Included in the UGC-CARE list (Group B Sr. No 172)

વીતક ઝંખે વહાલ

‘મણીલાલ તારે મારી જીવનકથા લખવાની જ છે. એ વાંચ્યા વગર હું મારો દેહ છોડીશ નહિં’ - જોસેફ મેકવાન

આ શબ્દો હતા આદરણીય જોસેફ મેકવાન સાહેબના. આ શબ્દો મણીલાલ હ.પટેલમાં રહેલી સાહિત્યિક કાબેલિયતના દર્શન તો કરાવે જ છે,સાથે જ એમ પણ કહી શકાય કે પોતાનું જીવનચરિત્ર સાહિત્ય જગતને અર્પવાજોસેફનો મણીલાલ પરનો અતૂટ ભરોસો પણ અહીં દ્રશ્યમાન થાય છે. મણીલાલ હ.પટેલનાં રેખાચિત્રો પૈકી જોસેફ મેકવાનનું રેખાચિત્ર પ્રસિધ્ધ થવાનું બાકી હતું, જેની ખૂબ જ આતુરતા રહેલી. પ્રસ્તુત રેખાચિત્ર સપ્ટેમ્બર-૨૦૨૦માં ડિવાઇન પબ્લિકેશન, અમદાવાદ દ્વારા પ્રસિધ્ધ થયું. કુલ ૧૮૦ પાનાં અને ચૌદ પ્રકરણમાં વિસ્તરેલ જોસેફ મેકવાનનું ઉક્ત રેખાચિત્ર એક એવા આયામ સર્જી શક્યુ છે જેની મને કલ્પના નહોતી. મણીલાલ પટેલની કલમે કોઇ સર્જકનું રેખાચિત્ર મઢાયું હોય તો એમાં ડૂબી જવાનો આનંદ કંઇક જુદો જ હોય, તેમછતાં ‘તરસ્યા મલકનો મેઘ’ વાંચી પન્નાલાલ પટેલના જીવનને પામ્યાનો આનંદ ‘વીતક ઝંખે વહાલ’માં બેવડાયાનો સ્વિકાર કરવો જ રહ્યો. ૧૧ સપ્ટેમ્બરને શુક્રવારના રોજ સવારે નિત્યક્રમ મુજબ દૈનિક ક્રિયાઓ આટોપી,‘વીતક ઝંખે વહાલ’ હાથમાં લીધું. મણીલાલ પટેલનું નિવેદન અને ચંદ્રવદન મેકવાન(જોસેફ મેકવાનના પુત્ર)ની ‘બાપુની જીવનકથા નિમિત્તે’ આપેલ પ્રારંભિક નિવેદન વાંચી જોસેફ મેકવાનને જીવનમાં પડેલ તકલીફોએ મને હચમચાવી મૂક્યો.

જેમ જેમ વાંચતો ગયો તેમ તેમ ‘વીતક ઝંખે વહાલ’માં એવો રસ પડ્યો કેએક જ દિવસમાં એને પૂરી કરી. સહૃદયી ભાવક પ્રસ્તુત રેખાચિત્ર રડ્યા વગર પૂરું કરે તો જ નવાઇ !! જોસેફ મેકવાનને પડેલી તકલીફો અને એમાં ઝઝુમતા બાળ જોસેફને વાંચવા લાગણીશીલ વ્યક્તિ માટે અઘરું છે એમ જરુર કહી શકું.જોસેફ મેક્વાનની જીવનકથા વાંચતી વખતે એક પ્રશ્ન વારંવાર મને ઢંઢોળી રહ્યો હતો કે ‘ભગવાન આટલી કસોટી કેમ લેતો હશે?’, ‘તેના પરથી ભરોસો ઉઠી જાય ત્યાં લગી કુદરત નિષ્ઠુર કેમ બની શકે?’પુસ્તક પૂર્ણ થયું ત્યારે ભિતરથી મને જવાબ પણ મળે જ છે કે ‘આટઆટલી વિપદાઓ વચ્ચે પણ જોસેફ ટકી રહ્યા અને જીવી શક્યા એ પણ કુદરતની ઇચ્છા જ હતી અને જોસેફનું એક પ્રકારે ઘડતર જ હતું.’ નહિં તો સાહિત્યને આવું મોંઘેરું ઘરેણું ક્યાંથી મળી શકત? ચૌદ પ્રકરણો પૈકી પહેલા પ્રકરણ ‘ચરોતરનો મલક’માં લેખક ચરોતર પ્રદેશની સુંદર વાત કરે છે. ‘ચરોતર’ શબ્દની ઉત્પત્તિથી માંડીને ‘ચરોતર’નો ગૌરવશાળી ઇતિહાસ લેખકે સુપેરે દર્શાવ્યો છે. લેખક નોંધે છે કે-“‘ચરોતર’ શબ્દ ‘ચડોતર’ પરથી ઉતરી આવ્યો છે. એટલે કે જમીન મહેસૂલમાં ચઢાવ-ઉતાર આવતો એટલે લોકો મહેસુલનું ‘ચડોતર’ કહેતા. પછી ‘ડ’નો ‘ર’ ઉચ્ચાર થતાં એ ‘ચરોતર’ પ્રદેશની ઓળખ બન્યો.”(પૃ.૧૫) કૃષિની સાથે સાથે દેશહિતના આંદોલનો હોય કે કર્મઠ સાહિત્યિકારોની બાબતમાં પણ ‘ચરોતર’વર્ષોથી આગવી ઓળખ ધરાવે છે. સરદાર વલ્લભભાઇ પટેલથી માંડીને ગુજરાતી સાહિત્યકારો તથા સામાજિક ઉત્થાનના ભેખધારી મહાનુભાવો જેવાકે, ‘ગોવર્ધનરામ ત્રિપાઠી’, ‘મણીલાલ નભુભાઇ’, ‘બાળાશંકર કંથારિયા’, ‘મનસુખરામ ત્રિપાઠી’, ‘જોસેફ મેકવાન’, ‘ઇશ્વર પેટલીકર’, ‘મોતીભાઇ અમીન’, ‘નરસિંહભાઇ પટેલ’ વગેરે અનેક મહાનુભાવોથી માંડીને કર્મભૂમિની દ્રષ્ટિએ ‘મણીલાલ હ.પટેલ’ સુધીના પ્રતિભાવંત સાહિત્યકારો ‘ચરોતર’ની શાન છે એમ ગૌરવભેર કહેવું જ રહ્યું. જોસેફ મેકવાનનું વતન ઓડ, પણ તેમનો જન્મ મોસાળ ત્રણોલ ગામે થયેલો. ઓડ ગામ એ વખતે પાણીની સમસ્યાને લઈ કદાચ પંકાયેલું હશે, એટલે જ મણીલાલ નોંધે છે કે-
“ઓડ, ઉમરેઠના ઊંડા કૂવા,
દીકરી દે એના બાપ મૂઆ” (પૃ.૧૩)

લેખકે જોસેફ મેકવાનના માદરે વતન ઓડથી માંડીને મોસાળ ત્રણોલ સુધીના સર્વ સ્થળોનું સચિત્ર નખશીખ વર્ણન તથા ‘ચરોતર’ પ્રદેશની આગવી ઓળખ પહેલા પ્રકરણમાં રજું કરી છે.

