Included in the UGC-CARE list (Group B Sr. No 172)

માનવમનનાં વિવિધ મનોભાવને તાગતી લઘુકથા : ‘ગુલાબ’

ગુજરાતી સાહિત્યમાં બચુભાઈ રાવતની નિષ્ઠા અને ‘કુમાર’ સામયિકનાં માધ્યમથી અંકુરિત થયેલી લઘુકથા વિવિધ સર્જકોની માવજતથી આજે વૃક્ષ બની ગઈ છે. જો કે એ વૃક્ષને હજી ઘેઘુર થઈને મીઠાં ફળો આવવાનું બાકી છે. લઘુકથાને અંકુરમાંથી વૃક્ષ સુધી પહોચાડવામાં જે સર્જકોનો ફાળો છે એમાં લઘુકથા સ્વરૂપના જનક એવા શ્રી મોહનલાલ પટેલનું વિશેષ યોગદાન છે. આ સર્જકે લઘુકથા ઉપરાંત નવલકથા, ટૂંકીવાર્તા, નિબંધ, પ્રવાસ, ચરિત્ર, અનુવાદ, વિવેચન, શૈક્ષણિક ચિંતનાત્મક લેખ, સંપાદન વગેરે ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કર્યું છે. અહીં એમના ‘વિકલ્પ’ લઘુકથા સંગ્રહની ‘ગુલાબ’ લઘુકથાનો આસ્વાદ કરવાનો ઉપક્રમ સેવ્યો છે.

‘ગુલાબ’ લઘુકથામાં ટીમસી(નાનકડી બાલિકા), સોના(ટીમસીની સહાધ્યાયી સખી), મેડમ(ટીમસી અને સોનાનાં શિક્ષિકા) તથા ટીમસીનાં માતા-પિતા એમ કુલ પાંચ પાત્રો આવે છે. આ પાત્રો દ્વારા સર્જકે સમાજના અલગ અલગ વર્ગના લોકોના મનોભાવને તાગવાનો પ્રયાસ કર્યો છે. લઘુકથાની શરૂઆત કૈક આવી છે:
“ઘર પાછળ બગીચામાં ગુલાબના છોડ ઉપર રોજ ત્રણ-ચાર ગુલાબ ખીલતાં. એમને ચૂંટી લઈને ટીમસી સ્કૂલમાં લઇ જતી અને હોંશભેર મેડમ(શિક્ષિકા)ના હાથમાં મૂકતી.પ્રેમથી લઇ આવતી બાલિકાને રાજી રાખવા મેડમ એ ફૂલને માથામાં નાખતાં. ટીમસી રાજી રાજી થઇ જતી. ”

નોર્દોષ નાનકડી ટીમસી પોતાનાં ઘરનાં બગીચાનાં ગુલાબના ફૂલોને પોતાનાં મેડમ માટે લઇ જાય છે. અહીં ગુલાબ જેવાં જ નિર્મળ, ટીમસીનાં મનની અનુભૂતિ થાય છે. પોતાનાં મેડમ ફૂલ લઈને માથામાં નાખે છે. એનાથી તે ખૂબ જ રાજી થાય છે. અહીં એ વાત નોંધવી રહી મેડમને ટીમસી જેટલો આનંદ નથી, પરંતુ તેને રાજી રાખવા એ આવી ક્રિયા કરે છે. જેમ જેમ ઉમર વધે છે તેમ તેમ માણસની નિર્દોષતા ઓછી થતી જાય છે. એ એક સૂર પણ અહીં અને લઘુકથામાં આગળ પડઘાતો આપણે જોઈ શકીએ છીએ.

માણસ કેટલો બધો સંકુચિત માનસ ધરવતો થઇ ગયો છે કે ખૂલીને જીવી શકતો નથી. બીજા લોકો શું કહેશે એ વિચારે પોતાનાં ગમતા મનસૂબાને પણ બદલી નાખી બીબાંઢાળ જીવન જીવતો થઇ ગયો છે. ટીમસીના પિતાને પોતાનાં જ ઘરના બગીચામાં ખીલતાં ગુલાબને કોટના બટનહોલમાં લગાવવાની ઈચ્છા થાય છે પણ કોઈ અગમ્ય ક્ષોભનાં કારણે એ એવું કરી શકતા નથી. લેખકે આ વાત સરસ રીતે આલેખી છે:
“ટીમસીના પપ્પા ઘણી વાર ઘરનાં ગુલાબ કોટના બટનહોલમાં નાખવાનો મનસૂબો કરતા, પણ કશાક ક્ષોભવશ એમ કરતા નહીં”

આ ‘કશોક ક્ષોભ’ જ છે જે માણસને ખૂલીને જીવવા દેતો નથી. આ નાનકડા શબ્દ વડે સર્જકે સમગ્ર માનવજાતની પ્રકૃતિવિમુખતા અને સંકુચિત માનોવૃત્તિના દર્શન કરાવ્યા છે.

