Included in the UGC-CARE list (Group B Sr. No 172)

સંકલ્પબળ: વ્યક્તિના જીવનના પ્રેરણાત્મક પ્રસંગો

મફતલાલ પટેલ સાહિત્યજગતમાં અલગ ઓળખ ધરાવે છે. મફતલાલ પટેલ એટલે અનુવાદક, નિબંધકાર. તંત્રી તરીકે પણ ઘણા લાંબા સમયથી સેવાઓ આપી રહ્યા છે. અહીં આપણે તેમની પુસ્તિકા ‘સંકલ્પબળ’ વિશે વાત કરીશું. ‘સંકલ્પબળ’ ચોવીસ જેટલા હળવા,પ્રેરણાત્મક નિબંધ ધરાવતી પુસ્તિકા છે. આ પુસ્તિકા લખવા પાછળના તેમના આશયો અને ઉદ્દેશ તેમણે આ પુસ્તિકાની પ્રસ્તાવનામાં દર્શાવ્યા છે. જેમ કે, “આ નાનકડી પુસ્તિકામાં મારા હૃદયનો અવાજ રજૂ કર્યો છે. આજે હજારો યુવાનો પોતાના શરીર અને મનને સમજ્યા વિના ગમે ત્યાં લપકાં મારી રહ્યા છે, પરિણામે તેઓનામાં હતાશા, નિરાશાની સાથે અનેક પ્રકારની શારીરિક, માનસિક વિકૃતિઓ જોવા મળે છે. આજના આ યુવાવર્ગને ઢંઢોળવા માટે આ મારી નાનકડી પુસ્તિકા ઉપયોગી થશે તો મારો આ નમ્ર પ્રયાસ સફળ થયેલો માનીશ.” આ પ્રમાણે મફતલાલ પટેલે વર્તમાન તેમજ ભાવિપેઢીને વિશ્વ તેમજ ભારતમાં થયેલા સંકલ્પબળે આગવી ઓળખ ઊભી કરનારા વિશિષ્ટ વિભૂતિઓને ચરિત્રસ્વરૂપે લઈ પ્રેરણા આપવાનો પ્રયત્ન કર્યો છે. આપણે જાણીએ છીએ તેમ જીવનમાં દ્રઢ શ્રધા કે આત્મવિશ્વાસ કોઈ પણ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે પ્રેરણારૂપ છે. એક મધ્યકાલીન કવિએ પણ કહ્યું છે કે, “નિશ્ચયના મહેલમાં વસે મ્હારો વ્હાલમો.” અર્થાત્ જે દ્રઢ નિશ્ચય કરે છે. તેને વ્હાલમરૂપી સિદ્ધિ અર્થાત્ લક્ષ્યની પ્રાપ્તિ થાય જ થાય છે. આમ આવા વિચારોને વ્યક્ત કરતી આ પુસ્તિકામાં સંકલ્પબળ વિશે લખેલા કેટલાક પ્રાસંગિક નિબંધોની ચર્ચા કરીએ.

‘સંકલ્પબળ’ પુસ્તિકાનો પ્રથમ લેખ છે ‘મન એક મહાન કલ્પવૃક્ષ’ આ પ્રેરણાત્મક લેખમાં તેમણે મન વિશેની નાની અમથી પણ વિચારશીલ વાત કરી છે મનુષ્યની દરેક શક્તિ અખૂટ પ્રમાણમાં પડી છે. દરેક મનુષ્યને મનની શક્તિ એક સરખી જ આપી છે God is not beggar and man is endowed with the power to draw out exhaust less of resources of infinity for gratification of his every want’ અર્થાત પરમેશ્વર કંઇ દરિદ્ર નથી અને માનવને અપ્રાપ્ય પ્રત્યેક પદાર્થ તેની અનંત વૈભવ સામગ્રીમાંથી પ્રાપ્ત કરી લેવાની શક્તિ તેમણે તેને આપી છે. મનએ આપણું કલ્પવૃક્ષ. જેમ કલ્પવૃક્ષ નીચે જેની કલ્પના કરીએ તે મળે છે તેવી જ રીતે મનુષ્યનું મન પણ એક મહાન કલ્પવૃક્ષ છે. આ પુસ્તિકાના આ પ્રથમ લેખમાં આ બધી જ વાતને મફતલાલ પટેલે બે-એક પાનામાં સારી પેઠે આવરી લીધી છે. લેખની અંતે મૂરે, પ્રેમચંદ, વિક્ટર હ્યુગો, રણછોડદાસજી મહારાજ, ગેટે, પ્રણવાનંદજી જેવી મહાન વિભૂતિ ના અવતરણો મુકેલ છે.

