ભગવાન પટેલ સંપાદિત અભ્યાસીય ગ્રંથ ‘ભીલી મહાકાવ્યો’ : એક સમીક્ષા
પ્રસ્તાવના
લોકસાહિત્ય સનિષ્ઠ સંશોધક–સંપાદક ડૉ. ભગવાનદાસ પટેલ ‘ભારતીય દૃષ્ટિ લોકને સંપૂર્ણ જીવનમાં વ્યાપત અને જીવનના સજીવ અંગ તરીકે સ્વીકારે છે’. – તેવું સતત ધબકતું, સદા અંકુરિત, નીત નવાં રંગોને ધારણ કરી પ્રવાહિત રહેતી લોકપરંપરાને આંતરિક ગતિશીલ અને પરિવર્તનશીલ શક્તિરૂપે-પરંપરારૂપે જીવતી ૨૧મી સદીમાં પણ આપણે જોઈ શકીએ છીએ. ‘લોક’ સમાજના વિઘટન સાથે વિઘટન પામતો નથી પણ પોતાની જીજ્ઞાસાવૃત્તિ અને પરિવર્તનશીલ વલણ થકી આધુનિકયુગ સાથે સાયુજ્ય સાધ્યું છે, તેવા આદિવાસી લોકકંઠપરંપરાના મહાકાવ્યો વિશે એટલે કે ‘ભીલી આદિવાસી કંઠપરંપરા’ પર ૨૦૦૯માં રાષ્ટ્રીય પરિસંવાદના અર્કરૂપે ડૉ. ભગવાનદાસ પટેલ સંપાદિત ‘ભીલી મહાકાવ્યો : એક મૂલ્યાંકન’ પુસ્તક સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા પ્રકાશિત થયું છે, તે કંઠપરંપરાના મહાકાવ્યો માટેના પરિચય, મૂલ્યાંકન અને સમીક્ષા કરતા સંશોધક માટે સીમાચિહ્નરૂપ છે. આ સંપાદિત પુસ્તક વિશેનો પરિચયાત્મક અભ્યાસલેખ અહીં પ્રસ્તુત છે.
‘લોકવિદ્યા’ અને ‘લોકસાહિત્ય’ શબ્દના ભારતીય અને પાશ્વાત્ય સંદર્ભ સાથે સ્વરૂપ અને શબ્દ વિભાવના સંપાદકીયમાં ડૉ. ભગવાનદાસ પટેલ આપે છે. ‘લોક’ અને ‘સમાજ’ને છૂટું પાડતા ‘લોક’નું ચિરકાલીન પણું, પરિવર્તનશીલતાનો ગુણ, લોકની જીવ-જગતને જોવાની, સમજવાની પરંપરાની લાક્ષણિકતા અહીં રજૂ થઈ છે. અહીં તેઓ જણાવે છે કે, ‘લોકસાહિત્ય’ જે તે લોકનાં સંસ્કૃતિ-સમાજનાં જીવનમૂલ્યોમાંથી આવિર્ભાવ પામે છે.’ આ રીતે કંઠપરંપરામાં રજૂ થયેલું સાહિત્ય મૌખિક સાહિત્યનું સ્વરૂપ એક વિશિષ્ટ ભૂભાગ પર વસતી જાતિ સમાજના ‘લોક’ના સામાજિક-ધાર્મિક-આર્થિક પ્રયોજન માટે સ્થાનિક બોલી-ભાષામાં બંધાતું હોય છે. આવા સાહિત્યમાં જગતને જાણવાનું દર્શન પ્રાપ્ત થાય છે. આ લોકના આ સાહિત્યમાં જીવનદર્શન કલાત્મક રૂપ લઈને આવે છે. લોકસાહિત્યમાં તો છેલ્લી બે સદીથી સંશોધન સંપાદન કાર્ય થતું રહ્યું છે; પરંતુ છેલ્લા અઢી-ત્રણ દાયકામાં સંશોધક દ્વારા ભીલી આદિવાસીઓના મહાકાવ્યો ‘રૉમ સીતમાની વારતા’ (ભીલી રામાયણ) ‘ભીલોનું ભારથ’ (ભીલી મહાભારત), ‘ગુજરાંનો અરેલો’, ‘રાઠોરવારતા’ જેવા સત્વશીલ ચાર મહાકાવ્યો સાથે ‘ રૂપાંરૉણીની વારતા’, ‘તોળીરાણી, ગોપીચંદ-ભરથરી જેવા ૨૧ લોકાખ્યાનો તથા ભીલી સાહિત્યની અન્ય વિદ્યાઓ જેવી કે ગીતકથાઓ, લોકકથાઓ, પુરાકથાઓ, લોકમંત્રો, ગીતો વગેરેના ૪૦ જેટલાં ગ્રંથો મળે છે. એટલું જ નહીં મહાકાવ્યોનું ભારતીય ભાષા સંસ્થાન, મૈસુરે અંગ્રેજીમાં ભાષાંતર પણ કરાવ્યું છે. આ પુસ્તકમાં નવ પ્રકરણમાં આઠ લોકસાહિત્યના સંશોધકો-સંપાદકો અભ્યાસલેખો અને લગભગ અઢી દાયકાથી વધારે સમયની રખડપટ્ટી, મહેનત, શોધકાર્યના પરિપાકરૂપે ભીલી ભાષા-સાહિત્યનું ગૌરવ અહીં રજૂ થયું છે.
