નિર્ધન વ્યક્તિ પ્રત્યે લોકોનો વ્યવહાર અને પરિશ્રમનો મહિમા સમજાવતું : પ્રેમાનંદ કૃત ‘કુંવરબાઈનું મામેરું’ કડવું – પાંચનો આસ્વાદ
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનાં પ્રથમ હરોળનાં મૂર્ધન્ય કવિઓમાં સ્થાન ધરાવતા કવિ પ્રેમાનંદનું નામ ગુજરાતીઓ માટે અજાણ્યું નથી. અઢારમી સદીમાં થઈ ગયેલાં આ સર્જકને લોકો આજે પણ વિસરી શક્યા નથી. તેમણે પોતાનાં સાહિત્યસર્જન થકી વેપારી પ્રજા તરીકે ઓળખાતી એવી ગુજરાતી પ્રજાનાં હ્રદયમાં સ્થાન પ્રાપ્ત કર્યું, જે આજે પણ અકબંધ રહ્યું છે. એવા કવિ પ્રેમાનંદ વિશે રા. વિ. પાઠક લખે છે કે, “ગુજરાતનું જીવન એ એની પ્રેરણા હતી અને તે જ તેના કાવ્યની સામગ્રી હતી... સમ્રગ ગુજરાતના જીવનનો તે મહાન અને અદ્વિતીય કવિ છે.” એવા વડોદરાવાસી પ્રેમાનંદનાં માતાપિતાનું અવસાન થવાથી માસીને ત્યાં રહી મોટો થયો. એણે જીવન નિર્વાહ માટે માણભટ્ટનો વ્યવસાય સ્વીકાર્યો હતો. આપણાં પૌરાણિક ગ્રંથો રામાયણ, મહાભારત અને પુરાણો વગેરેમાંથી પ્રસંગો લઈને પ્રેમાનંદે ‘ઓખાહરણ’, ‘અભિમન્યુ આખ્યાન’, ‘મામેરું’, ‘નળાખ્યાન’, ‘ચંદ્રાહાસાખ્યાન’, ‘રણયજ્ઞ’, ‘દશમસ્કંધ’ વગેરે આખ્યાનોની રચના કરી અને તે લોકોની સમક્ષ માણ વગાડીને રજૂ કરતો હતો. આખ્યાન સ્વરૂપના જનક ભાલણ છે, તો એને લોકપ્રિય બનાવનાર પ્રેમાનંદ છે.
પ્રેમાનંદ કૃત ‘કુંવરબાઈનું મામેરું’ આખ્યાન સોળ કડવામાં વહેંચાયેલું છે. એમાં પ્રેમાનંદ નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈના સીમંત પ્રસંગને આલેખ્યો છે. આખ્યાનમાં ભક્તિનો મહિમા કેન્દ્રમાં રાખ્યો છે. મામેરામાં નાગરીનાત અને ભક્ત નરસિંહ વચ્ચેનો સંઘર્ષ કલાત્મક રીતે નિરૂપણ પામ્યો છે. દીકરી કુંવરબાઈના સીમંત પ્રસંગમાં “મોસાળું કરશે શ્રીહરિ” એવી શ્રધ્ધાથી નરસિંહ મહેતા સાધુ-સંતોને સાથે લઈ કંઈ પણ લીધા વિના દીકરીના ઘરે જાય છે. એમની નિર્ધનતાનો નાગરી નાતનાં લોકો મજાક બનાવે છે. નણંદ કુંવરબાઈને મહેણાં મારે છે. અમીર માણસ પણ પૂરી કરી ના શકે એવી વડસાસુએ લખાવેલી યાદી જોઈને કુંવરબાઈ ચિંતા અનુભવે છે. મામેરાનાં દિવસે કૃષ્ણ-રુકમણિ, દામોદર દાસ અને કમળા શેઠાણી રૂપ લઈને મામેરું પૂરું કરે છે. ભક્ત નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈનો મામેરાનો પ્રસંગ હરિ કૃપાથી ઉકલી જાય છે.
