Included in the UGC-CARE list (Group B Sr. No 172)

‘પંખીઘર’ – બોલી બોલે છે

ડૉ. અમૃતભાઈ પરમાર જીવનના આ પડાવે પોતાનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘પંખીઘર’(૨૦૧૯) લઈ ગુજરાતી સાહિત્યમાં પ્રવેશ કરે છે ત્યારે તેઓ આ સંગ્રહ દ્વારા, ગાંધી વિચારની પ્રેરણા દ્વારા અને સાંપ્રત સમયના જીવન સંદર્ભો દ્વારા વાર્તાકળાનું નવું પાસું બતાવે છે. ‘નવું પાસું’ શબ્દ પ્રયોગ પ્રયોજનાર્થે કર્યો છે. ‘પંખીઘર’ને વાર્તાકળાની એરણે ચડાવીએ તો નિરાશ થવાય ? ના ! પણ મન કચવાય કે શા માટે વાર્તાઓને હજી ‘ઘસી’ નહીં. સર્જક પોતે અધ્યાપન કાર્ય સાથે જોડાયેલા છે. વાર્તાકળાને જાણે છે. પ્રથમ પ્રયત્ને નખશિખ સુંદર વાર્તાઓ નથી આપી શક્યા, પણ સરસ વાર્તાઓ તો છે જ. વાર્તાઓને રચનારીતિ, વસ્તુ, પાત્ર, જીવન અને સામાજિક દૃષ્ટિએ જોઈ શકાય. પંદર વાર્તાઓમાં વાસ્તવ જીવનની ઘણી બાબતો રૂપાંતરિત થઈને આવી છે. શહેર અને ગામડું - આ વાર્તાઓમાં નિરૂપાયું છે. અહીં વાર્તાકારે મહેસાણા તરફ બોલાતી બોલીનો – જાતિગત બોલી સ્તરનો ઉપયોગ કર્યો છે. ભાષા-બોલીના સ્તર આ સંગ્રહને કેવાં ઉપકારક નિવડ્યાં છે, તે જોવાનો મારો ઉપક્રમ છે.

આપણી ગુજરાતી ભાષા એ શિષ્ટ ભાષા છે. સર્વમાન્ય ભાષા છે. આપણે જાણીએ છીએ કે, પ્રદેશ ભેદે ગુજરાતી ભાષા બદલાય છે. એનું રૂપ તળપદમાં કંઇક વિશિષ્ટ અને અદકેરું નિખરે છે. તે જ બોલી એટલે જ તો પ્રા. જયંત કોઠારીએ બોલીને માન્ય ભાષા જેટલો જ દરજ્જો આપ્યો છે. ગામડાં ગામનાં છેવાડાનાં, મજૂર કે ખેડૂતો, ક્યારેક ભણેલા લોકો પણ પોતાની જાતિગત અને સમાજગત કે વિસ્તારગત બોલીનો પ્રયોગ કરતા હોય છે. બોલીથી મનુષ્ય, પ્રદેશ, સ્વભાવ, ભાવની ઓળખ મળતી હોય છે. આપણે ત્યાં કથા સાહિત્યમાં નવલકથા, નાટક, એકાંકી, ટૂંકી વાર્તામાં ભાષાની સાથે બોલી પ્રયોગ કળાના એક ભાગરૂપે, વાર્તાની જરૂરિયાત માટે થાય છે. એ અનુઆધુનિક સાહિત્યની મોટી ઉપલબ્ધિ છે. વાર્તા સંદર્ભે બોલીના પ્રયોગ આવનારી પેઢીને, સંશોધકોને, અભ્યાસુઓને કામ આવી શકે છે એ પણ એનું મહત્વ છે.

