Included in the UGC-CARE list (Group B Sr. No 172)

તળજીવનની સાથે અસલ જીવનનો મહિમા કરતી વાર્તા ‘આંબલીઓ’

ડૉ. રાજેશ વણકર કવિ, વાર્તાકાર, વિવેચક, સંશોધક તરીકે મથામણ કરી પોતાની અલગ છબી બનાવવા મથતા યુવાસર્જક છે. ‘ટૂંકી વાર્તામાં પરિવેશની કાર્યસાધકતા’ વિશેનો તેમનો શોધનિબંધ મહત્વનો છે. આ શોધનિબંધને ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થયેલ છે. આ ઉપરાંત દલિત વાર્તા વિશેનો અભ્યાસ, કાનજી પટેલના સર્જન વિશેનો અભ્યાસ પણ ધ્યાનપાત્ર છે. ‘તરભેટો’ નામનો કાવ્યસંગ્રહ તથા ‘માળો’ વાર્તાસંગ્રહ તેમના સર્જન ક્ષેત્રના મહત્વના પ્રદાન છે. તેમને ‘માળો’ વાર્તાસંગ્રહ માટે ‘દિલ્હી સાહિત્ય અકાદમીના યુવાપુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ડૉ. રાજેશ વણકર વિવિધ એવી સંસ્થાઓ સાથે જોડાઈને સતત કાર્યરત રહે છે. મારે આ નવયુવાન વાર્તાકારની ‘માળો’ વાર્તાસંગ્રહની વાર્તા ’આંબલીઓ’ વિશે વાત કરવી છે.

‘દેશીવાદ’ અસલનો મહિમા કરે છે. ભૂ.ભાગ સાથે જોડાએલ હોય છે. દેશીલોકોનું જીવન, રહેણીકરણી, ખાન-પાન પરિવેશ તથા તળની બોલી દ્વારા સાચું જીવન-તળજીવન દેશીય સાહિત્યમાં જોવા મળે છે. દેશીસાહિત્ય મૂળ સાથે અસલ જીવન સાથે જોડાએલ હોય છે. દેશીપાત્રો, આચાર-વિચાર, મૂળગત વ્યવસાય, દેશી પરિવેશ, પ્રકૃતિ સાથેનું જોડાણ, પહેરવેશ આ બધાને રજૂ કરવા માટે વપરાએલ દેશીબોલી આ તમામ લક્ષણો સાહિત્યમાં જોવા મળે છે.

‘આંબલીઓ’ વાર્તાનો પરિવેશ દેશી છે. કંચુ અને મધુના સંવાદથી વાર્તાનો આરંભ થાય છે. ડુંગરાળ પ્રદેશમાં રહેતા આ તરુણપાત્રો ‘આંબલીઓ’ પાડવા જવા માટેની તૈયારી કરે છે. ‘આંબલીઓ’ પાડવા માટે વરંડો, આંકડી, દોરી વગેરેની શોધખોળ દરમ્યાન વાર્તામાં આદિવાસી જીવન, રહેણીકરણી તથા દેશી પરિવેશ રજૂ થયો છે.

કંચુ અને મધુની સાથે ત્રીજું પાત્ર ‘ધમલો’ આગળ ઉમેરાય છે. ‘ધમલો’ હોશિયાર હોવા છતાં આર્થિક પરિસ્થિતિ પોતાની ખરાબ હોવાથી નેદવા-ગોદવા જવું પડે છે. ને નિયમિત શાળાએ જઈ શકતો નથી. આ તમામ બાબતો આંબલીઓ પાડવા જતાં રસ્તામાં ચર્ચા દરમ્યાન થાય છે. ‘ધમલા’નું પાત્ર ડુંગરાળ પ્રદેશ-આદિવાસી જીવનને બરોબર રજૂ કરે છે. ધમલો ‘લાલ બિટકાવાળી’ આંબલીઓ પાડે છે. અને સરખા ભાગે વહેંચે છે. પૈસાની જરૂરિયાતવાળા ધમલાને કંચુ ‘આંબલીઓ’ વેચી પૈસા કમાવાનો તુક્કો આપે છે. ધમલો સહમત પણ થાય છે. અને શહેરમાં આંબલીઓ વેચવા જાય છે. પરંતુ શહેરના લોકો આંબલીઓ ખાવા કરતાં પૈસાને મહત્વ આપે છે. માટે ધમલો અંતે માંગનાર બાળકોને મફત આપીને જતો રહે છે. તે કહે છે. શહેરના લોકો માટે આ આંબલીઓ નથી. આપણા માટે છે. પોતાના બકરાં આંબલીઓ ખાશે તો લોટો દૂધ વધુ આપશે ને તે માટે ધમલો ઉમળકાભેર –ઉત્સાહભેર સ્કૂલનો ઘંટ વાગે તે પહેલા ‘લાલ બિટકાવાળી‘ આંબલીઓ પાડે છે. ગ્રામીણ દેશી અસલ જીવન એક તરફ અને બીજી તરફ વસ્તુ કરતાં રૂપિયા–પૈસાને મહત્વ આપતા લોકોને વાર્તાકારે સામ-સામે મૂકી આપ્યા છે. તેમાં વાર્તાકારે અસલ દેશીજીવનનો મહિમા વાર્તાના અંતે કર્યો છે.