‘લોકસાહિત્ય સંશોધન-સંપાદનનાં બે શિખરો’ અભ્યાસલેખમાં ગુજરાતની કંઠ-પરંપરાના દસ્તાવેજીકરણ તથા સંશોધન સંપાદનની પ્રવૃત્તિની લગભગ બે સદી યાત્રાના સીમા સ્તંભોને હસુ યાજ્ઞિક ઇતિહાસ સાથે અર્થઘટન કરી પ્રસ્તુત કરે છે. તેઓ આ આખી સંશોધન-સંપાદનની પ્રવૃત્તિને ગુજરાતની સાહિત્યના સંદર્ભમાં બે શિખરોમાં વહેંચે છે. પ્રથમ શિખર છે મેઘાણીની આ ક્ષેત્રના સંશોધનની ભૂમિકા અને બીજું શિખર નવમા દાયકાથી ડૉ. ભગવાનદાસ પટેલની આદિવાસી કંઠપરંપરાનું થયેલ દસ્તાવેજીકરણ. મેઘાણીના આ ક્ષેત્રના વિકાસ આલેખનના નવા શિખર તેઓ ત્રણ મહત્ત્વના પ્રદાનથી મૂલવે છે : એક કથ્ય સામગ્રીની સમાલોચનાથી, બીજા કથ્યપ્રવાહના લોકસાહિત્ય, બારોટી સાહિત્ય, ચારણી સાહિત્ય, સંતસાહિત્ય એવા પેટા વિભાગમાં વર્ગીકૃત દૃષ્ટિનો વિકાસ અને દસ્તાવેજીકરણ અને ત્રીજા લિખિત સાહિત્યથી જુદાં પડતા કથ્ય સાહિત્યની પૂર્ણ સ્પષ્ટતાથી કરેલા અભ્યાસમાં રાખેલ વિવેક. આજ રીતે ડૉ. ભગવાનદાસ પટેલ દ્વારા થયેલી આદિવાસી કંઠપરંપરામાં રહેલી લોકવિદ્યા અને તદ્દ અંતર્ગત લોકસાહિત્યની વિભાવનાને પુરસ્કૃત કરે છે. આદિવાસી જીવનધારણાઓ, પરંપરા અને એની જીવનને જોવા-જાણવા-માણવાની દૃષ્ટિની વિશેષ સાહજિકતા અને મુક્ત કથા જ દંભના આંચળા વગરની સંસ્કૃતિનું પૂરી સંપ્રજ્ઞતાથી કરેલા કાર્યને બિરદાવે છે. અંગ્રેજી શાસન દરમિયાન થયેલા સંશોધનની પૂર્વભૂમિકા આપ્યા બાદ ઈ.સ. ૧૯૦૫માં રણજિતરામે કરેલા દૂબળાના લોકગીતાના નિર્દેશથી શરૂ કરી ઈ.સ. ૧૯૫૬માં સ્થપાયેલી રાજ્ય સરકારની લોકસાહિત્ય સમિતિના પ્રકાશનની શરૂઆતનો ઉલ્લેખ કરે છે. ઈ.સ. ૧૯૫૬થી ઈ.સ. ૧૯૮૧ સુધીના છવ્વીસ વર્ષના ગાળામાં સમિતિએ ૧થી ૧૪ મણકામાં કરેલા લોકસાહિત્ય માળાના મણકાની તથા ઈ.સ. ૧૯૮૨ પછી ગુજરાત સાહિત્ય અકાદમીના આ દિશામાં થયેલ કાર્યની નોંધ પણ અહીં કરી છે. તેમણે ગુજરાંનો અરેલો, રાઠોરવારતા, ભીલોનું ભારથ અને રૉમ સીતમાવારતા - આ ચારને આદિવાસી કંઠપરંપરાની સુદીર્ધ કથા કૃતિઓ ગણાવી તેને વિશ્વક્ષેત્રના લોકવિધાકીય ક્ષેત્રનું ફિનીશકુળના ‘કલેવાલ’ પછીનું સંસિદ્ધ ઉન્નત શૃંગ ગણાવ્યું છે. તેમણે ભગવાન પટેલના કાર્ય ઉપરાંત ડૉ. નાથાલાલ ગોહિલના કાર્ય કંઠપરંપરાની સંતવાણી-અગમવાણી, બળવંત જાનીના વનવાસી કંઠપરંપરાના કાર્યને પણ બિરદાવ્યું છે.
‘ભીલી સાહિત્ય સંશોધન અને સંપાદન’ લેખમાં પરમ પાઠક દ્વારા ભીલી સાહિત્ય અંગે થયેલા સંશોધન-સંપાદન કાર્યનો સવિસ્તૃત અને ઝીણવટભર્યો અભ્યાસ મળે છે. ભગવાનદાસ પટેલના ઉત્તર ગુજરાતની પ્રાગૌતિહાસિક સંસ્કૃતિ અને સભ્યતા પરના સંશોધનથી લઈ રેખાબહેન મહેતા, અરવિન્દ ભટ્ટ, જીવાભાઈ દેસાઈ, નાથજી મહેશ્વર, રમેશ પાઠક, તડવી દંપતી તથા શાંતિભાઈ આચાર્યના આ ક્ષેત્રના કાર્યનો તેમણે પરિચય અહીં આપ્યો છે. ભગવાનદાસ પટેલના સંશોધન ગ્રંથમાં આદિમાનવોની સો જેટલી વસાહતો, પંદરસો જેટલા પાષાણ ઓજારો, ચૌદ પાષણ (અશ્મ) સમાધિઓ અને પાંચ ચિત્રગુફાઓ શોધી ૭૦,૦૦૦ વર્ષ પ્રાચીન પ્રાગૌતિહાસિક સંસ્કૃતિ પર પ્રકાશ પાથર્યો છે. ૧૯૮૦થી ૨૦૨૧ સુધીના ૩૦ વર્ષના ભગવાનદાસ પટેલના ક્ષેત્રકાર્યનો ચિતાર આપતા તેઓ જણાવે છે કે, ‘એમણે ભીલી સાહિત્યની કંઠસ્થ રચનાઓનું પંદરસો ઓડિયો (શ્રાવ્ય) અને ૫૦ (દ્દૃશ્યશ્રાવ્ય) ઓડિયો વિઝ્યુઅલ કેસેટસમાં રેકોર્ડિંગ ધ્વનિમુદ્રણ દૃશ્યાંકન કરી આપ્યું છે. આ વિષયના એમણે લીલા મોરિયા (ભીલ પ્રણયગીતો- ૧૯૮૩)થી માંડીને આદિવાસી મહાકાવ્યો (૨૦૧૦) સુધીના ૪૦ ગ્રંથોનું સંપાદન શાસ્ત્રીય પદ્ધતિથી કરી આપ્યું છે. (પૃ.૧૮), જેની અહીં નોંધ લેવાય છે. આ ઉપરાંત શાંતિભાઈ આચાર્યએ ‘ગુજરાંનો અરેલો’ની શરૂઆતની પાંખડીઓનું સંપાદન તથા ‘કનસરીકથા’નું સંપાદન કરેલું છે. આ ઉપરાંત આ પરંપરામાં ભીલી સાહિત્ય : સંશોધન અને સંપાદન લેખનો હાર્દ જણાવતાં પરમ પાઠક કહે છે કે, ‘આ સાહિત્યનાં સંશોધન-સંપાદન-વિવેચનની પ્રવૃત્તિમાં હસુ યાજ્ઞિકનું પ્રદાન વિશેષરૂપે ધ્યાનપાત્ર છે. ભગવાનદાસ અને હસુભાઈની યુતિ ભારતીય કાવ્યશાસ્ત્રના આનંદવર્ધન અને અભિનવગુપ્તનું સ્મરણ કરાવે છે. (પૃ ૨૧)
