Included in the UGC-CARE list (Group B Sr. No 172)

કાલિદાસવિરચિત “મેઘદૂત” : આસ્વાદલક્ષી નિરીક્ષણો

“કવિકુલ ગુરુ” અને “મહાકવિ” જેવા બિરુદોથી જેમને નવાજવામાં આવ્યા છે એવા સંસ્કૃત સાહિત્યના પ્રખર સર્જક કવિ કાલિદાસ માત્ર ભારતીય સર્જક નથી પણ પોતાના સર્જનોન્મેષથી તેમણે સમગ્ર વિશ્વને પ્રભાવિત કર્યું છે. તેમની પાસેથી બે મહાકાવ્ય “રઘુવંશમ્” અને “કુમારસંભવમ્”; બે ખંડકાવ્ય “ઋતુસંહાર” અને “મેઘદૂત” તથા ત્રણ નાટક “અભિજ્ઞાનશાકુંતલ”, “માલવિકાગ્નિમિત્રમ્” પ્રાપ્ત થાય છે. આ સાતે ય કૃતિ પોતપોતાના આગવા સર્જનસંદર્ભથી ભાવકોને આકર્ષે છે અને જકડી રાખે છે. ભારતીય તો ખરા જ ગ્યુથે જેવા અનેક વિદેશી સાહિત્યમર્મીઓ પણ કાલિદાસરચિત સાહિત્યના ભાવનથી રસાનંદમાં તરબોળ થયા છે.

आषाढस्य प्रथमदिवसे मेघमाश्लिष्टसानु
वप्रक्रीडापरिणतगजप्रेक्षणीयं ददर्श।।


અષાઢ મહિનાના પ્રથમ દિવસે પહાડની ટોચ પર ઝૂકેલા વાદળને વિરહી કાવ્યનાયક યક્ષ ક્રીડામગ્ન હાથી જેવો અનુમાને છે. આ શ્લોકમાં કવિનો પ્રકૃતિપ્રેમ તો પ્રગટ થાય જ છે પણ સાથોસાથ હાથીની ક્રીડામગ્નતાની જેમ વિરહી નાયકની પ્રેમમગ્નતાને પણ તેઓ સાંકેતિક રીતે વ્યક્ત કરે છે. અષાઢ મહિનાનો પ્રથમ દિવસ અને મેઘનું આગમન માનવ મન માટે કેટલું આનંદ આપનાર હોય છે તે તો કેવળ પ્રકૃતિ પ્રેમી જ જાણી શકે. જેટલી સહજતાથી કાલિદાસનો પ્રકૃતિપ્રેમ તેમની તમામ કૃતિઓમાં આપણે સાનંદ માણી શકીએ છીએ એટલી જ સહજતાથી, બલ્કે બળકટ રીતે તેમણે નિરૂપેલ માનવસહજ મનોભાવો માણવાનો અવકાશ પણ તેમની કૃતિઓમાં જોઈ શકાય છે. તેમના મેઘદૂત નામના ખંડકાવ્યને આધારે માનવીના મનોભાવોને પારખવાની અને નિરૂપવાની તેમની સર્ગશક્તિને અભ્યાસ દ્વારા સંસ્પર્શવાનો આ નમ્ર પ્રયાસ છે.

