અનુઆધુનિક વિવેચનનું નવું પરિમાણ – આધુનિકોત્તર કવિતા
સાંપ્રત સમયમાં આતંકવાદ અને હિંસાખોરીનું જોર રોજેરોજ વધતું જાય છે. નૈતિક મૂલ્યોનો હ્રાસ થઇ રહ્યો છે. માનવસંહાર લગભગ રોજનો ક્રમ થઇ ગયો છે. સામાન્ય માનવી માટે જીવનસંઘર્ષ આદત બનતો જાય છે. આ પરિસ્થિતિમાં સાહિત્ય ક્ષેત્રમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. ૨૦મી સદીમાં થયેલ અનામતવિરોધી આંદોલન હોય કે એકવીસમી સદીના આરંભમાં ગુજરાતમાં થયેલા કોમી રમખાણો – આ બધાની અસર સાહિત્ય પર પડી. આથી જ ધીરુભાઈ ઠાકર કહે છે, “ સુરેશ જોશીએ શરુ કરેલી આધુનિકતાની જિકરે તેમની હયાતીમાં જ પકડ ગુમાવી હતી અને નવી અનુઆધુનિક ધારા શરુ થઇ હતી, જે આજે એકવીસમી સદીના પ્રથમ દાયકા દરમ્યાન પણ ધીર ગતિએ વહી રહી છે.”
જેમ આધુનિકતાનો શંખનાદ ફ્રેંચ કવિ બોદલેરે કર્યો હતો તેમ ‘અનુઆધુનિકવાદ’ સંજ્ઞાનો જનક અને પ્રવર્તક ફ્રેંચ તત્વજ્ઞ લ્યોતાર હતો. લ્યોતારે કહ્યું છે કે, “ આજનો અનુઆધુનિક ટોકિયોમાં પેરિસનું પરફ્યુમ છાંટે છે અને હોંગકોંગમાં રીટ્રો કપડાં પહેરે છે.” તેનું પુસ્તક ‘ધ પોસ્ટમોર્ડન કન્ડીશન’ પ્રસિદ્ધ થયું તે પછી યુરોપમાં અનુઆધુનિક શબ્દપ્રયોગ પ્રચલિત થયો એમ કહેવાય છે. જેની અસર ભારત તેમજ ગુજરાતે પણ ઝીલી છે. અનુઆધુનિકો જીવનની નશ્વરતા અને વિચ્છીનતાને વિશાળ ભાવે નહિ પણ હકારાત્મક ભાવે સ્વીકારે છે. તેઓ વિ- સંરચનાવાદનો સ્વીકાર કરે છે. નવી પેઢીના કવિઓ મનુષ્યના બાહ્ય અને આંતર વાસ્તવ તરફ વળ્યા છે. ગીતોમાં પણ આધુનિક સંવેદના દર્શાવતા વિષયો, નાજુક કળા દ્રષ્ટિ, અપૂર્વ કલ્પના, લય અને પ્રયોગશીલતા ધ્યાન ખેંચે છે. ભાષા, કલ્પન, લય, પ્રતીકનું સુંદર આયોજન કરે છે. અહીં કવિઓ શામળની પદ્યવાર્તાનો સહારો પણ લે છે અને ઝૂલણાને બ્રહ્મવાદથી વિરુદ્ધ દેહવાદમાં પણ પ્રયોજે છે. સ્ત્રીપુરુષના દંભી આદર્શ અહી દેખા દે છે તો સાંપ્રત સમયની વૈશ્વિક સમસ્યાને ભાષાના મિશ્રણથી રજુ કરે છે. ચિનુ મોદીનું દીર્ઘકાવ્ય ‘વિ-નાયક’ અનુઆધુનિકતાવાદનું ભરતવાક્ય છે. નાન્દી છે.
