Included in the UGC-CARE list (Group B Sr. No 172)

‘પાદરનાં તીરથ’ : પુણ્ય હજી પરવાર્યું નથી...

ઈ.સ. ૧૯૫૯નો પ્રતિષ્ઠિત રણજીતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરનાર જયંતિ દલાલની નવલકથા ‘પાદરનાં તીરથ’ લેખકની આગલી નવલકથા ‘ધીમુ અને વિભા’ની જેમ જ અરૂઢ રીતિની પ્રયોગાત્મક નવલકથા છે. માનવતાનો મહિમા કરતી આ કથામાં પરિસ્થિતને પ્રાધાન્ય આપી સમૂહમાનસના પલટાઓનું કરવામાં આવેલું સુક્ષ્મ આલેખન વિદ્વાનોએ સવિશેષ બિરદાવ્યું છે. પ્રેમ, ઔદાર્ય અને તિતિક્ષા જેવા ભારતીય મૂલ્યોનો બોધ કરાવતી આ કૃતિને આદર્શ પ્રકાશને ‘શિષ્ટ-પ્રશિષ્ટ શ્રેણી’ અંતર્ગત પ્રગટ કરી છે. નિર્ભય સત્યાગ્રહી તરીકે ‘હિંદ છોડો’ આંદોલનમાં સંકળાઈને ચાર વર્ષનો જેલવાસ સ્વીકારનાર અને પ્રજાભિમુખ સમાજવાદી તરીકે ‘મહાગુજરાત’ના આંદોલનમાં નોંધપાત્ર ફાળો આપનાર ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા જયંતિ દલાલ એક સમર્થ સાહિત્યકાર તરીકે વાર્તા, નવલકથા, નાટક, નિબંધ, વિવેચન, સંપાદન - એમ અનેકવિધ સ્વરૂપોમાં આગવું પ્રદાન કરે છે. જોકે એનું સૌથી મહત્વનું અર્પણ નાટ્યક્ષેત્રનું છે, છતાં વિચારપ્રાધાન્યતા અને માનવવૃત્તિના સુક્ષ્મ આલેખન વડે એમની બંને નવલકથાઓ વિવેચકો અને વાચકો દ્વારા સારો એવો આવકાર પામી છે. ‘પાદરનાં તીરથ’ની છઠ્ઠી આવૃત્તિ પ્રગટ થાય છે એ વેળાએ લેખક આનંદ સાથે મનમાં થોડો રંજ પણ અનુભવે છે. પ્રસ્તુત નવલકથામાં ૧૯૪૨માં લડાયેલી આઝાદીની લડતનું નૈમિતિક આલંબન લેવામાં આવ્યું છે પરંતુ એ લડતનું મૂલ્યાંકન કરવાનો કોઈ સભાન પ્રયત્ન કરાયો નથી એવો સ્પષ્ટ એકરાર લેખકે પ્રથમ આવૃત્તિની પ્રસ્તાવનામાં કર્યો છે, છતાં આં કથાને ૪૨ના આંદોલનની કથા ગણાઇ બેસવાનું કમભાગ્ય સાંપડ્યું છે અને અનંતરાય રાવળ જેવા વિદ્વાનોએ તો તેમાંથી બેતાલીસના બનાવો અને વાતાવરણના સંપૂર્ણ ચિત્ર, એ પ્રજાએ આપેલ લડતના ગૌરવગાનની અપેક્ષા સેવી છે. એટલે, ૪૨નું મૂલ્યાંકન નથી અને ‘ગુજરાતને શું વાંચવું અને શું ન વાંચવું એવું કહેવાનો ભાર જેમને માથે છે, એમણે નવલકથાના કમભાગ્યે પ્રસ્તાવના વાંચી ન હતી’ એવો લેખકનો રંજ વ્યાજબી છે એમ જ કહેવું જોઈએ.

પ્રથમ પ્રકરણથી માંડીને અંત સુધી કથાને ઇષ્ટ માર્ગે દોરી જવા માટે વણાયેલા પ્રસંગો, પાત્રો તથા સંવાદો દ્વારા લેખકના કૃતિપ્રયોજન અને દ્રષ્ટિકોણના એંધાણ મળી રહે છે. નવલકથાનો બીજરૂપ વિચાર તેના જ એક પાત્ર ડૉકટર નગીનદાસના સ્વગત સંવાદમાં આ રીતે સૂચિત થયો છે: “માનવીનું આવું અધ:પતન શી રીતે થતું હશે? આટલી હદ લગી એ આત્મા ગુમાવી દેતો હશે?” (પૃ.૯૪) ગાંધીવાદના રંગે રંગાયેલી વીસમી સદીના મધ્યચરણમાં મળેલી આ નવલકથા પ્રજાજીવનમાંથી લુપ્ત થતી જતી માનવતાનો યક્ષપ્રશ્ન લઈને આવે છે. ભારતીય પ્રજાએ માણસમાં રહેલી માનવતા અને ઉદારતાનો ખ્યાલ સ્વીકાર્યો છે, માનવધર્મને મોટો ધર્મ માન્યો છે, માણસની ખરી કિંમત એની માણસાઈમાં આંકી છે. છતાં માણસ સ્વહિત ખાતર બેફિકર બનીને ગમે ત્યારે અધર્મ આચરી શકે છે. અને એમ કરવામાં જરાપણ અપરાધભાવ અનુભવતો નથી, જેનો ભોગ નિર્દોષ પાપભીરુ પ્રજાએ બનવું પડે છે. તે તરફ લેખકનો તર્જનીસંકેત છે.જયંતિ દલાલ એના પ્રયોજનમાં સફળ પણ રહ્યા છે. લશ્કરી સિપાહીઓ નંદપરાના લોકો પર અમાનુષી ત્રાસ ગુજારી બિસ્માર અને ઠુકરાયેલી માનવતાના જાણે કે ખંડેર ખડકી ડે છે, એ એક જ ઘટનાને દાક્તર નગીનદાસ અને પશીડોશી જેવા ભાવનાશીલ તેમજ અંબાલાલ અને ફોજદાર જેવા ભાવનાશૂન્ય પાત્ર વચ્ચે મુકીને તેમની માનવતા અને દુષ્ટતા બંનેની લીલા પ્રગટ કરી આપી છે. તો વળી આ એક જ પરિસ્થિતિ નગીનદાસ જેવા સાત્ત્વિક વ્યક્તિમાં સદ્દ-અસદ્દ વચ્ચેનું કેવું ઘમસાણ મચાવે છે એ સ્પષ્ટ કર્યું છે. પોતાની ઇષ્ટભાવનાની આટલી ખૂબીપૂર્વકની માવજત કર્યા પછી પણ લેખકને આ લખવા પાછળના ઈરાદાની સ્પષ્ટતા તો કરવી જ પડે છે : “નવલકથાને કહેવાનું છે એ વાત તો આ નૈતિક અને આ અનૈતિક, આ અચારજોગ અને આ આચારજોગું નહિ, એવી સૂક્ષ્મ સૂઝ હોય કે ણ હોય તો પણ આમ ન થાય એવો આગ્રહ સેવનારા અને એ માટે વેઠવું પડે તો વેઠનારા પણ આ અપાર વિવિધતા ધરાવતા સંસારમાં સરવાળે તો ક્ષણ માટે જ જીવવાના આગ્રહી, આચારની એકવાક્યતા, છતાં ક્યાંક ક્યાંક ઝબકે છે એની વાત કહેવા માંગે છે.” (બીજી આવૃત્તિની પ્રસ્તાવના)

