Included in the UGC-CARE list (Group B Sr. No 172)

આદિવાસી સાહિત્યમાં રસનિષ્પત્તિ

સર્જન એ મહેનત માંગી લેતી પ્રક્રિયા છે. પછી એ શિષ્ટ સાહિત્ય હોય કે પ્રાદેશિક બોલીઓમાં રચાતું સાહિત્ય હોય; લોકસાહિત્ય હોય, દલિત સાહિત્ય હોય કે પછી આદિવાસી સાહિત્ય કેમ ન હોય! આજે રસિકોને નવા સ્વપ્નો અને નવી ઊંચાઈ સુધી લઈ જતું સાહિત્ય ભૂતકાળમાં કોઈ એક તબક્કે ભગવાને ‘તથાસ્તુ’ કહ્યું હોય અને ઉત્પન્ન થયું હોય એમ નથી. માટે, કોઈ પણ પ્રકારના સાહિત્યને મુદ્રિત રૂપમાં જાળવવાની તેમજ નીતનવા દૃષ્ટિકોણથી અભ્યાસ કરવાની જવાબદારી સમાજની અથવા કહો કે આપણી છે.

સંશોધનનું કામ એ રીલે-રેસ જેવું હોય છે. એમાં ક્યારેય અંત હોતો નથી, માત્ર પડાવ હોય છે. જ્ઞાનની આ યાત્રામાં એક સંશોધક, એક પડાવ સુધી જાય અને ત્યાંથી કોઈ બીજો જ્ઞાનપિપાસુ તે યાત્રાને આગળ વધારે છે. માટે કહી શકાય કે, Infinite possibility starts with one decision. આજે આદિવાસી સાહિત્યની પસંદગીની કૃતિઓને રસનિષ્પત્તિની રીતે મૂલવવાનો મારો ઉપક્રમ છે. જે માટે મેં ભરતમુનિનાં ‘નાટ્યશાસ્ત્ર’ને આધારભૂત માન્યું છે. ભારતીય સાહિત્યમીમાંસામાં રસ,ધ્વનિ અને વક્રોક્તિ એ મહત્વનાં માપદંડ છે અને કોઈપણ સાહિત્યકૃતિનું મૂલ્યાંકન એ માપદંડો થકી કરી શકાય છે.

આચાર્ય ભરતમુનિથી રસસિદ્ધાંતની ચર્ચા અવશ્ય પ્રાપ્ત થાય છે પરંતુ ભટ્ટ અભિનવગુપ્ત સુધી જતા એ માત્ર સાહિત્ય પદાર્થની ચર્ચા ન રહેતા સમગ્ર લલિતકલાઓનાં સૌન્દર્યની ચર્ચા બને છે.

આપણા સમસ્ત પ્રાચીન કાવ્યશાસ્ત્રની ચર્ચા-વિચારણાનું મધ્યબિંદુ રસ છે. ભરતમુનિ મુખ્ય આઠ રસ ગણાવે છે: [૧] શૃંગાર [૨] રૌદ્ર [૩] વીર [૪] બીભત્સ [૫] હાસ્ય [૬]કરુણ [૭] અદભૂત અને [૮] ભયાનક. જેમાંના પ્રથમ ચાર રસ એ મૂળ રસો છે. એ સિવાય શાંત રસ એ અનુગામી ઉમેરણ છે.

હવે આપણે ‘દક્ષિણ ગુજરાતની ચૌધરી લોકવાર્તાઓ’ (સંશોધક-સંપાદક: રોશન ચૌધરી) પુસ્તકમાંની પસંદગીની વાર્તાઓને રસનિષ્પત્તિની રીતે મૂલવીશું. આ પુસ્તકમાં કુલ અગિયાર લોકવાર્તાઓ સમાવિષ્ટ છે. તેમાંની એક તે, ‘હાત ફાહા ને એક બેણ્હી’ (‘સાત ભાઈ અને એક બહેન’). કથાનક ટૂંકમાં કહું તો, સાત ભાઈઓ અને એક બહેનની વાત છે. સાતેય ભાઈઓનાં સાત જોડ બળદ ખોવાઈ જાય છે. એનો ઉકેલ એક સાધુને પૂછતાં તે બહેનની બલી ચઢાવવી પડશે એમ જણાવે છે, જે માટે છ ભાઈઓ તૈયાર થઈ જાય છે પરંતુ નાના ભાઈને તે ગમતું નથી. તો બીજી બાજુ તે ભાઈઓને કહી શકતો નથી કે, આમ કરવું ખોટું છે અને કથા રસસભર વળાંકો લે છે. સાધુઉવાચ, બહેનની બલી ચઢાવવા માટે તૈયારી કરતા છ ભાઈઓ એ વર્ણનમાંથી કરુણ રસ નિષ્પન્ન થાય છે. નાનો ભાઈ, દેવકાર્ય માટે તૈયારી કરતી પોતાની બહેનને બહેનને બચાવવા માટે અને તેને ચેતવવા માટે ગાય છે- ‘દળી-દળી શું કરીશ રે, બહેન તને દેવે ચઢાવશે... રોટલા બનાવી-બનાવી શું કરીશ રે, બહેન તને દેવે ચઢાવશે...’ પરંતુ બહેનને કંઈ ખબર પડતી નથી કે પોતાનો નાની ભાઈ શું કહેવા માંગે છે. અહીં, ભાવક વિપ્રલંભ રસનો અનુભવ કરી શકે છે. રાજા હરિપાલ ઉલ્લેખિત વિપ્રલંભ રસ એ પણ અનુગામી ઉમેરણ છે.