આ અનુઆધુનિક યુગ ‘આધુનિકોત્તર યુગ’ તરીકે પણ ઓળખાય છે અને સતીશ વ્યાસ તેને ‘આધુનિકેતર યુગ’ પણ કહે છે. આ આધુનિકોત્તર યુગની સંવેદના ઝીલનારા ઘણા કવિઓમાંથી નીતિન મહેતા, જયદેવ શુક્લ, હરીશ મીનાશ્રુ, સંજુ વાળા, દલપત પઢિયાર, વિનોદ જોશી, યજ્ઞેશ દવે, મણિલાલ હ. પટેલ તેમજ અન્ય મહત્વના કવિઓની વાત લઈને આવે છે અજયસિંહ ચૌહાણ તેમના સરળ છતાં સમજણપૂર્વક કરેલા વિવેચનના પુસ્તક – ‘આધુનિકોત્તર કવિતા’માં. આટલા બધા આધુનિકોત્તરકવિઓ વિશે ભેગી અને વિસ્તૃત વાત કદાચ પહેલી જ વાર થઇ છે.
વ્યાપક વાચન, નિષ્પક્ષતા, નિર્ભયતા, ચોક્કસ અર્થઘટન, સિદ્ધાંતો, કલાકૃતિનું યોગ્ય મૂલ્ય આંકવાની સહ્રદયતા વિવેચકમાં હોવાં જોઈતાં અનિવાર્ય લક્ષણ છે. ‘આધુનિકોત્તર કવિતા’ આ બધાની પ્રતીતિ કરાવે છે.
પ્રથમ પ્રકરણ ‘ગુજરાતી કવિતાનું યુગદર્શન’માં હેમચંદ્રાચાર્યથી લઈને રાવજી પટેલ, સિતાંશુ મહેતા સુધીની વિકસિત કવિતાની લાક્ષણિકતાઓ દર્શાવે છે. અહીં નિખાલસતાથી સ્વીકાર પણ થયેલો છે કે કવિતાની પહેલી શરત મમ્મટ કહે છે તેમ ‘અવિલંબિત પરમ આનંદ’ જ છે. આજે એવા આંતરિક આનંદ માટે મોટાભાગની આધુનિક કવિતા પાસે કયો ભાવક જાય છે ? આ વિધાનની સ્પષ્ટતા પણ વિવેચક સાથે જ આપી દે છે કે “આનું મહત્વનું કારણ છે કે એમાં આવતાં ભાવ-સંવેદન અનુભૂતિજન્ય નહોતાં, ઓઢેલા હતાં. આખરે તો સર્જકની ખુદવફાઇ જ એના શબ્દને કે સર્જનને તારે છે.” વિવેચકની આ સ્પષ્ટતા કહો કે નિખાલસતા એમનું નિર્ભિકપણું દર્શાવે છે. જે એક લક્ષણ સારા વિવેચકમાં હોવું જરૂરી છે. નિખાલસતાનું આવું જ બીજું એક ઉદાહરણ ‘નીતિન મહેતાની કવિતા’ ના પ્રકરણમાં મળે છે.
“માખી મારા ગંગાજળમાં
ડૂબકાં ખાતી તરી ગઈ
આમ ગાંધીજીનો વાસનામોક્ષ થયો” –
“અહીં કવિ નીતિન મહેતા પોતાની કવિતામાં માખી કાવ્યનાયકના ‘ગંગાજળ’ માં ડૂબકાં ખાતી તરી ગઈ બતાવી ગાંધીજીનો વાસનામોક્ષ થતો આલેખ્યું છે. કવિ આધુનિક સમયમાં થયેલો મૂલ્યહ્રાસ વિડંબનાના સૂરમાં મુકવા માંગે છે. પણ અહીં તો ગાંધીજીની વિડંબના થાય છે, જે ઉચિત નથી. કાવ્યસમગ્રને જોતાં કાવ્યત્વ જેવું કંઈ નક્કર અહીં નિપજતું નથી અને આ કાવ્યમાત્ર આધુનિકતાવાદી પ્રયોગોની કક્ષાએ અહીં રહી જાય છે.” આ ઉપરાંત આપણે પશ્ચિમની દ્રષ્ટિથી નહિ પણ આપણી પોતાની દ્રષ્ટિથી આપણા અનુઆધુનિકતાવાદને જોવાનો છે એ વિધાન સહજ રીતે એક વાચકને સમજાવી પણ દે છે.
