ઇ.સ. ૨૦૨૨ નાટકની મંચન-ક્ષમતા અને તેમાં જોવા મળતા પડકારો
'જ્યારે કોઈ નાટ્યકાર નાટકનું સર્જન કરે છે ત્યારે બીજા સાહિત્ય સ્વરૂપોની જેમ એ 'લખતો' નથી પણ 'કરતો' હોય છે.એટલે કે 'નાટક લખ્યું' એમ નહિ પણ 'નાટક કર્યું' એમ નાટ્ય સર્જન બાબતે બોલવું ઉચિત જણાય.'
સતીશ વ્યાસની ઉપરોક્ત વિભાવના અહીં મૂકવી એટલા માટે ઉચિત જણાય છે કારણ કે અહી વાત કરવાની છે નાટક સાથે જોડાયેલા અવિભાજ્ય અંગની, નાટક ભજવવાનો વિષય હોય - રચાયેલા નાટકની ભીતર પડેલા મંચન ક્ષમતા સાથે જોડાયેલા પ્રશ્નોની, પડકારોની. માટે અહી સતીશ વ્યાસે કહેલી વાત દ્વારા તેમને અહીં યાદ કરવા ઘટે.કારણકે,નાટક એ દ્વિજ સ્વરૂપ છે.પ્રથમ અવતરણ જો કાગળ પર ગણીએ તો સંપૂર્ણ સ્વરૂપે એ બીજા પગલે, તખ્તા પર ઉભરતું હોય છે.ત્યારે નાટકની રચનામાં પણ નાટકનું નાટ્યવસ્તુ,નાટ્ય પરિવેશ,પાત્ર રચના વગેરે અનેક ઘટક અંગો વિશે વિચારીએ ત્યારે નાટકની મંચન ક્ષમતાનાં, નાટકમાં રહેલાં પ્રશ્નો-પડકારો પણ એટલાં જ મહત્વનાં સ્થાને બિરાજમાન થયેલાં અનુભવાય છે.જેને ઉકેલવાનું કરી પણ એ નાટકનાં મંચન દ્વારા જ થઈ શકે.
એટલે કે નાટક એ એક એવો પ્રકાર છે કે જેની સર્જન પ્રક્રિયાનાં પ્રથમ પડાવે મળતી સમસ્યાઓ, નાટકની મંચન પ્રક્રિયાનાં બીજા પડાવમાં ખુલે છે.અને એનો ઉકેલ પણ બીજા પડાવમાં એટલે કે,નાટ્ય મંચન માટેનાં મંથનમાંથી જ આવે છે.આ એક એવું સ્વરૂપ છે કે જેની લેખન પ્રક્રિયામાં રહેલી - નાટકને માટે જરૂરી હોય- ઉભી કરેલી સમસ્યાઓ, પ્રશ્નો, પડકરોનો ઉકેલ પણ એનાં મંચનમાં જ છુપાયેલો હોય છે.આ એક એવું સર્જન છે કે જેમાં રહેલી સમસ્યાઓ સર્જનને સફળ બનાવશે કે નહિ એનો મદાર કોઈ શાસ્ત્ર થી વધુ નાટકના સર્જનનાં બીજા પડાવ - મંચનને આધારે ઘણો ખરો હોય છે.
અહીં વાત કરવી છે, નાટક 'ઇ.સ.૨૦૨૨'ની. 'ઇ.સ.૨૦૨૨' નાટકની મંચન ક્ષમતા સાથે જોડાયેલાં પ્રશ્નોની, પડકારોની. ત્યારે સૌ પ્રથમ આ નાટકનો પરિચય મેળવીએ તો, નાટ્યકાર છે પરેશ નાયક. પરેશ નાયકનું આ દ્વીઅંકી નાટક છે. બીજા પણ દીર્ઘ નાટકો આ તેમની પાસેથી મળે છે. જેમકે ફારગતી, છાનું-છપનું,ચક્રવાત. 'ઇ.સ.૨૦૨૨'ની પ્રથમ આવૃત્તિ ૨૦૧૦માં પ્રગટ થયેલી છે. પરંતુ, તે લખાયેલું ૧૯૯૮-૧૯૯૯ માં. અને 'શબ્દસૃષ્ટિ'નાં નાટ્ય વિશેષાંકમાં એ પ્રગટ થયેલું.પરંતુ પ્રથમ આવૃત્તિ ૨૦૧૦ માં પ્રગટ થાય છે. જેમાં ઇ.સ. ૨૦૨૨ની એક સર્જક ચિત્તમાં જન્મેલી કલ્પના નાટ્ય ગત સ્વરૂપ ધારણ કરે છે.