અમૃત પરમારે અહીં વાર્તાઓમાં શિષ્ટ માન્ય ભાષા સાથે બોલી પ્રયોજતાં મહેસાણા તરફનાં ગામડામાં આજથી ત્રીસ-ચાલીસ વર્ષ પહેલાં જે બોલી પ્રયોજાતી, જે શબ્દ પ્રયોગો થતા તેનો બખૂબી ઉપયોગ કર્યો છે. આ સંગ્રહમાં તેમણે પંદર વાર્તાઓ આપી છે, જેમાં ‘પંખીઘર’, ‘જેડીઓ’, ‘મામેરું’, ‘માંજરી’, ‘આબરૂ’, ‘દોસ્તી’, ‘પડઘા’, ‘બે દોકડા’, ‘ભડાકો’ વાર્તાઓ બોલી સંદર્ભે ધ્યાન ખેંચે છે. અહીં વાર્તાઓ બોલીના આધારે એકથી વધુ વેદના-સંવેદના બતાવી જાય છે. એમ કહીએ તો પણ ચાલે કે, આ વાર્તાઓ બોલીના ખભા પર ચાલે છે. કથાવસ્તુ અને ઘટના-પ્રસંગનું સંકલન કરીને પાત્રોના મુખે મૂકાયેલી બોલીની ક્ષમતા જીવનનું સત્ય બતાવી જાય છે. જીવન વ્યવહારો બતાવી જાય છે. મનુષ્યની આંતર-બાહ્ય છબી ઉપસાવી જાય છે, જીવનની બળકટતા બતાવી જાય છે. લાગણીના તાણાવાણા, દુઃખ, દર્દ, પીડા, આકાંક્ષા, વેદના બતાવી જાય છે. આ વાર્તાઓમાં બોલી સાથે શિષ્ટ ભાષાનું સંયોજન વાર્તાને ભાવક ભોગ્ય બનાવે છે. બાકીની ‘નોકરી’, ‘તમે કેવાં ?’, ‘ગર્વભંગ’, ‘પાણીનું પાઉચ’, ‘એકાંત’ અને ‘માણસની ખોટ’ વાર્તાઓ શહેરી જીવનને આપણી સામે લાવે છે. એમાં એકાદ-બે પાત્રના મુખે એકાદ વાક્ય બોલીનું આવી જાય છે, તે પણ વાર્તાના પાત્રની વૃત્તિ-પ્રવૃત્તિ બતાવી જાય છે એ સિવાય આ છ વાર્તાઓ શિષ્ટ ભાષામાં આલેખાઈ છે તેમાં પણ સર્જકે ભાષાનો ક્યાસ તો કાઢ્યો જ છે.

વાર્તાકાર વાર્તામાં બોલીનો પ્રયોગ કરે છે ત્યારે એની એક નેમ હોય છે. વાર્તાના વસ્તુને આગળ ધપાવવા માટે એની જરૂરિયાત હોય છે. એ દ્વારા વ્યક્તિની ક્રિયાઓ, એ કયા સ્થળ-કાળમાં છે, તેની પરિસ્થિતિ કેવી છે, તેનાથી વાતાવરણ કેવું બને છે, પાત્ર મનમાં શું ચાલી રહ્યું છે, હવે શું બનશે ? નું સસપેન્શ, શું બની ગયું નું દર્શન, વર્ણન, શબ્દ ચિત્ર, સંઘર્ષ, સંવાદનું મહત્વ અને બીજાં ઘણાં વાનાંનો પરિચય થતો હોય છે. બોલી વાર્તાને ઉપકારક થઈને આવતી હોય છે. વાર્તા કયા વિસ્તારની છે, એનો પણ ખ્યાલ આપી જતી હોય છે. એ રીતે બોલી ઐતિહાસિકતા (આવનારી પેઢીઓ માટે) પણ સ્થાપિત કરતી હોય છે. અહીં વાર્તાકારે બોલી દ્વારા શું પરિણામ સિદ્ધ કર્યું છે, તે વાર્તામાંના બોલી પ્રયોગના થોડા અંશો દ્વારા જોઈએ. પ્રથમ વાર્તા ‘પંખીઘર’માં ગંગા ડોશીની મનોવ્યથા રજૂ કરવા જે ફકરો વાર્તાકારે મૂક્યો છે, તે જુઓ –
“લખી મા હું શું કરું ? મારો કારિયો નપાવટ પાચ્યો. રોજ રોજ ઝઘડા, એના નામની હોરી, એકેય દાળો કોરો જતો નથી. કાયમ હૈયા હોરી હોય છે. લખીમા હું તો થાચી. એનો બાપ મરી જ્યોં એવી હું મરી જઈ હોત તો હારું, આ દા’ડાં જોવાના તો ના આવત.... મારી મારૂં તો જીવતર ઘૂળ જઈ જ્યું” બોલીના ચુસ્ત લય-લહેકાનો અભાવ હોવા છતાંય અહીં ગામડાનો એક સ્થળ પરિવેશ આપણી સમક્ષ ઉપસ્થિત થાય છે. ગ્રામ જીવનના માનવીનું વાસ્તવદર્શી ચિત્ર ઉપસે છે. સર્જકે જે ધાર્યું છે એ બધું થયું છે પણ ઉત્તર ગુજરાતની લોકબોલી એની સાહજિકતા અને વેધકતા સાથે આવવામાં હજી કચાશ છે. એક લહેકા સાથે કાઠુઓ સાથે વાતાવરણ જીવંત બનાવવામાં હજી મહેનત કરવી પડશે, એ સાચું છતાંય અહીં પચાસ વરસની ડોશીની નરવી-ગરવી છબી, જન્મ્યા-જીવ્યાનો સંબંધ, ધરતી સાથેનો અનુબંધ, કુટુંબ પ્રત્યેની ન્યોછાવરી, વેઠેલા દુઃખ-સુખ, હાલની મૂંઝવણ, આક્રોશ, વેદનાભર્યું વહાલ, કશુંક સારું કરવાની મથામણ, કશુંક ચૂકી જવાની વ્યથા ઉપસ્થિત થાય છે. લખીમાનું વ્યક્તિત્વ પણ આડકતરી રીતે સહાનુભૂતિભર્યું નજરે તરી જાય છે. બોલીની આ ક્ષમતા છે. ભાષા કરતાં અસરકારક રીતે પોતાનું નિશાન પાર પાડે છે.

