Included in the UGC-CARE list (Group B Sr. No 172)

‘એક પુરાણી વાર્તા', 'લોહનગર' અને 'એકદા નૈમિષારણ્યે' વાર્તાઓમાં પૌરાણિક સંદર્ભ

આધુનિક ગુજરાતી સાહિત્યમાં સુરેશ જોષીનું આગમન એક મહત્વની ઘટના પુરવાર થાય છે. આ ઘટના માત્ર ઐતિહાસિક જ નથી, પરંતુ એમના દ્વારા ગુજરાતી સાહિત્યને જે ઘાટ અને દિશા પ્રાપ્ત થયાં તેને કારણે આજે શતાબ્દી વર્ષમાં પણ તેમનું અર્પણ ગુજરાતી સાહિત્યમાં વિશિષ્ટ રહ્યું છે.

સુરેશ જોષી આપણા આધુનિક વાર્તાકારોના અગ્રણી, પ્રેરક અને પુરસ્કર્તા રહ્યા છે. એમના શુદ્ધ કલાવાદી દ્રષ્ટિકોણથી વાર્તાસ્વરૂપની અંત: ક્ષમતાઓનો તાજગી પૂર્ણ પ્રસાર અનુભવાયો છે. આ વાર્તા સૃષ્ટિએ ગુજરાતી ટૂંકીવાર્તાના પ્રવાહમાં નોંધપાત્ર સ્થિત્યતર રચ્યું છે એટલું જ નહીં વાર્તાવિવેચનક્ષેત્રે નવા માનદંડો પણ ઊભા કર્યાં છે.

સ્વાતંત્ર્યોત્તર સમયગાળામાં બદલાયેલી માનવછબી, વણસેલ કૌટુંબિક સંબંધો. એ સંબંધોમાં ઓછો થતો જતો ભાવાત્મક સ્પર્શ, બદલાઈ ગયેલો માનવીનો જીવન સંધષૅ, વિધટન પામતાં મૂલ્યોની વચ્ચે વધુ ને વધુ સંકુલ બનતા ગયેલા માનવીના ભાવજગતનો તાગ મેળવવા માટે સુરેશ જોષીએ ટૂંકીવાર્તામાં ભાવશબલતા, પાત્રોના મનમાં પ્રવર્તતી એક જ વસ્તુ, વિચાર અને ઘટના પરત્વે ઉદ્દભવતી બે વિરોધાભાસી ભાવ સ્થિતિના આલેખનનો મહિમા કર્યો.

આપણા આધુનિકતાવાદી લેખકોએ નવલિકાના સ્વરૂપની આંતરક્ષમતા તાગી જોવાના પ્રયત્નોમાં પુરાણકથા, લોકકથા, પરીકથા, બોધકથા જેવી કથાસૃષ્ટિઓની પ્રેરણા લઈ તેના જેવી પાત્રસૃષ્ટિ,કથનશૈલી, નિબંધનરીતિ કે તેમાં રૂઢ થયેલી રચના પ્રયુક્તિઓનો અનેક રચનાઓ સંદર્ભે સભાનતા પૂર્વક ઉપયોગ કર્યો છે.એ તો એકદમ સ્પષ્ટ છે કે પ્રાચીન પુરાણકથા જેવી પુરાણકથા રચવાનો કે પરંપરાગત પરીકથા જેવી પરીકથાનું પુનઃ નિર્માણ કરવાનો આ પ્રશ્ન નથી જ. આધુનિક સંવેદનશીલતા એમાં મુખ્ય પ્રેરણાસ્ત્રોત રહ્યો છે. સ્વાભાવિક રીતે જ અસ્તિત્વ પરક વિષમતા અને વિફલતાનો બોધ એમાં ઘૂંટાતો રહ્યો છે. એટલે પુરાણકથા, પરીકથા કે બોધકથાની પરંપરા પ્રાપ્તિ, સૃષ્ટિ જેવી જ સૃષ્ટિ રચવાનો કે તેમાં સિદ્ધ થઈ ચૂકેલી કથનશૈલીનું નર્યું અનુકરણ કરવાનો એ પ્રયોગ નથી. આધુનિક સંવેદનાને નવું જ રૂપ આપવાનો અને અર્થ નિપજાવવાનો એમાં ઉદ્દેશ છે. એટલે પાત્રોના વિભાવનમાં કથનરીતિમાં કે વસ્તુનિબંધમાં એ કથાસૃષ્ટિના અમુક સંસ્કારો કામ કરે છે. પણ તેનું રહસ્ય અને તેની સમ્પર્કતા બદલાઈ ચૂક્યાં હોય છે. આધુનિક સંવિત્તિના પ્રક્ષેપમા પૌરાણિકી તત્વો કે પરીકથાની પ્રણાલીઓ કે બોધકથાનો ઢાંચો સૂક્ષ્મ અને પ્રચ્છન્ન સ્તરેથી અમુક ironic tension રચે છે જે આ પ્રકારની નવલિકાઓની રૂપનિમિતિમાં એક અનોખું પરિમાણ રચી આપે છે. સુરેશ જોષી રચિત 'એક પુરાણી વાર્તા', 'અજાતકકથા', 'લોહનગર' અને 'એકદા નૈમિષારણ્યે' વાર્તાઓને ધ્યાનમાં રાખી વાર્તાઓમાં પ્રગટ થતા પૌરાણિક સંદર્ભોને તપાસવાનો અહીં થોડોક ઉપક્રમ છે.

