બંધન-મુક્તિનું અભિનવ અર્થઘટન : 'અતરાપી'
ધ્રુવ ભટ્ટ ગુજરાતી સાહિત્યના નોંધપાત્ર નવલકથાકાર છે. તેમણે 'સમુદ્રાન્તિકે', 'તત્વમસિ', 'અતરાપી', 'કર્ણલોક', 'અકુપાર' જેવી ઉત્તમ નવલકથાઓ લખી ગુજરાતી નવલકથા સાહિત્યને સમૃદ્ધ કર્યુ છે. અહીં તેમની ઈ. સ. ૨૦૦૧માં પ્રકાશિત થયેલી ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કૃત 'અતરાપી' નવલકથા વિશે વાત કરવાનો ઉપક્રમ છે.
મૂળ સંસ્કૃત अत्रापि = अत्र अपि એટલે કે "અહીં પણ" અર્થાત્ "શુદ્ધ વર્તમાનમાં જીવનયાપન કરવું." अत्रापि નું અપભ્રંશ કે પ્રાકૃત થયેલ શબ્દ "અતરાપી" હશે. નવલકથાના સંદર્ભે સારમેય શ્વાનના વ્યવહાર-વર્તન અને સંવાદો અતરાપી શબ્દના અર્થઘટનને બરાબર બંધબેસતા આવે છે. ભગવદગોમંડળ મુજબ અતરાપીનો અર્થ, "લાગતું વળગતું ના હોય એવી ત્રાહીત કે તટસ્થ વ્યક્તિ."
આ નવલકથામાં માનવપાત્રો ગૌણ છે. મુખ્ય પાત્રો શ્વાન છે. આ શ્વાન માનવીય ભાષા બોલે છે અને માનવીય વ્યવહાર-વર્તન પણ કરે છે. પૃથા, કૌલેયેક, સારમેય જેવા પાત્રોના સંવાદોમાં લેખક આધ્યાત્મિક ચર્ચા કરે છે. અહીં તત્વજ્ઞાનની સરળ રજૂઆત છે. ૨૪ પ્રકરણોમાં વિભાજિત આ કૃતિ 'અખિલાઈના ધારક'ને નમન કરી શરૂ થાય છે અને મિખાઈલ નેઈમીના વાક્ય – 'મારા કહેવાનો અર્થ આ નથી.' – સાથે પૂર્ણ થાય છે. આથી ઘણી સરળ લાગતી વાત આપણને એનો ખરો 'અર્થ' શોધવા માટે ફરી નવલકથા વાંચવા માટે મજબૂર કરે છે. 'ધારણાઓ અને માન્યતાઓથી પર થઈને જીવનના સત્યને પામવા મથતા ખોજીઓ માટે' આ પુસ્તક લેખકે લખ્યું છે. લેખક કહે છે : 'આ લખાણ લખી રહ્યા પછી મેં તે ફરી વાંચ્યું ત્યારે મારા મનમાં ઊઠેલા અનેક પ્રશ્નોના મને ત્રણ જવાબો મળ્યા છે :
એક : તેમ કરવું મને જરૂરી લાગતું નથી.
બે : હું જાણતો નથી.
ત્રણ : તેવું હોઈ પણ શકે.
આ કૃતિમાં દરેક પ્રશ્નના ત્રણ જ જવાબ મળે છે. આગળ લેખક જણાવે છે કે : 'ગુજરાતી વાચકોએ મને પ્રેમ આપ્યો છે; પણ મને ક્યારેય, ક્યાંય બાંધ્યો નથી. આ બંધનરહિત પ્રેમના અનુભવે જ મને મારી આ વાત રજૂ કરવા પ્રેર્યો છે.' 'બંધનરહિત પ્રેમના અનુભવ'ને લેખકે 'અતરાપી'માં સારમેયના પાત્ર દ્વારા વ્યક્ત કર્યો છે.
