Included in the UGC-CARE list (Group B Sr. No 172)

'Know Thy Self' અને ‘Not in Excess’ નો આવિર્ભાવ: ‘આગંતુક’

નવલકથા, વાર્તા, નાટક, અનુવાદ એમ અનેકવિધ સાહિત્યસ્વરૂપોમાં સિદ્ધહસ્ત કલમે ધીરૂબહેન પટેલ ગુજરાતી સાહિત્યમાં આગવી ઓળખ ધરાવે છે. અનેકાનેક સર્જન વિષયોનાં કથા-બીજ ધીરૂબહેન પટેલની સર્જકતાનાં ઊંડા ચાસ પાડે છે. ધીરૂબહેનની સર્જકતા ૧૯૮૦માં રણજિતરામ સુવર્ણચંદ્રક, ૧૯૮૧માં ક.મા મુનશી સુવર્ણચંદ્રક, ૧૯૯૬માં નંદશંકર સુવર્ણચંદ્રક અને દર્શક એવોર્ડ તેમજ ગુજરાત સાહિત્ય અકાદમી ૨૦૦૨માં સાહિત્ય ગૌરવ પુરસ્કારથી પોંખાય છે.

‘વડવાનલ’, ‘શીમળનાં ફૂલ’, ‘કાદમ્બરીની માં’, ‘એક ફૂલગુલાબી વાત’, ‘એક ડાળ મીઠી’, ‘વમળ’, ઇ. નવલકથાઓ. ‘વાંસનો અંકુર’, ‘એક ભણેલો માણસ’, ‘આંધળી ગલી’. ‘હુતાશન’ ઇ, લધુનવલો. ‘અધૂરો કોલ’ ‘વિશ્રકથા’. ‘ટાઢ’ જેવા વાર્તા સંગ્રહોની સાથે સાથે ‘પહેલું ઈનામ’, ‘પંખીનો મળો’ જેવાં નાટકો અને હાસ્યકથા – બાળસાહિત્યમાં ઉત્તમ સત્વવંતુ પ્રદાન રહ્યું છે.

મારે જેની વાત કરવી છે તે ‘આગંતુક’ લઘુનવલ પણ ૨૦૦૧માં સાહિત્ય અકાદમી દિલ્હીથી પુરસ્કૃત પામી છે.

‘સંસાર ત્યજીને જતી રહેલી વ્યક્તિ પંદરેક વર્ષ પછી ઓચિંતાં પાછી આવે તો?’ આ પ્રશ્નને લક્ષમાં રાખીને સમગ્ર કથાનું કાઠું બંધાયું છે. લેખિકાના શબ્દોમાં કહીએ તો, ‘…રોશનીથી ઝળઝળતાં ખાંડમાં જામેલી મહેફિલમાં બાહરના અંધકારમાંથી ઉડીને આવેલું પક્ષી એક બારણેથી પ્રવેશી બીજી બારીએથી નીકળી જાય એટલા સામાની આ વાત...’ પણ આટલામાં તો લેખિકાએ ઘણું બધું ઇંગિત કરી લીધું છે.

‘બહારના અંધકારમાંથી ઉડીને આવેલું પક્ષી’ એટ્લે નવલકથાનો નાયક ઇશાન. વર્ષો પહેલાં ઈશાન ઘર ત્યજીને ભગવા ધારણ કરેલા. સંન્યાસ લીધેલો. સમાજના કહેવાતા બંધનોમાંથી મુક્ત થયેલો. ને એકાએક ૐ કારગીરીના આશ્રમમાં પંદર વર્ષના સાધુ જીવન પછી ભગવા ત્યજી ઘર તરફ પાછો આવે છે. ગૃહત્યાગ બાદ અચાનક આવી ચઢેલા ઇશાનનું આગમન નવલકથામાં અનેકાનેક પ્રશ્નો ખડા કરે છે, ને આ પ્રશ્નોના લેખાજોખાંમાં નવલકથા આકારિત થતી રહે છે. ટૂંકું કદ ધરાવતી, નાના ફકલમાં સમયેલી, નાટ્યાત્મક રીતે વસ્તુ નિરૂપણ કરતી, એક ચરિત્ર દ્વ્રારા જીવનની એકાદ વિલક્ષણ સ્થિતિ-પરિસ્થિતિને વ્યક્ત કરતી કથા રસિકો ઉપરાંત મર્મ અભ્યાસીઓને આકર્ષી શકે એવી સ-રસ કૃતિ છે.