અજયસિંહ ચૌહાણ પ્રથમ પ્રકરણમાં આધુનિકોત્તર ગુજરાતી કવિતાની લાક્ષણિકતાઓ પણ જુદી તારવી આપે છે. જે વાચકને કવિઓની જિકર સમજવામાં ઉપયોગી થઇ રહે છે. તેમના મતે આધુનિકોત્તર કવિઓએ સંસ્કૃતિ અને કૃતિ બંનેની જિકર કરી અને પરિષ્કૃતિની ખેવના રાખી. સાહિત્યિક અને સાંસ્કૃતિક પરંપરાઓ સાથે અનુસંધાન જાળવી કશુંક નવું નિપજાવવાની મથામણ રાખી. પોતાની કવિતાને બોલકી થયા દીધા વગર અસ્તિત્વના પ્રશ્નો જેવી અનેક સંવેદનાઓને નીતિન મહેતા, જયદેવ શુક્લ, યજ્ઞેશ દવે જેવા કવિઓએ પોતાની કવિતામાં કવિતાની શરતે જ લખી. વિવેચક તરીકે અજયસિંહ ચૌહાણ અહીં માત્ર પોતાના વિચારો જ નહી પણ અન્ય સર્જકો અને વિવેચકોના સંદર્ભ પણ ટાંકે છે અને પ્રતીતિ કરાવે છે. વળી, આધુનિકોત્તર કવિઓની કવિતામાં ભાષા અને શબ્દ ઉપરાંત જીવનવિચાર, પરંપરા સાથે રહીને પ્રયોગશીલતા, અર્થવિલંબન કરતી કવિતા, મૂળ-કુળ તરફ પાછા જવાનું વલણ, ગ્લોબલની સાથે લોકલનું મહત્વ, મધ્યકાલીન સ્વરૂપો પ્રયોગશીલ રીતે પણ પ્રયોજાયા અને પરંપરા સાથે પણ, સર્જનાત્મક વિનિયોગ, હાંસિયામાં રહેલાં લોકોની વાત કેન્દ્રમાં – નારી ચેતના, દલિત ચેતના, આદિવાસી ચેતના જેવા આધુનિકોત્તર સાહિત્યના લક્ષણોને વિવેચક સ્પષ્ટ કરી આપે છે.
પુસ્તકનું અને વિવેચકનું જે અન્ય લક્ષણ ઊડીને આંખે વળગે છે તે છે કે આ પુસ્તકમાં કવિઓ દ્વારા જે કલ્પન, પ્રતિક, પૂરાકલ્પન કે અન્ય કોઈ સંદર્ભની વાત થઇ હોય તેને પણ સમજાવવામાં આવી છે. જેમકે નીતિન મહેતાએ પોતાના એક કાવ્યમાં ‘ધ સેવન્થ શીલ’ ફિલ્મનો સંદર્ભ ટાંક્યો છે. પણ આ ફિલ્મના સંદર્ભને કાવ્ય સાથે અનુંસંધાનિત આપણા આ વિવેચક કરાવી આપે છે. પોતાના આ પુસ્તકમાં તેમણે કાવ્યની સમજની સાથે સાથે ફિલ્મની કથાને પણ ટૂંકમાં વર્ણવીને કાવ્યનો આસ્વાદ કરાવ્યો છે. અને ફિલ્મના સંદર્ભનો કવિએ વિરોધાભાસી વિનિયોગ કર્યો છે એ પણ સ્પષ્ટ કર્યું છે. કાવ્યમાં રહેલાં મૂળ હાર્દ સુધી પણ અજયસિંહ ચૌહાણ આપણને પહોંચવામાં મદદ કરે છે. ‘નખની વચ્ચે ધીમું ધીમું ઘાસ ઊગે’ એ નીતિન મહેતાની પંક્તિઓમાં જીવન અને આનંદના મહિમાને કવિની સાથે સાથે તેના વિવેચક પણ આપણા સુધી પહોંચાડે છે પરિણામે સમગ્ર પુસ્તકનું અભ્યાસલક્ષી મૂલ્ય વધી જાય છે. એવો જ સંદર્ભ જયદેવ શુક્લની ‘એક લાલ સોનેરી પર્ણ’ કવિતામાં ફ્રેંચ ફિલ્મ દિગ્દર્શક જ્યાં લુક ગોદારની ‘WEEK END’ તથા ‘BREATHLESS’ને પ્રથમવાર જોયા પછી કવિને થયેલા સંવેદનનો અનુભવ પણ વર્ણવ્યો છે.