‘વાયરે વાત આવી’ એવા જિજ્ઞાસાપ્રેરક વાક્યથી આરંભાતી આ કૃતિમાં અધર્મીના આક્રમણ સામે ધર્મનિષ્ઠાથી થતા પ્રતિરોધનું કથાનક કેન્દ્રસ્થાને છે. લશ્કરી સિપાહીઓએ રંજાડાના નિર્દોષ લોકો પર પાશવી અત્યાચાર ગુજાર્યો છે, એ ખબર આખા નંદપરામાં વીજવેગે ફેલાઈ જાય છે. કશુંક કરવાનું દરેકને મન થાય છે ત્યાં જ ખબર આવી કે લશ્કરી સિપાહીઓની ભરેલી ગાડીઓ ભંગારા જવા ઊપડી છે. નંદપરાના લોકો આ ઉત્તેજનામાં આવી જઈને સ્ટેશન બાળવાનું આવેશપૂર્ણ કાર્ય કરી બેસે છે. “માસ્તરે જાણે ક્ષિતિજ પર નજર ઠેરવી, આવતીકાલનો ખ્યાલ મનમાં ને મનમાં ઘેરો થતો જતો હતો. એમનું મન આવતીકાલનું અગ્રીમ ચિત્ર જોઈ દુભાતું હતું.” (પૃ. ૧૭) - લેખકના આવા વિધાનો ભાવિ ઘટનાને ઈંગિત કરે છે. જમાદારનું સૈન્યનું ત્રીજે જ દિવસે ગામલોકોના ગુનાની શિક્ષા આપવા ગામમાં દાખલ થઇ પ્રજા પર અમાનુષી ત્રાસ ગુજારે છે. માણસમાં જાગેલા પશુને પરમ આશ્વાસન દેતી હોય એમ પોલીસની ટૂકડી સર્વત્ર મારપીટ, અત્યાચાર અને હેવાનિયત આચરે છે. ખાલપાવાડનો મુખી સેજી, એની દીકરી મણકી, ડાહ્યાભાઈ શેઠ, બ્રાહ્મણ પંડ્યાજી, ગાંડો હિટલર, કેશુ સોની, મોહન ઠક્કર, સાધુ શિવગિરિ, અંબાલાલ વકીલ, મણો કમાલિયો બધા ફોજદારના તાપનો વધતો-ઓછો અનુભવ કરે છે. આ રીતે ગામમાંથી જમાદારનું સરઘસ પૂરા ત્રેસઠ કેદીઓને પકડીને લઇ જાય છે અને નંદપરાના સ્ટેશનથી ચાર માઈલ દૂર રાખેલા કાળી કોટડી જેવા ડબ્બામાં પૂરી સતત ત્રાસ અને જૂલમ શરુ રાખે છે.

ફોજદારે બનાવેલા નરકથીયે બદતર કેદખાનામાં ઉભડક ખડકાયેલા ગામડિયાઓને જોઇને સહાનુભુતિથી પ્રેરાઈને નગીનદાસ, માનવતાના ધર્મે એમને છોડાવવા મથે છે. ફોજદાર માણસદીઠ પાંચસો રૂપિયાની લાંચ માંગે છે. એટલું જ નહિ, પોતાને એમાં ભાગીદાર થવાનું આમંત્રણ પણ આપે છે. સાથે સાથે પોતાના વ્યૂહના ભાગરૂપે દાક્તરના કીધેલા પાંચ-સાત કેદીઓને છોડી પણ મુકે છે. પાંચમાં પ્રકરણમાં સ્ટેશનમાસ્તર, સાંધાવાળાઓ અને ટી.ટી.ને જુબાની આપવા માટે બોલાવવામાં આવે છે. પરંતુ આખો સ્ટાફ ફોજદારની આકરી પૂછપરછ સામે દ્રઢતાથી ‘હું કોઈને ઓળખતો નથી. કોઈ કોઈને ઓળખતું નથી’ એવા નિશ્ચયને વળગી રહીને તોફાનીઓને બચાવે છે. બીજી તરફ કેદીઓના જૂથમાંથી ફોજદાર અંબાલાલ નામના વકીલને એની ગુંજાશના આધારે, લોકો પાસેથી લાંચના નાણા ઉઘરાવવાનું કામ સોંપી છોડી મૂકે છે. બદલામાં વિદ્રોહી અંબાલાલ ચાર આનાનો ભાગ પણ માંગે છે. માનવઆત્માના આવા અધઃપતનના વિચારે ધર્મપરાયણ નગીનદાસ સમસમી ઊઠે છે. અને લાંચ આપવાનું કામ કરીને કેદખાને રિબાતા ગ્રામજનોને છોડાવવા જોઈએ કે નહિ એવો ધર્માધર્મનો તીવ્ર સંધર્ષ અનુભવે છે. છેવટે હાકેડું સોમાના “દાક્તર સાબ પૈસા શું એમના જીવનથી વધતા છે ?” (પૃ. ૯૯) અને પત્નીના “એમાં શું ?” (પૃ. ૧૦૨) એવા વ્યવહારુ શબ્દોના બળે શુદ્ધ સાધ્ય માટે લાંચ આપવાનું પાપકર્મ કરીને પણ કેદીઓને છોડાવવાનો નિર્ણય તો કરે છે, પણ “આ તો છે બીછારા ગામડાના, માંડ માંડ પેટ પૂરું કરનારા, બૂમ પાડવા કહો તો પાંચસો બૂમ પાડી દે પણ રૂપિયા ક્યાંથી લાવે” (પૃ.૮૮) એ મૂંઝવણ ઊભી થાય છે. વેપારની સાથે ડાહ્યાભાઈ શેઠની વણિકવૃત્તિ પણ વૃદ્ધિ પામે છે, અને અવેજ વિના અંગઉધાર કરવાનો ઇન્કાર કરે છે. “પશીમા, હવે એનું શું કરીશું ? કાઈ કરવું તો પડશે ને ?” (પૃ.૧૧૫) કહીને પશીડોશીને ડૉકટર લાંચપ્રયોગમાં સંમત થવા સમજાવે છે. પરંતુ નીતિમત્તાના ઊંચા શિખરે પહોચેલી પશીડોશી એમ અનીતિના સાધને પોતાના પુત્રને છોડાવવાની તરફેણ કરતી નથી અને પોતાનો નિર્ણય પુત્ર પર છોડી ડે છે.

અંબાલાલ પોતાનું કમિશન લેવા પશીડોશીને ત્યાં જાય છે. પરંતુ ત્યાં તેની કૂટનીતિ ખુલ્લી પડી જાય છે. તિરસ્કૃત થયેલો અંબાલાલ પોતાના ધંધાનો વિસ્તાર કરવાના ઈરાદે ડાહ્યાભાઈ શેઠનો સંપર્ક કરે છે. બંને ભાગીદારીમાં લોકોને છોડાવવાનો વેપાર શરુ કરી ગામલોકોનો સત્કાર મેળવી લે છે. આ તરફ દાક્તર નગીનદાસ પશીડોશીને લઈને કેદખાને પહોચે છે.માતા-પુત્રનું મિલન ગોઠવાય છે. મૂલ્યનિષ્ઠ જગદીશ પોતાની માતાના સંસ્કારો દીપાવતો હોય એમ લાંચ આપીને છૂટવાની સ્પષ્ટ ના પાડે છે. કથાંતે ટ્રેન ઊપડવાની તૈયારી હોય છે ત્યારે ફોજદારમાં ભલાઈ પ્રગટે છે અને ભેટરૂપે જગદીશને છોડી, સહુને આઘાત આપતો ચાલ્યો જાય છે. આટલાં ઓછા આયામોવાળી આ નવલકથાનું સંવિધાન અમુક અંશે ટ્રેજેડીને મળતું આવે છે. છતાં તેમાં કરુણત્વનો અભાવ છે. ઉપરાંત પાત્રો અને વિચારો સમાનાધિકારભાવે જોડાયેલા હોવાથી ‘પાદરનાં તીરથ’ને નાટ્યાત્મક નવલકથા કહી શકાય ખરી.

ગુજરાતી સાહિત્યની પ્રથમ નટીશૂન્ય નવલકથા ‘પાદરનાં તીરથ’નો પૂર્વાર્ધ પરિસ્થિતિપ્રધાન બન્યો છે. એ પછી સર્જકનો કેમેરો પાત્રો પર ફોકસ થાય છે. લેખકે સંવેદનાત્મક માનસશાસ્ત્રીય નિરૂપણ વડે જગદીશ, પશીડોશી, દાક્તર નગીનદાસ, અંબાલાલ વકીલ, ફોજદાર – આદિ પાત્રોનું જીવંત વ્યક્તિત્વ પ્રગટ કર્યું છે.જોકે અહીં પાત્ર અને ઘટનાઓ એકમેક સાથે સમાનાધિકારભાવે જોડાયેલ છે. એથી કોઈ એક પાત્રનો નાયક તરીકે વિકાસ થયો નથી પરંતુ પ્રસંગજન્ય પરિસ્થિતિ અને પાત્રોના રસાન્વિત દ્રશ્યો જ માણવા મળે છે. આરંભમાં એમ લાગે છે કે સ્ટેશન માસ્તર અથવા સેંજીનું ચરિત્ર વિકાસ પામશે પણ સર્જક એ બંનેને પડતા મૂકે છે અને આગળ વધે છે. એ પછી ચોથા પ્રકરણમાં કેદીઓને મળવા ડૉક્ટર કેદખાને જાય છે ત્યારે પોતાને મુક્ત કરાવવા આજીજી કરતા સૌ કેદીઓ વચ્ચે ‘નાહક આપે મારે ખાતર આ નપાવટ આદમીઓનું અપમાન વેઠો એ મને રુચતું નથી’ (પૃ.૬૯) એવો સ્વસ્થ જવાબ આપીને ડૉકટરના મનમાં પોતાને માટે આદર જન્માવનાર પશીડોશીના એકના એક પુત્ર જગદીશમાં નાયક બનવાની શક્યતાઓ નિર્માણ પામે છે. જોકે ‘વાર્તામાંથી એના વ્યક્તિત્વની એટલી આછી રેખાઓ ઊપસે છે કે ડૉકટર, ફોજદાર, ડાહ્યાશેઠ અને અંબાલાલ જેવા પાત્રની ધીંગી અને સ્ફૂર્તિવાળી આકૃતિઓની પાછળ એ ઢંકાય જાય છે’ એવા ડૉ. ધીરુભાઈ ઠાકરના મત સાથે પણ સંમત થઇ શકાય એમ છે. છતાં ‘પાદરનાં તીરથ’માં એનું પાત્ર સર્વાધિક મહત્વનું બન્યું છે; ભલે એનો સાદ્યંત વિકાસ થયો ન હોય, ખરો પ્રવેશ કથાના ઉત્તરાર્ધમાં થયો હોય.