મફતલાલ પટેલે ‘સંકલ્પબળે વ્યસનમુક્તિ’ લેખમાં કેટલાક લોકોના જીવનની વાત કરી છે જેમાં એ લોકોએ વ્યસન છોડવાના દ્રઢ સંકલ્પથી વ્યસનથી મળેલ મુક્તિના પ્રસંગો આલેખ્યા છે. જેમકે, પૂજ્ય મોટા અને એક ભાઈનો પ્રસંગ. જેમાં એ ભાઈ બીજી બધીય રીતે ગુણવાન માત્ર એક દારૂનું વ્યસન અને આ વ્યસનને છોડાવવામાં પૂજ્ય મોટા એમની મદદ કરે છે અને એ ભાઈ મનથી દ્રઢ સંકલ્પ લે છે અને છેવટે તેમનું વ્યસન છૂટી જાય છે. આ સિવાય બીજો એક પ્રસંગ ‘કાર્ડિનલ વોન’નો છે, જેમાં પિતાની છીંકણી તાણવાની લત હતી જે તેમના મનોસંકલ્પથી દૂર થઈ. આ પ્રસંગને યાદ કરીને કાર્ડિનલ વોન કહેતા કે, “મારા પિતાના દ્રઢસંકલ્પબળે પિતાની દ્રઢપ્રતિજ્ઞાએ મારામાં એક નવા જ સંસ્કારના બીજનું આરોપણ થયું હતું, જેના કારણે હું કાયમ માટે વ્યસનમુક્ત રહી આજીવન ધર્મપરાયણ રહી શક્યો.” આ સિવાય ત્રીજો એક પ્રસંગ કે જેમાં પુના શહેરના અત્યંત સન્માનનીય અને આદરણીય મહાપુરુષ ડૉ. શ્રી અણ્ણાસાહેબ પટવર્ધનને પાન ખાવાનું વ્યસન હતું, પણ એક દિવસ તેમણે ભૂલથી પાનની પિચકારી એક ભાઈ પર કરી નાખી અને તેમણે પસ્તાવો થયો અને વ્યસનમુક્તિનો સંકલ્પ કર્યો. આવા પ્રસંગો દ્વારા લેખકે સંકલ્પબળે વ્યસનમુક્તિ મહિમા આલેખ્યો છે. મારા ગામનું ઉદાહરણ જણાવું તો મારા ગામના સોમાજી ઠાકોર તેઓ દારૂનું અતિશય સેવન કરતા પણ એકાએક એમણે મનમાં દ્રઢસંકલ્પ કર્યો અને દારૂના વ્યસનથી મુક્ત થયા અત્યારે તેઓ ચાનો સ્ટોલ ઈમાનદારી અને ઈજ્જતથી ચલાવે છે.

‘જાહેર સેવામાં સંકલ્પ દ્વારા સફળતા’ લેખમાં મહામૂલી માનવસેવાની વાત કરી છે. આ પ્રસંગલેખમાં ‘હેરી ઈ’વ નામના છોકરા ની વાત કરી છે, જેણે પોતાનું જીવન હવે નિરાધાર બાળકો માટે વિતાવવું એવો મનોમન દ્રઢસંકલ્પ કરે છે અને તે સંકલ્પ પ્રમાણે તે અનુસરે પણ છે. હેરી શહેરની દરેક ગલી અને ખૂણો ફેંદી હૃદયભગ્ન છોકરાંને ખોળી ખોળીને તેના નિરાશ્રિત ગૃહમાં લઈ જતો. દિલાસો, હિંમત આપે અને આમ અત્યાર સુધીમાં પાંચ થી છ હજાર નિરાધાર બાળકોનો એ આધાર બન્યો છે. માત્ર એક દ્રઢમનોસંકલ્પથી જ આ શક્ય બન્યું છે.