'એક પુરાણી વાર્તા' :

ચારે તરફ પ્રસરેલા શૂન્યથી ઘેરાયેલો વાર્તાનાયક એનો પ્રતિકાર કરતા કરતા આખરે અખંડ એવી કશીક ક્ષણની ઉપલબ્ધિ પામે છે.એની ચર્ચા આ વાર્તામાં થઈ છે.

'કુરુક્ષેત્ર' વાર્તાના નાયકની જેમ આ વાર્તાનો નાયક પણ ઘરમાં પ્રવેશ કરે છે.પણ ઘરના વાતાવરણ સાથે એ સંવાદ સાંધી શકતો નથી.ઓરડાની નીરવ શાંતિ એનાથી જીરવી શકાતી નથી, ઘરમાં પ્રવેશીને ‘ચકરી ખાતા વમળ’માં ફસાયો હોય એવો એ અનુભવ કરે છે.

નાયક નીરવ શાંતિનો પ્રતિકાર કરવા કલ્પનાથી કશી ભ્રામક વસ્તી વસાવવાનો પ્રયત્ન કરે છે. ટ્રાફિકમાં મોટર-બ્રેકનો અવાજ, ટ્રામનો અવાજ, ઉશ્કેરાયેલા માણસનો અવાજ __ પરંતુ આ બધી જ કલ્પનાઓ મિથ્યા નીવડે છે. નિરાકાર નિ:સ્તબ્ધતામાંથી ઊગારવાએ પોતાની દષ્ટિને અંદર વાળે છે. રાગ, દ્વેષ, ક્રોધ, તિરસ્કાર, ઈર્ષ્યા જેવા ભાવો પણ એને અનુભવવા ન મળતાં શાંતિના સર્વગ્રાહી શૂન્યના ભયંકર રૂપથી તે ધ્રુજી ઊઠે છે. શૂન્યના જુવાળ સામે પાળ બનીને ઊભો રેહવાનો પ્રયત્ન કરે છે. વાપર્યા હતા તેટલા બધા શબ્દો ખડકી દઈ શૂન્યતા પ્રવાહને ખાળવાનો મરણિયો પ્રયાસ કરે છે. પણ પાણીમાં જેમ મીઠાનો ગાંગડો ઓગળી જાય તેમ આ શબ્દો પણ ઓગળી જાય છે. કોઈ એવી લાગણી કે સ્મૃતિને પણ એ અખંડિત પામી શકતો નથી. બ્રહ્માંડ પણ જેમાં ભાંગીને ઓગળી જાય એવું અપ્રતિરોધ શૂન્ય વાર્તાનાયકને માટે અકળ વેદના અને ભયના પર્યાય સમાન બની રહે છે. કશી અખંડ ક્ષણની શોધમાં શૂન્ય સાથે બાથ ભીડતાં વાર્તાનાયક છેક શૈશવના સીમાડા સુધી પહોંચી જાય છે. બાળપણની એ આદ્ય ક્ષણોમાં એને એવી અખંડ અક્ષુણ્ણતા લાધે છે.

