Included in the UGC-CARE list (Group B Sr. No 172)

महाकविः भर्तृहरिकृत नीतिशतकम्
सातत्यपूर्णश्रेर्ण्याः तृतीयो भागः - श्लोकाः – 51 तः 75

51. रे रे चातक सावधानमनसा मित्र क्षणं श्रूयता
मम्भोदा बहवो हि सन्ति गगने सर्वेपि नैतादृशाः ।
केचिद्वृष्टिभिरार्द्रयन्ति वसुधां गर्जन्ति केचिद्वृथा
यं यं पश्यसि तस्य तस्य पुरतो मा ब्रूहि दीनं वचः ।।


અનુવાદ: અરે ઓ ! મિત્ર ચાતક ! થોડીવાર સાવધાન મનથી સાંભળ, આકાશમાં ઘણાં બધાં વાદળો છે. પરંતુ બધાં જ એક સરખાં નથી. કેટલાંક વૃષ્ટિથી ધરતીને ભીંજવે છે અને કેટલાંક વૃથા ગર્જનાઓ કરે છે. જેમને જેમને તું જુએ છે, તેમની તેમની સામે તું ગરીબડાં વચનો ના બોલીશ.

શબ્દાર્થ: रे रे चातक - અરે ! ઓ ચાતક ! मित्र- હે મિત્ર ! क्षणं सावधान-मनसा श्रूयताम् - થોડીવાર સાવધાન મનથી સાંભળ, गगने बहवो अम्भोदा सन्ति - આકાશમાં ઘણાં બધાં વાદળો છે. हि सर्वे अपि न एतादृशाः - પરંતુ બધાં જ એક સરખાં નથી. केचिद्वृष्टिभिः आरार्द्रयन्ति वसुधाम् - કેટલાંક વૃષ્ટિથી ધરતીને ભીંજવે છે गर्जन्ति केचिद्वृथा- કેટલાંક વૃથા ગર્જનાઓ કરે છે. यं यं पश्यसि तस्य तस्य पुरतः - જેમને જેમને તું જુએ છે તેમની તેમની સામે, मा ब्रूहि दीनं वचः- તું ગરીબડાં વચનો ના બોલીશ. આ શ્લોકમાં શાર્દૂલવિક્રીડિત છન્દ છે.

52. अकरुणत्वमकारणविग्रहः परधने परयोषिति च स्पृहा ।
सुजनबन्धुजनेष्वसहिष्णुता प्रकृतिसिद्धमिदं हि दुरात्मानम् ।।


નિર્દયતા વણ કારણ વિગ્રહો,
પરધને પર-નાર ભણી સ્પૃહા,
સુજન બન્ધુજને ન સહિષ્ણુતા,
કુદરતી વલણો જ દુરાત્મના. (સમછન્દી અનુવાદ)

અનુવાદ: નિર્દયપણું, અકારણ ક્લેશ, પારકાના ધન અને પરસ્ત્રીની સ્પૃહા, સજ્જન અને બંધુઓનું સારું ન જોવું, આ (ચાર દોષ) દુર્જનોમાં સ્વાભાવિક હોય છે.

શબ્દાર્થ: अकरुणत्वम् - નિર્દયપણું, अकारणविग्रहः - અકારણ ક્લેશ, परधने परयोषिति च स्पृहा – પારકાના ધન અને પરસ્ત્રીની સ્પૃહા, सुजन-बन्धुजनेषु असहिष्णुता - સજ્જન અને બંધુઓનું સારું ન જોવું । हि इदम् दुरात्मानम् प्रकृतिसिद्धम् - દુર્જનોમાં સ્વાભાવિક હોય છે. આ શ્લોકમાં દ્રુતવિલંબિત છન્દ છે.

53. दुर्जनः परिहर्तव्यो विद्यया भूषितोपि सन् ।
मणिनालंकृतः सर्पः किमसौ न भयंकरः ।।


વિદ્યાલંકાર ધારેલા દુર્જનો છાંડવા સમા,
મણિથી શોભતે સાપ શું તે નથી ભયંકર?

અનુવાદ: વિદ્યાથી અલંકૃત હોય તો પણ દુર્જનનો સંગ કરવો નહીં, કેમ કે મણિથી શોભતો સાપ શું ભયંકર હોતો નથી? (અર્થાત્ – ભયંકર જ હોય છે. તેનાથી દૂર જ રહેવું જોઇએ.)

શબ્દાર્થ: विद्यया भूषितोपि सन्- વિદ્યાથી અલંકૃત હોય તો પણ, दुर्जनः परिहर्तव्यः- દુર્જનનો સંગ કરવો નહીં, એટલે કે, એનાથી દૂર રહેવું, मणिनालंकृतः सर्पः- મણિથી શોભતો સાપ, किम् भयंकरः न असौ- શું ભયંકર હોતો નથી? આ શ્લોકમાં અનુષ્ટુપ છન્દ છે.

54. जाड्यं ह्रीमति गण्यते व्रतरुचौ दम्भः शुचौ कैतवं
शूरे निर्घृणता मुनौ विमतिता दैन्यं प्रियालापिनि ।
तेजस्विन्यवलिप्तता मुखरता वक्तर्यशक्तिः स्थिरे
तत्को नाम गुणो भवेत्स गुणिनां यो दुर्जनैर्नाङ्कितः ।।


મીંઢો લાજુ ગણાય ને, વ્રતરુચિ દંભી, શુચિ કૂડમાં,
શૂરો નિર્દયને મુનિ મુરખમાં, મીઠી જીભે દીનતા,
તેજીલો અભિમાની ને મુખર જે વક્તા અશક્તિ સ્થિરે,
બાકી શો ગુણ શેષ છે સુગુણીનો, દુષ્ટે વગોવ્યો ન જે?

અનુવાદ: દુર્જનો લજ્જાશીલ પુરુષોને જડ માને છે, વ્રતમાં રુચિવાળાને દંભી, પવિત્રને ધૂર્ત, શૂરવીરને નિર્દય, સરલને બુદ્ધિહીન, પ્રિય બોલનારને દીન, તેજસ્વીને ગર્વિષ્ટ, ઉત્તમ વક્તાને બોલકો અને ઠરેલને અશક્ત ગણે છે. તો પછી ગુણવાન પુરુષોનો એવો કયો ગુણ છે કે જેને દુર્જનોએ અંકિત કર્યો નથી? (એટલે કે, નિશાની બનાવ્યો નથી.?)

શબ્દાર્થ: जाड्यं ह्रीमति गण्यते- લજ્જાશીલ પુરુષોને જડ માને છે, व्रतरुचौ दम्भः- વ્રતમાં રુચિવાળાને દંભી, शुचौ कैतवम्- પવિત્રને ધૂર્ત, સમછન્દી અનુવાદ મુજબ; કૂડમાં એટલે અન્યાય કરવામાં. આપણે રમત રમતાં ઘણીવાર કહેતા કે, આ છોકરો તો કૂડીલો છે, એ અર્થમાં સમજવું. शूरे निर्घृणता- શૂરવીરને નિર્દય, मुनौ विमतिता- સરલને બુદ્ધિહીન प्रिय आलापिनि, दैन्यम् - પ્રિય બોલનારને દીન, तेजस्विनि अवलिप्तता- તેજસ્વીને ગર્વિષ્ટ, वक्तरि मुखरता - ઉત્તમ વક્તાને બોલકો, स्थिरे अशक्तिः - ઠરેલને અશક્ત ગણે છે. तत् गुणिनाम् कः नाम गुणः भवेत्- તો પછી ગુણવાન પુરુષોનો એવો કયો ગુણ છે કે, स यः दुर्जनैः न अङ्कितः- જેને દુર્જનોએ અંકિત કર્યો નથી? એટલે કે, ગુણવાનના બધા જ ગુણોને દુર્જનોએ નિશાની બનાવ્યા છે. આ શ્લોકમાં શાર્દૂલવિક્રીડિત છન્દ છે.

55. लोभश्चेदगुणेन किं पिशुनता यद्यस्ति किं पातकैः
सत्यं चेत्तपसा च किं शुचि मनो यद्यस्ति तीर्थेन किम् ।
सौजन्यं यदि किं गुणैः सुमहिमा यद्यस्ति किं मण्डनैः
सद्विद्या यदि किं धनैरपयशो यद्यस्ति किं मृत्युना ।।


લોભીને અપરાધ શું? પિશુનતા તેને વળી પાપ શું?
સત્યોને તપથી જ શું? મન સુચિ તો તીર્થથી શું વળી?
સૌજન્યે ગુણથી જ શું? સ્વમહિમા તો શું ઘરેણાં ધર્યે?
વિદ્યાને ધનથી જ શું? અપયશો તો મૃત્યુથી ફેર શું?

