જોસેફ મેકવાનના સાહિત્યમાં પ્રગટતી દલિત વેદના
પ્રસ્તાવના-
દલિત સાહિત્યના દાદા, જંગમ વિદ્યાપીઠ, વંચિતોના વકીલ જેવા અનેક ઉપનામોથી ઓળખાયેલા જોસેફ મેકવાન ચરોતરી સમાજમાં વ્યાપ્ત અસ્પૃશ્યતાને સાહિત્યિક વાચા આપે છે. તેમની બળુકી તળપદી ભાષામાં બોલીનું ભાષાકર્મ ઊડીને આંખે વળગે તેવું છે. જોસેફ મેકવાન એ ગુજરાતી સાહિત્યના સુખ્યાત અને લોકપ્રિય લેખક રહ્યા છે. ગુજરાતી દલિત સાહિત્યના શરૂઆતી પ્રારંભક અને પ્રમુખ સર્જક તરીકે એમનું અર્પણ ગુજરાતી સાહિત્યમાં મૂલ્યવાન છે. તેઓ માત્ર દલિત સાહિત્યના સર્જક ન રહેતાં મુખ્યધારાના મહત્વના સર્જક તરીકે પણ ઊભરી આવ્યા છે. વિષય વૈવિધ્ય, વ્યાપ તથા ગુણવત્તાની દ્રષ્ટિએ પણ એમનું સર્જન વ્યાપક વર્ગોમાં સ્વીકૃતિ પામેલું છે. દલિત સાહિત્ય એ અનુકંપા પ્રેરવાનું સાહિત્ય નથી, પડકારનું સાહિત્ય છે, ચેલેન્જનું સાહિત્ય છે. એની પ્રથમ શરત પ્રતિબદ્ધતા છે અને પ્રતિબદ્ધતા એક જવાબદારી હોય છે.
જન્મ અને બાળપણ:
જોસેફ મેકવાનનો જન્મ ૦૯/૧૦/૧૯૩૬ના રોજ આણંદ જિલ્લાના ત્રણોલ ગામે થયો હતો. તેમના પિતાજીશ્રી ઇગ્નાસ મેકવાન શિક્ષક હતા, ને ઘરે થોડુ ખેતીકામ પણ કરાવતા હતા. એમનું વતન ગામ ઓડ જિ.-આણંદ. એમના બાનું નામ હીરા હતું. એમનું યુવાનવયે અવસાન થતાં એમના પિતાજી (મૂળ નામ ડાહ્યાભાઈ હરખાભાઈ માસ્તર) એ બીજીવાર લગ્ન કરેલું. કઠોર સ્વભાવના પિતાજી તથા સાવકી બાએ જોસેફ પાસે ઘર-ખેતરના ઠીક ઠીક વૈતરાં કરાવેલાં. આમ, આર્થિક સંકડામણો અને લાગણીઓના અભાવોએ એમની કસોટીઓ કરી હતી. તેઓ કહે છે કે એ ગરીબી અને પ્રેમઝંખના તથા ઝૂરણે એમને અનેક રીતે ઘડ્યા હતા.
જોસેફના બાળપણ વિશે વાત કરીએ તો, જોસેફનું બાળપણ ભારે અભાવોમાં વીત્યું હતું. લેખક એને શબ્દોમાં આ રીતે વ્યક્ત કરે છે.- “આઠ વરસની વયે ગામના ઊંડા કૂવેથી અધમણના દોરડે, પંદરશેરિયા ઘડે, બાર બેડાં પાણી ખેંચવું, ઘર વાળવાથી માંડી વાસણ-કુસણ અજવાળવાં, તુવેર ભરડવી, દાળ મોવી, બે ઢોરનું વાસીંદુ ઉકરડે નાખવું, નવી માના સાત ખોટના દિકરાને કેડેથી કોરે ના મેલવો, ઇંધણા એકઠા કરવાં, ખેતરની વાડને હુળ કરવાં- એ બધાંની સાથે ભણવાની હોંશને લીધે નિશાળે જવું એ મારી જીવનચર્યા હતી, પરિણામે વર્નાક્યુલર ફાઈનલ સુધી ભણી, પછી આપબળે આગળ ભણ્યો, રાત્રે પ્રૂફ રીડિંગ કરીને પણ કૉલેજમાં પ્રાધ્યાપક અને પછી સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ આણંદમાં શિક્ષક બન્યો.”[1]
પોતાના હૃદયની વેદના વ્યક્ત કરતાં લેખક કહે છે- “વહાલના વીરડા કાજે તો હું ભવરણ ભટક્યો છું. મારા સદાનાં બારેય પહોરને આઠેય ઘડીનાં સંગી સાથી તો રહ્યા છે વેદનાને વલોપાત.! વ્યર્થતા, વિહવળતા ને વલવલાટ.! વીતરાગતા આવી ગઈ છે. ઘણીવાર મને સુખ સાથેના વેરથી વલખા માર્યા કર્યા છે મેં, સાચુકલા ‘વહાલ’ કાજે ક્યાં-ક્યાં નથી રખડ્યો હું. વહાલ પરના બે બોલ ઝીલવા- હું તો ભૂખ્યો હતો ભાવનાનો, વહાલનો, શૈશવ આખુંય મારું વલખાતા વલખાતા જ વીત્યું છે.”