વાર્તાકારે આ વાર્તાઓમાં શુદ્ધ ગ્રામ પરિવેશ યથાતથ નહીં, પણ જનપદને શહેરીકરણે અને ઘેલછાએ કે ઉપભોક્તાવાદે જે રીતે પરિવર્તિત કર્યો છે, એ ગ્રામજીવન, ગ્રામમાનસ આલેખવાનો પ્રયત્ન કર્યો છે. એવા ગામડાનાં લોકો સંદર્ભે રીત-રિવાજ, વાર-તહેવાર, પ્રસંગ, દિનચર્યા, આર્થિક અગવડ-સગવડ, સામાજિક વિધિનિષેધોનો ભોગ બનેલ માનવી, માનવીની લાચાર અવસ્થા, વિવશતા, યાતના, દગાબાજી, સમાજનું ઉજળું-મેલું વાસ્તવ, એનાં અસલ મિજાજ સાથે ઉતારવાનો પ્રયત્ન સર્જકે આ પ્રથમ વાર્તાસંગ્રહમાં કર્યો છે ને મહદ્અંશે સફળતા મળી પણ છે. બોલીના આ પ્રયોગ આ સંગ્રહમાંથી જોઈએ તો –
“અલ્યા ! આપણે તો લીલા ફાસ ફુસીયા પરોણા અને આ ડોહાનો જેડીઓ તો જોવો, મારું બેટું આપણે તો છેતરાયા”
“એ તો જેન બૈડામાં પડ એનં એની મજબૂતઈની ખબર પડ હો !” (પૃ. 7)
“ડોશીએ આંચકો ખાધો, ચ્યમ ભઈ આમ બોલ છે. બે ભઈ છો. નોકરી ધંધો સારો છ. તારા બાપનો બે વીઘાનો ડાભળો છે.” (પૃ. 20)
“...... લ્યોં હેંડો હવ, આ વખતે તો ડૉક્ટર પોંહ પાકું જોવડાઈ લીયક ખામી કનામ છ, તમારામાં ક મારા મ -
ભરત બોલ્યો –
ધારક તારામ ખોમી નેકળ તો તું શું કરવાની ?
શું તે શું ? જગત આખું કર છ એવું હું ઉપર રઈન તમન નવું બૈરું કરાવું અન મારું નહીં તો તમારૂં તો મેણું ભાગ” (પૃ. 32)

આ દર્શાવ્યા એવાં કેટલાય પ્રસંગો વાર્તાના વસ્તુ પ્રમાણે બોલીમાં આગળ ધપ્યા છે. પરંતુ અહીં ‘પડઘા’ વાર્તા બોલી સંદર્ભે નોંધપાત્ર એ રીતે છે કે, આ વાર્તામાં આદિવાસી બોલીનોય ઉપયોગ કર્યો છે. બોલીનો લય-લહેકો ને ઉદગાર જે કરૂણ દૃશ્ય આપણને બતાવે છે તે આપણને ય ધ્રુજાવી જાય છે. કંપકંપા આવી જાય છે. એક મા અને પુરુષ જાતિ પર ફીટકાર આવી જાય છે.
“પણ ! ઓંય તો કોઈ આદમી નહીં, ‘મોવડો’ ની મળે.”
.............
શોરી, પોંની લાય.
.............
કોં..... ગી.... માડી..... માડી......કોં.... હે....... (પૃ. 57-59)