અનુવાદ: જો લોભ હોય તો નિર્ગુણપણાની શી જરૂર છે? ચાડિયાપણું હોય તો પાપનું શું કામ છે? જો સત્ય હોય તો તપનું શું કામ છે? જો મન પવિત્ર હોય તો તીર્થનું શું પ્રયોજન છે? જો સૌજન્ય હોય તો ગુણની શી જરૂર છે? જો (લોકમાં) સારો મહિમા હોય તો ઘરેણાંની શી જરૂર છે? જો સદ્વિદ્યા (પ્રાપ્ત કરેલ) હોય તો ધનની શી જરૂર છે? અને અપયશ પ્રાપ્ત થયો હોય તો મૃત્યુની શી જરૂર છે?

શબ્દાર્થ: માનવજીવનમાં ગુણોના પર્યાય ગુણો છે પણ દુર્ગુણોના પર્યાય તો દુર્ગુણો જ હોય છે. આવા કેટલાક ગુણ-દોષોના હોવાપણાની વાત અહીં કરી છે. लोभःचेत् अगुणेन किम् - જો લોભ હોય તો નિર્ગુણપણાની શી જરૂર છે? पिशुनता यदि अस्ति किं पातकैः- ચાડિયાપણું હોય તો પાપનું શું કામ છે? सत्यं चेत् तपसा च किम्- જો સત્ય હોય તો તપનું શું કામ છે? शुचि मनः यदि अस्ति किम् तीर्थेन- જો મન પવિત્ર હોય તો તીર્થનું શું પ્રયોજન છે? सौजन्यं यदि अस्ति किं गुणैः – જો સૌજન્ય હોય તો ગુણની શી જરૂર છે? (लोके) सुमहिमा यदि अ स्ति किम् मण्डनैः- જો (લોકમાં) સારો મહિમા હોય તો ઘરેણાંની શી જરૂર છે? सद्विद्या यदि अस्ति किम् धनैः- જો સદ્વિદ્યા (પ્રાપ્ત કરેલ) હોય તો ધનની શી જરૂર છે? अपयशः यदि अस्ति किम् मृत्युना- અપયશ પ્રાપ્ત થયો હોય તો મૃત્યુની શી જરૂર છે? મનુષ્ય માટે સૌથી મોટો કોઇ દુર્ગુણ હોય તો તે અપયશ છે. જેને કવિ મૃત્યુ સાથે સરખાવે છે. આવા એકાદ શ્લોકના સદાચરણથી પણ માનવજીવનમાં આમૂલ પરિવર્તન આવી શકે છે. આ શ્લોકમાં શાર્દૂલવિક્રીડિત છન્દ છે.

56. शशी दिवसधूसरो गलितयौवना कामिनी
सरो विगतवारिजं मुखमनक्षरं स्वाकृते ।
प्रभु धनपरायण: सततदुर्गत: सज्जनो
नृपांगणगत: खलो मनसि सप्तशल्यानि मे ॥


શશી દિવસ ધૂસરો, ગલિતયૌવના કામિની,
તળાવ કમળો વિના, અભણનાં રૂપાળાં મુખો,
ધણી ધનપરાયણો, સતત દુ:ખમાં સજ્જનો,
નૃપાંગણ રહ્યા શઠો, મમ મને શૂળો સાત એ.

અનુવાદ: દિવસના કારણે ઝાંખો થયેલો ચન્દ્ર, યૌવન વિનાની કામિની સ્ત્રી, કમળ વિનાનું સરોવર, સુંદર આકૃતિવાળાનું અજ્ઞાની મુખ, ધનલોભી સ્વામી, હંમેશાં દુઃખી રહેતો સજ્જન અને રાજાની સભામાં આવી પહોંચેલો દુર્જન – આ સાત (બાબતો) મારા મનમાં કાંટાની જેમ ચૂભે છે.

શબ્દાર્થ: दिवसधूसरः शशी- દિવસના કારણે ઝાંખો થયેલો ચન્દ્ર, गलितयौवना कामिनी- યૌવન વિનાની કામિની સ્ત્રી, विगतवारिजं सरः- કમળ વિનાનું સરોવર, सु-आकृतेः अनक्षरं मुखम्- સુંદર આકૃતિવાળાનું અજ્ઞાની મુખ, धनपरायण: प्रभुः- ધનલોભી સ્વામી, सततदुर्गत: सज्जनः- હંમેશાં દુઃખી રહેતો સજ્જન नृपांगणगत: खलः- રાજાની સભામાં આવી પહોંચેલો દુર્જન मे मनसि सप्तशल्यानि- આ સાત (બાબતો) મારા મનમાં કાંટાની જેમ ચૂભે છે. ભર્તૃહરિ રાજા હોવા ઉપરાંત એક દૂરંદેશી અને મનીષી વ્યક્તિ હતા, એવું આ શ્લોક ઉપરથી જણાય છે. પોતાને જે સાત બાબતો તેમને ગમતી નથી, તેમાં તેમણે મનુષ્યનું વ્યક્તિગત જીવન, ઉમદા સમાજ અને જેમાં મનુષ્ય જીવે છે તે પ્રકૃતિની વાત પણ કરી દીધી છે. કવિને ઝાંખો પડેલો ચંદ્ર ગમતો નથી. કેમકે તેમાં શીતળતા અને સૌન્દર્ય ઓછું હોય છે. વળી, યૌવન વિનાની કામિની પણ ગમતી નથી. અહીં બહુ વિચારીને લક્ષણાપરક અર્થ લેવાનો છે. અહીં એક –બે બીજા અર્થ વિચારી શકાય. એક તો પિંગલાના પ્રકૃષ્ટપ્રેમી તરીકે કવિને યૌવનસભર યુવતીઓમાં જ રસ હોય એ સ્વાભાવિક છે. કેમકે રાજાઓ ભ્રમરવૃત્તિના અને ઉત્તમના અધિકારી હોય છે એટલે સહજ છે કે તેને યૌવનસભર યુવતીઓ ગમે. બીજી વાત એમ હશે કે જે યૌવનપૂર્ણ યુવતીઓ હશે તો જ તે પરિવાર અને રાષ્ટ્ર માટે ઉત્તમ સંતાનોને જન્મ આપી શકે. બાકી તો वयसि गते किं कामः એ ન્યાયે સંતતિનિર્વહણ ક્યાંથી થાય? માટે કવિને આવી ઉત્તમ,ઉમદા અને યુવા યુવતીઓ જ ગમે છે. ત્રીજી એક વાત એમ હશે કે ભારતીય સંસ્કૃતિ ‘રતિ એ જ રીતિ અને પ્રીતિ એ જ નીતિ’ થી અભિભૂત છે. માટે પણ કવિને બધી અવસ્થાઓમાં ઉત્તમ એવા યૌવંવાળી જ યુવતીઓ ગમે એ બહુ સહજ છે. માત્ર ભ્રમરવૃત્તિને ન જોતા કવિની દીર્ઘદૃષ્ટિને પણ જાણીએ તો અન્યભાવોને પણ માણી શકાય. રાજા પ્રકૃતિનો ચાહક હોય છે. માટે તેને કમળોથી હર્યું ભર્યું સરોવર ગમે છે. વળી, કોઇ સુન્દર આકૃતિ વાળી વ્યક્તિ જો નિરક્ષર-અભણ હોય તો પણ રાજાને ગમતું નથી. આ બાબત બહુ રાજા સૌ કોઇ ભણે અને જ્ઞાનવાન્ બને એવી ઇચ્છા ધરાવે છે. એટલે કે આજે નહીં તે વખતે પણ રાજાઓ પ્રજાને કેવળ વિત્તથી નહીં, વિદ્યાથી પણ સમૃદ્ધ થવાની હિમાયતવાળા હતા. આવા રાજાઓની દૂરોગામી અસર આપણે પ્રશાસનમાં મહારાજા સયાજીરાવનાં શિક્ષણલક્ષી કાર્યોમાં કે આજના નરેન્દ્રભાઇ મોદીના ‘સૌ ભણે સૌ આગળ વધે’ એવા શિક્ષાપ્રેરક કાર્યોમાં જોઇ શકીએ છીએ. અર્થાત્ આ કાર્ય આજે નહીં વર્ષોથી થતું આવ્યું છે અને થતું રહેશે વળી, થવું જોઇએ પણ ખરું.રાજા પોતાની અને વળી, ગુપ્તચરો રૂપી આંખો વાળો હોય છે. માટે સમાજના સજ્જનો અને દુર્જનોને ભલીભાતી જાણતો હોય છે. માટે તે કોઇ સજ્જન દુ:ખી ના થાય અને કોઇ ચૂગલીખોર દુર્જન રાજાની સભામાં ના પહોંચી જાય એવું પણ ઇચ્છે છે. કેમકે ચાડીખાવી(એટલે સંસ્કૃતમાં જેને पैशुन કહે છે)તે તો મહાપાપ છે. અને આમ પણ દુર્જનોનો આ આત્મસાત્ કરેલો આ આગવો સ્વભાવ હોય છે. માટે કવિ કહે છે કે, સજ્જ્ન કદાપિ દુ:ખી ના થાય અને દુર્જન નિંદા-ટીકા કે પૈશુનકર્મ માટે કદી રાજાની સભામાં ના આવે. આમ, ઉપર્યુક્ત સાત બાબતો રાજાએ બહુ દૂરંદેશિતા દાખવીને કહી છે. તેમાં તેનો સ્વાનુભાવ હોય એ સહજ છે, પણ સાથે સાથે સમાજકલ્યાનની ઉત્તમ અને સર્વસુખદાયી ભાવના તો સર્વદા પ્રણમ્ય બને એવી જ છે. આ શ્લોકમાં પૃથ્વી છન્દ છે.