જોસેફ મેકવાનના સાહિત્યમાં પ્રગટતી દલિત વેદના:
જોસેફે વીસમી સદીના નવમા દાયકે વન પ્રવેશની વયે ફરી કલમ ગ્રહી. ગુજરાતમાં દલિત સાહિત્યનો એ આરંભનો દાયકો. અનામત વિરોધી ઉદ્દેકો અને દલિત સાહિત્ય ચળવળના એ દિવસોમાં જોસેફભાઈ ‘વ્યથાનાં વીતક’ (૧૯૮૫) લઈને આવ્યા અને સમગ્ર સાહિત્યાકાશમાં છવાઈ ગયા.
દલિત દ્રષ્ટિકોણનો સબળ ઉન્મેષ દાખવતી જોસેફ મેકવાનની નવલકથા ખેડા જિલ્લાના ગામડાંમાં પટેલો અને ઠાકોરોના સમાજથી ઘેરાયેલા વણકર સમાજના જીવન સંઘર્ષની કથાનું દસ્તાવેજી મૂલ્ય છે. તો ‘વ્યથાનાં વીતક’ને વાંચતાં આપણી સંવેદનાઓ ખળભળી જાય છે, તો લખનારે કેટકેટલું વેઠવું પડ્યું હશે? શોષાતાં, રીબાતાં, રવરવતાં, વલવલતાં ને તો યે ખુમારી ના છોડતાં જીવતરોની કથા માંડવા આ જમાનાને જોસેફદાદો મળ્યો એ ગુજરાતી દલિત સાહિત્યનુ જ નહિ, બલકે એકંદરે ગુજરાતી જીવનનું પણ બડ્ભાગ્ય.
આપણા મૂર્ધન્ય સાહિત્યકાર રઘુવીર ચૌધરી દલિતોની ખુમારીને પોતાના શબ્દોમાં આ રીતે મૂકી આપે છે- “(આંગળિયાતમાં) દલિત પુરૂષોનો અન્યાય સામેનો પ્રતિકાર, પ્રેમીઓનો ઝૂરાપો અને સંયમ, વર્ગ સંઘર્ષ જેવો જ આંતર સંઘર્ષ અને બીજા માટે કશુંક કરી છૂટવાની ભાવના દ્રશ્યાત્મ્ક ઘટનાઓ દ્વારા વ્યક્ત થઇ છે.”[2]
જોસેફ મેકવાન જીવનવાદી લેખક છે, પ્રતિબદ્ધ લેખક છે. ‘કલાને મેં પ્રમાણી છે પણ જીવતરને ભોગે કલાની ઉપાસના કરવાનું મને હરગીજ મંજૂર નથી’ એવું વારેવારે વગાડીને કહેનારા આ લેખકનું સાહિત્ય જાનપદી છે અને ગદ્યમાં જ આલેખાયેલું છે. નવલકથા, ચરિત્ર નિબંધ તથા ટૂંકીવાર્તા:આ ત્રણે ગદ્ય સાહિત્યનાં સ્વરૂપોમાં એમણે પુરા અધિકારપૂર્વક અને ખાસ્સું ગુણવત્તાસભર-સંતર્પક કાર્ય કર્યું છે.
સર્જન-લેખન વિશેનો એમનો પોતાનો મત, કહો કે પ્રતિબદ્ધતા એમણે આ રીતે મૂક્યાં છે. "હું લખું છું જીવન પ્રત્યેની પ્રતિબદ્ધતાથી, સચ્ચાઈ પ્રત્યેના સ્નેહથી, અનુભૂતિ પ્રત્યે ઈમાનદાર રહેવું મને હંમેશાં ભાવ્યું છે. માણસાઈના ચરણોમાં માથું મેલવું મને ગમ્યુ છે. મારી અપાત્રતા હું સારી પેઠે જાણું છું પણ માણસ માત્રમાં સારાપણું જોવાના, મને કડવા વખ અનુભવો થયા છતાં ય, મારી શ્રધ્ધા જરા સરખીયે ઓછી થઇ નથી. આ જ અંત:પ્રેર્યું બળ છે, જે મારા પાત્રોમાં શક્તિ સીંચે છે. એમાં કલ્પના છે પણ એ તો કથાને પ્રવાહમાન કરવા પુરતી અને ઘટનાને વળ તથા બળ દે એટલી જ! બાકી ચરિત્રોના અભ્યંતરમાં ઉછાળા મારતું ચિત્ત તો મેં જીવનમાં ક્યાંક ને ક્યાંક પ્રમાણેલું તથ્ય જ છે.” [3]
'આંગળિયાત’, ’વ્યથાનાં વીતક’ જોસેફ મેકવાન તથા કુન્દનિકા કાપડિયાની નવલકથા ‘સાત પગલાં આકાશમાં’ (૧૯૮૪) ના પ્રકાશન સાથે આધુનિકતાવાદી સાહિત્યનો દબાવ હઠયો અને અનુ-આધુનિક સાહિત્યની આલબેલ ગૂંજી ઊઠી હતી. આ કૃતિઓથી દલિત સાહિત્ય, નારીવાદી સાહિત્ય અને ગ્રામચેતનાના સાહિત્યના દરવાજા નવેસર ખૂલે છે. આ કૃતિઓ સામાજિક તથા સાંકૃતિક સંદર્ભોમાં પણ મૂલ્યવાન ઠરેલી છે. આમ, આ ઘટના સાહિત્યના ઇતિહાસમાં પણ વિશેષ મહત્વની બની રહેલી જણાય છે.