મેઘદૂત એ કવિ કાલિદાસની પ્રગલ્ભ પ્રતિભાનું સર્જન છે. મેઘદૂત એ કાવ્યરચના છે. યક્ષ દ્વારા મેઘને દૂતકાર્ય કરવાની વિનવણી અને મેઘ દ્વારા થતું દૂતકાર્ય - એ વર્ણ્ય વિષય જોતાં આ કાવ્યને દૂતકાવ્ય તરીકે ઓળખવામાં આવે છે. દૂતકાવ્યોના શીર્ષકમાં મોટેભાગે “દૂત” કે “સંદેશ” શબ્દપ્રયોગ થતો હોય છે જેમકે મેઘદૂત, સંદેશકરાસક વગેરે. કાલિદાસના મેઘદૂત કાવ્યના બે શીર્ષક મળે છે - “મેઘદૂત” અને “મેઘસંદેશ”. તેમાં “મેઘદૂત” શીર્ષક વધુ જાણીતું છે. સ્વરૂપગત દૃષ્ટિએ જોઈએ તો મેઘદૂતના કાવ્યસ્વરૂપ બાબતે જુદા જુદા વિદ્વાનોમાં મતભેદ જોવા મળે છે. સ્થિરદેવના મતાનુસાર મેઘદૂત એ શૃંગારિક મહાકવ્ય છે. તેઓ આ કાવ્યને ક્રીડાકાવ્ય તરીકે પણ ઓળખાવે છે. કાવ્યમીમાંસક વલ્લભદેવ આ કાવ્યરચનાને “કેલિકાવ્ય” તરીકે ઓળખાવે છે. “ક્રીડાકાવ્ય” અને “કેલિકાવ્ય”માં સ્વરૂપગત ઘણી સામ્યતાઓ હોય છે. સંસ્કૃત સાહિત્યના જાણીતા મીમાંસક આચાર્ય વિશ્વનાથ “મેઘદૂર”ને ખંડકાવ્ય તરીકે ઓળખાવે છે. ટીકાકાર મલ્લિનાથે મેઘદૂત કાવ્યને બે ખંડમાં કલ્પ્યું છે - પૂર્વમેઘ અને ઉત્તરમેઘ. જોકે આ કાવ્ય છે તો સળંગ રચના જ છે. પંડિત યુગીન સાહિત્યવિવેચક બ.ક.ઠાકોર “મેઘદૂત”ને “સુસંકલિત મુક્તકોનું કાવ્ય” કહે છે. તો મોટા ભાગના પાશ્ચાત્ય વિવેચકો આ સંદર્ભે આચાર્ય વિશ્વનાથનો મત સ્વીકારે છે અને મેઘદૂતને ખંડકાવ્ય તરીકે ઓળખાવે છે. આપણે ત્યાં ગુજરાતી સાહિત્ય વિવેચનમાં મેઘદૂતના કાવ્યસ્વરૂપ બાબતે એકમત જોવા મળે છે અને તેને ખંડકાવ્ય તરીકે જોવા/માણવામાં આવે છે.

આ કાવ્યના આરંભમાં જ “શાપ”નું કથાઘટક-Motif પ્રયોજાયેલ જોવા મળે છે. કથાઘટક એ જુદી જુદી કથાઓમાં “ચાલકબળ” (ડૉ. હેમંત પરમાર) તરીકે કાર્યાન્વિત હોય છે. પત્ની પ્રત્યેના રાગાનુરાગને કારણે પોતાની ફરજ પ્રત્યે અસાવધ રહેનાર યક્ષને યક્ષપતિ આખું વર્ષ પત્નીથી દૂર રહી પત્નીવિરહમાં તડપવાનો શાપ આપે છે. ડૉ. રાજેશ મકવાણાએ મોટિફ વિશે કહ્યું છે - “મોટિફ એક હોય પણ કથા અલગ અલગ બને છે. મોટિફ એવી ઈંટ છે કે જેથી જુદા જુદા આકારો ચણી શકાય છે.” મેઘદૂત કાવ્યમાં પ્રયોજાયેલ “શાપ”ના મોટિફ વિશે પણ ડૉ. રાજેશ મકવાણાનું આ મંતવ્ય બંધ બેસતું આવે છે. “શાપ” નું મોટિફ પ્રાચીનકાળથી ભારતીય સાહિત્યમાં પ્રયોજાતું આવેલ મોટિફ છે. વળી, આ કાવ્યમાં તો તે પાયારૂપ ભૂમિકા ભજવે જ છે. જો યક્ષપતિ યક્ષને શાપ જ ન આપત તો આ કૃતિનો વસ્તુવિકાસ જ શક્ય ના બનત.

