગો આખી વાર્તાના ભાષાના સ્વરૂપને જોતાં વાર્તાથી સાવ છૂટા પડી જતાં હોય એવું અનુભવાય છે. સાથે, ક્યાંક એકોક્તિ, સંવાદ કે કથન વચ્ચેની ભેદરેખા ભૂંસાઇ જતી જોવા મળે છે. વાર્તા એ સંકેતોની કલા છે એ સુવિદિત હોવાં છતાં મુખ્ય ઘટનાના સંકેતો અને પાત્ર જે ઘટનાને આજીવન અંજામ આપતું રહ્યું છે તેના સંકેતો સાવ પાંગળા અને આલેખનની અધૂરપ દર્શાવનારા લાગે છે.
આવી કેટલીક મર્યાદાઓને બાદ કરતાં ‘શકરોબાજ’ વાર્તા તેના પક્ષીજીવના સંકેતોને માનવજીવન સાથે જોડવામાં અને આખી ઘટનાની પ્રતીકાત્મકતા ઉપસાવામાં સફળ રહી છે. ધોળાં-ભગવાંની મિલીભગતે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતના રાષ્ટીય વાતાવરણને ડહોળવાનું કામ કર્યુ છે તેના પ્રતિસાદ રૂપે આવી ઘટનાને આલેખતી વાર્તા રચાય એ ગુજરાતી સાહિત્ય માટે આવરકારદાયક ઘટના છે. મર્યાદિત વિષયો અને પ્રાદેશિક પ્રશ્નો વચ્ચે જ વિરમી જતી ગુજરાતી વાર્તામાં એક નવીન વાર્તા તરીકે આ વાર્તાનું એક ચોક્કસ મૂલ્ય છે જે નોંધવું રહ્યું.
સંદર્ભ