‘આંગળિયાત’ જે મુખ્ય શીર્ષક છે તેનો અર્થ એ છે કે જયારે કોઈ એક સ્ત્રી છૂટાછેડા લઇ ને બીજા લગ્ન કરે, ત્યારે જે બાળક તેની સાથે હોય છે, તેને આંગળિયાત કહેવાય છે. ‘વાલજી’ના છોકરાને બધાં આંગળિયાત કહે છે. આ નવલકથામાં વાર્તા અને તેનાં પાત્રોની જે સાહજિક કલાત્મકતાથી માવજત કરવામાં આવી છે, તે આફરીન થઇ જવાય તેવી છે. તેની ભાષા અને કથાગૂંથણી તેને ગુજરાતી ભાષાની ઉત્તમ નવલકથાઓમાંની એક ઠેરવે છે.
‘આંગળિયાત’ જનપદમાં ય ઉપેક્ષિત અને શોષિત માણસોના સંઘર્ષની વાત માંડે છે. એમાં ૧૯૩૫ થી ૧૯૬૦ સુધીના વર્ષોનું, મધ્ય ગુજરાતના ચરોતર-ડાકોર-ઓડ આસપાસના ગ્રામીણ સમાજનું આલેખન દલિતો-પીડિતોના સંદર્ભોમાં ધ્યાન ખેંચનારું બની રહ્યું છે. દલિતોની ગરીબાઈ તથા એમની ન્યાત તથા રીવાજોની મુશ્કેલીઓ તો એમાં છે જ, પણ સવર્ણ સમાજ દ્વારા દલિતોનું જે શોષણ થાય છે એ સૂર કથા નિમિત્તે-પ્રધાનપણે પ્રગટાવાયો છે. વાલજી, ટીહો, દાનો, જીવણ તથા કંકુ અને મેઠી જેવાં નારી પાત્રો-ભવાન ભગતની ઓથ માનીને શોષણ સામે ને ન્યાતની અવળચંડાઈ સામે બાખડી બાંધીને સંઘર્ષ કરે છે...ને કૃતિનો એ વિશેષ, તળબોલીના બળ સાથે કથાકથનના વળથી સ્પષ્ટપણે ઉપસી આવ્યો છે એમાં કૃતિની સફળતા વાંચી શકાશે.
દલિતો અને નારી ઉપરના બેરહમ અત્યાચારોને નીર્દેશતી આ કથામાં સવર્ણોની અક્ષમ્ય અમાનુષિતા ઓછા લસરકાઓમાં પણ પ્રભાવકતાથી આલેખાઈ છે. જોસેફ મેકવાનની અન્ય રચનાઓમાં પણ શોષિતોનો શોષકો સામેનો સંઘર્ષ ઉજાગર થાય છે. વેઠનારાં પાત્રોમાં રહેલા મૂલ્યો-નીતિ-પ્રેમ, માણસાઈ તથા સચ્ચાઈ, પરગજુતા અને પરિશ્રમ કરીને હક્કનું ખાવાનું વલણ વગેરે એમની કૃતિઓને પ્રસ્તુત અને મૂલ્યવાન ઠેરવે છે.