પ્રેમાનંદકૃત ‘કુંવરબાઈનું મામેરું’ના પાંચમાં કડવામાં નરસિંહ મહેતાની દીકરીના સીમંત પ્રસંગમાં સામેલ થવા સાધુ-સંતોને સાથે લઈ કુંવરબાઈના સાસરિયાંમાં આવે છે. નરસિહ મહેતાના આગમનના સમાચાર મળતા વેવાઈ શ્રીરંગ, જમાઈ, જમાઈનો ભાઈ અને નાગરી નાતના લોકો મળવા આવે છે. બે વેવાઈ સ્નેહથી ભેટે છે. નાગરી નાતનાં લોકો નરસિંહ મહેતાને સ્નેહથી મળે છે પણ એમાં કપટ રહેલું છે. નરસિંહ મહેતા મામેરામાં સાધુ, મંજીરા, કરતાલ અને ઢોલ સાથે લઈને આવ્યાં છે એ જોઈ હસે છે. મચ્છર, જૂઆવાળા ઘરમાં મહેતાને ઉતારો આપવામાં આવે છે, ત્યારે એમનો કપટ ખુલ્લો પડે છે.
“કપટે ભેટી પાછા ખસે, સામગ્રી જોઈ જોઈને હસે.
ઊતરવા ઘર આપ્યું એક, મચ્છર જૂઆ માહે અનેક.”
નરસિંહ મહેતાને ઉતારો આપીને વેવાઈ જાય છે. કુંવરબાઈના પિતા મામેરામાં ખાલી હાથ આવ્યાની વાત નાગરી નાતમાં ફેલાઈ છે. નરસિંહ મહેતાની નિર્ધન સ્થિતિ જોવા જતી સ્ત્રીઓ વ્યંગમાં કહે છે.
“છે કુંવરવહુનો વૈષ્ણવ બાપ દર્શન કરીને ખોઈએ પાપ.”
નાગરી સ્ત્રીઓ કૌતુક કરતા વાત કરે છે કે, નરસિંહ મહેતા ભક્ત છે. એમના ઉપર ઈશ્વરની કૃપા છે. એમને જોવા ઈશ્વર જોયાં બરાબર છે -એવું કહીને મહેતાનાં વખાણ નહીં પણ નિંદા કરે છે. તેમની પાસે રહેલી સામગ્રી જોતા કહે છે.
“કુંવરવહુનું ભાગ્યું દુ:ખ, એમ કહીને મરડે મુખ;”
ખાલી હાથ આવેલા નરસિંહ મહેતાને જોઈને કહે છે, એ તો છાબમાં તુલસી પત્ર મૂકી, શંખ વગાડી, હરિ ગુણ ગાયને મામેરું પૂરું કરશે -એવી વાતો કરી પિતા-પુત્રીની હાંસી ઉડાવતી નાગરી સ્ત્રીઓને એમના પ્રત્યે થોડો પણ સમભાવ નથી.
“આ શંખ મહેતાજી ફૂંકશે, છાબમાં તુલસી પત્ર મૂકશે.”
પિતા આવ્યાંની વાત કુંવરબાઈ સુધી પહોંચતા, પિતાને મળવા ઉતાવળી જાય છે, ત્યારે એની નણંદ મહેણું મારતા કહે છે.
“આ શું પિતા પુત્રીનું હેત ! સગાંને કરવા આવ્યા ફજેત;
લજાવ્યું સાત પેઢીનું નામ, સાથે વેરાગીનું શું કામ.”
