Included in the UGC-CARE list (Group B Sr. No 172)

‘તત્ત્વમસિ’ નવલકથા અને ‘રેવા’ ફિલ્મનો તુલનાત્મક અભ્યાસ

ધ્રુવ ભટ્ટ એક પ્રવાસી લેખક તરીકે વધુ યાદ રહે. ‘સમુદ્રાન્તિકે’માં ઉછળતા દરિયાની વાત કરતાં જોવા મળે તો ‘તત્ત્વમસિ’માં મા નર્મદાના અને તેની ફરતે વીંટળાયેલી પ્રકૃત્તિ સંસ્કૃતિનું દર્શન કરાવતા જોવા મળે. વિશ્વ સાહિત્ય, ભારતીય સાહિત્ય અને ગુજરાતી સાહિત્યમાંથી કેટલીય સાહિત્યકૃતિ પરથી ચલચિત્રો બન્યા છે ને બનતા રહેશે . એવી કેટલીક કૃતિઓ તો અભ્યાસક્રમમાં પણ છે. મહાશ્વેતા દેવીની ‘હજાર ચોર્યાસીની માં’, ગો.માં.ત્રિપાઠીની ‘સરસ્વતી ચંદ્ર’.,પન્નાલાલ પટેલની ‘માનવીની ભવાઈ’, ‘મળેલાં જીવ’ . ક.માં. મુનશીની ‘પૃથ્વી વલ્લભ’, ઈશ્વર પેટલીકરની ‘જનમ ટીપ’. ઝવેરચંદ મેઘાણીની ‘વેવિશાળ’. આ યાદી તો બોવ મોટી થાય. એટલી ગુજરાતી સાહિત્યકૃતિ પરથી ચલચિત્રો બન્યા છે. આમ જોઈએ તો સાહિત્ય અને સિનેમાનો નાતો બોવ જુનો છે. મારે અહી ધ્રુવ ભટ્ટની નવલકથા ‘તત્ત્વમસિ’ અને તેના પરથી બનેલી ફિલ્મ ‘રેવા’ (૬૬મો રાષ્ટ્રીય શ્રેષ્ઠ ફિલ્મનો પુરષ્કાર મેળવતી નિર્દેશક રાહુલ ભોલે અને વિનિત ક્નોજીયાની ‘રેવા’ ફિલ્મ)નો તુલનાત્મક અભ્યાસ કરવાનો ઉપક્રમ છે.

આપણે વિચારીએ તો સમગ્ર માનવજાતનો વિકાસ તુલનાને આભારી છે. આપણા દરેકમાં એક ખાસિયત હોય છે તુલના કરવાની. અને એમ આપણે લગભગ દરેક વસ્તુની તુલના કરતાં હોઈએ છીએ. પહેરવેશની બાબત હોય કે સ્વભાવગત કે પછી કોઇપણ ચીજવસ્તુ હોય, દરેકની કોઈને કોઈ રીતે તુલના થતી જ રહેતી હોય છે. ટેલિવિઝનની જાહેરાતોમાં આપણને એજ જોવા મળે છે.

આપણે જયારે તુલનાત્મક સાહિત્યની વાત કરીએ છીએ ત્યારે તેનો સીધો અર્થ થાય છે: તુલનાત્મક અભિગમથી સાહિત્યનુ મૂલ્યાંકન, વિવેચન કે અભ્યાસ કરવો. સાહિત્યને તપાસવા માટેના અનેક અભિગમો છે. જેમાનો એક અભિગમ તુલના કરવાનો છે. ધીરુ પરીખ તુલનાત્મક સાહિત્યની વ્યાખ્યા કરતાં નોંધે છે:
“‘તુલનાત્મક સાહિત્યનો’ અર્થ છે ‘સાહિત્યનો તુલનાત્મક અભ્યાસ’. આમ, સાહિત્યનો તુલનાત્મક અભ્યાસ કરવાની પ્રવૃત્તિ એટલે જ ‘તુલનાત્મક સાહિત્ય’. આ પ્રવૃત્તિ એટલે જ વિવેચનની પ્રવૃત્તિ. આ પદ્ધતિ તુલનાકાર પાસે આવશ્યક સજ્જતાની અપેક્ષા રાખે છે. જેથી તુલના સમયે આવતા અવરોધોને નાથી શકાય.” (પૃષ્ઠ ૫)

તુલનાત્મક સાહિત્યની વ્યાખ્યા જોયા પછી બન્ને કૃતિની તુલનાનો અભ્યાસ કરીએ.

‘તત્ત્વમસિ’ નવલકથાના લેખક ધ્રુવ ભટ્ટ છે. આની પ્રથમ આવૃત્તિ ૧૯૯૮માં પ્રગટ થયેલી. નવલકથામાં નાયકનું નામ ક્યાંય નથી. બાકીના પાત્રોમાં પ્રો. રૂડોલ્ફ, લ્યૂસી (વિદેશમાં રહે છે) ભારતમાં આશ્રમમાં કામ કરતી સુપ્રિયા ભારતીય, ગુપ્તાજી, પાર્વતીમાં (ગુપ્તાજીના માતા) ગણેશ શાસ્ત્રી, બીત્તું બંગા, પુરિયા, રામબલી, તેનો પતિ , ઝુરકો, બાબરીયો, દિત્યો, ટેમ્પુડીયો, કમળાડોશી, કાલેવાલીમાં, ગંડુ ફકિર, વિષ્ણુ અને વિદ્યા (શાળાના શિક્ષક) લક્ષ્મણ શર્મા (મધ ઉછેર કરતા) તુષાર અને જીમી (નાયકના મિત્રો), પરિક્રમાવાસીઓ. આમ જોઈએ તો નવલકથામાં પાત્રોની ભરમાર છે, અને દરેકની અલગ ખાસિયત છે.

ફિલ્મમાં દર્શાવેલા પાત્રોમાં નાયકનું નામ કરણ રાખવામાં આવ્યું છે. બાકીના બધા પાત્રો નવલકથામાં છે એ જ રીતે બતાવ્યા છે. પરંતુ ફિલ્મમાં પ્રો. રૂડોલ્ફ અને લ્યૂસીનું પાત્ર નથી. એની પાછળનું કારણ એ જોવા મળે છે કે નવલકથાનું જે કથાવસ્તુ છે તેનાથી સાવ ઊલટું વસ્તુ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે. નવલકથામાં લેખક આદિવાસી સંસ્કૃતિના અભ્યાસ માટે ભારત પોતાના વતનમાં આવવાના છે. તે વિદેશમાં રહે છે અને યુનિવર્સિટીમાં સંશોધનના વિદ્યાર્થી છે. યુનિ.ના પ્રો. રૂડોલ્ફ તેને સંશોધનનું કામ સોપે છે. વર્ષોથી તે વિદેશમાં રહે છે. વતનમાં જાજુ રહ્યા નથી તે આનાકાની કરે છે. પણ પ્રો. રૂડોલ્ફ તેના પર ભરોસો મૂકે છે અને લેખક ભારત આવવા તૈયાર થાય છે. જયારે ફિલ્મની કથાની વાત કરીએ તો તેમાં કરણ(નાયક)ના દાદાએ મૃત્યુ પછી તેની બધી સંપત્તિ ગુજરાતમાં નર્મદા નદીના કિનારે આવેલાં એક આશ્રમને દાન કરી દેવાનું તેમણે બનાવેલી વસિયતમાં લખેલું હતું. કરણને જયારે આ વાતની ખબર પડે છે ત્યારે તે ગુસ્સે થઈ જાય છે. તે વકિલને પૂછે છે કે તેમના પોતા માટે કોઈ જોગવાઈ કરેલી છે? ત્યારે વકિલ તેને જણાવે છે, તેમના દાદા આશ્રમનાં ટ્રસ્ટી હતાં એટલે તેમણે તેમની બધી મિલકત તેમને દાન કરી દીધેલ છે. હવે એકજ રસ્તો છે કે આશ્રમનાં ટ્રસ્ટીઓ તમને સહી કરી આપે તો જ તમને પૈસા મળે, નહી તો ત્રણ મહિનામાં આપોઆપ બધી સંપત્તિ આશ્રમને નામે થઈ જશે. આ સાંભળી કરણ ભારત(ગુજરાતમાં નર્મદા આશ્રમમાં) આવવા નીકળે છે.

