અનાવૃતની અડગતા: ‘થેક્યું મિસ્ટર ગ્લાડ’
સાહિત્ય જગતમાં કેડી કંડારવાનું કામ અનુવાદ કરે છે. તેથી અન્ય કૃતિનો આસ્વાદ અભ્યાસુ અને જિજ્ઞાસુ વ્યકિત કરી શકે છે. ગુજરાતીએ અનુવાદથી એક સમન્વય સાધ્યો છે ભાષા સાથે. તેથી જ ભારતની કૃતિઓ રાજ્યના સીમાડા પાર કરીને વાત કરે છે. કૃતિના જીવન મૂલ્યોમાં માનવ મનનું અતલ ઊંડાણ છે. વ્યકિતની સંવેદનાનો એક સરખો ધબકારો છે.
અનુવાદક સાહિત્યનો સેતુ જેના પથ પર તે ભાવકથી લઇ વિવેચકને અન્ય ભાષા સાથે જોડે છે. સુધારક યુગથી લઈને આજ દિન સુધી આપણે જોઈએ છીએ કે અનેક ઉત્તમ અનુવાદોએ સાહિત્ય રતનને ઝળહળતું રાખ્યું છે. આ સર્જકો પાસે ઉપનિષદ રચતાં ઉત્તમ કૃતિઓની ભેટ તો મળે જ છે સાથોસાથ અનેકપાત્રોનું જીવનમુલ્ય ભાવકચિતમાં ચોંટી જાય તેવું છે. આ જ વિશિષ્ટતા છે ભારતીય સાહિત્ય કે કૃતિની એ સર્જકની ન રહેતા સર્વની થઈ જાય છે. સ્વથી સમષ્ટિ સુધીનું પ્રયાણ જીવનના વિભિન્ન પાસાઓને સમજવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવે છે.
ગુજરાતીમાં મહાદેવભાઇ દેસાઈ, રમણ સોની, નગીનદાસ પરીખ, અરુણાબા જાડેજા, રવીન્દ્ર ઠાકોર, સુમન શાહ, મહેન્દ્ર મેઘાણી, રમણિક મેઘાણી વગેરે ઉત્તમ અનુવાદકોએ ભારતીય જ નહીં પાશ્ચાત્ય સાહિત્યને પણ આપણે આંગણે મૂકી સાહિત્ય સેવા કરી છે.
મરાઠી સાહિત્ય જગતમાં સમાજાભિમુખ પત્રકાર,નાટ્યકાર અને મૂળે મરાઠી કટાર લેખક એવા રાહી અનિલ બર્વે. તેમના મરાઠી નાટક ‘સોવિએત’ માટે તેમને નહેરુ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. તેમની ‘થેક્યું મિસ્ટર ગ્લાડ’ નવલકથા નકસલવાદના કેન્દ્રમાં મરાઠી સમાચારપત્રમાં હપ્તાવાર પ્રકાશિત થઇ અને અનિલ બર્વેનું નામ સાહિત્ય જગતમાં નવી કેડી કંડારનાર સાબિત થયું. ‘થેક્યું મિસ્ટર ગ્લાડ.’ નવલકથાના સર્જક અનિલ બર્વેની આ નવલકથાનું નાટ્ય રૂપાંતર પણ થયું છે. ઉત્તમ સર્જક અને શિલ્પકાર પાસેથી આપણને ‘થેક્યું મિસ્ટર ગ્લાડ’,‘ કોલંબસ વાટ ચૂકલા’ જેવા નાટક ‘ડોંગર મ્હાતારા ઝાલા’, ‘સ્ટડફાર્મ’ જેવી નવલકથા અને ‘રોખેલેલ્યા બંદુકા નિ ઉઠલેલી જાનતા’,‘ ઝૂ-ડાઓ અન અર્ચેબલ્સ’ જેવી કૃતિઓ મરાઠીમાં પ્રાપ્ત થાય છે.