'અતરાપી' એક સાદી પણ અનોખી નવલકથા છે. નવલકથાની શરૂઆત બે ગલુડિયાના જન્મથી થાય છે. એક વૈભવી કુટુંબને ત્યાં સદભાવિની નામની કૂતરીને જોડિયા શ્વાન જન્મે છે. મોટા ગલુડિયાનું નામ કૌલેયક અને નાનાનું નામ સારમેય છે. કૌલેકય અર્થાત્ જાતવાન કૂળ માં જન્મેલ. યમરાજની ચોકી કરતાં શ્વાનનું નામ પણ સારમેય છે. આગળ સરમા નામે એક કૂતરીનું પાત્ર આવે છે જે પરમહંસની પદવી પામે છે. મહાભારતમાં સરમા નામે એક કૂતરીની કથા આવે છે જે યુધિષ્ઠિર સાથે સ્વર્ગારોહોણ કરે છે. તથા અલર્ક, જીજ્ઞાસુ, અને વિશ્વકદ્રુ નામે અન્ય શ્વાનોના ઉલ્લેખ આવે છે. પરમ મુક્તિને ઝંખતો કૌલેયક અને બંધનથી દૂર રહેવા માગતો સારમેય, બેઉ પોતપોતાને રસ્તે જીવનના કેવા અર્થોને પામે છે તેની વાત કરતી આ કથાનો નાયક અને તેનો ભાઈ બંને ગલૂડિયા, શ્વાન છે. મોટા કૌલેયકને સમાજે નક્કી કરેલા સન્માર્ગને વળગીને મુખ્ય ધારામાં રહીને જીવવાનું ગમે છે. નાના સારમેયને સતત પ્રશ્નો પૂછવાનું ગમે છે. તેને ફૂલો સાથે વાત કરવી કે અજાણ્યા સ્વરો સાંભળવાનું પણ ગમે છે.
'સારમેય અપાર વિસ્મયથી ઊગતા સૂર્યને, ઘાસને, ઝાકળને જે જે નજર સામે આવ્યું તેને અને પોતાની મા તથા ભાઈને જોઈ રહ્યો. આ બધું શું છે તે સમજવા મથતો હોય તેમ પોતાની નાનકડી ડોક ઘુમાવતો રહ્યો. ઘડીભર તે ભૂલી ગયો કે તેણે મોટા ભાઈની જેમ માને વળગીને દૂધ પીવાનું શરૂ કરવું જોઈએ.' (પૃ. ૬)
'વાતાવરણમાં ઠંડી વધી. પરોઢની નીરવ શાંતિમાં અચાનક ક્યાંકથી કોઈક અજાણ્યો, સુક્ષ્મ સ્પંદન સમો, અશ્રાવ્ય સ્વર આવતો તેણે અનુભવ્યો. તે સ્વરને કોઈ દિશા કે ભાષા ન હતાં. છતાં પણ સારમેયને લાગ્યું કે કોઈક તેની સાથે વાત કરવા માગે છે. ક્યાંય સુધી તે પેલા સ્વરને સાંભળતો રહ્યો. પૂર્વમાં ઉજાસ પથરાયો. સારમેય પેલાં કૂંડાઓને સ્પષ્ટ જોઈ શક્યો. મુરઝાયેલાં હતાં તે બધા જ છોડવાઓ ફરી તાજા થઈને મહોરી ઊઠયા હતા. સારમેયના આનંદનો પાર ન રહ્યો....' (પૃ. ૧૬)
બંને ગલુડિયાઓને તાલીમ આપવા જ્યારે શિક્ષક આવે છે ત્યારે સારમેય કહે છે કે હું તો અહીં રોજ કંઈક ને કંઈક શીખું છું અને આપડે જે હોઈએ એ જ બનવા માટે બીજા પાસે કંઈ શીખવું કેમ પડે....? જ્યારે સારમેય કાંઈ શીખી શકશે નહીં, એવું લાગતા શિક્ષક એના ઉપર ધ્યાન આપવાનું છોડી દે છે. સારમેય કહે છે કે, કોઈના શીખવવાથી પણ આવડી જ જાય તેવું નથી હોતું. આ બંને ગલુડિયાની મા સદભાવિની, એની માલકીન પૃથા અને માળી. બધા પાત્રો દ્વારા અદભુત સંવાદ રચાય છે. એક વાર સારમેય બહાર રખડવા જવાનું કહે ત્યારે તેની મા સદભાવિની કહે છે કે આપડે જાતવાન શ્વાન છીએ અને રખડુ કૂતરા સાથે રમવા ન જવાય. ત્યારે તે માળીને આ બાબતે પૂછે છે તો માળી હસીને કહે છે કે, ફરક તો માલી ઔર સારમેય મે ભી નહીં હે. લેકિન સબકો અપની અપની સોચ હે. તું ઈસમે મત પડ. યાદ રખ, તુજે કહી બંધના નહીં હે.
