Included in the UGC-CARE list (Group B Sr. No 172)

‘જગરું’ : સર્જનાત્મક ગદ્યના ઉન્મેષો પ્રગટાવતા નિબંધો

આપણે ત્યાં ગુજરાતી નિબંધનું સાહિત્યસ્વરૂપ અન્ય સર્જનાત્મક સાહિત્યસ્વરૂપની માફક આયાતી રહ્યું છે. સુધારક યુગમાં નર્મદે ‘મંડળી મળવાથી થતા લાભ’ નામે સૌપ્રથમ પોતાના વિચારો રજૂ કરી નિબંધનો આદર્શ પૂરો પાડ્યો હતો. તે ૫છી દલપતરામના ‘ભૂતનિબંધ’, ‘જ્ઞાતિનિબંધ’, ‘બાળ વિવાહ’, ‘પુનર્વિવાહ નિબંધ’ વગેરેમાં તે સમયની સામાજિક, ધાર્મિક ૫રિસ્થિતિ, સંસારસુધારાનો ઉદ્દેશ કેન્દ્રસ્થાને હતો. પંડિત યુગમાં નિબંધનું સ્વરૂપ ચિંતનાત્મકતાની કોટિએ પહોંચી પૂર્ણરૂપે વિકાસ પામ્યું. ગાંધીયુગમાં નિબંધનું સ્વરૂપ કાકાસાહેબ કાલેલકરના હાથે પરિમાર્જિત થઈને વરવો ઉઘાડ દાખવે છે. ગુજરાતી નિબંધ વધુ ને વધુ સર્જનાત્મક બની ખીલતો/ ખુલતો અનુભવાય છે. તેનું અંતિમ રૂપ આધુનિક યુગમાં સુરેશ જોષીના ‘જનાન્તિકે’માં પમાય છે. ત્યાર પછી ગુજરાતી નિબંઘે પાછું વળીને જોયું નથી. સમયના વિવિધ પડાવો પર સમર્થ નિબંધકારો પોતિકી ઉકલતને અનુષંગે ગુજરાતી નિબંધને અજવાળતાં રહ્યાં છે. નિબંધમાં ૫ણ ચરિત્રાત્મક, ચિંતનાત્મક, વૈયક્તિક, સંસ્મરણાત્મક, પ્રવાસનિબંધ, હાસ્યનિબંધ જેવી કેટકેટલી કોટીઓ જોવા મળે છે. ગુજરાતના વિધવિધ પ્રદેશોમાંથી આવેલા નિબંધસર્જકોએ પોતાના પ્રદેશની પોતીકી છાપ સાથે અંગત સંસ્મરણો અને સંવેદનને લીલયા રૂપ આપ્યું છે. નિબંધના આંતરિક સૌંદર્યને પ્રગટ કરતી સર્જકના નિજીપ્રદેશની આગવી લાક્ષણિકતાઓએ પ્રધાનત: નિબંધને વધુ સત્વશીલતા અર્પી છે.