‘આદિવાસી મૌખિક મહાકાવ્યો’ અભ્યાસલેખમાં ભગવાનદાસ પટેલ પ્રાગૌતિહસિક ભીલી સભ્યતાની મૌખિક પરંપરાના અનુસંધાન સાથે આ સંસ્કૃતિનું વર્તમાનકાળ સુધીનું અનુસંધાન સાધે છે. ‘નિષાદ’ના નામથી વેદોમાં આ ભીલી પ્રજાતિનો ઉલ્લેખ થયો છે તેમ કહેતા ભગવાનદાસ અહીં ઇંડામાંથી વિશ્વરચના જેવી કથાઓને નિષાદ કે ભીલોની ભેટ આપણને મળેલી ભેટ ગણાવે છે. આ અવતારકથાઓ કે પૌરાણિક હિંદુ ધર્મકથાઓના પરિવર્તન અને મૂળ રૉમ સીતમાની વારતા’, ‘ભારથ’, ‘રાઠોરવારતા’, ‘ગુજરાંનો અરેલો’, ‘દેવરાની વારતા’, ‘કૉબરિયાની વારતા’ જેવાં ભીલોનાં મૌખિક પરંપરાના મહાકાવ્યો અને આખ્યાનોમાં સંગૃહિત છે. બનાસકાંઠાના દાંતા તાલુકા અને રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના કોટડા-છાવણી તાલુકા સુધી ભીલોનો પ્રદેશ ફેલાયેલો છે, જેનું મૌખિક સાહિત્ય ભીલી-બોલીમાં જ પ્રસ્તુત છે. આ ભીલી આદિવાસી સમાજ જે આજે તો પિતૃસતાક પરિવારવ્યવસ્થામાં હોવા છતાં પૂર્વકાલીન માતૃસત્તાક સમાજવ્યવસ્થાના અંશ તેમાં સ્પષ્ટ જોઈ શકાય છે. તેની પરંપરામાં રહેલા સર્જન સ્ત્રોત ભગવાનદાસ અહીં રજૂ કરે છે. આદિવાસી સમાજ પ્રકૃતિથી નજીક હોવા સાથે સહકાર અને સહભાગિતા સાથે જોડાયેલો સમાજ હોવાથી મૌખિક પરંપરા મહાકાવ્યોમાં આવતા ધાર્મિક-સામાજિક સંદર્ભ સાથે ઋતુચક્ર વિશેષ મહત્ત્વ ધરાવે છે. અહીં આ અભ્યાસલેખમાં ભીલી સમાજમાં ધાર્મિક-સામાજિક વિધિવિધાનોના ભાગરૂપે ગાવા અને કથવામાં આવતા. અહીં મૌખિક કથનો જેમકે, ‘ધૂળાનો પાટ’, ‘કૉબરિયા ઠાકોરની કોળી’, ‘ સમાધિ પૂજવી’, ‘હૂરો માંડવો’ વિશે પરિચય આપવામાં આવ્યો છે. આ પરંપરાને ખોલતા ભગવાનદાસ પટેલ કહે છે કે, ‘મૌખિક મહાકાવ્યો કે ભજનવારતા ઋતુચક્ર પ્રમાણે આવતા પર્વપ્રસંગે ગવાય કે કથાય છે. તેમાં અનેક ઘટના-પ્રસંગ કે પુરાકથાઓ હોય છે, તે આદિમધ્યઅંત પ્રમાણે ક્રમશ: સળંગ ગવાતું નથી પણ પર્વપ્રસંગને પોષક હોય તે પ્રંસગઘટના કે પુરાકથા ગવાય છે. પ્રસંગ કે ઘટનાને ફૂલની પાંખડી કહેવાય છે. (પૃ ૨૧) આ ઉપરાંત ‘ ‘ભજન કે મહાકાવ્યો ગાવાવાળા’ અને તેમાં આવતી વારતા કથવાવાળાને ‘સાધ’ (સાધુ) કહેવામાં આવે છે. ભજનમાં રામ પુરાવનારાઓને ‘રાગિયા’ કે ‘બાણિયા’ કહેવામાં આવે છે. વારતા કથવામાં હોંકારા દેનારને ‘હોકારિયો’ કે ‘ટેકો-કરનાર’ કહેવામાં આવે છે, જયારે શ્રોતા-દર્શકોને ‘હૉપળવાવાળા’ કહેવામાં આવે છે. આબાલ વૃદ્ધ સ્ત્રી-પુરુષ, આ શ્રોતા-દર્શકો પણ વારતા કે મહાકાવ્યો ગાવા અને નૃત્ય કરવામાં સહભાગી બને છે. (પૃ. ૨૯) આ આખા સંદર્ભ દ્વારા ભીલી આદિવાસી લોકપરંપરાના મૌખિક મહાકાવ્યો-ભજનકાવ્યોના બાહ્યરંગ પરિચય આપી, તે ગીતોને ગાવાની પદ્ધતિ, ધાર્મિક-સામાજિક સ્થળ-કાળનું પ્રયોજન, કંઠસ્થ સાહિત્યનું કલામય સ્વરૂપ, કાવ્યોમાં વપરાતા વાજિંત્રો, લોકસમુદાયની સંપૂર્ણ સહભાગિતા સાથે નાટ્ય- સંગીત અને નૃત્યમય રજૂઆત કરતા સમુદાયના મનોવલણોની સવિસ્તૃત છણાવટ કરી એ પ્રકારે છે જાણે લોકસંસ્કૃતિનો આપણને શાબ્દિક અનુભવ થતો હોય છે. આ પરંપરાના લોકમહાકાવ્યોના બાહ્યસ્વરૂપનો પરિચય આપ્યા પછી ભગવાનદાસ પટેલ અહીં આંતરસ્વરૂપને પણ ઝીણવટથી મૂળથી છેક સુધી પ્રસ્તુત કરે છે. સૃષ્ટિસર્જનની પુરાકથાથી માંડી નાયિકાપ્રધાન મહાકાવ્યો, આ મહાકાવ્યોનો જીવનબોધ કે યુગબોધ, આધારસ્ત્રોત, સમગ્ર જીવનનું સત્ય(બોધ), સાહિત્યિક વલણ તથા લોકસંસ્કૃતિના પાયામાં રહેલી આસ્થાની વાત માંડે છે. આ લેખના છેલ્લા ભાગમાં ભગવાનદાસ પટેલ તેમની આ ‘લોકયાત્રા’ના પડાવ, મદદ કરેલા લોકનો પરિચય, મળેલી પ્રેરણા, પોતે કરેલા ખંત સાથે પૂર્વસૂરિયોના પાયામાં રહેલા પ્રયાસ અને લોકસાહિત્યના સંશોધન-સંપાદનના ઇતિહાસની આછીપાતળી રૂપરેખા અહીં પ્રસ્તુત કરે છે.