57. न कश्चिच्चण्डकोपानामात्मीयो नाम भूभुजाम् ।
होतारमपि जुह्वानं स्पृष्टो दहति पावकः ।।


પોતાનાં નવ કોય હોયે અતિ ક્રોધી નરેશને,
દઝાડે હોમકર્તાને, સ્પર્શે પાવક ઝાળ જો.

અનુવાદ: જેમ અગ્નિ સ્પર્શ થવાથી હોમ કરનારને પણ દઝાડે છે,તેમ અતિ ક્રોધી રાજાઓ અપરાધ કરનાર સમ્બન્ધીઓને પણ છોડતા નથી.

શબ્દાર્થ: पावकः-અગ્નિ, स्पृष्टः – સ્પર્શ કરતાં, जुह्वानं होतारम् अपि – હોમ કરતા હોતાને પણ दहति- દઝાડે છે. चण्डकोपानाम् भूभुजाम्- અતિ ક્રોધી રાજાઓને न कश्चित् आत्मीयः नाम- કોઇ આત્મીય હોતો નથી. એટલે કે, આવા અતિ ક્રોધી રાજાઓ અપરાધ કરનાર સમ્બન્ધીઓને પણ છોડતા નથી.માટે આવા રાજાઓથી દૂર રહેવું વધારે સારું છે. આ શ્લોકમાં અનુષ્ટુપ છન્દ છે.

58. मौनान्मूकः प्रवचनपटुश्चाटुलो जल्पाको वा
धृष्टः पार्श्वे वसति च तदा दूरतश्चाप्रगल्भः ।
क्षान्त्या भीरुर्यदि न सहते प्रायशो नाभिजातः
सेवाधर्मः परमगहनो योगिनामप्यगम्यः ।।


મૌને મીંઢો, વચનચતુરાઇ થકી વાતઘેલો,
પાસે રે’ જો ધીટ જ શરમાળો રહે દૂર તે જો,
ક્ષાન્તિ ધાર્યે ભીરુ, સહન શક્તિ થકી નીચ લાગે,
સેવાધર્મો પરમ ગહનો યોગીને રે ! અગમ્યો.

અનુવાદ: ચાકરી(નોકરી) કરનાર જો મૌન ધરે તો તે મૂંગો ગણાય છે, જો બોલે તો વાચાળ કે ચાડિયો, જો સ્વામી પાસે રહે તો ધૃષ્ટ(નિર્લજ્જ) અને દૂર રહે તો અણઘણ(આવડત વિનાનો),જો ક્ષમા રાખે તો ડરપોક અને જો સહનશીલ ન બને તો મૂર્ખ કે નીચા કુળનો મનાય છે. માટે સેવાધર્મ(નોકરી) અત્યંત કઠિન છે. જેને યોગીઓ પણ જાણી શક્યા નથી.

શબ્દાર્થ: (यदि कर्मकरः स्वकीय कार्यक्षेत्रे) જો કર્મચારી- નોકરી કરનાર પોતાના નોકરીના સ્થાને मौनान् मूकः (मौनं धारयति तदा जनाः तस्मै मूकः कथयन्ति)- મૌન ધરે તો તે મૂંગો ગણે છે, प्रवचने (यदा) पटुः तदा चाटुलः जल्पाकः वा(कथयति)- જો બોલે તો વાચાળ કે ચાડિયો કહે છે. (यदि नृपस्य वा स्वामीनः) पार्श्वे वसति तदा धृष्टः दूरतः च अप्रगल्भः- જો સ્વામી પાસે રહે તો ધૃષ્ટ(નિર્લજ્જ) અને દૂર રહે તો અણઘણ(આવડત વિનાનો) (यदि) क्षान्त्या (जीवति तदा) भीरुः - જો ક્ષમા રાખે તો ડરપોક, यदि न सहते प्रायशः न अभिजातः (इति कथयति)- જો સહનશીલ ન બને તો મૂર્ખ કે નીચા કુળનો મનાય છે. (अन्ततोगत्वा) सेवाधर्मः- નોકરીનો કે કોઇપણ પ્રકારની સેવાનો ધર્મ, परमगहनः- અત્યંત મુશ્કેલ છે અથવા અત્યંત કઠિન છે. योगिनाम् अपि अगम्यः – જે યોગીઓથી પણ ન જાણી શકાય એવો છે. આ શ્લોકમાં મન્દાક્રાંતા છન્દ છે. જો ભર્તૃહરિ દસમી કે અગિયારમી સદીમાં સેવાધર્મ કે નોકરી કરવા વિશે આવું કહેતા હોય તો આજે તો નોકરી અનિકઘણી કઠિન હોય એ બાબત સ્વયંસ્પષ્ટ છે.

59. उद्भासिताखिलखलस्य विश्रृङ्खलस्य
प्राग्जातविस्तृतनिजाधमकर्मवृत्तेः ।
दैवादवाप्तविभवस्य गुणद्विषोस्य
नीचस्य गोचरगतैः सुखमास्यते कैः ।।


સ્વચ્છન્દી ને ખલ તણો પરમ પ્રકાશી,
પૂર્વે કરેલ અધમ પ્રવૃત્તિ વિસારે,
ભાગ્યે લખેલ વિભવે ગુણદ્વેષી એવા,
નીચોની દૃષ્ટિપદમાં સુખ કોણ પામે?

અનુવાદ: જેણે બધી જ દુષ્ટતાને ઉઘાડી કરી છે, જે મર્યાદા વગરનો છે, જે પૂર્વજન્મમાં કરેલાં પોતાના નીચ કાર્યોમાં જ વર્તે છે, જેને સદ્ભાગ્યે વૈભવ મળેલો છે અને જે (સૌના)ગુણોનો (સદા) વિરોધ કરે છે, તેવા નીચપુરુષની નજરે પડેલા કયા પુરુષોને સુખ પ્રાપ્ત થાય છે? (કદાપિ થતું નથી.)

શબ્દાર્થ:येन अखिल-खलस्य विश्रृङ्खलस्य उद्भासित- જેણે બધી જ દુષ્ટતાને ઉઘાડી કરી છે. प्राग्जात-विस्तृत-निज -अधमकर्मवृत्तेः- જે પૂર્વજન્મમાં કરેલાં પોતાના નીચ કાર્યોમાં જ વર્તે છે. दैवात् अवाप्त- विभवस्य- જેને સદ્ભાગ્યે વૈભવ મળેલો છે. गुणद्विषः- જે (સૌના)ગુણોનો (સદા) વિરોધ કરે છે. अस्य नीचस्य गोचरगतैः कैः सुखम् आस्यते- તેવા નીચપુરુષની નજરે પડેલા કયા પુરુષોને સુખ પ્રાપ્ત થાય છે? એટલે કે કદાપિ સુખ પ્રાપ્ત થતું નથી. આ શ્લોકમાં વસન્તતિલકા છન્દ છે.

60. आरम्भगुर्वी क्षयिणी क्रमेण लघ्वी पुरा वृद्धिमती च पश्चात् ।
दिनस्य पूर्वार्धपरार्धभिन्ना छायेव मैत्री खलसज्जनानाम् ।।


પ્રારંભ મોટી ક્ષય થાય ધીમે, ટૂંકી પહેલી વધતી પછી તો,
દૈનિક પૂર્વાર્ધ પરાર્ધ જુદી, છાયા સમી મૈત્રી ખલો ભલાની.

અનુવાદ: દિવસના પૂર્વાર્ધની જેમ ખલ પુરુષની મૈત્રી આરંભે મોટી અને પછી ક્રમે ક્રમે ઓછી થનારી હોય છે. (જ્યારે) દિવસના ઉત્તરાર્ધની છાયાની જેમ સજ્જન પુરુષની મૈત્રી ક્રમે ક્રમે વૃદ્ધિ પામનારી હોય છે.