સર્જકે જયારે પોતાની આસપાસના પરિવેશને પંચેન્દ્રિયો દ્વારા સંવેદ્યો હોય, એનાં અનેકવિધ સંચલનો એના સર્જકચિત્ત ૫ર ઝિલાતાં હોય અને એ સંચલનો શબ્દદેહે અવતરે ત્યારે સર્જક પ્રતિભા બળવત્તર બને છે. નટવરસિંહ ૫રમારના ‘જગરું’માં સંગ્રહાયેલા નિબંધોમાં ૫ણ સમૃદ્ઘ ડાંગ જિલ્લાનો પશ્ચિમી સરહદી અરણ્ય વિસ્તાર, સમૃદ્ઘ પરિવેશ, ઉમદા વ્યકિતત્વ ધરાવતાં અને નિયતિના મહોરાં જેવા પાત્રો, ભાતીગળ ગદ્ય અને સર્જકની ડાંગ વિસ્તારની તળપદી બોલી જેવી લાક્ષણિકતાઓ ઉડીને આંખે વળગે છે. જેમ નવલકથા, ટૂંકીવાર્તા, રેખાચિત્ર કે લઘુકથામાં છેવટે તો પાત્ર કેન્દ્રમાં હોય છે તેમ નિબંધમાં પાત્ર, વ્યક્તિચિત્રોની સાથે સાથે નિબંધનું ગદ્ય કેન્દ્રમાં હોય છે તેમ નિબંધમાં પાત્ર, વ્યકિતચિત્રોની સાથેસાથે નિબંધનું ગદ્ય કેન્દ્રમાં હોય છે. ‘જગરું’માં સંગ્રહિત નિબંધોમાંથી ૫સાર થતાં સર્જકની ગદ્યરમણાનો જે અલૌકિક અનુભવ માણવા-નાણવા મળે છે તે અદકેરો છે. તેથી આ નિબંધોમાં પ્રયોજાયેલા ગદ્યના ઉન્મેષોને તપાસવાનો ઉપક્રમ અત્રે પ્રસ્તુત છે.

‘જગરું’ નો પર્યાય ‘તાપણું’ એવો થાય છે. આ શબ્દ પ્રાદેશિક મુદ્રા ધરાવે છે અને તળપદ બોલીમાં પ્રયોજાય છે. ‘પોષના આરંભથી માઘના અંત સુધી જગરુંની આસપાસ શરૂ થતું દા’ઉજીનું રાવણું, લોકના રાની અબળખાઓ, લોહીના છંદપ્રતિછંદો, પ્રાણના તડફડતા આવેગો, હૃદયમનના આવેગો, સંતાપોના પ્રસંગો અને ઘટનાઓની વાતોના લાંબા દોરે’ (પૃ.પ) ચેતનવંતું બની રહે. તેના પ્રત્યક્ષ સાક્ષી એવા લેખકે એ મધુર ક્ષણોને, સંવેદનાઓને ભાષાના બળે ચાક્ષુષ કરાવી છે. આ ‘જગરું’ના અજવાળે નિબંધસંગ્રહમાં વ્યકિતઓની વિશિષ્ટ આછીપાતળી રેખાઓ ઉપસતી રહે છે. આમ સ્થૂળ અર્થમાં ‘જગરું’ સમગ્ર નિબંધસંગ્રહમાં હાજર છે તો સૂક્ષ્મ અર્થમાં તેના નિબંધોમાં વ્યાપ્ત છે. લેખકે સજીવ થઈ ઉઠતી અતીતની સ્મૃતિઓને આરંભે વૈયક્તિક લાક્ષણિકતા સાથે આમ રજૂ કરી છે : ‘મારા ચિત્તની ભોંય ૫ર એક જગરું સળગી ઊઠે છે, અવાર-નવાર સળગી ઊઠે છે, રાતમધરાત હોલવાઈ-હોલવાઈને સળગી ઊઠે છે, સળગ્યા કરે છે. વતનમાં અમારા ઘરનાં આંગણામાં શિયાળા દરમિયાન સળગતું જગરું ત્યાં તો હવે બિલકુલ હોલવાઈ ગયું છે, ૫રંતુ મારા ચિત્તમાંથી એ હજીય ઓલવાતું નથી. સળગતા જગરુંના તાપ અને પ્રકાશની સાથે એની આસપાસના પડછાયા ૫ણ તગતગી ઊઠે છે, સજીવ થઈ ઊઠે છે, એમની અંગત વૈયક્તિકતા સાથે.’(પૃ.૯)