‘ભીલ લોકમહાકાવ્યો : કેટલાંક અભ્યાસ તારણો’ આ શોધલેખમાં હસુ યાજ્ઞિક ગુજરાત પ્રદેશની ભીલી બોલીના કંઠ પરંપરાના બે પૌરાણિક લોકમહાકાવ્યોમાં ‘રૉમ સીતમાની વારતા’ અને ‘ભીલોનું ભારથ’ સાથે ‘રાઠોર-વારતા’ અને ‘ગુજરાંનો અરેલો’ એ બે ઐતિહાસિક-દંતકથામૂલક એમ ચાર મહાકાવ્યો અભ્યાસની લોકતાત્ત્વિક અધ્યનની દૃષ્ટિએ ઉપલબ્ધિ સમુ છે. ખેડબ્રહ્માના ડુંગરી ભીલોની આદિવાસી જાતિમાં વીસમી સદીના અંત સુધી પણ જીવંત રહેલી, તેના સંપૂર્ણ સ્વરૂપમાં ધબકતી કંઠપરંપરાની આ સમૃદ્ધિ છે. આ પ્રસ્તુત લેખમાં હસુ યાજ્ઞિકે વિશ્વસ્તરનાં મહાકાવ્યોના બે સ્તરને વર્ણવ્યાં છે જેમાં એક ‘oral epic’ તો બીજી લિખિત પરંપરાના પ્રશિષ્ટ કાવ્યો છે. હોમર, દાંતે, વાલ્મીકિ, વ્યાસ, કાલિદાસ વગેરેના મહાકાવ્યો પ્રશિષ્ટ મહાકાવ્યો છે, જયારે Oral Ramkatha, Oral Mahabharat વગેરે કથન પ્રવાહમાં પ્રવાહિત છે. લોકમહાકાવ્યોની કંઠપરંપરાનો પરિચય આપ્યા બાદ હસુ યાજ્ઞિક લોકમહાકાવ્યોના લક્ષણોનો પરિચય કરાવે છે. તેઓ દેવ-દેવ વચ્ચેનો સંઘર્ષ, દેવ-દાનવ વચ્ચેનો સંઘર્ષ, દેવ-માનવ વચ્ચે સંઘર્ષ અને માનવ-માનવ વચ્ચેનો સ્વવંશ કે સ્વજાતિ ગત કે ભિન્ન જાતિઓ વચ્ચેના સંઘર્ષ અને વંશવ્યાપી, યુગ વ્યાપી અને અસર-મહાકાવ્યની પરિણમતી કથાનું મુખ્ય લક્ષણ ગણાવે છે. ભારતીય સાહિત્યના ખૂણે ખૂણે થયેલા સંશોધન- સંપાદનનો ઉલ્લેખ સાથે ઉત્તર ભારતની ઢોલા-મારુની કથાપરંપરાની તુલના પણ અહીં દર્શાવે છે, તેની સાથે દક્ષિણ ભારતની પરંપરાનો પણ ચિતાર આપે છે. આ ભૂમિકા બાદ તેઓ ગુજરાતની લોકકંઠ પરંપરાના ભીલી મહાકાવ્યો અને તેને શોધી કાઢનાર ભગવાનદાસ પટેલની સંશોધન-સંપાદન પ્રવૃત્તિને બિરદાવે છે. શહેરીકરણ-શિક્ષણ અને આધુનિકીકરણ પછી આ આદિવાસીઓની જીવંત રહેલી પરંપરાના મૂળભૂત લક્ષણોની સાથે પરંપરા જળવાઈ રહ્યાના કારણો અહીં આપ્યાં છે. આ કારણોની વિસ્તૃત નોંધ કરતાં તેના મુખ્ય કારણો જોઈએ તો, આદિવાસીની આ પરંપરા તેમના ધાર્મિક અનુષ્ઠાનનો ભાગ હતા તથા તેમની આ પરંપરાને સાધુ-ભોપા-ભોપી જેવો ખાસ વર્ગ ટકાવનારો હતો અને જાતિગત-સામાજિક-ધાર્મિક પરંપરાને કારણે આ કંઠપરંપરાને આ સમાજ જાળવી શક્યો છે. આ કંઠપરંપરા માત્ર લોકવિદ્યાથી-શુધ્ધતા કે પૂર્તતાના રૂપમાં લોકસાહિત્ય, લોકસંગીત, લોકનૃત્યની ધારા નથી પણ તેઓ આ પરંપરાને Semi Literary’ પ્રકારની ગણે છે. આ આદિવાસી પરંપરાનું સર્જન કે નિર્માણ, સંક્રમણ, પ્રસ્તુતીકરણ વગેરે કલાકાર એવા વૃંદ દ્વ્રારા એટલે કે સાધુ-ભોપા-ભોપી દ્વારા થાય છે. આ રામકથા, પાંડવકથા કે અરેલાકથા પરંપરાગત મૂળભૂત વ્યક્તિકૃત રચનાઓ છે. આ આખી પરંપરાગત લોકકથાઓ મૂળભૂત જીવનની ધારણાઓ સાથે સંકળાયેલી હોવાથી ટકી છે. આ પરંપરામાં આદિવાસીઓ કુંતા અને દ્રૌપદી ડાકણ દેવીઓ માને છે, જયારે ગુર્જર જાતિના દેવનારાયણ ખેડબ્રહ્માના ડુંગરી ભીલોના લોકદેવ છે અને ‘ગુજરાંનો અરેલો’ ધર્મવિધિ સંલગ્ન પુરાણ છે; જેમાંથી આર્યધર્મની જ પુરાકથાઓ આદિવાસી પરંપરાએ સ્વીકારી છે. આદિવાસી મહાકાવ્યોની વાત કરતા હસુ યાજ્ઞિક કહે છે કે, આદિવાસી મહાકાવ્ય ‘રૉમ સીતમાની વારતા’માં માનવ-દાનવ સંઘર્ષ છે, ભારથમાં વંશ યુદ્ધ છે, રાઠોરવારતા અને અરેલોમાં બે ભિન્ન વંશ અને જાતિ વચ્ચેનો સંઘર્ષ છે... કુદરતી આફત અને યુદ્ધ જેવી માનવીએ ઊભી કરેલી આફતથી અંતે તો વિનાશ જ સર્જાય છે... અતિમાનવીય તત્ત્વ માણસને દુર્બુદ્ધિથી પોતાનો વિનાશ કરે છે, એ માટે પ્રેરે છે. ( પૃ ૫૭, ૫૮) આ તંતુના કારણો સાથે જોડ્યા છે. આમ, ડુંગરી ભીલોના જાતિગત કુળમૂળ, એમનો ઇતિહાસ, ગુર્જરો સાથેનો સંબંધ અને ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય આ મહાકાવ્યો પૂરા પાડે છે.