સારમેયને બહાર જવું છે. બહારની દુનિયા જોવી છે. એ માટે એ માળી સાથે સંવાદ કરે છે. સારમેયના માળી સાથેના સંવાદો પણ રસપ્રદ છે. તે એક દિવસ કૌલેયકને માલિકની ગાડીમાં બહાર જતો જુએ છે. એને ખબર પડે છે કે આ ચાર દીવાલની બહાર પણ એક દુનિયા છે. ત્યાં પણ એનાં જેવા જ શ્વાનો છે. માણસો છે. બહુ વિશાળ દુનિયા છે. ને એક દિવસ એ કોઈનેય કહ્યા વિના કે કોઈની પણ રજા લીધા વિના નીકળી પડે છે.
બે ગલુડિયા જેમાં કૌલેયક ભણી ગણીને જ્ઞાની બને છે જ્યારે સારમેય ખૂબ રખડે છે. પ્રકૃતિને માણે છે, જીવે છે, અને જ્યાં પણ જાય ત્યાંથી કોઈને પણ કહ્યા વિના બસ નીકળી પડે છે. ને શરૂ થાય છે સારમેયની અલગારી સફર. ત્યારપછી તે આગળ શકુ નામની છોકરીને મળે છે. રસ્તે નદી પાર કરવા માટે એક નાવિકને મળે છે. જ્યાં પણ જાય ત્યાં એ જાણકારી મેળવતો રહે છે. તે શકુ પાસે શરત મૂકે છે કે એ તેની સાથે રહેશે પણ પાળીતો બનશે નહીં. ને એક દિવસ ત્યાંથી પણ નીકળી પડે છે. પછી 'દોસ્તાર'ને મળે છે. સંજય અને અજન્મ્યને પણ મળે છે. આ બધાં સાથેની સહજ વાતચીત દરમ્યાન સારમેયના એક એક શબ્દમાં ગૂઢ રહસ્ય ફલિતાર્થ થાય છે. એકવાર તે કહે છે : 'કોઈના બનવું કે કોઈના હોવું તો જીવના પોતાના નિર્ણયોથી જ હોય છે, બીજાના નિર્ણયોથી નહીં.'
કેવું સરસ ! સારમેય પોતાના અંતિમ શ્વાસ સુધી બધાનો રહ્યો. પણ, ત્યાં સુધી જ્યાં સુધી એણે ઈચ્છ્યું. એણે ક્યારેય કોઈને સ્પષ્ટતા નથી આપી જે યોગ્ય લાગ્યું એ કર્યું. જ્યાં રહેવું ગમ્યું ત્યાં રહ્યો અને જ્યારે નીકળી જવાનું મન થયું ત્યારે કોઈને પણ કશું કહ્યા વિના બસ નીકળી પડ્યો. એનો આ જ નિર્લેપ ભાવ અંત સુધી રહ્યો. 'દોસ્તાર'ને સંપત્તિના મોહમાંથી છોડાવતો સારમેય કે મંદિરના પૂજારીની ત્યાગ માટેની આંખો ખોલી નાખતો સારમેય કે બધા પ્રત્યે યોગ્ય અંતર રાખીને ભગવદગીતાના 'સમ્યક' શબ્દને ચરિતાર્થ કરતો સારમેય....જીવનનો કલાધર બનીને આવે છે.
એકવાર કૌલેયક ગુરુજીને કહે છે કે આશ્રમમાં સાધકો ખૂબ વધી ગયા છે તો એક નવા શિક્ષકની જરૂર છે, વિચારું છું કે આમાંથી જ કોઈને આગળ લઈ લઉં. કૌલેયકના ગુરુ કહે છે કે આ સારમેયને કહે અહીં રહી જાય અથવા બીજો સારો શિક્ષક શોધી આપે. ત્યારે સારમેય કહે છે કે હું તો કદાચ ખિસકોલી, સસલા પકડતા શીખવી શકું એથી વિશેષ ભણાવવા-ગણાવવાનું મને આવડશે નહિ. અને તમારા આશ્રમના ખેતરમાં તેતર, સસલા પકડવાનું...' આ સાંભળી કૌલેયક કહે છે કે મેં મારી અડધી જિંદગી ખર્ચી નાખી છે કે તેઓ પરમાત્માના પ્રિય બને, સંસ્કારી બને એ માટે, તેમની સામે કોઈ શિકાર કરવા વિશે બોલે તે હું કોઈ કાળે ચલાવી નહિ લઉં. એ મારા પ્રિય ગલુડિયા છે. અને જે મને અધિક પ્રિય હોય એના માટે હું કેટલું કરી છૂટું છું, આ પેલા જિજ્ઞાસુની જ વાત