ઇ.સ. ૨૦૨૨નું નાટ્યવસ્તુ જોઈએ તો,મુખ્યત્વે બે પાત્રો છે જેના દ્વારા આખુયે નાટક અંત સુધી ખેડાયું છે. જેમાં અંતે એક ત્રીજું પાત્ર - સ્ત્રી પાત્ર થોડી ક્ષણો -નાટકની અંતિમ ક્ષણો માટે આવે છે. જે માત્ર એક સંવાદ(?)માટે આવે છે. એટલે કે એના મોં માં માત્ર એક સંવાદ છે. જેનો અવાજ કોઈ અર્થ ધરાવતો નથી. આ સંવાદના અભાવનું નાટક છે. જેની ભોંય વિસંવાદિતાને કારણે ઉભી થયેલી વિભીષિકા માં રચાઈ છે. આ 'સામાજિક' નાટકની શરૂઆત થાય છે સમાજનાં અંત થી. પૃથ્વી પર થી આખોએ માનવસમાજ અંત પામ્યો છે અને બચ્યા છે માત્ર બે જણ. એક છે આધેડ વયના 'દીનું ભૈ' અને બીજો છે યુવાન વયનો 'આલ્બર્ટ'. દીનું ભૈ ચરોતરી છે અને આલ્બર્ટ 'હાફ ગુજ્જુ'. દરિયા કિનારાનો પરિવેશ છે. અહીં દિનું ભૈ એકલા છે અને સાયકલ પર સફરજન(વગેરે) લઈને કોઈ બીજા માણસની શોધમાં નીકળેલો આલ્બર્ટ અહીં આવી ચડે છે.
ડહોળાયેલા દરિયા જેવું વિસંવાદિતા નું વાતાવરણ અહીં પ્રથમ મુલાકાતે બંને પાત્રોનાં વર્તન દ્વારા રિફ્લેક્ટ થાય છે. અને બંને વચ્ચે ધીમે ધીમે એક સંવાદનો સેતુ રચાય છે. જેમાં કોઈ એક 'ત્રીજાં' જણની શોધની આશાનું કિરણ લઈ એ રોનોટના સહારે હાથ આવેલ જહાજ લઈ નીકળી પડે છે દરિયો ખુંદવા. અને એ બન્નેનાં જવાની સાથે જ ત્રીજું પાત્ર એટલે કે એક સ્ત્રી પાત્ર આવી ચડે છે. એ જ જગ્યાએ, જ્યાં થી એ બંને એને જ શોધવા માટે આ જગ્યા છોડીને ગયા છે. અને સ્ત્રી જહાજ જતું જોઇ સાદ પાડે છે પણ એનો અવાજ પહોંચતો નથી. નાટક અહીં પૂરું થાય છે.
આ નાટકની મંચન ક્ષમતાને લઈને પ્રથમ પડકાર છે પરિવેશ. દરિયાનો પરિવેશ ઉભો કરવો એ દિગ્દર્શક માટે એક પડકાર છે જેને માટે, ખાસ તો પ્રયુક્તિ માટેનો અવકાશ અહીં દિગ્દર્શકને મળે છે. કે તે કેવી રીતે દરિયાને રંગમંચ પર લાવે. અલબત્ત દરિયાકાંઠો લાવવાનો છે. એટલે અવાજથી -શ્રાવ્ય માધ્યમથી કે પછી દૃશ્યાત્મક પ્રયુક્તિઓથી દરિયાને રંગમંચ પર જીવિત કરવો દિગ્દર્શક માટે પડકાર પણ છે. અને એમાં પોતાનું સર્જકત્વ રચવાનો એક અવકાશ પણ છે.