કેદીઓની મુલાકાતે આવેલા ડૉકટરને જગદીશ જયારે, ‘હું જાણું છું કે હું નિર્દોષ છું. મારે કશું ન’તું કરવું માટે કૉલેજ છોડી, શહેર છોડી હું ગામ પાછો આવ્યો. મને લાગે છે કે એ મારી ભૂલ હતી. મારે શહેરમાં જ રહેવું જોઈતું હતું’ (પૃ. ૬૯) એમ કહી દે છે ત્યારે તો સર્જકે પણ બધા કેદીઓથી એને અલગ તારવવા માટે પક્ષપાત કર્યો હોય એમ લાગે છે. જગદીશને લાંચ લઈને છૂટવા પ્રત્યે ભારે નફરત છે. અને આદર્શપાલનને ખાતર પોતાનું જીવન સમગ્ર ન્યોછાવર કરવા તત્પર છે. આઠમાં પ્રકરણમાં જગદીશનો સીધો પ્રવેશ નથી, છતાં પશીડોશીના સંવાદોમાંથી એનાં વ્યક્તિત્વની પૂરી ઊંચાઈ પામી શકાય છે.

ફોજદારને તીણા અવાજે ‘હવે એવું કોઈ નહિ કહે’ (પૃ. ૬૬) એમ સંભળાવી દેનાર જગદીશમાં હિંમત અને સ્વમાનશીલતા, બારમાં પ્રકરણમાં માતા-પુત્રનું મિલન થાય છે ત્યારે ફોજ્દેર્રે બનાવેલા નર્કાગારમાં પોતાને પૂરાયેલો જોઇને માતાને દુખ થયું હશે એમ માની, ‘તમારે ન’તું આવવું જોઈતું, આ તમારું કામ નથી. આ તમારા માટેની જગ્યા નથી’ (પૃ.૧૫૮) એમ કહેનાર જગદીશમાં ભાવનાશીલતા, પૈસા આપીને છૂટવા અંગે પોતાનો અભિપ્રાય માંગનાર પશીડોશી સામે ‘કેમ મૂંગા બન્યા ? લાંચ આપતા શરમ ન આવી અને હવે...’ (પૃ.૧૬૧) એમ કહી રીતસર ગુસ્સે થઇ જનાર જગદીશમાં નીતિમત્તા, પોતાને હવે શું કરવાનું છે તેના જવાબમાં ‘મારે શું કરવાનું છે ? ખોટો કેસ કરશે. બહુ બહુ તો સજા થશે.’ (પૃ.૧૬૦) એમ ખચકાયા વગર જણાવી દેનાર જગદીશમાં બેફિકરાઈ, એ પ્રકરણના અંતે માનવીના પાંગળા આદર્શો વિષે ફિલસૂફીની અદાથી વાતો કરતા જગદીશમાં ધીરગંભીરતા અને અન્ય કેદીઓને અનીતિના માર્ગે ન જવાની સલાહ આપનાર જગદીશમાં પાપભીરુતાના દર્શન કરવા મળે છે. આ ભાવનાશીલતા, નીતિમત્તા, બેફિકરાઈ આદિ સંસ્કારોના મૂળ પશીડોશીએ આપેલી કેળવણીમાં છે અને જગદીશે એને બરાબર પચાવ્યા છે. જોકે લેખક જગુના આંતરસંઘર્ષને, એની ચેતન-અવચેતન કે અચેતન મનની સંદિગ્ધ સંવેદનાઓને અવગત કરી નિરાંતે આલેખવા થોભતા નથી. મનોવાસ્તવના કળાયુક્ત આલેખનની શક્યતાઓ જગુના ચરિત્રમાં એ જયારે પોતાની માતાને મળે છે અને ‘જવું તો ન હતું. આ તો મોકલે છે’ (પૃ.૧૬૦) એમ કહે છે ત્યારે ઘણી છે, પરંતુ તેનો ખરો લાભ લેવાયો નથી.

આ ઉપરાંત ડૉક્ટર નગીનદાસ, ફોજદાર, પશીમા, અંબાલાલ વકીલ જેવા અન્ય મોખરે રહેતા અને ડાહ્યાભાઈ શેઠ, સ્ટેશન માસ્તર, મુખી સેંજી, પંડયાજી, સાધુ શિવાનંદ, હાકેડું, સોમો, શોભી જેવા ગૌણકક્ષાએ રહેતાં પાત્રની ચરિત્રરેખાઓ પણ તેમની લાક્ષણિકતાઓની સ્મરણીય છાપ મૂકી જાય છે.

ભલા અને ભોળા ડૉક્ટર નગીનદાસ સારમાણસાઈથી પ્રેરાઈને ડબે પૂરાયેલા કેદીઓને છોડાવવા પૈસેટકે, મહેનતે અને પ્રતિષ્ઠાથી ઘસાઈને પોતાનાથી બનતું બધું કરી છૂટે છે, એ એટલા સરલ સ્વભાવના છે કે ગામલોકોને દોરડે બાંધી, ડબામાં પૂરી, ત્રાસ ગુજારતા ફોજદાર વિશે પણ આરંભમાં તેઓ બૂરું વિચારી શકતા નથી ! ફોજદાર કુનેહપૂર્વક પાંચ-સાત કેદીઓને છોડી મૂકે છે ત્યારથી જ દાકતરને છેતરપીંડીની ગંધ તો આવવા જ લાગી હતી, પણ કેદીઓના જૂથમાંથી ‘ડૉક્ટરસાહેબ, આમાંથી છોડાવો' એવો પ્રાણપુકાર સાંભળે છે ત્યારે તો અપૂર્વ માનસિક આઘાત પામે છે. બાદમાં એક પછી એક આઘાતો મળતા જ રહે છે. પહેલ ફોજદારે વ્યક્તિદીઠ રૂપિયા પાંચસોની લાંચ માંગીને કરી. એ પછી સોમાએ અને શોભીએ પણ પોતાની સમજણ દ્વારા આંચકો આપ્યો. એ બધાની વચ્ચે દાક્તર અસહ્ય તાત્વિક મનોમંથન અનુભવે છે, કેમ કે એક તરફ લાંચ આપવાનું અકર્મણ્ય કરીને ઈશ્વરના ગુનેગાર બનવામાં એમનો આત્મા ડંખતો હતો, તો બીજી તરફ ‘કસાઈખાને રિબાતા પોતાના ગ્રામબંધુઓને મુક્ત કરાવવા જ જોઈએ’ એમ એનું મન કહેતું હતું. પોતાની જાતને ‘શું કરું તો આમનું દુઃખ ઓછું થાય ?' એમ વારંવાર પૂછનાર દાક્તર આવા તીવ્ર સંઘર્ષને અંતે ધર્મહિતાર્થે અને બિલકુલ નિસ્વાર્થભાવે ગામલોકોને છોડાવવાનો નિર્ણય કરે છે. દાક્તરની સુપ્ત વ્યવહારબુદ્ધિ પણ આ પ્રમાણે ત્યારે જ જાગૃત થાય છે: “પણ અહીં કોની સામે બાથ ભીડવાની છે એ તો જુઓ. સત્તા, બળવાળી અને એમાંય આંધળી. હૈયું તો એને છે જ નહીં” (પૃ. ૧૨૦) દાક્તરના પાત્રની આવી સંકુલતા જ ‘પાદરનાં તીરથ' ને ચલિત રાખવામાં મદદ કરે છે. રાજકારણ અને જાહેર જીવનની સૂગ ધરાવતા દાકતરને દુનિયાનું દુઃખ પરેશાન કરી મૂકે છે. અને દુઃખ કમી કરવાની પોતાની ફરજ ગણે છે. એટલે જ એ નિઃસહાય પશીડોશીની પડખે ઊભા રહે છે અને ‘દેવ જેવા માણસ’ની ઉપમા પામે છે. ફોજદાર જેવા ફોજદારને પણ કહેવું પડે છે કે, “આ માણસ જાણતો હોય તો તો એક પળમાં બધુંય જણાવી દે. પણ એ કાંઈ જાણતો નથી. માત્ર હૈયાનો સારો છે. તે જેને પોતે સારું કામ માને છે તે કરવા બહાર પડ્યો છે." ( પૃ.૬૨)