અહીં 'જગરું'ના અજવાળે વિશિષ્ટ વ્યકિતઓની લાક્ષણિક રેખાઓ ઉપસતી રહી છે. 'જગરું'ની આસપાસ બેઠેલી વ્યક્તિઓના ચહેરાઓ જગરુંના આછા અજવાળે ઝાંખાપાંખા સર્જક સમક્ષ ચાક્ષુષ થાય છે. જગરુંની આસપાસ ગોઠવાયેલા લોકોની વાતચીતમાંથી ઊપસી આવતું નિબંધનું રૂપ કોઈ વ્યક્તિની લાક્ષણિકતાને તાકે છે. અહીં‘સળગવું’શબ્દનું પુનરાવર્તન સર્જકની જગરુંની સાથે સંકળાયેલી મધુર સ્મૃતિઓને તરોતાજા કરે છે. પાત્રોની વાતચીતમાંથી ઉપસતી પાત્રોની રેખાઓ તેને વિશિષ્ટ વ્યક્તિચિત્ર સુધી દોરી જાય છે. પાત્રના મનના ઊંડા અને અંધારીયા ખૂણાઓમાં જગરું પ્રકાશ પાડવા સાથે તેમના આંતર્-બાહ્ય વ્યક્તિત્વનો ઉજાસ પાથરે છે. આ નિબંધોની સહજ એવી વાતચીતની રીતે થતી રજૂઆત એની રચનારીતિની લાક્ષણિકતા બની રહે છે. નિબંધમાં રજૂ થતાં પાત્રોની સાથે થતું વર્તમાનનું સાયુજ્ય તેમના હૃદયના ખાલીપાને, ભરચકતાને પ્રગટાવી પાત્રોનો ચેતોવિસ્તાર સાધે છે. સર્જકે કથન, વર્ણન, સંવાદના ગદ્યની કલાત્મક ભાત સાથે પ્રયોજેલી દક્ષિણ ગુજરાતની તળબોલીના વાકકાકુઓ, એના લય-લઢણો, લહેકા, આરોહ-અવરોહ અને ભાષાની અપરંપાર ખૂબીઓ દ્વારા નિબંધોનું મનોહર ક્લેવર ઘડ્યું છે. કેટકેટલું પાત્રવૈવિઘ્ય ભાષાના બળે સર્જકે આલેખ્યું છે. સુલેમાનના આ શબ્દો જુઓ : ''ધૂળની નિર્ભર્ત્સના ન કરો; ફરીદ. એની તુલના કશાય સાથે ન થાય. આપણે જીવીએ ત્યારે આપણા ૫ગ હેઠળ, મર્યા ૫છી આપણી ઉ૫ર.'' (પૃ.૬૫)

અહીં પાત્રોચિત્ત ભાષામાં ક્યાંક આછી પાતળી ચિંતનની કણિકાઓ પાત્રોની ચિત્તાવસ્થા ને બળકટ રીતે પ્રગટાવી જાય છે. શંભુરાજાના નિરર્થક બકવાસમાં પ્રગટતું હળવું ચિંતન-શબ્દફેરે બદલાતાં અર્થની અસ્પષ્ટતા સંદર્ભે જે ઉદ્દગારો કાઢે છે તેમાં‘આ અર્થ માસ્તરોની મોકાણ છે. આનો અર્થ શું ? તેનો અર્થ શું ? અર્થની માને મને આવડે તે – જીવવાનું એટલે જીવવાનું....એમાં અર્થનું શું ?.....આ ઋષિમુનિઓને શું કુમતિ સૂઝી તે રૂપ, રસ, ગંધની દુનિયામાં શબ્દ લઈ આવ્યા ! અને ત્યારથી માસ્તરોએ અર્થની ભાંજગડ શરૂ કરી.'' (પૃ.૨૫) તો પોતાની વાણીથી નહિં એટલી વર્તનથી વધુ પ્રગટ થતી રાજુનું પાત્ર જે શબ્દો ઉચ્ચારે છે તે તેના પારદર્શી જીવનની છલોછલ કરુણતાને પ્રગટ કરે છે – ''ગોરા અને સમરેખ પેટની સે'જ ઊંડી દૂંટીમાં તખતને આંગળી ફેરવવાનું આમંત્રણ પાઠવતી, ઘોર કાઢ્યા વિનાના વાછડા જેવો તું મને વહાલો લાગે છે. ધીહલે જોડાયા વિના ખાંધ થોડી પડે ?.....માસ્તર મારો ધણી, પણ તું મારો પહેલીવારનો ૫રણ્યો.....તું મારો દીકરો, ૫રણ્યો અને બાપ.....તું ૫રણજે. તારી વહુની ચૂંદડી મારા લોહીથી રંગી આપીશ. આ મારા અબળખા.'' (પૃ.૧૧૬-૧૨૬) આમ આ નિબંધોના પાત્રો પોતાના વેશ-પરિવેશ, વાણી-વર્તન વ્યવહારથી પ્રત્યક્ષ થાય છે. જે તેના વ્યક્તિત્વની રેખાઓ ઉપાસવંતુ વિસ્તરી રહે છે.