વિવેચકના એક અગત્યના લક્ષણ નિરીક્ષણશક્તિને અજયસિંહ સંપૂર્ણત: અનુસર્યા છે. નીતિન મહેતાની કવિતા સમયની દ્રષ્ટીએ આધુનિકોત્તર છે પણ એમની અછાંદસ કવિતાઓ રચનારીતિની દૃષ્ટિએ સુરેશ જોશી, ગુલામમહમ્મદ શેખ, લાભશંકર ઠાકરથી ખાસ જુદી પડતી નથી પણ એ કવિઓ કરતાં વધારે અર્થક્ષમ જરૂર છે તેવું નિરીક્ષણ કરીને તેઓ તેમના ‘યાત્રા’ કાવ્યનું ઉદાહરણ પણ ટાંકે છે. ‘નિર્વાણ’ પછીની નીતિન મહેતાની સામયિકોમાં છપાયેલી રચનાઓમાં અભિવ્યક્તિની કોઈ નવી રીતિ કે સ્થિત્યંતર મળતાં નથી એવી નિખાલસ વિવેચના પણ અહીં આપણા વિવેચક કરી શક્યા છે. તો પરંપરાગત પત્રોથી જુદી ભાષા અને રીતિ તેમજ સંવેદન હોવાને કારણે ‘પત્ર’ કાવ્ય બને છે એવું સૂક્ષ્મ નિરીક્ષણ પણ વાચક માટે મદદરૂપ બને છે.
‘કવિતા એ સમગ્ર સાહિત્ય કે લાઘવની કળા છે. પ્રસ્તારને અહીં સ્થાન નથી. કવિની અભિવ્યક્તિરીતિ એને પ્રસ્તારમાંથી ઉગારે છે.’ – કાવ્યના લક્ષણોને પણ આ રીતે વચ્ચે વિવેચક મુકીને કવિઓના તેમણે કરેલા વિવેચનને આગળ વધારે છે.
દરેક કવિની કવિતા વિષે વાત કરતાં પહેલા પ્રકરણની શરૂઆતમાં કવિના જીવનસંદર્ભને પણ સંક્ષેપમાં મુક્યો છે જે સરાહનીય છે કેમકે કવિની સંવેદના સુધી પહોંચવામાં મદદરૂપ બને છે.
કવિતાની ભાષા, રચનારીતિ,આકાર, પ્રાસયોજના, કાવ્યના પ્રતિક, કલ્પન જેવાં આંતરતત્વોની વાત પણ અહીં વણી લેવામાં આવી છે જેથી કાવ્યને તેના ભાવકો પણ વધુ સરળતાથી સમજી શકે. વળી જયદેવ શુક્લના ‘પીસોટો’, ‘ઝરણું’, ‘ધનુષ પરથી સનનન..’ જેવા કાવ્યના ઉલ્લેખ દ્વારા કાવ્યાનંદણા ઉદાહરણો પણ આપ્યા છે. તો ‘જલસો’ રાગ અને તાલની જુગલબંધીને રજૂ કરતું કાવ્ય છે તેવું તેમનું નિરીક્ષણ પણ કાવ્ય મૂલ્યને વધારે છે. એ જ રીતે ‘તાલ કાવ્યો’ માં રૂપક તાલના વિનિયોગ અને એની તકનીકી માહિતી પણ તેમણે પૂરી પાડી છે.
