Included in the UGC-CARE list (Group B Sr. No 172)

ગુજરાતી સૉનેટનો અમૂલ્ય ગ્રંથ : ‘આપણાં સૉનેટ’

‘‘ભારતની અન્ય ભાષાઓના સાહિત્યમાં જ્યાં સૉનેટ વિકસ્યું છે તેમાં ગૌરવભેર અગ્રીમ સ્થાને ઉભું રહી શકે તેવું ગુજરાતી સૉનેટકાવ્ય ખીલ્યું છે.’’ (‘આપણાં સૉનેટ’, પૃ.- ૮૦)

સંપાદકશ્રીનું આ વિધાન ગુજરાતી સૉનેટની શક્તિ અને લબ્ધિ દર્શાવે છે. ગુજરાતીમાં સૉનેટની શરૂઆત અર્વાચીન યુગમાં થાય છે. મૂળ ઇટાલીમાં જન્મેલું આ સ્વરૂપ આપણે ત્યાં અંગ્રેજી સાહિત્યના સંપર્કને કારણે આવે છે. પશ્વિમનું આ સ્વરૂપ આજે આટલાં વર્ષોમાં આપણે ત્યાં જે વિકાસ કર્યો છે એ જોતા ચંદ્રશંકર ભટ્ટનું ઉપરોક્ત વિધાન સર્વથા સાચું ઠરે છે. ગુજરાતીમાં સૉનેટ સ્વરૂપે આજે પોતીકી મુદ્રા ધારણ કરી છે. અને તે પશ્ચિમનું સાહિત્ય સ્વરૂપ મટી ગુજરાતી બની ગયું છે. જે એની વિશેષતા છે.

‘આપણાં સૉનેટ’‌ પુસ્તકનાં‌ સંપાદક ચંદ્રશંકર ભટ્ટ છે. એની પ્રથમ આવૃત્તિ નવેમ્બર ૧૯૭૧માં પ્રગટ થયેલી છે. આ પુસ્તકનું પ્રકાશન વૉરા એન્ડ કંપની, અમદાવાદ દ્વારા કરવામાં આવ્યું છે. એની કિંમત ૭.૫૦ રૂપિયા છે. ક્રાઉન સાઈઝનું આ પુસ્તક છે. આ ગંથમાં સંપાદકે ગુજરાતીમાં સૉનેટ ઉદ્દભવ્યું ત્યારથી શરૂ કરીને સ્વાતંત્રોતર યુગ સુધીનાં ઉતમ સૉનેટની પસંદગી કરી છે. એટલે કે ઇ.સ ૧૮૮૮થી ઇ.સ ૧૯૭૧ સુધીનાં સૉનેટોનો સંચય અહીં ‌કરવામાં આવ્યો છે. આ ગંથના સૉનેટો ગુજરાતીમાં સૉનેટ સ્વરૂપનો વિકાસ દર્શાવે છે. અને એની ગુણવત્તા ને મહત્તા દર્શાવે છે. તેમજ ગુજરાતી સૉનેટનો એક આલેખ આપે છે.

આ ગંથમાં દરેક સૉનેટ કવિઓની ઉત્તમ રચનાઓ પસંદ કરવામાં આવી છે. કોઈ કવિની એક તો કોઈ કવિની ચાર-પાંચ રચનાઓ મળીને કુલ ૧૦૧ સૉનેટ ગ્રંથસ્થ થયા છે. ગ્રંથના અંતમાં સંપાદકશ્રીએ દરેક સૉનેટની સમજુતી ટીપ્પણી સ્વરૂપે આપી છે. જે આ ગ્રંથની વિશેષતા છે.

આ ગ્રંથમાં જુદા જુદા કવિઓના સૉનેટો ગ્રંથસ્થ કરવામાં આવ્યા છે. એટલે એનું મુલ્યાંકન એના સ્વરૂપગત લક્ષણોને આધારે કરવું યોગ્ય નથી. આથી એનો અભ્યાસ એમાં પ્રગટતા વિષય-ભાવ, વૈવિધ્યને આધારે કરીશું જેથી ગુજરાતી સૉનેટનો સાચો વિકાસ નજરે પડે.

પ્રણય :

આ ગ્રંથમાં ઊડીને આંખે વળગતો વિષય પ્રણય નિરૂપણ છે. મોટાભાગના સૉનેટોમાં વિવિધ કવિઓએ પ્રણયની સંવેદનાઓ, ભાવમુદ્રાઓ, અને વિવિધ અવસ્થાઓ સુંદર રીતે વર્ણવી છે. એની સાથે સાથે એમા ચિંતન પણ ભારોભાર નજરે પડે છે. આવા સોનેટોમાં ‘મોગરો’, ‘અષાઢ:વર્ષાને’, ‘જાવા પૂર્વ’, ‘ઉષા ન્હોતી જાગી’, ‘બે પૂર્ણિમાઓ’, ‘લગનોન્મુખ બાલાને’, ‘વાતો’, ‘સુગન્ધે નન્દોની’, ‘આશ્લેષમાં’, ‘પ્રથમ પ્રીતિનો’, ‘પ્રણય’, ‘તમે આવ્યાં ને આ’, ‘ન હવે’ વગેરે જેવા સૉનેટનો સમાવેશ થાય છે. બ.ક.ઠાકોરના ‘મોગરો’ સોનેટમાં પ્રણયના મુગ્ધ ભાવો આભિવ્યક્તિ થયા છે. પ્રિયતમ પોતાની પ્રિયતમાની લટમાં મોગરો મુકવાની ક્રિયા સુંદર રીતે નિરૂપાઈ છે,-
‘‘પ્રિયે, તુજ લટે ધરું ધવલ સ્વચ્છ આ મોગરો,
નહીં નિકટ એથિ પર્સહક આ સમે માહરો’’ (એજન. પૃ.- 3)