ત્યારબાદ, બહેનની બલી ચઢાવી છ ભાઈઓએ તેનું શાક બનાવીને ખાય છે અને નાનો ભાઈ તે ખાતો નથી. બહેનનાં માંસનું શાક તે જમીનમાં તિરાડ પડી હતી એમાં નાખી દે છે અને પછી વખત જતાં એમાંથી વાંસની કૂંપળો ફૂટે છે અને તેમાંથી વાંસળી બને છે. ફકીર એ વાંસળી લઈને નાના ભાઈના ઘર આગળ આવે છે અને વાંસળી વાગે છે- “આ તો મારા ભાઈનું ઘર, ભાઈનું ઘર...અહીંથી બધું લઈ લેવાનું, લઈ લેવાનું...” નાનો ભાઈ વાંસળી જ ખરીદી લે છે અને ભાઈ-ભાભી ઘરમાં ન હોય ત્યારે બહેન બધું ઘરકામ કરી દે છે. ભાઈને ખબર પડતા તે વાંસળી તોડી નાખે છે અને બહેન આઝાદ થઈ જાય છે અને તેઓ સુખેથી રહે છે. અહીં, ચમત્કારનું તત્વ છે જે, ભાવકના મનમાં વિસ્મયનો ભાવ જન્મે છે અને તેમાંથી અદભૂત રસ નિર્વહણ પામે છે. અને આ લોકવાર્તાનું ‘मधुरेण समापयेन’ થાય છે.

લોકવાર્તાઓમાં કાલ્પનિક તત્વ વિશેષ હોવા છતાં જનસામાન્યની જીવનશૈલી સાથે વાસ્તવિક ધરાતલ પર ઉપસ્થિત થતું જોવા મળે છે. બીજી એક લોકવાર્તા છે- ‘હનાણાં લીબાલાવાલો ગોવાલ’ (સોનાનાં વાળવાળો ગોવાળ). આ લોકવાર્તાનું શીર્ષક જ આશ્ચર્ય જન્માવે છે અને તેમાં અદભૂત રસ નિહિત છે. સાવકી મા દ્વારા બાળકને અપાતું દુઃખ એ સમાજની કરુણ વાસ્તવિકતા દર્શાવે છે. સાવકી મા તેને જમવામાં કુસકીનો રોટલોને ચટણી જ આપતી. છોકરો આખો દિવસ ઢોર ચરાવવા જતો. ગોવાળનું દુઃખ જોઈને વાછરડું કહે છે, ‘મારાં જમણા શિંગડામાં લાકડી મારીશ એટલે પાણી નીકળશે અને ડાબા શિંગડામાં એ જ રીતે મારીશ તો લાડું નીકળશે...’ ત્યારબાદ આવતા દરેક બનાવોમાં; જેમ કે, ગોવાળ અને વાછરડું ઘર છોડી બીજે આશરો લે છે, નાગ ગોવાળને માથામાંથી જૂ કાઢી આપે, નાગની ફૂંકથી ગોવાળના માથાના વાળ સોનાના થઈ જાય અને એ સોનેરી વાળ જોઈને રાજકુંવરી તેના પ્રેમમાં પડે, ગોવાળની શોધ, આખરે રાજાના મહેલને ધ્વસ્ત કરીને ગોવાળ રાજકુંવરીને લઈને સુખેથી જીવે- અદભૂત રસ રહેલો છે. રસસંકર કે રસસંક્રમણ આ લોકવાર્તામાં નથી પરંતુ કલ્પના અને જાદુઈ સૃષ્ટિનું આલેખન હોવાથી અદભુત રસનું નિર્વહણ ધ્યાનાકર્ષક બની રહે છે.