શબ્દાર્થ: आरम्भगुर्वी क्रमेण क्षयिणी, च पुरा लघ्वी पश्चात् वृद्धिमती- આરંભે મોટી અને પછી ક્રમે ક્રમે ઓછી થનારી હોય છે. दिनस्य पूर्वार्ध-परार्धभिन्ना छाया इव मैत्री खल-सज्जनानाम्- દિવસના ઉત્તરાર્ધની છાયાની જેમ સજ્જન પુરુષની મૈત્રી ક્રમે ક્રમે વૃદ્ધિ પામનારી હોય છે. કવિની મનુષ્ય અને તેના પડછાયાની અવલોકન શક્તિ અને તેમાંથી કાઢેલો જીવનનો નીચોડ ખરેખર પ્રશંસનીય છે. જેમ સવારે સૂર્યોદય સમયે મનુષ્યનો પડછાયો ઘણો લાંબો હોય છે. પણ જેમ જેમ બપોર થાય તેમ તેમ તે ટૂંકો થતો જાય અને છેવટે તો દેખાતો બન્ધ પણ થઇ જાય છે. જ્યારે દિવસના ઉત્તરાર્ધ ભાગમાં મનુષ્યનો પડછાયો જેમ દિવસ આથમતો જાય તેમ લાંબો થતો જાય છે. દુર્જનો સવારની છાયા જેવા હોય છે. તકલીફ પડે કે તરત અદૃશ્ય થવા માંડે. જ્યારે સજ્જનો દીર્ઘ થતી છાયાની જેમ છેક સુધી સાથ નીભાવે છે. આ શ્લોકમાં ઉપજાતિ છન્દ છે.

61. मृगमीनसज्जनानां तृणजलसंतोषविहितवृत्तीनाम् ।
लुब्धकधीवरपिशुना निष्कारणवैरिणो जगति ।।


મૃગ, મીન, સજ્જનોના, તૃણ –જળ- સંતોષ વૃત્તિ જેઓની,
પારધી, માછી, જનો નીચ નિષ્કારણ વૈરી છે જગમાં.

અનુવાદ: જગતમાં હરણ, માછલી અને સજ્જનો ક્રમશ: ઘાસ,પાણી અને સંતોષથી નિર્વાહ કરનારા હોય છે. પરંતુ તેમના અનુક્રમે શિકારી,માછીમાર અને દુર્જનો અકારણ વૈરી(દુશ્મન) બનેલા છે.

શબ્દાર્થ: जगति- જગતમાં, मृग-मीन-सज्जन- હરણ, માછલી અને સજ્જન, तृण-जल-संतोष- ઘાસ,પાણી અને સંતોષ विहितवृत्तीनाम्- નિર્વાહ ચલાવનારાં, लुब्धक- શિકારી, धीवर- માછીમાર, पिशुन- દુર્જન, निष्कारण- वैरिण:- અકારણ વૈરી(દુશ્મન) બનેલા છે. અહીં કવિએ પૃથ્વીના ત્રણ મોટા આયામોનાં ત્રણ ભિન્ન ભિન્ન સત્ત્વોનાં ઉદાહરણ આપીને સજ્જન-દુર્જનનોની વૃત્તિઓનો ભેદ બતાવ્યો છે. એક તરફ સમાજમાં રહેતો દુર્જન મનુષ્ય છે. જે સદાયે અકારણ સજ્જનોનો શત્રુ બનીને વર્તે છે. બીજી તરફ જળમાં રહેતી માછલીનો પણ પેલો દુર્જન જ શત્રુ બન્યો છે. અરે ! જંગલમાં રહેતા હરણનો શત્રુ પણ પેલો દુર્જન વ્યક્તિ જ છે. આમ, જળ, જંગલ કે જીવન કોઇપણ સ્થાને દુર્જનજ સૌને નડતરરૂપ બને છે. આ શ્લોકમાં આર્યા છન્દ છે.

62. वाञ्च्छा सज्जनसङ्गमे परगुणे प्रीतिर्गुरौ नम्रता
विद्यायां व्यसनं स्वयोषिति रतिर्लोकापवादाद्भयम् ।
भक्तिः शूलिनि शक्तिरात्मदमने संसर्गमुक्तिः खले
ष्वेते येषु वसन्ति निर्मलगुणास्तेभ्यो नरेभ्यो नमः ।।


વાંચ્છે સજ્જનસંગને, પરગુણે પ્રીતિ, ગુરુને પૂજે,
વિદ્યાનું વ્યસન સ્વપત્નીની રતિ, લોકાપવાદે ભયો,
ભક્તિ શંકરમાં, નિરોધ મનનો, ટાળે ખલે સોબત,
જ્યાં જ્યાં એ વસતા ગુણો નિરમળા તે સંતને રે નમો.

અનુવાદ: સજ્જનોના સમાગમમાં ઇચ્છા, અન્યના ગુણમાં પ્રીતિ, ગુરુ પ્રત્યે વિનમ્રતા,વિદ્યામાં વ્યસન,પોતાની પત્નીમાં (જ) આનન્દ, લોકમાં નિંદાનો ભય, શિવજીમાં (અપાર) ભક્તિ, મનોનિગ્રહમાં શક્તિ અને દુર્જનોના સહવાસનો ત્યાગ, આટલા નિર્મલ ગુણો જેમનામાં વસે છે, તે મનુષ્યોને નમસ્કાર છે.

શબ્દાર્થ: वाञ्च्छा सज्जनसङ्गमे- સજ્જનોના સમાગમમાં ઇચ્છા, परगुणे प्रीतिः- અન્યના ગુણમાં પ્રીતિ, गुरौ नम्रता- ગુરુ પ્રત્યે વિનમ્રતા, विद्यायां व्यसनं - વિદ્યામાં વ્યસન, स्वयोषिति रतिः- પોતાની પત્નીમાં (જ) આનન્દ, लोकापवादात् भयम्- લોકમાં નિંદાનો ભય, भक्तिः शूलिनि- શિવજીમાં (અપાર) ભક્તિ, शक्तिः आत्मदमने- મનોનિગ્રહમાં શક્તિ, संसर्गमुक्तिः खलेषुः- દુર્જનોના સહવાસનો ત્યાગ, येषु निर्मलगुणाः वसन्ति तेभ्यः नरेभ्यः नमः- આટલા નિર્મલ ગુણો જેમનામાં વસે છે, તે મનુષ્યોને નમસ્કાર છે. આ એક જ શ્લોકમાં માનવના અનેક ગુણોનો સમન્વય કવિએ પ્રસ્તુત કર્યો છે. સજ્જનસંગ, ગુરુવંદના, વિદ્યાપ્રીતિ, બ્રહ્મચર્ય, લોકનિંદાથી મુક્તિ, ઇશ્વરભક્તિ અને મનોનિગ્રહ ઇત્યાદિ અનેક ગુણગણનું સેવન એટલે જ ઉમદા માનવજીવન એમ કહેવાનો કવિનો આશય છે. આ એક શ્લોકના પ્રત્યેક શબ્દખંડો એક એક રત્નકણિકા સમાન છે. આ શ્લોકમાં શાર્દૂલવિક્રીડિત છન્દ છે.

63. विपदि धैर्यमथाभ्युदये क्षमा सदसि वाक्पटुता युधि विक्रम: ।
यशसि चाभिरतिर्व्यसनं श्रुतौ प्रकृतिसिद्धमिदं हि महात्ममनाम् ॥


વિપદમાં ધીરજ, ઉદયે ક્ષમા, સંસદવાક્પટુતા, રણ વિક્રમો,
યશ મહીં રુચિ, સંગત વેદની, પ્રકૃતિસિદ્ધ રહે જ મહાત્મને.

અનુવાદ: વિપત્તિમાં ધૈર્ય, અભ્યુદય(ચડતી કળા)માં ક્ષમા,સભામાં વાણીનું ચાતુર્ય, યુદ્ધમાં પરાક્રમ,યશમાં પ્રીતિ અને વેદાદિ સાંભળવામાં વ્યસન, આટલા ગુણો મહાત્માઓમાં સ્વાભાવિક રીતે રહેલા હોય છે.

શબ્દાર્થ: विपदि धैर्यम्- વિપત્તિમાં ધૈર્ય, अथ अभ्युदये क्षमा- અરે! અભ્યુદય(ચડતી કળા)માં ક્ષમા, सदसि वाक्पटुता- સભામાં વાણીનું ચાતુર્ય, युधि विक्रम:- યુદ્ધમાં પરાક્રમ, यशसि च अभिरतिः व्यसनं श्रुतौ- યશમાં પ્રીતિ અને વેદાદિ સાંભળવામાં વ્યસન, યશમાં પ્રીતિ એટલે યશ મળે એવાં જ કાર્યો કરવાં, નહીં કે અપયશથી લોકનિંદા પામવી. प्रकृतिसिद्धम् इदं हि महात्ममनाम्- આટલા ગુણો મહાત્માઓમાં સ્વાભાવિક રીતે રહેલા હોય છે. આ શ્લોકમાં દ્રુતવિલંબિત છન્દ છે.