નવલકથાના બીજા એવા એક સંકુલ પાત્ર પશીડોશીના સુરેખ શબ્દચિત્રો લેખક બહુ થોડાંક શબ્દોમાંય આ પ્રમાણે આલેખી શક્યા છે: ‘જેવું સાધારણ છતાં સુઘડ ઘર હતું, એવાં જ સાદા અને પહેલી નજરે આદર પામે એવા પશીડોશી હતાં. ‘ડોશી’તો ગામે પોતાનો આદર વ્યક્ત કરવા વળગાડેલી ઉપાધિ હતી.’ (પૃ. ૧૧૩) પશીડોશી પોતાને ત્યાં આવેલા ડૉક્ટરને વિવેકપૂર્ણ આવકારે છે અને અદ્દભુત માનસિક સ્વસ્થતા દાખવીને પડેલી જ નજરે ડૉકટરનો આદર મેળવી લે છે. પુત્રને જીવ પાથરીને બચાવવા ઈચ્છતી પશીડોશી દાક્તર સમક્ષ પોતાની મનની મુંઝવણ વ્યક્ત કરી શકતી નથી. દાક્તરને એ કહે છે કે, “ડૉક્ટરસાહેબ, આ જગુ મને કેટલો વહાલો છે તેની વાત તમારા જેવા આગળ કરવાની જરૂર નથી...” સંસ્કારી અને મૂલ્યનિષ્ઠ પશીડોશી લાંચ આપવાનું પાપકર્મ કરીને પોતાના પુત્રને છોડાવવાની તરફેણ કરતા નથી એ માટે એને માતૃસહજ મમતા પર અપૂર્વ સંયમ દાખવવો પડે છે. “મા, હવે એનું શું કરીશું ? કાંઈ કરવું પડશે ને ?” ડૉક્ટરનો આ એક પ્રશ્ન પશીડોશીના મનોજગતમાં જે વિવર્ત રચે છે તેનો કલાસંભવિત તાગ સર્જકે અંકિત કરી લીધો છે, ડોશી પોતાની સ્વચ્છ સ્મૃતિમાં જડાઈ ગયેલી પોતાના પુત્રની નાની નાની વાતો યાદ કરે છે, એ પ્રસંગમાં સ્નેહાળ માતા તરીકેની એની છબિ તો ઉપસી આવે જ છે, સાથે અતિતની એ સ્મૃતિઓ અને, ‘ડૉક્ટરસાહેબ તમે, કહે છે જગુને મળ્યાં હતા. કેમ છે એને.. એણે કશું જણાવ્યું છે ?’ એવી ભવિષ્યની આશંકા- આકાંક્ષા- આશા આદિ અનૂભૂતિઓ પશીડોશીની વર્તમાન સંવેદનામાં ઘૂંટાતી રહે છે, અને એમ મનોવાસ્તવના સંકુલ- સંદિગ્ધ-સૂક્ષ્મ સ્તરો એમાં ઊઘડતા આવે છે. છેવટે હૃદય પરની શિલા હટાવીને પોતાની દ્વિધા ડૉક્ટર આગળ આ પ્રમાણે રજુ કરે છે: “અને જ્યારે મને પોતાને એ ગમતું ન હોય ત્યારે હું કેમ કરીને..” (પૃ.૧૧૯) આ શબ્દોએ તો નગીનદાસને પણ નવું સંકલ્પબળ આપ્યું. અંતે એ પોતાનો નિર્ણય પુત્ર પર ન લાદના આખી વાત જગુ પર છોડી દે છે. મિલનની વેળાએ પોતાની કૂણી લાગણી અને વાત્સલ્યભર્યા સ્મિત વડે માની મમતાનું અદ્દભૂત દૃશ્ય રચી જગદીશના રોષની સામે માત્ર શાંત બેસી, મનમાં છૂપાવી ન છૂપાવાય એવી એક સંતોષની લાગણી અનુભવીને પોતાના નિર્ણયની જાણ કરે છે.

સમગ્ર નવલકથામાં કોઈ પાત્રનો સાદ્યંત અનુબંધ રચી શકાયો હોય તો તે ફોજદારનું પાત્ર છે. કઠોર અને હૈયા વિનાનો ફોજદાર સ્ટેશન બાળવાના ગુના સબબ પકડાયેલા નિર્દોષ અને નિ:સહાય ગામલોકો પાસે લાંચ માંગીને મડદાં પર જીવવાની દાનત રાખે છે. કેદીઓ પર અસહ્ય ત્રાસ ગુજારીને માનવતાનો ભંગાર ખડકી દેનાર ફોજદારના કાળમીંઢ હૈયામાંથી અચાનક દયાની સરવાણી ફૂટે છે અને ગામલોકોને જગદીશની ભેટ આપતો ચાલ્યો જાય છે. ફોજદારની અનિષ્ટ યોજના સાથે કુટનીતિપૂર્વક, સ્વાર્થભાવનાથી જોડાનાર અને ગામલોકોને છોડાવવાનો વેપાર કરી જનાર વકીલ અંબાલાલ, ગામલોકોની મજબૂરીનો લાભ ઉઠાવનાર દુનિયાદારી વેપારી ડાહ્યાભાઈ શેઠ, ‘હોળીના ઘેરૈયા બન્યા છો બધા ?’ (પૃ ૧૩) કહી આવેશમાં આવી જનાર ટોળાને શાંત પાડવાનો પ્રયત્ન કરનાર અને, ‘હું કોઈને ઓળખતો નથી. કોઈ કોઈને ઓળખતું નથી’ (પૃ.૭૭ ) એવા નિશ્ચયને વળગી રહી ફોજદાર સામે અભૂતપૂર્વ સ્વસ્થતા બતાવી ગામ આખાનું ભલું ઇચ્છનાર પરગજું સ્ટેશનમાસ્તર અને એનો સ્ટાફ, ‘તમારે બાપ રાજનો ગુનેગાર જોઈતો હતો ને ? હું રાજનો ગુનેગાર’ કહીને સૈનિકોના અત્યાચારો રોકવા પોતાની નિર્દોષ જાતને ગુનેગાર તરીકે ધરી દેનારો તથા સહાનુભૂતિથી પ્રેરાઈને કેદી તરીકે પકડાયેલા ગ્રામજનોને વિદાય આપવા આવેલો ભાવનાશાળી મુખી સેંજી, ઈશ્વરભક્તિના પ્રતાપે મેળવેલી નિર્ભયતાથી ‘આવ્યા છો તો ભલે આવ્યા આપણે શું ?’ (પૃ. ૨૮) કહી પોલીસ સામે નિસ્પૃહતા બતાવનાર ધર્મપરાયણ પંડ્યાજી શિવાનંદ, ‘દુનિયા સોડી પછી મોહ શો ?’ (પૃ.૬૯) એવી ફિલસુફી વડે અત્યાચાર ભોગવી રહેલા કેદીઓમાં સતત આત્મબળ પૂરું પાડનાર નિશ્ચલ મનનો સાધુ શિવાનંદ, “માણસનો જાન બચાવે એ કોઈ ડી પાપ નાં કે’વાય”(પૃ. ૯૯) એવા સીધાસાદા (પૃ.૯૯) એવા સીધાસાદા તત્વજ્ઞાન વડે દ્વિધાગ્રસ્ત દાકતરને શુદ્ધ સાધ્ય માટે લાંચ આપવાની હિમાયત કરનારો સ્પષ્ટહૃદયી હાંકેડુ સોમો; “તે બાપુજી મને પકડે તો તમે છોડાવો ? (પૃ.૧૦૧) એવો વેધક પ્રશ્ન પૂછીને ડૉક્ટરને કર્મણ્ય- અકર્મણ્યની મર્યાદા આંકી આપનાર નિર્દોષ શોભી વગેરે ‘પાદરનાં તીરથ’ના કળાપીંડને ઘાટ આપવામાં વત્તેઓછે અંશે સહાયક બનેલા પાત્રો છે. વિવેચક અનંતરાય રાવળે એ દરેકને ‘ભાવનાશાળી’ અને ‘ખંધા’ એવા બે ભાગમાં વહેંચ્યા છે, પરંતુ આ નવલક્થામાંથી એવું પ્રતિફલિત થાય છે કે માનવી માત્ર પરિસ્થિતિનો દાસ છે. માનવી ખરાબ પણ નથી હોતો તેમજ સારો પણ નથી હોતો. કોઇક પરિસ્થિતિમાં તે ખરાબ હશે તો કોઈક પરિસ્થિતિમાં તે સારો પણ હોઈ શકે. દુષ્ટતાની પૂર્તિ સમો ફોજદાર પણ એક સમયે જગદીશને છોડી દઈ ભલાઈ કરી જાય છે, એટલે કે મનુષ્ય જે રીતે બહારથી દેખાય છે તે રીતનો અંદરથી ન પણ હોય.