મરાઠી સાહિત્ય સાથે જેનો અજોડ નાતો છે એવા ગુજરાતી અનુવાદક વસુધા ઈનામદાર મૂળે મરાઠી. તેમનું અનુવાદકાર્ય ‘અનુજા’, ‘આગળ જતાં’, ‘મા, તું આવીશ ને?’ જેવી વાર્તાઓનો વાર્તારસ વાર્તાસંગ્રહ સ્વરૂપે કે ગુજરાતી સામયિકો દ્વારા સાંપડતો રહ્યો છે. ‘થેક્યું મિસ્ટર ગ્લાડ’ની પ્રસ્તાવનામાં અનુવાદક પોતાની અનુવાદ વિશેની કેફિયત વિશે વાત કરતાં કહે છે કે, “ગુજરાતી મારી માતૃભાષા પણ માધ્યમિક શાળા સુધીનું શિક્ષણ તો મરાઠીમાં થયું, ને તેથી જ મરાઠી ભાષા સાથે ગાઢ આત્મીયતા. એટલે બંને ભાષાના સર્જાતા ઉલ્લેખનીય સાહિત્ય સાથે મૈત્રી કેળવવાનું સંબંધ બાંધવાનું સહજ બનતું.” વસુધા ઇનામદાર હાલમાં પ્રયોગશીલ મરાઠી અને ગુજરાતી નવલકથાઓનો તુલનાત્મક અભ્યાસ કરી રહ્યા છે.
‘થેક્યું મિસ્ટર ગ્લાડ’ ૧૯૮૦માં પ્રકાશિત થયેલી બર્વેની આ નવલકથાની કેન્દ્રસ્થ જગ્યા પોલીસચોકી છે. મુખ્યપાત્ર એવા મિ. ગ્લાડ નો પરિચય કૃતિના આરંભમાં જ થાય છે.“મેઇન ગેટ પાસે ગ્લાડસાહેબનું આગમન થતાં જ એક રાજમહેંદ્રી જેલની દીવાલો સિવાય બધા જ લળીલળીને એમને સલામ ભરતા. બાર જેલનું પાણી પીધેલ ‘કાળી ટોપીવાળો’ હોય કે છપ્પનજેલમાંથી ભાગી ગયેલ ‘લાલ ટોપીવાળો’ હોય, તો પણ ગ્લાડસાહેબ સામે આવતા જ બધા કેદીઓ થરથર ધ્રૂજવા લગતા. પંટર, કોરંટી કે ઘરફોડ કરવાવાળાના તો ગ્લાડસાહેબ એક જ લાફા ભેગા છક્કા છૂટી જતાં.”
ગ્લાડનું વર્ચસ્વ જ એવું હતું કે સૌ કોઈ સાહેબ કહી સંબોધન કરે. તેણે અઠાવીસ વર્ષની સર્વિસમાં દોઢસો-બસો જણાને ફાસીને માચડે ચડાવ્યા હતાં. કર્કશ અવાજ અને તિરસ્કારથી ભરેલી ગ્લાડની આંખે એક વખત ‘રાજનિષ્ઠ’ રાજદ્રોહી નકસલવાદી આવ્યો હતો. તે નકસલવાદી ‘ખાદીના કફની પાયજામામાં શોભતો, માંડ ત્રીસ વર્ષનો, અણીયાળા નાકવાળો, વિશાળ આંખોવાળો, ભીના વાનવાળો’ આ યુવાન જયારે કેદી તરીકે જેલમાં પ્રવેશે ત્યારે તેના એક હાથમાં માયકોવસ્કિની પોએમ ને બીજા હાથમાં સિગારેટ લઈ આરામથી સિટીગરૂમમાં બેસી જાય છે. આ કેડી એટલે ૮૪૨ નંબરનો કેદી વીરભૂષણ પટનાઇક. તેના મિજાજ અને હાજરજવાબી પણે તેને ગ્લાડ સામે પણ નમતું ન જોખવા દીધું પરિણામે ગ્લાડ લાલપીળા થઈ તેની બુદ્ધિ ઠેકાણે લગાડવાના કીમિયા શોધવા લાગ્યા.