આ કાવ્યનું વસ્તુ કઈંક આ પ્રમાણે છે : યક્ષ કુબેરનો સેવક હતો. પોતાની પત્ની તરફના રાગાવેગને કારણે તે કુબેરની સેવામાં ચૂક કરે છે. દરરોજ સવારે પૂજા માટેના તાજા કમળના પુષ્પ કુબેરની સેવામાં લઈ આવવાની ફરજ યક્ષની હતી. રોજ વહેલી સવારે પ્રિયતમાનો સહવાસ છોડી કુબેરની સેવામાં જવાનું તેને આકરું લાગતું. એક વખત બીજા દિવસની વહેલી સવારે પત્નીનો ઉષ્માસભર સહવાસ માણવાની ઈચ્છાથી આગલી રાતે જ તે કમળના પુષ્પો તોડી રાખે છે. બીજા દિવસે કુબેરને એ પુષ્પો આપે છે. પૂજા સમયે એ પુષ્પોમાંથી ભમરો નીકળે છે. કુબેર ગુસ્સે થાય છે અને યક્ષને શાપ આપે છે કે જે પત્ની પ્રત્યેના રાગાવેગથી તેં આ ભૂલ કરી છે એ પત્નીથી તારે એક વર્ષ દૂર રહેવું પડશે અને તેના વિરહમાં ઝૂરવું પડશે તથા યક્ષ તરીકેની તારી તમામ શક્તિઓ આ એક વર્ષ માટે છીનવી લેવામાં આવે છે. આમ યક્ષને એક વર્ષ માટે દેશવટાની સજા થાય છે. દૈવી શક્તિ ગુમાવ્યા બાદ યક્ષ રામગિરિ પર્વત પર આવેલ આશ્રમમાં સામાન્ય માણસની જેમ જીવવા લાગે છે. પત્નીના વિરહમાં યક્ષે રામગિરિ પર્વત પર આઠેક મહિના જેમતેમ વિતાવ્યા હશે ત્યાં અષાઢ મહિનાનું આગમન થાય છે. અષાઢના આગમનનો માદક પ્રભાવ સમગ્ર પ્રકૃતિ અને જનસ્વભાવ પર ખૂબ ઘેરો પડતો હોય છે. તમામ દૈવી શક્તિઓ ગુમાવી ચૂકેલો યક્ષ પણ સામાન્ય માણસની જેમ અષાઢના માદક પ્રભાવથી વધારે વિરહવેદના અનુભવે છે.

અષાઢ મહિનાના પ્રથમ મેઘનું દર્શન થતાં કાવ્યનાયક ભાવવિભોર બની જાય છે. પોતાની પ્રેમવિહવળતાથી તે પત્નીના પ્રેમવિરહનું અનુમાન લાગવે છે. તેને લાગે છે કે જેમ અષાઢનું આ મેઘદર્શન મારા માટે આકરું છે એમ મારી પત્નીને પણ તે આકરું લાગશે. મારી પત્નીને કોઈ રીતે મારો પ્રણયસંદેશ પહોંચાડી શકું તો તેને થોડી સાંત્વના મળશે. પણ પોતાનો પ્રણયસંદેશ લઈ કોણ જાય ? પોતાના પ્રણયસંદેશના વાહક તરીકે યક્ષની દૂત પસંદગી પણ દાદ માંગી લે એવી છે.

મહાભારતના શાંતિપર્વમાં દૂતના લક્ષણો આ પ્રમાણે વર્ણવ્યા છે :
કુલિવકુલ સંપન્નો વાગ્ભીદક્ષ: પ્રિયંવદ: I
યશોક્તવાદી સ્મૃતિમાન્ દૂત:સ્યાત્ સપ્તભિગુળૈ: II (શાંતિપર્વ, મહાભારત)

અર્થાત્ દૂત કુળવાન, વાણીદક્ષ, પ્રિય બોલવાવાળો, કહ્યા પ્રમાણે જ સંદેશ પહોંચાડનાર અને યાદશક્તિવાળો હોવો જોઈએ.