લેખક નોંધે છે કે- “જોસેફ મેકવાનના ત્રીજી પેઢીના બાપદાદાઓ આ સમયગાળામાં ખ્રિસ્તી ધર્મ અપનાવે છે.”(પૃ.૧૬) જોસેફના પિતા એક સારા નાટ્યકલાકાર હતા. તેઓ ‘યોસેફ’ના પાઠ નાટક દ્વારા આપતા. તેમના લગ્ન વખતે દીકરીના પિતાએ શીખ આપેલી કે – “નાટકમાં તો યુસુફનો પાઠ દીપાવ્યો હતો. પરંતુ હવે જીવનમાં પણ સાચા યોસેફ બની જાણજો.’(પૃ.૩૩/૩૪)એ રીતે જોસેફના પિતાએ તેમનું નામ ‘યોસેફ’પરથી ‘જોસેફ’રાખ્યું હતું.મણીલાલ હ.પટેલ જોસેફ મેકવાનના જીવનને વાચકવર્ગ સમક્ષ એટલી સૂક્ષ્મતાથી પ્રસ્થાપિત કરી શક્યા છે, જાણે જોસેફનું જીવન વાચક નજરે પસાર થઈ રહ્યાનું અનુભવાયા વિના રહે નહિં. દ્વિતિય ‘ઘર પરિવાર માથે કાળના ઓળા’ પ્રકરણમાં લેખક જોસેફના જન્મ અને ત્યાર બાદ આવેલ તેમના જીવનના ચઢાવ-ઉતારને દર્શાવે છે. જોસેફ મેકવાનનો જન્મ ૯ ઓક્ટોબર ૧૯૩૫ના રોજ મોસાળ ત્રણોલ ગામે થયો હતો.પિતાનું નામ ઇગ્નાસ મેકવાન (ડાહ્યા હરખા). માતા હિરાબેન, દાદી ધનીબા તથા એક ફોઇ સહિતના હર્યાભર્યા પરિવારમાં જોસેફનો ઉછેર થાય છે. જોસેફને મનુ નામે એક મોટાભાઇ પણ હતા. (જે ટૂંકુ આયુષ્ય ભોગવી સદગત થાય છે.) લેખક પ્રસ્તુત પ્રકરણમાં જોસેફના બાળવયના પ્રસંગો અને પારિવારિક કેટલીક ઘટનાઓ નોંધે છે જેમાં જોસેફને પડેલી વિપદા જોઇ શકાય છે. જેમકે જોસેફના પિતાજી ‘માસ્તર’ પોતાની પત્નિની માંદગી મટશે નહિં એમ માની એક સ્ત્રી સાથે સબંધ વધારે છે. પરિણામે હયાત પત્નિ હિરાબાને ‘માસ્તર’ છત્રી વડે ઢોરમાર મારે છે. લેખક કલમે આ પ્રસંગ એટલી ભાવવાહી શૈલીમાં નોંધાયો છે કે દરેક વાચકને પ્રસ્તુત પ્રસંગ ભાવવિભોર બનાવી મૂકશે એમ કહી શકું. થોડા જ દિવસોમાં હિરાબાનું પણ અવસાન થાય છે. ધનીમાની લાખ મનાઇ હોવા છતાં હિરાબાના અવસાનના માત્ર ચાર માસમાં જ ‘માસ્તર’ પેલી સ્ત્રી સાથે લગ્ન કરે છે. એ જ રાત્રે ધનીમા ઝેર ઘોળી જીવન ટૂંકાવી દે છે. લેખક નોંધે છે કે- “બાના મૃત્યુ ના સાતમા મહિને બે દિવસની સાવ ટૂંકી માંદગીમાં જ મનુનું અવસાન થાય છે”(પૃ.૨૨) આમ, મા, દાદી અને ભાઇના અવસાનથી જોસેફ હચમચી રહે છે. નવી મા નો જોસેફ પ્રત્યેનો કુવ્યવહાર અને કેટલીય વાર ભૂખ્યા રહીને દિવસો પસાર કરતા બાળ જોસેફને પડેલી અપાર વિપત્તિઓની વાત કરું તો કેટલીય ઘટનાઓ મણીલાલ હ.પટેલે નોંધી છે જેની ભિતર વાચકને ખ્યાલ આવે કે આ દુર્વવ્યહારથી જોસેફમાં જીવનરસ સંકોચાતો જતો હતો.

કાકાના અવસાન બાદ નાની વયના હોવાના લીધે કાકીને બીજે વળાવવામાં આવે છે. આ ઘટનાથી ફરી જોસેફના જીવનમાં ખાલીપો આવે છે. લેખક નોંધે છે કે – “માના હેતનો તરસ્યો જોસેફ મોટો થઈને જાણીતા લેખક થયા પછી પણ વીસ-વીસ વર્ષ સુધી કાકીની શોધ કરે છે એને મળીને જ જંપે છે”(પૃ.૨૭) આવી કેટલીય ઘટનાઓ નાની વયના જોસેફના જીવનને વ્યથામય બનાવે છે, સાથે જ એમ પણ કહેવું યોગ્ય લેખાશે કે આ બધી ઘટનાઓ પાછળ ક્યાંકને ક્યાંક જોસેફનું ઘડતર જ થઈ રહ્યુ હતું. નહિં તો એમના જીવનમાં વણાયેલા પાત્રો ઉત્તમ રેખાચિત્રો સ્વરૂપે સાહિત્યને ન મળી શકત. નવી મા નો જોસેફ પ્રત્યેનો લગાવ તો તેમના એક વાક્યમાં જ પરખાયા વિના રહેતો નથી. -“કોઇના વારે ય તને મોત ચ્યમ નથી આવતું”(પૃ.૨૮)