દેશળજી પરમારના ‘અષાઢઃ વર્ષાને’ કાવ્યમાં કવિ અષાઢ માસમાં વર્ષાને- પ્રિયતમાને ઇજન આપે છે. પ્રણય-દામ્પત્યનો મધુર ભાવ આ કાવ્યમાં વર્ણવાયો છે. સુન્દરમના ‘જાવા પૂર્વે’ અને ‘ઉષા ન્હોતી જાગી’ સૉનેટમાં પ્રણયનો મધુર ભાવ નિરૂપાયો છે. ‘જાવા પૂર્વમાં’ પ્રણયવૈફલ્યની વેદનાનું ઉત્કટ વર્ણન તો ‘ઉષા ન્હોતી જાગી’માં પ્રણય અને પ્રકૃતિના તત્વોનું સુમધુર આલેખન છે. જુઓ,-
‘‘અને એ પક્ષીના કલરવમહીં તારી સ્મૃતિઓ,
ઉડી આવી ટોળું થઈ, વિપટ સૌ અંતરતણી.’’ (એજન. પૃ.-19)

પ્રકૃતિના સહવાસમાં પ્રિયતમાની સ્મૃતિઓ કવિને વીંટળાઈ વળી છે. જેનું નિરૂપણ કવિએ કર્યું છે. ઉમાંશંકર જોશીના ‘બે પૂર્ણિમાઓ’ કાવ્યમાં પણ મધુર પ્રણય ભાવનું આલેખન પ્રકૃતિના સાહચર્યથી નિરૂપાયું છે.

રામપ્રસાદ શુકલના ‘લગનોન્મુખ બાળાને’ સૉનેટમાં લગનોન્મુખ બાલાની શૃંગાર અવસ્થાનું લલિત ચિત્ર તેના અંતર ભાવની લીલાના સંસ્પર્શથી કેવું મનોહર, સાચુકલું અને આસ્વાદ્ય બન્યું છે,-
‘‘પ્રતીકો એ બોલે ! નવઉગમનાં યૌવન તણા,
તને અર્પે શોભા, છલબલ છટા વીજચપલા.’’ ( એજન. પૃ.-29)

પ્રહલાદ પારેખના ‘વાતો’ સોનેટમાં રોમેન્ટિક શૈલીનું નિરૂપણ છે. પ્રણયની મધુરતાનું નિરૂપણ છે. પ્રિયતમ અને પ્રિયતમાની વાતો રોમેન્ટીક છે. જુઓ,-
‘‘હજુ ધીમે ધીમે પ્રિય સખી ! તહીં ઝાડ ઉપરે
સૂતેલા પંખીને કથની જરી જો કાન પડશે
પ્રભાતે ઊઠી એ સકલ નિજને ગાન ધરશેઃ
કથા તારી મારી સકલ દિશ માંહી વહી જશે.’’ ( એજન. પૃ.-44)

પ્રિયતમ ને પ્રિયતમાની વાતોનું કેટલું રમણીય ચિત્ર છે. ધીરે-ધીરે વાતો નહી કરીએ તો પક્ષીઓ પણ આપણી વાતો ફેલાવી દેશે એવી કલ્પના સુંદર છે.

પિનાકીન ઠાકોરના ‘સુગન્ધે નન્દોની’ કાવ્યમાં જીવનમાં થતાં પ્રણય વિકાસની વિવિધ સ્થિતિઓનું આલેખન કરવામાં આવ્યુ છે. તો વળી, ‘આશ્ર્લેષમાં’ હરીન્દ્ર દવેએ પ્રિયતમાંનું મિલન કેવળ ભૌતિક ન રહેતા પ્રસન્નતાનું બની રહે છે. પ્રિયાની કાયાને આશ્ર્લેષમાં લેવાની સ્થૂળ લાગતી ક્રિયાનો ભાવ મધુર છે,-
‘‘મારા પ્રલંબિત કરે નવ માત્ર કાયાઃ
આશ્ર્લેષમાં સકળ સૃષ્ટિની લીધી માયા’’ (એજન. પૃ.- 82)

પ્રણયનો અનુભવ વ્યક્તિએ-વ્યક્તિએ નિરાળો-નોખો રહેવાનો. એ ભાવ ‘પ્રણય’ નામક સોનેટમાં જશવંત દેસાઈએ નિરૂપ્યા છે. જુઓ,-
‘‘પ્રિય ! મારો તારા પ્રતિ પ્રણય ના એવી રીતનો-
તને જોતાં મારી રગરગ ઊઠે અગ્નિ પ્રજળી’’ ( એજન. પૃ.-97)

