‘ગુંડો’ : ઉત્કૃષ્ટ પ્રેમ અને બલિદાનની કથા
ગુજરાતી સાહિત્યમાં અનુગાંધીયુગ ક્ષેત્રે સાહિત્યને વિસ્તારવામાં ગુલાબદાસ બ્રોકરનો ખૂબ જ અગત્યનો ફાળો છે.તેઓએ વાર્તા,કવિતા,નાટક,જીવન ચરિત્ર,પ્રવાસ,વિવેચન અને અનુવાદ જેવા વિવિધ સાહિત્યસ્વરૂપોમાં ખુબ જ ઉમદા કાર્ય કર્યું છે. તેમણે સૌપ્રથમ ‘લતા અને બીજી વાતો’(૧૯૩૮) વાર્તાસંગ્રહ આપી સાહિત્યક્ષેત્રે પગરણ માંડ્યા.તે પછી તેઓએ ક્યારેય પાછું વળીને જોયું નથી.ઉતરોતર રચાતા તેમનાં સાહિત્યએ તેમને અનુગાંધીયુગના નામના પાત્ર સર્જકોમાં સ્થાન આપ્યું. તેમણે ‘કથાભારતી હિન્દી નવલિકાઓ’ નામે ડો.નામવરસિંહ દ્વારા સંપાદિત હિન્દી સાહિત્યની ચૂંટેલી શ્રેષ્ઠ વાર્તાઓના સંગ્રહનો અનુવાદ કર્યો.આ સંગ્રહમાં સમાહિત જયશંકર પ્રસાદની ‘ગુંડો’ વાર્તા તપાસવાનો મારો ઉપક્રમ છે.
આધુનિક હિન્દી સાહિત્યમાં પ્રતિભાશાળી કવિઓમાં જયશંકર પ્રસાદનું સ્થાન પ્રથમ હરોળમાં છે.કાવ્ય ઉપરાંત તેમણે નાટક,નવલકથા અને વાર્તા જેવા સાહિત્યસ્વરૂપોમાં પણ પોતાની કલમ હંકારી છે.તેમની પાસેથી પ્રાપ્ત થયેલું ‘કામાયની’ જેવું મહાકાવ્ય અને ‘ભારતેદું’ જેવું નાટક હિન્દી સાહિત્ય ને મળેલી બહુ મોટી ભેટ છે.તેમના નાટકો સાંસ્કૃતિક ચેતના અને રાષ્ટ્રીય ભાવનાને કારણે આજે પણ ઘણા લોકપ્રિય છે.સાહિત્યના માધ્યમથી જયશંકર પ્રસાદે માનવ સંવેદનાઓ,રાષ્ટ્રપ્રેમ અને ભારતની સંસ્કૃતિની ગૌરવશાળી બાજુઓને પ્રગટ કરી છે તો સાથે ધાર્મિક જડતા, જાતિ ભેદ અને રૂઢિતાવાદ સામે સખત વિરોધ પણ પ્રગટ કર્યો છે.