સંઘર્ષના કોઈ એક બિંદુએ પાત્ર જે તાણ અનુભવે એનો ‘આ’ કે ‘તે’ એવો એક નિર્ણય લઇ, છેવટે જે હાશકારો અનુભવે એની ઉપર પણ આ નવલકથાની વસ્તુસંકલનના નિર્ભર છે. સાતમાં પ્રકરણમાં ડૉક્ટરની ‘ઝેરને મારવા અને વારવા ઝેરનો ઉપયોગ કરવો કે નહીં’ એવી તાણની ક્ષણે ભાવકની ચેતના પણ ઘણી બધી રીતે ઉપર તળે થઈ જાય છે. ડૉક્ટરની જેમ ભાવકની સામે પણ જીવનનું, જીવનની ભાવનાનું એક નવું રૂપ ઉઘડી આવે છે. આપણા માટે આવી તાણની ક્ષણ રસાસ્વાદનું કારણ બન્યું છે. સર્જકનો મદાર અગ્નિકાંડ, ત્રાસલીલા, લાંચપ્રયોગ આદિ પ્રસંગો પર નહિ, પણ એ પ્રસંગો સાથે સંકળાયેલ ફોજદાર, પશીડોશી, અંબાલાલ વગેરે પાત્રોના આંતરિક પ્રવાહો પર રહ્યો છે. વસ્તુસંકલ્પનાને એના સમગ્રરૂપે કૃતિના પહેલા જ વાચને વાચક પામી શકે છે. જોકે પ્રથમ પ્રકરણનો ઘટનાપ્રવાહ નદીની જેમ ચાલ્યો જાય છે, એ પછી કથાપ્રવાહની ગતિ ધીમી પડી છે એમ કહેવાયું છે. ગામમાં પોલીસે આચરેલો અત્યાચાર અને ડબે પૂરાયેલા કેદી પરની ત્રાસલીલાનું સર્જકે કરેલું નિરાંતવા અને દીર્ઘસૂત્રી વર્ણન કથાને અમુક અંશે સ્થગિત કરી દે છે, છતાં ત્યાં લેખકના ઇષ્ટ ભાવો જેવા કે માનવતા, ભાવનાશીલતા, દયા આદિ પુષ્ટ થયા હોવાથી એ પ્રસ્તાર શુષ્ક લાગવાને બદલે કથાનું એક આકર્ષણ બની રહે છે. આથી એમ કહી શકાય કે નવલકથામાં સ્વરાજપ્રાપ્તિના આંદોલનનું સાદુ કથાનક હોવા છતાં એ નવું લાગે છે.

નવલકથાનું સ્વરૂપ એવું છે કે એમાં જીવન અને મનુષ્યને એના વ્યાપકરૂપે બધી ગહેરાઈ સાથે વ્યક્ત થવાનો અવકાશ મળી રહે છે. ‘પાદરનાં તીરથ’માં જયંતિ દલાલ તેનું નિરૂપણ માત્ર સાત જ દિવસના સમયપટમાં કરી શક્યા છે. ઘટનાઓનું કેન્દ્ર પણ એક જ છે - નંદપરા ગામ. અને છતાં માનવજીવનના એવા રહસ્યનું દ્યોતન થયું છે કે એક આખા યુગનો વંટોળ એમાંથી પામી શકાય. કથાનો વિહાર સ્થળકાળના મર્યાદિત ફલક ઉપર થયો હોવાથી જીવનની વ્યાપકતાનો નહિ પણ એના એક સંકુલ અંશને ઉપસાવવા તરફ લેખકનું ધ્યાન રહ્યું છે. આપણે કૃતિમાં આગળ વધતાં પાછળ નજર કરીને એ રહસ્યોને અચરજથી નિહાળીએ છીએ. વિષમ પરિસ્થિતિ અને વિષમ મનોદશાને લઇ માનવીના અંતરમાં ઉઠતી પરસ્પર વિરોધી વૃત્તિઓ, તેમની વચ્ચેનો સંઘર્ષ, તજજન્ય દ્વિધા, મૂંઝવણ-યાતના-તેમાંથી ઉદ્દભવતા અણધાર્યા, અનિચ્છનીય કાર્ય અને તેમાંથી પરિણમતી જીવનની વિષમતા, કરુણતા આ બધાનું જગદીશ, પકડાયેલા કેદીઓ, ફોજદાર, નગીનદાસ વગેરે પાત્રો દ્વારા થયેલું મર્મસ્પર્શી નિરૂપણ આપણને વિસ્મિત કરે છે. માનવમન-જીવનની સનાતન ગતિવિધિનું તે દ્યોતક બની રહે છે. નવલકથામાં આ શક્ય બન્યું છે સર્જકની રસાળ કથનરીતીથી. ઉત્કટ ઘટનાઓને આ રીતે પરાકાષ્ટાએ પહોંચાડીને તેઓ ભાવકની સંવેદનાઓ જગાડી શક્યા છે. એક નમૂનો જોઈએ: “અને પ્રચંડ જુસ્સાથી ટોળું સ્ટેશન ભણી વળ્યું. ટોળામાં ભળેલા એક એક માનવના મનમાં શું હશે એ તો કોણ કહી શકવાનું ? પણ સહુ કોઈ મંત્રમુગ્ધ હોય એમ વર્તતું હતું. એમાંથી જોરશોરથી અવાજ આવતો પણ એના શબ્દ પારખવા મુશ્કેલ હતાં. કોઈએ સાંભળેલા. કોક ઠેકાણે આવા સૂત્રો હશે એ માન્યતાએ બોલાતાં સૌ સુત્રો એકમેકનો છેદ ઉડાડતાં ઉચ્ચારાતાં હતાં.”(પૃ.૧૨) ગતિશીલ વર્ણન દ્વારા સમુહમાનસના મનોવ્યાપારોને અનાવૃત કરતી આવી કથનરીતિ દ્વારા લેખક પરિસ્થિતિને રોચક બનાવી શક્યા છે. કથાંતે કેદીનો ભરેલી ગાડી ઊપડે છે ત્યારે આવતાં વાક્યો આ જ રીતે પરિસ્થિતિને ઉત્કટ બનાવી જાય છે.

પ્રસ્તુત નવલકથામાં લેખકની દાદ માંગી લે એવી ટેકનિક એ છે કે પ્રત્યેક પ્રકરણનાં આરંભે અને અંતે સાભિપ્રાય એવા ઉત્કંઠાપ્રેરક અને અસરકારક વાક્યાંશો મૂક્વામાં આવ્યાં છે કે વાચક આગળનું વાચવા અનાયાસ અધિર બને. દા.ત. ‘વાયરે વાત આવી’, ‘નંદપરાએ ઇતિહાસને આ રીતે પોતાને ગામ આમંત્રણ આપ્યું’ (પ્રથમ પ્રકરણ); ‘સવારે નં. ૨૭નું મડદું તળાવની પાળથી મળ્યું’ (બીજું પ્રકરણ); ‘નવી દોસ્તીની યાદમાં સિવાયેલી જીભ ખૂલી, થોડાંક મન પણ ખૂલ્યાં’ (નવમું પ્રકરણ). કૃતિની સફળતાનું અન્ય એક પરિબળ છે - લેખકની જાત પ્રત્યેની ઇમાનદારી. ‘હિંદ છોડો’ લડતમાં સંકળાઈને ચાર વર્ષનો જેલવાસ ભોગવનાર જયંતિ દલાલ પ્રકરણ ૩માં ગુનેગાર તરીકે પકડાયેલા અને સૈનિકો દ્વારા ગામમાંથી લઇ જવાતા કેદીઓના મનોવાસ્તવનું આલેખન કરે છે ત્યારે તેમની સંવેદનનિષ્ઠા અને પ્રત્યક્ષ અનુભવ વડે આ કૃતિ વિશેષ સ્પર્શી રહે છે. અહીં લેખકે પોતે જ પોતાનું પ્રમાણ બનીને કલમ ચલાવી છે. સમગ્રતયા જોઇએ કે દરેક પ્રસંગનું મૂલય છે, બિનજરૂરી અકસ્માતો આવ્યા નથી. ઉદાહરણાર્થે ગામનો કોઈ પટેલ ડૉક્ટરને ઇજા પહોચાડે છે એ સુચિત ઘટના પણ પરિસ્થિતિને કેવી પ્રતીતિકર બનાવે છે ! છેક અંત સુધી અહિ વાચકનું ધાર્યું કશું થતું નથી ! આમ, લેખકે વસ્તુસંકલનાના અનેક પાસાનું સંકલન કરીને સાવયવ અખંડ કૃતિનું નિર્માણ કર્યું છે.