આમ, લોકસાહિત્યમાં લોકવાર્તાઓ એ તત્કાલીન સમાજનું દસ્તાવેજી ચિત્ર પૂરું પાડે છે. માન્ય ભાષામાં અનુવાદિત થઈને આવતું આદિવાસી ભાષાનું સાહિત્ય અન્ય ભાષા અને સમાજને જોડતી મહત્વની કડી છે. લોકવાર્તાઓમાં ઢાળ, લય, લઢણ, અને હોકારો જેવા તત્વોનું વિશેષ આકર્ષણ હોય છે. ઉપરાંત, તેને રસ દૃષ્ટિથી જોવી એ પણ એક જે-તે સમયના સમાજને અવલોકવાની એક રીત છે.

કાકાસાહેબે ગુ.સા.પ.ના ૨૪માં સંમેલનમાં કહેલું-
“દેશના ઉત્તમોત્તમ અને વિશાળ હૃદયના લોકોએ પ્રાંતીય ભાષાઓ ખીલવી છે અને દુનિયાને ઉત્તમોત્તમ સાહિત્ય અને ઉત્તમોત્તમ સાહિત્ય અને ઉત્તમોત્તમ ખોરાક પૂરો પાડ્યો છે.”

દંતકથાઓ એ દરેક સંસ્કૃતિનો આગવો વારસો છે. અન્ય એક પુસ્તક ‘ગામીત દંતકથાઓ’ (સંકલન અને ભાવાનુવાદ: ફાધર રેમંડ એ. ચૌહાણ)માં કુલ ઓગણીસ દંતકથાઓ સમાવિષ્ટ છે. જેમાંની અમુક રચનાઓને રસનિષ્પત્તિની રીતે મૂલવીએ.

‘ડાકણીયેહે રાજમાંય ખાંદાડીયો’ (ડાકણના રાજમાં ઘરજમાઈ) નામક કથામાં એક માણસ ડાકણનાં રાજમાં ઘરજમાઈ તરીકે જાય છે. જ્યાં રાત પડે ત્યારે તેને માણસ અને સૂર્ય ઊગે ત્યારે બળદ બનાવતા હતા. અહીં, અદભૂત રસને અવકાશ છે. જયારે આ દંતકથાનું શીર્ષક ભયાનક રસને ઈંગિત કરે છે. ત્યારબાદ, એ માણસ પોપટ બની જાય, અંતમાં ભમરો બનીને વાંસમાં ભરાઈ જાય અને તેની પત્ની સમડી બનીને ઉડવા માંડે... ત્યાં ચમત્કારની સૃષ્ટિ ખડી થાય છે અને ભાવક વિસ્મયતા અનુભવી રહે છે. જેમાં પણ અદભૂત રસનાં લસરકા છે.

‘બોળીયો’ (બડાઈખોર) દંતકથામાં એક બડાઈખોરને નાક-મોતી પહેરતી સ્ત્રીને જ પરણવું હતું અને એવી સ્ત્રી મળી તેણે લગ્ન કરી લીધું. અહીં ક્ષણિક શૃંગાર રસનો અનુભવ કરી શકાય છે. પતિ-પત્ની ખેતરમાં કામ કરી રહે પછી પતિ, પત્નીને ખેતરની સામેની બાજુએ મોકલી તીર છોડે અને તે નાકમોતીમાંથી આરપાર નીકળી જાય. અહીં વીરરસને અવકાશ છે પરંતુ વીરતા કરતા તેનું અભિમાન વધુ છલકે છે. ‘શું દુનિયામાં મારા જેવો કોઈ બીજો છે કે?’ એવું તે પોતાની પત્નીને અભિમાનથી પૂછે છે. પત્નીને દુઃખ થાય છે કે, જો તીર મને વાગી જાય તો હું તો મરી જાઉં. જ્યાં કરુણ રસનો આછેરો પાશ અનુભવી શકાય છે. વીર રસમાંથી કરુણ રસમાં પલટાતું આ ચિત્ર રસસંકરનું પણ ઉદાહરણ બની રહે છે.

દંતકથાઓ સત્ય જ હોય તે જરૂરી નથી. તેમાં બહુધા કલ્પના, ચમત્કાર અને જાદુઈ વાતો થકી એક અલગ સૃષ્ટિ ખડી કરવામાં આવે છે. સિગમંડ ફ્રોઈડ કહે છે, “The instincts are my mythology” એટલે કે, “જન્મજાત વૃત્તિઓ જ મારી દંતકથાઓ છે”.