જયશંકર પ્રસાદની ‘ગુંડા’ વાર્તા તેમનો છેલ્લો વાર્તાસંગ્રહ ‘ઇન્દ્રજાલ’(૧૯૩૬)માં સમાહિત છે. આ વાર્તા કાશીની રાજકીય ઉથલપાથલ વચ્ચે નન્હકૂસિંહની વીરતાપૂર્ણ બલિદાનની કથા છે.જયશંકર પ્રસાદની મોટાભાગની વાર્તાઓ પ્રેમના પવિત્ર રૂપને પ્રગટ કરી તેના માટે સાર્વત્રિક બલિદાનની લાગણીઓ ઉપર જોર મુકે છે.પ્રસાદજીની વાર્તાઓમાં ઐતિહાસીક પૃષ્ઠભૂમિની સાથે માનવીની લાગણીઓ ને પણ સ્થાન મળ્યું છે.‘ગુંડા’ વાર્તા પ્રસાદજીનો પ્રેમ તરફનો દૃષ્ટિકોણ અને તેમની દેશભક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
‘ગુંડા' વાર્તાનો નાયક નન્હકૂસિંહ એક પ્રતિષ્ઠાવાન જમીનદારનો પુત્ર છે પણ જીવનની એક ગહન ઈચ્છા પૂર્ણ ન થવાને લીધે તે ગુંડો બને છે.એના જીવનની એ ઈચ્છા હતી પન્નાનો પ્રેમ.કાશીના રાજા બળવંતસિંહ બળપૂર્વક પન્ના સાથે લગ્ન કર છે અને તેના કારણે જ નન્હકૂસિંહ પન્નાના પ્રેમથી વિમુખ રહી જાય છે.પન્ના ના લગ્ન પછી નન્હકૂસિંહ પોતાની સંપત્તિ ઉડાવવા લાગે છે.તે જુગાર રમે છે અને તેમાં પણ જે પૈસા જીતે છે તે પણ સંગીત પાછળ ઉડાડે છે.નન્હકૂસિંહ ગુંડો હોવાની સાથે સ્વાભિમાની અને ઉદાર દિલવાળો માણસ છે.તે શોષિત,ગરીબ અને વંચિતોને મદદ પણ કરે છે.તેના સ્વાભિમાનનો પરિચય વાર્તાની આ ઘટનાથી થાય છે.બોધીસિંહ તેના છોકરાની જાન લઇને જે રસ્તેથી જતો હોય છે ત્યાં જ નન્હકૂસિંહ પણ બેઠો હોય છે ત્યારે નન્હકૂસિંહ તેના સેવક મલૂકીને કહે છે કે જા ઠાકુર ને કહી દે અહીંયાથી જાન નહી જાય.બોધીસિંહ પણ તેની ટેકને સમજતો હતો એટલે તે તરત જ ત્યાંથી જાન પાછી વાળે છે ત્યારે નન્હકૂસિંહ વાજાવાળાની આગળ જઈ વરઘોડો આગળ લઈ ગયો,લગ્નનું બધું જ ખર્ચ તેને કર્યું અને બીજે દિવસે છોકરાના લગ્ન પતાવીને એ જ રસ્તેથી પાછી જાનને ઘરે મોકલે છે.નન્હકૂસિંહ તેના સ્વાભિમાન માટે ગમે તે હદ સુધી જઈ શકે છે તે આ ઘટના પ્રમાણિત કરી આપે છે.
નન્હકૂસિંહ સ્વાભિમાની હોવાની સાથે નીડર પણ છે.એક દિવસ જ્યારે તે દુલારીના ગીત સાંભળવાની રાહ જોઈ અને બેઠો હોય છે,ત્યારે અંગ્રેજોનો સમર્થક મૌલવી અલાઉદ્દીન કુબડા ત્યાં આવે છે.કુબડા અંગ્રેજોનો સમર્થક હોવાથી તેના નામથી બજારમાં હલચલ મચી જાય છે.કુબડા તેની સાથે આવેલા સૈનિક ને કહે છે કે જઈને દુલારીને કહી આવ કે આજે રસિડેન્ટસાહેબની કોઠી પર મુજરો કરવાનો છે.કુબડા ને જોયા પછી પણ નન્હકૂસિંહ ત્યાં જ રહી અને ગીત ગાવાનું કહે છે આ વાત સાંભળી કુબડા કહે છે,“આ પાજી કોણ છે!”(પૃ.૨૬) આટલું સાંભળતા જ નન્હકૂસિંહ તેને એક જોરદાર થપ્પડ મારે છે એટલે કુબડા અને તેના સિપાહીઓ નાસી જાય છે અને નન્હકૂસિંહ આરામથી ગીત સાંભળી પછી ત્યાંથી જાય છે તેના પછી દુલારી રાજમાતા પન્ના પાસે ગીતો ગાવા માટે જાય છે.