64. प्रदानं प्रच्छन्नं गृहमुपगते सम्भ्रमविधिः
प्रियं कृत्वा मौनं सदसि कथनं नाप्युकृतेः ।
अनुत्सेको लक्ष्म्यां निरभिभवसाराः परकथाः
सतां केनोद्दिष्टं विषममसिधाराव्रतमिदम् ।।


કરો દાનો છાનાં અતિથિ મળતાં આદર કરો,
ભલાં કાર્યો મૌને, મદદ પરની સૌ જગ કહો,
ફૂલાવું ના પૈસે ન રટ ભરી નિંદા પર કથા,
જગે કોણે ચીધ્યું વિષમ અસિધારાવ્રત જ આ.

અનુવાદ: ગુપ્તરીતે દાન આપવું, ઘરે આવેલાની સરભરા કરવી, (કોઇનું પણ) હિત કરીને મૌન રહેવું, પોતે કરેલા ઉપકારને પ્રગટ કરવો નહીં, સમૃદ્ધિમાં ગર્વ ન કરવો અને અન્યની વાતો કરવામાં નિરપેક્ષ રહેવું આમ, તિક્ષ્ણ એવી તલવારની ધાર જેવું કઠિન વ્રત સત્પુરુષોને કોણે કહ્યું હશે? (અર્થાત્ એ તો સજ્જનોને સહજ સિદ્ધ હોય છે.)

શબ્દાર્થ: प्रदानं प्रच्छन्नम्- ગુપ્તરીતે દાન આપવું, गृहम् उपगते सम्भ्रमविधिः- ઘરે આવેલાની સરભરા કરવી, सम्भ्रमविधिः -સારી રીતે અને યથાશક્તિ સરભરા કે સ્વાગત કરવું, એમ કહેવાનો કવિનો આશય છે. સુદામાએ મુઠ્ઠી તાંદુલથી કૃષ્ણની સરભરા કરી હતી, જે યથાશક્તિ ભક્તિ હતી, છતાં કૃષ્ણએ તેને સ્નેહે સ્વીકારી હતી. વિદુરે ઘરે આવેલા કૃષ્ણને તાંદળજાની ભાજી આપી હતી. પ્રભુએ પ્રેમથી આરોગી હતી. એમ ઘરે આવેલાની પોતાની શક્તિ મુજબની સરભરા કરવી એ સજ્જનોની આગવી નેમ છે. प्रियं कृत्वा मौनम्- કોઇનું પણ હિત કરીને મૌન રહેવું, सदसि कथनं न अपि उपकृतेः- પોતે કરેલા ઉપકારને પ્રગટ કરવો નહીં, अनुत्सेकः लक्ष्म्याम्- સમૃદ્ધિમાં ગર્વ ન કરવો, निर् अभिभवसाराः परकथाः- અન્યની વાતો કરવામાં નિરપેક્ષ રહેવું, इदम् विषमम् असिधाराव्रतम् सतां केन उद्दिष्टम् - તિક્ષ્ણ એવી તલવારની ધાર જેવું કઠિન વ્રત સત્પુરુષોને કોણે કહ્યું હશે? અર્થાત્ એ તો સજ્જનોને તો આવાં કાર્યો સહજ સિદ્ધ હોય છે. તેઓ જીવનભર કઠોરમાર્ગે ચાલીને પણ જનસેવાપરાયણ જ રહે છે. આ શ્લોકમાં શિખરિણી છન્દ છે.

65. करे श्लाघ्यस्त्यागः शिरसि गुरुपादप्रयिता
मुखे सत्या वाणी विजयिभुजयोर्वीर्यमतुलम् ।
हृदि स्वस्था वृत्तिः श्रुतमधिगतं च श्रवणयो-
र्विनाप्यैश्वर्येण प्रकृतिमहतां मण्डनमिदम् ।।


કરે શ્લાઘ્ય ત્યાગો નમન ગુરુ પાયે પ્રીત થકી,
મુખે સાચી વાણી સફળ ભુજમાં શૌર્ય અતુલું,
ધર્યાં કાને શાસ્ત્રો હૃદય સમતવૃતિ વસતી,
વિના ઐશ્વર્યોયે પ્રકૃતિમહતોના ભૂષણ આ.

અનુવાદ: સદ્પાત્રને દાન આપવું એ હાથનું ઘરેણું છે. ગુરુને નમવું એ મસ્તકનું ઘરેણું છે, સત્ય (જ) બોલવું એ વાણીનું ઘરેણું છે, વિજયપ્રાપ્તિ અપાવે એવું પરાક્રમ ભુજઓનું ઘરેણું છે, ઉમદા વ્યવહાર એ હ્રદયનું ઘરેણું છે અને ઉત્તમ વિચારો સાંભળવા એ કાનનું ઘરેણું છે. કોઇપણ જાતના ઐશ્વર્ય વિના પ્રકૃતિથી મળેલાં આ મહાપુરુષોનાં ઘરેણાં છે.

શબ્દાર્થ: करे श्लाघ्यस्त्यागः- સદ્પાત્રને દાન આપવું એ હાથનું ઘરેણું છે. હાથ માટે પ્રશંસનીય શું ? તો કવિ કહે છે કે સદ્પાત્રને દાન કરવું તે. અહીં સદ્પાત્ર શબ્દ સહેતુક છે. કેમ કે કુપાત્રને આપેલું દાન કાંણા ઘટમાં ભરેલા પાણી જેવી નિરર્થક સ્થિતિને પામે છે. शिरसि गुरुपादप्रयिता- ગુરુને નમવું એ મસ્તકનું ઘરેણું છે. मुखे सत्या वाणी- સત્ય (જ) બોલવું એ વાણીનું ઘરેણું છે. विजयिभुजयोः वीर्यम् अतुलम्- વિજયપ્રાપ્તિ અપાવે એવું પરાક્રમ ભુજઓનું ઘરેણું છે. हृदि स्वस्था वृत्तिः- ઉમદા વ્યવહાર એ હ્રદયનું ઘરેણું છે. श्रुतम् अधिगतं च श्रवणयोः- ઉત્તમ વિચારો સાંભળવા એ કાનનું ઘરેણું છે. विना अपि ऐश्वर्येण प्रकृतिमहतां मण्डनम् इदम्- કોઇપણ જાતના ઐશ્વર્ય વિના પ્રકૃતિથી મળેલાં આ મહાપુરુષોનાં ઘરેણાં છે. મંડન એટલે ઘરેણું, विना अपि ऐश्वर्येण- કોઇપણ જાતના પ્રયત્ન કર્યા વિના સહજ રીતે પ્રાપ્ત થયેલા ગુણને વિના ઐશ્વર્યે મળેલ ઘરેણું કહે છે. આ શ્લોકમાં શિખરિણી છન્દ છે.

66. सम्पत्सु महतां चित्तं भवत्युपलकोमलम् ।
आपत्सु च महाशैलशिलासंघातकर्कशम् ।।


સમ્પદામાં વડાં ચિત્તો, થાયે કમળ કુમળાં,
આપદામાં બને કાઠાં શૈલે શિલા સમૂહ શાં.

અનુવાદ: સમ્પત્તિ(કાળ)માં મહાપુરુષોનું મન કમળ જેવું કોમળ હોય છે. અને આપત્તિ(કાળ)માં તેમનું મન મોટા પર્વતની શિલાના સમૂહ જેવું કઠિન (બનતું) હોય છે.

શબ્દાર્થ: सम्पत्सु- સમ્પત્તિઓમાં, સમૃદ્ધિના સમયે, महतां चित्तं – મોટા લોકોનું મન, उत्पल-कोमलम् भवति - કમળ જેવું કોમળ હોય છે. च आपत्सु महाशैल-शिला-संघात-कर्कशम्- અને આપત્તિ(કાળ)માં તેમનું મન મોટા પર્વતની શિલાઓના સમૂહ જેવું કઠિન (બનતું) હોય છે. કવિ સજ્જનને અટલ અને અડગ વ્યક્તિત્વવાળો કહે છે. ‘સુખમાં છકી ના જવું અને દુ:ખમાં ન હિંમત હારવી’ એ ન્યાયે મહાન્ માણસો બધી અવસ્થામાં પર્વતની જેમ અટલ અને અડગ રહે છે. દીવાની વાટની જેમ તે ક્ષણવારમાં અસ્ત પામતા નથી. આ તેમના વ્યક્તિત્વનું આગવું લક્ષણ છે. માટે જ તેમને આદર્શ માની એવા બનવાનો યત્ન કરવા કવિ હિમાયત કરે છે. આ શ્લોકમાં અનુષ્ટુપ છન્દ છે.