‘ક્રુર નિયતિ અને ડાહ્યા હરખાની વ્યથા-કથા’ નામે ત્રીજા પ્રકરણમાં લેખક જોસેફના પિતા ‘માસ્તર’ને પ્રસ્થાપિત કરે છે. જોસેફના પિતા એક બુદ્ધિશાળી અને ભડ માણસ તરીકે ઓળખાતા. જન્મથી એકંદરે સુખી ‘માસ્તર’ (ડાહ્યા હરખા) મોજશોખભર્યુ રંગીન જીવન જીવ્યા છે. સંસારી બનતાં આવી પડેલી જવાબદારીઓ દરેક વ્યક્તિના જીવનમાં વળાંક લાવે છે, તેમ જોસેફના પિતાજી પણ સમસ્યાઓ સામે ઝઝુમે છે. લેખકના શબ્દોમાં કહું તો - “જોસેફે એમને એક ચિંતાગ્રસ્ત, લાચાર, નિ:સહાય અને સતત સંઘર્ષ કરતા એકલવાયા માણસ તરીકે જોયા છે, અનુભવ્યા છે”(પૃ..૩૦) એક પછી એક એમ એમણે છ લગ્ન કરેલાં. બાઇબલના વિષયવસ્તુ પર તેઓ જાતે નાટકો લખતા. આવા અનેક પ્રસંગો પ્રસ્તુત પ્રકરણમાં લેખકે નોંધ્યા છે. સાથે જ ‘માસ્તર’ના જીવનમાં આવેલી ‘પડતી’ ધ્યાનાર્હ બની રહે છે. નોકરી છોડી ખેતી અપનાવી, ખેતીમાં નિષ્ફળતા, ભેંસો આપી દેવાઇ, ઝાડ વેચાતા આપ્યા, છેલ્લે ‘જમની મારકણી’ ભેંસને કસાઇવાડે વેચી દેવી પડે છે. આવી અનેક આપત્તિઓથી માસ્તરનું જીવન ડહોળાઇ જાય છે. આવી પડેલી મુસિબતને જમનાકાકીના મુખે કહેવાયેલા શબ્દો લેખક અહીં નોંધે છે. જુઓ: “ધનીડોસીનું રયુંસયું આયપતેય આ મારકણી હંગાથ લઈ જ્યુ હમજો !”(પૃ.૩૬)

લેખકે જોસેફના દાદા-પરદાદાને યોગ્ય રીતે પૃ.૩૮ પર પ્રસ્થાપિત કર્યાનું જોઇ શકાય છે. લેખકના શબ્દોમાં જ જોઇએ : “ ડાહ્યા હરખાના પિતાનું નામ અમ્બાઇદાસ (અમિદા) અને એમના બાપા મોરાર. આ અમૈદા મોરારનું કુટુંબ આબરુદાર કહેવાતું. અમિદા મોરારનું કુળ આખા પરગણામાં મેતરાઇ કરતા પંકાયેલું. એક જમાનામાં એમણે ચાર-ચાર વખત નાત જમાડેલી. અમિદા મોરાર કોણ? તો કહે – ‘હાડી ચારહો ચરોતરનો મોભી’ ” ‘અભાવોની આંધી અને અગમનાં એંધાણ’નામે ચોથા પ્રકરણમાં જોસેફના અભાવમય જીવન વિશે લેખકે વિગતવાર વાત કરી છે. લેખક જણાવે છે કે – “જોસેફનું બાળપણ અભાવોમાં વીત્યું એ તો ખરું જ પણ ધનીમા, હીરીબા, સોમાકાકા અને મોટાભાઇ મનુના અવસાનથી ઠીંગરાઇ ગયેલું અને સન્નાટાથી ભરેલું હતું”(પૃ.૪૭) લેખક અહીં જોસેફના ઘરના પાછળના ભાગે થોડે દૂર રહેતા ભવાન ભગત વિશે પણ વિસારથી નોંધે છે. આ ભવાન ભગત જોસેફ રચિત રેખાચિત્રો પૈકીના એક છે.મહોલ્લાની બેન-દીકરીઓને નમાયા જોસેફ પ્રત્યે અપાર લાગણી હતી. એટલે જ જોસેફ લેખક થયા બાદ આ બેન-દીકરીઓ પર ઉત્તમ રેખાચિત્રો આપે છે. મણીલાલ પટેલ નોંધે છે કે “ ‘મારી પરણેતર’ની નાયિકા ગૌરી, ‘મારી ભિલ્લુ’ની સુમિત્રા, લાડુભાભીની દીકરી હેતા અને ગરીબ ઘરડાં મા-બાપની કમળા વાચકોનેય ભૂલાય એમ નથી”(પૃ.૪૮) લેખક જોસેફના એક પ્રસંગને નોંધે છે જે વાચકને વ્યથિત કરી મૂકે છે. લેખક આ પ્રસંગને આ રીતે નોંધે છે : “ખેતરમાં કામ કરતા બાપુજીને મોડું મોડું ભાત આપવા નવીમાનો મોકલેલો જોસેફ જાય છે. ચોળાની સીંગનું લચકો બળી ગયેલું શાક મોઢામાં મૂકતાં જ ડાહ્યા હરખા રોટલો અને શાક બધું ફેંકી દે છે. એક રોટલો તો કૂતરો તાણી જાય છે પણ બીજો રોટલો અને નીચે પડેલું શાક હાથમાં લઈને આગલી રાતનો ભૂખ્યો જોસેફ ખાવા પર તૂટી પડે છે.”(પૃ.૪૯) આવા અનેક પ્રસંગો લેખક ભાવવાહી શૈલીમાં નોંધે છે, જેમાંથી પસાર થતાં આંખમાં ઝળઝળીયાં આવ્યા વિના રહે નહિં. ભણવામાં હોશિયાર જોસેફ ‘દારુબંધી’ પર નિબંધ લખે છે જે પાંચથી અગિયાર ધોરણની હરિફાઇમાં પ્રથમ આવે છે અને મોરારજી દેસાઇના હાથે તેનું સન્માન થાય છે. મીશનરી સંલગ્ન પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે જોડાઇ જોસેફ ઘરને આર્થિક પગભર કરવા રાત્રે એક પ્રેસમાં પ્રુફ રીડીંગનું કામ પણ કરે છે. પોલીસ ખાતામાં રાઇટર તરીકે નિમણૂંક પામેલા જોસેફને ઉદારદિલ ફાધર માર્ટિનીજ ફરી શિક્ષક તરીકે કામ કરવા જણાવે છે. પ્રાથમિક શિક્ષક તાલીમ મહાવિદ્યાલયના આચાર્ય મગનભાઇ ઓઝા પણ જોસેફમાં રહેલા કૌવતને પારખી લે છે. જોસેફને યોગ્યતાના ધોરણે આણંદની સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કુલમાં હિંદીના શિક્ષક તરીકે અને ત્યાર બાદ ડાકોર કોલેજમાં પાર્ટટાઇમ હિંદીના લેક્ચરર તરીકે સેવા આપવાની તક હાંસલ થાય છે. ઝેવિયર્સ હાઇસ્કુલમાં ૨૬ વર્ષ સેવાઓ આપી ૧૯૯૪માં જોસેફ મેકવાન નિવૃત્ત થાય છે. જોસેફના જીવનઘડતરના આધર સ્તંભો તરીકે ગામનો મિત્ર મગન, મહિજીભાઇ માસ્તર, કુંવા કાંઠાની સખીઓ અને મગનભાઇ ઓઝા ઉભરી આવે છે. આમ, પ્રસ્તુત પ્રકરણમાં જોસેફની શૂન્યથી સર્જન સુધીની, કષ્ટ-પીડામય જીવનથી સુખમય જીવન સુધીની સફરને લેખકે નોંધી છે.