કાશીના રાજા બળવંતસિંહ સાથે પન્નાના લગ્ન થયા હતા એટલે પન્ના કાશીની રાજમાતા છે.રાજા બળવંતસિંહના મૃત્યુ પછી પન્ના પૂજા-પાઠ તરફ પોતાનું મન પરોવે છે.રાજમાતા પન્નાના પૂજા સમયે દુલારી દેવાલય બહાર બેસીને ભજન ગાય છે.પૂજા પછી દુલારી રાજમાતા પન્નાને મૌલવી કુબડા વાળી ઘટના કહે છે.નન્હકૂસિંહનું નામ સાંભળતા જ પન્નાના મોં પર ઉદાસી છવાઈ જાય છે.એવામાં તેમની દાસી ગેંદા આવી અને રાજમાતા પન્નાને કહે છે કે નન્હકૂસિંહ પાડાઓની લડાઈઓમાં,ઘોડાદોડની શરતોમાં અને ગાવા-બજાવવામાં પોતાની બધી જ સંપત્તિ ઉડાવી છે અને હવે ગુંડો બની ગયો છે.જેટલા ખૂન થાય છે એ બધામાં એનો હાથ હોય છે.પરંતુ દુલારી તેને રોકે છે અને કહે છે કે નન્હકૂસિંહ તો પુણ્યનું કામ કરે છે.વિધવાઓને કપડા આપે છે, છોકરીઓના લગ્ન પણ તેની મદદથી થાય છે અને કમજોર માણસોની રક્ષા પણ કરે છે.દુલારીના ગયા પછી ગેંદા રાજમાતાને કાશી ની સ્થિતિ વિશે અવગત કરાવે છે.બીજા દિવસે રાજા ચેતસિંહ ઉપર રેસિડેન્ટ માર્કહેમનો પત્ર આવે છે જેમાં કાશીની કથળતી જતી સ્થિતિ વિશે કડક ટીકા કરે છે અને નગર ઉપર કડક નિયંત્રણ રાખવાની સલાહ આપે છે.આ હકીકતમાં કાશીના નગર વહીવટમાં અંગ્રેજોનો હસ્તક્ષેપ હતો.
રાજા બળવંતસિંહના મૃત્યુ પછી કાશીની કમાન તેમનો પુત્ર ચેતસિંહ સંભાળે છે.રાજા ચેતસિંહ જ્યારે અંગ્રેજોને ધન અને સૈનિકો આપવામાં સક્ષમ નથી ત્યારે તેમને કાશીમાં હસ્તક્ષેપ કરવાનો મોકો મળી જાય છે.અંગ્રેજ અધિકારી લેફ્ટનન્ટ સ્ટાકર, મૌલવી કુબડા,કોતવાલ હિંમ્મતસિંહ અને અંગ્રેજ સૈનિકોના અત્યાચારોથી નગરમાં ભયનો માહોલ બની જાય છે. એવા સમયે ગવર્નર જનરલ વોરેન હેસ્ટિંગ્સની કાશી આવવાની સૂચના મળે છે.ઓગસ્ટ ૧૭૮૧ માં કાશીની સ્થિતિ ડામાડોળ થઈ જાય છે.રાજમાતા પન્ના અને રાજા ચેતસિંહ ઉપર અંગ્રેજો તરફથી પહેરો બેસાડી દેવામાં આવે છે,અને એમને પકડી કોલકત્તા લઈ જવાની વાત ચારેબાજુ આગની જેમ ફેલાઈ જાય છે.