અને પ્રથમ પ્રણયનું સંવેદન કોઈકના આગમનથી સળવળી ઊઠે છે. એનું આલેખન માધવ રામાનુજ ‘તમે આવ્યાં ને આ...’ સૉનેટમાં કર્યું છે,-
‘‘તમે આવ્યાં ને આ અમથું અમથું મૌન ઊઘડ્યું,
ગયા ગોરંભીને ધન વરસી, આકાશ ઊઘડ્યું’’ (એજન. પૃ.-100)

આમ, આ ગ્રંથમાં પ્રણયના સુમધુર ભાવોને ગુજરાતી સર્જકોએ પોતાના સૉનેટમાં નિરૂપ્યાં છે. પ્રણયની સંવેદનાને એના સૂક્ષ્મ સ્તરે કવિઓએ નિરૂપી છે. એ ગુજરાતી સૉનેટની વિશેષતા છે.

પ્રકૃતિ:

આ ગ્રંથમાં બીજો મહત્વનો વિષય ‘પ્રકૃતિ’ છે. ગુજરાતી સૉનેટકારો એમના સોનેટમાં પ્રકૃતિના અનેક ભાવો, પરિસ્થિતિઓને વાચા આપી છે. પ્રકૃતિના તત્વો અગણિત છે. છતાં આ બધા તત્વોને કવિએ પોતાની કવિતામાં મૂકવાનો પ્રયત્ન કર્યો છે. ‘ભણકારાં’, ‘અહો પૃથ્વી મૈયા !’, ‘મધ્યાહન’, ‘ઊષરપટમાં ચાંદની’, ‘ભરતી’, ‘અરબી રણ’, ‘મધુર નમણા ચહેરા’, ‘આદિમતાની એક અનુભૂતિ’, ‘મેઘલી રાત’ જેવા અનેક કાવ્યો અહીં ગ્રંથસ્થ કરવામાં આવ્યા છે.

બ. ક. ઠાકોરનું ‘ભણકારાં’ સૉનેટ ગુજરાતી ભાષાનું પ્રથમ સોનેટ છે. છતાં આ સૉનેટમાં પ્રકૃતિના તત્વો-પદાર્થનું સૌન્દર્યાનુભૂતિ કરાવતું અને કાવ્યસર્જનની અલૌકિક રહસ્યતા સ્ફૂટ કરતું અદ્વિતીય સૉનેટ છે. રેવા નદીના તટનું, વહેલી પરોઢના ગાઢ ધુમ્મસની છાયાનું આ વર્ણન જુઓ,-
‘‘આઘે ઊભાં તટધુમસ જેમાં દ્રુમો નીંદ સેવે,
વચ્ચે સ્વપ્ને મૃદુ મલકતાં શાંત રેવા સુહાવે’’ (એજન. પૃ.- 1)

પ્રકૃતિના તત્વોનું આ વર્ણન કલ્પનોથી સમૃદ્ધ છે. આ ઉપરાંત ‘વર્ષાની એક સુંદર સાંઝ’ સૉનેટમાં પણ પ્રકૃતિના તત્વોનું સુમધુર ગાન છે.

કવિ સુન્દરમનું ‘અહો પૃથ્વી મૈયા !’ સૉનેટ પૃથ્વીની વિશાળતા-અલૌકિતાને રજૂ કરે છે. પૃથ્વી પર રહેનાર માનવી ગમે તેટલો હોંશિયાર- સિધ્ધિવાળો હોય પણ તે વસુધાની અકળ, અલૌકિક ગતિની રહસ્યતાને પામવામાં નાનો જ છે.
‘‘અમારી નાનેરી મતિ મુંઝવશો ઝાઝી નહીં, મા !
તમે મૈયા, જાણો ભુવનભુવનોની ગતિ બધી.’’ (એજન. પૃ.-17)

ઉમાશંકર જોશીનું ‘મધ્યાહ્ન’ સૉનેટ માત્ર ને માત્ર પ્રકૃતિનું જ નિરૂપણ કરે છે. સ્વતંત્ર પ્રકૃત્તિ વર્ણનના સૉનેટ ભાગ્યે જ મળે છે. એ દ્રષ્ટિએ આ ઉત્તમ સૉનેટ છે. ગ્રીષ્મના મધ્યાહ્નનું, એનાં બપોરની બળબળતી સૃષ્ટિનું હૃદયગમ્ય વર્ણન તો જુઓ,-
‘‘હતી ક્ષિતિજ હાંફતી, પ્રખર ધોમ ધખતો હતો,
અઘોર અવધૂત શી હતી છટા જ મધ્યાહ્નની.’’ ( એજન. પૃ.-24)

ગ્રીષ્મના મધ્યાહ્નનું આહ્રલાદક વર્ણન અહીં છે. ‘ઉષરપટમાં ચાંદની’ રામ પ્રસાદ શુક્લનાં કાવ્યમાં સાગરના કિનારે જોયેલી ચાંદનીનું મનોહર વર્ણન છે. તો વળી કૃષ્ણલાલ શ્રીધરાણીના ‘ભરતી’ કાવ્યમાં સાગરની નહી, પણ હૃદયની ભરતી, એમાં ઉઠતા વિચારોના મોઝાનું નિરૂપણ છે. તેમજ એમના ‘અરબી રણ’ નામક સોનેટ રણની વેરાનતા, વિજનતા ને વિકરાળતાનું ભયાનક દર્શન કરાવે છે.-
‘‘દિશા સકળ ભેદતી ગરમ લુય ખાવા ગસે;
કસેય નવ જાખરુ - તણખલુ ન લીલું લસે’’ (એજન. પૃ.-33)