ગુજરાતમાં કાપડ મીલોનો મધ્યાહ્ન હતો. (૧૯૫૦-૭૦) એ ઉદ્યોગે ગામડાંના વણકરોનો સાળ ઉદ્યોગ ભાંગી નાખ્યો હતો. પરિણામે દલિતોએ કાળી મજૂરી કરવાની આવી. જોસેફના સાહિત્યમાં આવાં મજૂરીયાં મનેખની, અજંપ કરી દેનારી વેદનાઓ આલેખાઈ છે. બાકી, શોષણ તો હજાર પ્રકારે સૌ કોઈ નબળાં સબળાં વડે થતું આવ્યું છે, જે વિદિત છે. જોસેફમાંના સર્જકે આવી વેદનાની વાતો વચ્ચે ય ‘લક્ષ્મણની અગ્નિપરીક્ષા’ નવલકથા લખી, જેમાં મિત્ર-ભાઈ એવા બંધુની વિધવા જોડે દિયરવટુ કરીને ય બ્રહ્મચર્ય પાળતો નાયક તથા એ દંપતીનો સત્યશીલ પ્રેમ સરસ રીતે આલેખાયાં છે. આ નિમિત્તે લેખકે આદર્શ ખ્રિસ્તી કુંટુંબ આલેખીને માણસાઈને પોંખી છે. દલિત સમાજમાં નારીનો સમાદર કરનારા વધારે નીકળે એમ બન્યું છે. છતાં ‘મારી પરણેતર’ અને ‘મનખાની મિરાત’ એ બંને નવલકથાઓમાં દલિત સમાજ પોતે પણ નારી ઉપર કેવો ત્રાસ ગુજારે છે એનું હૃદયદ્રાવક ચિત્રણ છે. ‘મારી પરણેતર’ની ગૌરી નપુસંક અને નઠારા ધણીને ત્યજી દે છે પણ મનના માણીગરને પામી શકતી નથી, બલકે વિષપાન કરીને જીવન પણ ત્યજી દે છે. સમાજ અને કુટુંબની આણ સારાં માણસને વધારે તાવે છે. ‘મનખાની મિરાત’ ની ગુણવંતી ગુણિયલ છે ને સચ્ચાઈ જણાવ્યા વિના રહી શકતી નથી. બસ આટલા કાજે જ એનો કશે ય સમાવેશ થતો નથી ને એને રાન રાન ને પાન પાન ભટકવું પડે છે.
‘બીજ-ત્રીજનાં તેજ’ ચરોતરના વાઘરી સમાજની કથા છે. ચોરીને વ્યવસાય ધર્મ માનનારી આ પ્રજાનો માથાફરેલ વડીલ વેલજી એની દીકરી પૂનમ માટે રવિશંકર મહારાજના બોચાસણ આશ્રમમાં ભણેલોને ગુણિયલ શિક્ષક થયેલો યુવાન ભૂપત જમાઈ તરીકે મેળવે છે. પણ વેલજીને વિદ્યાની કોઈ કિંમત નથી, એ તો ભૂપતને ‘ચોરીની’ ની વિદ્યામાં પારંગત થવા કહે છે નહીતર પૂનમ એની વહુ નહી બની રહે! ભૂપત વિદ્યાના પક્ષે રહીને સંઘર્ષ કરે છે ને સમાજમાં અજવાળું પ્રગટતું ભળાય છે. સમાજમાં અનેક દુષણો છે. ચોરી એમાંનું એક છે. જ્યાં સુધી છેવાડાના માણસને જીવન જરૂરિયાતની સઘળી વસ્તુઓ કે એ માટે કમાવાનું સાધન નહી સંપડાય ત્યાં સુધી દુરીતો દૂર થવાના નથી. થોડા લોકો નિરાંતે ઉપભોગ કરે ને મોટા ભાગનાને એ જોવા પણ ન મળે ત્યારે સમતામૂલક સમાજ વ્યવસ્થા કેવી રીતે આવશે?
છ જેટલા વાર્તાસંગ્રહોમાં વિવિધ વિષયો ઉપર આશરે ૮૦ થી વધારે વાર્તાઓ આપનાર જોસેફ મેકવાનની નોધપાત્ર વાર્તાઓ આશરે બાર-પંદર જેટલી મણિલાલ હ. પટેલે તારવી છે. એ પણ બીજા વાર્તાકારોની તુલનામાં આવકાર્ય છે. પોતાની વાર્તાલેખન પ્રવૃત્તિ વિશે લેખકના પોતાના બે પ્રતિભાવો જોઈએ-“મારા વાર્તાલેખનનો આરંભ જ વાર્તાથી, મારો મનગમતો સાહિત્ય પ્રકારે ય વાર્તા. જો કે મને જાણીતો કીધો મારાં રેખાચિત્રોએ. પણ વાર્તાને મેં હંમેશાં સાચુ સાધન માન્યું છે.” (સાધનાની આરાધના)
રેખાચિત્રોમાં માહિર એવા જોસેફ મેકવાનની કીર્તિદા કૃત્તિ ‘વ્યથાનાં વીતક’ એ કોઈ કાલ્પનિક કથાઓ નથી. જિંદગીનાં વિવિધ રૂપોનું પ્રગટીકરણ છે. એમાં વાત્સલ્ય છે, ભોળપણ છે, ટીખળ છે, નીંભરતા ય છે ને ક્રૂરતા પણ છે. પણ એનું પ્રાધાન્ય પાસું છે વેદનાનું...કોઈને કોઈ પ્રકારના વહેણના વમળમાં વમળાતું હોય છે...ને છતાં એ ધબકતું હોય છે. એના ‘માંયલા’માં પડેલો માણસ ક્યાંક ને ક્યાંક વ્યક્ત થવા મથતો રહ્યો છે.
જોસેફ કશુંક કહેવા વાર્તા લખે છે. વાર્તાને એ સમાજદર્શન અને માનવ નિયતિની અભિવ્યક્તિનું સાધન માને છે, વેદનાનો તથા શોષિતોની પીડાઓ વર્ણવીને ઉપેક્ષિતોને જગાડવા, ઘડવા, તૈયાર કરવા, એટલા માટે વાર્તા અહીં સાધ્ય કરતાં સાધન જ વિશેષ છે.
