લઘુકથા
તૂટેલું બટન
સોયમાં દોરો પરોવતા એને ખાસ્સી વાર લાગી. દૃષ્ટિ ઝાંખી પડી હોય કે નંબર આવ્યા હોય એવું કશું તો ન્હોતું જ. બસ આંખની આડે કંઇક આવી ગયું.
એણે ફરીથી પ્રયત્ન કર્યો. દોરો પરોવાયો. એણે શર્ટમાં બટન ટાંકવાનું શરૂ કર્યું. આટલા વર્ષોમાં કેટલાંય બટન તૂટેલા આસવના શર્ટમાંથી અને કેટલાંય એણે ટાંકેલા.
આસવ ઓફિસ જવા તૈયાર થતો હોય. એ શર્ટ પહેરે કે એની બૂમ સંભળાય. “સિદ્ધિ, જો ને આનું બટન તૂટી ગયું છે. ટાંકી દે ને !”
એ બટન ટાંકવા જાય અને કહે, “તમારા બટન શર્ટ પહેરતી વખતે જ તૂટતા હોય છે કે શું ?”
“તૂટે છે ક્યારે એ તો ખબર નથી પણ શર્ટ પહેરુ ત્યારે ખબર પડે છે કે બટન નથી. ને વળી કેમ ? તું કપડાં સંકેલે છે ત્યારે તારું ધ્યાન નથી જતું ?”
“એવું ધ્યાન ના રહે. અપાઇ ગયા હોય કપડાં ઇસ્ત્રીમાં એમને એમ. બતાવો ક્યું તૂટ્યું છે ?”
આસવ બતાવે ત્યારે એ કહેતી, “પહેરેલા શર્ટમાં બટન ટંકાવવું હોય તો ફિલ્મોમાં હીરોનું બટન તૂટે છે એ જ તોડવાનું.”
ને પછી તો કેટલીયે વાર એવા બટન જ તુટતા રહેતા ને ઘરમાં રણકાંટ ભરી દેતા.
“આ...હ.” એણે આંગળી ઝડપથી મોઢામાં નાખી. ટાંકો લેતાં સોય આંગળીમાં જરાક વધુ પડતી ખૂંચી ગઇ.
ક્યારથી આવું થવા માંડ્યું એ તો બરાબર યાદ ન આવ્યું પણ હવે શર્ટનું બટન તૂટી ગયું છે એની બેયને અગાઉથી જ ખબર પડી જાય છે અને બટન પણ ટંકાઇ જાય છે તૈયાર થવાનાં સમય પહેલાં જ.
એની આંખ આડે પાછું કંઇક આવી ગયું. સોયમાં દોરો ન્હોતી પરોવતી તોય.