નવલકથા અને ફિલ્મમાં બે જુદા ઉદ્દેશ્યો રહેલાં બતાવ્યા છે. નવલકથામાં ‘આદિવાસી સંસ્કૃતિનો અભ્યાસ’ કેન્દ્ર સ્થાને છે એટલે કથા એ રીતે આગળ વધે છે. જયારે ફિલ્મના કેન્દ્રમાં દાદાની સંપત્તિ છે. એટલે ફિલ્મના પાત્રો એ રીતે કામ કરતાં દેખાય છે.

નવલકથા અને ફિલ્મ બન્નેમાં પ્રથમ દ્રશ્યમાં થોડું સરખાપણું જોઈ શકાય છે. નવલકથામાં પણ લેખકને કાને એ શબ્દો પડઘાઈ છે, ‘લે ખાઈ લે’, “મેં પ્રયત્ન પૂર્વક આંખો ખોલી. રેતાળ, પથરાળ, નદીતટ પર તે મારી જમણી તરફ બેઠી છે. લાલ રંગના ઘાઘરી-પોલકા પહેરેલી તે ગોઠણભેર બેસીને મારા પર નમેલી છે. કહે છે, ‘લે ખાઈ લે’ તેના નાનકડા હાથમાં પકડેલો મકાઈનો ડોડો તેણે મારા મો પાસે ધરી રાખ્યો છે.

કેટલાં સમયથી અહી પડ્યો છું તે યાદ નથી. પરંતુ એકવાત ની:શંકપણે યાદ છે કે અત્યારે સાંભળેલો ‘લે’ શબ્દ મારા કાને પડ્યો ત્યાર પહેલાં મેં છેલ્લે સાંભળેલા માનવસ્વરના શબ્દો હતા: ‘આપી દે’.

‘આપી દે’ અને ‘લે’ વચ્ચે કેટલો સમય પસાર થયો હશે? એક થાકેલો, બીમાર માનવી ખાલી પેટે જીવતો રહી શકે એથી વધુ તો નહી જ, છતાં આ બન્ને શબ્દોને સાંકળવા બેસું છું તો સમય અમાપ બની જાય છે. વર્ષો, સદીઓ, મન્વન્તરોની આરપાર એનાં મૂળ ફેલાયેલાં દેખાય છે.” (પૃષ્ઠ ૧)

ફિલ્મનું પ્રથમ દ્રશ્ય છે કરણ નર્મદા નદીના કિનારે પથ્થર પર ઊંધો સૂતો છે ત્યારે એક બાલિકા હાથમાં મકાઈનો ડોડો લઈને તેને કહે છે, ‘લે ખાઈ લે’, ‘ઊભો થા’ ,’લે ખાઈ લે’ ત્યારે તે આંખ ખોલે છે ને તેને ભૂતકાળમાં બનેલી ઘટનાઓ એક પછી એક નજર સામેથી પસાર થતી દેખાય છે. બન્નેમાં શરૂઆતની સ્થિતી સરખી બતાવવામાં આવી છે.

ફિલ્મનો નાયક કરણ પરંપરાને માનવા તૈયાર થતો નથી ત્યાં તેની નાસ્તિક્તાના દર્શન કરાવે છે. તેવો સૌ પેલો પ્રસંગ બને છે, ટ્રેનની સફર વખતેનો. ટ્રેન જયારે નર્મદા નદી પર બાંધેલા પુલ પરથી પસાર થાય છે, ત્યારે તેની સામેની સીટ પર બેઠેલા માજી નદીમાં પૈસો પધરાવે છે અને માં નર્મદાને હાથ જોડે છે. કરણને નવાઈ લાગે છે. નવલકથામાં પણ આ રીતે બતાવવામાં આવ્યું છે, ત્યારે લેખક તેમની બાળપણની સ્મૃતિમાં ચાલ્યા જાય છે. જયારે તેમના નાની તેમને મુંબઈથી કચ્છ ટ્રેનમાં લઈ જતાં હતાં ત્યારે મા નર્મદામાં સિક્કો પધરાવીને તેમના(લેખક) ભાણીયાની રક્ષા માટે પ્રાર્થના કરેલી. નવલકથાનો નાયક ત્યારે વિચારે છે કે –‘પૈસાને પાણીમાં ફેંકી દેતી પ્રજા જગતમાં અન્યત્ર હશે કે નહીં એ મને ખબર નથી’ (પૃષ્ઠ ૭) ફિલ્મમાં કરણ અને માજી વચ્ચે સંવાદ થાય છે:
કરણ:‘માજી આ શું કરી રહ્યા છો?’
માજી: ‘માં નર્મદા મારા ભત્રીજાની રક્ષા કરે’
કરણ: ‘નદી રક્ષા કરે કે ડુબાડે?’
માજી: ‘એ તો જેવી જેની ભાવના દીકરા’
અને માજી ‘જય માં નર્મદા’ નો ઉચ્ચાર કરતાં પૈસો નદીમાં પધરાવે છે. આ સમયે આ ગીત આવે છે.
“માં રેવા રેવા, માં રેવા રેવા ખળખળ વહેતું જાય તારું પાણી નિર્મળ.”

એક અભણ ડોશીના જવાબથી કરણ નવાઈ પામે છે. કહેવાય છે ને કે- ‘શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર નથી હોતી’

ભોપાલથી લેખક બીજી ટ્રેનમાં બેસે છે. મૂસાફરી દરમિયાન રાત્રે બીજા આદિવાસીઓની ટોળી ચડે છે. તેમાંથી એક યુવતી (પુરિયા) બારી બહાર જોતી ગીત ગણગણે છે. લેખક પુરિયાને આ રીતે નિજાનંદે ગાતી જોઈને આનંદ અનુભવે છે. સુખની વ્યાખ્યા કરતાં કહે છે:” મેં અઢળક સુખ-સગવડ ધરાવતા માનવીઓને પણ આટલી સાહજિક અને નફકરી અવસ્થામાં જોયા નથી. મેં પોતે પણ, કોઈ પ્રશ્નો ન હોવા છતાં આવી સાહજિક પળો ક્યારેય માણી નથી. તો અનેક અછતો વચ્ચે, પૂરતા કપડાં અને ખોરાક પણ ન પામતી આ યુવતી આટલી સુખમયી કેમ દેખાય છે? કદાચ તેની સુખ માટેની સમજણ મારી સુખ વિશેની વ્યાખ્યાથી અલગ હશે?” (પૃષ્ઠ ૧૫) નવલકથા તેમજ ફિલ્મમાં પણ આ રીતે પુરિયા દરવાજે ઊભી ઊભી ગીત ગાતી બતાવાઈ છે.
‘કાળો ભમ્મરિયાળો જામો,પહેરાવું પહેરાવું કાળા કાનને, હેને કેહુડો રંગ લગાવો,
કાળો ભમ્મરિયાળો જામો પહેરાવો પહેરાવો કાળા કાનને
માખણ ચોરે, મટુકી ફોડે, રાધાને પજવે ઓલો નંદનો લાલો.’

પુરિયાનું ગીત સાંભળીને કરણ ઉભો થઈ પુરિયા જ્યાં ગાતી હતી ત્યાં આવે છે. કરણના હાથમાં વ્યાધ્રનું ચિહ્ન દોરેલું છે. તે પુરિયા જોવે છે. ફિલ્મમાં આ ચિહ્ન પાછળ આખું રહસ્ય છુપાયેલું બતાવવામાં આવ્યું છે.