ક્યારેક બાળકો પણ આપણને ઘણું શીખવતા હોય છે. પરંતુ આપણે સભાન ન હોવાના કારણે કે બાળકોને શું ખબર પડે – એ અભિગમથી કશુક પામવાનું ચૂકી જતા હોઈએ છીએ અને બાળકોને અન્યાય કરી બેસતા હોઈએ છીએ. અહીં પણ જોઈશું તો ખ્યાલ આવશે કે બગીચામાં એમ જ ખીલીને કરમાઈ જતા ગુલાબનો સાચો ઉપયોગ શું છે? એ વિશે પિતા કરતા દીકરી ટીમસી વધુ સારી રીતે જાણે છે, માટે જ એ શાળાએ મેડમ માટે ગુલાબ લઇ જાય છે. જયારે પિતા માત્ર મનસૂબો જ કરતા રહે છે.

એક દિવસ પિતા બટનહોલમાં ગુલાબ નાખવાનો નિર્ણય કરે છે. છોડ આગળ જઈને જોયું તો ગુલાબ ન હતા. હજી સવારે જ બે ગુલાબ ખીલેલાં જોયાં હતાં અને હવે ગુલાબ ન મળતા તે ગુસ્સામાં આવી જાય છે. “ગુલાબ કોણે તોડ્યાં?”, એવું તે પૂછે છે ત્યારે ભોળપણવશ ટીમસી - “મેં તોડ્યા”. એમ કહેવા દોડી તો આવી પણ પપ્પાનો ગુસ્સો જોઈ ઠરી જાય છે. તે ડરથી કશું બોલી શકતી નથી.પરંતુ ટીમસીની સખી નિર્દોષભાવે બોલી જાય છે, “ટીમસી અમારા મેડમ માટે રોજરોજ ગુલાબ લાવે છે.”અહીં બાળસહજ ભોળપણ રજૂ થયું છે. બાળકો કેટલા બધા નિર્દોષ અને ભોળા હોય છે એ અહીં સર્જકે આલેખી દીધું છે.

સાચી વાતની જાણ થતા પિતાનો ગુસ્સો સાતમાં આસમાને પહોચી જાય છે. મેડમ વિશે પણ ન બોલવાનું બોલે છે. એ જરા પણ નથી વિચારતા કે દીકરીના બાળમાનસ પર શી અસર પડશે ! પિતાના ગુસ્સા,અવિવેક અને દીકરી પ્રત્યેના બેજવાબદાર વર્તનને સર્જક આ રીતે આલેખે છે:
“ મેડમને ગુલાબનો શોખ હોય તો વાવે પોતાને ત્યાં. નોકરી મહેતીની કરવી અને ગુલાબના અભરખા.....! ગુલાબ મને આપી દે”

અહીં એક પિતા તરીકે તે તદ્દન નિષ્ફળ હોય એવું વર્તન કરે છે.પોતાનાં ચિંતાગ્રસ્ત જીવન અને વ્યક્તિગત કોઈ સમસ્યાનો ગુસ્સો સાવ નાની વાતમાં ફૂલ જેવી નાની દીકરી પર ઉતારે છે. નાનાં બાળકોમાં આત્મસન્માનની ભાવના ખૂબ હોય છે એ વાત ભૂલી જઈને પોતાની દીકરીને તેની સહાધ્યાયી સખીની હાજરીમાં જ જેમતેમ બોલી ધમકાવે છે. દીકરી ડરથી ફ્રીજમાં મૂકેલાં ગુલાબ લાવી પિતાના હાથમાં મૂકે છે.

ક્યારેક પિતા ભલે ગુસ્સામાં કે ચિંતામાં સંતાન પ્રત્યેની પોતાની ફરજ ભૂલી જતા હોય છે પણ માતા ક્યારેય પોતાની ફરજ ભૂલતી નથી. એવી જ આદર્શ માતાનું ચરિત્ર ચિત્રણ અહીં થયું છે. ટીમસીની માતાનો આ સંવાદ આ વાતની પુષ્ટિ આપે છે,“ તમેય કેવા છો? બાળકની લાગણીનો તો ખ્યાલ કરો જરા....” આટલું કહી પોતાના પતિના હાથમાંથી ગુલાબ ખેંચી પોતાની દીકરીને આપે છે અને કહે છે “આજે લઇ જા, કાલે ન લઇ જવા હોય તો ન લઇ જઈશ”