"સોનચંપા જેવો એક રંગ, એમાં પેલા તલનું કાળું ટપકું, કપાળમાંનો લાલચટ્ટક ચાંદલો, ને આકાશ જેવો ભૂરો એની સાડીનો ફરફરતો પાલવ - આ ચાર રંગોને જોઈને હું સહજ જ હસી પડ્યો હતો. એ હસવાનો કલરવ સાંભળી મા હસી. અમારા બેના હાસ્યનો સંગમ છલકાઈ ઊઠ્યો, માળા ફેરવતા મારા દાદીમાય એક મણકો ફેરવવાનું ચૂકી ગયાં ને છાનું હસી લીધું. આ હાસ્યના ત્રિવેણી સંગમમાંથી જન્મેલી એ ધન્ય ક્ષણની રત્નકણિકા શૂન્યના જુવાળ સામે ટકી રહી."

આમ, વાર્તાનાયકને ઈપ્સિત અખંડ ક્ષણ એના શૈશવની આદિ ક્ષણરૂપે પ્રાપ્ત થાય છે. એ ધન્ય ક્ષણ માત્ર, પેલા શૂન્યના જુવાળ સામે ટકી રહે છે. શૂન્યના પૂર પાછાં વળે છે અને અંધકારના પગલાં લથડી રહે છે.

એ ધન્ય ક્ષણની પ્રાપ્તિ બાદ તો પવનની લહેર,કળીની બીડેલ પાંખડી, પુષ્પની સૌરભ, પંખીની પાંખ, એનો કંઠ - સર્વ કંઈ એના સંચારનો પ્રભાવ અનુભવી રહે છે. વાર્તાનાયક પ્રકૃતિનાં તત્વોની સંવેદના હવે તીવ્રપણે અનુભવતો થાય છે આ તત્વો પહેલાં ય અસ્તિત્વ ધરાવતાં હતાં જ --- પણ પેલી અખંડ ક્ષણની પ્રાપ્તિ બાદ એની કુંઠિત બનેલી ચેતનાનું સ્તર મ્હોરી ઊઠે છે. અગાઉ દર્પણમાં એને પોતાનું જ પ્રતિબંબ મળતું નહોતું જે હવે પ્રાપ્ત થતાં એ કહે છે - "મને મારું પ્રતિબિંબ મળ્યું" પ્રતિબિંબ મળવાની ઘટના એ પોતાની Identity પ્રાપ્ત થવાની સંવેદના મુકુરિભૂત થવાની ઘટના છે. જેના કારણે નાયકને માટે હવે આ સૃષ્ટિ વધુ ને વધુ ઈન્દ્રિયસંવેદ્ય બની રહે છે.

આકાશે ઝુકીને ધરતી જોડે જે ગુસપુસ વાત કરી લીધી, એનો સંદેશ પત્નીને પહોંચાડવા જતા વાર્તાનાયકની પત્ની સાથેની દામ્પત્યની જે પ્રસન્ન - મંગલ - મધુર ક્ષણોનું નિરૂપણ થયું છે, તે અસ્તિત્વની વિચ્છિન્નતાને આલેખતી સુરેશ જોષીની વાર્તાસૃષ્ટિમાં બેનમૂન છે.

સમગ્ર વાર્તામાં આમ તો સમયની માત્ર થોડીક ક્ષણોનો વ્યાપ જ નિરૂપણનો વિષય છે. પરંતુ વાર્તાનાયક શૈશવના સીમાડા લગી અખંડ સમયની શોધમાં સ્મૃતિ-યાત્રા ખેડે છે. એ ક્ષણોમાં ભાષા, શબ્દો- વિભાવનાઓ કે સંસ્કૃતિનું આક્રમણ હજુ શક્ય બન્યું હોતું નથી, શિશુ-ચેતનામાં સમયના એવા કોઈ પ્રસારને અનુભવવાનું સામર્થ્ય વિકસ્યું હોતું નથી. આવી અનુભૂતિને નિરૂપતા સંદર્ભો આપણને સમય તથા સ્થળની પાર લઈ જાય છે.

સમયના પરિમાણનું એક આસ્વાદ્ય કલ્પન જુઓ : "ઘડિયાળની કમાનના કાંટામાં સોડિયું વાળીને બેઠેલા જરક કાળને પણ ગલગલિયાં થયા."