નવલકથામાં લેખક તેનું સ્ટેશન આવતા સામાન ભેગો કરે છે ત્યાં આદિવાસીઓનું ટોળું તેનો સામાન લઈને ઊતરી જાય છે ને આગળ ચાલવા માંડે છે. લેખક તેમને રોકે છે. ગુપ્તાજી તેને લેવા આવશે તેવું કહે છે. પુરિયા લેખકને સમજાવે છે કે અહી તો વાધ આવે રીંછ આવે. પુરિયા તેની સાથે રોકાવા તૈયાર થાય છે. પણ લેખક તેને ના પાડે છે. મુનીકા ડેરામાં લેખક રાહ જોવે છે. લેખકને લેવા માટે ગુપ્તાજીની સાથે સુપ્રિયા પણ આવે છે. ગુપ્તાજી લેખકને તેમના ઘરે લઈ જાય છે. સુપ્રિયા સાતવે મોડ પર તેને કામ હોવાથી ઊતરી જાય છે. તે રાત્રે ગુપ્તાજીના ઘરે આવે છે. ફિલ્મમાં પણ ઉપર પ્રમાણેનું દ્રશ્ય બતાવે છે. પરંતુ કરણને લેવા માટે તે એકલા જ આવે છે. થોડે સુધી જીપમાં જાય છે ત્યારે કરણ અને ગુપ્તાજી વચ્ચે નર્મદા વિશેની ધણી વાતો થાય છે. ગુપ્તાજી કહે છે ‘યહાં તો સબકુછ નર્મદા હિ હે.’ અમરકંટકથી નીકળી પહાડી પરથી આગળ વધી સાગર સંગમને મળે છે. પછી નર્મદા જયંતિની વાત પણ કરે છે. કરણને આ બધા માટે અણગમો છે. બન્ને વચ્ચે વાતો થતી રહે છે ને આ ગીત વાગે છે:
‘માં રેવા રેવા, માં રેવા રેવા ખળખળ વહેતું જાય તારું પાણી નિર્મળ
પુણ્ય થઈ એ ધરા, ધન્ય થયો એ માનવી
જેણે પામ્યો તારો સ્પર્શ કોમળ, માં રેવા રેવા તારું પાણી નિર્મળ
અમરકંટકથી આવે તું ખુશહાલી લાવે તું, સદીઓથી સંસ્કૃતિની તરસ છીપાવે તું
સુખ વરસાવે તું , માં રેવા રેવા તારું પાણી નિર્મળ.’

ગુપ્તાજી અને કરણ ટીંબાટોલા ઉતરે છે કેમકે આગળ વાહન જઈ શકે તેમ નથી એટલે બન્ને પગપાળા આશ્રમ તરફ નીકળે છે. કરણ થાકી જાય છે ત્યારે ગુપ્તાજી તેને આશ્વાસન આપે છે. ત્યાં એક હાથલારી વાળો આવે છે અને કરણ લારીમાં સૂતા સૂતા આશ્રમ સુધી આવે છે. કમળાડોશી તેનું સ્વાગત કરવા આવી ત્યારે તે અણગમો બતાવે છે. ગુપ્તાજી તેને રહેવાની ઓરડી બતાવે છે ત્યારે તે થ્રી સ્ટાર હોટેલની વાત કરે છે તેને અહી નહી ફાવે એવું જણાવે છે. ત્યાં સુપ્રિયા બાળકો સાથે વાત કરતી હોય છે તેને ગુપ્તાજી બોલાવે છે. સુપ્રિયાને જોતા જ તેનો બધો અણગમો દૂર થઈ જાય છે. કારણ કે તેણે વિચારેલું કે સુપ્રિયા ભારતીય કોઈ મોટી ઉંમરની સ્ત્રી હશે. પણ સુપ્રિયા તેની જ ઉંમરની છે એ જોતા જ તેને રોમાંચ થયો અને આશ્રમમાં જ રોકાવાનું નક્કી કરે છે અને બીજે દિવસે નર્મદા જયંતીના ઉત્સવમાં પણ હાજરી આપવા તૈયાર થઈ જાય છે. સુપ્રિયા પાંચ વાગ્યે ઊઠી જવાનો આદેશ આપે છે તો કહ્યાગરા બાળકની જેમ માની જાય છે. બીજે દિવસે નર્મદા જયંતીના ઉત્સવ માટે નર્મદા કાંઠે જાય છે. કરણના હાથે અભિષેક કરવાનું ગુપ્તાજી કહે છે. સુપ્રિયાની મદદથી તે અભિષેક કરે છે. બીત્તું બંગાની ઓળખાણ પણ તેને ત્યાંજ થાય છે. બીત્તુ બંગા તેના તીરની સાથે સાડીને બાંધીને નિશાન તાકે છે. માં નર્મદાને સાડી ઓઢાડે છે. આ પરંપરા તેઓ દરવર્ષે કરે છે. આ બધું જોઈ કરણને આશ્ચર્ય થાય છે. નર્મદા અભિષેક કરતી વખતે નર્મદાષ્ટકમના સાતમાં શ્લોકનું ગાન થાય છે.
“અલક્ષ્ય લક્ષ્ય લક્ષ પાપ, લક્ષ સાર સાયુધમ
તદસ્તુ જીવ જંતુ તંતુ, ભુક્તિ મુક્તિ દાયક્મ
વિરંચી વિષ્ણુ શંકર, સ્વકીય ધામ વર્મદે
ત્વદિય પાદ પંક્જમ, નમામી દેવી નર્મદે.”

નવલકથામાં નર્મદા જયંતિના ઉત્સવની વાત નથી આવતી. લેખક આશ્રમમાં રહેવા બાબત પણ કોઈ આનાકાની કરતા નથી. હા કમળા રસોઈ કરતા-કરતા છીંક ખાય છે અને તેની સાડીના છેડાથી નાક લૂછે છે, આ જોઈ તેને સૂગ ચડે છે, એટલે તે સુપ્રિયાને રસોડામાં કામ કરતી કમળાને નિવૃત્તિ આપવાનું જણાવે છે. ત્યારે સુપ્રિયા જવાબ આપતા કહે છે: ‘અહી પોતાની રસોઈ જાતે બનાવી લેવાની છૂટ છે.’ ફિલ્મમાં આ દ્રશ્ય નર્મદા જંયતી પ્રસંગે બતાવવામાં આવ્યું છે. કરણ, સુપ્રિયા, બીત્તું બંગા નર્મદા કિનારે ફરવા નીકળે છે ત્યારે કરણ સુપ્રિયાને કમળા વાળી વાત કરે છે. પછી ત્યાંથી ચાલતા ચાલતા રસ્તામાં ગંડુ ફકીર મળે છે. એક આદિવાસી રસ્તામાં તેને રોકે છે ને કહે છે ખાલી પેટે નહી જવા દઉં. ત્યારે બધા તેની ઝુંપડીમાં જાય છે, પણ તેની પાસે મહુડી અને મીઠું સિવાય ખાવાનું કઈ નથી ગંડુ ફકિર તેની બધી મહુડી પી જાય છે બાકી બધા મીઠું ચાખી લે છે. ગંડુ ફકિર જમવા માટે આશ્રમમાં સાથે નથી આવતા ત્યારે સુપ્રિયા તેની ચિંતા કરે છે ને તે પણ ભૂખી રહે છે. કરણને પુરિયા દ્વારા જાણ થાય છે તો તેના માટે પ્રસાદ લઈ જાય છે. સુપ્રિયા મહાભારતનું પુસ્તક વાંચે છે. બન્ને વચ્ચે મહાભારતની કથા અને તેના પાત્રો વિશે ચર્ચા થાય છે.

નવલકથામાં પણ આ પ્રસંગનું વર્ણન છે. પણ જરા જુદી રીતે લેખક આશ્રમનાં કોઈ કામથી જબલપુર જતાં હતા. ત્યારે તેને નાનકડો અકસ્માત થાય છે. કાલેવાલીમાં તેને શાસ્ત્રીજીના મંદિરમાં લાવે છે. કીકો વૈદ તેની સારવાર કરે છે. સુપ્રિયા, ગુપ્તાજી, પાર્વતીમાં ત્યાં આવે છે. લેખકને સારું થઈ ગયા પછી તે સુપ્રિયા સાથે આશ્રમ જવા નીકળે છે. બીત્તું બંગા પણ સાથે છે. રસ્તામાં ચાલતા જતાં છતરીટોલામાં એક આદિવાસી તેને ત્યાં લઈ જાય છે. ફિલ્મમાં ‘મહાભારત’ વાંચતી સુપ્રિયાને એક જ વાર બતાવી છે, જયારે નવલકથામાં ત્રણવાર ઉલ્લેખ થયો છે.