મહાભારતની કંઠપરંપરા અને ‘ભીલોનું ભારથ’ લેખમાં ભારતના બહુવિધ માનવસમાજમાં રામચરિત, કૃષ્ણચરિત કે મહાભારત જેવી કાવ્યપરંપરા અને કથાનકો ઘણી પરંપરામાં પ્રચલિત છે તેને અહીં રાજેશભાઈ પંડ્યા લિખિત અને મૌખિક પરંપરાના મહાભારત કે પાંડવકથાની સમૃદ્ધિ પરંપરાનો ઉલ્લેખ કરે છે. ત્યારબાદ મહાભારતની કંઠપરંપરામાં કથાકારોની મંડળી એટલે મૂળ સંસ્કૃતમાં ગાનાર મંડળી ‘પાઠકો’ તથા લોકભાષામાં સમજાવનાર મંડળી એટલે ‘ધારકો’ની વ્યાખ્યા આપ્યા બાદ ‘ભીલોનું ભારથ’ની કથા કહેનાર કથકને ‘સાધુ’ તથા ટેકો આપનારને ‘હોંકારિયોબાણિયો’ કહી ઉલ્લેખ છે. આખા ભારતમાં મહાભારતની મૌખિક રજૂઆત અલગ અલગ નામે થાય છે. જેમાં મણિપુરમાં ‘વારી-લિલા’, અસમમાં ‘ઓઝહા પાલી’, ઓરિસ્સામાં ‘પાલા’, મધ્યપ્રદેશ-છત્તીસગઢમાં ‘પાંડવાની’, રાજસ્થાનમાં ‘ભીમો ભારથ’, દક્ષિણ ભારતમાં ‘હરિકથા’, કેરલમાં ‘નિષલકતુ પાટ્ટુ’ કે કુરવરપાટ્ટુ’ નામ પ્રચલિત છે. આ ભારતીય પરિપ્રેક્ષ્યમાં મહાભારત કથાની વાત કર્યા બાદ રાજેશભાઈ પંડ્યા અહીં મધ્યકાલીન ગુજરાતીમાં મહાભારતની કથાના મૂળ વિશે પરિચય આપી ‘ભીલોના ભારથ’ વિશે સઘન અધ્યયન પ્રસ્તુત કરે છે. તેઓ ‘ભીલોનું ભારથ’ને ‘વનવાસી મહાભારત’ તરીકે ઓળખાવે છે. આ ‘ભીલોનું ભારથ’ છવ્વીસ પાખંડીઓમાં વહેચાયેલું કથાનક છે. જે વિશે સઘન અભ્યાસ કરતા રાજેશભાઈ કહે છે કે, ‘ આ છવ્વીસ પાંખડીઓમાં જે કથાનકો છે તે કઈ મહાભારતના નિર્ધારિત ક્રમને અનુસરતા નથી, પરંતુ એમાં મહાભારતનાં મુખ્ય પાત્રો કે કથાપ્રસંગોનો આધાર જરૂર છે, અને સહજ રીતે થતો કથાવિકાસ પણ છે જ. એટલે એના વાચન-શ્રવણ દરમિયાન આ છૂટી પાંખડીઓ ધીરેધીરે ઊઘડતી ને એકબીજા સાથે સંયોજાતી ફૂલની કળા ધારણ કરે છે. (પૃ. ૬૩) આમ કહી પરંપરાગત મહાભારતની મૂળકથાનો ‘ભીલોનું ભારથ’ સાથેનો તુલનાત્મક અનુબંધ રજૂ કરે છે. આ કથામાં અન્ય કથાનકો સાથે જે આદિવાસી પરંપરાના કેટલાક આદિમ કથાઅંશોનું સહજ સંકલન થયું છે, તેના બિંદુઓ પર પ્રકાશ પાથરે છે. અહીં ‘ધોફાં નં વાસંગ’ (દ્રૌપદી અને વાસુકિ) જે ભાનુમતિ અને અત્રિકનું કથાનક પણ કહેવાય છે જેના કથાઘટકોની કથાપ્રકૃતિનું વિસ્તૃત આંકલન કરે છે. આ અભ્યાસકીય લેખમાં આ પરંપરાગત કથાનકોમાં કામવૃત્તિના અજાણ્યા ખૂણાઓ અને માનવમાદા અને માનવેતર નરની કામક્રીડાના રૂપાંતરિત કથાઘટકોને ઉદાહરણ સહિત પ્રસ્તુત કરે છે. છેલ્લા ભાગમાં ‘ભીલોનું ભારથ’ કંઠપરંપરાની કૃતિમાં આવતા લોકબોલીના શબ્દો, કથાકથન અને કથાસંયોજનની રસપ્રદ પ્રયુક્તિઓ, આકર્ષક વર્ણન સમૃદ્ધિ તથા કલ્પનાશીલ કાવ્યાત્મક વર્ણનોને સોદાહરણ પ્રયોજે છે. આમ, આદિવાસી રીતિરીવાજ-સંસ્કૃતિ-પર્વ-તહેવાર-ઉત્સવ-પ્રણાલિકા-માન્યતાનું ઝિલાયેલું પ્રતિબિંબ ‘ભીલોનું ભારથ’ મહાકાવ્યમાં ઉજાગર થતું જોઈ શકીએ છીએ.
