Included in the UGC-CARE list (Group B Sr. No 172)

લઘુકથા
સુખ એટલે -

કોઈપણ ચીજ ખરીદવી હોય તો હું અવિનાશને લિસ્ટ લખી આપતી એટલે બહાર ખરીદી કરવાની ઝંઝટ મારે રહેતી નહીં. એ જ બધું લઈ આવતો બજારમાંથી. આજે એક મહિનો થઈ ગયો એના અવસાનને. ઘણા દિવસો પછી હું બજારમાં કેટલીક ખાદ્યસામગ્રી અને અન્ય વસ્તુઓની ખરીદી કરવા નીકળી. ફૂટપાથ પર ચાલતાં ચાલતાં લગભગ પચાસેક વર્ષની ઉંમર, સાવ ખોખલું થઇ ગયેલું શરીર, જીર્ણશીર્ણ મેલાં ઘેલાં કપડાં, વધેલી દાઢી, ધ્રૂજતા હાથ-પગ, નિસ્તેજ આંખો અને ફિક્કો ઉદાસ ચહેરો એવો એક ભિખારી ધોમધખતા તાપમાં પરસેવે રેબઝેબ થઈ રાહદારીઓ પાસે પોતાનું શકોરું દયામણા ચહેરે લંબાવતો નજરે પડ્યો. મેં પર્સમાં મૂકેલું પારલેજી બિસ્કિટનું પડીકું એના શકોરાંમાં મૂક્યું. એણે આભારવશ ભાવથી મારી સામે જોયું ને કહ્યું ‘ઉપરવાળો સુખી રાખે બેન’. આ શબ્દો સાંભળી મેં એક નજર ઊંચે આકાશ તરફ કરી લીધી ને પછી પેલા ભિખારી સામે મંદ સ્મિત કરી મનોમન બબડી 'નીચેવાળા રહેવા દે તો ને'.

મનમાં થયું લાવ, પૂછી લઉં આને કે સુખ એટલે શું? હું પૂછવા જ જતી હતી કે એટલામાં જ સામેથી ધસમસતા આવતા એક કોમવાદી હથિયારધારી તોફાનીઓના જૂથથી હડસેલાઈ ગઈ. ફટાફટ દુકાનોનાં શટર બંધ કરી દેવાયાં. ભીરુ ગાયની જેમ ઘબરાયેલી હું ગૂંચળું વળીને સમાઈ શકાય એટલી જગ્યામાં સંતાઈ રહી. શ્વાસની સંખ્યા વધતી ગઈ. ગળામાં શોષ પણ વધતો ગયો. આસપાસ ક્યાંય પાણીની આજીજી કરી શકાય એમ નહોતું. પાણીની અવેજીમાં પેલા શબ્દો - 'સુખ એટલે શું?' મેં ગળી લીધા અજગરની જેમ.

બીના વીર, સી ૧૩, દેવરજ સોસાયટી, સુપર બેકરી પાસે, ન્યુ વીઆઈપી રોડ, વડોદરા