લેખક લખે છે કે- “મારી વાર્તા મારા અનુભવ જગતમાંથી નીતરી આવે છે. એને આત્મસાત કરતાં અને એને શબ્દોમાં અભિવ્યક્ત કરતાં હું એક નિરનિરાળી મન:સ્થિતિમાંથી પસાર થાઉં છું. ‘રેખાચિત્ર’ પૂરું કર્યા પછી ક્વચિત હાશકારો અનુભવું છું, પણ વાર્તા પૂરી કર્યા પછી ય એ મારા મનોજગતમાં એ ક્યારેય પૂરી થતી નથી, એ નિરંતર ચાલ્યા જ કરે છે.” (આગળો)
ગ્રામજીવનના પરિસરમાં દલિતચેતનાને ઉજાગર કરતી આ વાર્તાઓમાં, વાસ્તવજીવનની સમસ્યાઓનો લોકબોલીમાં ઉપસી આવતો વણાટ લેખકની સર્જકતાનો પણ પરિચાયક બની રહે છે. કસ્બાનું તથા શહેરનું વાતાવરણ પણ એમની કથા વાર્તાઓમાં આવે છે. ગરીબી, શોષણ, મૂલ્યહાસ્ ઉપરાંત સમકાલીન જીવનની સમસ્યાઓ એમની કથાવાર્તાના વિષયો છે. ક્યારેક ઘટના-પ્રસંગોની સ્થૂળતા સુધી જ રહી જતી વાર્તાઓમાં પણ ચરિત્ર-ચિત્રણની માવજત તો પ્રભાવિત કરે જ છે.
આ સંગ્રહની મોટાભાગની વાર્તાઓની જેમ ‘પરભુદા પટેલનું મામેરું’ વાર્તાનો આરંભ ફ્લેશબેકથી થાય છે. આ વાર્તામાં ગામડામાં દલિતો બીન દલિતો વચ્ચે સત્તા-સંપત્તિ માટે જે કાવાદાવા રચાય છે અને બ્રાહ્મણ, વાણિયા, પટેલો દ્વારા દલિતો તેનો ભોગ બને છે. પછાત વર્ગને લોભ લાલચ આપી તેમની જમીન પચાવી પાડે છે. કહેવાતા સવર્ણનાં બતાવવાના અને ચાવવાના દાંત જુદા હોય છે. તેનું દંભી માનસ અહીયા છતું થયા વિના રહેતું નથી.
દલિત સંવેદના અને બે વર્ગ વચ્ચેનો સંઘર્ષ કૃતિના મૂળમાં છે. સવર્ણ પરભુદા દલિત પાત્રો ઈચ્છો, નાથો, રતન વગેરેનું શોષણ કરે છે. પરભુદા નાથાની જમીન પચાવી પાડે છે અને સામે પડતા દાનાને મારી નાખે છે. તે જ પરભુદા નાથાની પુત્રીનું મામેરું કરવાનું કહે છે ત્યારે ઈચ્છાને શંકા જાય છે, હાળું કાંક કારનામું લાગ છ. પટેલ પાધરો ન પડે, ને આવો આ પચી હજારનું ખરચ કરે તે માન્યામાં નથી આવતું. ગામમાં દલિતો મુસ્લિમ, હિન્દુ વચ્ચે સંપ હતો, પરંતુ ચૂંટણી આવતા વેરઝેરને કારણે તેમની વચ્ચે ફાટફૂટ પડી અને બધું વેર વિખેર થઈ ગયું. વાર્તામાં સંદર્ભિત સમળગાળો ઈ.સ. ૧૯૪૮નો છે. ગાંધી હત્યા, આઝાદી, ગણોતધારો વગેરેનો નિર્દેશ થયો છે. લેખકની ભાષા શૈલી, વર્ણન કળા, ધ્યાનાર્હ છે. તળપદી લહેકાવાળી લિજ્જતદાર બોલી તાજગી ભરી દે છે જે વાર્તાને જીવંત રાખે છે.
મકનો પરભુદા પટેલનો વસવાયો યા વાણોતર હતો, એટલે પટેલને ડેલે એની અવરજવર વધુ રહેતી, તહેવાર ટાંકણે, સારે માઠે અવસરે ને કામ પડ્યે મકનો પરભુદા પટેલની ડેલીએ હાજર રહેતો, કદાવર ગઠાયેલો દેહ આંગણે આઘો પાછો થતો જોવામાં પણ પરભુદા પટેલ ગૌરવનો અનુભવ કરતા. ભલે મકનો પછાત હતો, પણ એનો દેહ દેવાંશી હતો. ભલભલાં દિલડાં એના પર વારી જવાને તડપતાં હતાં, પણ અંતરાય નડતો હતો માત્ર વરણનો, એની હલકી જાતનો. કેટલાંયે બળાપો કરતાં કે ભલા ભગવાન આવો અદકેરો દેહ દઈને તે એને જાત દેવામાં કંજુસાઈ કરી?