ન સંન્યાસી કે ન સંસારી એવા આધુનિક ‘ત્રિશંકુ’ સમા ‘ઈશાન’ના અતીત અને વર્તમાન ગતિવિધિઓની સહોપસ્થિતિનું આલેખન-રચનારીતિ ભાવકને બરાબર પકડી રાખે છે. પંદર વર્ષ પછી સંન્યાસ ત્યજીને પાછો આવેલો ઈશાન (પોતાના?) જ ઘરમાં આગંતુક બનીને રહી જાય છે. ઘરમાં બધાંને માટે એક જ પ્રશ્ન છે કે ઈશાન પંદર વર્ષ પછી પાછો કેમ આવ્યો? એવું તે શું થયું જેના કારણે સંન્યાસ છોડવો પડ્યો? લોહીને સગાઈએ થતા બે ભાઈ આશુતોષ અને અર્ણવ માટે જો આ પ્રશ્ન છે તો ભાભીઓ માટે તો પૂછવું જ શું ? સાધુમાંથી સામાજિક બનેલો ઈશાન સમાજના પામર વાણી વ્યવહારને જોતો રહે ને જાત સાથે મનોમંથન કર્યા કરે. સામાજિક, વૈચારિક, આધ્યાત્મિક, એમ અનેકાનેક મનોમંથનો ઈશાનના મનમાં ઉદભવ્યા કરે શમ્યા કરે. માંડ થોડાક જ દિવસો સામાજિક વ્યવહાર સાથે કાઢી શકે છે. અને અંતે ૐ કારગીરીએ બતાવેલા માર્ગે, ‘…ચલતે રહના, ચાહે આશ્રમ મે રહો, ચાહે કહી ભી રહો...’ ને ઈશાન વૃંદવાવની વાત પકડે છે. ત્યાં નવલકથા પૂરી થાય છે.

લઘુ-નવલ છે; પણ જીવનનાં ઊંડા ગંભીર મહાત્મયને રજૂ કરી જાય છે. અનેક સંદર્ભો સાથે નવલકથાને પ્રમાણી શકાય એવી છે. અહી ‘અભિજાત સાહિત્યના સંદર્ભે’ જોવાનો ઉપક્રમ રાખ્યો છે.

ગુજરાતીમાં અભિજાતકના પર્યાય રૂપે પ્રશિષ્ટ – classical ‘સંસ્કારી સંયમ અને સૌષ્ઠવવાદી શબ્દો પ્રયોજાય છે. અહી પ્રશિષ્ઠમાં ‘શિષ્ઠ’નો આગ્રહ છે. એમાં જીવનના સંસ્કારી સંયમને સ્થાન છે. એમ કહી શકાય કે અભિજાતક સાહિત્ય જીવનનો અભિગમ છે. કેટલી શિષ્ઠતા ભર્યું, સંયમી, બૌધિક, સાંસ્કૃતિક, શ્રેયલક્ષી, સુષ્ઠુ સંસ્કારી ઊંચા વર્ગનું જીવન ઇ. બાબતોને આવરી લેતું સાહિત્ય.