રણની ભયાનકતાનું તાર્દ્શ્ય વર્ણન ચિંતન સાથે નિરૂપાયુ છે. તો જયંત પાઠકના અને ઉશનસના અનેક સૉનેટોમાં પ્રકૃતિ પ્રેમ ભારોભાર છલકાય છે. જ્યંત પાઠકનું ‘આદિમતાની એક અનુભૂતિ’ નામક સૉનેટમાં નાગરિક બનેલો આદિવાસી-વનવાસી પોતાના અસલ વતનમાં જતા એના માટે તો વન જ આખું ઘર છે. એ અનુભૂતિ અહલાદક છે,-
‘‘હું આવું છું પાછો, બહુ દિન પછી ઘેર: વનમાં
ઉતારી નાખું છું વસન પૂરના સભ્ય જનનાં;
પુરાણું આ મારું વન ઘર, નહીં છપ્પર -ભીંતો,
અહીં અંધારાથી, શરમ મૂકીને, સૂર્ય રમતો’’ (એજન. પૃ.-75)

વનવાસીનું, એની સંવેદનાનું આ નિરૂપણ સુંદર છે. ‘મેઘલી રાત’ સૉનેટમાં વિનોદ અધ્યર્યુએ અંધારયુકત મેઘલી રાતનું વર્ણન કર્યું છે. અહીં વૃદ્ધ અને વૃદ્ધાના બે પાત્રો મૂકીને મેઘલી રાતને વધુ આકર્ષક બનાવી છે,-
‘‘તિમિર ટપકે પર્ણો પર્ણો ભીનું વન આ બધું,
થથરતી ઊભી ઠંડી વૃક્ષો તળે પલળી રહી’’ ( એજન. પૃ.-81)

પ્રકૃતિના આવા નિતનવા તત્વોને, એના ભાવોને ગુજરાતી કવિએ ઉત્તમ રીતે પોતાના સૉનેટમાં નિરૂપ્યો છે.

વિરહ ભાવ:

ગુજરાતી સૉનેટ કવિએ પ્રકૃતિ, પ્રેમ અને પ્રેમમાંથી પરિણમતો વિરહનું ગાન પણ સૉનેટમાં સુંદર રીતે કર્યું છે. આવા સૉનેટમાં ‘વિદાય’, ‘જોઈશ આ હ્રદયભીતર’, ‘મજલી રણની’ અને ‘હવે’ વગેરેનો સમાવેશ થાય છે. ‘વિદાય’ સૉનેટમાં પ્રહલાદ પારેખ છોડી ગયેલી પ્રિયતમાને સંબોધન કરે છે. પોતાના સંસ્મરણોનો ભાર પણ ન રાખી, બીજાની સાથમાં બધુ ભૂલી જવા માટે કવિ સૂચન કરે છે,-
‘‘કદી નહિ કહું, ‘મને જ સ્મરણે સદા રાખજે,
અને નયનપંથનું અવર વિશ્વ તું ત્યાગજે;
મળે અધિક ઊજળા દિન અને મીઠી રાતડી
જજે સકલ તો ભૂલી રજનિ ને દિનો આપણાં’’ (એજન. પૃ.- 43)

તો વળી, હરીન્દ્ર દવેએ ‘જોઈશ આ હૃદયભીતર’ કાવ્યમાં પ્રિયતમાંની સાથે હૃદયે જે ચેસ્ટાઓ કરી છે પણ તેનો અનાદર થતાં પ્રગટેલી વેદના નિરૂપાય છે,-
‘‘જોઈશ આ હૃદય ભીતર એક વાર ?
પારેવડું ગરીબડું રડતું ઘવાયું’’ (એજન. પૃ.- 45)

પારેવડા જેવા કોમળ હૃદયને નચાવ્યું અને ખોળે રમાડયું પણ એનો અનાદર અહીં વેદના રૂપે પ્રગટ્યો છે. ‘મજલ રણની’ સૉનેટમાં દુર્ગેશ શુક્લએ પ્રિયતમાંને વતનમાં છોડી ગયેલ યાત્રી રણની મજલમાં જે વિરહ અનુભવે છે એનું આલેખન કર્યું છે,-
‘‘રજનિ ઢળતાં પંથી ભેગાં શરાઈ મહીં થયા,
સુખદુઃખતણી વાતે જામે શરાબ છલી ગયાં’’ (એજન. પૃ.- 48)

ચંદ્રશંકર ભટ્ટે ‘હવે’ નામક સૉનેટમાં પ્રણય વૈફલ્યથી પ્રગટતી કરૂણ દશાને નિરૂપતું સૉનેટ છે.
‘‘હવાં ગઈ તું આંગણે અવર કો સુભાગી તણા,
દ્રવે નયન, અંતરે અસહ દાહ દુર્ભાગ્યના’’ (એજન. પૃ.- 80)

અનેક કવિઓ પાસેથી વિરહભાવના આવા અસંખ્ય સૉનેટ પ્રાપ્ત થાય છે. ગુજરાતી સૉનેટકારોએ વિરહના મુગ્ધ ભાવોને આલેખ્યાં છે.