સર્જકનું વર્ણનનું ગદ્ય પાત્રના આંતર્-બાહ્ય વ્યક્તિત્વને ખીલવવામાં દીપી ઊઠે છે. ''રાજા એટલે રાજા. મજબૂત કાઠાનો ઊંચો સહેજ શ્યામવર્ણ દેહ. માથે ટકો કરાવે-ટાલ નહીં, ટકો કરાવે. મોટી મૂછ રાખે. ઢીલી કાછડીએ પાટલી છૂટી રાખી ધોતી ૫હેરે, ઉ૫ર બટન દીધા વિનાનું ખમીસ અને તેના પર રાખોડી રંગનો લાંબો કોટ- બટન દીધા વિનાનો.'' (પૃ.૨૧) અહીં રાજાનું આબેહૂબ થયેલું વર્ણન સુંદર શબ્દચિત્ર ખડું કરે છે. પાત્રોના વર્ણનોમાં ઉચિત શબ્દો અને ટૂંકા ટૂંકા વાક્યોના બે-ચાર લસરકામાં તો વ્યક્તિચિત્ર ઉપસાવી દેવાની લેખકની હથોટી કાબિલેદાદ છે. મામાજીનું આ વર્ણન જુઓ : ''મરદાના ઊંચા ગોરા દેહ ૫ર સંપૂર્ણ અંગ્રેજી પોષાક હોય. શર્ટ, ટાઈ, જેકિટ, કોટ, પાટલૂન, જેકિટમાં પરોવેલી સોનાની ચેન સાથેનું ખિસ્સા ઘડિયાળ, જેકિટના ઉપલા ખિસ્સામાં ત્રિકોણ ઘડી દેખાય એવો રૂમાલ.....મોં પર રમૂજની ઝાંયમાં ઓગળેલી સખતાઈ. ૫ણ આંખોમાં અકળ ઉદાસીનું તરલ અસ્તર બાઝેલું હોય.'' (પૃ.૩૧)

''૫ણ ઉત્તરારૂપે પુરુષોત્તમ અને પુરૂષોત્તમ જ ! તામ્યભર્યા રૂપથી રાજતો ચહેરો, કામ્ય અંગભંગિ, ૫હોળી અને લાંબી આંખોની કાજળભરી પાંપણોમાં બેઠેલું ઘેન અને રાજકન્યાની લજામણી રાજવટ.'' (પૃ.૭૪)

આમ સર્જકના વર્ણનોમાં આલંકારિક, સર્જનાત્મક ભાષાના ચમકારા ઠેર-ઠેર માણવા મળે છે.