દુલારી દ્વારા આ વાતની જાણ નન્હકૂસિંહને થાય છે ત્યારે તેનું મોં ભયાનક બની જાય છે.પન્ના તરફનો એનો પ્રેમ જાગૃત થઈ જાય છે અને તે એને બચાવવાનો નિર્ણય કરે છે.નન્હકૂસિંહ થોડા સાથીઓ સાથે શિવાલય ઘાટ પહોંચે છે.શિવાલયની બારી નીચે હોડીને પથ્થર સાથે બાંધી વાંદરાની જેમ છલાંગ મારી તે બારીમાંથી અંદર પ્રવેશ કરે છે.ત્યાં બાબુ મનિયારસિંહ રાજમાતા પન્ના અને રાજા ચેતસિંહને કઈ રહ્યા હતા કે તમે લોકો પૂજા પાઠ કરીને રામનગર ચાલ્યા ગયા હોત અમે કશું કરી શકત.તમે અહીંયા છો એટલે અમે શું કરીએ એ સમજાતું નથી.એવા જ સમયે બારણા આગળ અવાજ થયો અને શસ્ત્રોથી સજ્જ નન્હકૂસિંહે અંદર પ્રવેશ કર્યો.રાજમાતા પન્ના એને ઓળખી જાય છે.નન્હકૂસિંહ મનિયારસિંહને કહે છે કે પહેલા મહારાણીને હોડીમાં બેસાડી દો.રાજમાતા પન્ના પુત્ર ચેતસિંહ તરફ જુએ છે.એટલે નન્હકૂસિંહ હસીને કહે છે કે જ્યાં સુધી રાજા પણ હોડીમાં નહીં બેસે ત્યાં સુધી સતર ગોળીઓ ખાઇને પણ જીવતો રહીશ.પન્ના તેની આંખો તરફ જુએ છે જેમાં અખૂટ વિશ્વાસ ઝબકી રહ્યો હતો એટલે તે હોડીમાં બેસી જાય છે.નન્હકૂસિંહ ત્યાંથી દરવાજા તરફ પહોંચે છે ત્યાં એનો સામનો લેફ્ટનન્ટ સ્ટાકર,મોલવી કુબડા,ચેતરામ અને એમના સૈનિકોથી થાય છે.ચેતરામ મૌલવી કુબડા ના કહેવાથી રાજાના ઉપર હાથ મુકવા જાય છે કે તરત જ નન્હકૂસિંહ તેનો હાથ કાપી નાખે છે.થોડી જ વારમાં તો નન્હકૂસિંહ મૌલવી કુબડા,સ્ટાકર અને તેના કેટલાય સાથીઓને ધરાશાયી કરી દે છે.રાજા ચેતસિંહને તે હોડીમાં બેસવાનું કહે છે બારીમાંથી ઉતરતાં ચેતસિંહ નન્હકૂસિંહની વીરતા જોઈ સ્તબ્ધ બની જાય છે.વીસ-વીસ સૈનિકોની વચ્ચે ઊભો રહી અને તે તલવાર ચલાવી રહ્યો છે. એના શરીરમાંથી લોહીના ફુવારા ઉડે છે અને તેનું એક-એક અંગ કપાઈ અને પડી રહ્યું છે.પોતાનો જીવ આપીને નન્હકૂસિંહ રાજમાતા પન્ના અને રાજા ચેતસિંહને બચાવે છે.પન્ના તરફનો સાચો પ્રેમ અને પન્નાને રાજા ચેતસિંહની રક્ષા માટે આપેલું વચન નીભાવે છે.