દાંપત્યભાવ:

આ ગ્રંથમાં દાંપત્યભાવને અસરકારક રીતે નિરૂપવામાં આવ્યો છે. દાંપત્ય જીવન એ જીવનનો સમૃદ્ધ સમય છે. એના વિવિધ ભાવોને અહીં કવિઓએ શબ્દસ્થ કર્યા છે. ‘છેલ્લું દર્શન’, ‘સ્મારક’, ‘જૂનું ઘર ખાલી કરતાં’ જેવા સૉનેટો આ વિષયના ઉત્તમ છે. રા.વિ.પાઠકે ‘છેલ્લું દર્શન’ નામક સૉનેટમાં પોતાની પ્રિય પત્નીનું અવસાન થઈ ચુક્યુ છે અને એને જોવા માટે હૃદયને વિનવે છે અને અશ્રુઓને શાંતિ રાખવાનું કહે છે,-
‘‘ધમાલ ન કરો,- જરાય નહિ, નેન ભીનાં થશો,-
ઘડી બે ઘડી જે મળી - નયનવારિ થંભો જરા’’ (એજન. પૃ.- 12)

તો વળી, આવું જ બીજું એક સોનેટ ‘સ્મારક’ છે ચં.ચી.મહેતાએ અવસાન પામેલી પોતાની પત્નીને સંબોધીને કહે છે,-
‘‘હતી રમતિયાળ તું - સરલ શાંત ગંગોદક-
સદા પતિતપાવની કમલરેખ શી વિસ્તરી’’ (એજન. પૃ.- 13)

પ્રિય પત્નીનાં સંસ્મરણોને કવિએ વાગોળ્યાં છે. તો બાલમુકુંદ દવેના ‘જૂનું ઘર ખાલી કરતાં’ સોનેટમાં દાંપત્ય જીવનની સાથે-સાથે કરુણ મધુર ચિંતન પણ ઝીલાયું છે. જુનું ઘર ખાલી કરતી વખતે બધી જ સ્થૂળ સામગ્રીઓ લીધી અને કશું જ ભૂલાયું નથી. દરવાજો બંધ કરતાં કાવ્યનાયક ઘરમાં એક છેલ્લી નજર નાખે છે, ત્યારે ખૂણામાંથી એક અવાજ આવે છે,-
‘‘કોલેથી જે નીકળી સહસા ઊઠતો બોલી જાણેઃ
બા-બાપુ ! ના કશુંય ભૂલિયાં, એક ભૂલ્યાં મને કે ?’’ (એજન. પૃ.- 65)

આ ઘરમાં દાંપત્ય જીવનના અનેક રંગો જોયા છે. એમાંથી એક ભાવ તે આ. દીકરાનો જન્મ આ ઘરમાં થયો ને અવસાન પણ, હવે આ ઘર ખાલી કરતાં બધી સ્થૂળ વસ્તુઓ લઈ જઈ રહ્યા છે પણ દીકરાની સંવેદનાઓ કેવી રીતે લઈ શકાય. એ ધ્વનિ આ કાવ્યનો છે. આવા સુંદર દાંપત્યજીવનના સૉનેટ અહીં પ્રાપ્ત થાય છે.

નગરજીવન:

આ સંગ્રહમાં નગરજીવન વિષયયક સૉનેટો મળે છે. સ્વાતંત્રેતર યુગમાં વિષય પરત્વે નવિનતા આવે છે. માણસની સંવેદના બદલાય છે. એમ આધુનિક માનવીની સંવેદના નગર જીવનના કેન્દ્રમાં છે. આ પ્રકારના સૉનેટમાં ‘આધુનિક અરણ્ય’, ‘કોલાબા પર સૂર્યાસ્ત’, ‘ગઢનાં ફૂલ’, ‘શ્હેરની ઘડીઓ ગણતાં’, ‘શહેરનું પ્રભાત’ વગેરેનો સમાવેશ થાય છે.

નગર જીવનના સૉનેટનો પ્રમુખ અવાજ નિરંજન ભગત છે. એમની પાસેથી ‘આધુનિક અરણ્ય’ અને ‘કોલાબા પર સૂર્યાસ્ત’ નામક સૉનેટ મળે છે. ‘આધુનિક અરણ્ય’માં આપણી સંસ્કારયાત્રા જંગલથી ઉદ્દભવી અરણ્ય- આશ્રમ સુધી વિસ્તરી તેનું આહ્લાદક નિરૂપણ છે. અહીં નગરજીવનમાં નિરસતા, નિર્દયતા, જડતા, યાંત્રિકતા, કૃત્રિમતા, દાંભિક્તા અને નાટકીયપણાને કારણે આપણી સંસ્કારયાત્રા વિકૃત બની છે,-
‘‘વનસ્પતિ નહીં, ન વેલ, નહિ વૃક્ષ જ્યાં ઝૂમતાં,
વિહંગ નહિ, રેડિયો ટહૂકતો પૂરે વોલ્યુમે’’ (એજન. પૃ.- 62)