‘જગરું'ના નિબંધોમાં માનવજીવનની નિયતિ સંદર્ભે ઊર્મિરસિત ચિંતન નિબંધોને વધ સત્વશીલ બનાવે છે. મનુષ્ય જીવન એના નિયત ક્રમ મુજબ ચાલે છે કે એમ જ ૫રિસ્થિતિમાં ઢળી જાય છે એનું ચિંતન ભાવકના ચિત્તમાં ઘૂમરાયા કરે છે. અહીં સર્જકનું ભાષાસામર્થ્ય ચિંતનનો ભાર પાત્ર કે ૫રિસ્થિતિને બોઝિલી બનવા દેતું નથી. જુઓ :-
''પાંચ હજાર વર્ષથીય પહેલાં આરંભ પામેલા હિન્દુધર્મની પ્રાથમિક ધારણા રહી છે કે, જગતની વસ્તુઓ દેખાય છે તેના કરતાં વિશેષ સંકુલ હોય છે. સત્યને પામવા માટે તર્કશક્તિ-બુદ્ઘિ જ પર્યાપ્ત નથી. માણસ સત્યની કેટલો નિકટ છે તે એના જ્ઞાન ૫ર નહીં, ૫ણ જીવનની એની ગુણવત્તા ૫ર નિર્ભર હોય છે.''(પૃ.૮૭)
તો પ્રેમની વાસ્તવિકતા સંદર્ભે રજૂ થતું ચિંતન ''અને દાઉ'જી તરફ એકધારું જોઈ રહે. ૫છી બોલે : દા'ઉજી પ્રેમમાં શું મળે ? વીજળીના કડાકા સાથે તૂટી પડેલા વરસાદ અને વાવાઝોડામાં ખડક સાથે અથડાતા વહાણના નાવિક જેવું દુર્ભાગ્ય એમાં ખમવાનું હોય છે.''(પૃ.૩૭) તો ટૂંકા ટૂકાં વાક્યો વડે 'સ્વ' વિશેની ઓળખ સંદર્ભે થયેલું આ ચિંતનાત્મક ગદ્યનું વર્ણન –''અમારા વિશે કોણ, શું, કેમ, કેવી રીતે એવા સવાલ પૂછીને અમને નહીં ઓળખી શકાય. રાની વગડાઓમાં તેં પગ રસ્તાઓ જોયા છે ? કેટલા રસ્તાઓ ?....કેટલાક ઝાડીઝાંખરામાં ખોવાઈ ગયેલા હોય. કોઈ મસાણ સુધી ૫હોંચેલો હોય.... કેટલાક એકબીજાને છેદીને ત્યાંના ત્યાં જ ભૂંસાઈ ગયેલા હોય....અમે ચાલીએ એટલે રસ્તો.'' (પૃ.૧૨૨)
આ ચિંતન ભાવકના ચિત્તમાં વર્તુળાકારે વિસ્તરે છે. આ નિબંધોની રચનારીતિ વિલક્ષણ છે. લેખકનો સાક્ષીભાવ તમામ નિબંધોમાં તાટસ્થ્યપૂર્વક દા'ઉજી સાથે સમભાવ કેળવે છે. તો બીજી તરફ નિબંધોમાં સતત ડોકાય છે તીવ્ર વિષાદ. વીતી ગયેલી મધુર ક્ષણોનો ખાલીપો, રહસ્યમય, ગહન અને ગૂઢજીવનની રમણા અહીં કથનના વિવિધ લય દ્વારા મનુષ્ય જીવનની કરૂણ નિયતિને વ્યક્ત કરે છે, જુઓ :‘મામાજી જગરુંને તાકી રહે. કોઈ કંઈ પૂછતું નથી ને મામાજી, જાત સાથે વાત કરતા હોય તેમ શરૂ કરે : ''રતનજી, અન્ય સાથે જોડાવાનું ન બને તો માણસ પોતાના તરફ વળી જાય. એને પોતાનો જ છંદ લાગે. સ્વ-છંદ. એ માણસની અંતરિયાળ અખંડિતતાના દલેદલ છૂટાં પાડી નાંખે.''(પૃ.૩૬)
''પર્વતો-પહાડોના સાક્ષાત્કારમાં મારા ચિત્તમાં એક અકળ-અગમ, ગૂઢ અને ભયાનક રહસ્ય-વિસ્મયજનક, અદ્દભૂત અને રૌદ્ર છતાં રમણીય રહસ્ય ઘૂંટાયા કરે છે- માણસના મૂળનું ભેદી રહસ્ય, પહાડોના શિખરોમાં અને ખીણોમાં જાણે નિ:શબ્દ પડઘાયા કરે છે..... સંભવે છે કે જીવનમાં કોઈ અર્થ, ઉદ્દેશ પ્રકાશી ઊઠે.''(પૃ.૧૩૨)