‘રૉમ સીતમાની વારતા’ અને ‘મહાપંથી જીવનદર્શન’ - આ અભ્યાસલેખમાં નાથાલાલ ગોહિલ આદિવાસી સમાજમાં રહેલી રામાયણની કાંઠોપખ્યાનમાં રહેલી પરંપરાની રૉમ સીતમાની વારતા વિશે ગહન અભ્યાસ રજૂ કરે છે. રામાયણની કથા આદિવાસી ભીલસમાજમાં ગાન, તાલ, નૃત્ય સાથે ગવાય છે. આદિવાસી રૉમ સીતમાની વારતા’નાં રામ, સીતા, લક્ષ્મણ, હનુમાન સામાન્ય જનસમુદાયનાના-પોતાની માનવીય મર્યાદા ધરાવતા પાત્રોરૂપે પ્રગટ થાય છે. આદિવાસી રામકથામાં લક્ષ્મણ મુખ્ય નાયક તરીકે પ્રગટ થાય છે અને સીતાને આદિવાસી કન્યા તરીકે આલેખાય છે. રામ સીતાનાં લગ્નની આ કથાના આધારે આદિવાસીઓના રિવાજો અને પ્રકૃતિપ્રેમ દર્શાવવામાં આવ્યો છે. આ લોકરામાયણની કથામાં નૃવંશીય, ઐતિહાસિક, સંસ્કૃતિક, ભૌગોલિક અને ધર્મપરંપરાના દૃષ્ટિકોણથી મૂલવવામાં ઘણા રહસ્યો ઉદ્દઘાટીત થવાની ક્ષમતા છે. આ લોકરામાયણમાં કૌશલ્ય ખલનાયિકા છે અને લક્ષ્મણ બ્રહ્મચારી પુરુષ; જે રાવણને મારી શકે છે, તે મહાનાયક છે. ભગવાનદાસ પટેલ સંપાદિત ‘રૉમ સીતમાની વારતા’ ૧૯૮૪થી ૧૯૮૭ સુધીના ક્ષેત્રકાર્યને ૩૦૦ કેસેટ ધ્વનિમુદ્રિત કરી ગ્રંથિત થઈ છે. આ કથા ઉપરાંત આદિવાસી ભીલ પરંપરામાં ‘ધૂળાનો જ્યોત પાટ’ પણ ‘મહાપંથી જીવનદર્શન’ સાથે સંકળાયેલો છે. અહીં ભજન સૂર્યોદય સુધી ગવાય છે, જેમાં ‘રૂપારૉણીની વારતા’ ‘તોળીરૉણીની વારતા’, ‘ સતિયા સદણની વારતા’, ‘રૉમ સીતમાની વારતા’, ‘ ભારથ’ વગેરેની ભકિતભાવની પાંખડીઓ ગવાય છે. આજ અભ્યાસલેખતો બીજો મહત્ત્વનો ભાગ છે ‘મહાપંથી જીવનદર્શન’. મહાપંથી ભજન સંપાદનમાં તેની ઉત્પત્તિ કથા, આરાધી ભજનમાં સાધના ક્રિયા, ગુરુમુખી શબ્દજ્ઞાનમાં ગુપ્ત રહસ્યોની ચાવીઓ આપવામાં આવી છે. શિવ-શકિતએ મળી આ મહાપંથ સ્થાપ્યો અને તેને વિસ્તાર કર્યો છે, તેમ માનવામાં આવે છે. મહાપંથના મૂળ જોતા આદિધર્મ સનાતનધર્મ-મહાપંથ-ધૂનોધરમ કહી શકાય છે. અરણ્યવાસી ભીલ સમાજનો આ ધર્મ છે, જે ભારતના મૂળ નિવાસીઓ છે. આ સમાજે પ્રાચીન ભારતીય સંસ્કૃતિ, ધાર્મિક પરંપરાઓને છોડી નહીં જે આદિવાસી ભીલસમાજમાં જોવા મળે છે તે ‘ધૂળનો પાટ’ આ મહાપંથી જ્યોત પાટ ઉપાસના જ કહેવાય છે. આ ભારતીય મૂળ નિવાસીઓનો ધર્મ શિવ-શકિત ઉપાસનાનો છે. પ્રકૃતિપૂજક આ સમાજનો મહાપંથ, બુદ્ધધર્મ, નાથપંથ, તંત્રસાધના, નિર્ગુણ જ્યોતપાટ, ઉપાસના, ભારતીય સંતસાધના એ મૂળ તથા સનાતન ધર્મ છે. આ મહાપંથમાં સ્ત્રી કર્તા-હર્તા-સમાહર્તા છે. પુરુષે સ્ત્રીનું આધિપત્ય –શરણું સ્વીકારવું પડે છે. આ પંથની સાધનામાં `સ્થૂળ દૈહિક ક્રિયાઓ નથી, પણ આંતરજગતની સૂક્ષ્મસાધના છે. આ મહાપંથી સમુદાયના લોકો સ્ત્રીને અધિષ્ઠાત્રી માનતા હોવાથી જ ‘રૉમ સીતમાની વારતા’માં કન્યા જન્મને આનંદના પર્વ તરીકે ઉજવવામાં આવે છે. આ સમાજ માનવમાત્રને સમાન ગણે છે. ‘રૉમ સીતમાની વારતા’માં હંસદેવના જન્મથી માંડીને તેના મોક્ષની ગતિ સુધીની ભજન વારતા ગાવામાં આવે છે. મહાપંથી દર્શન અને આદિવાસી ધર્મદર્શનમાં સૃષ્ટિ ઉત્પત્તિ અને તેનાં રહસ્યો એક સરખાં છે. ભારતીય સંત પરંપરા, શિવ-શક્તિ પરંપરા, નાથ પરંપરામાં મહાપંથી સાધના અને જીવનદર્શનની આ અભ્યાસલેખમાં વિસ્તૃત નોંધ કરાય છે.