ફિલ્મમાં નર્મદા જયંતીના પ્રસંગે બધા ભેગા મળે છે અને ત્યાં પરિક્રમા કરતાં લોકોને કરણ મળે છે. સુપ્રિયા પરિક્રમાનો મહિમા સમજાવે છે. કરણને થાય છે ૧૨૦૦ માઈલ ચાલીને પરિક્રમા કરવાથી શું મળે? ત્યારે સુપ્રિયા કહે છે, ‘રેવા’ ,’માં નર્મદા’ મળશે. ત્યારે કરણ એક પરિક્રમાવાસી જે શિક્ષક હતા તેની સાથે સંવાદ કરે છે.
કરણ: નર્મદા મળશે એવું તમને લાગે છે?
શિક્ષક: એ તો ખબર નહી પણ એ મળે ત્યારે તેને ઓળખવામાં હું ભૂલ ન કરી બેસું એવી હું પ્રાર્થના કરું છું.
કરણ: અમેરિકામાં પણ એમેઝોન અને મિસિસિપ્પી નદી છે . તેમણે ક્યારેય કોઈને દર્શન આપ્યા હોય એવું સાંભળવા નથી મળ્યું.
શિક્ષક: એ નદીઓની પરિક્રમા પણ આટલી શ્રદ્ધાથી કરો તો કદાચ એ નદી પણ દર્શન આપે. તમે પણ સાથે ચાલો અને જાતે અનુભવ મેળવી લો.
કરણ: આ દેશ શ્રદ્ધાના બળેજ ટકી રહ્યો છે.

નવલકથામાં પરિક્રમા પરની શ્રદ્ધા વિશે જરા જુદી રીતે દર્શાવવામાં આવ્યું છે. એક પરિક્રમાવાસી આશ્રમમાં આવે છે. ચાતુર્માસ ગાળવા આશ્રમમાં કોઈ કોઈ યાત્રીઓ આવતા રહે છે. લેખક અને સુપ્રિયા વચ્ચે પરિક્રમાને લઈને સંવાદ થાય છે.
સુપ્રિયા: પરિક્રમાવાસીઓ માટે પાછળની ઓરડીઓ ખોલવી પડશે. બીજાઓ પણ આવશે, ચાતુર્માસ ગાળવા.
લેખક: શાની પરિક્રમા?
સુપ્રિયા: નર્મદાની. ‘વરસાદમાં જંગલના રસ્તાઓ બંધ રહે અને નર્મદામાં પૂર હોય એટલે પરિક્રમાવાસી જ્યાં સગવડ હોય ત્યાં ચાતુર્માસ ગાળે. આપણે પણ પરિક્રમાવાસીઓની સગવડ બને તેટલી સાચવીએ છીએ. કોઈ કોઈ આવી ચડે તો રહે.’
લેખક: નર્મદાની પરિક્રમા! આટલી લાંબી પથરાયેલી નદીની પરિક્રમા!
સુપ્રિયા: આ વર્ષે પરિક્રમાવાસીની સેવા તમારા પર. તેમની સેવા કરવી તે લહાવો ગણાય.
લેખક: ભલે.
પછી લેખક એક પરિક્રમાવાસી આવ્યા હતા તેને ઉતારો ગોઠવી આપ્યો. પછી તેની સાથે વાત કરે છે.”બાબા, અહી સુધી આવતા તમને શા અનુભવો થયા તે મારે નોંધવું છે.તમને ક્યારે સમય હશે?”
“તે હસ્યો અને કહે, સબકા સુમિરન સબ કરે. ભાઈ, કહા સુના તુમ્હે ક્યાં કામ આયેગા? તું ખુદ હિ ચલ કર દેખ લે. યહી ઠીક રહેગા. ‘ચલના હૈ તુઝે? તો છોડ યે સબ ઔર નિકલ લે.” (પૃષ્ઠ ૧૦૪,૧૦૫)

બીજો એક પરિક્રમાવાસી આવે છે તે સ્વભાવે થોડો વિચિત્ર છે.. લેખકની સાથે ઉતારા બાબતે અસભ્ય વર્તન કરે છે. એટલે લેખક કંટાળીને સુપ્રિયાને ફરિયાદ કરે છે. ‘તમારું આ પરિક્રમાવાસીને સાચવવાનું કામ મારાથી નહી થાય. તમે પુણ્ય કમાવા ઈચ્છો તો મને વાંધો નથી. મારે પુણ્ય જોઈતું નથી.’ (પૃષ્ઠ ૧૦૮) ત્યારે સુપ્રિયા ખૂબ સરળતાથી પરિક્રમાની પરમ્પરાને ટકાવી રાખવાની અને મૂળ સંસ્કૃતિને બચાવી રાખવાની વાત કરે છે: “તમે એમ માનો છો કે હું કોઈ માણસને સાચવું છું? અને એ પણ પુણ્ય મેળવવા ખાતર?’ પછી મને જવાબ દેવાનો સમય આપ્યા વગર અદબ ભીડીને બે ડગલાં ચાલીને દૂર ક્ષિતિજ તરફ જોતા બોલી, ‘એવું માનતા હો તો તમે ભૂલ કરો છો.’ પછી એકદમ મારી તરફ ફરી અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, ‘સુપ્રિયા કે બીજા કોઈ જે આ સેવા કરે છે તે પરિક્રમાવાસી માણસને સાચવવા નથી કરતાં. પરિક્રમાને સાચવવા કરે છે. હજારો વર્ષથી ચાલી આવતી એક પરમ્પરાને જાળવવામાં મારાથી બનતું બધું હું કરીશ. રેવાને કિનારે ઠેર ઠેર આવેલાં મંદિરો, ગામડાઓના સુખી-દુઃખી કુટુંબો, કેટલાંય જાણ્યાં અજાણ્યાં દાનવીરો કે સાવ ભોળા અબુધ આદિવાસીઓ પરિક્રમાવાસીને સાચવે છે તે એટલા માટે કે આ પરંપરા ટકી રહે. રહી પુણ્યની વાત, તમે તો હવે ઘણું જાણ્યું છે. શાસ્ત્રોમાં પુણ્ય તો એક વચનથી વિશેષ શું છે? ‘પુણ્ય કમાવવાની ઈચ્છા તો ત્યારે થાય જયારે હું આ પ્રથાને ધાર્મિક ગણતી હોઉં. આ તો ઋષિમુનિઓએ સર્જેલી સાંસ્કૃતિક પરંપરા છે –અમારી બીજી મોટા ભાગની પરંપરાઓની જેમ. આ પરિક્રમા દરમિયાન પરિક્રમાવાસી પુણ્ય ભલે મેળવતો હોય, પરંતુ એ ઉપરાંતનું જે મેળવે છે એનું સાંસ્કૃતિક મૂલ્ય તમે પરિક્રમા કરો તો કદાચ જાણી શકો. આખો રેવા ખંડ કરી શકે, અર્ધા ભૂખ્યા રહેતા આદિવાસીઓ પણ કરી શકે તે કામ આપણાથી નહી થાય?” (પૃષ્ઠ ૧૦૯,૧૧૦)

ફિલ્મમાં પણ પરિક્રમાવાસીની જવાબદારી કરણને સોપવામાં આવે છે. કરણ કંટાળીને શાસ્ત્રીજી પાસે ફરિયાદ કરે છે અને શાસ્ત્રીજી કરણને પરિક્રમાની પરંપરા વિશે સમજાવે છે. એ રીતે બતાવે છે.

ત્યાર પછી લક્ષ્મણ શર્મા મધઉછેર કેન્દ્ર માટે આશ્રમમાં પેટી લઈને આવે છે અને લોકોને એકઠા કરે છે. લક્ષ્મણ શર્મા અને કરણ તેમને સમજાવે છે. તે લોકો પેલા તો સંમત નથી થતાં, કારણકે તે એવું સમજે છે કે મધ ઉતારવાનું કામ માત્ર ભીલોનું છે, એ અમારો વિરોધ કરશે. દિત્યો ભીલ મધ ઉતારવામાં નંબરવન છે. તેને ખબર પડે છે એટલે તે ગુસ્સે થાય છે. તેનો ગુસ્સો તે કરણ પર ઉતારે છે જયારે કરણ ફોનનું નેટવર્ક આવતું નથી એટલે તે ઈનરા સીડી જાય છે ત્યારે દિત્યો છુપાઈને તેની પાછળ જાય છે ને કરણ પર પથ્થર ફેંકે છે. કરણને કપાળ પર થોડી ઈજા થાય છે. પછી ગણેશ શાસ્ત્રીને ત્યાં તેને લાવવામાં આવે છે. ત્યાં તેની સારવાર થાય છે. દિત્યાને પાછળથી સમજાય છે એટલે તે સામેથી મધ ઉછેરવા માટે પેટી લેવા આવે છે.