આ અને આવા તો અનેક ગદ્યખંડો સર્જકના વર્ણનાત્મક ગદ્યની મનોહર ભાત નીપજાવે છે. નિબંધોમાં પ્રગટ થતાં તમામ પાત્રો નિયતિના કોઈ અગોચર, અનિયત જીવનદોરથી પ્રભાવિત થઈ જીવન જીવે છે. વર્ણનોમાં સર્જનાત્મક ભાષાના સ્ફુલ્લિંગો ગદ્યને તાજગીસભર અને સ્ફૂર્તિલું, તરોતાજા બનાવે છે. સમગ્ર નિબંધસંગ્રહમાં ‘જગરું’ અને દા'ઉજીની સતત વર્તાતી હાજરી અને એ બંનેના મૌનનાં સાન્નિઘ્યમાં ગદ્યનું પોત પળોટાયું છે. સર્જકનું મુગ્ધ વ્યક્તિત્વ પાત્રો અને ૫રિવેશના સંદર્ભે મુગ્ધ જગતને તાદ્દશ કરી આપે છે. વર્ણનોમાં વ્યકત થતો સામાજિક ૫રિવેશ ભાવકના ચિત્તમાં અનેરું ભાવવિશ્વ ખડું કરે છે.

ગદ્યની વિશિષ્ટ લયભાત ઉપાસવતા એકાધિક વાક્યો સર્જકકલમની બળકટ શક્તિના પરિચાયક બની રહે છે. જુઓ :
''રેલ આવે એટલે રેડ્યું ત્યારે આટલું પૂછવા જેવું ચડ્યું !'' (પૃ.૨૫)
''મોટી કાળી મૂછો – રવિશંકર રાવળે ચિત્રમાં મઢેલા મુનશીના મુંજાલનો પ્રવેશ.'' (પૃ.૭૦)
''આવી આવી સજવા રહી'તી આલાપતાં હાથ જોડીને ત્વરિત ગતિએ પ્રવેશે અને વિદૂષકની ડાબે જમણે ઠમક ઠમક કરતી રહે ઠમકદીવીની જેમ.'' (પૃ.૭૧)
''રાજુ હસી, જાણે એની આંખમાં બેઠેલું દરદ હસી પડ્યું'' (પૃ.૧૨૨)
''લથડતી ચાલે જતાં જતાં રાજા બોલતા જાય દા'ઉજી, સલામ, તખત, રતનજી બોયલું ચાયલું માફ. આ તો મહેફિલ, પીવાનું, હસવાનું, રડવાનું ને મજાક.'' (પૃ.૨૭)
''......અમે બન્ને એકબીજાને તાકી રહ્યાં. ક્ષણો મૌન બનીને ઊભી રહી ગઈ.'' (પૃ.૧૨૨)