67. संतप्तायसि संस्थितस्य पयसो नामापि न ज्ञायसे
मुक्ताकारतया तदेव नलिनीपत्रस्थितं राजते ।
स्वात्यां सागरसुक्ति मध्यपतितं तन्मौक्तिकं जायते
प्रायेणाधममध्यमोत्तमगुणः संसर्गतो जायते ।।


લોઢું જો અગને તપે જળ તણું ના નામ કાને પડે,
દીપે પંકજ પાંદડે જળ ઠરી મોતી સમું ભાસતું,
પાણી સાગર છીપની કુખમહીં સ્વાતિ સમે મોતી છે,
સાચે શ્રેષ્ઠ વચેટ ને હલકટે જે મળે તેવાં ફળો.

અનુવાદ: તપેલા લોખંડ ઉપર પડેલા પાણી(ના ટીપા)નું નામો નિશાન રહેતું નથી. એ જ જળબિન્દુ(પાણી) જો કમળપત્ર ઉપર પડ્યું હોય તો મોતીના દાણાની જેમ શોભે છે. (વળી, એ જ જલબિન્દુ) જો સ્વાતિ નક્ષત્રમાં સમુદ્રછીપમાં પડ્યું હોય તો મોતી બની જાય છે. મોટેભાગે (મનુષ્યની) અધમ, મધ્યમ અને ઉત્તમ સ્થિતિ સોબતથી જ થાય છે.

શબ્દાર્થ: માનવની ઉત્તમ,મધ્યમ અને અધમ સ્થિતિ કેવી રીતે થાય છે. તેના માટે કવિ એક જળબિન્દુનું ઉદાહરણ આપે છે. संतप्त अयसि संस्थितस्य- તપેલા લોખંડ ઉપર પડેલા, पयसः(जलबिन्दोः) नामापि न ज्ञायसे- પાણી(ના ટીપા)નું નામો નિશાન રહેતું નથી. तदेव जलबिन्दुः नलिनीपत्रस्थितं मुक्ताकारतया राजते- એ જ જળબિન્દુ(પાણી) જો કમળપત્ર ઉપર પડ્યું હોય તો મોતીના દાણાની જેમ શોભે છે. अपि च तत् एव बिन्दुः स्वात्यां सागरसुक्ति मध्यपतितं मौक्तिकं जायते- વળી, એ જ જલબિન્દુ જો સ્વાતિ નક્ષત્રમાં સમુદ્રછીપમાં પડ્યું હોય તો મોતી બની જાય છે. प्रायेण-મોટેભાગે, अधम-मध्यम-उत्तमगुणः संसर्गतः जायते- અધમ, મધ્યમ અને ઉત્તમ સ્થિતિ સોબતથી જ થાય છે. અહીં અન્ય એક ઉદાહરણ ઉપકારક બનશે. જેમકે રસ્તે પડેલો એક દોરાનો ટૂકડો કોઇ માળીને મળી જાય તો તે પુષ્પમાં ગુંથાઇને દેવશીરે ચડે છે. પણ જો એ જ દોરો કોઇ મોચીના હાથમાં આવી જાય તો કોઇના પગરખામાં સિવાઇને કાયમ માટે ધૂળ ખાય છે. અહીં પણ દોરાની સોબત જ મહત્ત્વની છે. માટે મનુષ્યે ઉત્તમની સોબત કરવી જોઇએ, એમ કવિ સદૃષ્ટાંત સમજાવે છે. સમાજને બહુ સૂક્ષ્મરીતે જોવાનું આ કવિકર્મ ન કેવળ ઉત્કૃષ્ટ પણ સર્વદા ઉપકારક પણ છે. આ શાર્દૂલવિક્રીડિત છન્દ છે.

68. यः प्रीणयेत्सुचरितैःपितरं स पुत्रो यद्भर्तुरेव हितमिच्छति तत्कलत्रम् ।
तन्मित्रमापदि सुखे च तत्क्रियं यदेत्त्रयं जगति पुण्यकृतो लभन्ते ।।


તે પુત્ર જે જનકને ખુશી દે ચરિત્રે, જે સ્વામિનું હિત ચહે બહુ તે જ ભાર્યા,
એ છે સખા સુખદુ:ખે સમ સાથ આપે, પુણ્યો કર્યે જગતનાં ત્રણ આ મળે છે.

અનુવાદ: જે સારા ચરિત્રથી પિતાને ખુશ કરે એ જ સાચો પુત્ર, સદૈવ પતિનું જ હિત ઇચ્છે ત સાચી પત્ની અને એ જ સાચો મિત્ર જે સુખ કે દુ:ખમાં સમાનપણે રહે. આમ, જગતમાં પુણ્ય કર્યાં હોય તેને જ આ ત્રણ જણાઓ પ્રાપ્ત થાય છે.

શબ્દાર્થ: यः सुचरितैः पितरं प्रीणयेत् स पुत्रः- જે સારા ચરિત્રથી પિતાને ખુશ કરે એ જ સાચો પુત્ર, यत् भर्तुः एव हितम् इच्छति तत् कलत्रम्- સદૈવ પતિનું જ હિત ઇચ્છે ત સાચી પત્ની, तत् मित्रम् आपदि सुखे च तत् क्रियं (समानं भवति)- એ જ સાચો મિત્ર જે સુખ કે દુ:ખમાં સમાનપણે રહે. यत् एतत् त्रयं जगति पुण्यकृतः(जनाः एव) लभन्ते- જગતમાં પુણ્ય કર્યાં હોય તેને જ આ ત્રણ જણાઓ પ્રાપ્ત થાય છે. અહીં કવિ પુણ્યક્ર્મને યાદ કરીને ઉત્તમ પારિવારિક પાત્રોની પ્રાપ્તિની વાત કરે છે. જો મનુષ્ય પુણ્યકર્મ વાળો હોય તો જ તેને સુપુત્રની પ્રાપ્તિ થાય, વળી એવી જ રીતે ગુણિયલ પત્ની મળવી એ પણ ગત જન્મના પુણ્યકર્મની જ વાત છે. અન્યથા રોજનો ઘરકંકાશ કરનારી કુલટા નારી પુરુષના જીવનને વિહ્વળ અને વમળયુક્ત બનાવે છે. એવી જ રીતે પરભવના પુણ્યોદયને લીધે જ સુદામાને કે અર્જુનને જેમ કૃષ્ણ જેવા પરમમિત્ર મળેલા તેવા સુખદુ:ખમાં સાથી બનનારા મિત્ર મળે છે. આમ, જો જગતમાં પુણ્ય કર્યાં હોય તેને જ આ ત્રણ જણાઓ પ્રાપ્ત થાય છે. બાકી તો લોકો એમ જ જીવે છે ને એમ જ મરણને શરણ થાય છે. આ શ્લોકમાં વસન્તતિલકા છન્દ છે.

69. नम्रत्वं नोन्नमन्तः परगुणकथनैः स्वान्गुणान्ख्यापयन्तः
स्वार्थान्सम्पादयन्तो विततपृथुतरारम्भयत्नाः परार्थे ।
क्षान्त्यैवाડડक्षेपरूक्षाक्षरमुखरमुखान् दुर्मुखान्दूषयन्तः
सन्तः साश्चर्यचर्या जगति बहुमताः कस्य नाभ्यर्चनीयाः ।।


નમ્રત્વે ઉન્નતિ લે, પરગુણ કથને નિજ ગુણો પ્રસારે,
સ્વાર્થો સંભાળતા ને વિતરણ કરતા પારકા હેતુ માટે,
આક્ષેપ રૂક્ષવાણી સતત જ વદતા દુષ્ટને ક્ષાન્તિ દાખે,
સન્તો આશ્ચર્યકારી જનપ્રિય જગમાં પોજ્ય હોયે ન કોને?

અનુવાદ: સત્પુરુષો નમ્રતાથી ઉન્નતિ સાધનારા છે. બીજાના ગુણોને કહીને પોતાના ગુણો કહેનારા છે. બીજાઓ માટે વ્યાપક અને મોટી પ્રવૃત્તિ હાથ ધરીને પ્રયત્નશીલ રહી સ્વપ્રયોજન સિદ્ધ કરે છે.નિન્દાના કઠોર મુખવાળા શબ્દોથી વાચાળ બનેલા દુષ્ટોને ક્ષમાથી જ કલંકિત કરે છે. આમ, આશ્ચર્યકારક આચરણવાળા અને જગતમાં બહુમાન પામેલા સજ્જનો કોને માટે પૂજનીય નથી? (અર્થાત્ – સૌ કોઇ માટે સદા પૂજનીય જ છે.)
આ શ્લોકમાં સ્રગ્ધરા છન્દ છે.