તો વળી, બીજા સૉનેટમાં મુંબઈ નગરની સાંયકાળની પરિસ્થિતિનું, એની ઝીણી ઝીણી વિગતોનું નયનરમ્ય આલેખન છે. ‘ગઢનાં ફૂલ’ નામક કાવ્યમાં કવિ સરોદે જીવનની અકળતા અને નગરજીવનની વિકળતા દર્શાવી છે. માણસે નગર બનાવ્યું પણ આજ નગર માણસના સર્જન સામે હસે છે,-
‘‘નિહાળું દગ પાસ રોજ, -મુજ ગેહ સામે જ છે
ન એ ગઢ, ન ફૂલ એ, કવન મારું મુને હસે’’ (એજન. પૃ.- 67)

કેવી હાસ્યાસ્પદ સ્થિતિનું નિર્માણ થયું છે. તો વળી, હસમુખ પાઠકે ‘શ્હેરની ઘડીઓ ગણતાં’ કાવ્યમાં નગરજીવનની વિરૂપતાનો ખ્યાલ આપ્યો છે. આ સૉનેટનો અહેસાસ કરાવે છે. શહેરમાં સવાર, બપોર, સાંજ અને રાત્રીના કેવા કરુણ ચિત્રો તીવ્રતાથી હૃદયમાં ભોંકાય છે,-
‘‘ને સાંજ (લિપ્સ્ટિક વડે શણગારી ઓષ્ઠ)
ચૂમી રહી સડકને, ગલીકૂંચીઓને;
જાઝી મ્યુઝિક પર સૌ મકર્પૂરી લૅમ્પ્સ
નાચી રહ્યા; ગટરમાં ઠલવાય તેજ.’’ (એજન. પૃ.- 77)

અહીં કૌંસનો સબળ ઉપયોગ કવિએ કર્યો છે. તેના દ્વારા નગરની વિકરાળતા દર્શાવી છે. ‘શહેરનું પ્રભાત’ નામક સૉનેટમાં જગદીશ ત્રિવેદીએ શહેરની સવારનું વર્ણન કર્યું છે. શહેરની જિંદગીની વિરૂપતાં, કૃત્રિમતા અને યાંત્રિકતાના બે ત્રણ સૉનેટ જોયા પણ અહીં એની સવારનું ચિત્ર કવિએ ઊપસાવ્યું છે. પ્રકૃતિનો રમણીય ગણાતો સમય, શહેરમાં તેના આધુનિક અરણ્ય જેવા સ્વરૂપને લીધે, યંત્રો-ઉધોગથી ધમધમતી દોડધામની જિંદગીને લીધે શહેરની આ સવાર રામણીયતાનો કશો જ સ્પર્શ આપતો નથી, બલકે પ્રભાત ઉપાધિદુઃખ વેરતું લાગે છે,-
‘‘ઉપાધિદુઃખ વેરતું અહ પ્રભાત ફેંકાય કાં ?
ધણીય ન’તી સારી એ તિમિર યામિની નીંદની ?’’ (એજન.પૃ.-87)

અહીં કવિને શહેરના પ્રભાવ કરતાં શહેરની રાત વધારે સારી લાગે છે. કેમ કે તેમાં નિંદરનો આવે જ છે. આવા નગરજીવનના સૉનેટો અહીં પસંદ પામ્યાં છે.

ભક્તિ :

ગુજરાતી સૉનેટકારોએ પોતાના સૉનેટમાં પ્રેમ, પ્રકૃતિ, નગરજીવનની સાથે-સાથે ભક્તિભાવના-ઇશ્વરને નિરૂપતાં સૉનેટ પણ રચ્યાં છે. આવા સૉનેટોમાં ‘વાંસળી’, ‘તારે થાળે’, ‘અહીં હું’, ‘મિલનનું સ્વપન’, ‘ખીલી છે સ્વચ્છ રાત્રિ’ વગેરેનો સમાવેશ થાય છે. ‘વાંસળી’ સૉનેટમાં ખબરદારે પ્રભુને સંબોધન કર્યું છે. આ સૃષ્ટિમાં માનવી તો કોઈ કાર્ય માટે નિમિત્ત માત્ર છે. સકળ લીલા કરનાર તો ઇશ્વર જ છે. એ ભાવ અહીં નિરૂપાયો છે,-
‘‘તેં ગવાડ્યું મને બધું તેમ હું ગાઈ ગયો,
મારાં કંઠ અને રસના તારાં યંત્ર હતાં.’’ (એજન. પૃ.- 10)

આવી અકળ પ્રભુભક્તિ અહીં નિરૂપાઈ છે. તો વળી, સુન્દરમ્ પાસેથી ‘તારી થાળે’ અને ‘અહીં હું’ નામક બે સૉનેટ પ્રાપ્ત થાય છે. ‘તારી થાળે’માં આધ્યાત્મિક દ્રષ્ટિ પ્રાપ્ત કર્યા પછી ઊર્ઘ્વ ગતિ પામેલ સંવેદના વ્યક્ત કરતું આ સૉનેટ છે,-
‘‘દઉં તારી થાળે મુજ મન ધરી નીરમ સમ,
બને તારી યાત્રા સુર્દઢ, મન મારુંય કુસુમ.’’ (એજન. પૃ.- 20)