આ પાંચ શબ્દો છે, પણ હૃદયને વલોવી નાખનારા છે. વાર્તામાં ભાષાનો બળકટ ઉપયોગ અને ભાષા પાસેથી કામ કઢાવવું કદાચ સર્જક માટે સહેલું હોય પરંતુ બોલીથી એવી આયોજના કરવી એ કપરું કામ છે. તળપદના ઉપમાનો, લોકોક્તિઓ, કહેવતો, રૂઢિપ્રયોગોનો અહીં જરૂરિયાત પ્રમાણે ઉપયોગ થયો છે. તળપદના શબ્દ પ્રયોગો પણ અર્થવ્યંજના વ્યક્ત કરે છે. એના ઉચ્ચારમાંથી નિપજતું એક તંત્ર વાર્તાને ગૂંથવામાં કામયાબ નીવડે છે. વાર્તાકારે આ બધાં વાનાં કરીને બોલી સંદર્ભે વાર્તાઓને સમૃદ્ધ કરવાનો પ્રશસ્ય પ્રયાસ કર્યો છે. તે સંદર્ભે બધા નહીં પણ થોડા શબ્દો જોઈએ - ‘હુતો-હુતી’, ‘પતિ-પત્ની’, ‘ચ્યોં હુદી- ક્યાં સુધી’, ‘ખપ-જરૂર’, ‘દોયડું-દોરડું’, ‘ફાસ ફુસીયા-કામ ન આવે એવા’, ‘પરોણા-વાંસની માફકસરની લાકડી’, ‘જેડીઓ-જેડો’, ‘હોડી પ્રકારનું વાંસનું લાકડું-પ્રમાણસર પાતળું હોય’, ‘બૈડો-પીઠ’, ‘મોવડો-દારૂ’, ‘દોકડા-રૂપિયા’, ‘દાતેડું-દાતરડું’, ‘ચરિતર-આબરૂં’, ‘પછાયત- ...............’ , ‘ખોડીબારું-ખેતરમાં જવા-આવવા મૂકેલું છીંડું’, ‘પાચ્યો-પાક્યો’, ‘થાચી-થાકી’, ‘ડાભળો-દર્ભ’ આ અને આવા કેટલાય શબ્દો આજની નવી પેઢી માટે નવાઈની વાત છે. વાર્તાઓમાં આ શબ્દો વાક્ય સાથે સંયોજાઈને ઘટના-પ્રસંગને સુપેરે વ્યક્ત કરે છે. તો દ્વિરુક્ત પ્રયોગ પણ અહીં ધ્યાન ખેંચે છે. તળપદમાં આવા પ્રયોગની ખાસ નોંધ વિશિષ્ટ પાસું છે. ‘ફાસફુસીયા’ કે ‘મેણાં - ટોંણા’ એની પ્રતિતિ કરાવે છે. તો ‘કુવો હવાડો કરવો’, ‘હોરી માંડવી’, ‘વેણનું વાદળ વરસાવવું’, ‘કાન વીંધવા’, ‘મરે પણ મૂકે નહીં’, ‘ચાંદો-,સૂરજ સાથે’, ‘પૈણ્યા નથી પણ જોનમાં નથી જ્યાં’, ‘વ્યાજને ઘોડાય ના પોંચે’, ‘દાતેડામાં મેલ દેવતા’, ‘હત્ત તારીનો રસ્તામાં રાખ્યો’ જેવી લોકોક્તિઓ, કહેવતો અને રૂઢિપ્રયોગો યથાસ્થાને કારગત નીવડ્યાં છે.