ઘડતરના ઘાટે જીવતરની વાટે’ પાંચમા પ્રકરણમાં લેખક જોસેફના ‘ભૂખ્યાને તરસ્યા’ જીવનમાં આવેલા પરિવર્તનની વાત કરે છે. ભણવામાં હોશિયાર જોસેફ અભાવોમાં જીવે છે, ભણે છે, ને વિકસે છે. જોસેફના ઘડતરમાં તેમના ગામના ભવાન ભગતનું નામ પણ માનભેર લેવાય છે. લેખકે ભવાન ભગત પર પડેલી વિપત્તિઓને પણ પ્રસ્તુત પ્રકરણમાં નોંધી છે. પત્નિ ભલીના ગુજરી ગયા પછી વચેટ દીકરાને ખેતી ઘર સોપી દઈને ભવાન ભગતે જાણે વનવાસ લીધેલો. વનવાસ દરમિયાન વચેટ દીકરા પૂંજાનું પણ હાર્ટ એટેકથી મૃત્યુ થાય છે. આમ, અનેક મુશ્કેલીઓ વચ્ચે સાત્વિક જીવન જીવતા ભવાન ભગતે જોસેફના માનસ પર ઊંડી છાપ પાડી હતી. જોસેફ મોટા લેખક થયા બાદ ભવાન ભગતના જીવનચરિત્રમાં આવા ઘણા પ્રસંગો નોંધે છે. એટલે જ તો લેખક મણીલાલ પટેલ નોંધે છે કે “જીવનની વિદ્યાપીઠમાં ભવાન ભગત જેવા માણસો મળે એ સદભાગ્ય કહેવાય. કેમ કે આવા માણસો પુસ્તકો કરતાં પણ વધું પ્રભાવ પાડે છે.”(પૃ.૬૧)

ભવાન ભગત બાદ વિદ્યાગુરુ મહીજીભાઇ પણ જોસેફના ઘડવૈયા સાબિત થાય છે. ત્યાર બાદ ટીચર્સ ટ્રેનિંગ કોલેજના મગનભાઇ ઓઝા તથા વિઠ્ઠલભાઇ સાહેબ જેવા અનેક મહાનુભાવોની વિદ્વતાએ જોસેફને ઘડ્યા હતા એમ કહી શકાય. સાથે જ પ્રસ્તુત પ્રકરણમાં જોસેફના જીવનમાં આવેલ બાળસખીઓનો આત્મિયતાપૂર્ણ પ્રભાવ પણ નોંધવો ઘટે. ગૌરી, સુમિત્રા, હેતા અને ડાહી જેવી બાળ સખીઓમાં થતી અનુભવોની આપ-લે અને એકબીજાને મદદ કરવાની ભાવના ધ્યાનાર્હ બની રહે છે. (ડાહી બહેરી-બોબડી હતી.) આ તમામ મિત્રોને આવરી લઈ જોસેફ રેખાચિત્રો ઘડે છે. આ મૈત્રી આકર્ષણની નહીં પણ આત્મિયતાની હતી. અભાવગ્રસ્તજીવનમાં પણ પોતીકાપણાનો સંચાર કરતી આ દોસ્તી પણ જોસેફને જીવન જીવી લેવા પૂરક બને છે. અભાવ, પ્રભાવ અને અનુભવો જોસેફને એકરીતે ઘડવાનું કામ કરે છે. આમ, જોસેફના જીવન ઘડતરના પાયા સમાન મિત્ર મગન, મહીજીભાઇ માસ્તર, મગનભાઇ ઓઝા, બાળ સખી મિત્રોની સંપૂર્ણ અને સુવ્યવસ્થિત વાત લેખકે પ્રસ્તુત પ્રકરણમાં વિસ્તારથી રજુ કરી છે.

જોસેફના કપરા સમયમાં પ્રેમ-સાથ-હૂંફ આપનારાં કેટલાંક સ્ત્રીપાત્રોની વાત છઠ્ઠા પ્રકરણ ‘કઠોર નિયતિ અને નારીપાત્રો’માં લેખક કરે છે. અહીં જોસેફના પિતરાઇકાકાના દીકરા ઇશ્વરની વહું તરીકે આવેલી પન્નાભાભીની કહાણી વ્યગ્ર બનાવી મૂકે છે. પ્રથમ રાત્રીએ જ ઇશ્વર જોસેફને પન્નાભાભીના રૂમમાં મોકલી પોતે બહાર સૂએ છે. આ ઘરમાં પન્નાભાભીનું કોઇ જ સ્થાન ન હોવાનું પામી ગયેલા જોસેફ ખૂબ દૂ:ખી થાય છે. ગુણીયલ પન્નાભાભી પ્રત્યે જોસેફને ખૂબ લાગણી થાય છે, તો વળી પન્નાભાભી પણ જોસેફને વ્હાલ કરે છે, પણ ખૂબ જ ટૂંકાગાળા(ચાર દિવસ)માં જ પન્નાભાભીને (ફારગતી)વળાવી આવવાનું કામ જોસેફને સોંપાય છે. પન્નાભાભીના શબ્દો મણીલાલ પટેલે એવી ભાવવાહીશૈલીમાં નોંધ્યા છે જે વાચકને વ્યગ્ર કરી મૂકે છે, જુઓ: “જન્મારામાં કદીકેય મળવાનું થાય તો ઓળખાણ રાખજો. આ ચાર દા’ડામાં તમે મને જે દીધું છે તે અહીં – મારે છાતીમાં થાપણ બનીને સંઘરાઇ રહેશે.”(પૃ.૭૧)આ પન્નાભાભીના નામ પરથી જોસેફ રેખાચિત્ર અને ‘પન્નાભાભી’ નામે વાર્તાસંગ્રહ પણ આપે છે. આ પ્રકરણમાં બીજું સૌથી ધ્યાનાર્હ પાત્ર હોય તો તે છે સુમિનું. નાનપણથી એકબીજા પ્રત્યેનો સ્નેહ લેખક લાઘવથી છતાં હૃદયસ્પર્શી નોંધે છે. રીસામણાં-મનામણાંમાં રહેલી આત્મિયતા વાચકને સ્પર્શે છે. નાનપણમાં ‘તું રીસાયેલો રહીશ તો હું કેમની જઈશ’ કહેતી સુમિ પાછળથી કેંસરનો ભોગ બને છે. લેખક નોંધે છે કે- “ઘરઘરની રમતમાં જોસેફની વહું બનવાનું પસંદ કરતી ગૌરી જોસેફની નવલકથા ‘મારી પરણેતર’ની નાયિકા રૂપે સાહિત્યમાં નવો અવતાર લઈને આવે છે.”(પૃ.૭૯) આમ, નાના નાના છતાં અતિ મહત્વના પ્રસંગો લેખક પ્રસ્તુત પ્રકરણમાં નોંધે છે.