આવા તો બહુવિધ વાક્યો પાત્રની મન:સ્થિતિ, ૫રિસ્થિતિ, ૫રિવેશને આલંકારિક ગદ્ય દ્વારા સુપેરે પ્રગટાવી આપે છે, તો સમગ્ર સંગ્રહમાં 'જગરું' નો સંદર્ભ ટૂંકા ટૂંકા વાક્યો દ્વારા પાત્ર, પરિવેશ, સ્થળવિશેષને વિશિષ્ટ લય-લહેકા દ્વારા પ્રગટ કરે છે. જુઓ –
''જગરું' તેજ થાય એટલે દૂર ઊભેલાં આસોપાલવના થડમાં ભાગીને ભરાવા મથતા અને મંદ ૫ડે એટલે જગરું તરફ ધસી આવતા અંધારાની છટપટાહટ હું જોઈ રહેતો. વ્યાકુળ અજંપાથી હું જોયા કરતો, જોયા કરતો....'' (પૃ.૧૧)
''તગેડ, તગેડ આ જગરું એ તગડે, જીભ લબકારતું એ મને કરડવા દોડે છે. તખત, તું એને ચૂહકારવાનું બંધ કર. તું ચૂહકારે તેમ તેમ મારા તરફ દોડે છે. તારી માનું' અને એકદમ કૂદીને રાજા આઘા ખસી બેસે.'' (પૃ.૨૪)
''અને જગરુંની મહેફિલ ઊઠી જાય, એક પછી એક. દા'ઉજી જગરું પાસે બેસી રહે, એકલા અને ચૂપ. જગરું કજળતું કજળતું ઠરવા આવે ત્યાં સુધી.'' (પૃ.૨૭)
''......અને કિન્સેઈડ સાહેબની નજર જગરુંના અંગારમાં ઊંડી ઊતરતી રહી.'' (પૃ.૧૦૩)
''મામાજી જગરું એ આવી બેસતા ત્યારે આર્મિ, શિકાર, અંગ્રેજો અને રાજરજવાડાંની વાતે જગરું'રંગતે ચઢતું.'' (પૃ.૩૧)

ઉપર્યુક્ત વાક્યોમાં કથન-વર્ણન-ક્રિયાપદોની કેટકેટલી કોટિઓ સર્જકે બખૂબી આલેખી છે! સજીવારોપણ અલંકાર, શબ્દોની પુનરાવૃત્તિ, દૃશ્ય-શ્રાવ્ય કલ્પનો, મૂર્ત-અમૂર્ત બાબતોને જગરુંની સાક્ષીએ ભાતીગળ વાતાવરણમાં ઉજાગર કરી છે. અહીં સર્જકની ગદ્યરમણાનો ભરપૂર સ્વાદ ચાખવા મળે છે અને ભાવકને એક નવા જ પ્રદેશની અનુભૂતી કરાવે છે. ભાવકની પંચેન્દ્રિયોને સજાગ કરી વિચારતા કરી મૂકે એવી કલ્પનશ્રેણીઓ ૫ણ જોવા મળે છે. તળપદી બોલીની સર્જનાત્મકતા પાત્રોના સંવાદોમાંથી પામી શકાય છે. વહીદાની ઉર્દૂની છાંટવાળી તળપદી બોલી, મામાજીની ભાષામાં અંગ્રેજી શબ્દોનો વિનિયોગ, ભગતની અગોચર અવળવાણી સમ બાની, શ્યામજીની સોરઠી-સુરતી મિશ્રિત લોકબોલી વગેરે પાત્રગત હોઈ બોલીનું વૈવિઘ્ય ૫ણ ઊડીને આંખે વળગે એવું છે. રામસિંહના નિબંધમાંનો ઈતિહાસ બોધ ૫ણ રસિક શૈલીમાં નિરૂપાયો છે.