વાર્તાનાં પાત્રો ભીની માટીની સોડમવાળાં છે. તેની જીવંતતા ભાવકને સ્પર્શી જાય તેવાં સાચુકલા પાત્રોની છે. આ પાત્રો શ્રમજીવી વર્ગનું પ્રતિનિધિત્વ કરે છે. કથા નાયક જેને પુરૂષ તરીકેના અહંને સંતોષવા તેની બબ્બે પત્ની મોંઘી અને કંકુડી પર ત્રાસ ગુજારે છે. તેનું જીવવું હરામ કરી દે છે. આમાં હાસ્યરસ એ વાર્તાનું જમાપાસું છે. મોંઘી જણસ જેવી વિલાયતી બત્તી કંકુ જેણાને ખેતર જવા માટે આપે છે. તે ગાયબ થઈ જતાં તેની દાઝ કંકુ પર ઉતારે છે. તેણે રીત સરની રાડ નાખી કંકુડી... ઈ... ઈ... ? મામી હાહુ... ઉ... ઉ... મરી જ્યો રે... એ... એ...!આ વાંચી ભાવકને મજા પડી જાય છે. બે સ્ત્રી અને એક પુરૂષ વચ્ચે સંઘર્ષ પેદા થાય છે. તેના મૂળમાં બેટરી રહેલી છે. બેટરીનું મૂળ જમાઈ હતો અને જમાઈનું મૂળ મોંઘલી છે. જેણો મોંઘી પાસે એવું સાંભળવા માગતો હતો કે ‘એક દા’ડો તો એ મારા પગ ઝાલવાની ન કૈવાની શા હાતર આમ કરો છો ભુંડા! શું જોઈએ છે તમાર તે દન રાત લોઈ ઉકાળા કરો છો!’ મોંઘી જેણાને અને જેણો મોંઘીના માહ્યલાને ન ઓળખી શક્યો. શાંત રસમાં વિરામ પામતી આ સામાન્ય પ્રકારની વાર્તા છે. પાત્રની ભાષા તેનો લય વાર્તાને જીવંતતા બક્ષે છે. રૂઢિપ્રયોગો, કહેવતો વગેરે રચાઈ આવે છે. માનવતાને નાતે સર્વ ધર્મ સમભાવ, સમતા, સમાનતા, સમરસતા વગેરેની ભાવના બે વ્યક્તિ સમાજને જોડવાનું કાર્ય કરે છે. પરંતુ આપણી સામાજિક વ્યવસ્થા અસમાનતાના પાયા પર ઊભી છે. એક જ વિષયનું વારંવાર પુનરાવર્તન થતાં તે તેનું અર્થ સૌંદર્ય ગુમાવી દે છે. દલિત સવર્ણનાં પાત્રો વચ્ચે પ્રેમ થાય અને અંતે પરિણામ દુઃખદ આવે આ પ્રકારનો વિષય હવે નવો નથી રહ્યો.
‘રેખાનો ગૃહત્યાગ’ વાર્તામાં આ પ્રશ્ન સહેજ અલગ દ્રષ્ટિકોણથી નિરૂપાયો છે. એમ કહેવામાં વધારે પડતું નહી ગણાય કે દલિતો બીન દલિતો વચ્ચે જ્યાં સુધી રોટી બેટીનો વ્યવહાર નહીં થાય ત્યાં સુધી સમાનતા ભાઈચારાની ભાવનાને કારણે દલિતો પ્રત્યેનો બીન દલિતોનો અણગમો, ઈર્ષ્યા, તિરસ્કારની ભાવનાને કારણે સવર્ણ રેખા અને દલિત મૃગેશ લગ્ન કરી શકતા નથી. રેખાનું તીવ્ર મનોમંથન વાર્તામાં કેન્દ્ર સ્થાને છે. રેખા એક બાજુ માતા-પિતા અને બહેનનો પ્રેમ જ્યારે બીજી બાજુ મૃગેશનો પ્રેમ આ બે બિંદુ વચ્ચે એ ઝોલા ખાય છે. તે દ્વિધામય પરિસ્થિતિમાં કોઈ નિર્ણય પર આવી શકતી નથી. વાર્તાના શીર્ષક પ્રમાણે રેખા ગૃહત્યાગ કરે છે. પરંતુ તે મૃગેશ સાથે રહી શકતી નથી પરંતુ સંન્યાસી બની વિહારમાં જતી રહે છે, અને વાર્તા આમ, શાંત રસમાં પરિણમે છે. વાર્તાનો અંત અણધાર્યો આવે છે.