‘આગંતુક’ને પ્રશિષ્ટ કૃતિ તરીકે મુલવતાં મોખર તો નાયક ઈશાનનું વ્યક્તિત્વ જ શિષ્ઠતાથી ઊભરી આવે છે. સંયમી, બૌધિક, સાંસ્કૃતિક, શ્રેયલક્ષી, ને એની આજુબાજુ વણાયેલું જીવન સુષ્ઠુ, સંસ્કારી, ઊંચા વર્ગનું ખરું, પણ કહેવાતું ઊંચું. સમાજની ભૌતિક પ્રતિષ્ઠાને ઊંચું માનતું જીવન. ને આ ઊંચાપણામાં અટવાતું ઇશાનનું પાત્ર જે રીતે અભૌતિક-અલૌકિક બનીને ઊભરી આવે છે એ રીતે પ્રશિષ્ટ છે. ઉદાત્ત, ધીર, ગંભીર પ્રકૃતિનો છે. કહી શકાય કે મુઠી ઊંચેરો માણસ છે. દેવાંશી પણ કહી શકાય. અસમાન્ય પ્રતિભા ધરાવતો સમાજના ભૌતિક વ્યવહાર કરતાં કેવી રીતે જુદો? જૂઓ : ‘…ઈશાનને પહેલેથી જ બગબગીચા ઓછા ગમે. એક ઝાડને જે રીતે વધવું હોય તે રીતે એને શા માટે વધવા ન દેવું...? મહેંદીની વાડ કાપતી નિષ્ઠુરતા આગળ એની આંખો મીંચાઇ જાય છે. નિંદવાની તો આખી પ્રક્રિયા સામે જ વાંધો/વિરોધ છે. કયા છોડ નકામા છે, ને મૂળમાંથી જ ખેંચી કાઢીને ફેંકી દેવા જેવા છે, તે નક્કી કરનાર આપણે કોણ ? (પૃ:૪૨) અહી ઈશાન બીજા અન્યોથી અલગ પડે છે. એના મૂળમાં પડેલી આ જ વૃત્તિ-વિચાર એને સંન્યાસીના આદર્શ તરફ દોરી ગઈ હશે.

-ઇશાન આશ્રમ છોડી ઘેર આવે છે ત્યાંથી નવલકથાની શરૂઆત થાય છે. ઘર છોડે ત્યાં પૂરી થાય. આ છોડવું-ત્યાગવું જ નવલકથાનું પ્રાણતત્વ છે. અઘરું થવું સરળ છે, પણ સરળ થવું બહુ અઘરું છે. બલિદાન-નિર્મોહી-નિર્લેપ-ઇ. ઇશાનના વ્યક્તિત્વને કેટલું ઊંચાઈ પર લઈ જાય છે એ પ્રસંગે પ્રસંગે ઊભરી આવે છે.

આશુતોષ અને અર્ણવ પોતાના જ સગા ભાઈ છે. પણ બંનેના ઘરમાં અથડાતો કૂટતો ઈશાન બરાબર જાણે છે કે ‘…એક વાર સંન્યાસ સ્વીકાર્યા પછી આ ઘર પર કશો હક રહેતો નથી. અને એ તો નિશ્ચિત જ છે. અને સંન્યાસનો ત્યાગ કર્યા પછી ભક્તોએ આપેલી ભિક્ષા કે ભેટ સ્વીકારવાનો પણ હક રહેતો નથી....’(પૃ:૩૦) અહી પેલા ડેલ્ફિમાં એપાલોના દેવળ દ્વારા પણ લખાયેલ ‘પ્રશિષ્ઠતના’ બે સૂત્રો (‘know Thy self’ તું તારી જાતને જાણ. અને ‘Not in Excess’ કશાનો ય અતિરેક નહી.) ઈશાનમાં ચરિતાર્થ થાય છે. ઇશાને જાતને જાણીને જ સંન્યાસ લીધો હતો. ને જ્યારે એ સંન્યાસ છોડી ઘર તરફ પ્રયાણ કર્યું છે ત્યારે પણ એ બરાબર જાણે છે કે સમાજનો સીધો નાતો સ્વાર્થ-અતિરેક સાથે છે. પણ ઇશાનના મનમાં Not in Excess.