નવલકથાના સંવાદોમાં સ્થળ અને કાળના વર્ણનોમાં તેમજ અનેક નાની મોટી વિગતોમાં લેખકે કથાનકને અનુકુળ વાતાવરણ જીવંત કર્યું છે. આ સંદર્ભે એક-બે મુદ્દા તપાસીએ:

પ્રકૃતિના અન્ય વર્ણનો કેવળ પ્રકૃતિરૂપે જ નહિ પણ પરિસ્થિતિસૂચક અને પ્રસંગની ગંભીરતા સાથે એકરૂપ બનીને આવે છે. લેખક આવા વિશિષ્ટ ભાવસૂચક પ્રકૃતિવર્ણનો પાત્રના મનોભાવ કે મનોદ્વંદ્વના સંદર્ભમાં પ્રયોજવાનું પસંદ કરે છે. બીજા પ્રકરણમાં પોલીસ ટૂકડીઓ દ્વારા અત્યાચારનો ભોગ બનતા ગ્રામજનોની મનોદશાનું પ્રતિબિંબ ઝિલતું પ્રકૃતિવર્ણન જુઓ: ‘ડાળી પાંદડાની ચાળણીએ ચલાઈ આવતો સૂરજનો તાપ જાણે કંપી રહ્યો હતો’ (પૃ. ૨૨), ‘સૂરજ પણ તુલસીક્યારા પર આગ વરસાવતો અત્યારે પોતાની જાતને દમી રહ્યો હતો’ (પૃ.૩૦), ‘વેઠ ઉતારી સૂરજ આથમણો ચાલ્યો ગયો’ (પૃ. ૩૮) એટલે કે પાત્રનું ચિત્ત બેબાકળું બન્યું હોય ત્યારે સમગ્ર પ્રકૃતિ પર તેનો પડઘો પડે છે. પ્રકરણ સાતમાં દમણીયામાં બેસીને નીકળેલા ડૉકટરના અંતઃવાસ્તવનું પ્રતિબિંબ પ્રકૃતિ પર પડતું આ રીતે વર્ણવવામાં આવ્યું છે: ‘ચીલાની બંને બાજુ ઊગેલા આવળ સૂરજના તાપથી જાણે મો ફેરવી લેતા ન હોય એમ આથમણે ઢળેલા લાગતા હતા. ક્યાંક આઘે ઊભેલા ઝાડ પાંદડુંય હલાવ્યા વિના જડ બની ગયાં હતાં’ (પૃ. ૯૮) ડબે પૂરાયેલા કેદીઓની પહેલી રાત્રિનું વર્ણન જુઓ: ‘પોતાના દેશ પર માનવીએ અકારણ અને અકુદરતી હૂમલો કર્યો એનો પોકાર પહોચાડતું હોય એવું તમરાનું સમુહસંગીત અને અવારનવાર સિપાહીઓના ટોળટપ્પા સિવાય બીજે બધે નિરવતા છે.’ (પૃ. ૫૧) અને ‘માનવી માનવી વચ્ચેના સંબંધની અવહેલના જોતા ઝાડપાન સ્તબ્ધ બન્યા હતા.’ (પૃ ૫૩) આમ, અહી પ્રકૃતિને પણ માનવીય સંવેદનો અનુભવતી જોઈને કવિવર કાલિદાસની કૃતિ ‘અભિજ્ઞાનશાકુંતલ’ યાદ આવે ખરી.

બીજી પ્રકરણમાં દમનકાંડ અને ત્રીજા પ્રકરણમાં ઓળખપરેડની વિધિનું તાદૃશ, emotional effect જગાડે તેવું અને સૂચક ચિત્રણ કરીને લેખકે એ પ્રસંગોનું કથન કરવાને બદલે પ્રસંગો આપણી નજર સમક્ષ બનતા બતાવ્યા છે. એક નમૂનો જોઈએ: ‘ઘરનાં બારણાં ઉતારીને સિપાહી ઘરમાં દાખલ થયા. ભોયતળિયે જોયું. કોઈ ન હતું. આગમનની જાહેરાત કરવાની ન હોય એમ પાણિયારે પડેલા માટલાં પર લાઠી મારી. શીકાં ફેંઘાં. એક હાથ આવ્યું એ ચાવવામાં પડ્યો. બીજા બે ઉપરને મજલે ગયા. ખૂણામાં કોઠી પાછળ એક બાઈ પાંચેક વર્ષના પુત્રને પડખામાં લઈ લપાઈ બેઠી હતી.’ (પૃ.૨૩) અહી એ પણ સ્પષ્ટ થાય છે કે દમનકાંડનું પ્રસ્તારી લાગતું વર્ણન કેળવ કથાની લંબાઈ વધારવા ખાતર નથી થયું. એ આગંતુક નથી પણ અંતરંગ છે. એ જ રીતે ત્રીજા પ્રકરણમાં ઓળખપરેડની વિધિ દરમિયાન કેદીઓની આશા-આકાંશાઓનું થયેલું નિરૂપણ પણ સર્જકની વર્ણનકલાનું પરિચાયક બને છે.

પાત્રના વિચારસંક્રમણને તેની સૂક્ષ્મતા સાથે આલેખવાની કલા કે જે લેખકને ખૂબ ફાવી છે, તેનો અનુભવ કરીએ. ઓળખપરેડ દરમિયાન તોફાની ગામલોકોને ઓળખવા નીકળેલા બંને સાંધાવાળાઓના સૂક્ષ્મ સંચલનો જુઓ: ‘બંને મૂંગા ચાલતા હતા. સામે આંખે આવી બેઠેલા માનવહૈયાની કતાર લાગી હતી. એમના હૈયાના ધબકાર વધતા હતા... બંનેની નજર આગળને આગળ દોડતી હતી. અને એકે બીજાનો હાથ જોરથી દબાવ્યો.’(પૃ. ૭૯) ઉપરાંત, ફોજદારના સૂચનથી પોતાના ઓળખીતાઓને છોડાવવા કેદખાનાની મુલાકાતે આવેલા ડૉક્ટર, પોલિસ દ્વારા કેદી તરીકે લઇ જવાતા પોતાના ગ્રામબંધુઓને વળાવવા આવેલો સેંજી, નાહકની જળોજથા અને મનદુઃખ અનુભવવા કરતા બધી ગામભલાઈ છોડી દેવાના નિર્ણય પર આવી જતા દાક્તર તથા મળવા આવેલી માતા સાથે અનાયસપૂર્વક લવાયેલી સ્વસ્થતાથી વાતો કરતો જગદીશ - આદિ સ્થાનોએ યથાર્થનો રસબોધ થાય એવું કલાત્મક છતાં વાસ્તવિક વર્ણન વાચકનું ધ્યાન ખેંચે છે. રંજાડામાં બનેલી ઘટનાની ખબર સાંભળીને ભેગું થયેલું ટોળું જે મનોપ્રક્રિયામાંથી પસાર થઈને અભય બને છે તેનો કથાના પ્રારંભમાં આલેખાયેલો ગ્રાફ એનું દ્રષ્ટાંત છે.

દસમાં અને અગિયારમાં પ્રકરણમાં અંબાલાલની દુષ્ટતા તથા ડૉક્ટરની માનવતાને સહોપસ્થિતિ દ્વારા બાજુ બાજુમાં મૂકીને લેખકે અંબાલાલની દુષ્ટતાને વળ ચડાવ્યો છે. સાથે સાથે લેખકે ધર્મમાં રહેલી, માનવતામાં રહેલી પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી દીધી છે. પશીડોશીની માફક આપણી સંવેદના પણ ડૉક્ટરના પક્ષમાં ઢળે છે.