આ તો કેવો પિતા-પુત્રીનો પ્રેમ ! સગાની આબરૂની ચિંતા કર્યાં વિના ખાલી હાથે આવ્યાં. તમે સાત પેઢીનું નામ બોળ્યું. આવા પ્રસંગમાં વૈરાગીનું શું કામ? આવો નિર્ઘન બાપ હોવા કરતા તો બાપ વિનાનું હોવું સારું, નણંદના આ શબ્દો કુંવરબાઈને દુ:ખી કરે છે. એનો જવાબ આપતા કહે છે, નણંદ આમ મચ્છરની જેમ, પાછળથી કેમ બબડો છો? જે દીકરીના પિતા સુખી હોય એ દીકરીને ઘણા લાભ પ્રાપ્ત થાય. કોઈના પિતા લાખોપતિ હોય એનાથી મારે શું? મારા ગરીબ પિતા મારા ઘરે આવ્યા એ મારે મન સોના જેવું મૂલ્યવાન છે.
“કોનો પિતા લખેશરી કહાવે, તે મારે શું કામ આવે?
રાંક પિતા આવ્યો મુજ ઘેર, એક કાપડું સોનાનો મેર.”
કુંવરબાઈને મન ધનનું મહત્ત્વ નથી પણ એને મન તો પિતાનું મૂલ્ય છે. તમે મારા પિતા વિશે ગમે તે કહો પણ મારો “એવો પિતા મારો જીવતો રહો” કહીને પિતાને મળવા જાય છે. દૂરથી દીકરીને આવતા જોઈને નરસિંહ મહેતા હરિનું સ્મરણ કરે છે. પિતા-પુત્રી એકબીજાને આદરથી ભેટે છે. દીકરીના મસ્તક ઉપર હાથ મૂકી પાસે બેસાડી એની ખબર પૂછતાં કહે છે.
“કહો કુંવરબાઈ, કુશલીક્ષેમ? સાસરીયા કાંઈ રાખે પ્રેમ.”
નરસિંહ મહેતા દીકરીને કહે છે કે, આવો રૂડો સીમંતનો અવસર આવ્યો છે, એમાં મામેરું શ્રીહરિ પૂરું કરશે. પિતાની નિર્ધન સ્થિતિને જાણતી કુંવરબાઈ કહે છે કે, આપણી પાસે સામગ્રી છે નહીં ! તો મામેરું કેવી રીતે પૂરું થશે ? મામેરું નહીં થાય તો નાગરી નાતમાં આપણી લાજ કેમ કરી રહેશે ? ગરીબ ઘરની દીકરી હોવાને કારણે એણે સાસરિયાંમાં મહેણાં અને અપમાન સહન કર્યું છે. જો મામેરું નહીં થાય તો એના પિતાનું અપમાન થશે એ જોઈ નહીં શકે. એટલે પિતાને પૂછે છે કે, ધન ના હતું તો શા માટે આવ્યા ? કુંવરબાઈ પિતાને નિર્ધન માણસ પ્રત્યેનો લોકોનો દૃષ્ટિકોણ, એની સાથેનો લોકોના વ્યવહાર વિશે કહે છે, નિર્ધનનો અવતાર નકામો છે. નિર્ધનનું જીવવું ધિક્કાર જનક છે. નિર્ધન વ્યક્તિનું કહ્યું કોઈ મન પર લેતું નથી. નિર્ધન વ્યક્તિની લોકો મજાક કરે છે. નિર્ધનને લોકો ઘેલો ગણી આંગણે ઊભો રાખતા નથી. લોકો નિર્ધનને દુર્બળ કહીને બોલાવે એનાથી ખરાબ બીજું કંઈ નથી. પિતાને પરિશ્રમનો મહિમા સમજાવતા કહે છે.
“તાત, કાંઈ ન કરો ઉધમ તો અવસર સચવાશે કેમ?”