તો વળી, ‘અહીં હું’ સૉનેટમાં શ્રી અરવિંદનું તત્વજ્ઞાન નિરૂપાયું છે. ‘મિલનનું સ્વપ્ન’ એ સ્નેહરશ્મિનું સૉનેટ છે. આ કાવ્યમાં કવિએ જીવન સરિતાનું પ્રભુમિલનની આકાંક્ષા રજૂ કરી છે. તો પ્રજારામ રાવળ પાસેથી ‘ખીલી છે સ્વચ્છ રાત્રિ’ નામક સૉનેટ મળે છે. શિશિરની, કૃષ્ણ પક્ષની રાત્રિના સ્ફટિક સ્વચ્છ વર્ણનનું લાગતું આ સૉનેટ કશીક આધ્યાત્મિક અનુભૂતિ કરાવી જાય છે. શ્રી અરવિંદના તત્વજ્ઞાનની પ્રભાવકતા નજરે પડે છે,-
‘‘ખીલી છે સ્વચ્છ રાત્રિ શિશિર ૠતુતણી કૃષ્ણપક્ષા, સુશીત
સૂતું છે શે’ર નીચે, સજગ ઝગમગે મસ્તકે આભ આખું.’’ (એજન.પૃ.- 56)

આધ્યાત્મની આવી પ્રભાવક અનુભૂતિ અહીં કવિએ વર્ણવી છે. આવા સૉનેટ ગુજરાતી સૉનેટની વિશેષતા છે.

વતનપ્રેમ-ગૃહભાવ:

ગુજરાતીમાં સૉનેટ કવિઓએ વતનપ્રેમ-ગૃહભાવને પોતાના કાવ્યોમાં તાર સ્વરે રજુ કર્યો છે. આ સૉનેટમાં ‘આયુષ્યના અવશેષો’, ‘ઘર ભણી’, ‘વળાવી બા આવી’,’વર્ષો પછી વતનમાં’, ‘પ્રસૃતિ ગૃહ જતાં-આવતાં’, ‘ખાલી કરેલું ઘર દૂરથી જોતાં’ અને ‘બાને’ વગેરે કાવ્યોમાં વતનપ્રેમ ને ગૃહભાવ ભારોભાર નિરૂપાયો છે.

કવિ રાજેન્દ્ર શાહના ‘આયુષ્યના અવશેષે’ નામક સૉનેટમાળા છે. એમાંના પ્રથમ સૉનેટમાં આયુષ્યની અવધે જન્મભુમિ અને નિજ વતનગૃહે આવતાં સમગ્ર ભૂતકાળની કરૂણ-મધુર સ્મૃતિઓની વર્તમાનમાં થતી અનુભૂતિ નિરૂપાય છે. જુઓ,-
‘‘ખખડ થતી ને ખોડંગાતી જતી ડમણી જૂની,
વિજન પથને ચીલે ચીલે તમિસ્ત્રમહીં ધન.’’ (એજન. પૃ.- 51)

પ્રસ્તુત સૉનેટમાળામાં આ ભાવ વધુ ઘેરો બનીને ઘૂંટાયો છે. ઉશનસના ‘વળાવી બા આવી’ કાવ્યમાં કવિનો વતનપ્રેમ અને ગૃહભાવ તાર સ્વરે રજૂ થયો છે. કુટુંબજીવનની એક માર્મિક ક્ષણ નિરૂપાઈ છે. કામ-ધંધા અર્થે દૂરસૂદૂર વસેલા દિકરાઓ દિવાળીની રજાઓ પૂરી થતાં પાછા જઈ રહ્યાં છે. બા દરેકને વારાફરથી વળાવીને ઘરે આવે છે, ત્યારે ગૃહવ્યાપી વિરહને જોઈ પગથિયે જ ભાંગી પડતા બાનું ચિત્ર સૉનેટકારે આકર્ષક રીતે નિરૂપ્યું છે. જે પરાકાષ્ઠા દર્શાવે છે,-
‘‘વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ
ગૃહવ્યાપી જોયો વિરહ, પડી બેસી પગથિયે.’’ (એજન. પૃ.- 69)

આવા જ વતન પ્રેમને વ્યકત કરતું કાવ્ય ઉશનસના સહોદર જયંત પાઠક પાસેથી ‘વર્ષો પછી વનમાં’ નામે મળે છે. આ સૉનેટમાં કવિ વર્ષો પછી વતનમાં આવે છે ને પોતાનો ભવ્ય ભૂતકાળ વાગોળે છે. અને વતનના વિવિધ સ્થળોએ સંતાયેલું શૈશવ પુનઃર્જિવીત થાય છે,-
‘‘આ તે ખેતર, પાક સોડમ હજી એવી જ જે માણી’તી,
ટોળીઓ ભૂતની જહીં ઊતરતા અંધારામાં ભાળી’તી.’’ (એજન. પૃ.- 74)

ચિનુ મોદીના ‘ખાલી કરેલું ઘર દૂરથી જોતાં’ સૉનેટમાં ત્રીજા માળે અધખૂલી બારી જોતા ભીંતર પ્રવેશી ગયેલું મન, વાયુલ્હેરે બારી બંધ થતાં જ પુરાયેલું મહેસુસ કરે છે. તે પરિસ્થિતિનું વર્ણન અહીં છે. તો ‘બાને’ સૉનેટમાં મણિલાલ દેસાઈએ સદ્દગત માતાની કરુણ-મધુર સ્મૃતિઓનું આલેખન કર્યું છે,-
‘‘હજી તારી કાયા મુજ નયન સામે ઝળહળે,
હજી તારો હાલો કરણપટ માંહી રણઝણે’’ (એજન. પૃ.- 94)

બાની સ્મૃતિઓનું તાદશ્ય આલેખન છે. ગૃહજીવન અને વતનપ્રેમના કાવ્યો ગુજરાતી સૉનેટકારો પાસેથી ઉત્તમ પ્રકારે સાંપડયા છે.