‘વાતાવરણ એકાએક ગંભીર બની ગયું. વરસાદ આવું આવું કરતો હોય અને પવન પ્રાણાયામ સાધતો હોય એવું નિઃશબ્દ, ઘટાટોપ અને ગંભીર.’(પૃ.૧૦), ‘અસહાયતાનો એક ચમકારો ટોળાને થીજવી ગયો.’(પૃ.૧૨), ‘પશુતા ઓરડાને ભરી રહી હોય છે.’(પૃ.૨૪), ‘જીભથી કાન અને કાનથી પાછી જીભે આવતી, ક્યાંક પાસાદાર બનતી, કોઈક વાર ખંડિત થતી વાતને, એકજ વાતનું પીઠબળ હતું.’(પૃ.૭૧), ‘ડબ્બામાં લાવા ઊકળતો હતો.’(પૃ.૭૧) - જેવા વાક્યો સર્જકની વર્ણનશક્તિની પ્રતીતિ કરાવે છે. ‘પાદરનાં તીરથ’ જાનપદી નવલકથા નથી, છતાં નંદપુર ગામનું સમગ્રદર્શન કરાવવાની તક લેખક પાસે જરૂર હતી, જેના પ્રતિ તેઓ અભિમુખ જણાતા નથી.

સર્જક પાસે પોતાના ભાવવિશ્વને ભાવક સામે પ્રત્યક્ષ કરી આપે તેવી નિજી ભાષામિરાત છે. દા.ત., બીજા પ્રકરણમાં દમનકાંડના પ્રસંગમાં ભાષાની કાર્યસાધકતા એ પ્રકારની છે કે તે ‘the way it was’, ‘માત્ર એ રીતે જ વ્યક્ત કરી શકાય’ એમ કહેવું પડે. દરેક સ્થાને લેખકે ભાષા દ્વારા નૂતન અને સાચુકલી વાસ્તવિકતાનું નિર્માણ કર્યું છે, એટલે કે સામાજીક વાસ્તવનું કલાના વાસ્તવમાં રૂપાંતર કર્યું છે. પ્રથમ પ્રકરણમાં જ વિશ્રંભશૈલીમાં કહેવાયેલો સ્ટેશન બળાયું એ પ્રસંગ વાચકની ઉત્કંઠા જગાડ્યા વગર નથી રહેતો. જુઓ: ‘બોકાસાથી ભડકી બળદે નીરણ સામેથી નજર પાછી ખેંચી લીધી. તાપ અને થાકના ત્રાસે એના નસકોરા ફાટેલા હતા. પાસે સોડ તાણી બેઠેલું કૂતરું માણસની અસભ્ય વર્તણૂક સામે વિરોધ દાખવતું ઊભું થઈ ગયું.’(પૃ.૧૨) ડબે પૂરાયેલા કેદીઓની દુર્દશાને ધારદાર બનાવવા લેખકે વિશિષ્ટ ભાષાશૈલી પ્રયોજી છે, જુઓ: ‘રાતની જાણે કોઈએ ગરદન દાબી દીધી હતી. વાતાવરણમાં મૂરદાની નિશેષ્ટતા આવી હતી. માનવી માનવી વચ્ચેના સંબંધોની અવહેલના જોતા ઝાડપાન સ્તબ્ધ બન્યાં હતાં. કેદખાનાના ડબામાં પારાવાર ઘામ હતો. અને એ ધામમાં પસીનાની બૂ ઉમેરાતાં એક જાતની નારકી યાતના અનુભવાતી.. ભળભાંખળું થતાં થતાં તો મેઘરાજાએ પણ હામ છોડી દીધી અને હઠાગ્રહને દૂર કરી બે બુંદ આંસુ સારી દીધાં.’(પૃ.૫૩) એટલે ભાષા પ્રસંગાનુસાર નિર્દેશાત્મક અને ભાવોદબોધક બની છે. નવલકથાકાર પામે ભાષાની એવી સંજીવની છે કે એના બળે પાત્ર જીવંત થયા છે. બીજા પ્રકરણમાં પંડ્યાજીનું પાત્રાલેખન જુઓ: ‘જિંદગીને આથમણે કિનારે પહોચ્યાની એમને કયારનીય પ્રતીતિ થઈ ચૂકી છે. જગતપિતાની હજૂરમાં ધર્માધર્મનો પોકાર જાહેર કરવાની તમન્ના જ માત્ર એમના મનમાં રહી છે.’(પૃ.૨૭) ફોજદારનો ત્રીજા પ્રકરણમાં આપવામાં આવેલો પરિચય આપણું આકર્ષણ બની રહે છે, જુઓ: ‘પરસ્ત્રીનો માતા કે બહેન તરીકે ઓળખાવી કશું અજુગતું નૈતિક બંધન તો એમ પોતાને ગળે, ક્યારેય નાખ્યું ન હતું, પણ એટલું ખરું કે આગળ નજર નાખી અને પછી એ પગ મૂકતા. નાનપણમાં એમણે રોટલીના ટુકડાને સૂંઘતો સૂંઘતો ઝૂંપતો આવેલો એક ઉંદર આબાદ પાંજરામાં પકડાયો હતો એ જોયું હતું અને એનો બોધપાઠ એ ભૂલ્યા ન હતા.’(પૃ.૪૧) ડૉક્ટર અને પશીડોશીના ચિત્તના વ્યાપારોને સર્જકની ભાષા લયસહજ સિદ્ધ કરે છે. ‘ઘવાયેલી નિર્દોષતાનો રોષ નગીનદાસના મનમાં ઊંડો ઊતરતો હતો. આંખનો ખૂણો લાલ થતો હતો. જીભના ચાક પર ધૂમતા શબ્દોને મન જાણે સરાણે ચડીને ધારદર કરતું હતું.’(પૃ.૧૨૦) અને ‘નદીએ પાણી મળસકું થતાં, પડખું બદલી આંખો ખોલી. શ્રદ્ધાના નીર પણ એમ જ ચંચળ બન્યા હતાં. મૂઢતાની ઘેરી નીંદ ગઈ. પ્રફુલ્લ અને પાંગરેલું ચેતનવંતુ વહેણ પાછું વહેતું થયું.’(પૃ.૧૫ર) એ દ્વારા ડૉકટર નગીનદાસ અને પશીડોશીની ઘનીભૂત વેદના કે મનોવલણો મૂર્ત થયાં છે.

ઘટના-પરિસ્થિતિના દ્યોતક અને પાત્રના વિવિધ મનોભાવોના હૃદય અનુભવ કરાવતા સ્વાભાવિક સંવાદો લેખકની નિરૂપણકળાની એક નોંધપાત્ર સિદ્ધિ છે, જેમ કે-
ડૉક્ટર : "...આ તો ઉંમરે ભલે ને મોટા થયા પણ છોકરાં છે છોકરાં. થોડું મસ્તીધાંધલ કરી લે."(પૃ.૧૫)

સેંજી : “બાપલા, શો ગુનો થયો છે અમારો ?” (પૃ.૨૦)

ફોજદાર : “કેમ ચલાતું નથી ? બાપના વિવાહમાં આવ્યા હશો.” (પૃ.૪૨)

: “કૌન બોલા ? કિસકો સાલેકો સોના હૈ ? સોજા સુવર, કોન રોકતા હૈ તુજે ?" (પૃ.૫૨)

: “પોલીસલાઈનના માણસની કવારી પડેલી હોય છે. બિચારો સાચું કહે, ભલું કરવા જાય તોય કોઈ માને નહિ.”(પૃ.૬૩)

જગદીશ : “બાને કહેજો કે જરાય ફિકર ન કરે. અને હું ખુબ મઝામાં છું.”(પૃ.૭૦) પશીડોશી : “ડૉકટરસાહેબ તમે, કહે છે જગુને મળ્યા હતા. કેમ કે એને...?”(પૃ.૧૧૪).