વાર્તાને અંતે આખાય સંદર્ભને એક સનાતન શાશ્વત પંરપરારૂપે અનુસંધાન મળ્યું છે:
"આ વાત પહેલા ભગવાને લક્ષ્મીને કહી હતી. તે બ્રહ્માજી સાંભળી ગયા હતા. બ્રહ્માજી પાસેથી સરસ્વતીએ સાંભળીને સરસ્વતીએ મારા કાનમાં કરી, તે મેં તમને કહીં સંભાળવી."

વાર્તાની ઘટનાનું પૌરાણિક સમય સાથે અને વર્તમાનની ક્ષણે ભાવકની ચેતના સાથેનું પ્રત્યક્ષ અનુસંધાન થયું છે. આ શોધ તથા પ્રાપ્તિની કથા આજની નથી --- એ થોડાં વર્ષો પૂર્વેનીય નથી. એ તો સનાતન અને શાશ્વત છે. એ ચક્ર - ભાવિમાં પણ ચાલતું રહેશે, એવો સંકેત અંતની આ યોજના આપી જાય છે.

વાર્તાનો પૂર્વાધ આપણને ' સર્વગ્રાહી શૂન્ય' નો સાર્થક અનુભવ કરાવતો નથી. અલબત્ત, વાર્તાના ઉતરાર્ધમાં સુરેશ જોષીની સજૅક શક્તિનું સાર્થક પરિણામ મળ્યું છે, એ નિર્વિવાદ છે.

લોહનગર :

પ્રાચીન રૂપકકથાની શૈલીએ નિર્વહણ પામતી આ વાર્તા વિલક્ષણ વિન્યાસ ધરાવતા ભાષા સંવિધાનની દ્રષ્ટિએ નોંધપાત્ર બને છે.

સુવર્ણપુરી અને માયાવતીના રાજ્યોએ ખંડણી ભરવા માટે રાજા ઉગ્રસેન પાસે માંગણી કરી છે. યુવાન સામંત રુદ્રદત્ત રાજાને આવા અન્યાય સામે લડી લેવાની સલાહ આપે છે. વૃદ્ધ સામંત ધૈર્યદત્ત વાસ્તવિકતા સમજાવવાનો પ્રયત્ન કરે છે. પણ એને ગણકારવામાં આવતો નથી.

નગરના સંરક્ષણ માટે રુદ્વદત્તની યોજના છે. -નગરની આજુબાજુ લોહપાષાણની મોટી દીવાલ તથા આખા નગરને ઢાંકી દે એવું વિશાળ લોહમય આચ્છાદન તૈયાર કરાવવાની. ધૈર્યદત્ત જેવાના વિરોધને રુદ્વદત્ત ગણકારતો નથી. વૃધ્ધ ધૈર્યદત્તની વેદના છે ! "આપણે આપણા હાથે આપણી ચારેબાજુ દીવાલ ચણીને આપણે કારાગારમાં પુરાઇશું ?"

આ વેદના એ જ આ વાર્તાનો કેન્દ્રીય ભાવ છે. આ યંત્રવત કાર્યમાં બાળકોનું હાસ્ય, માતાનાં હાલરડાં, પંખીઓના ગાન કે પ્રણયના ઉદ્દગારોય સંભળાતા નથી. એ લોહપાષાણનો કિલ્લો એ નગરની પ્રજાની નૈસર્ગિકતા, સ્વતંત્રતા, મૌલિકતા તથા પ્રકૃતિ સાથેનો સંપર્ક ઝુંટવી લેનાર કારાગાર બની રહે છે.

વાર્તાનો પૂર્વાધ સંવાદો, પ્લોટ, પાત્રવિધાન તથા રહસ્ય-ગૂંફનની દ્રષ્ટિએ પંરપરાગત કથનરીતિનું અનુસંધાન સાચવતો જણાય. એમાં ભાષાનું સ્તર પણ સંવાદોને કારણે કથનાત્મક રહ્યું છે. પરંતુ ઉત્તરાર્ધમાં ભાષાનું સ્તર બદલાય છે. બળબળતી બપોરમાં, લોહપાષાણનો કિલ્લો ચણવાનો ભગીરથ પુરુષાર્થ તથા એનો વિધ્વંશકારી પ્રભાવ ભાષાના વૈશિષ્ટય દ્વારા ઉપસાવી શકાયો છે.