સર્જકના પોતાના સંવેદનોને પણ પુસ્તકમાં ટાંકવામાં આવ્યાં છે. જેમકે ‘જયદેવ શુક્લની કવિતા’ પ્રકરણમાં કવીએ પોતે જે ભાવ વ્યક્ત કર્યો છે તેની નોંધ લેવામાં આવી છે. “આધુનિકતાવાદના પ્રભાવથી ફાટફાટ થતા એ દિવસોમાં એક નવોસવો કવિ કયે ખૂણેથી, કઈ દિશાએથી, કેવી રીતે સાહિત્ય જગતમાં પ્રવેશે ? આ મૂંઝવણ નાનીસૂની નહોતી. .... જેવું સુઝે તેવું પોતાનું જ લખવું છે. બીજા કશાને નહિ, માત્ર કૃતિને જ બોલવા દેવી.” જયદેવ શુક્લ પાસેથી વિષય અને સંવેદનનાં અવનવાં રૂપો એમની કવિતામાં મળે છે પોતાના એ વિધાનનાં સંદર્ભમાં અજયસિંહ ચૌહાણ ‘ભેજલ અંધકાર’ કાવ્ય નોંધે છે. તેઓ કવિએ વાપરેલા કલ્પનો – તાંબાના નાગ, ફૂલોની ગંધવાળો ભેજલ અંધકાર, જાસુદનું ફૂલ જેવાં પ્રતીકો શિવાલયના ગર્ભગૃહના સંદર્ભો, રતિરાગનું ઉદ્દીપન અને પરિતૃપ્તિને સંવેદન રૂપ કવિએ આપ્યું છે એવું સરળતાથી આપણને સમજાવીને વિવેચનને અભ્યાસલક્ષી સામગ્રી બનાવવા તરફ આગળ વધે છે.
હરીશ મીનાશ્રુની કવિતાના વિષય અને સંવેદનના ત્રણ મોટા પડાવનો ઉલ્લેખ કરીને કવિની કવિતાને સમજવી વધુ સરળ બનાવી છે : માનવસ્વભાવ તથા સમકાલીન સાહિત્યિક પરિવેશનું વિડંબન કરતી કવિતા, જ્ઞાનમીમાંસા અને સાંસારિક અનુભવોથી ચૈતન્ય તરફની ગતિને કાવ્યગત ભૂમિકાએ રજૂ કરતી કવિતા તેમજ જગતને કલ્પ્નોત્થ રીતે રજૂ કરતી અને સામાજિક સંદર્ભ અને નિસબતને રજુ કરતી કવિતા. અજયસિંહનું આ નિરીક્ષણ અને વર્ગીકરણ હરીશ મિનાશ્રુની નોખી મુદ્રા પ્રગટાવવામાં સફળ મદદ કરે છે. તેમની કવિતામાં વપરાયેલા ગઝલ, આધુનિક અછાંદસ અને કુંડલિયાનો ઉલ્લેખ કરવાનું પણ આપણા વિવેચક ચૂકતા નથી. ‘ધ્રિબાંગસુંદર’ કવિતામાં અવતાર કથાની પરંપરાનો કવિએ જે સરસ ઉપયોગ કર્યો છે તેની વાત પણ અહીં છે. કવિના શબ્દને વિવેચક પેલેપારના કશાક ચૈતન્ય આંતર્નાદ સાથે સંધાન રચવા મથતો શબ્દ ગણાવે છે. હરીશ મીનાશ્રુએ વાપરેલાં વિવિધ કાવ્ય સ્વરૂપોનાં ઉદાહરણો પણ પુસ્તકમાં ટાંકવામાં આવ્યા છે. ગઝલમાં તેમણે ‘અહાહાહા – અહોહોહો’ જેવાં અરૂઢ રદીફ અને કાફિયા, પ્રેમ- પર્જન્યના વિવિધ રૂપો જે તેમણે વાપરેલાં છે તેના તરફ પણ ધ્યાન દોરે છે. જે એ વાતની પૂર્તિ કરે છે કે આપણા વિવેચક કાવ્યનાં વિવિધ સ્વરૂપ-લક્ષણોથી પણ આપણને વાકેફ કરે છે. હરીશ મીનાશ્રુએ વાપરેલ સંસ્કૃત તત્સમ પદાવલિ, ‘પર્જન્યસૂક્ત’ માં પર્જન્યને વૈદિક વરસાદનું મીથ તરીકે વાપરવા, પૃથ્વીની કરેલ નવીન કલ્પના, સાંપ્રત બોમ્બ બ્લાસ્ટની ઘટના, ભાષાના અનેક સ્તરો જેવી ઘણી બાબતો પર વાચકનું ધ્યાન દોર્યુ છે.