ઈશાનનો મોટો ભાઈ આશુતોષ ઈશાનને અર્ણવને ત્યાં મૂકી આવે છે ત્યારે પણ ઈશાનને કશાનુંય વળગણ નથી. કોઈ સંતાપ નથી, અરે! મોટાભાઈને ત્યાં નોકરની ઓરડીમાં રાખવામાં આવે છે ત્યારે પણ કોઈ ક્ષોભ નથી. ઊલટાનું કહે છે કે, ‘…ચિત્તની વૃત્તિઓ જ તે ઇન્દ્રિય દ્વારા બહારના વિષયોને સ્પર્સ કરે છે ત્યારે જ મનુષ્યને સુખ દુખાદીનો અનુભવ થાય છે....’ અહી ઈશાન આ ભૌતિક જરૂરિયાત નિર્મોહી થયેલો છે. ભાઈના ઘરે ભાઇનું આવું સ્વાગત? આપણા જેવો સામાન્ય માણસ આ બાબતે શું વિચારે? અહી ઈશાન વિચારે છે એ જૂઓ ‘…નાસિકા તેની તે હતી...દુર્ગંધ તેની તે હતી... પરંતુ મનને દુર્ગંધનો અનુભવ થયો ન હતો.... કારણ કે સંબંધ તૂટી ગયો હતો...’ બંને ભાઈઓએ ઈશાનને વહેંચી લીધો છે. કોણે ઘરે કેટલા દહાડા રાખવો એ? પણ ઇશાનને મન એનો કોઈ ક્ષોભ નથી. એના મનને કોઈ દુર્ગંધનો અનુભવ થતો નથી. ઈશાન અહી કઈ દુર્ગંધની વાત કરે છે એ સુજ્ઞ ભાવકો તરત જ સમજી જ શકે... અહી ઈશાનના પાત્રમાં પ્રશિષ્ટતાનો આવિર્ભાવ ઉદાત્ત નાયકનાં દર્શન કરાવે છે.

સંસારમાં પાછો આવેલો ઈશાન એક સમયે સ્વાગત જ ‘મને પણ આ જગતની માયા લાગી કે શું ? ઘર તરફ જ પાછું આવવું તે કોઈ મોહની લાગણી તો નથી ને ?’ કેમ કે ‘...આશ્રમ છોડતી વખતે મનમાં કશો સ્પષ્ટ ખ્યાલ હતો જ નહિ... અનાયાસે જ પગલાં આ તરફ વળ્યાં હતાં. કદાચ મા યાદ આવી હતી, એ જાણતો હતો કે મા હવે નથી. એને દેહ છોડ્યા પછી જ ઇશાને લાગ્યું હતું કે સંસાર સાથેનું છેલ્લું બંધન તૂટી ગયું. હવે એ ગમે ત્યાં જઈ શકે, ગમે તે કરી શકે. એને રોકનાર કે રડનાર હવે કોઈ રહ્યું નથી. પણ આટલા સુદીર્ઘ આશ્રમ પછી પણ જો એ અહી જ પાછો આવ્યો તો એનો એર્થ એ જ થાય કે મમતાનો કોઈ અદીઠ તાર હજી એને વળગેલો રહ્યો છે...’ બીજું કે ‘…માની છબી જોવાની તીવ્ર ઇચ્છાએ એ જ એની બુદ્ધિને ભૂલાવવામાં નાખી હતી. લાગણીઓ કેવી લપાઈ છુપાઈને અંતરમાં બેઠી છે? કેવા ખેલ કરાવે છે...?’ આટલું સમજતાં તો ઈશાન સામાન્યમાંથી અસામાન્ય બની જાય છે. ‘…ગુરુજીનો પાર્થિવ દેહ ગયાથી મનને એક મોટો આઘાત લાગ્યો છે... ધરતીકંપ થવાથી એક મોટી ખાઈ પડી ગઈ છે...’ ‘તે પછી સ્વગત હવે એ નહીં ભરમાય...’ કહીને સંસારી સંન્યાસીના રૂપમાં એક અદમ્ય નાયકની યાત્રા ફરીથી આરંભાય છે.

ત્યાગની મોટી વાતો આમથી તેમ ઢેબે ચઢેલો ઈશાન ત્યારે કરે છે જ્યારે આશુતોષના ઘરેથી અર્ણવના ઘરે, અર્ણવના ઘરેથી એન માણેકલાલ ઘરે ક્યારેક સ્ટોર રૂમમાં તો ક્યારેક ગેસ્ટ રૂમમાં તો ક્યારેક કોમન રૂમમાં રહેવાનુ થયું ત્યારે. સરળતાથી ઈશાન કહે છે કે. ‘...કશાનુય વળગળ નહીં! પદ્મરાગના પાંચમા મળે, નહીં તો ધ નેસ્ટના આગિયારમા માળે, ફનસિસની ખોલીમાં કે ગેસ્ટ રૂમમાં કે પછી અહિયાં (એન્ડ માણેકલાલ) શું ફરક પડે છે…?’ (પૃ:૧૨૦) નિર્લેપ થવાની આનાથી મોટી ખાત્રી બીજી શું હોય શકે? Not in Excess: કશાનો ય અતિરેક નહીં.