તો પાત્રગત પડકારો પણ અહી જોવા મળે છે. જેમાં માત્ર બે જ પાત્રો છે. અને બન્ને દરિયા કિનારે છે. અને વાત-ચીતનાં માધ્યમથી આખુએ નાટક તેઓ ભજવે છે ત્યારે આંગિક અભિનયનો અવકાશ અને વાચિક અભિનયનો અવકાશ લેખકે સર્જ્યો છે. પરંતુ તે છતાં એ બંને પાત્રોનો પરિચય માત્ર ભૂતકાળનાં સંસ્મરણોથી જ અહીં દર્શક સામે આવે છે. ત્યારે અહીં અભિનયની દૃષ્ટિએ પણ પડકાર રૂપ ક્ષણો અહીં જોવા મળે છે. જેમ કે બંનેના મનઃસંચલનોની સ્થિતિ ક્રિયા દ્વારા સીધી રીતે ન આવતી હોય પરંતુ ભૂતકાળનાં સંસ્મરણો સાથે વાચિક અભિનયમાં આવે ત્યારે મનઃસ્થિતિનો ઉઘાડ અભિનયથી અભિવ્યક્ત કરવાનો આવે ત્યારે લેખકે સંવાદોનો ખૂબ સુંદર વિનિયોગ કર્યો છે. જે મનઃસંચલનોની વિષાદભરી અવસ્થાને વેધક રીતે અભિવ્યક્ત તો કરે જ છે. પરંતુ એ સુરને એ રીતે સમજવા માટે અભિનેતાની સજ્જતા પણ અહી ધ્યાનાર્હ ગણવી પડે. કેમ કે જો એ યોગ્ય રીતે ન સમજે તો સંવાદ પોતાની પ્રબળતા ગુમાવી બેસે. એવા આ નાટકના બંને પાત્રો, દિનુ ભૈ અને આલ્બર્ટ વચ્ચેના કટોકટી ભર્યા માનસિક સંઘર્ષ નિરૂપણમાં આવા સંવાદ જોઈ શકાય. જે પાત્ર ગત પડકારને રજૂ કરે છે.
જેમકે, નાટ્ય આરંભે દિનુ ભૈ એકલા જ રંગમંચ પર છે અને ત્યારે તેમની ક્રિયા પ્રક્રિયાઓ હળવી શૈલીમાં છે પરંતુ આખાએ નાટકનાં સૂરમાં એ હળવાશ પણ એક ટ્રેજેડી ભર્યા સુર સાથે સંવાદ સાધે છે. જે અભિનેતાની પાત્ર સાથેની એકાત્મતા પર આધાર રાખે છે. એટલે કે અભિનેતા નાટકનાં સૂરને સમજે, પાત્રનાં ઉંડાણને સમજે પછી જ એ નાટ્ય આરંભે રહેલી હળવાશ માહ્યલી ગંભીરતાને સમજી શકે. તો છીપલાં વીણતાં, ને છીપલે રમતા દિનુ ભૈ અને આલ્બર્ટની આ બાલિશ લાગે તેવી હરકત પણ નાટ્યના ગંભીર સૂરને પ્રગટાવવામાં એક મહત્વનું દૃશ્ય બને છે અને એનો આધાર બંને કલાકારોની અભિનય રિતી પર પણ આધાર રાખે છે. પછી તે રીતિ આંગિક હોય કે વાચિક ! પરંતુ એ ક્રિયા માટે જવાબદાર માનસિક તાણ અહી અભિવ્યક્ત થવી જરૂરી બને છે. અને એ માટે સંવાદો પણ તો જ સહાય રૂપ બની શકે, જો એ પાત્રનાં ઉંડાણ સુધી જઈ શક્યા હોય. એટલે પાત્રને સમજવાનો આ પણ એક મહત્વનો પડકાર છે.
અહીં નાટ્ય સમગ્રની દૃષ્ટિએ નાટકનાં રંગમંચીય પડકારો જોઈએ તો, સૌ પ્રથમ તો નાટકના બંને પાત્રોને ભાગે મોટો પડકાર એ આવે કે બીજી કોઈ મહત્વની ક્રિયાઓ ન હોય, સ્ત્રી પાત્ર ન હોય(સામાજિક સ્વરૂપ ગણાય, નીરસતા નો અનુભવ પણ સામાજિક- દર્શક કરી શકે એવો મોટો ભય પણ ખરો, પડકાર ગણો તો એમ!) અને વિષય પણ એક વૈચારિક તરંગમાંથી ઉપસ્યો હોય, વિષય બાબતે પણ પ્રેક્ષકોની દૃષ્ટિએ સ્વીકાર્ય ન બને એ મોટો પડકાર છે. એટલે કે નાટકમાં રહેલી ફેન્ટસી પણ અહીં એક પડકાર બની ને આવે છે. જે સક્ષમ નાટ્યકર્મીને માટે પણ પડકારનો વિષય બની શકે. સક્ષમ દિગ્દર્શકને માટે પણ પડકારનો વિષય બને એવું આ નાટક છે. અને એટલે જ એમાં રહેલી દિગ્દર્શનની અવકાશ ભરી શક્યતાઓ પણ અહી આકર્ષણનું કેન્દ્ર બની શકે છે.