નવલકથામાં જુદી રીતે બતાવ્યું છે. લક્ષ્મણ શર્મા સાથે લેખક બીત્તું બંગાના ગામ જાય છે. ત્યાં શાળામાં બધાંને ભેગા કરી સમજાવવામાં આવે છે, પણ લોકો ભીલોના ડરે ઊઠીને ચાલ્યા જાય છે. દિત્યો ભીલોનો આગેવાન હતો તે વિરોધ કરે છે. બીત્તુની પત્ની જોગા મધની પેટી ઘરે લઈ જવાનું કહે છે. પણ લેખક તેને સમજાવે છે. પેલા દિત્યો માને પછી. છેવટે દિત્યાને સમજાય છે અને મધઉછેર કેન્દ્રની શરૂઆત થાય છે. ત્યાર પછી લેખક જોગાના ઘરે જાય છે ત્યારે ફળિયામાં પડેલા સામાનમાં સુપ્રિયાના માતા –પિતા અને બીત્તું બંગાની માતા નારદીનો ફોટો જુએ છે. જોગાને પૂછ પરછ કરે છે. સુપ્રિયાના માતા- પિતા અને સાઠસાલીઓ વિશે લેખકને જાણવા મળે છે. કીકા વૈદના પત્ની પાસેથી પણ કેટલીક માહિતી મળે છે, તો પાર્વતીમાં અને શાસ્ત્રીજીની વાતોમાં પણ સુપ્રિયાના માતા-પિતા વિશેનો ઉલ્લેખ થાય છે. ત્યાર પછી છેક ચોવીસમાં પ્રકરણમાં લેખક અને લ્યૂસી સાઠસાલીઓના ડાયાને વ્યાઘ્રના ચિહ્ન વિશે સંશોધન અર્થે મળવા જાય છે ને રાત ત્યાં જ રોકાય છે. બીજે દિવસે તે રાની ગુફામાં જાય છે ત્યાં તેને કાલેવાલીમાં એટલે કે વનિતા મળે છે. ફિલ્મમાં પણ કરણ પુરિયાને મળવા માટે બંગાને કહે છે ત્યારે સંગીત જલસાની રાતે તે તેની સાથે થોડે સુધી જાય છે કરણ પુરિયાને મળે છે ને તેને સલામત જોઈ રાજી થાય છે. પછી કરણ કાલેવાલીમાને મળે છે, કાલેવાલીમાં બીજું કોઈ નહી પણ ખુદ સુપ્રિયાની માં વનિતા જ છે. તે શા માટે આ વેશમાં રહે છે તેવું પુછતાં, વનિતા સઘળી હકિકત જણાવે છે. કરણ નાનો હતો ત્યારે સંગીત જલસાની રાતે રીંછ તેને પકડી જાય છે. તેની ચીસ સાંભળી વનિતા તેને બચાવવા દોડે છે. કરણને રીંછના મોઢામાંથી બચાવે છે, પણ ત્યાંના આદિવાસીઓને થયું કે તે બાળકને જીવતું ખાય જાય છે એટલે તે ડાકણ બની છે તેમની પરંપરા પ્રમાણે તેને સળગાવી દેવાનું નક્કી કરે છે. ત્યારે તે વખતની કાલેવાલીમાં તેમને બચાવે છે ને તેની સાથે લઈ જાય છે. ત્યારથી તે આ રીતનું જીવન જીવે છે.

પુરિયાની બાબતમાં પણ આવો કિસ્સો બને છે. તેની બહેન રામબલીના છોકરાને રીંછ લઈ જાય છે, તેને બચાવવા પુરિયા જાય છે. પણ બાળક બચતું નથી તેને ભાનમાં લાવવા પુરિયા ખૂબ વ્હાલ વરસાવે છે પણ બાળક મૃત્યુ પામે છે. આથી લોકો તેમને ડાકણ તરીકે જાહેર કરે છે ને તેને બાંધીને સળગાવી દેવાનું નક્કી કરે છે. આશ્રમમાં સમાચાર મળતા સુપ્રિયા,કરણ બધા તેને બચાવવા દોડે છે. ત્યાં ગંડુ ફકિર અને કાલેવાલીમાં આવી પહોંચે છે. ગંડુ ફકિર પુરિયાને ધૂપ આપે છે ને કાલેવાલીમાં સાથે વિદાય કરે છે ત્યારથી પુરિયા પણ રાનીગુફામાં રહે છે. પુરિયા વાળો કિસ્સો નવલકથામાં પણ આવે છે.

નવલકથામાં ગુપ્તાજી આશ્રમનું કામ હોય ત્યારે મદદ કરવા માટે આવે છે જયારે ફિલ્મમાં ગુપ્તાજી આશ્રમમાં રહીને ઓફિસમાં કામ કરતાં નજરે પડે છે. કરણ આશ્રમનાં ટ્રસ્ટીઓ વિશે ગુપ્તાજીને પુછપરછ કરે છે. ગુપ્તાજી તેને માહિતી આપે છે. પછી કરણ વસિયતના કાગળો પર બધાની સહી લેવાનું નક્કી કરે છે. ગુપ્તાજી પેલા ના પાડે છે તે શાસ્ત્રીજી પાસે મોકલે છે. શાસ્ત્રીજી કરણના મનની વાત જાણી જાય છે. તે દુઃખી હ્રદયે સહી કરી દે છે એકમાત્ર સુપ્રિયા અને ગંડુ ફકિરની સહી બાકી રે છે ત્યાં પુરિયાવાળો બનાવ બને છે. તેને બચાવવા જતાં ઝપાઝપીમાં વસિયતવાળા કાગળોનું પાઉંચ તે લોકો આગમાં નાખી દે છે. બીત્તું બંગા અડધું સળગેલ પાઉંચ સુપ્રિયાને આપે છે. સુપ્રિયા વસિયતના કાગળો વાંચે છે અને કરણ પાસે આ બાબતમાં વાત કરવા આવે છે. સુપ્રિયા ખૂબ દુઃખી થઈ જાય છે. કરણ બધી હકિકત તેના મેનેજરને જણાવે છે તે ફરી નવા કાગળો મોકલશે એવું જણાવે છે. કરણ નર્મદા કિનારે ચાલ્યો જાય છે. ત્યાં ગંડુ ફકીર આવે છે. તેમની સાથે પુરિયા વિશે વાત નીકળે છે. ત્યારે ગંડુ ફકિર કહે છે:’માં નર્મદા કોઈને ખાલી હાથે નથી જવા દેતી સમય આવે ત્યારે આપી જ દે છે.” તે પોતે કરેલી પરિક્રમાની વાત કરે છે ત્યારે કરણ આશ્ચર્ય પામે છે. ત્યારે મૈલાના અલી ખુદાબક્ષ (ગંડુ ફકિર) આ પંક્તિઓ ગાય છે:
‘મૈ નમાજી બનું યા શરાબી બનું, બંદગી મેરે ઘરસે કહા જાયેગી’

કરણ ગંડુ ફકિરને પૂછે છે ‘રેવા’ મળી? ત્યારે તે કહે છે તું જાતે અનુભવ લે. પછી તે દ્રૌપદી વસ્ત્રાહરણનો પ્રસંગ જણાવીને શ્રદ્ધાનું મહત્ત્વ સમજાવે છે. નવલકથામાં આ પ્રસંગ નથી. ફિલ્મમાં ઉમેરવામાં આવ્યું છે.

ફિલ્મમાં એક પ્રસંગ આવે છે. ભોલો શાસ્ત્રીજી પાસે આવીને કહે છે કે દિવાળી બાએ જમવાનું છોડી દીધું છે. શાસ્ત્રીજી તેને નર્મદા જળની લોટી આપે છે અને દિવાળીબાને પીવરાવવાનું કહે છે. ભોલો બાધા લે છે કે દિવાળીબાને સારું થઈ જશે તો તે પરિક્રમા લેશે. ભોલો જાય છે. શાસ્ત્રીજી તબલા વગાડે છે. કરણ ઊભો થઈ તેમની પાસે જાય છે. બન્ને સંગીત વાદ્યોને લઈને વાતો કરે છે. ત્યાં ભોલો ફરી આવે છે ને કહે છે- ‘દિવાળીબાએ જમવાનું શરુ કરી દીધું છે. હવે મારે પરિક્રમા કરવી પડશે.’ ત્યારે શાસ્ત્રીજી તેને શાંતિથી સમજાવે છે ને કહે છે-“ શ્રદ્ધા હોય તોજ પરિક્રમા કરવી, બાકી બાધા પૂરી કરવા જ પરિક્રમા કરો તો કઈ ન વળે. માં નર્મદા કોઈને બાંધતી નથી તે તો મુક્ત મને વહે છે. અને પરમેશ્વરનું મન કાંઈ આટલું સાંકડું નથી.”