આખીયે નવલકથામાં આ અને આવા નાના પ્રસંગોમાં વ્યક્ત થતાં ઈશાનના વ્યક્તિત્વમાંથી એક અલાયદા વ્યકતિત્વની છબી મળે છે. જગતનાં મૂલ્યોથી જુદો તરી આવતો ઈશાન મૂળથી ઉખડીને મૂળ તરફ જવા પ્રયત્ન કરતો સ્વભાવ એક અલાયદા વ્યક્તિત્વની છાપ ભાવકના મગજ પર મૂકી જાય છે. જ્ઞાન, આત્મકલ્યાણ, પ્રબુદ્ધતા, સંસ્કાર, સૈયમ, પ્રમાણ, વિવેક અને વિવિધ રીતે નોંખો તરી આવતો ઈશાન ક્યારેક તો દેવાંશી રૂપમાં પણ જોવા મળે છે.

વર્ષોથી સુસુપ્ત અવસ્થામાં પડેલો એન.માણેકલાલનો દીકરો રજત જે પૂર્વાશ્રમમાં ઈશાનનો જ વિદ્યાર્થી હતો, આજે વર્ષો પછી માંદા રજતને સમજવાતાં કહે છે કે, ‘…રજત બોલ જાઉં આ હાંડમાંસનું પૂતળું હું નથી. હું તો અક્ષર અવિનાશી ત્રિકાળ રહિત ભ્રહ્મ છું. હું આનંદ સ્વરૂપ છું. હું સર્વશક્તિમાન છું, હું આત્મા છું, દેહ નથી. મને શૈશવ નથી, ભય નથી, હું સચરાચરણમાં વ્યાપ્ત સનાતન ચૈત્યન છું. બોલ હરી ઓમ....’ ને; રજતના હોઠ ધ્રૂજયા અને પાનખરનું પહેલું પાંદડું ખરીને સૂકા ઘાસની પથરી પર પડતા કરે એવો અત્યંત આછો અવાજ આવ્યો. ‘બા...બા...!’ વર્ષોથી સુસુપ્ત અવસ્થામાં પડેલા રજતમાં ચૈત્યન આવે છે....’ અહી ઈશાનમાં દેવાંશી વ્યક્તિત્વનો પરિચય થાય છે. સર્જકની આધ્યાત્મિક્તા અહી આલેખાય છે. આ ઉપરાંત અર્ણવનો નોકર ફ્રાંસિસ પણ ઈશાનમાં ફાધરના દર્શન કરે છે. ઇશાનનું આગમન એન. માણેકલાલને ત્યાં ચમત્કારી સાબિત થાય છે ત્યારે ઈશાનને ખુદને થાય છે ‘શું થઈ ગયું આ બધું?’ રજત સાજો થવાનો હોત તો એમને એમ ન થઈ જાત? પોતે મધ્યસ્થી થવાની કોઈ જરૂર ન હતી. શું કામ તેણે રજતની ચેતનાને જોરજોરથી ઢંઢોળી? જે ભ્રહ્મજ્ઞાન મેળવવાનું પ્રલોભન આપીને તેણે રજતને પાછો વાળ્યો તે પોતાને ખુદને થયું છે ખરું કે તે કોઈને આપી શકે?’ અને પછી આમ આત્મજ્ઞાન થયું હોય તેમ “પોતે શા માટે આવો ભ્રહ્માંડનો ભાર માથે લઈને ફરે છે? જે પળે જે થયું તે ખરું. પ્રભુએ જે કરાવ્યું તે ખરું. શાને આ આત્મગ્લાની? એજ પળે રજતને જેની જરૂર હશે તે જ મહામાયાએ હાજર કળ્યું હશે? એની લીલા જોયા કરવાની- મંહી ખેંચાઇ જઈને મલકાવાની અને રડવાની શી જરૂર?’ બધુ જ ઉપરવાળાની મરજીથી થઈ રહ્યું છે. એ તો એક નિમિત્ત માત્ર છે. એટ્લે કે મેં કર્યું કે હું કરું છું એવો મિથ્યા ભાર એ માથે લઈને ફરવા નથી માંગતો. આ જ એનું ખરું આત્મજ્ઞાન છે. ને એટ્લે જ એ લોકોની-સંસારની સાથે રહીને પણ અલૌકિક બની રહે છે.