‘ભીલી પૌરાણિક લોકાખ્યાનો : વિવિધ પાસાં’ નામક અભ્યાસ લેખમાં ડૉ. દિપક પટેલે મુખ્યત્વે સંશોધકો દ્વારા સંપાદિત ઉત્તર ગુજરાતના ખેડબ્રહ્મા –દાંતા તાલુકામાં પ્રચલિત લોકાખ્યાનોને ત્રણ વિભાગોમાં વિભાજિત કરી ગહન અભ્યાસ કર્યો છે. (1) સૃષ્ટિ-ભગવાન, દેવ-દેવીની ઉત્પત્તિકથાઓ (2) ડાકણ અને ભોપની ઉત્પત્તિકથાઓ અને (3) અર્ધપુરાકથાઓ. સૃષ્ટિની ઉત્પત્તિના રહસ્યને પામવા માટેની લોકસમાજની કલ્પનાઓનું આલેખન લોકાખ્યાનોમાં છે. સંસ્કૃતિના વિકાસમાં રહેલા આદિવાસીઓ ભ્રમણશીલ હતા. તેમના પ્રકૃતિતત્ત્વો સાથેના સંબંધોમાં આવતા વિસ્મય ભૂલભૂલામણી અને મૂંઝવણને વ્યક્ત કરતી સ્થિતિમાં માનસિક સ્વસ્થતા મેળવા તેઓ પ્રકૃતિના તત્ત્વોની સ્તુતિ કરતા. આ સ્તુતિગાન કલ્પનોત્થ, પુરાણકથાઓ, પૃથ્વીનું સર્જન, પ્રલય, દેવતત્ત્વને લગતી કલ્પનોત્થકથાઓને પુરાકલ્પન અને પુરાકથાઓના માધ્યમે રજૂ કરવામાં આવી છે. આ પુરાકથાનો સંબંધ ધર્મદર્શન, વિધિવિધાનો, સામાજિક સંસ્થાઓ અને પરંપરાઓ સાથે રહેલો છે. લોકપરંપરાની લાક્ષણિકતાઓ આપતા દીપકભાઈ પોતીકી ધર્મદૃષ્ટિ, સર્વોપરી રહેતી શ્રદ્ધા, પ્રકૃતિ સાથેનો ધનિષ્ઠ સંબંધ, પ્રાગૌતિહાસિક કોયડો, દેવ-દેવી-સૃષ્ટિ-માનવ-પ્રાણી-પ્રકૃતિના ઉદ્દ્ભવ ભૂમિકા, પ્રાકૃતિક જીવોનું માનવીકરણ, અલૌકિક અને અતિમાનવીય તત્ત્વોનું સ્થાન, લોકમાન્યતાઓ, લોકશ્રદ્ધા–લોકવિહારને પ્રાધાન્ય અને પ્રકૃતિ સાથે જીવનના મહાત્મ્યને સમજાવવાનો પ્રયત્ન કરે છે. ભીલ લોકપરંપરાના ‘ભીલી પૌરાણિક લોકાખ્યાન’ની નહિ ચર્ચા કરતા તેઓ ત્રણ ભાગમાં વિભાજિત પુરાકથાઓને વિસ્તારપૂર્વક રજૂ કરવાનો અભિગમ રાખે છે. ભગવાન, દેવ-દેવીઓ અને સૃષ્ટિની ઉત્પત્તિ વિષયક પુરાકથાઓમાં તેઓ પૃથ્વીની ઉત્પત્તિ વિષયક પુરાકથા ૧માં પૃથ્વીની ઉત્પત્તિની કથા છે, ‘ડુંગરી ભીલોના દેવિયાવાળા અરેલા’, ‘ધરણી’ અને ‘મનુષ્ય અવતારની વહી’, દેવો અને મનુષ્ય અવતાર’, ‘દેવીઓની વહી’, ‘મનખા-અવતારની વહી’, ‘દેવરાની વારતા’, ‘મોતીચરાની વારતા’, ‘મનખા-અવતારની વહી’, ‘ગણગોર’નો ઉત્સવ, ગરાસિયા લોકોત્સવ, કૉબરિયા ઠાકોરની વારતા, ગૌતમ રખીની કથા, ‘સોખલા ગરાસિયાની વહી વાતો’ તથા ‘બારમેઘની વાત’ જેવા લોકાખ્યાન જોવા મળે છે. બીજા વિભાગીકરણમાં ડાકણ, ભોપા વિષયક ઉત્પત્તિકથાઓ અને કરમીરાની કથા છે. જેમાં મનુષ્ય લોકમાં વિવિધ રોગોથી માનવસંહાર થતો રોકવા દેવ-દેવીઓ ભોપા-ભોપીનું સર્જન કરે છે તેની કથાઓ ‘ડાકણની ઉત્પત્તિકથા’, ‘ડાકણવિદ્યા સાધવા જતી ડાકણોની મિથ-કથા’, ડાકણની વહી’, ‘ભોપાઓની ઉત્પત્તિ વિષય મિથકથા’, ‘ભોપાની ઉત્પત્તિ અને ડાકણ પર અધિપત્ય કથા’, ‘દેવીઓના અરેલાં’ અને બીજી ‘કરમીરાની કથાઓ’માં પ્રકૃતિ ચૈતન્યમાં વિશ્વાસ ધરાવતી આ પ્રજાના ભાવિવિશ્વનું આલેખન છે. ત્રીજા વિભાગીકરણમાં ‘અર્ધપુરાકથાઓમાં ‘જગદેવ પરમારની વારતા’, ‘રામદેવની કથા’, ‘ હંસદેવની કથા’, ‘હપિયાદે હૉખલી’ અને ‘હોનોલ હોટી’ની કથાઓમાં પુરાકથાની સરવાણી વહી છે. આ પુરાકથાઓમાં જીવનના સંદર્ભ સાથે સમૂહચેતના અને સમયે સમયે બદલાતી માનવીય કલ્પનાને પણ સ્થાન મળતું ગયું છે, તેનો સઘન અભ્યાસ અહીં રજૂ કરાયો છે.