પરંપરા સાથેના અનુસંધાન સાધતા કવિ તરીકે તેમણે સંજુ વાળાનો ઉલ્લેખ કર્યો છે. સંજુ વાળાની કવિતાનું સંવેદન બહુધા અસ્તિત્વ, આત્મા, શરીર અને તેની સાથે જોડાયેલા સંદર્ભે રજુ થયું છે. – વિવેચકનું આ નિરીક્ષણ કવિના પરિચયને વધારે ખીલવે છે. તેમનાં કેટલાંક ગીતોની ઉડાઉ શૈલી પ્રત્યે પણ આપણું ધ્યાન દોર્યું છે. ‘થાંભલી’ ગીતમાં કવિએ જેટલી સરળતાથી થાંભલીને એક પાત્ર તરીકે ઉપસાવી છે એટલી જ સહજતાથી આપણા વિવેચકે પણ રસદર્શિત કરી આપી છે. અહીં પણ કાવ્યને તકનીકની સાથે સાથે તેમાં રહેલાં ભાવને પણ સરળ બનાવી આપવાનું વિવેચકનું કાર્ય અજયસિંહ સફળતાથી બજાવી શક્યા છે. હરીશ મિનાશ્રુની ‘સુનો ભાઈ સાધો’ જેવી ગઝલને જેટલા રસથી વર્ણવી છે એટલીજ રસાળતાથી આપણા વિવેચક સંજુ વાળાના ગીતોને પણ આપણી સમક્ષ મૂકી આપે છે. કાવ્યના વિવિધ સ્વરૂપોનું વાચન અને સમજ અહીં પ્રતીત થાય છે. જ્યાં જરૂર લાગી છે ત્યાં અજયભાઈએ તુલનાત્મક વિવેચનનો ઉપયોગ પણ કર્યો છે. નરસિંહ મહેતાથી લઈને લાભશંકર ઠાકર સુધીના કવિઓ સાથે આ ‘આધુનિકોત્તર’ કવિઓની તુલના કરીને કવિતાના નવા પરિમાણ આપ્યા છે.દા.ત. નરસિંહ મહેતા કે બ.ક.ઠાકોરની કવિતામાં આલેખાયેલા વૃધ્ધાવસ્થાના ભાવ અને સંજુ વાલાની કવિતામાં વપરાયેલા ભાવ બનેને સાથે રાખીને તેમણે વિવેચન કર્યું છે. તેમની કવિતામાં પણ આલેખાયેલા સવૈયા, કટાવ, મનહર જેવા છંદો પ્રત્યે તો ગઝલમાં લાંબી બેર કે ટૂંકી બેરની ગઝલ તરફ પણ આપણું ધ્યાન દોર્યું છે.
દલપત પઢીયારની કવિતા ખાસ કરીને ગીતો એ ગુજરાતી ગીત પરંપરાનું એક નોખું શિખર છે એવું વિવેચકનું મૂલ્યાંકન સંપૂર્ણત: સ્વીકાર્ય છે. શહેરના નિવાસને કારણે વતન- ગામનો વિચ્છેદ એમની કવિતાનો વિષય અને સંવેદના બન્યા. કાવ્યમાં માત્ર વતનનો ઝુરાપો જ નહિ પણ કાવ્યસર્જનની પ્રક્રિયા પણ છે. ‘મારો ભોંય બદલો’, ‘હું દલપત, દળનો પતિ..’ જેવી રચનાઓમાં પ્રગટ થતો કવિનો વતનથી વિખૂટા પડવાનો વિશાળ પણ પુસ્તકમાં વર્ણવ્યો છે. ‘હું દલપત, દળનો પતિ..’ ની તુલના રમેશ પારેખના ‘તારા સોરઠ દેશે કોઈ દંતકથા’ સાથે કરી છે.અને સંવેદનની રીતે બંનેને લગોલગ બેસાડી છે. જેની પાછળ સુર – સંગ્રામ, યુદ્ધ, ધીંગાણું, પાળિયા, ખાંભી એમ અનેક સંદર્ભોને જવાબદાર ગણાવ્યા છે. કવિના ગીતોમાંથી બહાર આવતો અધ્યાત્મનો ભગવો સમજવા માટે પુસ્તકમાં કવિના પોતાના જ શબ્દોને સંદર્ભ તરીકે મૂકી આપ્યા છે, “ મારી ધાર્મિક પરંપરાએ તથા તે સંલગ્ન મારી આધ્યાત્મિક પ્રવૃત્તિએ પણ મારા સર્જક ચિત્તને સેવ્યું છે અને સંસ્કાર્યું છે.....” કવિતામાં બોલીગત શબ્દોના ઉપયોગ સંદર્ભે દલપત પઢિયાર અને રાવજી પટેલની સમાનતા અંગે પણ તેઓ ધ્યાન દોરે છે. તેમના ગીતોમાં આવતી વક્રતા અને ભાષાપ્રયોગનો ઉલ્લેખ પણ અહીં થયો છે.