નાયક પ્રધાન નવલકથા હોવાને કારણે નવલકથા જેમ જેમ આગળ વધતી જાય છે તેમ તેમ બીજાં પાત્રો દૂર થતાં જાય છે. ઈશાનની બે ભાભીઓ- રીમા અને શાલ્મી (શાલુ), ભત્રીજાં મહિકા, કરણ અને નેન્સી જેવાં ગૌણ પાત્રો સ્થગિત થયાં છે ને સમગ્ર નવલકથાની વાત ‘ઇશાન’થી જ થયા કરે છે. ઈશાનની સાથે સાથે એના ગુરુ ૐ કારગીરીનું પાત્ર પણ વિશિષ્ટ પાત્ર બની રહે છે. નિર્લેપ, નિર્મોહી ને આત્મજ્ઞાની ૐ કારગિરીથી પ્રાપ્ત થયેલું જ્ઞાન ગુરુ-ચેલાની ઊજળી પરંપરા ઉજાગર કરે છે.

બિલાડીના ટોપની જેમ રોજેરોજ ફૂટી નીકળતા કહેવાતા નવા નવા સંન્યાસી-બાવા-સાધુઓ સામે ગુરુ ૐ કારગીરીનું અને શિષ્ય ઇશાનનું પાત્ર માર્મિક રીતે યોજાયું છે. ૐ કારગીરીનું પાત્ર નિર્મોહી ગુરુ તરીકેની શ્રેષ્ઠતા અને સંન્યાસીના સંસ્કારનું આબેહૂબ ચિત્રણ બને છે. આશ્રમમાં કોઈ ખાવાનું કે કોઈ ભેટ સોગાદ મોકલે તો ‘અરે ઠાકોરજી ! દેખો માતાને પ્રસાદ ભેજા હૈ. ચાહીયે ઇતના રખલો. બાકી વાપીસ કરદો...’ આપનાર સજ્જન એમ કહે કે નહીં નહીં પ્રભુ! હમારા સંકલ્પ હૈ આપ રખ લીજીયે...!’ ત્યારે ૐકારગીરી કે; ‘...અરે ભાઈ તુમ્હારા સંકલ્પ હૈ તો હમ ક્યા કરે? જરૂરત સે જ્યાદા તો નહીં રખ સકતે હૈ ન ? ઉઠાઈ આપના કૂડા કરકટ ઓર ચાહે દરિદ્રનારાયણ કો બાટ દો. ચાહે ગંગા મૈયા કો ભેટ કર દો. હમે પરેશાન મત કરો....’ આવા નિર્મોહી ગુરુના સાનિધ્યમાં ઇશાનના સંન્યાસી જીવનનું ઘડતર થયું છે. મોરનાં ઈંડાં ચીતરવાં થોડાં પડે? એટ્લે સ્તો ઈશાન સંસારી જીવનમાં પાછો આવવા છતાં સંન્યાસી જીવનના વિચારો છોડી શકતો નથી. બધાથી નિર્મોહી થઈને રહેવું એવા ગુરુ મંત્રને સાથે લઈને જીવતો ઈશાન ગુરુજીની સમાધી લીધા પછી ગુરુજીના અંતેવાસી તરીકેનું ઉત્તરાધિકારનાં પદનો ત્યાગ કરીને પ્રતાપગીરીને આશ્રમના વડા તરીકે સ્થાપે છે. પ્રતાપગીરી ગાદીએ બેઠો પણ ઇશાનની હાજરી એને ખૂંચે છે. ‘જબ તક આપ રહેંગે, હમારી તો કોઈ બાત હી નહીં બનેગી’, ‘ઠીક હૈ ચલા જાઉંગા’, ‘આપકો સબ પહચાનતે હૈ, હમારી બડી બદનામી હોંગી’, ‘તો ફીર?’ ‘અગર ચોલા છોડ દે...’, ‘ઠીક હૈ’ -ને એમ કરીને ઈશાન પોતાના ભગવા છોડી દે છે. આશ્રમનું જરાયે અહિત ના થવું જોઈએ. પ્રતાપગિરિને ચિંતા ન રહેવી જોઈએ. અદેખાઈ તો સંસારીને ય ન શોભે તો સાધુના જીવનમાં તો એનું સ્થાન જ ક્યાં ? સમાજની એક સામાજિકતા છે એમ સંન્યાસીઓના સમાજની પણ સામાજિકતા છે. એ પણ એક સમાજ છે. એની પણ કેટલીક આગવી પરંપરાઓ છે. છોડવું-સ્વીકારવુંની મોહમાયા તો ત્યાં પણ છે. ઈશાન આ માયામાંથી પણ અલિપ્ત રહેવા માગે છે. એટલે જ ૐ કારગિરીના અંતેવાસી તરીકેના પદનો પણ ત્યાગ કરીને નિર્મોહી બની જાય છે.