70. भवन्ति नम्रास्तरवः फलोद्गमैर्नवाम्बुभिर्भूरिविलम्बिनो घनाः ।
अनुद्धताः सत्पुरुषाः समृद्धिभिः स्वभाव एवैष परोपकारिणाम् ।।


નમે નીચાં ઝાડ ફળો જ બાઝતાં, નવાં જળે મેઘ સુદૂર ઝૂકતા,
વિનીત સૌ સત્પુરુષો સમૃદ્ધિમાં, સ્વભાવ આવો જ પરોપકારીનો.

અનુવાદ: ફળ આવવાથી વૃક્ષો નમી જાય છે, નવા જલથી (ભરેલું) વાદળ નીચે ઝળુંબે છે, સમૃદ્ધિમાં પણ સત્પુરુષો વિનમ્ર બને છે. ખરેખર પરોપકારીઓનો એ (સહજ) સ્વભાવ હોય છે.

શબ્દાર્થ: तरवः फलोद्गमैः नम्राः भवन्ति- ફળ આવવાથી વૃક્ષો નમી જાય છે. नव अम्बुभिः घनाः भूरिविलम्बिनः- નવા જલથી (ભરેલું) વાદળ નીચે ઝળુંબે છે. सत्पुरुषाः समृद्धिभिः अनुद्धताः (भवन्ति)- સમૃદ્ધિમાં પણ સત્પુરુષો વિનમ્ર બને છે. परोपकारिणाम् एव एषः स्वभावः- ખરેખર પરોપકારીઓનો એ (સહજ) સ્વભાવ હોય છે. કવિ કહે છે કે, માનવે વિનમ્રતાનો ગુણ પ્રકૃતિ પાસેથી શીખવો જોઇએ. જેમ ફળો આવતા વૃક્ષ ઝૂકી જાય છે. તેમ મનુષ્યે વિદ્યાપ્રાપ્તિ, ધનપ્રાપ્તિ, પ્રતિષ્ઠાપ્રાપ્તિ કે પદપ્રાપ્તિ અથવા તો કોઇપણ અન્ય ઉપલબ્ધિથી છકી જવાને બદલે વિનમ્રતા ધારણ કરવી જોઇએ. આમ, પણ કહેવાય છે કે, ‘જે નમે તે સૌને ગમે’ આ ન્યાયે મનુષ્યે પણ વિનમ્ર બનવું જોઇએ. વિનમ્રતાના ગુણને કારણે આપણી જિહ્વા મુખમાં અનેક રસોનો સ્વાદ માણે છે. જ્યારે અક્કડ એવા દાંત બે બે વાર આવે છે છતાં વહેલા પડી જાય છે. આટલાથી પણ મનુષ્યે સર્વત્ર વિનમ્રતા જ દાખવવી જોઇએ. પ્રકૃતિના સૂક્ષ્મ અવલોકનો અને તેમાંથી માનવે લેવાની શીખ કવિ સહજ શૈલીથી આપણને શીખવે છે. માટે જ કવિને ક્રાન્તદૃષ્ટા કહ્યા છે. આ શ્લોકમાં વંશસ્થ છન્દ છે.

71. श्रोत्रं श्रुतेनैव न कुण्डलेन दानेन पाणिर्न तु कङ्कणेन ।
विभाति कायः करुणापराणां परोपकारैर्न तु चन्दनेन ।।


જ્ઞાને રુડા કાન ન કુંડળોથી, દાને રુડા હાથા કંકણોથી,
કાયા રુડી છે કરુણાભર્યાની, પરોપકારે નવ ચંદને કૈં.

અનુવાદ: શાસ્ત્રના શ્રવણથી કાન શોભે છે, નહિ કે કુંડળ(પહેરવા)થી, દાન કરવાથી હાથ શોભે છે, નહીં કે કંકણ(પહેરવા)થી, દયાળુ મનુષ્યોનું શરીર પરોપકારથી શોભે છે,નહીં કે ચન્દન(ના લેપ કરવા)થી.

શબ્દાર્થ: श्रोत्रं श्रुतेन एव न कुण्डलेन- શાસ્ત્રના શ્રવણથી કાન શોભે છે, નહિ કે કુંડળ(પહેરવા)થી, दानेन पाणिः न तु कङ्कणेन- દાન કરવાથી હાથ શોભે છે, નહીં કે કંકણથી, करुणापराणां कायः परोपकारैः विभाति न तु चन्दनेन- દયાળુ મનુષ્યોનું શરીર પરોપકારથી શોભે છે, નહીં કે ચન્દનના લેપ કરવાથી. કવિ બાહ્ય આડંબરોને બદલે આંતરિક શુદ્ધિની વાતને મહત્ત્વની ગણાવે છે. આમ પણ ગુણ અને દોષ તો આત્માના ભાવો છે. માટે કવિ બહુશ્રુત થવાની, યથાશક્તિ દાન કરવાની અને પરોપકારી બનવાની હિમાયત કરે છે. આ શ્લોકમાં ઉપજાતિ છન્દ છે.

72. पापान्निवारयति योजयते हिताय गुह्यं च गुह्यति गुणान्प्रकटीकरोति ।
आपद्गतं च न जहाति ददाति काले सन्मित्रलक्षणमिदं प्रवदन्ति सन्तः ।।


પાપો નિવારણ કરી હિત સાથે જોડે,છાનું છુપાવી ગુણ સર્વ બહાર લાવે,
છોડે ન આફત વિષે મદદો કરે છે, સન્મિત્ર લક્ષણ જગે વદત જ સન્તો.

અનુવાદ: (સાચો મિત્ર) પાપ(કરવા)માંથી અટકાવે છે, હિતકાર્યમાં જોડે છે, ન કહેવા જેવી વાતોને છૂપાવે છે, ગુણોને જાહેર કરે છે, અરે ! મુશ્કેલીમાં છોડીને ચાલ્યો જતો નથી, સમય આવે (જરૂરી વસ્તુઓ) આપે છે, આ બધાં સાચા મિત્રનાં લક્ષણો સજ્જનોએ કહ્યાં છે.

શબ્દાર્થ: पापात् निवारयति- (સાચો મિત્ર) પાપ(કરવા)માંથી અટકાવે છે, योजयते हिताय- હિતકાર્યમાં જોડે છે, गुह्यं च गुह्यति- અન્ય લોકોને ન કહેવા જેવી મિત્રની વાતોને છૂપાવે છે, गुणान् प्रकटीकरोति- ગુણોને જાહેર કરે છે, आपद्गतं न जहाति- અરે ! મુશ્કેલીમાં છોડીને ચાલ્યો જતો નથી, ददाति काले- સમય આવે ધનાદિ જરૂરી બધી જ વસ્તુઓ આપે છે, सन्मित्र-लक्षणम् इदम् प्रवदन्ति सन्तः- આ બધાં સાચા મિત્રનાં લક્ષણો સજ્જનોએ કહ્યાં છે. આજકાલના શેરીમિત્રો અને રસ્તે મળતા તાળીમિત્રો કરતાં ઉપર્યુક્ત પ્રકારનો એકાદ સાચો મિત્ર પેલા એકસો તાળીમિત્રો કરતાં પણ વધારે ઉપકારક છે. આ શ્લોકમાં વસન્તતિલકા છન્દ છે.

73. पद्माकरं दिनकरो विकचीकरोति चन्द्रो विकासयति कैरवचक्रवालम् ।
नाभ्यर्थितो जलधरोડपि जलं ददाति सन्तः स्वयं परहितेषु कृताभियोगाः ।।


વિકાસ સૂર્ય કરતો કમળો બધાંનો, ને ચન્દ્ર તો કુમુદમંડળનો વિકાસ,
માગ્યા વિના પણ પયોધર વારિ આપે, સન્તો સ્વયં પર હિતે કરતા કાર્યો.

અનુવાદ: સૂર્ય કમળોના સમૂહને વિકસાવે છે. ચન્દ્ર પોયણીઓના સમૂહને વિકસાવે છે. ન માગવા છતાં મેઘ(વાદળ) પાણી આપે છે. સજ્જનો સ્વયં પારકાના હિતમાં પરોવાયેલા(રોકાયેલા) હોય છે.

શબ્દાર્થ: दिनकरः पद्माकरं विकचीकरोति- સૂર્ય કમળોના સમૂહને વિકસાવે છે. चन्द्रः कैरवचक्रवालम् विकासयति- ચન્દ્ર પોયણીઓના સમૂહને વિકસાવે છે. (कैरवचक्रवालम्- પોયણીઓનો સમૂહ, જે રાત્રે ખીલે તે પોયણીઓ કહેવાય) न अभ्यर्थितः अपि जलधरः जलं ददाति- ન માગવા છતાં મેઘ(વાદળ) પાણી આપે છે. सन्तः स्वयं परहितेषु कृत-अभियोगाः (भवन्ति) - સજ્જનો સ્વયં પારકાના હિતમાં પરોવાયેલા(રોકાયેલા) હોય છે. આ શ્લોકમાં વસન્તતિલકા છન્દ છે.