“આમ તો આપણે ત્યાં વિનોદ જોશીને બહુધા ગીતકવિઓ તરીકે ઓળખવામાં આવે છે પણ મને એમની સમગ્ર કવિતામાંથી પસાર થતાં ગીતકવિ તો ખરા જ પણ એક પ્રયોગશીલ કવિ તરીકે વધારે મહત્વના લાગ્યા છે.” – વિવેચક આવો માત્ર સ્વીકાર નથી કરતા પણ વિનોદ જોશીની કવિતાને – વિષયવસ્તુ અને સંવેદનને ત્રણ ભાગમાં વહેંચીને આપણને અનુભવ કરાવે છે : રતિરાગ સંવેદન, પૌરાણિક વિષય, લોકકથાનું વિષયવસ્તુ. દૈહિક પ્રેમથી શરુ કરીને પ્લેટોનિક લાવ સુધીના પરિમાણોને કવીએ પોતાના કાવ્યોમાં જે રીતે પ્રગટાવ્યા છે એ જ સહજતાથી આ પુસ્તકમાં પણ સમજાવ્યા છે. જેમકે, ‘‘વળગાડ’ શબ્દ દ્વારા નાયકને કેવો નેડો લાગ્યો છે એ પણ સૂચવાય છે.’, ‘અહીં તો કાળોતરો અને પાછો ઝેરી અને છતાં એનો ડંખ લાગે મીઠો દ્વારા રતિરાગની તીવ્રતા સૂચવાઈ છે.’ વગેરે. ‘ઊંચી મેડી ને એના ઊંચા ઝરુખડા’ માં રહેલી રસિકતાને રમેશ પારેખના ‘ઊંચી મેડીને એનો ઉંચો અસવાર’ સાથે સાંકળીને શબ્દફેર થવાથી બદલાયેલો ભાવ પણ વિવેચક દર્શાવે છે. ગીતોની સાથે કવિએ લખેલા ગઝલ, સોનેટ અને ‘શિખંડી’ જેવા ખંડકાવ્યનું મૂલ્યાંકન કરવાનું આ વિવેચક ચુક્યા નથી. જેને તેઓ ખંડકાવ્યની પરંપરામાં મહત્વનું ઉમેરણ ગણાવે છે જે યથાર્થ છે. અહીં પણ કાન્તની છંદપલટાની ખાસિયત અને વિનોદ જોશીની પંક્તિના આવર્તનની ખાસિયતની સરખામણી પણ થાય છે. ‘તુંન્ડીલતુંન્દલીકા’ માં દોહરાના આવર્તનોણા પરિવર્તનને અને પદ્યવાર્તાના મંગલાચરણ અને ફલશ્રુતિ જેવા લક્ષણોને કવિ વાપરે છે એ બાબતોમાં પણ ધ્યાન દોરવાનું વિવેચક ચુક્યા નથી.