પ્રકીર્ણ:

‘આપણાં સોનેટ’ ગ્રંથમાં ઉપરોક્ત વિષય સિવાય બીજા કેટલાક છૂટાછવાયાં વિષયવાળા એટલે કે વિવિધ વિષયનાં સૉનેટો પણ પ્રાપ્ત થાય છે. એમાં ‘ઉપહાર’, ‘વીણાનું અનુરણન’, ‘ત્રિમૂર્તિ’, ‘રડો ના મુજ મૃત્યુને’, ‘મરજીવિયા’, ‘વિખુટા મિત્રને’, ‘સમષ્ટિ-વિનષ્ટિ’ વગેરે જેવા અગણિત સૉનેટો છે.

કવિ કાન્તનું એકમાત્ર સૉનેટ તે ‘ઉપહાર’. આ સૉનેટ કવિએ પોતાના મિત્ર બ.ક.ઠાકોરને ઉદ્દેશીને રચેલું અર્પણ કાવ્ય છે. તો નરસિંહરાવ દિવેટિયાનું ‘વિણાનું અનુરણ’ નામક સૉનેટ પોતાના દૌહિત્ર પ્રેમલને ઉદ્દેશીને રચેલું છે. એમાં કરુણ પરિસ્થિતિ નિરૂપાઈ છે. તો સુંદરમે ‘ત્રિમૂર્તિ’ સોનેટમાં ગાંધીજીએ પ્રબોધેલી અહિંસાની ભાવનાને કેન્દ્રમાં રાખી છે. આ ભાવનાના ત્રણ પ્રબોધક: બુદ્ધ, ઇસુ અને ગાંધીજી. એમ ત્રણ વિભૂતિઓનું આ કાવ્ય છે,-
‘‘પ્રભો તે બી વાળ્યાં જગપ્રણયનાં ભૂમિઉદરે,
ફળ્યાં આજે વૃક્ષો, મરણપથ શું પાપ પળતું’’ (એજન. પૃ.- 16)

તો વળી, ગાંધીજીના અવસાનને નિરૂપતું સૉનેટ તે ઉમાશંકર જોશીનું ‘રડો ના મુજ મૃત્યુને’ ગાંધીજી શહીદ થયા તે દિવસે રચાયેલું છે.
‘‘અમે ન રડીએ, પિતા, મરણ આપનું પાવન,
કલંકમય દૈન્યનું નિજ રડી રહ્યા જીવન’’ (એજન. પૃ.- 25)

આવા બીજા અનેક સૉનેટો આ ગ્રંથમાં પ્રાપ્ત થાય છે. જેમાં અવનવા વિષયો નિરૂપવામાં આવ્યા છે.

ઉપસંહાર:

‘આપણાં સૉનેટ’માં પ્રગટેલા વિષયો જોતાં એવું ચોક્કસ કહી શકાય કે ગુજરાતી સૉનેટ પોતાની આગવી ઓળખ ઊભી કરી શક્યું છે. ગુજરાતી સૉનેટ ઇયતા અને ગુણવત્તા બંને દૃષ્ટિએ નોંધપાત્ર છે. ગુજરાતી સૉનેટ માત્ર વિષયની દષ્ટિએ જ નહીં પરંતુ સ્વરૂપ, કાવ્યબાની, છંદ, પંક્તિમાં પ્રયોગ આ બધાની દ્રષ્ટિએ પણ નોંધપાત્ર છે. અંતમાં, નિરંજન ભગતની વિધાન મૂકીને મારી વાત પૂરી કરીશ.

‘‘ગુજરાતી ભાષાના સૉનેટનું ભાવિ ઊજળું છે. સોનેટના ઇતિહાસમાં ‘ગુજરાતી સૉનેટ’- એવું પ્રકરણ અવશ્ય હશે એવી આજ લગીના ગુજરાતી સૉનેટની સિધ્ધિ છે.’’

સંદર્ભ

  1. ‘આપણાં સૉનેટ’- સં. ચંદ્રશંકર ભટ્ટ, વૉરા ઍન્ડ કંપની, અમદાવાદ.
  2. સૉનેટ- વિનોદ જોશી
  3. ગુજરાતી સૉનેટ- સં. મણિલાલ હ. પટેલ અને દક્ષેશ ઠાકર

ડૉ. જિજ્ઞેશ ઠક્કર, ગુજરાતી વિભાગ, સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, કઠલાલ. મો.-9824299594 ઇમેલ- jigthak88@gmail.com