કાલિદાસનો અર્થાત મેઘદૂતના કાવ્યનાયક યક્ષનો દૂત મેઘ છે. યક્ષ મેઘના “પુષ્કર” અને “આવર્તક” કુળની ભરપૂર પ્રસંશા કરે છે ત્યારે મેઘની કુલીનતાનો પરિચય થાય છે. મેઘની ગર્જના-વાણી કોને ન ગમે ? તેની ગર્જના પ્રકૃતિ જગતમાં ચેતનનો સંચાર પેદા કરે છે.આમ, તેનું આગમન અને તેની ગર્જના એટલે કે તેની વાણી સૌને પ્રિય હોય છે. મેઘ હંમેશ પોતાની નિર્ધારિત ઋતુમાં આગમન કરે છે (આજે હવે મેઘ મનફાવે ત્યારે આવે છે અને વરસે છે એમાં તેનું ઋતુચક્ર ખોરવાયું જણાય છે. પણ એ માટે મેઘ નહીં પણ પોતાના ઉપભોગ માટે પ્રાકૃતિક સંપદાનો ભોગ લેનાર માણસ વિશેષ જવાબદાર છે એ વાતથી હું અને આપસૌ સુજ્ઞજનો ક્યાં વાકેફ નથી.) એમાં તેની પ્રામાણિકતા અને સ્મૃતિશક્તિના ઇંગિત મળે છે.

વિજ્ઞાનની પરિભાષામાં જોઈએ તો મેઘ એ અચેતન પદાર્થ છે. માણસની આ નબળાઈ કહો કે સબળાઈ, પોતાનું દુખ તે જ્યારે અન્ય માણસને નથી કહી શકતો ત્યારે અબોલ જીવો અને અચેતન પદાર્થો પાસે હૈયાછૂટી વાત કરે છે; પોતે જ્યારે ભાવવિભોર બને છે ત્યારે તે એ ભૂલી જાય છે કે પોતે અચેતન પદાર્થ સમક્ષ પોતાની લાગણી વ્યક્ત કરી રહ્યો છે. માણસનો આ ગુણ જ સાહિત્યમીમાંસાની પરિભાષામાં સજીવારોપણ અલંકાર બને છે. પત્નીપ્રેમમાં મુગ્ધ બનેલ યક્ષ પણ ચેતન અચેતનનો ભેદ ભૂલી જાય છે અને અચેતન મેઘ સમક્ષ પોતાની ભાવમય વાણીને વહેતી મૂકે છે તથા પોતાની પત્ની સુધી પોતાનો પ્રણયસંદેશ પહોંચાડવા મેઘને આર્જવસભર વાણીથી વિનવે છે.

કાલિદાસે કાવ્યનાયક તરીકે કોઈ લોકનાયક નહીં પણ લોકોત્તર નાયકની પસંદગી કરી છે. એમાં પણ સર્જકની દીર્ઘદૃષ્ટિનો પરિચય થાય છે. મનુષ્ય તો પ્રણય વેદનાથી અવગત જ છે. એક મનુષ્ય પર બીજા મનુષ્યની પ્રણયવેદના બહુ અસરકારકતા કે પ્રભાવકતા ના જન્માવી શકે એ સર્જક બરાબર સમજે છે. એટલે જ કાલિદાસ પોતાની કૃતિઓમાં લોકોત્તર પાત્રો કે દૈવી પાત્રોને માનુષી પ્રેમમાં પાડે છે અને એ રીતે મનુષ્યની જેમ એમને પ્રેમવિરહમાં તપાવે છે, તડપાવે છે. આવા પાત્રોના નિરૂપણ દ્વારા કાલિદાસ એક રીતે માનુષી પ્રેમની જ મહિમા કરતાં જણાય છે. કાલિદાસનો આવો સર્જનાત્મક પ્રપંચ જ તેના ભાવકોને રાજી રાખવામાં ખરો ઉતરે છે.