નવલકથામાં ધર્મ, શ્રદ્ધા,મુક્તિ અને સંસ્કૃતિ વિશે શાસ્ત્રીજી ગુપ્તાજીને સમજાવતા જોવા મળે છે. ધર્મ વિશેનું તેમનું ચિંતન આ રીતે છે. “ધર્મતો બાંધે છે, આજ્ઞાઓ આપે છે, આમ કરો, આમ ન કરો, આને માનો આને ન માનો, તેનું જ્ઞાન આપે છે. આપણે મુક્તિના સંતાનો છીએ. આ દેશ અધ્યાત્મ પર ટકે છે ધર્મ પર નહી. મોટા ભાગના નિયમો સાંસ્કૃતિક નિયમો છે. જીવનને સ્વસ્થ અને સારું બનાવવા એ ઘડાયા ને ધર્મમાં તેનો સમાવેશ કરાયો.”(પૃ.૫૩,૫૪,૫૫)

ફિલ્મમાં સંગીત જલસાની તૈયારીઓ ચાલે છે. કરણ પણ ઉલટભેર આ કામમાં લાગી જાય છે. બધાને આમંત્રણ મોકલવાના, શણગારવાનું કામ બધી વ્યવસ્થા માટે ઝીણવટથી કામ કરતો દેખાય છે. શાસ્ત્રીજી અને સુપ્રિયા બન્ને કરણ વિશે વાતો કરતાં બેઠા છે. સંગીત જલસાનું આમંત્રણ આપવા અલગ અલગ લોકોનું ચયન થાય છે. ઝુરકો માણસ ખાઉં વાધની વાત કરે છે. એટલે એ ગામ બાજુ તે જવાની ના પાડે છે. ત્યારે બીત્તું બંગા એ જવાબદારી પોતે સ્વીકારી લે છે. બન્ને આમંત્રણ આપવા ગયા હતા, સાંજ પડવા આવી છતાં આશ્રમમાં પાછા ફરતા નથી એટલે તેની ચિંતા કરતાં બધા વાતો કરે છે. ત્યાં ગુપ્તાજી સમાચાર લાવે છે કે એક માણસ ખાઉં વાધે બીત્તુને બોચીમાંથી પકડ્યો અને ઝખ્મી કર્યો છે. તેને શહેરના દવાખાને દાખલ કર્યો છે. કરણ, સુપ્રિયા, જોગા બધાં ત્યાં પહોંચે છે. બંગાએ બીત્તુને વાધના મોમાંથી બચાવવા ઘણાં પ્રયત્નો કર્યા એટલે વાઘ બીત્તુને છોડી દે છે પણ જાનલેવા ઈજા પહોંચાડે છે. એટલે તે બચી શકતો નથી. (નવલકથામાં બંગાને વાઘ પકડીને લઈ જાય છે તેવું વર્ણન છે.)

નવલકથામાં આ ઘટના જરા જુદી રીતે દર્શાવી છે. લેખક બીત્તું બંગા સાથે તેમણે બનાવેલી તલાવડીમાં ન્હાવા ગયા હતા. સાંજ પડી ગઈ હતી ત્યારે ઝુરકો તેમને બોલાવવા આવે છે. આશ્રમપર પહોંચતા ખબર મળ્યા કે બાબરીયાની હથેળી કાગળના મશીનમાં આવી ગઈ છે. તેમને દવાખાને લઈ જાય છે. બાબરીયાની પત્નીની જરૂર દવાખાનામાં હોવાથી તેના બાળકોને સાથે લઈને આશ્રમ આવવા નીકળે છે. વહેલી સવારે તે ચાલતા આવતા હોય છે ત્યારે ખીણની ઝાડીમાં છુપાયેલો વાઘ બંગા પર તરાપ મારે છે ને પહાડ તરફ ચડવા લાગે છે. ત્યારે બીત્તુ કુહાડી લઈને તેના પર કુદી પડે છે. બંગાને વાઘના મોમાંથી બચાવે છે. બંગાને ઉપાડીને પ્રથમ ચર્ચમાં લાવવામાં આવે છે. પ્રાથમિક સારવાર પછી શહેરના દવાખાને લઈ જાય છે. ત્યાં તે મૃત્યુને ભેટે છે.

આમ નવલકથામાં અને ફિલ્મમાં એક સરખી ઘટનાને જુદી રીતે દર્શાવવામાં આવી છે. ફિલ્મમાં સંગીત જલસાની રાત્રે સુપ્રિયા કરણને મળવા આવે છે. સંગીત જલસાનું આયોજન કરવા બદલ પ્રથમ તેનો આભાર માને છે, પછી અમેરિકાથી વસિયતના આવેલાં કાગળોનું કવર કરણના હાથમાં પકડાવતાં કહે છે-‘બધાની સહીઓ કરાવી લીધી છે. તમારું કામ પૂરું થયું, સંગીત જલસો પૂરો થાય એટલે તરત આશ્રમ છોડીને ચાલ્યા જજો. સુપ્રિયા વધુમાં કહે છે તમારા દાદાને આ આદિવાસીઓ માટે ચિંતા હતી. તમારાથી એ નહી થાય.’ ત્યાર પછી કાર્યક્રમ ચાલુ થાય છે. પ્રથમ સુપ્રિયા જ એક પ્રાર્થના ગાય છે.
‘દરશ પિયાસી ઓ રે વિજોગણ, નયન બિછાવી શ્યામ તારી રાહમાં.’
કરણ ગીટાર લઈને આવે છે ને સીધો સ્ટેજ પર ચડીને ગાવા લાગે છે.
‘જીવન છે જંતર-મંતર જાણી, ધૂણી ધખાવી લઈને આગ અજાણી.
ગોરખ મછંદર છે મારી અંદર, ભટકું હું ભેખ ધરી ધરતી સમંદર.
બાળે, જાળે, મારે, તારે, કોણ એ તત્ત્વમસિ.’

કરણ આશ્રમમાંથી નીકળી જાય છે. બંગા પણ તેની સાથે જાય છે. પરિસ્થિતિને સંભાળવા દરેક વખતે ગંડુ ફકિર હાજર જ હોય છે. આ વખતે પણ તે તરત છલાંગ મારીને સ્ટેજ પર ચડી જાય છે ને ગાવા લાગે છે.
“કોઈ જોગી, કોઈ ભોગી, કોઈ રોગી, કોઈ રાજા,
કોઈ જાહિલ, કોઈ કાબીલ, કોઈ તોલા, કોઈ બાસા.
પરના અમીર રહેગા, ના ફકિર રહેગા, માટીકા દીયા હૈ, માટી સા બુજેગા, ફિર કાહેકા એ તમાશા.
લાગે કો મરહમ કર, પ્યાસે કી તલપ ધર,
જિંદગી ઐસી તું જીલે, મૌત ભી આયે શરમ કર.
દિલ જીતને વાલા, મરકે ભી જીયેગા, ના તલવાર રહેગી, ના તો તીર રહેગા, તો ફિર કાહે કા એ તમાશા.”

નવલકથામાં સંગીત જલસાની વાત જુદી રીતે આવે છે. બિલેશ્વરના જંગલોમાં આગ લાગે છે ત્યારે તેના બચાવ માટે લેખક તથા બીજા આદિવાસીઓ મદદ માટે જાય છે. વિષ્ણુ માસ્તર તથા તેના પરિવારને તેમજ આસપાસના ગામોના લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરે છે. ગંડુ ફકિર અહી પણ મદદ માટે પહોંચી જાય છે. બધાંને સમજાવે છે અને બધા તંબુ બાંધી આશરો મેળવે છે. વરસાદ શરુ થતાં આગ કાબુમાં આવે છે. પછી ફરી નવો વસવાટ બનાવવા બધા એક સાથે કામે લાગી જાય છે. નવી શાળા શરૂ કરે છે. ફૂલોની ખેતી શરૂ કરે છે, અને ‘કુબેર બાગાન’ બનાવીને લેખક વિષ્ણુ માસ્તર અને તેની પત્ની વિદ્યાની રજા લઈ આશ્રમ તરફ આવવા નીકળે છે. લેખક ત્યાંથી ચાલતા થાય છે. આશ્રમ પહોંચે છે. ત્યાં સંગીત જલસો પૂરો થવામાં હોય છે. લ્યૂસી આવી છે. તે તેમને મળે છે.