દીર્ઘ કવિતાની આખી પરંપરા આપણી સામે મુકીને અજયસિંહ ચૌહાણ યજ્ઞેશ દવેની કવિતા વિષે વાત કરવાની શરૂઆત કરે છે. અનુઆધુનિક યુગના દીર્ઘકાવ્યોના કવિ તરીકે પ્રતિષ્ઠિત યજ્ઞેશ દવેની કવિતાઓને સમજવા માટે આનાથી શ્રેષ્ઠ ભૂમિકા બીજી કઈ હોઈ શકે ? એમણે કુળ સોળ જેટલા દીર્ઘકાવ્યો આપ્યા છે. અને કાવ્યનાં અન્ય સ્વરૂપોની સાથી સાથે આપણા વિવેચક આ સ્વરૂપનું મૂલ્યાંકન પણ વિગતે કરી શક્યા છે. યજ્ઞેશ દવે એ પોતાના ઇકોલોજીના અભ્યાસને કેવી રીતે કાવ્યમાં ઉતાર્યો છે તેની વાત ‘અશ્વત્થામા’થી જ પ્રતીત થઇ જાય છે. અહીં પણ એમણે ‘માચુપિચુનાં ખંડેરોમાં’ જેવા કાવ્યને સમજાવવા વાચક માટે ‘માચુ પિચુ સ્થળનો ઉલ્લેખ કરીને સંદર્ભ ટાંકી આપ્યો છે. ‘વસ્તુઓ’ની નાશવંતતાને પણ આલેખી શક્યા છે.અગાઉના દીર્ઘ કાવ્યોના કવિઓ કરતા યજ્ઞેશ દવેની અભિવ્યક્તિ રીતિ નોખી પડે છે અને જીવનાનંદદાસની કવિતાનો પ્રભાવ ઝીલે છે એ મૂલ્યાંકન પણ નોંધપાત્ર છે.
“અનુઆધુનિકયુગ’માં પણ હરીશ મીનાશ્રુ અને મણિલાલ પટેલ એ બેની કવિતા સમયસંદર્ભ પ્રમાણે બદલાય છે.” આવું અગત્યનું વિધાન અહીં વિવેચક અજયસિંહ કરે છે. અને મણિલાલ પટેલની શરૂઆતની કવિતાથી લઈને વર્તમાન રચનાઓ સુધીની યાત્રા વર્ણવવાનું તેઓ ચુકતા નથી. કવિએ આલેખેલા ઇન્દ્રિયસંતર્પક કલ્પનો , પરંપરિત લય, દોહરો, કવિતામાં આવતી ગ્રામાભિમુખતા આ બધાની વાત અહીં છે. મણિલાલ પટેલ કવિતાના વિષય અને સંવેદનમાં બદલાવના સંકેતો ‘ડુંગર કોરી ઘર કર્યા’માં આપી દે છે એ તરફ પણ આપણું ધ્યાન દોરવામાં આવ્યું છે.
આ ઉપરાંત ભરત નાયક, જયેન્દ્ર શેખડીવાળા, બાબુ સુથાર, મનોહર ત્રિવેદી, કાનાજી પટેલ, નીરવ પટેલ, મનીષા જોશીની કવિતાને પણ પુસ્તકમાં મૂલ્યાંકિત કરવામાં આવી છે.
આ આધુનિકોત્તર કવિઓએ શું સિદ્ધિ મેળવી, ક્યાં અટક્યા, ક્યાં પાછા પડ્યા તેની સંપૂર્ણ તપાસ ઉદાહરણો સાથે અહીં થઇ છે. જે આ પુસ્તકનું જમા પાસું છે. પરંપરાથી ઉફરા જઈને જે કશુંક નિપજાવી શક્યા છે એ કવિઓની વાત અજયસિંહ ચૌહાણ કરે છે અને એ જ વાત એમના પોતાના વિવેચનના સંદર્ભમાં પણ એટલી જ સાચી ઠરે છે. આધુનિકોત્તર કવિઓ વિશે જયારે જેટલી અને જેવી જેના દ્વારા વાતો થવી જોઈએ તે થઇ નથી. એવી ફરિયાદનો જવાબ આ પુસ્તક છે. પુસ્તકના લેખક વિવેચક બનીને આ કવિઓ વિશે વાત કરવામાં, તેમને સમજવામાં અને સમજાવવામાં સફળ રહ્યા છે તેમાં બેમત નથી.