વાર્તાકારે એમના પ્રદેશની (ઉત્તર ગુજરાત) પ્રજાના પ્રશ્નો અને સામાજિકતા, સંસ્કૃતિ, જીવન વગેરેને વસ્તુ તરીકે ઉપયોગમાં લઈ વાર્તાને ઘાટ આપ્યો છે. માનવી મનની વેદના સંવેદના આ વાર્તાઓનું ઊડીને આંખે વળગે એવું તત્વ છે. સવાલો અને સમસ્યાઓ સમાજના જે સ્તરેથી ઊઠી જે સ્તરમાં શમી જાય છે, ત્યાં ભલે કળાને ન્યાય ન મળતો હોય, પણ વાર્તાને બોલીનો લાભ મળ્યો છે ને એમ વસ્તુ પક્ષે બોલીને ન્યાય મળ્યો છે. આ વાર્તાઓમાં વાર્તાકારે જ્યાં સંયમ અને તટસ્થતા જાળવી છે ત્યાં એટલી વાર્તાનો ભાગ ખરેખર-ખીલીને નીખરી ઉઠ્યો છે. જુઓ - ‘માંજરી’ કે ‘પડઘા’ વાર્તા. અહીં વાર્તાઓને તળવાર્તાઓ તરીકે ઉપસાવતી વખતે સર્જકે એવું ધાર્યું જ નથી કે, હું તળપદી વાર્તા લખું. એ તો અનાયાસ જ તળપદ આવ્યો છે. લોકબોલીનો ઉપયોગ આપોઆપ ગોઠવાયો છે. આવનારા સમયમાં પ્રયત્ન કરશે તો કાબૂ મેળવીને સંવેડાઉતાર વાર્તાઓ બોલી સંદર્ભે આપશે, એવી આશા નકારી શકાય એમ નથી. આવું વિધાન કરું છું ત્યારે ‘કાબૂ’ ગુમાવ્યો છે તે બાબત પણ મારે બતાવવી છે. જુઓ –
બોલીનો પ્રયોગ કરતી વખતે સર્જકે પ્રમાણભાન ગુમાવ્યું છે. તે એવું કે બોલી સાથે શિષ્ટ ભાષા પ્રયોગ ક્યારેક ખટકે એવું થવા પાછળનું કારણ એ છે કે, વાર્તાકાર વર્ષોથી અમદાવાદમાં રહે છે. શિષ્ટ ભાષા હોઠે ચડેલી છે. વાર્તા લેખન વખતે તેઓ ફ્લેશબેકમાં જાય છે- ગામડે જાય છે ત્યારે આવું થયું છે. જુઓ પ્રથમ વાર્તામાં જીવીમા અને લખીમાનો સંવાદ – જીવી મા બોલે છે - “અલી ! લખી કાંઈ જોણ્યું તેં, પેલી ગંગાના છોકરા કારિયાએ ચબૂતરો બનાવરાયો. ગોંમ આખું એના વખાણ કરતાં થાકતું નથી. ઉતર્યા આયખે કારિયો સુધર્યો અન માવતરનું નોંમ અમર કર્યું.” સામે લખીમા ઉત્તર આપે છે, “હા ! બાપ, કારિયાન અને ગંગાડીન; હું જનમથી જાણું છું. હવ ચબૂતરા બનાવ ક જગન કર શું કરવાનું ?” બે ડોશીઓનો આ વાર્તાલાપ બેશક ફળિયું, આંગણું, એમનો વેશ-પહેરવેશ, ઓશરી, બેસવાની ઢબ, વાસણ ઘસવાના ઘસરકા, વચ્ચે-વચ્ચે થોભી જવું અને ત્રણ-સાડા-ત્રણનાં સમયનું ચિત્ર ઉપસાવે છે. બલકે, ગતિશીલ શબ્દચિત્ર ઉપસાવે છે. પરંતુ જે વાતાવરણ તાદૃશ્ય થવું જોઈએ – જે લય-લહેકાનો માહોલ સર્જાવો જોઈએ તે નથી સર્જાતો કેમ ? જુઓ - ‘લખી કાંઈ જોણ્યું તેં’ આ વાક્ય પછી અટક સ્થાન માટે ઉદગાર વાચક મૂકવાનું હતું. ‘ગંગાના છોકરા કારિયાએ’ વાક્યમાં ‘છોકરા’ શબ્દ ‘સોકરા’ અને ‘કારિયાએ’ શબ્દને બદલે ‘કારિયે’ શબ્દ હોય તો. પછીના વાક્યમાં ‘ગોંમ’ શબ્દ સિવાયનું આખું વાક્ય શિષ્ટ ભાષાનું છે. પછી જે વાક્ય શરૂ થાય છે ‘ઉતર્યા આયખે કારિયો સુધર્યો અન માવતરનું નોંમ અમર કર્યું.’ એમાં ‘ઉતર્યા આયખે’ શબ્દ પ્રયોગ જીવનની અનુભૂતિ બતાવે છે તે અને એનો પડઘો આપણને પેલી ઉતરતી અવસ્થા-અનુભવી-તેજસ્વી વ્યક્તિમત્તાની ઝાંખી કરાવે છે. વાહ ! બોલી જવાય છે. પણ એમાં ‘કારિયો રાગે પડ્યો’ અને ‘નોંમ ઉજાળ્યું’ શબ્દ પ્રયોગ હોત તો ?