ફિલ્મમાં કરણ તેના માતા-પિતા વિશે શરૂઆતમાં જ તેના વકિલને પૂછતો જણાય છે. વસિયતમાં માત્ર તેમનું જ નામ છે એવું જણાવે છે. પછી છેક ફિલ્મ પૂરું થવાનું છે ત્યારે કરણ કાલેવાલીમાને મળે છે. ત્યારે તેના માતા-પિતા વિશે વાત નીકળે છે. કાલેવાલીમાં કરણને કહે છે-“તારા દાદા પરિક્રમા કરતા હતાં તે દરમિયાન નદીના પ્રવાહમાં તું તણાઈને આવ્યોતો તારા દાદાએ તને પાળી પોષીને મોટો કર્યો. તારા પિતા કોણ છે તેની ખબર નહી પણ તારી માં ‘નર્મદા’ છે. તું માં નર્મદાનું સંતાન છો.” પછી તેના હાથે જે સાઠસાલીનું નિશાન છે તે બતાવી ને કહે છે રીછે તને બચકું ભર્યું હતું એટલે ત્યાં નિશાન રહી ગયેલું એ જોઈ તું રડ્યા કરતો એટલે તને આ વ્યાધ્રનું ચિત્ર દોરી આપ્યું તું. ત્યારે કરણ ગદગદિત થઈ જાય છે અને વિચારે છે કે તેમનો જીવ બચાવવા વનિતાને પોતાની દિકરી અને પતિને છોડીને આવી ગુફામાં જીવન જીવવું પડે છે. તેનો જીવ બચાવવા નાનકડી સુપ્રિયાને માતાનું વાત્સલ્ય ખોવાનો વારો આવ્યો. પછી કરણ તરત જ નિર્ણય લે છે. તે તેના મેનેજરને જણાવી દે છે કે તેમની બધી સંપત્તિ આશ્રમને દાન કરી દે. અને તે થોડો સમય અહી જ રહેવાનો છે તેવું પણ જણાવી દે છે. પછી કરણ ત્યાંથી નર્મદા પરિક્રમા કરવા નીકળી પડે છે.

નવલકથામાં લેખકના માતા-પિતાનો પરિચય ચોથા પ્રકરણમાં આવે છે. ગુપ્તાજીના ઘરે રાત રોકાઈ છે ત્યારે પાર્વતીમાં તેમના ઘરનો પરિચય કરાવે છે.ત્યારે લેખક પોતે ટૂંકમાં પોતાનો પરિચય આપે છે. પછી મનોમન વિચારવા લાગે છે. પોતે ચોથા-પાંચમાં ધોરણમાં હતાં ત્યારે તેમની માતાનું અવસાન થયેલું. પછી તેમના નાનીમા તેમની સાથે કચ્છ લઈ ગયેલાં. પણ લેખક બીમાર રહેતા એટલે ફરી તેને તેના પિતા મુંબઈ લઈ ગયા. પછી પંચગીનીમાં ભણવા મોકલે છે. તે પછી પિતા-પુત્ર વિદેશ કમાવવા માટે ચાલ્યા જાય છે. લેખકની સ્મૃતિમાં તેમની નાનીનું ઘર વારંવાર ડોકાયા કરે છે. દેવતાનાના, તેમના મામા, મામી , માસી તેમના સંતાનો બધાંને યાદ કરતાં દેખાય છે.

નવલકથામાં લેખક લ્યૂસી સાથે સાતેક દિવસની પરિક્રમા કરે છે. અને જુદા જુદા અનુભવો મેળવે છે. પણ પછીથી લ્યૂસીને ટ્રેનમાં બેસાડતી વખતે તેમનો સામાન ચોરાઈ જાય છે એટલે ના છૂટકે નર્મદા પરિક્રમા થાય છે. લેખક નર્મદાના કિનારે કિનારે આગળ વધે છે. વચ્ચે એક સંન્યાસી મળે છે. અને લેખકને સાવચેત કરે છે. શૂલપાણેશ્વરની ઝાડીમાં કાબાઓ લૂટે છે. ત્યારે લેખક કહે છે.-‘એ અનુભવ બાકી છે, તે પણ ભલે થઈ જતો’(પૃષ્ઠ ૨૨૪) અને લેખક ત્યાંથી આગળ વધે છે. શૂલપાણેશ્વરની ઝાડીમાં તેમને કાબાઓ મળે છે. તેમને થયેલો અનુભવ વર્ણવતા કહે છે.-“ પાણી પીવા વાંકો વળું છું તે સાથે જ નદીના જળમાં ઊભેલા બેઉ જણને મેં દીઠા. ‘આપી દે’ એક જણ બોલ્યો અને બન્ને જણે કામઠા પર તીર ગોઠવ્યાં. મેં મારો થેલો ખભેથી ઉતારીને તેમની તરફ ફેક્યો. એક જણે તે ઝીલી લીધો, ફંફોસ્યો અને કમ્મર પર બાંધી લીધો. પછી મારી સામે જોઈ રહ્યો અને ફરી બોલ્યો, ‘આપી દે, હુકુમ.’ આ પ્રદેશમાં વસ્યો ન હોત તો મને ક્યારેય સમજાયું ન હોત કે તેમના પર આવો હુકમ છે આખી એક પરંપરાનો. સદીઓથી ચાલી આવતી પ્રણાલીનો, આ મહાન વિશાળ દેશને એકતાંતણે બાંધી રાખતી ગૌરવશાળી સંસ્કૃતિનો. કાબાને પૂછો કે આ હુકમ કોનો? તો એ કહેવાના, ‘માનો.’ એટલે કે આ સદાસ્ત્રોતા, સદાજીવંત, પરમસૌન્દર્યમયી નર્મદાનો. મેં ઝબ્ભો ઉતાર્યો. એક પછી એક બધાં વસ્ત્રો ત્યાગીને તેમના તરફ ફેંક્યા. જરા પણ અચકાયા વગર તેમણે તે લઈ લીધા. પોતે શા માટે કોઈને લૂંટી રહ્યા છે, તેનાથી અજાણ કાબાઓને હાથે નદીની આજ્ઞાનું પાલન થઈ રહ્યું છે. પરિક્રમાવાસીને લૂંટી એમના વસ્ત્રો પણ ઊતારી લો. ભૂખ્યો-તરસ્યો, જીવવા માટે હવાતિયા મારતો વસ્ત્રવિહીન પ્રવાસી ઝાડી પાર કરીને નગરમાં પહોંચશે ત્યારે તેના અહમના ચૂરેચૂરા થઈ ગયા હશે. સંન્યાસ શું છે? ત્યાગ શું છે? જ્ઞાન શું છે? જીવન શું છે? આવા તમામ પ્રશ્નોના જવાબ તેને મળી ગયા હશે. અત્યારે આ બન્ને કાબાઓ આ મહાજળપ્રવાહના ‘હુકુમ’નું અક્ષરશ: પાલન કરી રહ્યા છે. તેમનું કાર્ય પૂરું થતાં મારી સામે કંતાનની લંગોટી ફેંકાઈ. પાછળ ફરીને, લંગોટી પહેરીને ફરી જોંઉ છું તો પેલા બન્ને ત્યાં નથી.” (પૃષ્ઠ ૨૨૯,૨૩૦) આ ઘટના પાછળ લેખકનું ચિંતન પણ રહેલું છે.