લો, પહેલા મેં તેને મોનીટર બનાવેલો અને હવે શિક્ષક છે. ત્યારે સારમેય કહે છે કે, - તું કોઈને કંઈ બનાવવાનું છોડી દે. તેમની ખૂબીઓ અને ખામીઓની પાર જઈને બધાને એકસરખો પ્રેમ કર. જ્યારે સારમેય ત્યાંથી વિદાય લે છે ત્યારે તે ગુરુજીના ચરણસ્પર્શ નથી કરતો. જે વ્યક્તિપૂજા પર કટાક્ષ કરે છે. શિક્ષણ, જીવન, બંધન અને મુક્તિ, ધર્મ, ઈશ્વર અને આત્મા, અનેક વિષયોને આવરી લેતી સારમેયની આ કથા વાચકને જકડી રાખે ને વિચાર કરવા પ્રેરે છે. વર્તમાન શિક્ષણ પદ્ધતિ સામે, આંધળી ગુરુભક્તિ સામે, વ્યક્તિપૂજા વિશે એક શબ્દ પણ સીધો બોલ્યા વગર વિરોધ કરવાનો સર્જકીય રસ્તો ધ્રુવ ભટ્ટે અપનાવ્યો છે. સારમેયના પાત્ર દ્વારા લેખકે સમાજજીવનમાં જોવા મળતા કેટલાક દૂષણો પર હળવાશથી પણ માર્મિક પ્રહાર કર્યા છે. સારમેય અને કૌલેયક આ બે પાત્રો દ્વારા શિક્ષણ, ધર્મ, આશ્રમ જેવી વધુ ચર્ચાસ્પદ અને વધુ પિષ્ટપેષણવાળી વાતને બહુ નવીન રીતે આપણી સામે રાખી દીધી છે. અંત્યોદય માટે સમાજસેવાની પ્રવૃત્તિઓ, એમાં થતી ગેરરીતિઓ, અધ્યાત્મના નામે સાધના, આશ્રમોના ગુરૂ, ટ્રસ્ટીઓ અને સાધકોના વ્યવહારો વગેરે પર માર્મિક કટાક્ષ કર્યા છે. આ કથા અંગ્રેજી, મરાઠી અને હિન્દીમાં આદર પામી છે.
પ્રાણીઓ પર ઘણી વાર્તાઓ બની છે પણ આનું લેવલ કોઈ સામાન્ય વાર્તાથી ઊંચું છે. એક એક વાક્યમાં કંઈક ગૂઢ વાત કહી હોય, દરેક વાક્ય પાસે અટકવાનું, એના પર વિચાર કરવાનું મન થાય. તેના સહજ લબ્ધ આનંદને ઉજાગર કરીને આત્માને ઢંઢોળી નાખતા શબ્દો આપણી 'પરાવૃત્તિ'ને જાગૃત કરી દે છે. 'અતરાપી'નું મુખ્ય પાત્ર એક શ્વાન (કૂતરો) છે. એનું નામ સારમેય. સાથે બીજા ઘણાં શ્વાનપાત્રો અને માણસો પણ ખરા. અજન્મ્ય નામના બાળકનું પાત્ર પણ સામાજીક લક્ષણો અને એનાં વ્યવહારીક ઉકેલનો ચિતાર આપી જાય છે. દરેક પાત્રોના વાક્યો અને એમની રીતભાત અને જીવનરીતિ મનનીય છે. એ બધાને રજૂ કરતી લગભગ ચોવીસેક પ્રકરણોમાં ફેલાયેલી વાર્તા. મોટો કૌલેયક અને નાનો સારમેય. બંને ભાઈઓ વિરુદ્ધ પ્રકૃતિના. કૌલેયકના શરૂઆતથી જ પ્રયત્નો રહે છે કે તે રખડતા કૂતરાથી અલગ ઊંચા વર્ગનો શ્વાન બને, સભ્ય બને. અને સારમેય તદ્દન વિરુદ્ધ પોતે જેવો છે તેવો જ રહેવા માંગે છે. કૌલેયક 'સ્વ'ને સુધારવા માંગે છે, સારમેય 'સ્વ'ની સ્વીકૃતિવાળો શ્વાન છે. બંનેને ભણાવવા શિક્ષક આવે છે. એમાં કૌલેયક ધ્યાન આપીને ભણે છે. શિક્ષક કહે એટલું કરે છે. બીજી માથાકૂટ નથી કરતો. જ્યારે સારમેયના મગજમાં અનેક પ્રશ્નો ઉદભવે છે. જિજ્ઞાસાવશ એ શિક્ષકને પૂછે છે. તેને શિક્ષકની જરૂર લાગતી નથી. તે પોતાને મનમાં આવે એ જ કરે છે. વાર્તામાં વચ્ચે સારમેય કહે છે કે, 'આ સંસ્કૃત જગતને કંઈ પણ શીખવા માટે શિક્ષકની જરૂર શા માટે પડવી જોઈએ ?'