74. एते सत्पुरुषाः परार्थघटकाः स्वार्थं परित्यज्य ये
सामान्यास्तु परार्थमुद्यमभृतः स्वार्थाविरोधेन ये ।
तेડमी मानुषराक्षसा परहितं स्वार्थाय निघ्नन्ति ये
ये निघ्नन्ति निरर्थकं परहितं ते के न जानीमहे ।।


ધારે સત્પુરુષો પરાર્થ હિતને સ્વાર્થો બધા ત્યાગીને,
સામાન્યો રત છે પરાર્થ હિતમાં સાથે લઇ સ્વાર્થને,
તે તો માનવ રાક્ષસો પર હિતો સ્વાર્થે કરીને હણે,
જેઓ રે! અમથા હણે પર હિતો, તે કોણ ના જાણીએ.

અનુવાદ: જેઓ સ્વાર્થ છોડીને પરોપકાર કરે છે તેઓ સાચા સત્પુરુષ કહેવાય છે. જેઓ સ્વાર્થને વાંધો ના આવે તે રીતે પરોપકાર કરે છે તેઓ મધ્યમ પુરુષો છે. જેઓ પોતાના સ્વાર્થ માટે પારકાના હિતનો નાશ કરે તે તો મનુષ્યોમાં રાક્ષસો છે. (અને વળી) જે અકારણ પારકાના હિતનો નાશ કરે તે લોકો કોણ છે? એ અમે જાણતા નથી.(અર્થાત્- એવા લોકો તો અધમાધમ,નિંદ્ય અને રાક્ષસોથી પણ નીચકોટિના છે.)

શબ્દર્થ: ये स्वार्थं परित्यज्य पर- अर्थघटकाः एते सत्पुरुषाः- જેઓ સ્વાર્થ છોડીને પરોપકાર કરે છે તેઓ સાચા સત્પુરુષ કહેવાય છે. ये स्वार्थ-अविरोधेन परार्थम् उद्यमभृतः ते सामान्याः- જેઓ સ્વાર્થને વાંધો ના આવે તે રીતે પરોપકાર કરે છે તેઓ મધ્યમ પુરુષો છે. ये स्वार्थाय परहितं निघ्नन्ति ते अमी मानुषराक्षसाः- જેઓ પોતાના સ્વાર્થ માટે પારકાના હિતનો નાશ કરે તે તો મનુષ્યોમાં રાક્ષસો છે. ये परहितं निरर्थकं निघ्नन्ति ते के वयं न जानीमहे- જે અકારણ પારકાના હિતનો નાશ કરે તે લોકો કોણ છે? એ અમે જાણતા નથી. અર્થાત્- એવા લોકો તો અધમાધમ અને નિંદ્ય છે. એટલે કે રાક્ષસોથી પણ અધમ અને નીચકક્ષાના કહેવાય છે. કવિના મતે મોટા દાંત, હાથ, પગ કે લાંબા વાળ –નખ હોય એને જ રાક્ષસ કહેવાય એવું નથી. પણ જેઓ અકારણ કોઇનું અહિત જ કર્યા કરે છે તેઓ મનુષ્યના રૂપે હોવા છતાં રાક્ષસો જ છે. આ શ્લોકમાં શાર્દૂલવિક્રીડિત છન્દ છે.

75. क्षीरेणात्मगतोदकाय हि गुणा दत्ताः पुरा तेડखिलाः
क्षीरे तापमवेक्ष्य तेन पयसा ह्यात्मा कृशानौ हुतः ।
गन्तुं पावकमुन्मनस्तदभवद्-दृष्ट्वा तु मित्रापदं
युक्तं तेन जलेन शाम्यति सतां मैत्री पुनस्त्वीदृशी ।।


દૂધે વારિ ભળ્યે ગુણો નિજ સમા દૂધે પહેલાં દીધા,
આલોકી ગરમી દૂધે જળ પછી જાતે ગયું પાવકે,
જાવા પાવક દૂધ ઉત્સુક થયું દેખી સખા દુ:ખમાં,
જોડાઇ ફરી વારિ સાથ શમતું સન્મૈત્રી હો આ સમી.

અનુવાદ: દૂધે પહેલા પોતાના(મધુરતાદિ) બધા ગુણો પાણીને આપી દીધા.(અર્થાત્ તે પાણીમાં ભળી ગયું) પછી દૂધને (પાત્રમાં) તાપથી બળતું જોઇને પાણીએ પોતાની જાતને અગ્નિમાં બાળવા લાગી.(અર્થાત્ પહેલાં પાણી બળવા લાગ્યું) પછી મિત્ર એવા પાણીને બળતું જોઇ દૂધ અગ્નિમાં કૂદી પડવા તત્પર થયું. (અર્થાત્ દૂધ ઉભરાવા લાગે છે.) છેવટે જળ (છંટકાવ રૂપી) સંયોગથી જ તે શાન્ત થાય છે. સજ્જનોની મૈત્રી ખરેખર આવી હોય છે.

શબ્દાર્થ: क्षीरेण पुरा आत्मगत ते अखिलाः गुणाः उदकाय हि दत्ताः- પહેલા પોતાના(મધુરતા વગેરે) બધા ગુણો પાણીને આપી દીધા. અર્થાત્ તે પાણીમાં ભળી ગયું. એટલે કે જેવું દૂધ પાણીમાં ભળે કે તરત જ પાણી પણ દૂધ બની જાય છે. તેમાં સ્નિગ્ધતા, મધુરતા, માખણ વગેરેની સત્ત્વપૂર્ણતા વગેરે. क्षीरे तापम् अवेक्ष्य तेन पयसा हि आत्मा कृशानौ हुतः- પછી દૂધને (પાત્રમાં) તાપથી બળતું જોઇને પાણીએ પોતાની જાતને અગ્નિમાં બાળવા લાગી. અર્થાત્ પહેલાં પાણી બળવા લાગે છે અને પછી દૂધ બળે છે. પણ દૂધની મિત્રતા પણ પ્રગાઢ છે. માટે તે હવે પોતાના મિત્ર પાણીને બચાવવા પોતે અગ્નિમાં કૂદી પડે છે. એટલે કે દૂધ ઉભરા રૂપે અગ્નિમાં પડે છે અને અગ્નિ હોલવાતાં પાણી બચી જાય એવું કાર્ય પાણી કરે છે. मित्रम् आपदं दृष्ट्वा तत्(दुग्धम्) तु पावकं(अग्निम्) गन्तुम् उन्मनः अभवत् - મિત્ર એવા પાણીને બળતું જોઇ દૂધ અગ્નિમાં કૂદી પડવા તત્પર થયું. उन्मनः- તત્પર, તલપાપડ, ઉતાવળું. અર્થાત્ દૂધ ઉભરાવા લાગે છે. तेन जलेन युक्तं पुनः शाम्यति- છેવટે જળ (છંટકાવ રૂપી) સંયોગથી જ તે શાન્ત થાય છે. सतां मैत्री तु ईदृशी भवति - સજ્જનોની મૈત્રી ખરેખર આવી હોય છે. સંસારમાં આપણે સૌ કૃષ્ણ-સુદામા અને દુર્યોધન-કર્ણની મૈત્રીની વાત કરીએ છીએ. પરંતુ ભર્તૃહરિ આપણને વ્યવહારિક ઉદાહરણ આપીને મૈત્રીની મહત્તા સમજાવે છે. કવિનું અવલોકન અને ચિંતન ભેગું થઇને એક નવું જ વિચારમૌક્તિક આપે છે. સજ્જનોની મૈત્રી દૂધ અને પાણી જેવી છે. મુશ્કેલીના સમયે પરસ્પરની મદદે આવે છે અને જીવન-મરણ સાથે જંગ ખેલીને પણ મિત્રતા નિભાવે છે. ગુજરાતીમાં એક સુંદર દોહરો આ વાતને સમર્થન આપે છે. જેમ કે
હંસા પ્રીતિ ક્યાંયની ને વિપત પડે ઉડી જાય,
પણ સાચી પ્રીતિ સેવાળની જળ ભેગી સુકાય.
આમ, ઉત્તમ એવી મિત્રતાનું આ અનુપમ વ્યવહારિક ઉદાહરણ છે. આજ કાલનો યુવાવર્ગ ઓગસ્ટના પ્રથમ રવિવારે કેવળ હાથે દોરા-ધાગા બાંધીને પોકળ હરખથી હરખાય છે. પરંતુ ખરેખર તેમણે આવી સાચી મિત્રતાને જાણવી અને માંણવી જોઇએ. આ શ્લોકમાં શાર્દૂલવિક્રીડિત છન્દ છે.

ડૉ. મહેશ એ. પટેલ, એસોસિએટ પ્રોફેસર, અધ્યક્ષ, સંસ્કૃત વિભાગ, સરકારી વિનયન કૉલેજ, સેકટર ૧૫, ગાંધીનગર.