આખી વાર્તાના કેન્દ્રમાં નન્હકૂસિંહનું પાત્ર છે.તે સ્વાભિમાની,વીર,પરાક્રમી યોદ્ધો છે તો સાથે ગરીબો અને જરૂરિયાતમંદોની સેવા પણ કરે છે.તેને સંગીત સાંભળવાનો શોખ છે.સ્વાભિમાન જાળવવા ગમે તે હદ સુધી જઈ શકે છે તો અંગ્રેજોનો ગુલામ બની ચૂકેલા મૌલવી કુબડાને થપ્પડ મારવામાં પણ અચકાતો નથી.પન્ના તરફનો નન્હકૂસિંહનો પ્રેમ નિષ્કપટ છે.જેમાં માત્ર સમર્પણ અને ત્યાગની ભાવના છે.કોઈ પણ સ્વાર્થ વગર પન્ના અને તેના પુત્ર ચેતસિંહને બચાવવા માટે તે પોતાના પ્રાણોની આહુતિ આપી દે છે.આ બલિદાન તેના પ્રેમને ઉચ્ચ કોટિનું બનાવી દે છે.વાર્તાનું બીજુ મુખ્ય પાત્ર રાજમાતા પન્નાનું છે.પન્ના પણ નન્હકૂસિંહને પ્રેમ કરતી હોય છે પરંતુ રાજા બળવંતસિંહ સાથે ઈચ્છા વિરુદ્ધ થયેલા લગ્નએ તેનું જીવન બદલી નાખ્યું.રાજા બળવંતસિંહના મૃત્યુ પછી હવેલીમાં ચાલતી ખટ-પટને લીધે તેને પોતાનું મન પૂજા-પાઠ તરફ તરફ વધારે પરોવ્યું.પરંતુ માતા હોવાના કારણે તેને પુત્ર ચેતસિંહની ચિંત્તા સતત રહેતી.આ સિવાય વાર્તામાં આવતું દુલારીનું પાત્ર પણ મહત્વનું ગણી શકાય.તેના દ્વારા જ નન્હકૂસિંહ અને પન્નાને એકબીજાની માહિતી મળતી.એટલે કે દુલારી આ બંને પાત્રોને જોડતી એક મહત્ત્વની કડી છે.તે કાશીની પ્રખ્યાત ગાવાવાળી છે.તેના મનમાં નન્હકૂસિંહ તરફ પ્રેમનો ભાવ હતો.આના સિવાય મૌલવી અલાઉદ્દીન કુબડા,મલૂકી,રાજા ચેતસિંહ,દાશી ગેંદા,મનિયારસિંહ જેવા પાત્રો વાર્તાને સતત પકડી રાખે છે.
‘ગુંડા’ વાર્તા અઢારમી સદીના અંત સમયની રાજકીય પરિસ્થિતિ ઉપર આધારિત છે.આ સમયમાં ઈસ્ટ ઈન્ડિયા કંપની ભારતમાં તેની હકુમત વધારવા માંડી હતી.વોરન હેસ્ટિંગ્સ તે સમયે ગવર્નર જનરલ હતો.આ વાર્તા જે સમયગાળામાં લખાઈ તે સમયે આઝાદીની લડત ચાલી રહી હતી.ભગતસિંહ,ચંદ્રશેખર આઝાદ, અશફાક ઊલ્લા ખાંન જેવા ક્રાંતિકારીઓ અંગ્રેજોને મુંહતોડ જવાબ આપી રહ્યા હતા.વાર્તામાં નન્હકૂસિંહ પણ અંગ્રેજોના જુલ્મો સામે લડે છે.અને કાશીના સ્વાભિમાનની રક્ષા માટે પોતાના પ્રાણોની આહુતિ આપે છે.જયશંકર પ્રસાદજીએ ક્રાંતિકારીઓનું સમર્પણ,દેશપ્રેમ અને તેમના બલિદાનોને આંખોથી જોયા છે એનો પ્રભાવ આ વાર્તામાં પણ જોવા મળે છે.
બાબુ નન્હકૂસિંહના બાહ્ય વર્ણનથી વાર્તાનો પ્રારંભ થાય છે.નન્હકૂસિંહના સંવાદોથી તેના સ્વાભિમાન અને વીરતાનું દર્શન થાય છે તો બીજીબાજુ વાર્તામાં તણાવ અને સંઘર્ષની સ્થિતિ પણ જોવા મળે છે.આ માટે વાર્તામાં આવતા થોડાંક સંવાદો જોઈએ:
“અહી કંઈક નવી વાત બની ગઈ છે શું?"(પૃ.૩૦)
“હેસ્ટિંગ્સ નામનો કોઈ સાહેબ આવ્યો છે.સાંભળ્યું છે કે તેણે શિવાલયઘાટ પર અંગ્રેજોની પલટણના દેશી સિપાહીઓનો પહેરો બેસાડી દીધો છે.રાજા ચેતસિંહ અને રાજમાતા પન્ના ત્યાં જ છે.કોઈક કોઈક કહે છે કે એ લોકોને પકડી અને કલકત્તા મોકલી દેવા..."(પૃ.૩૦)
“શુ પન્ના પણ....રણવાસ પણ ત્યાં જ છે?” નન્હકૂ અધીર બની ગયો હતો.(પૃ.૩૦)
“કેમ,બાબુસા'બ,આજે રાણી પન્નાનું નામ સાંભળીને આપની આંખમાં આંસુ કેમ આવી ગયા?"