નિષેધસૂચક ક્રિયાપદોની આવર્તન શ્રેણી દ્વારા કરુણને વધુ સધન બનાવાયો છે. દા.ત.
"બીજે દિવસે એ નગરમાં ઊગ્યો જ નહીં, કારણ કે સૂર્ય કયા આકાશમાં ઊગે ? પંખીઓ ક્યાં ગીત ગાય ? માતાનું હાલરડું નહીં, બાળકોનાં હાસ્ય નહીં, પ્રેમીઓના પ્રણયલાપ નહીં, ગાયોનું ભાભરવું નહીં, વૃક્ષોનો પર્ણમર્મર નહીં, વાયુનો સંચાર નહીં, - અંદર એકલી નરી સુરક્ષિતતા"

"સૂર્ય ચંદ્ર ને તારાના તેજના સ્પર્શ વિનાની, પંખીના ટહુકાર વિનાની, બાળકોના હાસ્ય વિનાની, પવનના સંચાર વિનાની એ ધરતીના રુદનથી હવા થરથરી ઉઠી."

આ વાર્તાનું નિર્વહણ પ્રાચીન રૂપક-કથાની શૈલીએ થયું છે. સમયનું અનુસંધાન કાલ્પનિક પુરાણકાળ સાથે છે. પણ સાંપ્રત સમયની કરુણગર્ભ પરિસ્થિતિ સાથે એનું રૂપકાત્મક અનુસંધાન રહ્યું છે. આખી વાર્તામાં સમયનું સંચલન રૈખિક ગતિએ થાય છે. સમયની છટાઓનું નિરૂપણ આસ્વાદ્ય બને છે. એક જ વાક્યમાં સમયની ગત્યાત્મકતા કેવી આલેખાઈ છે.

નગરના લોહ આચ્છાદન માટે વપરાયેલ વાક્ય જુઓ :
"જાણે પૃથ્વીના અંગ પર પડેલું ધારું."
"દિવસ નમ્યો, સાંજ થઈ, રાત પડી, ચંદ્ર ઉગ્યો..."

વાર્તાના અંતે, દંતકથાના કાલ્પનિક સમયને વર્તમાનના વાસ્તવિક સમય સાથે જોડી દેવામાં આવ્યો છે.

"હજુ તમે રાજા ઉગ્રસેનની એ રાજધાની આગળથી પસાર થાઓ તો તમને ધરતીનું રુદન સંભળાશે... પણ આજે તો ત્યાં નિ: સ્તબ્ધતા છે."

લોહનગરને કારણે સુરક્ષિતતાનું નિર્માણ થયું ખરુ, પણ એનાથી પ્રકૃતિ સાથેનો સંપર્ક તૂટી ગયો. નૈસર્ગિકતા અળપાઈ ગઈ. આ દંતકથાના સમયની વિસંગતિનો સૂર આજના વર્તમાન સમયની યુગચેતના સાથે સંકળાયો છે. યંત્રસભ્યતા તથા નગર સંસ્કૃતિના આક્રમણને કારણે રોજિંદા રેઢિયાળ જીવનમાં આપણે પ્રકૃતિ, ભીતરીચેતના અને ભાવાત્મક સંપર્કોથી નિર્વાસિત થયા છીએ. આ વ્યાપક અમાનવીયકરણનો સંકેત દંતકથાના સમયમાં સંવેદવા મળે છે.

એકદા નૈમિષારણ્યે :-

મિથ્યાનો આધાર લઈને વાસ્તવથી પલાયન સાંધવાનો પ્રયત્ન કરનારા પાત્રોની લાચારી, વિવશ્તા અને અસંગતિ આ વાર્તાનો વિષય છે.