નકસલવાડી વીરભૂષણની શારીરિક તપાસ થાય છે ત્યારે થી નોટ થ્રીની બુલેટ ચાર ઇંચ અંદર ગઈ હતી તેનું નિશાન પેટ પર જોવા મળે છે. આ ઘા કાકલૂમનાં આદિવાસી વિભાગમાં પોલીસ સાથે જંગલમાં એસ.આર.પી જોડેની ઝપાઝપીમાં વાગી હતી. ચેકિંગરૂમમાં આ નિશાન જોઈ ગ્લાડ પણ હતપ્રભ થઈ જાય છે કરણ કે ગ્લાડે આ પહેલા આટલો તટસ્થ કેદી જોયો જ ન હતો. આ નાયક પણ માર્કસવાદ, લેનિનવાદ અને ચેરમેન માઓના સિદ્ધાંતો પર સંપૂર્ણ શ્રદ્ધા ધરાવનાર હતો.
આ જેલમાં કેદીઓ ને પણ કેવી કેવી સજાઓ નાના સરખા ગુનાઓ માટે મળતી હતી એ જોઈ શક્ય છે. અહી કેદી તરીકે વાશિયો વૉર્ડર હતો જે પોતાની જ દીકરી પર બળાત્કાર કરતો. એક વૃદ્ધ પર ચોરીનો આરોપ એ હતો કે તે તિરુપતિનની પૂજા કરી ચોરીને લાવેલ પેંડો ત્રણ નંબરના યાર્ડમાં છ નંબરની બરાકમાં વહેચતો હતો.
કેદીઓ પ્રત્યે ગ્લાડનું વલણ જંગલી હતું તે સૂતેલા કેદીને જોતાં જ તતડાવતો અંદર કોટડીમાં પાણી રેડાવતો અને દર્દીના ગૂ-મૂતરની કોટડીમાં દંડો મારતો તેથી એ ફૂટી જતી અને પછી “સુવ્વરના બચ્ચાં, ઊંઘ આવે છે કેમ તને? સાલા કુત્તા, લે ઊંઘ, ઊંઘ હવે, ઊંઘ!” કહી ફટકારતો.
જોડાના તળિયા ફાટી જાય ત્યાં સુધી ફટકારતાં ગ્લાડની જીભે ગાળો સતત રમતી જ હોય એમાંય જ્યારથી વીરભૂષણ આવ્યો ત્યારથી એ વધુ જ આક્રોશમાં રહેતા હતાં. તેના માટે જેલ સજારૂપ બની ગઈ હતી પરંતુ વીરભૂષણ ફાસીની સજા પામેલ ગુનેગાર તરીકે આવે છે ત્યારથી ગ્લાડ તેને કઈ રીતે બાનમાં લેવો એ જ વિચારે છે. જ્યારે એક વખત વીરભૂષણની અપીલ સુપ્રીમ કોર્ટે કાઢી નાખી હતી, ને દેહાંતની સજા કાયમ રાખી હતી ત્યારે ગ્લાડની ખુશીનો પાર ન હતો. તેને હતું વીરભૂષણનું મનોબળ તૂટશે, પણ ગ્લાડ એ વાતે ખોટા સાબિત થયા.
એક દિવસ અચાનક વીરભૂષણની પત્ની નાના બાળક સાથે જેલમાં વીરભૂષણને મળવા આવી જાય છે પરંતુ સેકન્ડ સેટરડે હોવાથી મળવાની ‘ના’ કહેતો જેલર ગ્લાડને પૂછવા જાય છે ત્યારે ગ્લાડ બપોર સુધી તેને દરવાજા બહાર રાહ જોવાનું કહે છે. અને જ્યારે ગ્લાડ વીરભૂષણની પત્નીને મળે છે ત્યારે તેની પત્ની વિનંતિમાં પણ સંબોધન મિસ્ટર ગ્લાડથી જ કરે છે. મક્કમ પત્નીના અવાજનો રણકો જોઈ ગ્લાડ કહે છે,
‘મારા માટે દયાની અરજી કરવાની છે તું?’