વાર્તાની કળા એવી કળા છે, જે ભલભલા ચમરબંધીને હાથ તાળી આપી દે. એ તો ક્ષણાર્ધની લીલા છે. અહીં બોલીના પ્રયોગો સંદર્ભે સર્જકે શબ્દો, કહેવતો, રૂઢિપ્રયોગો, કાઠુઓનો ઉપયોગ કરી વાર્તાઓને એક પરિમાણ અને પરિણામ તો આપ્યું છે. પણ સર્જકની બોલી પર પકડ હોવી અનિવાર્ય છે અને કાળ પ્રમાણે પ્રમાણભાન હોવું જોઈએ. જે આ સંગ્રહમાં – પ્રથમ સંગ્રહમાં થોડા અંશે દેખાય છે. એવું બનવા પાછળનું કારણ પણ છે. સર્જકે વાર્તાને ધક્કો આપવા પોતે વાર્તામાં જવાનું નથી. સર્જક બોલી સંદર્ભે ગયા છે. જુઓ પેજ. નંબર 3 ઉપરનો “હવે કારિયો ખાલી થઈ ગયો હતો....” વાળો ફકરો. એમાં બીજી લીટીથી કારિયો પોતાના મનમાં વિચારે છે ત્યાં સુધી બોલીનો પ્રયોગ બરાબર છે. પણ ફકરાના અંતે ‘લોંબા લહરકે’ શબ્દ પ્રયોગ – સર્જકની દખલ બતાવે છે. પછીથી ડોશીનું આક્રંદ જે રીતે વ્યક્ત થવું જોઈએ, એ પ્રમાણેમાં કચાશ રહી જવા પામી છે. અહીં બોલીને યથાતથ ઉતરવાનું હતું, પણ એમ નથી થયું. ‘પાચ્યો’ શબ્દ પ્રયોગની સાથે ‘કપૂતર’ શબ્દ ‘કપાતર’ હોવું જોઈતું હતું. આમ તો આક્રંદ બતાવવા એ આખો ફકરો ફરી બનવો જોઈએ. આ ફકરામાં ‘દાળો’ શબ્દ તળપદના રોજના વ્યવહારના સહજ કામનું નિદર્શન કરાવે છે. મોટા ભાગે ‘દહાડો’, ‘દાઢો’, ‘દાહડો’ એવા પ્રયોગ થાય છે. પણ ‘દાળો’ શબ્દનું જે થડકારાપણું છે, જે બિલકુલ વાસ્તવનું બની જાય છે.

વાર્તા સંગ્રહની વાર્તાઓમાં જીણવટથી બધું તપાસીએ તો અહીં વિસ્તાર વધી શકે છે. પણ મર્યાદા બાબતે (હા બોલીની મર્યાદા બાબતે) ‘પડઘા’ વાર્તામાં પેલી છોકરીની મા અને પેલા બે પુરુષ વચ્ચેના સંવાદમાં ચૂક થઈ છે, એ જોવું જોઈએ. એકંદરે વાર્તાઓમાં બોલીના પ્રયોગે વાર્તાકારે બેવડી હથોડી આપી છે, એ ચોક્કસ.

સંદર્ભ

  1. ‘પંખીઘર’ - અમૃત પરમાર. પ્રકાશક : લેખક પોતે, પ્રથમ આવૃત્તિ : ૨૦૧૯, મૂલ્ય : ૧૨૫

મિતેષ પરમાર, શોધ છાત્ર: ગુજરાતી ભાષા સાહિત્ય કેન્દ્ર, ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય, ગાંધીનગર. મો : 8166194020, email : montuparmar92@gmail.com.