‘આંબલીઓ’ વાર્તાનો પરિવેશ વન્ય છે. ‘આંબલીઓ’ પાડવા માટેની તૈયારી સાથે વાર્તાકારે પાત્રો, પરિસ્થતિ અને પરિવેશનો પરિચય કરાવ્યો છે. દોરી, વાંસનો વરંડો, આંકડી-વગેરેની શોધખોળ ચાલે છે. આવા સમયે ‘કાશીકાકી’ના પાત્ર સાથેના સંવાદ દ્વારા વાર્તાનો ઉગાડ પ્રાણવંતો બન્યો છે.

વાર્તામાં ધમલો અને કંચુની મસ્તી દ્વારા પરિવેશનો પરિચય વાર્તાકારે આપ્યો છે. સાથે સાથે પ્રકૃતિના તત્વોનો પરિચય પણ વાર્તાકાર કરાવે છે. ઝાળ સાથે ચડ-ઉતર કરતા ધમલાના પાત્ર દ્વારા વાર્તાકારે બરોબર રજૂ કર્યું છે. જુઓ-
‘બેય બરાબર થડ પાસે પહોચ્યાને ધમલાએ આખોય કેસૂડો ભાથીદાદા ચડયા હોય એમ ઝંઝેડી નાખ્યો. ને ફૂલોનો વરસાદ થયો જાણે એક સામટો કોયલોનો કલશોર થયો હોય એમ મધુ ને કંચુની હાસ્ય મિશ્રિત કિલકારીઓથી એ સઘળી વનરાજી ઉભરાઈ ઉઠી.’ પૃષ્ઠ.૧૭)