‘સંકલ્પબળે સર્વ શક્ય’માં અમેરિકાના પ્રથમ પંક્તિના ઉદ્યોગપતિની ખ્યાતિ મેળવનાર ‘હેન્ની ફોર્ડ’ના ઉદાહરણ લઈ સુંદર વાત કરી છે. હેન્નીને આઠ મોટરવાળું એન્જિન બનાવવું હતું પણ તેના ઇજનેરો ના પાડતા હતા. યંત્ર વિજ્ઞાનના નિયમો મુજબ આવું એન્જિન બનાવવું શક્ય જ નથી. આવું ઇજનેરો કહેતા પણ હેન્નીના શબ્દો સાંભળો, “યંત્રવિજ્ઞાનના નિયમો હું જાણતો નથી, પણ યંત્રવિજ્ઞાનના નિયમો જ્યાંથી સ્ફૂર્યા એ અંતઃકરણની શક્તિને હું જાણું છું. અને આપણે એન્જિન બનાવવું છે, કોઈ પણ હિસાબે જાઓ....” આવો દ્રઢ મનોસંકલ્પ લીધો અને અંતે એન્જિન શોધાયું. સંકલ્પબળવાળાની વાણીમાં નવું જ ઓજસ હોય છે. એ વાણીની ધારદાર અસર થાય છે. એ ‘શું ગયું’ એ નથી વિચારતો પણ ‘શું રહ્યું’ એ વિચારે છે. તેની આ દ્રઢ મનોબળવાળી વિધેયાત્મક વાણી નિરાશાને આશામાં પલટાવી દે છે.

‘સંકલ્પબળે નિશ્ચિત મંજિલે પ્રયાણ’ લેખમાં પણ મફતલાલ પટેલે ઘણાં દ્રષ્ટાંતો આપ્યાં છે. દ્રઢ સંકલ્પબળવાળી વ્યક્તિ રસ્તામાં આવતાં સંકટો, મુશ્કેલીઓ, અગવડો વગેરેને પડકાર તરીકે ઝીલી લઈને પોતાનો રસ્તો જાતે બનાવીને નિશ્ચિત મંઝિલે આગળને આગળ વધે છે. મફતલાલ પટેલ ઉદાહરણ દ્વારા આવા દ્રઢ સંકલ્પવાળી વ્યક્તિનો પરિચય કરાવે છે. જેમાં, ‘મિલ્ટન’ આંખો ગુમાવી અંધ બને છે અને ‘પેરેડાઇઝ લોસ્ટ’ લખે છે. તો ગણિતના જાદુગર ‘રામાનુજન’ મદ્રાસમાં નોકરી કરતા અને ગણિતના પ્રમેય અને સિદ્ધાંતો લખીને ઇંગ્લેન્ડ મોકલતા ત્યારે એમના ઉપર હસવાવાળા ઓછા નહોતા. હજારો લાખો આંધળાં જન્મે છે, હેલન કેલર પણ બંધ હતી એટલું જ નહીં તે બહેરી અને મૂંગી પણ હતી. જીવનમાં દ્રઢ સંકલ્પબળથી જે પ્રાપ્ત કર્યું તે પૂર્ણ માનવ પણ ન કરી શકે. ‘કોલંબસ’ કરતાં વધારે હોશિયાર નાવિકો તો ઘણા હતા પણ કોલંબસ જેવી દ્રઢ ઇચ્છાશક્તિ તેમનામાંનહોતી. આ દરેક લોકોએ દ્રઢ મનોસંકલ્પથી જ આ ઉચ્ચ શિખરો સર કર્યા છે મફતલાલે અહીં ઉત્તમ ઉદાહરણ પૂરા પાડ્યા છે.

‘સંકલ્પની શરીર પર અસર’ લેખમાં મફતલાલે સંકલ્પબળની શરીર પર કેવી અસર થાય છે તેના દ્રષ્ટાંત આપી સમજાવ્યું છે. અમેરિકાની જેલના કેદીઓનો પ્રસંગ, ડોક્ટર અને સસલાનો પ્રસંગ, યુવાન અને વૈદ્યનો પ્રસંગ, લંડનની આંખની હોસ્પિટલનો પ્રસંગ આવા ઘણાબધા પ્રસંગો લેખકે આ લેખમાં વર્ણવ્યા છે.