સહસા નન્હકૂનું મોં ભયાનક બની ગયું.તેણે કહ્યું:
“ચૂપ કર.એ બધું જાણીને તું શું કરવાની છો?”(પૃ.૩૦)
એ ઊઠીને ઊભો થઈ ગયો.ઉદ્વિગ્નની જેમ કોણ જાણે શું ખોળવા લાગ્યો.(પૃ.૩૦)
આ વાર્તાની ભાષા એટલી સ્પષ્ટ અને સરળ છે કે સામાન્ય માણસ પણ એના અર્થને સરળતાથી સમજી શકે.ખાસ કરીને સંવાદોની ભાષા જનજીવનની નજીક છે.ઉદાહરણ તરીકે:
નન્હકૂસિંહે મુન્નૂસિંહને કહ્યું:“કેમ,ચૂપચાપ બેસીશ નહીં" દુલારીને કહ્યું, “ત્યાં જ રહેજે,બાઈજી.આમતેમ હલવાની જરૂર નથી.તું ગા.આવા ઘાસ વેચનારા તો મે કંઈક જોઈ નાખ્યા છે.હજી કાલ તો રમતના પાસા ફેંકીને ચારઆઠ આની માગતો ફરતો'તો એ આજે રુઆબ કરવા નીકળ્યો છે!"(પૃ.૨૫-૨૬)
આ વાર્તામાં સૂક્ષ્મ વર્ણન અને સ્પષ્ટ નિવેદનનો અભાવ છે.વાર્તા નિરંતર ગતિશીલ રહે છે.વાર્તાનું છેલ્લું દ્રશ્ય વાચકોના હૃદયમાં પ્રસાદજીની પ્રભાવી ભાષા અને વર્ણનશક્તિની અનોખી જ છાપ મૂકી દે છે.આખું દ્રશ્ય જોઈએ:
“તેના જખમોમાંથી લોહીના ફુવારા ઊડતા હતા.પેલી બાજુના દરવાજામાંથી દેશી સિપાહીઓ અંદર આવી રહ્યા હતા.ચેતસિંહે બારીમાંથી ઊતરતા ઊતરતાં કહ્યું કે વીસ-વીસ સિપાહીઓની સંગીનો સામે નન્હકૂસિંહ અવિચલ ઊભો રહીને તલવાર ચલાવી રહ્યો છે.તેના ખડગ જેવા શરીરમાંથી રક્તની ધારાઓ ગુલાલની જેમ વહી રહી છે.ગુંડાનું એક એક અંગ કપાઈ કપાઈને ત્યાં પડવા લાગ્યું, એ કાશીનું ગુંડો હતો"(પૃ.૩૩)
આમ,કહી શકાય કે ‘ગુંડા' જયશંકર પ્રસાદની ઉત્તમ વાર્તાઓમાંની એક છે.વાર્તાનો નાયક નન્હકૂસિંહ આધુનિક હિન્દી વાર્તાઓના અમર પાત્રોમાંનું એક છે.પ્રસાદજીએ તેમની વાર્તાકળા અને વર્ણનકળાનું મિશ્રણ કરી એક ઉત્તમ વાર્તા આધુનિક હિન્દી સાહિત્યને આપી છે.
સંદર્ભસૂચિ-