‘ગર્દીશના દિવસો’ નામે સાતમા પ્રકરણમાં લેખક જોસેફ મેકવાનના અભાવગ્રસ્ત જીવન અને યાતનાભર્યા દિવસોની વાત કરે છે. લેખક આ દિવસોની કરૂણતાને જોસેફ મેકવાનની ‘વહાલનાં વલખાં’માં જોસેફ દ્વારા અપાયેલ પ્રાસ્તાવિક લેખના કેટલાક અંશો નોંધી વર્ણવે છે. આ પ્રકરણની બીજી સૌથી ધ્યાનાર્હ બાબત હોય તો તે છે જોસેફ મેકવાનને આવેલા આપઘાતના વિચારનું વર્ણન. જોસેફના વિચારોને પામી ગયેલો ભેરું મગન જોસેફને બચાવી લે છે. ‘હું પણ તારી પાછળ કૂવામાં પડીશ’ કહેતો મગન સાચા અર્થમાં મિત્રતા નિભાવે છે. અન્યથા જોસેફ દ્વારા કોઇ અનિચ્છનિય પગલું ભરાઇ શકત. અહીં બે-ત્રણ પ્રસંગોએ જોસેફને આપઘાતના વિચારો આવ્યાની વાત નોંધાઇ છે. લેખકના જણાવ્યાનુંસાર જોસેફને ‘વ’ વ્હાલો છે. લેખકે અહીં જોસેફ મેકવાનને પ્રિય‘વ’ની કહાણી નોંધી છે, જે દરેક વાચકને જોસેફના વ્યથીત જીવનનો સક્ષાત્કાર કરાવે છે. લેખકના શબ્દોમાં જોઇએ, “ ‘વ’ મને વહાલો છે. ‘વ’ અર્થાત્ વ્યથા, વેદના, વલોપાત અને વહાલ ! વ્યર્થતા, વૈફલ્ય, વેર અને વૈરાગ્ય’ , કદાચ આ અહીં અવતર્યા છે એ શબ્દોનો સંગ મને સૌથી વધું રહ્યો છે, પણ એમાંય વહાલાના વીરડા કાજે તો હું ભવરણ ભટક્યો છું. મારાં સદાનાં બારેય પહોરને આઠેય ઘડીનાં સંગીસાથી તો રહ્યાં છે. – વેદના ને વલોપાત ! વ્યર્થતા, વિફળતા ને વલવલાટ ! વીતરાગતા આવી ગઈ છે – ઘણીવાર મને સુખ સાથેના વેરથી. વલખાં માર્યા કર્યા છે મે સાચુકલા ‘વહાલ’ કાજે. ક્યાં ક્યાં નથી રવડ્યો હું વહાલપના બે બોલ ઝીલવા ! ”(પૃ.૮૩) જોસેફ મેકવાન અભાવમાં જીવ્યા હતા. એ અભાવ પરિજનોના પ્રેમનો કહો કે એ અભાવ જરુરિયાતનો કહો. જોસેફનું બાળપણ અભાવમાં વિત્યુ હતું. આખું શૈશવ વ્હાલનાં વલખાંમાં વિત્યું ને છતાંય જોસેફ એક મોટા લેખક બની શક્યા. તેમનાં કેટલાક રેખાચિત્રોમાં આપણને એમની દર્દભરી કહાણી જ દેખાય છે. એક એવું વ્યક્તિત્વ જે અભાવોમાંથી પસાર થઈને પણ ક્યારેય લાગણીવિહિન નથી બન્યું, બલકે એ કડવા ગૂંટડા જ જોસેફને સફળ લેખક બનાવે છે. જોસેફના રેખાચિત્રોમાંથી પસાર થઈએ એટલે એમની આત્મકથા વાંચી લીધાની તૃપ્તિ અવશ્ય થાય. એમાંય મણીલાલ પટેલના મત મુજબ જોસેફને જાણવા ચાહનારે તો ‘વહાલનાં વલખાં’ અવશ્ય વાંચવું પડે. કહેવાય છે ને કે અભાવ માણસને ચોરી કે અનિતિક કૃત્યો કરવા પ્રેરે છે. જરુરિયાત વ્યક્તિને મજબૂર બનાવે છે કે તે અનિષ્ટ કાર્યો કરતાં પણ ન અચકાય. જ્યારે જોસેફ ભૂખથી માંડીને પરિવારના પ્રેમ, એમ સર્વ બાબતે અભાવગ્રસ્ત હોવા છતાં ક્યારેય નૈતિકતા છોડી નહતી. ક્યારેય કોઇ એવું કૃત્ય નથી કરી શક્યા કે જેનાથી એમનું જમીર ઘવાય. આ પ્રકરણમાં બીજું સૌથી ધ્યાનાકર્ષક પાસું હોય તો તે છે જોસેફનું પોતાની કાકી સાથેનું પુનર્મિલન. આ ઘટના વાચકવર્ગને લાગણીના વહેણમાં ખેંચી જવા સક્ષમ છે. આ એ જ કાકી કે જેઓ જોસેફને વ્હાલ કરતા, ભાવથી જમાડતા અને મા ની કદી ખોટ આવવા ન દેતા. પણ કાકાના અવસાન બાદ તેઓના બીજા લગ્ન થાય છે ને જોસેફથી વિખુટા પડી જાય છે. લેખકે આ ઘટનાને જોસેફના શબ્દોમાં નોંધી કરુણરસનો આવિર્ભાવ કરાવ્યો છે. જુઓ : “હું એનાં ચરણોમાં નમ્યો પણ મારું મન ના માન્યું. લાંબા સૉટ થઈ મેં મારું કપાળ એના પગો પર મેલી દીધું. મારાં આંસુંએ એ પગ પલળી ગયા. કાકીએ મને ઉઠાડ્યો. બે હાથ ફેલાવીને મને બાઝી પડી. એનું માથું મારી છાતીએ અડકતું હતું અને એનાં ડૂસકાં એક યુગ પહેલાંની યાદ મને આપતાં હતાં”(પૃ.૮૯) જોસેફના કાકીએ ઓડ છોડીને જ્યાં સંસાર માંડ્યો ત્યાં તેમના ભાગે મુસિબતો અને તકલીફો જ આવી હતી. ‘વેઠીવેઠીને સૂકું છોતરું બની ગયેલી કાકી’જોસેફને વ્યગ્ર બનાવી મૂકે છે. આમ, જોસેફને બાળપણથી યુવાની સુધીમાં જ અઢળક અનુભવોનું ભાથું મળ્યું હતું. આનુભવો લેખકને ઘડે છે, પોષે છે, વિકસાવે છે. જોસેફના બાળપણને વાંચવું એટલે લાગણીના વહેણમાં પલળી જવું.