‘કીડી-કરોળિયાના પુરુષાર્થમાંથી પ્રેરણા’ આ લેખમાં તૈમૂરનો પ્રસંગ વર્ણવ્યો છે. તૈમૂર યુદ્ધમાંથી નાઠો હોય છે અને ખંડેરમાં છુપાયો હોય છે. બાજુમાં થોડીક કીડીઓ જતી એણે જોઈ. એક મોટા વંદાને ઉપાડીને ભીંત ઉપર ચ,ડે સહેજ વળાંક આવે અને પડે. આ જોઈ તેને પ્રેરણા મળે છે અને તે દ્રઢસંકલ્પ કરે છે. “હું યુદ્ધમાં વિજય મેળવીશ જ અને અંતે સંકલ્પબળથી વિજય મેળવ્યો. આવો જ પ્રસંગ સ્કોટલેન્ડના રાજા રોબર્ટ બ્રુસનો છે. એમનો પણ પ્રસંગ મફતલાલે આલેખ્યો છે

આ લેખો ઉપરાંત ‘આંતરમનની ઓળખ’, ‘સંકલ્પનું રટણ’, ‘સંકલ્પબળે આઝાદી’, ‘સંકલ્પની પ્રાણી અને વનસ્પતિ જગત પર અસર’, ‘સંકલ્પદ્વારા સંસ્થાઓનું સર્જન’, ‘શુભ સંકલ્પોનું ફળ’ વગેરે જેવા લેખો છે. જેમાં વિવિધ વિભૂતિઓ કે લોકોના પ્રસંગો વર્ણવ્યા છે જેના દ્વારા આપણને પ્રેરણા મળે. મફતલાલ પટેલે સ-રસ પ્રેરણાત્મક પ્રસંગલેખો આ પુસ્તિકામાં આવરી લીધા છે.

આમ સમગ્રરીતે જોતાં ‘સંકલ્પબળ’ પ્રસંગનિબંધની પુસ્તિકાની પ્રસ્તાવનામાં મફતલાલ પટેલે જે સંકલ્પ બતાવ્યો છે તે આ ચોવીસ જેટલા પ્રસંગનિબંધો માંથી પસાર થતાં સફળ થતો જણાય છે સાચા અર્થમાં સંકલ્પ કોને કહેવાય? સંકલ્પ કોણે કોણે લીધેલા અને કેવી રીતે પરિપૂર્ણ કરેલા? તેના ઉત્તમ ઉદાહરણ પુસ્તિકામાંથી અવશ્ય પ્રાપ્ત થાય છે. એ ગુજરાતી કહેવત મુજબ ‘સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય’ મુજબ અહીં ધૂળ માંથી સુરજ થવા સુધીના આદર્શ ચરિત્રો મફતલાલ પટેલે મૂકીને અનેક હતાશ, નિરાશ અને વ્યથિત થયેલા મનુષ્યો માટે આ પુસ્તિકા સિમાસ્તંભ કે જિંદગી જીવવાની જડીબુટ્ટી સમાન બની રહે તેમ છે. આમ આ પુસ્તક દ્વારા આજના યુવાનોને સુંદર પ્રેરણા પુસ્તિકા દ્વારા આપવા બદલ કોટી કોટી હાર્દિક અભિનંદન સાથે વંદન.

સંદર્ભ

  1. સંકલ્પબળ, લે: મફતલાલ પટેલ, પ્ર: રન્નાદે પ્રકાશન. પ્ર. આ: ૨૦૧૩, મૂલ્ય: ૧૨૫ રૂ.

પ્રજાપતિ હાર્દિકકુમાર રૂપાભાઈ, મુ. સબોસણ. તા. જિ: પાટણ. મો: ૮૩૨૦૬ ૦૦૫૮૨, ૮૧૪૧૧ ૨૫૧૪૦ મેઈલ: hardikkumar672@gmail.com