તો આ ત્રણેય પાત્રોના સંવાદમાં આદિવાસી ડુંગરાળ પ્રદેશમાં રહેતા બાળકોને મજૂરી પણ કરવી પડે છે. સાથે સાથે ભણવું પડે છે. તેનો કરુણસાદ પડઘાયો છે. ધમલો ભણાવવામાં હોશિયાર હોવા છતાં તે નેંદવા-ગોદવાનું કામ કરવું પડે છે. તે નિયમિત સ્કૂલે જઈ શકતો નથી. આ વાર્તા વન્ય આદિવાસી જીવનની વાસ્તવિકતાને રજૂ કરે છે. ત્રણેય પાત્રો ‘આંબલીઓ’ પડવા જાય છે. અને તે દ્વારા ‘રૂપલી’ અને શહેરના છોકરાનો પ્રસંગ, તેમાં રૂપલી ગર્ભવતી બને છે. ત્યાં સુધીની ઘટનામાં વાર્તાકાર શહેર અને આદિવાસી સ્ત્રીઓને કેવી રીતે ભોળવીને ભોગવે છે. જેનો અણસાર ‘રૂપલી’વાળા પ્રસંગ દ્વારા મળે છે. આંબલીના બીટકા-‘ લાલ લાલ બિટકાવાળી’ આંબલી તથા મધુ –કંચુ માટે પણ આ ઉપમા એકથી વધુ વખત આપી છે. તેમાં કંચુ-મધુ લાલ લાલ થઈ ગઈ એમ કહીને તેને ‘આંબલીઓ’ સાથે સરખાવી છે. ઉ.દા. તરીકે આ વર્ણન જુઓ- ‘કંચુ અને મધુ બેય ઉંચું જોઈ જોઈને થાકી હતી આખીય લાલ લાલ થઈ ગઈ હતી. જાણે લાલ લાલ બિટકાવાળો કાતેડો જ જોઈલો’ (માળો, પૃષ્ઠ-૧૯) દારુપીવો, બીડી પીવી વગેરે વ્યસનો આદિવાસી તળના લોકોમાં સહજ જોવા મળે છે. તેનું વર્ણન પણ વાર્તામાં ધમલાના પાત્ર દ્વારા રજૂ થયું છે. ત્રણેય પાત્રો સરખા ભાગે આંબલીઓ વહેંચે છે. પરંતુ વધારે ‘આંબલીઓ’ હોવાથી મજૂરી કરવા કરતાં શહેરમાં જઈને વેચવાનો વિચાર કંચુના મનમાં સ્ફૂરે છે. અને અમલ મૂકે પણ છે. બીજે દિવસે સ્કૂલે જતાં ધમલો જે રીતે ગુસ્સે થાય તેનું કારણ જણાવતાં વાર્તાકાર લખે છે. શહેરના લોકો આંબલીઓ કરતાં પૈસાને વધુ બચીઓ કરે છે. પોતે પાંથરો પાથરીને બેસે છે. પણ શહેરના માણસો તેમાં જુદી-જુદી ભૂલો કાઢે છે. ઓછા પૈસામાં બધી આંબલીઓ માંગે છે. ધમલો અંતે માગવાવાળા બાળકોને મફતમાં આપીને આવતો રહે છે. શહેરના લોકો માટે ‘આંબલીઓ’ નથી. તે કહે છે કે ‘આ બધું આપણા હારું ભગવોને બનાયું સે. જીભના સટાકા વારો માટે નંઈ. લો આ પાડું ભેગી કરો.’ (માળો, પૃષ્ઠ-૨૩) પોતાના બકરા ખાશે તો લોટો દૂધ વધુ આપશે. વાર્તાના અંતે આ ત્રણેય પાત્રોનો ઉત્સાહ દર્શાવતા નોંધ્યું છે કે –
‘અને આંબલીઓ પણ જાણે સ્કૂલનો ઘંટ વાગે એ પહેલા ખોળા ઉભરાવી દેવાના હોય એમ ટપોટપ રઘલાના હાથમાંથી વરસવા જ માંડી. ગોરસ ને કોપરાળી, લાલ ને કાતેડા...

ઘડીક સ્તબ્ધ થયેલી ને પછી ઉત્સાહમાં આવીને દોડાદોડ કરતી અને ખોલો ભરતી કંચુ અને મધુના ગાલ પણ રાજીપાથી લાલ લાલ થઈ ગયા. જાણે આંબલીઓના લાલ લાલ કાતેડા જ ના હોય એમ!’ (માળો-પૃષ્ઠ -૨૩) વાર્તાના અંતની આ ભાષામાં પાત્રના પરિચય માટે વપરાએલ પ્રતીકાત્મક ભાષા આંબલીઓના કાતેડા સાથે કંચુ-મધુ સરખામણી ધ્યાનપાત્ર છે. ધમલાને શહેરના માણસોનો જે અનુભવ થાય છે. તે વાતથી લેખક તળજીવનનો મહિમા કરે છે. આપની દેશી વસ્તુમાં રહેલો અસલ સ્વાદ આ શહેરના લોકો પૈસાને બચીઓ કરીને નથી લઈ શકતા જેવી મહત્વની વાત વાર્તાકારે પાત્રોની રમત-રમતમાં આ વાર્તા દ્વારા રજૂ કરી આપી છે. આપના અસલ ખોરાકો, વન્યજીવન, તેમની ગરીબી તથા અસલ મૂળ સાથે જોડાએલ જીવન ‘આંબલીઓ’માં રજૂ થયું છે. યોગેશ જોષી આ વાર્તા સંદર્ભે નોંધે છે કે – ‘આંબલીઓ’માં આદિવાસી પરિવેશ એ આ વાર્તાનો વિશેષ ઉન્મેષ બની રહે છે. હિલ્લોળા લેતા પાનમ નદીનો ડેમ, ફાલેલા શેમળા... કલાદૃષ્ટિ સાથે લેખક કલમના બદલે જાણે કેમેરા ફેરવે છે. એકાદ ઉદાહરણ જોઈએ-
‘તાડના પાઠાંથી લદાયેલા છાપરાને ઝીલતી થાંભલીઓ ફરતે ભરેલા કરોઠોના બાકોરામાંથી કંચુએ ડોકું કાઢ્યું’