પંચતંત્ર અને હિતોપદેશની વાર્તાઓમાં પ્રાણીઓને કેન્દ્રસ્થાને રાખીને વાર્તાઓ કહેવામાં આવી છે. 'અતરાપી'માં પ્રાણીઓને કેન્દ્રસ્થાને રાખીને, પાત્રો સર્જીને એના જીવન ઉપર આખી નવલકથા લખાઈ છે. આ આખી વાર્તામાં શ્વાનને બોલતા, વાતચીત કરતા બતાવવામાં આવ્યા છે. એટલું ફેન્ટસી તત્વ લેખકે ઉમેર્યું છે. આ વાર્તા સારમેયની છે. મારી, તમારી આપણા સૌની છે. આ કૃતિમાં બે શ્વાન ભાઈઓની કથા દ્વારા લેખકે અનુભવ અથવા શિક્ષણ, જ્ઞાન જીવનમાં શું વધારે મહત્વનું છે ? એની સરળ અને સરસ વાત કરી છે. સરળ વાર્તામાં કેવો ગૂઢ સંદેશ ! અહીં શ્વાનની વાર્તા દ્વારા માનવજીવનના કોયડાઓની વ્યાખ્યા છે. એકને જીવન પોતાના અનુભવ પર અને કોઈ પ્રકારના બંધનમાં બંધાયા વિના પોતાની રીતે જીવવું છે. બીજો શિક્ષણ મેળવી પોતાના જાતિ ભાઈઓને પણ શિક્ષિત બનાવી એમનો ઉદ્ધાર કરવા ઈચ્છે છે. બંને ભાઈઓ પોતપોતાના માર્ગે શ્રેષ્ઠ સ્થાન મેળવે છે, જ્યાં નાનો ભાઈ સારમેય કોઈ સંબંધમાં પોતાને બાંધતો ન હોવા છતાં પણ અનેક સંબંધોમાં બંધાતો જાય છે. જ્યારે મોટો ભાઈ કૌલેયક સુશિક્ષિત અને પ્રતિષ્ઠત ગુરુના સાનિધ્યમાં રહેવા છતાં તેમજ બધાં સાથે સંબંધો રાખતો હોવા છતાં કોઈ સાથે શ્રેષ્ઠ સંબંધ બાંધી શકતો નથી. ક્યા માર્ગ પર જીવન જીવવું એના મનમાં ઊઠતા અનેક પ્રશ્નોના જવાબ આ કૃતિમાં શબ્દરૂપ પામ્યાં છે. જે જિજ્ઞાસા અને અનુભવ બંનેનું જ્ઞાન આપે છે. આ કૃતિમાં મુક્તિ-બંધનના અર્થો વધુ નજીકથી સમજી શકાય છે.
આ નવલકથાની વિશેષતાઓ એ છે કે અહીંયા માનવપાત્રો ને ગૌણ કરીને શ્વાન પાત્રો અને તેના સંવાદો દ્વારા લેખકે જીવનના પરમ રહસ્યોને ઉજાગર કર્યા છે. પંચતંત્રની જેમ પ્રાણીઓના સંવાદ દ્વારા તત્વજ્ઞાનની ગહન અને વિસ્તૃત સમજ સરળતાથી આપવાનો પ્રયાસ થયેલ હોય એવું અનુભવાય છે. દરેક પાત્રોના નામ સંસ્કૃત અર્થમાં સુમેળ ધરાવે છે. પૃથા, સારમેય, સરમા જેવા નામ આપણા પ્રાચીન ધર્મગ્રંથોમાં પણ આવે છે. નવલકથા કોઈ આધ્યાત્મિક તત્વજ્ઞાનના ગ્રંથ જેવી પણ સરળ અને પ્રેકટીકલ અનુભૂત વાકયરચનાઓ વાળી લાગે છે. સર્જકે અહીં ભગવદગીતાના શ્લોકો અને મહાભારતના પ્રસંગોને આવરી લીધાં છે. ધ્રુવ ભટ્ટે ગહન-ગંભીર તત્વજ્ઞાનનું માત્ર ૨૪ પ્રકરણોમાં સરળ ભાષામાં અને હૃદયથી સ્વીકૃત થઈ જ જાય એવું નિરૂપણ આ નવલકથામાં કરેલ છે.
સંદર્ભગ્રંથો :