સમગ્ર નવલકથામાં ઇશાન એવો આગંતુક માનવી છે જે પદ -પ્રતિષ્ઠા-સાધન સાધનસંપત્તિમાં રાચતા સાધુઓની જમાતમાં કે ભગવા વસ્ત્રને કલંક રૂપ બની ઘર્મ-સંન્યાસના આંચળા હેઠળ દુરાચાર આચારતા તથા કથિત સંન્યાસીઓની જમાતમાં કે જગતે જે વ્યાખ્યા કરી છે તેવું જીવતા વ્યવહારુ અને ગણતરીબાજ સંસારીજનોના સમાજમાં પણ ક્યારેય સરખી રીતે ગોઠવાઈને ઠરીઠામ ન થઈ શકે. ન રહ્યો સાધુ કે ન બની શક્યો સફળ સંસારી એવા ઈશાનને જોઈ પુરણકથાનો ત્રિશંકુ યાદ આવે છે.

ગમે તેવી વિષમ પરિસ્થિતિમાં, આશ્રમમાં કે ભાઇઓના ઘરમાં જળકમળવત રહી પોતાની જાત સાથે દ્વંદ્વ અનુભવીને પણ કર્તવ્યનિષ્ઠા દાખવવામાં ખરો ઊતરતો ઇશાન ખરે જ એક દેવાંશી બની રહે છે.

અલબત્ત, ઈશાન નિમિત્તે ધીરુબેન પટેલના આધ્યાત્મિક વિચારોની પરિવક્વતામાં ભારતીયતાનાં દર્શન થાય છે. સત્યમ, શિવમ, સુંદરમનો ત્રિવેણી સંગમ કૃતિના કથાવસ્તુને સુપેરે આલેખી આધ્યાત્મિકતાનાં ઊંચાં શીખર સર કરાવે છે. કહી શકીએ કે ‘આગંતુક’ ધીરૂબહેન પટેલની પરિણત પ્રજ્ઞાનું ફળ છે.

ઇ.સ. ૨૦૦૨માં ધીરુબેન પટેલ આ લઘુ-નવલકથામાં છ પ્રકારણોનો ઉમેરો કરી ઉત્તર ‘આગંતુક’ પણ આપે છે. ફરી ક્યારેક ઉત્તર ‘આગંતુક’માં ઇશાનની આગળની યાત્રાને જોવાનો પ્રયત્ન કરીશું.

સંદર્ભ

  1. ‘આગંતુક’ ધીરૂબહેન પટેલ, પ્રથમ આવૃત્તિ: ૧૯૯૬, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ

દશરથ સો.પટેલ, ગુજરાતી વિભાગ, મીઠીબાઈ કોલેજ, વિલેપાર્લે (પશ્ચિમ). dspatel282@gmail.com