‘ગામીત સમાજની મૌખિક વાર્તાઓ’ (સંશોધક-સંપાદક: ઉર્વશી બી. ગામીત, ઉમિયા બી. ગામીત) પુસ્તકમાં ગામીત સમાજની ઓગણીસ લોકવાર્તાઓને પ્રકાશિત કરવામાં આવી છે. કંઠપરંપરા રૂપે સચવાયેલ વારસાને રેકોર્ડિંગ કરી, લિપિબદ્ધ કરીને પુસ્તકરૂપે પ્રકટ કરવાનું કાર્ય ખરેખર પ્રશંસનીય છે. ‘યોક બઅહીં ને હાત બાહા’ (‘એક બહેનને સાત ભાઈ’) નામક વાર્તામાં સાત ભાઈઓ પરણેલા હોય છે અને દરિયામાં વહાણ ચલાલાવાનો ધંધો મળે છે અને તેઓ પોતપોતાની પત્નીને સંદેશો મોકલાવે છે કે, બહેનનું ધ્યાન રાખે. પરંતુ ભાભીઓ બહેનને ખૂબ હેરાન કરે છે. તેઓ બહેનને જંગલમાં લાકડા લેવા મોકલે છે પરંતુ કૂહાડી આપતા નથી. ત્યારે બહેન રડે છે અને કહે છે- “સાત ભાઈઓ વા’ણે ચડી ગયા રે, ભાભીઓ દુઃખ પાડે રે...” અહીં કરુણ રસનું નિરૂપણ થયેલું છે. પછી લાકડા કાપવામાં લક્કડખોદ, લાકડાનો ભારો બાંધવા દોરડું બનીને સાપ, વાઘણનાં બચ્ચા અને દેડકી જરૂર પડે બહેનને મદદ કરે છે. એ તમામ બનાવો આપણને કલ્પના બહારના લાગવા સંભવ છે. માટે જ તેમાંથી અદભૂત રસ નિર્વહણ પામે છે. ત્યારબાદ ભાઈઓને ખબર પડી જતાં મોટા ભાઈ પોતાની બહેનને જાંઘ ફાડીને તેમાં છુપાવી દે છે. આ વર્ણન થોડુંક જુગુપ્સા પ્રેરક લાગી શકે છે. અહીં બીભત્સ રસને સ્થાન છે. જો કે, આ વાર્તામાં કરુણ અને અદભૂત રસનું સંમિશ્રણ કુશળતાથી થયેલું જોઈ શકાય છે. રસસંકર અને રસસંક્રાતિનું પ્રમાણ આ પુસ્તકમાંથી મળી આવે છે.

અન્ય એક વાર્તા- ‘વટાણાહા બદલો’ (‘વટાણાનું વેર’)નું વિષયવસ્તુ જ રમૂજ પ્રેરક છે. વટાણા, મરચાં, ઈંડું, અને લાકડી સૌ ભેગા મળીને પોતાનાં ગામના રાજાને મારવા જાય છે. કારણ કે, તેમની ફરિયાદ છે કે, રાજાએ તે બધાનું અપમાન કર્યું છે. અહીં અલગ-અલગ વસ્તુઓને જીવંત રૂપ બક્ષતા હળવી રમૂજ ઉત્પન્ન થાય છે. અહીં હાસ્યરસ નિષ્પન્ન થતો જોઈ શકાય છે, જે શૃંગાર રસની આડપેદાશ છે. રાજા સાથે બદલો લેવા સૌ પોતપોતાની રીતે ભાગ ભજવે છે અને વટાણા તો રાજાના નાકમાં ભરાઈ ગયા અને શ્વાસ લેવામાં તકલીફ પડતા રાજા મૃત્યુ પામે છે. અહીં જુગુપ્સા ભાવ જન્મે છે અને તેમાંથી બીભત્સ રસ પણ નિષ્પન્ન થાય છે. અંતે, વટાણાએ પોતાનું વેર લીધું એ વાક્ય સાથે વાર્તાનો અંત આવે છે, જેમાંથી શાંત રસ આકાર લઈ રહ્યો હોય એવું જણાઈ આવે છે.

આમ, મેં અહીં આદિવાસી સાહિત્યની પસંદગીની કૃતિઓને રસનિષ્પત્તિની રીતે અભ્યાસ કર્યો છે. સંશોધનની ગલીઓમાં રસિક લોકો સત્યની શોધમાં ફરતા રહેતા હોય છે. એ માણસની વિશ્વને જોવાની નજર પર છે કે તેને સોનામાં વધારે ચમક લાગે છે કે શબ્દોમાં?

સંદર્ભસૂચિ:

  1. ‘દક્ષિણ ગુજરાતની ચૌધરી લોકવાર્તાઓ’ - સંપાદક: રોશન ચૌધરી
  2. ‘ગામીત દંતકથાઓ’ - ફાધર રેમંડ એ. ચૌહાણ
  3. ‘ગામીત સમાજની મૌખિક વાર્તાઓ’ - સંપાદક: ઉર્વશી ગામીત, ઉમિયા ગામીત
  4. ‘ગુજરાતની આદિવાસી સંસ્કૃતિ’ - દુર્ગેશ ઉપાધ્યાય

જાનકી શાહ, 90, જનકપુરી સોસાયટી, જંબુસર, જિ. ભરૂચ. 9825941188 મેઈલ આઈ-ડી: jankeeshah@gmail.com