‘આંગળિયાત’ જેવી કીર્તિદા દલિત નવલકથાના આ સર્જકની આગવી સર્જકતા હતી. જોસેફભાઈના પ્રવેશથી ગુજરાતી દલિત સાહિત્ય એક નવી ઊંચાઈ મેળવે છે. આક્રોશ અને આત્મદયાનું દલિત સાહિત્ય સ્વમાન અને આત્મવિશ્વાસનું સાહિત્ય બની શક્યું તેમાં જોસેફ મેકવાનનો સિંહ ફાળો છે. જોસેફના પાત્રો થકી એમનું સમાજદર્શન કે દલિતદર્શન અવ્યક્ત થયા વિના નથી રહેતું. દલિતત્વ લેખકના પિંડમાંથી ઘાટ ઉતારવાનું કારણ બનીને આવે છે. ઈ.સ. ૧૯૮૬માં પ્રગટ થયેલી આ નવલકથાએ જોસેફને યશ અપાવ્યો છે. આ નવલકથામાં પીડિત, શોષિત માનવસમાજની વ્યથાને તેનાં ઉચ્ચ સંસ્કારોને, અસ્મિતાને, હૃદયની અમીરાતને આલેખવામાં આવેલ છે. આ નવલકથાએ ચરોતર પ્રદેશ અને તે પ્રદેશમાં શ્વસતા પછાત દલિત લોકોને જીવંત કર્યા છે. સમાજની ગરીબીને તેની રહેણીકરણી, રીતરીવાજો, લોકબોલી, આધ્યાત્મિક જ્યોત તથા ભોળા માણસોની ગરીમાને આલેખિત કરી છે. નવલકથાની શરૂઆતમાં ટીહો અને વાલજી શીલાપુર ગામમાં વણાટ કરેલા વસ્ત્રોની હરાજી કરવા, વેચવા માટે આવે છે, ત્યારે મેઘજી પટેલનો પુત્ર ભારાડી નાનીયો દલિત યુવતી મેઠીની મશ્કરી કરી છેડતી કરે છે ત્યારે ટીહારામ પરાયા ગામમાં વચ્ચે પડે છે અને દ્રશ્ય જીવંત કરે છે. એ પછી અનેક પ્રસંગ ચિત્રોબનતાં રહે છે. ટીહો મર્દ પુરુષને શોભા આપે તે રીતે મેઠીને બચાવીને મેઠીના હૃદયમાં ટીહા પ્રત્યે અનુરાગ જન્માવે છે, ત્યારે મેઠીનું અપહરણ થાય છે. ટીહાના મિત્ર વાલજીનું મૃત્યુ, ટીહો, મેઠી, દાનાજી સૌનાં હૃદયને વલોવતું રહે છે. મેઠીનું કેરડીયાના વતની ચૂંથવા સાથેનું બાળવિવાહ, પતિ-પત્ની વચ્ચેનો અણબનાવ તો એ તે એના દીકરાની મા બને છે. ચૂંથીયાના ત્રાસથી કંટાળીને મેઠી ટીહાની ઘરે આવે છે અને ચૂંથીયો ન મરે ત્યાં સુધી ટીહા સાથે ઘર માંડવાની ના કહે છે. બીજી તરફ રત્નાપુરમાં કંકુ પોતાનો શોક દોઢ વરસ સુધી પાળે છે, અને તે અંતે ભવાન-ભગત અને ટીહાના કહેવાથી યથાર્થને સ્વીકારી વાલજીના કાકાના દીકરા ધનજી સાથે દિયરવટુ કરી ઘર માંડે છે. પ્રણયી જીવો ટીહો તથા મેઠીને ધનજી, કંકુ સમજાવે છે તો યે એક થતા નથી. ચૂંથીયો જીવે છે અંતે કંકુના મામાના સાળાની દીકરી વાલી સાથે ટીહારામ પરણે છે. પરણ્યા પછી બંને વચ્ચે મેઠીના લીધે તિરાડ પડે છે. ઘરમાં કજીયા થાય છે. અંતે ગામના સરપંચ સાથે ટીહાને ઝઘડો થતાં ધીંગાણું થાય છે, અંતે તેને સારવાર મળતી નથી અને તે છેલ્લા શ્વાસ છોડે છે. ટીહાના મૃત્યુનું દુઃખ મેઠીને થાય છે, તે અન્ન-જળનો ત્યાગ કરે છે. અંતે ટીહાના મૃત્યુ બાદના અઢારમા દિવસે તે પણ મૃત્યુ પામે છે. જે જગ્યાએ ટીહાને દાટવામાં આવેલ તેની બાજુની જગ્યામાં જ મેઠીના દેહને પણ દફન કરવામાં આવે છે. કૃતિને અંતે ગામમાં શાળા બાંધવાની વાત થાય છે ત્યારે ટીહાપુત્ર સાત હજાર એક રૂપિયાનું દાન આપે છે.