દૃઢતાથી વીરભૂષણની પત્ની કહે છે,‘ ના, ક્યારેય નહિ. જીવ જાય તો પણ વાંધો નહિ. જુલમીઓના સામે ઘૂટણીએ શા માટે પડવું?’ અને અચાનક ગ્લાડને એની પત્ની મરિયમ યાદ આવે છે જે રીતે હિટલરે તેને ગેસ ચેમ્બરમાં ધકેલી હતી અને આજીજી કરતાં ગ્લાડને તેણે થપ્પડ મારી કહ્યું હતું, ‘તું પુરુષ થઈને નામર્દની જેમ આ આત્યાચારીઓના પગમાં શા માટે આળોટે છે?”
આ ઘટનાથી કશુંક ગ્લાડમાં પરિવર્તન આવે છે, આ પરિસ્થિતી તેને વ્યાકુળ બનાવી મૂકે છે. એકાએક કલાકો સુધી વીરભૂષણ અને તેની પત્નીને મળવા માટે રજા આપી દે છે અને એ રાત્રે દિવાનખંડના પિયાનો પરનું ધૂળથી રંગાઈ ગયેલું આવરણ ફેકી દઇ કલાકો સુધી તેની પત્નીની તસવીરને જોઇ પોતાના ભૂતકાળમાં સરી પડે છે. પત્નીનું ગેસ ચેમ્બરમાં ગૂંગળાઈને મરી જવું, પુત્રી જેનિફરનું માતા જે શાળામાં શિક્ષિકા હતી ત્યાં જ ભણવું અને ગ્લાડ ને કીધા વિના પરણી જવું. નારાજ થયેલ પિતા દીકરીથી સંબંધ તોડી નાખે છે. કડક સ્વભાવ પાછળ કદાચ ગ્લાડનાં ભૂતકાળની આ ઘટના થોડે અંશે જવાબદાર હોય એવો ઉતર આપણને નવલકથા પાસેથી મળે છે.
વર્ષો પછી પોતાની પુત્રી ગર્ભવતી છે એની જાણ થતાં જ તે જેનિફર ‘જીન’ને પોતા પાસે હિંદુસ્તાન બોલાવી લે છે. વીરભૂષણને પણ ફાસી માટે અરજીની અપીલ માટે સમજાવે છે.જ્યારથી નકસલવાદી જેલમાં આવ્યો ત્યારથી જ છુપી રીતે તો ગ્લાડને તેના પર ગર્વ હતો. દીકરીને પણ એક વખત જેલની મુલાકાત દરમ્યાન વીરભૂષણ સાથે ચર્ચા કરવા પણ દે છે અને ત્યારે જેની પોતાના પિતાને કહે છે, આ માણસ સામી છાતીએ ઘવાવો જોઈએ. ગ્લાડ જે વાતથી ખુશ હતા એ વાતે તે હવે ચિંતાતુર રહેવા લાગ્યા એ વાત હતી વીરભૂષણની ફાસીની. એ ખુદ તેની ફાસી અટકાવાના પ્રયત્નો કરે છે પણ કશું થઈ શકતું નથી. બીજી તરફ એ જેની પાસે વીરભૂષણની કોટડીમાં અનેક ગ્રંથોનું વાંચન કરાવે છે. કેદીઓ સાથે નમ્રતાથી વર્તન કરતાં ગ્લાડ કેદીઓને પરીક્ષાની તૈયારી કરવા અમુક છૂટછાટ આપી દે છે.