મેઘદૂતનો નાયક લોકોત્તર છે એટલે એ નાયક જેને દૂત તરીકે પસંદ કરે એ દૂત પણ લોકોત્તર હોય તો ભાવક પક્ષે એ વધારે ગ્રાહ્ય બને છે. આ રીતે મેઘની દૂત તરીકેની પસંદગી કાવ્યને વધારે પ્રભાવક બનાવે છે.

યક્ષનું વ્યક્તિત્વ ભાવનાશીલ તો છે જ પણ એ સાથે સાથે તે શાણો, વ્યવહારકુશળ, ચપળ દૃષ્ટિવાળો અને જ્ઞાની પણ છે. એટલે જ તે મેઘ સમક્ષ સીધે સીધો પોતાનો પ્રણયસંદેશ લઈ જવાની વાત નથી કરતો પણ મેઘ અને તેના કુળની ભરપૂર પ્રસંશા કરે છે. તે સૌ પહેલા મધુરવાણી અને પ્રસંશાવચનોથી મેઘનું મન હરે છે. મેઘને એ સતત આશીર્વાદ આપતો રહે છે. છેલ્લે તો એ પોતે જે રીતે પત્નિવિરહથી તરફડે છે એવી તરફડાહટનો અનુભવ મેઘને ક્યારેય ના કરવો પડે; મેઘને તેની પ્રિયતમા વીજળીથી ક્યારેય અળગા ન થવું પડે એવા આશીર્વાદ આપી તે મેઘને સ્નેહપૂર્વક વશ કરી લે છે. ત્યારબાદ એ પોતાની પ્રિયતમાને જે સંદેશ પહોંચાડવા ઈચ્છે છે એ કહી સંભળાવે છે.

મેઘ સમક્ષ અલકાનગરી પહોંચવાના માર્ગનું અને એ નિમિત્તે નૈસર્ગિક સૌંદર્યનું વર્ણન કરે છે એમાં યક્ષનું અને એ નિમિત્તે સર્જક કાલિદાસનું ભૌગોલિક જ્ઞાન, તેમની પરિભ્રમણવૃત્તિ, પ્રકૃતિપ્રીતિ અને દૃષ્ટિસૌંદર્યના દર્શન થાય છે.

આમ, મહાકવિ કાલિદાસની આ કાવ્યરચના ભિન્ન ભિન્ન રીતે અને દૃષ્ટિએ ભાવકોના મનને હરી લે છે. આવા અનેક કાવ્યગુણો આ કૃતિમાં અનુસ્યૂત છે જે દરેક સહૃદય ભાવકને આકર્ષે છે અને કાલિદાસની સર્જનાત્મક પ્રતિભાનો પરિચય કરાવે છે.

સંદર્ભસૂચિ :

  1. મેઘદૂત, કાલિદાસ (અનુવાદ : કિલાભાઈ ઘનશ્યામ); સંપાદક : ગૌતમ પટેલ; પ્રકાશન : પ્રવીણ પ્રકાશન, રાજકોટ; આવૃત્તિ : બીજી, 2013
  2. પ્રેમાનંદની આખ્યાનકૃતિઓમાં પ્રયોજાયેલાં કથાઘટકોની કાર્યસાધકતા : એક સમીક્ષાત્મક અભ્યાસ; હેમંતકુમાર રમેશભાઈ પરમાર; પીએચ.ડી. મહાશોધનિબંધ, એમ. એસ. યુનિવર્સિટી ઑફ બરોડા, વડોદરા, 2018

ડૉ. રાજેન્દ્રકુમાર રમેશભાઈ બાંભણિયા, આસિસ્ટન્ટ પ્રોફેસર, ગુજરાતી વિભાગ, શ્રીમતી સી. આર. ગાર્ડી આર્ટ્સ કૉલેજ, મુનપુર, તા. કડાણા, જી. મહીસાગર - 389240. Mobile No : 9724545554 Email Id : bambhaniya22@gmail.com