ત્રીજી સૌથી અગત્યની બાબત પ્રસ્તુત પ્રકરણમાં કોઇ હોય તો તે છે જોસેફના ફોઇની વ્યથા-વેદના જોસેફના શબ્દોમાં. જોસેફના ફોઇને એક સાધારણ અને સાદાભોળા વ્યક્તિ સાથે પરણાવવામાં આવેલાં. ફોઇનું જીવન પણ વ્યથાથી ભરેલું જ હતું અને એટલે જ જોસેફે સાંભળેલા ફોઇના શબ્દો જોસેફ આજીવન ભૂલી શક્યા નહતા. ‘ઘર સંસાર’ નામે આઠમા પ્રકરણમાં મણીલાલ પટેલ જોસેફના સાંસારિક જીવનનું સચિત્ર વર્ણન કરે છે. પ્રકરણની શરુઆતે જ જોસેફ અને તેમનાં ધર્મપત્નિ સાથેનો ફોટો પ્રકરણની મહત્તા અને જોસેફના સફળ દામ્પત્ય જીવનને પ્રસ્થાપિત કરે છે. લેખકે પ્રસ્તુત પ્રકરણમાં જોસેફના હર્યાભર્યા અને સુખી સંસારની વાત કરી છે. જેમાં ચંદ્રવદન જેવો દીકરો સંયુક્ત સચિવપદ સુધી પ્રાપ્ત કરી શક્યાનું જોએ શકાય છે. દેશ સહિત વિદેધની ધરા પર સ્થાયી થયેલા જોસેફના સંતાનો ‘વેલસેટ’ હોવાની પ્રતીતિ પ્રસ્તુત પ્રકરણમાં સુપેરે મળે છે. જોસેફ પોતાના માટે ઓછું અને બીજા માટે વધું જીવ્યા છે. લોકોની સેવા કરવાની નેમ તેઓ પુરી કરી શકે છે. છે. સમાજસેવાના ભગીરથ કાર્ય જોસેફને ગરીબોના આશિર્વાદની સાથે સાથે નૈતિક હિંમત પ્રદાન કરે છે. જોસેફને પોતાની વ્યથા-વેદના લઈ જોસેફ પાસે આવતા લોકોની સમસ્યાઓ જોસેફ પૈસા અને સમય ખર્ચીને ઉકેલી આપતા. આવાં દુખિયારાં લોકોની આપવીતી સાંભળીને જોસેફે ચરિત્ર લેખો, વાર્તાઓ અને થોડીક નવલકથાઓ પણ લખી છે. લેખક નોંધે છે કે – “એમને આંગણે આવેલા આવાં વીતકે વીતાડેલાં લોકોની જો એમણે યાદી કરી હોત તો તે સહેજેય પાંચસોના આંકડાનેય આંબી ગઈ હોત”(પૃ.૧૦૧)

‘પ્રેમપંથ : પાવકની જ્વાળા’ નામે નવમા પ્રકરણમાં જોસેફના યુવાનીકાળ તથા બાળસખિઓ ના વર્તમાનને લેખકે નોંધ્યો છે. જોસેફ એવું માનતા કે જીંદગીના દરેક તબક્કે પડકારો તો આવવાના જ. એ દરેક પડકારોમાંથી વ્યક્તિ કંઇક ને કંઇક શિખતો હોય છે. જે જોસેફે સાકાર કર્યુ હતું. લેખકે સુમીના પતિએ જોસેફને લખેલા પત્રને અહીં (પૃ.૧૦૫) ટાંકયો છે. આ પત્ર સાચા અર્થમાં પ્રેમની પરિભાષાને પ્રસ્થાપિત કરે છે. આમ, ઉપરોક્ત પત્ર જ જોસેફની સાચી લાગણીને તથા સુમિ સાથેના આત્મિય નાતાને વર્ણવે છે. દરેક યુવાહૈયાનાં હૃદયમાં એક સવાલ હંમેશાં થતો હોય છે કે પ્રેમની સાચી પરિભાષા કોને કહેવી? ઉપરોક્ત પત્રની પાંચ..સાત લીટીઓ જ સાચા પ્રેમની પરિકલ્પના દર્શાવે છે. એમ જરુર કહી શકું. આમ, પ્રસ્તુત પ્રકરણમાં જોસેફના શૂન્યજીવનમાં અનાયાસે હૂંફ, લાગણી, પ્રેમ કે પછી આત્મિયતાના ભાવ સાથે આવેલી એવા સ્ત્રીપાત્રો કે સંન્નારીઓની વાત લેખકે કરી છે. જેમાં જોસેફના પવિત્ર ચારિત્ર્યનો પરિચય મળી રહે છે. જોસેફ તેઓની આત્મિયતાને ક્યારેય ભૂલી શક્યા નહતા.

‘વંચિતોના ભેરું’નામે દસમા પ્રકરણની શરુઆતે લેખક જોસેફ અને પૂ.મોરારીબાપુના ફોટોને પ્રસ્થાપિત કરી જોસેફના લેખનકૌશલ્યની સાથે પર-સેવાની અમૂલ્ય ઘટનાઓને નોંધે છે. જોસેફ સારું લખતા થઈ ગયા હતા એનાથી વિશેષ લોકોની સમસ્યાઓને હલ કરતા થઈ ગયા હતા એમ ગૌરવભેર કહી શકાય. જોસેફનો ઓરડો એમના લેખન માટે તથા પીડીતો-ઉપેક્ષિતોના આશ્વાસન માટે ભરેલો રહેતો. આવા લોકોની વેદનાને સાંભળી જોસેફ હલ કરવા માટે હંમેશાં તત્પર રહેતા. પોતાનું બાળપણ ભલે અભાવોમાં વિત્યું પણ પોતે સક્ષમ બન્યા પછી પોતાની કલમ, સમય અને પૈસા ઉપેક્ષિતો માટે નિરંતર ખર્ચ્યા છે.

કેટલિક અમાનુષી ઘટનાઓ આપણને વ્યગ્ર બનાવી મૂકે છે. જેમકે લેખક કલમે નોંધાયેલ ૧૯૮૬માં થયેલો ગોલાણા હત્યાકાંડ. દરબારોનો દલિતો ઉપર થયેલો આ હિચકારો હુમલો વિસ્તારમાં અરાજકાત ફેલાવી દે છે. આ વેળા એ જોસેફ દલીતોના ખભેથી ખભો મિલાવી પડખે ઉભા રહે છે. આ અનુભવોને જોસેફ ‘ભાલનાં ભોમ ભીતર’ નામે પુસ્તક લખી વર્ણવે છે. પાટણ પીટીસી કોલેજની છાત્રા સાથે થયેલા અમાનુષી દુષ્કૃત્યથી જોસેફ ખૂબ વ્યથા અનુભવે છે. તેને આર્થિક મદદ પણ કરે છે. આમ, સેવાકિય કાર્ય થકી લોકોના માનસ પર હંમેશાં અંકિત થયેલા જોસેફ નિરંતર સેવાકર્મ કર્યે જાય છે. લેખનની સાથે પર-સેવાનું ભગીરથ કાર્ય જ જોસેફને સુખી અને સંપન્ન પારિવારિક સુખ આપે છે એમ કહી શકાય. પોતાનું સર્વસ્વ પર-સેવા કાજે વ્યતિત કરતા જોસેફ પીડીતો માટે દેવદૂત સમાન હતા. આવાં કેટલાંય ભગીરથ કાર્યોની સુવાસ જોસેફને વિકસતા રાખે છે. અનેક પ્રેરણારૂપ બને એવાં સત્કાર્યો એમણે એકલા હાથે આદર્યાં અને પૂરાં કર્યાં હતાં. જોસેફ એક આદર્શ શિક્ષક તરીકે, સાચા સમાજસેવક તરીકે કે પછી ઉત્તમ લેખક તરીકે ઉભરી આવે છે એમાં તેમનું તપોબળ જ કારણભૂત રહ્યાનું સ્પષ્ટ અનુભવાય છે.