અહિ પાત્રોચિત ગૌરવ જળવાય એવી ભાષામાં અને બને એટલા ઓછા શબ્દોમાં સંવાદો છટાદાર બની શક્યાં છે. તેમના સંવાદોમાં લેખકનું તળપદી બોલી પરનું પ્રભુત્વ પણ જોઈ શકાય છે. થોડા દૃષ્ટાંતો: “લ્યા આ રેલવાઈ જ ન હોય તો એ આવવાનો ક્યમ કરીને હતો ?”(પૃ.૧૦), “એ સા'બ, એના બોલ્યાં હામું ન જોતા. એ તો પેલી કૉલેઝમાં જાય સે તે ફાટ્યું ફાટ્યું બોલે સે. બાકી ભાઈ અહી શું દુઃખે સે.”(પૃ.૬૭), “આમ તો મોટા બા'દર કેવાઓ છો ને દલ આવું બિલાડીનું રાખો છો ?”(પૃ.૫૫)

કહેવતો અને રૂઢિપ્રયોગોનો યથોચિત વિનિયોગ જુઓ: ‘છાણ ના દેવને જોડાની જ પૂજા હોય’(પૃ.૮), ‘એમ નાકે લીટી તો નહીં જ ખેંચાય’ (પૃ.૯), ‘તો સહુનું થશે એ વહુનું થશે’(પૃ.૧૦), ‘તેલમાં માખી ડૂબી’(પૃ.૪૭) સજીવ કે નિર્જીવ પદાર્થના વર્ણનોમાં અરૂઢ અલંકારવિધાન જુઓ: ‘આકાશમાંથી વીજળી પડી હોય એમ એ મુંગા બન્યા’ (પૃ. ૮), ‘ઊભરાતા જતાં પાણીને નહેર મળી જાય, ઊકળતા લાવાને મારગ સાંપડે, એમ ધૂંધવાઈ રહેલી જનશક્તિને દિશા સૂજી’(પૃ.૧૧), ‘ટોળાની ચિચિયારીઓએ જાજરમાન નિઃશબ્દતાને ભેદી દીધી’(પૃ.૧૨), ‘સો મણ જારમાં એક અંગારો ખર્યો’(પૃ.૧૪), ‘અને અચાનક જ એકલપન્થની અંધારી પગદંડી પર પ્રકાશ પડી જાય અને બધું ઝળાંહળાં થઈ જાય એમ ફોજદારની આ વિચારકેડી પર પણ નવો પ્રકાશ પડ્યો’(પૃ.૪૦). ક્યારેક બોલીના લહેકા સુધી પહોંચતી લેખકની ભાષા જુઓ: ‘બીજીઓએ પણ કાંઈ ધમપછાડા ન’તા કર્યા એવું ન’તું’(પૃ.૩૮), ‘ગામે કદી ન’તું જોયું એવું સરઘસ નીકળ્યું’(પૃ.૪૧). ચોક્કસ અર્થ વ્યક્ત કરવા માટે પ્રયોજાયેલા વિશિષ્ટાર્થ અને અન્ય ભાષાના શબ્દો જુઓ: "He would never leave a chance of squeezing a good breast”(પૃ.૨૦). કોઈ વખત વાચકોને થતું સીધું સંબોધન જુઓ: ‘ઘણાં તીર્થસ્થાનોમાં તમે ગોમુખી અને ગંગા જોઈ હશે’(પૃ.૧૯), ‘કોઈ પ્રાણીસંગ્રહસ્થાનમાં વાઘના પાંજરામાં વરસના વચલા દિવસે પ્રાણીને ધકેલાતું કદાય તમે નહીં જવું હોય’(પૃ.૫૬).

આ કૃતિને જીવન્તતા અર્પતિ અન્ય ભાષાકીય સર્જકતા જોઈએ: શેઠ ડાહ્યાભાઈના સંવાદોમાં ‘શ્રીજીબાવા’ એ ધ્વનિનું પુનરાવર્તન, તત્વદર્શનને ઝીલતી વાદાત્મકત ભાષા (‘દુનિયા છોડી પછી મોહ શો ! અને એ કરી કરી ને કરવાનો શું સે. જિંદગીનો દૌર તો માલકના હાથમાં છે’-પૃ. ૬૯), કૃતિને મણિની માફક શોભાવતી ચિંતનકણિકાઓ (‘માનવીના મનનું અતાગ ઊંડાણ કળવું હંમેશા મુશ્કેલ હોય છે. જીવનમાં મૃત્યુનો ભાર સદાય એ વેઠયા કરે છે.’-પૃ. ૫૫, ‘વ્યક્તિ પાંગળી નથી, બાપડી નથી, બિચારી નથી. સાચને જૂએ, પરખે અને સમજે છતાંય સમાજના કે અન્ય..’-પૃ. ૧૬૨, ‘આચરણનું મૂળ નીતિ કે અનીતિ, ન્યાય કે અન્યાય, ક્ષમ્ય કે અક્ષમ્ય નહીં, પણ ઈપ્સિત હેતુને એ પહોંચવાને માટેનું કાર્યક્ષમ સાધન છે કે નહિ એ હોવું જોઈએ- પૃ. ૧૫૧) અને ટૂંકાવાક્યની કાર્યસાધતા ‘ચાલ, ચાલ, ચાલ’(પૃ ૪૩)

આમ, કથાની વસ્તુને સ્ફુટ કરતું ભાષાકર્મ અને વાચકને વિશ્રમ્ભમાં લઈ જતી કથનશૈલી પ્રસ્તુત નવલકથાને કળારૂપ આપવામાં મોટો ફાળો આપે છે. ભારતીય સાહિત્યમાં આવકાર મેળવવા સક્ષમ એવી આ કૃતિમાં નિરૂપણરીતિની કેટલીક ખામીઓ રહી જવા પામી છે, જેમ કે: એક જનેતા તરીકે પોતાના પુત્ર માટે બેદરકારી દાખવતી પશીડોશી અને બિલકુલ નિર્દોષ હોવા છતા છૂટવા ન ઇચ્છતા જગદીશનું પોથીપંડિત જેવુ પાત્ર, નાસ્તો લઈને ધર્મશાળાના ઓટલે ઉભા રહેતા દાક્તર, એવી કોઈ તીવ્ર અનુભૂતિમાંથી પસાર થયા વગર જ હૃદયપરિવર્તન પામતા અને અંગ્રેજ હોવા છતાં બોલીના લહેકા તથા તળપદા શબ્દોવાળી ગુજરાતી બોલતા ફોજદાર, પોલીસની જાતીયવાસનાના આલેખનમાં આવેલી મુખરતા તેમજ જગદીશ-પશીડોશીના સંવાદોમાં આવી જતી લેખકની ભાષા. જોકે લેખકની આગવી સર્જનકલાની પાછળ આ નગણ્ય મર્યાદાઓ સંપૂર્ણ ઢંકાઈ જાય છે.

વાસ્તવિક દુનિયામાં આપણે ઘણા માણસોના સંપર્કમાં રહીને વસીએ છીએ. છતાં તેઓને ક્યારેય પૂર્ણપણે ઓળખી શકતા નથી. શ્રી જયંતિ દલાલ અહીં માણસમાં રહેલું એક એવું જીવનરહસ્ય લઈને આવ્યા છે કે આપણે રહીએ છીએ એ જગતમાં ‘પુણ્ય હજ પરવાર્યું નથી’ તેની સતત ખાતરી થતી રહે. એવા લોકો આ દુનિયાને સ્વર્ગ સમી રાખવાના પ્રયાસો સતત ચાલુ રાખે છે. પોતાના આદર્શપાલનને આડે ગમે તેટલા આઘાતો સહન કરવા પડે તો પણ તે કરીને પોતાના ગામને, શહેરને, દેશને પુણ્યભૂમિ બનાવવા માટે પોતાની જાતને ઘસી નાખતાં અચકાતાં નથી. અહીં પણ જૂઓને, ડૉકટર, સેંજી, પશીડોશી, સ્ટેશન માસ્તર, મકન આદિ નંદપરા ગામની માનવતાની મૂર્તિઓ પોતાના ચારિત્રના સતથી ફોજદાર જેવા ફોજદારને પણ હરાવી દે છે ! કહોને કે, આ બધાએ નંદપરાને ‘તીરથ’ બનાવી દીધું છે. અને એ તીર્થધામમાં પોતાના સતકર્મોની સુવાસ પ્રસરાવી દીધી છે અને એ રીતે પોતાના ગામમાં વંદનીય, પૂજનીય બન્યા છે. શ્રી દલાલની પ્રસ્તુત નવલકથાનું આકર્ષણ બીજું કશું નહીં પણ આવા તીરથ સમાં વ્યક્તિત્વો જ છે. આખી નવલકથા વાચ્યા પછી ભાવકના ચિત્ત પર નવલકથાની જે ભાત ઊપસી આવે છે તે એની જ - નંદપરા ગામના આવા તીર્થંકરોની જ. ‘न मानुषात श्रेष्ठतरम हि किंचित’ એ મહાભારતકારની વાણીનો પ્રતિઘોષ પાડતી નવલકથા ‘પાદરનાં તીરથ’ આ રીતે સમયજીવી હોવાની સાથે સાથે ચિરંજીવી પણ બની છે.

સંદર્ભ

  1. ‘પાદરનાં તીરથ’, જયંતિ દલાલ, આદર્શ પ્રકાશન, ગાંધી માર્ગ, અમદાવાદ, છઠ્ઠી આવૃત્તિ-૨૦૦૭

કૌશિકકુમાર એલ. પંડ્યા, મદદનીશ પ્રાધ્યાપક, સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, પડધરી. kaushikpandya88@gmail.com