કરમાઈ ગયેલાં મોં સાથે ટીમસી ફૂલ લઇને શાળાએ પહોંચે છે. નિત્યક્રમ મુજબ તે મેડમને ફૂલ આપે છે. મેડમે ઢીલી પડી ગયેલી ટીમસીને ઢીલાં પડવાનું કારણ પૂછ્યું પણ તે કશું બોલી ન શકી. સોનાએ ટીમસીના ઘરે બનેલી આખી ઘટના કહી. ઘટના સાંભળી મેડમનું વર્તન સાવ બદલાઈ ગયું.આ બદલાવ સર્જકે આ રીતે આલેખ્યો છે: “મોં લાલચોળ થઇ ગયું અને હોઠ પીસીને એમણે પેલાં ગુલાબ બારી બહાર ફેંકી દીધાં!!”

અહીં મેડમ શિક્ષક તરીકેનો પોતાનો ધર્મ ચૂકે છે. તે પણ ટીમસીના પિતાની જેમ પોતાનો ગુસ્સો રોકી શકતા નથી. ટીમસીના પિતાની આવી ભૂલ કદાચ ક્ષમ્ય ગણી શકાય કારણ કે તે બાળમાનસ અને તેની કેળવણી વિશે જાણતા ન હોય. પરંતુ, મેડમ તો આ બધું જાણતાં જ હોવા જોઈએ. પોતાનાં આ વર્તનની ટીમસીનાં બાળમાનસ પર કેવી અને કેટલી અસર પડે એનો ખ્યાલ તેમને હોવો જ ઘટે.અહીં મેડમનાં પાત્ર વડે સર્જક સમાજના દરેક અણઘણ શિક્ષક પર માર્મિક પ્રહાર કરે છે.

આમ, સમગ્ર લઘુકથામાંથી પસાર થઈએ તો ખ્યાલ આવે છે કે ટીમસી, સોના,મેડમ તથા ટીમસીનાં માતા-પિતાનાં સંવાદો અને વિવિધ પરિસ્થિતિમાં તેમનાં વડે આચરવામાં આવતું વર્તન આપણને ઘણું બધું કહી જાય છે. ‘ગુલાબ’ શીર્ષક પણ સાર્થક છે. તાજાં ગુલાબનો મેડમ વડે થતો સ્વીકાર ટીમસીની અનહદ ખુશીનું કારણ તથા પિતાનું અને મેડમનું વર્તન ટીમસીનાં દુઃખનું કારણ બને છે.ક્રમશ: તરોતાજા ખીલેલું ગુલાબ અને મેડમ વડે ફેકી દેવાયેલ ગુલાબ આડકતરી રીતે ટીમસીનાં મનોભાવનું જ પ્રતીકાત્મક આલેખન છે. સમગ્ર લઘુકથાનું આલેખન સુંદર રીતે થયું છે. જો અંત વાચક પર છોડી દીધો હોત તો લઘુકથા હજી વધુ ઉઠાવ પામી હોત. “ટીમસી સડક થઇ ગઈ. ક્ષણમાં તો એની આંખોમાંથી આંસુ ખરવા લાગ્યાં” અહીં લઘુકથા પૂરી થઇ જ થઇ જાય છે. “એને સમજાયું નહોતું કે સવારે પપ્પા અને અત્યારે મેડમ કેમ ગુસ્સે થયાં ?” – આ વધારાનું વિધાન મૂકી સર્જક લઘુકથાની ધારને થોડી બૂઠી કરી નાખે છે. અલબત આ એકાદ મર્યાદાને બાદ કરતા સમગ્ર કૃતિ સર્વાંગ સુંદર બની છે. લાઘવ, સંવેદન અને વ્યંજના જેવા લઘુકથાના લક્ષણોને આ કૃતિ વિવિધ રીતે સિદ્ધ કરે છે.

સંદર્ભગ્રંથ:

  1. ‘વિકલ્પ’, લે. મોહનલાલ પટેલ, પ્રકાશક: અરુણોદય પ્રકા., અમદાવાદ, સંવર્ધિત આવૃત્તિ,૨૦૧૬, મૂલ્ય ૧૪૦

ડૉ.પીયૂષ ચાવડા, ગુજરાતી વિભાગ, શ્રી અને શ્રીમતી પી. કે. કોટાવાલા આર્ટ્સ કૉલેજ, પાટણ (ઉ.ગુ.) ૩૮૪૨૬૫ મો. ૯૮૨૪૯૧૬૦૦૬ Email: jay_ma12@yahoo.com