તમે નાડાછડી, ચોળી, માટી નથી લાવ્યા. શા માટે આવી દરિદ્રતા આવી? હવે આપણી લાજ લોકોમાં કેમ રહેશે ? મા જીવતી હોત તો દુ:ખી થવાનો વારો ન આવ્યો હોત. દીકરીની સ્થિતિ અને વેદનાને સમજી પ્રસંગ ઉકેલવા વ્યવસ્થા કરી હોત. મૃત્યુ પામેલી માને સ્મરણ કરે છે. “હું શે ન મૂઈ મરતે માત” માતા અને પિતા પ્રેમમાં રહેલો ભેદ, મા વિનાના બાળકની સ્થિતિ વિશે કહે છે કે, મા વિના બાળકનો સંસાર સૂનો છે. માતાના મૃત્યુ સાથે પિતાની સગાઈ જતી રહે છે. પિતાનો પ્રેમ આથમતા સૂર્યના તેજ જેવો છે. મીઠા વિનાનું અન્ન, ભાવ વિનાનું ભોજન, કીકી વિનાની આંખ જેવો પ્રેમ મા વિના બાળકો પર પિતાનો હોય છે. મરેલી ગાયનું વાછડું, પાણી વિના તડફડતી માછલી, ટોળાથી છૂટું પડી ગયેલું હરણ જેવી સ્થિતિ મા વિના બાળકની છે. મા વિનાની દીકરી વિશે કહે છે.
“ઘડો ફૂટે રઝળે ઠીકરી, મા વિના એવી દીકરી,
ગોળ વિના મોળો કંસાર, માતા વિના સૂનો સંસાર.”
વૈરાગી, શંખ, ઢોલ અને માળા લઈને તમે આવ્યાં છો એ કંઈ મામેરું કરવાની રીત નથી. શા માટે ઉપહાસ કરાવવા તમે આવ્યાં? તમારી પાસે સામગ્રી ના હોય તો પાછા જાઓ, કહેતા કુંવરબાઈ રડી પડે છે. દીકરીને રડતી જોઈ એના મસ્તક પર હાથ મૂકીને નરસિંહ મહેતા કહે છે, “મોસાળું કરશે શ્રીવૈકુંઠનાથ” મામેરામાં જોઈતી સામગ્રી લખાવ, કોઈ વસ્તું વિસરાય ન જાય. પિતા ઉપર વિશ્વાસ રાખી, સાસુ પાસે જઈને મામેરા માટે જરૂરી સામગ્રીની યાદી લખાવવાનું કહે છે.
“મારા પિતાએ મોકલી હુંય, લખો કાગળમાં જોઈએ શુંય.”
કુંવરબાઈ પિતા નરસિંહ મહેતાની જેમ ઈશ્વર પર અતૂટ શ્રધ્ધા રાખી શકતી નથી, કારણ કે એ તો સંસારી છે. જેણે નિર્ધન પિતાની દીકરી હોવાને કારણે ડગલેને પગલે એના સાસરિયાંનાં મુખે મહેણાં સાંભળ્યા છે. એને ઈશ્વર પર ભલે પિતા જેટલી શ્રધ્ધા ના હોય પણ એને પોતાના પિતા પર વિશ્વાસ છે, એ વિશ્વાસને જોરે જ પિતાની વાત માની સાસુને મામેરાની સામગ્રીની યાદી લખાવવાનું કહે છે. કુંવરબાઈના આ શબ્દો સાંભળી સાસુ મુખ મરડી બોલે છે, એમાં શું કાગળ લખવાનો એ તો છાબમાં તુલસી પત્ર મૂકી, શંખ વગાડીને મામેરું કરશે.
‘કુંવરબાઈના મામેરા’ના પાંચમા કડવાંમાં નરસિંહ મહેતાનું દીકરીનાં સાસરિયાંમાં કરવામાં આવેલું સ્વાગત, નાગરી નાતનાં લોકોએ કરેલો ઉપહાસ, કુંવરબાઈનો પિતા પ્રત્યેનો પ્રેમ, નિર્ધન વ્યકિતની સ્થિતિ, પરિશ્રમનો મહિમા, માતા-પિતાનાં પ્રેમમાં રહેલો ભેદ, માતૃપ્રેમનો મહિમા, માતા વિના બાળકની સ્થિતિ, કુંવરબાઈ સાથે સાસરિયાંનું વર્તન અને નરસિંહ મહેતાની ઈશ્વર પ્રત્યેની અડગ શ્રધ્ધાનું નિરૂપણ થયું છે.
// સંદર્ભ સૂચિ //