‘ભાવકોનું ભાવજગત’ નામે અગિયારમા પ્રકરણમાં લેખક જોસેફના લેખક બન્યા પછીના અનુભવોને કંડારે છે. ‘વ્યથાના વિતક’ અને ‘આંગળિયાત’થી કીર્તિમય બનેલા જોસેફના ભાવકો દિન-પ્રતિદિન વધી રહેલા. જોસેફ પિડીત-શોષિત અને ઉપેક્ષિત લોકોની સેવા કરતા જાય છે, અને એની ભિતર રહેલી શોષણની નીતિને સાહિત્યના માધ્યમ થકી લોકો સુધી પહોંચાડે છે. એટલે એમ પણ કહી શકાય કે સાચા અર્થમાં દલિતચેતનાનું સાહિત્ય વાચક સમક્ષ લાવવાના ભગીરથ કાર્યની કોઇએ શરુઆત કરી હોય તો તે છે જોસેફ મેકવાન. મણીલાલ પટેલના શબ્દોમાં કહેવું હોય તો – “કહેવું જોઇએ કે દલિત સાહિત્યનો મજબૂત પાયો નાંખનાર અને એક સાથે એની ઊંચાઇ આપનાર મહત્વની બે કૃતિઓ – ૧. ’વ્યથાના વીતક’, ૨. ‘આંગળિયાત’ લઈને તો જોસેફ જ પ્રગટ થયા.”(પૃ.૧૨૭) આમ, સત્કાર્યની સુવાસ હંમેશાં પ્રજ્વલિત બની રહે છે તેમ જોસેફના સત્કાર્ય અને લેખન કાર્યની સોડમ ગુજરાતી સાહિત્યમાં મૂલ્યવાન સ્વરૂપે ફેલાયેલી છે, જેનું વાચક તરીકે ગૌરવ થાય.

બારમું પ્રકરણ ‘અમારા બાપુ’ નામે મળે છે. જેમાં લેખકે જોસેફના પિતા બન્યા બાદના પ્રસંગો અને તેમના હર્યાભર્યા પરિવારની વિસ્તૃત વાત કરે છે. પ્રસ્તુત પ્રકરણમાંથી પસાર થયા બાદ જોસેફને બાળપણમાં પડેલી તકલીફો અને અભાવગ્રસ્ત જીવનને લઈ વ્યાપેલી શૂન્યતા અહીં દૂર થતી દેખાય છે. વાચકને અહીં જોસેફની લીલીવાડી જોઇ હાશકારો થાય એ સ્વાભાવિક છે. તેરમા પ્રકરણમાં લેખકે જોસેફના છેલ્લાં વર્ષોને વર્ણવ્યા છે. લેખકે સ્વઅનુભવ નોંધી જોસેફના લાગણીશીલ સ્વભાવનો પણ પરિચય કરાવ્યાનું અહીં સ્પષ્ટ અનુભવી શકાય છે. પોતાની સાવકી મા વિશે લખેલા લખાણોને લઈ કેટલાક મુલાકાતીઓ જોસેફની (સાવકી) મા ને તેમણે આપેલી પીડા સંદર્ભે પ્રશ્નો પૂછતા. જેને લઈને તેમની મા વ્યથિત થાય છે. તેમણે જોસેફને લખેલા પત્ર સંદર્ભે જોસેફ મણીલાલ પટેલને ભીના અવાજે પોતાની હૈયાવરાળ જણાવે છે. આમ, જેને લઈને પોતાનું જીવન પીડાઓથી ભરેલું હતું, એના માટે પણ જોસેફને અપાર લાગણી હતીજ હતી ! લેખક જોસેફના શબ્દો અહીં નોંધે છે. જુઓ: “‘મા’ વિશે લખતાં મારી કલમે આ જ જે વાસ્તવ હતું તે ચીતરાયું અને પાઠ્યપુસ્તકો થકી સમાજ લગી ને છેક મારી ‘મા’ લગી પહોચ્યું... ‘મા’ બાપડી સ્તબ્ધ ! એણે તો કદી શમણામાંય નહીં વિચારેલું કે એકદા એના જ કર્યા કદી ભૂંસાય નહીં એવી ચોપડીરૂપે સામે આવશે. મોતિયો ઉતારેલી એની ઝાંખી આંખો સામે કદાચિત અતિતનાં એ ઓળા ચોખ્ખાં ચિત્રો બની નાચી રહ્યાં હશે.”(પૃ.૧૪૫-૧૪૬)

જોસેફના સાહિત્યમાંથી પસાર થઈએ તો ખ્યાલ આવે કે તેમનું સાહિત્ય દલિત સાહિત્યનો મજબૂત પાયો કહી શકાય. એટલે તો લેખક સ્પષ્ટ જણાવે છે કે ‘દલિત સાહિત્યને એમણે સુદ્રઢ કરેલું. કહો કે એમના સાહિત્યે દલિત સાહિત્યકારો માટે દરવાજા ખોલી આપ્યા હતા.’(પૃ.૧૫૨) લેખક મણીલાલ પટેલ અને જોસેફ મેકવાનનો નાતો આત્મિયતાનો હતો એટલે જ તો જોસેફ પોતાનું જીવન મણીલાલ પટેલની કલમે લખાય એવું ભારપૂર્વક ઇચ્છતા હતા. આમ, અપાર યાતનો અને વેદનાઓ એ જોસેફને ઘડ્યા, પોષ્યા અને ઉત્તમ સાહિત્યકાર બનાવ્યા. છેવટે જોસેફ તા.૨૮-૦૩-૨૦૧૦ના રોજ દેહમુક્ત થાય છે. તેમછતાં એમ જરુર કહીશ કે તેમના સમૃદ્ધ સાહિત્યના માધ્યમથી વાચકોના હૃદયમાં જોસેફ હંમેશાં જીવિત જ રહેશે !