વસ્તુ-સંકલનાની દ્રષ્ટિએ ‘આંગળિયાત’ ધ્યાનાર્હ છે. નાનાવિધ પ્રસંગોની ફૂલગૂંથણીમાં ક્યાંય સાંધો જોવા મળતો નથી. કૃતિમાં વિધ-વિધ ઘટનાઓને કારણે લેખક સળંગ કથાસૂત્રતા જાળવી શક્યા છે. કૃતિ અનેક ઘટનાઓથી ભરચક છે. આ ભરચક કથાપ્રવાહ કૃતિત્વને અહર્નિશ ગતિમાં રાખે છે. શીલાપુરમાં કાપડનું વેચાણ કે મેઠીની છેડતી, પટેલો સાથે નાયકનું ધીંગાણુ, મેઠીનું અપહરણ, વાલજીનું મૃત્યુ, કંકુનું દિયરવટુ, ટીહા-વાલીના લગ્ન, મેઠીનું એકલા રહેવું, ટીહાનું મૃત્યુ થતાં મેઠીનો અઢારમાં દિવસે પ્રાણત્યાગ...વગેરે મુખ્યકથા પ્રવાહો ‘આંગળિયાત’ નવલકથાને જાન બક્ષે છે. અહીં સર્જકનો મુખ્ય ઉદેશ્ય દલિત સમાજની વાતને અભિવ્યક્ત કરવાનો રહેલો છે. જોસેફ પોતે કહે છે તેમ- “એક આથમી ગયેલી સંસ્કૃતિ અને આયાસપણે વિસારે પાડવામાં આવી રહેલ સામાજિકતાની વાત છે. ‘આંગળિયાત’ એ સમાજ વ્યવસ્થાની પુન:પ્રતિષ્ઠાનો આ પ્રયાસ નથી, પણ એમાં રહેલ સત્યશીલતાનાં પુરસ્કારનો ઉદેશ છે. ઈ.સ. ૧૯૩૫ થી માંડીને ૧૯૬૦ સુધીના અઢી દાયકાની આ કથામાં સામાજિક અન્યાય અને ઉલ્લેખાયેલી એક જાતિ પ્રત્યેના સંપન્ન સવર્ણોના હાડોહાડ દ્વેષનો પણ ચિતાર છે.”[4]
કવિશ્રી હરીન્દ્ર દવે ‘આંગળિયાત’ વિશે કહે છે- “આ નવલકથા આપણી વણખેડાયેલી ભોમને ફલક બનાવે છે. એ માટે જ નહી; એમાં સર્જકતા છલકી રહી છે એ માટે મને ગમી છે, એના પાત્રો અત્યારે મારી અનુભવ સૃષ્ટિનો ભાગ બની ગયા છે.”
કવિશ્રી ઉમાશંકર જોષી ‘આંગળિયાત’ ને આ રીતે નવાજે છે- “તમે ‘આંગળિયાત’ ને ઉજાગર કરતા નથી, ‘આંગળિયાત’ તમને ઉજાગર કરે છે. ગુજરાતી કલા સાહિત્યમાં એક વિશિષ્ટ રચના આપે છે, એટલું જ નહી ગુજરાતને મળ્યું છે એમ નહી એક વિશાળ સહાનુકંપાવાળો સમજદાર માનવી આ ભાષા બોલનારાઓની વચમાં હરતો ફરતો જોવાનું ભાગ્ય સાંપડે છે ને હૈયાધારણા મળે છે.”[5]
સાહિત્યની પ્રાદેશિક કૃતિઓમાં ચોથા મોજામાં ‘આંગળિયાત’ માં પ્રથમ જ દલિત સમાજ અખિલાઈપૂર્વક અભિવ્યક્ત થયેલ છે. આથી ધવલ મહેતા આ નવલકથાથી ગુજરાતી નવલકથા સાહિત્યમાં ચોથું મોજું આવે છે તેમ કહે છે. આ નવલકથામાં દલિત પ્રજાને થતા અન્યાયો તો છે જ સાથેસાથે દલિત પ્રજાના આંતર પ્રશ્નો-સંબંધોને લીધે એક જુદાં પ્રકારનું વિશ્વ અહીં રચાય છે.
‘આંગળિયાત’ માં મૂળભૂત સ્થિતિ સાથે સંભવિત પરિસ્થિતિઓનું ઘર્ષણ શક્ય તેટલી હદે વિસ્તર્યું છે. જેથી સ્થિતિજડ સમસ્યાઓ સહજપણે જુદી તરી આવે છે. છેલ્લાં વીસ-પચ્ચીસ પાનામાં લેખકે કરેલી ઉતાવળ આ નવલકથાની મોટી મર્યાદા બની રહે છે. જે ચુસ્તતા પૂર્વ ભાગમાં છે, તે ઉતરાર્ધમાં ખંડિત થતી ભળાય છે. સામાજિક સંદર્ભોને પીડિતની નજરે જોવાની વૃતિને લીધે એક પ્રબળ સંઘર્ષની ભૂમિકા ‘આંગળિયાત’ માં જોઈ શકાય છે, પરંતુ વસ્તુસંયોજન ક્યારેક કથળતું માલુમ પડ્યું છે. દરેક પ્રસંગે તેમનાં પાત્રો આગવી ઓળખ ઊભી કરે છે. તેથી પાત્ર વિકસતું-ઘડાતું આવે છે. આ નવલકથાનું અસ્તિત્વ એના પાત્રોને કારણે કાયમ ટકી રહે છે.
સંદર્ભસૂચિ-