‘ભીલી મહાકાવ્યોના અંગ્રેજીમાં થયેલા ભાષાંતર’ વિશે અભ્યાસલેખ પ્રસ્તુત કરતા નીલા શાહ લોકસાહિત્યને સ્રોત ભાષામાંથી લક્ષ્યભાષામાં અવતરિત કરવાનું કાર્ય અતિ વિકટ ગણે છે. મહાકાવ્યોના ‘મૌખિક’ સ્વરૂપના પાશ્ચાત્ય વિચારધારાના ‘authenticity’, fideality’ કે ‘Faithfulness’ના ખ્યાલોને તેઓ પડકારે છે. ભીલી સાહિત્યના ચાર મહાકાવ્યો કંઠપરંપરામાં છે જેના અનુવાદ કે ભાષાંતર કરવામાં નડતા પ્રશ્નોને સોદાહરણ તેમણે રજૂ કર્યા છે. ડુંગરી ભીલ પ્રજા તેનાં મહાકાવ્યોને ‘પઝન’ (ભજન) વારતા’ કહે છે અને પ્રકરણને ‘પાંખડી’. આ જે અહીં સ્થાનિક લોક અર્થ જોડાયેલો છે જેનું ભાષાંતર કે અનુવાદ મહ્દઅંશે શક્ય જ નથી. ત્યારબાદ લોકબોલી કાંઠે (ગવાતા) આ લોકગીતામાં અમુક પંક્તિઓ ‘તબૂંર’ સંગત વગર રડતા અવાજે ગાતા હોવાનું દર્શાવવાનું અનુવાદમાં ક્યાંથી શક્ય બને ? આ લયબદ્ધ સંવેદનશીલતા, દૃષ્ટિ અને કર્ણનું સાયુજ્ય અનુવાદ સાથે લેખિત પ્રતમાં દર્શાવવા મુશ્કેલીભર્યા છે, તેવા વ્યવહારિક પ્રશ્નોને ઉઠાવી અમુક શબ્દો, શબ્દોસમૂહ, પંકિત કે વાક્યો પરિચ્છેદને તેના ગર્ભિત અર્થમાં જ સમજી અને અનુવાદમાં મૂકી પ્રજાની સંસ્કૃતિને જીવતી રાખવાની અનુવાદની ભૂમિકા અને ખૂબી-ખામીઓ તરફ અંગૂલિનિર્દેશ કરવામાં આવ્યો છે. તેનો નિવારણ રૂપે તેઓ પ્રસ્તુત મહાકાવ્યોના અનુવાદ સમયે ભાષા, કાળ, સાંસ્કૃતિક બાબતોને સંલગ્ન વિવિધ સમસ્યાઓ ઉદ્દભવી શકે તે સમજૂતી જે શબ્દસૂચિ, સમજૂતિઓ, પાદટીપ વગેરે દ્વારા હલ કરી શકાય.’ (પૃ-૧૪૨)
‘રૂપાંરૉણીની વારતા’ અને અન્ય રૂપાંતરો’ -માં ડૉ. બળવંત જાનીના આ અભ્યાસલેખમાં ૪૩ ભજનોમાં પથરાયેલું કથાનક ‘રૂપાંરૉણીની વારતા’ અને તેના રાવળ માલદે, રૂપારાણી, ગુરુ ઉજમશી અને રાવળ માલદેના પિતાની આસપાસ રસપ્રદ રીતની રજૂઆત છે. આ મૂળ કથા ઉપરાંત તેમણે અહીં આ કથાનકના અન્ય રૂપાંતરોમાં સંપાદિત ‘રૂપાંરૉણીની વારતા’ના ગુજરાત અને રાજસ્થાનમાં પ્રચલિત રૂપાંતરોનો પણ પરિચય કરાવ્યો છે. મહપંથના સંદર્ભમાં ઉત્તમ શાસ્ત્રીય પાઠ નિયત કરાવ્યો છે, મહાપંથના સંદર્ભમાં ઉત્તમ શાસ્ત્રીય પાઠ નિયત કરવાની પદ્ધતિ દર્શાવવામાં આવી છે, તે સંદર્ભમાં ગુજરાત રાજસ્થાનમાં પ્રચલિત રૂપાંદે વિષયક વિવિધ દંતકથાઓને ધ્વનિમુદ્રિત રૂપમાં મેળવીને તેનો મૂળ સાથેનો અનુબંધ અને પરંપરાની હસ્તપ્રતોનો ઉપયોગમાં લીધી છે. આ અભ્યાસલેખમાં ‘રૂપાવેલ : ભજન રચના’ની હસ્તપ્રત મૂકયા બાદ પાઠચર્ચા અને અર્થઘટનને સામગ્રીરૂપે ઉદ્યુત કરી ગુજરાતી ‘રૂપાવેલ’ની દીર્ઘગીત કથાનો પરિચય આપી, રૂપાંદે-માલદેના જીવન-પ્રસંગને કેન્દ્રસ્થાને રાખ્યો છે. ઉપરાંત રૂપાંદે વિષયક ગુજરાતી લોકગીતનો પરિચય આપી આ પરિવર્તનનો તુલનાત્મક અભ્યાસ પણ અહીં રજૂ કર્યો છે.
ઉપસંહાર :
ડૉ. ભગવાનદાસ પટેલ સંપાદિત ‘ભીલી મહાકાવ્યો : એક મૂલ્યાંકન’ અભ્યાસીય ગ્રંથમાં પ્રાગ ઐતિહાસિક યુગથી એકવીસની સદી સુધીના આ ડુંગરી આદિવાસી લોકોની ભીલી કંઠ પરંપરાથી આપણે અહીં ચોક્કસ પરિચય પ્રાપ્ત કરી શકીએ. સાથે પાશ્વાત્ય લોકવિદ્યાની વિભાવનાથી તદ્દન જુદી પડતી સદા સજીવન ભારતીય લોકપરંપરાની લયબદ્ધ-સંગીતબદ્ધ-સંવેદનાસભર મૌખિક પરંપરાની ધરોહર સમા ચાર મહાકાવ્યો તથા અન્ય લોકાખ્યાનોના કથાનકનો પરિચય તો પ્રાપ્ત થાય છે સાથે લોકબોલીમાં લખાયેલા આ સાહિત્ય અને તેના શબ્દો-સંદર્ભને સમજવામાં આ પુસ્તક ઉપયોગી નીવડે, ઉપરાંત પ્રશિષ્ટ મહાકાવ્યોના ક્થાનક અને ભીલી લોકમહાકાવ્યોના કથાનક ક્યાં જુદાં પડે, ક્યાં સમાનતા ધરાવે છે ? તેનો તુલનાત્મક અભ્યાસ પણ અહીં રજૂ થયો છે. મહત્ત્વના લોકસાહિત્યના બિંદુઓના સ્પષ્ટીકરણ, મૂલ્યાંકન, ઇતિહાસની પરિચાયાત્મક ભૂમિકા, પાશ્વાત્ય અને ભારતીય ભીલી લોકપરંપરાના સંશોધનની રીતિ, ગતિ અને અભિવ્યક્તિના સંદર્ભ પુસ્તક તરીકે પણ આ પુસ્તક મહામૂલું બન્યું છે.