"એકદા નૈમિષારણ્યે" માં એક ઋષિ હજારો વર્ષનું તપ તપતા બેઠા હતા..." એવી પુરાણકથાની શૈલીએ કથા કરનારો વાર્તાનાયક કોઈ પુરાણી હોય એવું જણાય છે. પતિ-પુત્રને ગુમાવી બેઠેલી સ્ત્રીના દુઃખને હળવું કરવાના આશયે એ શ્રાવસ્તી નગરીના શેઠ તથા શેઠાણીની કથા સંભળાવે છે. આગળ જતાં પોતાની પત્નીની શંકાના નિવારણ અર્થે પણ આ જ નૈમિષારણ્યેના ઋષિની કથા માંડે છે. પૌરાણિક સંદર્ભો સંસ્કૃત શબ્દસમૂહો તથા પૌરાણિક પાત્રોના ઉલ્લેખ ધરાવતી કથાશૈલી સાંભળનારના ચિત્તમાં વિલક્ષણ પ્રતિભાવ આરોપવા માટેનું ઉત્તમ માધ્યમ બની રહે છે.

વાર્તાનાયકે પેલી સ્ત્રીને માંડેલી અવાસ્તવની કથાઓમાં ગૂંથેલા સંદર્ભો પ્રતિ એનું પોતાનું તાદાત્મ્ય અને પત્નીના પ્રશ્ર્નો વડે અવિરત પ્રગટ થતી રહેલી આશંકાઓ ઈત્યાદિનો ઓથાર આખી રાત ઊંઘમાય એને અકળાવનારો બની રહે છે. તંદ્રાવસ્થામાં એ બબડતો રહે છે. આથી એની પત્નીની આશંકા દઢ થતી જાય છે. આખરે પત્નીને સંતોષવાને માટે એણે બીજીવાર નૈમિષારણ્યની કથાના વનમાં પ્રવેશવું પડે છે. પત્નીને ચંદ્રપુરી નગરીના દંપતીની કથા કહે છે. એમાં પતિના ગૃહત્યાગનો પ્રસંગ તથા એમના પૂર્વજન્મની કથાનો અંશ ગૂંથીને વાર્તાકાર પોતાના વર્તમાન દામ્પત્યની વિસંગતિને હળવી કરવાની કોશિશ કરી રહ્યો છે.

પત્નીને કથા માંડી છે. એ દરમિયાન જ અચાનક પેલી પ્રથમ સ્ત્રી ભ્રમિત થયેલી, બેબાકળી એના દીકરાને શોધતી વાર્તાનાયકનું જ બારણું ઠોકતી આવી ચડે છે. વાર્તાનાયક તો એને અવાસ્તવની કથા માંડી મિથ્યા આશ્ર્વાસન આપીને છટકી આવ્યો હતો. પણ એ જ સ્ત્રી પાછી અહીં આવી ચડતા ભ્રમણાની ઊભી કરેલી જાળમાં વાર્તાનાયક પોતે જ ફસાઈ પડે છે. અહીં પત્નીની આશંકાઓનું સમાધાન થાય તે પહેલા તો આ સ્ત્રીનું આગમન તેના માટે નવી અસંગતિ ઊભી કરી રહે છે. પત્નીને માંડેલી કથા અધૂરી રાખીને તે પેલી સ્ત્રીને ફરીથી કથા કહેવા માંડે છે....."બેસો હું કહું તે સાંભળો, એકદા નૈમિષારણ્યે.'

આમ એક અસંગતિમાંથી બચવા મિથ્યાનો આશ્રય લેનારો વાર્તાનાયક નવી નવી અસંગતિમાં મુકાતો જાય છે અને અસંગતિનું એક ચક્ર રચાય છે.

અહીં કથાના પ્રસંગો તથા પાત્રોના વાસ્તવજીવનના પ્રસંગોની આનુપુર્વીમાં કોઈને તાર્કિકતાનો અભાવ વર્તાય અથવા એમાં અકસ્માતનું તત્વ જણાય. પરંતુ આ પ્રસંગોનું વાર્તામાં પ્રસંગ-વિશેષ તરીકેનું મૂલ્ય નથી. એમાં નિરૂપિત પરિસ્થિતિનું મૂલ્ય પ્રતીકાત્મક બની રહે છે. મિથ્યા આશ્ર્વાસન આપતો અને એનું Guilt અનુભવતો તથા પોતે ઊભી કરેલી ભ્રમણાઓની જાળમાં પોતે જ ફસાતો જતો વાર્તાનાયક એક પાત્ર નથી પણ પ્રતીક છે. તો મિથ્યાનું આલંબન સ્વીકારતી પેલી સ્ત્રી અને આશંકાઓમાં રાચતી રહેતી વાર્તાનાયકની પત્ની પણ માનવસહજ લાચારી, દયનીયતા અને વિવશતાનાં પ્રતિરૂપો બની રહે છે.