અંબાલીઓના લાલ લાલ કાતેડા જેવી કંચુ અને મધુ: કેસુડાં ઝંઝેડતો, આંબલી પર સડસડાટ ચડી જઈ આંબલીપાડતો ધમલો-જેવા પાત્રો અને પરિવેશના સૂક્ષ્મ નિરૂપણ થકી લેખક આદિવાસી ગ્રામજીવનનો નિર્દોષ અને નિર્મળ ચહેરો ઉપસાવવામાં સફળ રહ્યા છે.(નવલેખન- ગુજરાતી વાર્તાઓ, સં. યોગેશ જોષી, નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા, નવી દિલ્હી, પહેલી આવૃત્તિ-૨૦૧૬,(પ્રસ્થાવનામાં)-પૃષ્ઠ-૧૪-૧૫) જેવી વાત વાર્તામાંથી પ્રસાર થતા મહત્વની બની જાય છે.

વાર્તામાં કેટલાક ગદ્યના નમૂના ધ્યાનપાત્ર બન્યા છે. જેમકે –
‘એ હારું રોટલા ખાવા આવો પસી. આલુ મોટા મોટા રોટલા’- (માળો, પૃષ્ઠ- ૧૪)
‘એ તું તારી હાહરી હંભાર્ય આમરી હાહરીની ચિંતા કર્યા વગર’. (માળો,પૃષ્ઠ- ૧૫)
પેલો કલશોર ને લ્હેરાતા કેસૂડાંય જાણે આખો વગડો ઝૂમતો હોય એવો ખ્યાલ આપતા હતા.- (માળો, પૃષ્ઠ- ૧૬-૧૭)
‘ધમલાએ આખોય કેસૂડો ભાથીદાદા ચડયા હોય એમ ઝંઝેડી નાખ્યો.’- (માળો, પૃષ્ઠ- ૧૭)

આ ઉપરાંત “શેર, હારુ, શેતરો, એની માને હાહુ કરું, આથ ટોટિયું, ઓરખતી” વગેરે શબ્દો દેશી તળની બોલીને રજૂ કરે છે.

પંચમહાલ પ્રદેશના પાનમ ડેમની આસપાસ ડુંગરાળ પ્રદેશમાં રહેતા દેશીલોકોનું જીવન, રહેણીકરણી, ખાન-પાન પરિવેશ તથા તળની બોલી દ્વારા સાચું જીવન-તળજીવન આલેખવામાં વાર્તાકાર સફળ રહ્યા છે. દેશી સાહિત્ય મૂળ સાથે અસલ જીવન સાથે જોડાએલ હોય છે. કંચુ, ધમલો, મધ- દેશીપાત્રો, આચાર-વિચાર, મજુરી-ખેતી જેવા મૂળગત વ્યવસાય, પાનમ નદીની આસપાસનો દેશીપરિવેશ, પ્રકૃતિ સાથેનું જોડાણ, પહેરવેશ આ બધાને રજૂ કરવા માટે વપરાએલ દેશી બોલી- આ તમામ લક્ષણો આ વાર્તા ધરાવે છે. વાર્તામાં ક્યાંક પ્રૂફની ભૂલો(રૂખલી, કચુ, રઘલા) તથા ‘લાલ બિટકાવાળી’ શબ્દ એકથી વધુ વખત પ્રયોગ ક્યાંક ખટકે છે. આ સિવાય ‘આંબલીઓ’ વાર્તા અસલ પરિવેશ સાથે તળજીવનને રજૂ કરે છે.

સંદર્ભ-

  1. નવલેખન- ગુજરાતી વાર્તાઓ, સં. યોગેશ જોષી, નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા, નવી દિલ્હી, પહેલી આવૃત્તિ-૨૦૧૬
  2. માળો, રાજેશ વણકર, ગોવિંદગુરુ પ્રકાશન, ગોધરા, બીજી આવૃત્તિ-૨૦૧૯

ડૉ. નીતિન રાઠોડ, આસિસ્ટન્ટ પ્રોફેસર, ગુજરાતી વિભાગ, ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ સરકારી કૉલેજ, સિલવાસા- 396230, યુ.ટી. ઓફ દાદરા એન્ડ નગર હવેલી. મો. 09879779580 Email: ngr12687@gmail.com