ધીરગંભીર વીરભૂષણ એક કુશળ સર્જન પણ છે, કૃતિના અંતે જ્યારે વીરભૂષણને ફાંસી દેવાની હોય છે એ દિવસની આગલી રાતે અચાનક વરસાદ ત્રાટકે છે જેના પરિણામે શહેરના રસ્તાઓ બંધ થઈ જાય છે જેનીને પ્રસવપીડા ઉપડે છે અને નર્સે સીજીરયનની વાત કરી. વરસાદને કારણે શહેરનો કોઈ સર્જન આવી શકે એ શકય ન હતું ત્યારે ગ્લાડ વીરભૂષણને બોલાવે છે અને વીરભૂષણ કુશળતાપૂર્વક આ કામ પાર પાડે છે અને ફાંસીને હવે માત્ર દસ મિનિટ બાકી હોવાથી એ જેલ તરફ નીકળી પડે છે.
નકસલવાદીઓ ને જતો જોઈ ગ્લાડને પુત્રીના શબ્દો યાદ આવી જાય છે અને વીરભૂષણને વીરોચિત મૃત્યુ આપવાની ઇચ્છા થાય છે. તરત જ ગ્લાડે ‘ક્રોમરેડ’ એવી બૂમ પાડી જેથી વીરભૂષણ પાછળ વાળીને જોવે જેવું વીરભૂષણએ પાછળ જોયું કે તરત જ ગ્લાડે રિવોલ્વર તેની છાતીએ લગાવી દીધી અને શૂરવીર યોદ્ધા જેવુ મૃત્યુ તેને આપ્યું. અને વિશ્વાસઘાતની આગ વરસાવતી વીરભૂષણની આંખોનો જવાબ આપતા ગ્લાડ કરુણાસભર રીતે કહે છે. ‘ક્રોમરેડ, તુમ્હારે સિને પે ગોલી ચલાઈ હૈ મેને, પીટ પે નહીં!’ આ વાક્ય સાંભળતા જ શાંત થતો નકસલવાદી કહે છે, ‘થેન્ક યુ....થેન્ક યુ...મિસ્ટર ગ્લાડ.’
ખૂનના આરોપસર અંતે ગ્લાડને કેદી તરીકે લઈ જવામાં આવે છે. અને નવલકથા અહીં પૂરી થાય છે પણ વાંચક ચિતમાં આખુ દૃશ્ય ભજવાય છે એ દૃશ્ય છે, ગ્લાડની વૃતિમાં આવતું પરીવર્તન આસુરી વૃતિમાંથી માનવ સ્વભાવ તરફની જે લાક્ષણિકતા છે એ તરફનું પ્રયાણ. લેખકની ખરી કસોટી અંતમાં જ થતી હોય છે અહીં અનિલ કર્વેએ જે સફળતા મેળવી છે એ ગ્લાડના પરિવર્તનની સાક્ષી. આ કૃતિ સર્જકની સમસંવેદનની વાતને યથાર્થ સાબિત કરે છે એથી જ ગ્લાડ ગૌરવવંત મૃત્યુ આપી પોતાના જીવનની ઊર્ધ્વગતિને પામે છે. નવલકથાના અંત વિશે એસ.એ. રાહીએ ખરુ કહ્યું છે કે, “આ નવલના નાયક વીરભૂષણને સર્જકે સર્વ સુંદર કલાના ઉચ્ચતમ શિખરે મૂક્યો છે, કે જ્યાથી તે ગ્લાડને ભયાનક સ્વપ્નની જેમ પૃથ્વીના એક છેડેથી શતકો સુધી અન્યાય અને જુલમથી પીડાતા-દટાઈ ગયેલા માનવીઓને બહાર કાઢે છે, એ માનવીઓમાં ગ્લાડનો પણ સમાવેશ થાય છે કે જે અંતે માનવતાને સ્વીકારી ધર્મને અનુસરવા લાગે છે.”
સંદર્ભ