લઘુકથા
પણ .......
પત્ની મોટી થાળી લઈને બહાર નીકળી. બૂમ સંભળાઈ હતી. શાકભાજીવાળો આવ્યો છે. એ મારો પૂર્વ વિદ્યાર્થી છે. એક વખતે પૈસા આપવા ગયો ત્યારે ખબર પડી.
સવારના સમયમાં લોન ઉપર રાખેલા હિંચકે બેસીને હું છાપું વાંચતો હોઉં છું. એના આવવાનો સમય આ એટલે મને જુએ અને દરવાજે ઊભો રહે. કાયમ એનો ટહૂકો હોય : ‘સર, કેમ છો ?’ ‘સર, નમસ્કાર.’ ‘સર, મજામાં ને ?’
હું દરવાજે આવું. પત્ની શાકભાજી લેતી હોય પણ કહે મને, ‘સર રીંગણા મસ્ત છે. કાંટાવાળા. ઓળો મસ્ત બનશે.’ ‘તાજી દૂધી. હલવો બનાવજો.’ ‘ગાજર, બીટ, કાકડી. કચુંબર મસ્ત બનશે.’ ‘વટાણા સસ્તાં થઈ ગયા. ભરી રાખજો ફોલીને.’
કોઈ કોઈ વખતે એ ઉદાર બને. ‘આ હળદર લીલી. અઢીસો મારા તરફથી.’ ‘ના ના. કોથમીરના પૈસા નથી લેવાના.’ ‘શું સાહેબ તમેય? ઉપલા બે રૂપિયા પણ આપશો ? અહીંયા તો એકસો વીશ થયા હોય તોય સો રૂપિયા આપનારા છે.’
અલબત્ત એની ઉદારતા હું ન ચલાવતો. કહું, ‘તારો ભાવ સારો છે મારા – અમારા માટે. જાળવી રાખજે.’ અને એમ થતું જ. વજન કરતા કાયમ ચાલીશ-પચાસ ગ્રામ, સો ગ્રામની એ ગણતરી ન કરે. મસાલો આપવામાં પાછું વળીને ન જુએ. સારું ન હોય તો કહેશે, ‘તમને ન અપાય.’
આવે એ દસેક મિનિટ પણ સદવર્તાવ અને સદભાવની ટોપલીઓ પણ આપતો જાય.
એવામાં એક દિવસ એ દોડાદોડ મારા હિંચકા પાસે આવીને કહે, ‘સર, હું એમ.એ.ના પહેલા વરસમાં પાસ થઈ ગયો.’
‘અરે, વાહ ..... બહુ સરસ. અભિનંદન તને. પણ એમાં અહીંયા ચપ્પલ કાઢીને આવવાની શું જરૂર હતી ?’
એ શરમાઈ ગયો. પોતાના પગ સામે જોઈને કહે, ‘પણ સર ..... મારે ચપ્પલ જ ક્યાં છે !’