કથામાં આવતા પાત્રો તથા પ્રસંગો અને વાસ્તવજીવન જીવતાં પાત્રો પ્રસંગો એકમેકમાં ભળી જઈને પરાવર્તન સાધતા હોય એવો અનુભવ આપણે કરીએ છીએ. મિથ્યા અને વાસ્તવના આ અનોખા પરાવર્તનને કારણે માનવીય અસંગતિને એક વ્યંજનાપૂર્ણ ભૂમિકા પ્રાપ્ત થાય છે.

ઉપસંહાર :

આમ, સુરેશ જોષીના નવલિકા સાહિત્યમાં "એક પુરાણી વાર્તા","લોહનગર" અને "એકદા નૈમિષારણ્યે" જેવી રચનાઓ વણ્યૅવસ્તુ કથનશૈલી કે નિબંધનરીતિ પરત્વે આપણી કોઈ ને કોઈ કથા પ્રણાલીને અનુસરે છે. "એક પુરાણી વાર્તા" દેખીતી રીતે તો શૂન્યતા બોધ અને તેમાંથી બહાર આવતી અસ્તિત્વપ્રક ચેતનાનું નિરૂપણ કરવા ચાહે છે. પણ એ કથાવસ્તુને અંતે પૌરાણિકી પ્રણાલીમાં ગોઠવી દેવામાં આવી છે. અસ્તિત્વના ચૈતન્યસભર ઉદ્વેગની કથા જે કપોલ કલ્પિત તત્વોનો આશ્રય લે છે.તેમાં પરીકથાના વાસ્તવનો સંસ્પર્શ છે. "લોહનગર" વાર્તામાં માનવપરિસ્થિતીની વિષમતા અને સ્થગિતતા પ્રાચીન કથાના ઢાંચામાં રજૂ થઈ. તો "એકદા નૈમિષારણ્યે" માં વર્તમાન સમયની એક નગરીની વિટંબણા પ્રાચીન આખ્યાયિકા સાથે ગૂંથી લેવામાં આવી છે. કથામાં કથા ગોઠવવાની પરંપરાગત યુક્તિ અહીં જુદી રીતે ખપમાં લેવાઈ છે.

સંદર્ભ પુસ્તકો :

  1. અન્યોકિત - પારેખ રવિન્દ્ર - ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર.
  2. કૃતિનિમજજન - ગૂર્જર જગદીશ - ગુજરાત સાહિત્ય અકાદમી, અમદાવાદ.
  3. ગુજરાતના ભા‌ષા સાહિત્ય પર આધુનિકીકરણનો પ્રભાવ - ડૉ. વિજય શાસ્ત્રી, ડૉ. ચન્દ્રકાન્ત ગાંધી, ડૉ. અશ્વિન દેસાઈ - યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય, અમદાવાદ.
  4. ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાવાદ - પટેલ પ્રમોદકુમાર - ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર.
  5. ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ અને કાવ્યનાં તત્વો - ડૉ. રમેશ ત્રિવેદી, નટુભાઈ ઠક્કર - પ્રતિભાબેન શાહ - આદર્શ પ્રકાશન, અમદાવાદ.
  6. ગૃહપ્રવેશ - જોષી સુરેશ હ. - પ્રાશ્વૅ પબ્લિકેશન, અમદાવાદ.
  7. સમરુચિ - ડૉ. દિલાવર સિંહ જાડેજા - આદર્શ પ્રકાશન, અમદાવાદ.
  8. સુરેશ જોષીની વાર્તાસૃષ્ટિ - ગૂર્જર જગદીશ - ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર.

પ્રા. નર્મદાબેન એન. પરમાર, આટ્ર્સૅ એન્ડ કોમર્સ કોલેજ, મોટાપોંઢા, તા. કપરાડા જી. વલસાડ. મો. ૯૯૭૮૬૮૮૦૮૧ Email - narmadabenthakor@gmail.com