ચૌદમા અને અંતિમ પ્રકરણ “‘આંગળિત’ના લેખક જોસેફ મેકવાન”માં લેખકે ‘આંગળિયાત’ કૃતિને મૂલવી છે. આમ તો ‘આંગળિયાત’ વાંચી હતી પણ મણીલાલ પટેલે જે રીતે કૃતિને મૂલવી છે તે ધ્યાનાકર્ષક બની રહે છે. ‘આંગળિયાત’નું કથાવસ્તુ અને તેની મહત્તાને મણીલાલ પટેલ દર્શાવે છે. ‘આંગળિયાત’ને વર્ષ.૧૯૮૯નો સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો. ત્યાર બાદ રાષ્ટ્રિય એવોડ પ્રાપ્ત કરી આ કૃતિ ગુજરાતી સાહિત્ય રસિકોના હૃદયમાં અનેરું સ્થાન હાંસલ કરી શકે છે. પ્રકરણને અંતે લેખકે જોસેફ મેકવાનના જીવનની તવારીખ મૂકી છે. જેમાં જોસેફના જન્મથી માંડીને નિર્વાણદિન સુધીની સફર અને ત્યાર બાદ પણ જોસેફ સાથે જોડાયેલી ઘટનાઓ અને મહત્વના પ્રસંગોને નોંધ્યા છે. નાનામાં નાની બાબતોનો મણીલાલ પટેલ દ્વારા ઉલ્લેખ અને ઉચિત વર્ણન જીવનચરિત્રને રસાળ બનાવે છે. પુસ્તકના અંતે લેખક દ્વારા પ્રકરણોમાં મૂકાયેલ ફોટોગ્રાફ્સની વિગત પૃષ્ઠનંબર સાથે વાચકોને મળે છે. મણીલાલ પટેલની એક ખાસિયત મને સૌથી વધુ આકર્ષે છે, તે છે કોઇ પણ વિષયવસ્તુ કે ઘટનાની સૂક્ષ્મતાથી રજુઆત તથા જરુર જણાય ત્યાં પ્રાદેશિક લોકભાષાનું શક્ય એટલું સગપણ સાચવવું. અહીં પણ ઘણી જગ્યાએ ચરોતરની એ સમયની લોકભાષાની છાંટવાળી કહેવત પ્રયોગ અને બોલીના સંવાદો પ્રસ્થાપિત કર્યા છે. સાથે જ લેખકનું ભાષાકર્મ ઉડીને આંખે વળગે એવું છે. કેટલાક ઉદાહરણો નોંધવા હોય તો નીચે જેવા નોંધી શકાય. જુઓ:
‘ઓડ, ઉમરેઠના ઊંડા કૂવા
દીકરી દે એના બાપ મૂઆ’ (પૃ.૧૩)
‘કોઇના વારેય તને મોત ચ્યમ નથી આવતું’(પૃ.૨૮)
‘ધનીડોસીનું રયુંસયું આયપતેય આ મારકણી હંગાથ લઈ જ્યું હમજો’(પૃ.૩૬)
‘મણનું છશેર પાક્યું’(પૃ.૩૭)
‘અમૈદા મોરાર કોણ? તો કહે – હાડી ચારહો ચરોતરનો મોભી’(પૃ.૩૮)
‘મર્યા જીવ પાછળ બળતરા ના કર મા. હું છું ને તને જરાય ઓછું આવવા નંઇ દઉં’(પૃ.૪૪)
‘તમારા માથે રામ જેવો રખવાળ છે ભૈ’(પૃ.૪૮)
‘અમારા ભાયડા કરતાં તમ હાવ બાળક જેવા છો તોય ઝાઝા હમજણા છો ભૈ’(પૃ.૪૮)
‘દૂ:ખના માથે શીંગડા નથી હોતાં’(પૃ.૫૭)
‘પણ મોટા હતરાબદ ખોટેખોટું.....!’(પૃ.૭૪)
‘આ જ લાગણી એ મારું ઊર્મિતંત્ર લકવી દીધું’(પૃ.૭૭)
‘ભઈ જોસ્સબ ! ઊં ઝવર, તમારી કાચી !’(પૃ.૮૮)
‘બઉં તરાહ (ત્રાસ) હતો ભઈ, કથ્યો ના કથાય એટલો ! વ દા’ડાની વાત જ જવા દ્યો?’(પૃ.૮૯)
‘એક પુરુષ તરીકે જોસેફ મેકવાનની છબિ ધીંગી ધરાના મનેખની છે’(પૃ.૧૦૨)
‘બસ મૂઆ ! કે’ તો’તો ન નાનો સું, જોર તો બધું બાબરા ભૂતનું ભર્યું સે !’ (પૃ.૧૦૮)

આમ, પાનેપાને જોસેફના જીવનને મઢવા લેખક મણીલાલ હ.પટેલ દ્વારા કરાયેલ ભાષાપ્રયોગ અને પ્રસંગોને અનુરૂપ ભાવસભર વર્ણન વાચકવર્ગ માટે આકર્ષણનું કેંદ્ર બની રહે છે. કોઇપણ વ્યક્તિવિશેષનું જીવનચરિત્ર વાંચવું એ મારો રસનો વિષય રહ્યો છે. એમાંય મણીલાલ હ.પટેલ ની કલમે લખાયેલ શબ્દસ્થ (સચિત્ર) વર્ણનો વાચકો માટે ધ્યાનાર્હ બની રહે છે એમ કહું તો ખોટું નથી. લેખક મણીલાલ હ.પટેલ મારા આદર્શ સાહિત્યકાર છે, જેમનું મને અતિશય ગૌરવ છે. તેમની કલમે મઢાયેલ પન્નાલાલ પટેલના જીવનચરિત્ર ‘તરસ્યા મલકનો મેઘ’માંથી પસાર થયો ત્યારે ખૂબ જ રોમાંચિત થયો હતો. આજે ગર્વ સાથે કહેવું ઘટે કે આ રોમાંચ ‘વીતક ઝંખે વહાલ’થી બેવડાયો છે. મણીલાલ હ.પટેલ દ્વારા વર્ણવાયેલ રેખાચિત્ર-જીવનચરિત્રો ગુજરાતીસાહિત્યમાં અનેરું સ્થાન હાંસલ કરે જ છે. એમાં ય ‘વીતક ઝંખે વહાલ’ એ તો જીવનચરિત્ર સાહિત્યને રળિયાત બનાવવાનું કામ કર્યુ છે. લેખકનું સ્વઅધ્યયન અને સંશોધનક્ષેત્ર તેમની કાર્યદક્ષતા અને ગુજરાતી સાહિત્ય પ્રત્યેની તેમની સક્રિયતા અને આત્મિય લગાવના દર્શન કરાવે છે. હું લેખક મણીલાલ.હ.પટેલના પ્રસ્તુત જીવનચરિત્રને વધાવું છું-આવકારું છું, સાથે જ ગર્વભેર કહીશ કે પ્રસ્તુત પુસ્તક ગુજરાતી (જીવનચરિત્ર) સાહિત્યમાં અનેરું સ્થાન હાંસલ કરશે જે નિર્વિવાદ છે.

સંદર્ભ

  1. ‘વીતક ઝંખે વહાલ’, લે. મણીલાલ હ. પટેલ, ડિવાઇન પબ્લિકેશન, અમદાવાદ પૃ. ૧૮૦, કિંમત: ૩૨૦/-

ડૉ. ભરતસિંહ એચ. બારડ, મ. શિક્ષક, શ્રીમતી એચ. પી. ઠાકર વિદ્યાલય, શામળાજી, તા. ભીલોડા, જી. અરવલ્લી. મો. ૯૪૨૭૫૯૪૧૯૨ - ૯૨૬૫૨૨૯૨૦૯ bharatsinhbarad@gmail.com