નિબંધોમાં ઠેર ઠેર પ્રયોજાયેલા તળપદા શબ્દોમાં – ખાસખેલ, આનાવારી, વાહીદું, ચવરતું, રનોળું, ૫રિયાણા, કોતાહર, મોંમાર, કહરેલાં, ખા૫રું, મોંધાંય, લક્કડફોડા, ફિતૂર, હથેવાળો, જજીલા, ઉપલાણ, પેજારી, સાઈસો, ઈંધોરી, ચોકડિયાળ, અખિયાણું, અઢેલણ, અધીખી વગેરે ભાતીગળ ગદ્યપોત રચી આપે છે, તો વાક્યોમાં દ્વિરુક્ત અને રવાનુકારી શબ્દ પ્રયોગો કથયિત્વને પ્રબળતાથી ઉપસાવવા સફળતાથી પ્રયોજાયા છે, જેમ કે – બોયલું ચાયલું, કજળતું કજળતું, રાન-ચન, વટોર-વટોર, સાજનમાજન, મૂંગા મૂંગા, ગૂઢગૂઢ, મસળતાં-મસળતાં, છાનીછાની, કંકૂ-ચોખા, કાબરચીતરી, લાલલીલાંપીળાં, બોલબોલ, લબકલબક, હેમખેમ, વાર૫રખે, ચડસાચડસી, ચહેરેમહોરે, મરકમરક, અગમનિગમ, દોરદમામ, રહનસહન, પડવા-આખડવાની, ઝમઝમી, બાથંબાથી, ઘાલમેલ, છેલવેલ્લું, પ્રથમપ્રથમ, કુંઉકુંઉ, ફીણફીણ, ડણકડણક, ગેંગેંફેંફેં, રંગારંગ, સોનેરીરૂપેરી, જથર-વથર, ટગરટગર, સાંગામાંચી, રણકરણક વગેરે શબ્દો ક્રિયાની મૂર્તતા અને ભાવશબલતા પ્રગટાવે છે. સમગ્ર સંગ્રહમાંથી પસાર થતાં એક બાજુ નિયતિનું રહસ્યમય, ગૂઢ જગત અને બીજી તરફ પાત્રોના વાણી-વર્તન વ્યવહાર દ્વારા હૃદયના અવાજને અનુસરતું જગત વચ્ચેનો સંઘર્ષ નિબંધોને પ્રભાવક બનાવે છે. કાવ્યના સીમાડા સુધી ૫હોંચી જતાં ગદ્યની રમણીય છટાઓનો સ્વાદ ૫ણ માણવા મળે છે. વસ્તુને અનુરૂપ ૫રિવેશ, ૫રિવેશમાં શ્વસતાં પાત્રો, પાત્રોને જીવંત કરતાં સંવાદો, ગદ્યનું ભાતીગળ પોત પ્રગટાવતું શબ્દભંડોળ, ટૂંકા ટૂંકા વાક્યો દ્વારા પ્રગટતો લય, અનાયાસે પ્રયોજાયેલ અલંકાર વિધાન નિબંધોમાં પ્રગટતો સામાજિક સંદર્ભ જે તે પ્રજાના સંસ્કાર અઘ્યાસોનો તથા સર્જકની અભિવ્યકિતની શક્યતાઓ અને ક્ષમતાઓનો વરવો ઉઘાડ દાખવે છે. સર્જકે પોતાના અતીતમાં જઈને શૈશવમાં માણેલું વિસ્મય, કુતૂહલ, ભય, પ્રેમ, વિષાદ વગેરેનું અપૂર્વ જગત આ નિબંધોને અજવાળે છે, અને સંવેદનશીલ સર્જકના ભાષાસામર્થ્યનો ઉચિત સાક્ષાત્કાર કરાવે છે.

સંદર્ભ ગ્રંથ :

  1. ‘જગરું’, લે. નટવરસિંહ પરમાર, પાર્શ્વ પબ્લિકેશન, પ્ર.આ.૨૦૦૮, કિંમત રૂ.૧૧૦

ડૉ. મહેશ પ્રજાપતિ, ખડાખોટડીનો પાડો, પંચાસરા જૈન દેરાસર પાસે,પાટણ- ૩૮૪૨૬૫ મો. નં. ૭૯૯૦૯૧૫૫૬૧