ફિલ્મમાં પણ કરણ જે રીતે નર્મદા પરિક્રમા કરતો અને વિવિધ અનુભવોમાંથી પસાર થતો બતાવ્યો છે. તે ચાલતાં ચાલતાં એક મંદિરે પહોંચે છે. ત્યાં નર્મદા કિનારે એક સંન્યાસી મળે છે. તે નર્મદા પરિક્રમાનો મર્મ અને માં નર્મદાનો મહિમા સંભળાવે છે. “રેવાના સૂરમાં ઋષિમુનીઓના સ્વર સંભળાય છે. આમ એકલ સૂતા, દિવસે જોવી ગમે છે અને રાત્રે સાંભળવી ગમે છે. દિવસે દ્રશ્ય છે તો રાત્રે શ્રાવ્ય છે. દિવસે નર્મદા તો રાત્રે રેવા.” આ ગીત સ્વરૂપે પણ બતાવ્યું છે. આગળ ચાલતા એક મંદિરમાં જાય છે ત્યાં તેને પેલા શિક્ષક પરિક્રમાવાસી(નર્મદા જયંતિ વખતે મળેલા) તેને મળે છે. રાત્રે બધાં તાપણું કરીને બેઠા છે. ત્યારે પોતપોતાનો અનુભવ વર્ણવતા આ રીતે સંવાદ કરે છે:
શિક્ષક: શૂલપાણેશ્વરની ઝાડી હવે શરુ થશે ને રસ્તામાં કાબા લૂંટી લેશે.
કરણ: એ અનુભવ પણ ભલે થઈ જતો.
મહંત: હું દસ વર્ષથી અડિંગો જમાવીને બેઠો છું કોઈને કોઈ તો રસ્તામાં મળી જ રહે છે.
શિક્ષક: એવી માન્યતા છે કે ઝાડી પસાર કરીએ ત્યારે એવો અનુભવ થાય છે, કે માંના ગર્ભમાંથી નગ્ન નીકળીએ એમ.
કરણ: એ તો સારુને નવો જન્મ થયો ગણાય.
મહંત: ‘સમય બડા બલવાન, નહી મનુષ્ય બલવાન, કાબે અર્જુન લૂટ્યો, વહી ધનુષ વહી બાણ.’ અને જે લૂંટી જાય છે તે આગળ આવીને આપી જ જાય છે. અને કોઈ ન મળે તો પણ આપણી માં તો છે ને સદાય જાગતી ને જાગતી, ખળખળ વહેતી.
શિક્ષક: પેલીવાર મળ્યા ત્યારે તમે મને નાસ્તિક લાગ્યાતા. ધર્મમાં માનતા જ નહી.
કરણ: ધર્મની ખબર નહી પણ મને શ્રદ્ધા છે.
કરણ ત્યાંથી આગળ ચાલે છે. રસ્તામાં તેને કાબા મળે છે. તેને લૂંટી લે છે. એક કંતાનની લંગોટ પહેરીને તે પથ્થર પર સૂતો છે. સવાર પડતા ઉઠીને આગળ ચાલે છે. એક સદાવ્રત ચાલતું હતું ત્યાં જમે છે. પછી નદીકાંઠે સૂતો છે અને વિચારે છે કે તેના બધા અનુમાનો ખોટા પડ્યા અહી બોલાવવા માટેના. જ્યાં સુધી મને તારા હોવાનો ખ્યાલ નહી આવે ત્યાં સુધી બધું નકામું. અને અંતમાં બાલિકા સ્વરૂપે માં રેવા હાથમાં મકાઈનો ડોડો લઈને ઊભેલી છે અને કહે છે ઊભો થા, ‘ખાઈ લે’. કરણ પૂછે છે કોણ? ત્યારે કહે છે, ‘રેવા’. પછી ત્યાં સુપ્રિયા, ગુપ્તાજી અને મહેતા કાકા તેને શોધતા આવી પહોંચે છે.કરણને આશ્રમમાં લઈ જાય છે. ફરી આશ્રમની પ્રવૃત્તિ કરવા લાગે છે. સુપ્રિયા સાથે ફરી નર્મદા પરિક્રમા કરવાનું કહે છે, ત્યાં ફિલ્મ પૂરું થાય છે.

નવલકથામાં છે તે દરેક પ્રસંગને ફિલ્મમાં દર્શાવવામાં નથી આવ્યો. એની પાછળનું કારણ એ જોઈ શકાય કે નવલકથાના કેન્દ્રમાં ‘આદિવાસી સંસ્કૃતિનો અભ્યાસ’ રહેલો છે, એ દ્વારા લેખક વિવિધ અનુભવોમાંથી પસાર થાય છે. અને પછી ત્યાંના લોકોના સંસર્ગમાં આવવાથી પ્રકૃતિ અને સંસ્કૃતિની ઓળખ મેળવે છે ને જાત અનુભવ પણ લે છે. એટલે પ્રકૃતિના દરેક તત્વનો ખુદ અનુભવ કરીને નિષ્કર્ષ શોધે છે. ક્યારેક અભણ બીત્તું બંગા પાસેથી તો ક્યારેક ગણેશશાસ્ત્રી કે સુપ્રિયા પાસેથી. ક્યારેક પુરિયા કે બાબરિયા પાસેથી, પાર્વતીમાં પાસેથી તો ક્યારેક ગંડુફકિર અને કાલેવાલીમાં પાસેથી. પ્રકૃત્તિથી છલોછલ જંગલોમાં વસતી ભોળી પ્રજામાં પણ તે એક નવી પ્રકૃત્તિ અને સંસ્કૃતિના દર્શન કરે છે. પાપ, પુણ્ય, ધર્મ, શ્રદ્ધાની વાતો તેને કોઈને કોઈ રીતે સંભળાતી અને અનુભવાતી રહે છે. જીંદાસાગબાનની સાથે પૌરાણિક સંદર્ભ જોડીને વૃક્ષનું મહત્ત્વ અને અભય વરદાન પામતી વાતો છે. પીપળાના વૃક્ષની સાથે લોકમાનસનો પણ પરિચય મળે છે. તો તક્ષક નાગને મિત્ર બનાવીને નીડર પણે કુદરતનો આનંદ લેતી વાતો પણ આવે. મુનીકા ડેરાની સાથે વ્યાસમુનીની વાત વણી લીધી છે, તો અશ્વત્થામાની વાત પણ આવે. નક્ષત્રો –તારાઓ આવી કેટકેટલી વાતો સાથે તેમની પ્રકૃત્તિ અને સંસ્કૃતિને જોડતી આ ભોળી આદિવાસી પ્રજા છે.

પ્રસ્તુત નવલકથા ૧૯૯૮માં પ્રકાશિત થઈ. તે પછી વીસ વર્ષે ‘રેવા’ ફિલ્મ નિર્માણ પામે છે. નવલકથામાં જે રીતનું વાતાવરણ બતાવ્યું છે, જંગલો, નાના કસ્બા, તેમનું ખાન-પાન, ભાષા, બોલીનો શક્ય તેટલો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમ છતાં પણ સાહિત્યકૃતિ એ સાહિત્યકૃતિ અને ફિલ્મ એ ફિલ્મ. નવલકથાના ફિલ્મમાં રૂપાંતર વિશે ચર્ચા કરતાં અમૃત ગંગર જણાવે છે: “ નવલકથાના ફિલ્મમાં રૂપાંતરણ અંગે સામાન્ય રીતે બે પ્રકારની વિચારધારાઓ પ્રવર્તે છે. કેટલાંક એવું માને છે કે ફિલ્મકૃતિ મૂળ સાહિત્યને વફાદાર રહેવી જોઈએ અને જો એમ ન થાય તો અસંતોષની લાગણી સર્જાય છે. લગભગ બધી આર્ટ કે કમર્શિયલ ફિલ્મો આવી ‘વફાદારી’ને સ્વીકારતી હોય છે. પરંતુ ફિલ્મિક રૂપાંતરની પ્રક્રિયામાં એમ થવું શક્ય છે! બન્ને માધ્યમોનો આંતરિક સ્વભાવ દ્વિરૂપકરણ કે પ્રતિલિપિકરણ અશક્ય બનાવે છે. ફ્રેંચ ફિલ્મ ચિંતક આન્દ્રે બાઝાં તેમના નિબંધ ‘એડેપ્ટેશન , ઔર ધ સિનેમા એઝ ડોઈજેસ્ટ’માં કહે છે તેમ કથન અને આકાર (narrative and form) સકારણ સંબંધાયેલા છે. આકાર કથનને પરિવર્તિત કરે છે અને આકાર વડે કથન નિયંત્રિત પણ થાય છે. તેથી કથનનું એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પૂરેપૂરું સંક્રમિત થવું અશક્ય છે. બાઝાંના મતે ફિલ્મો સાહિત્યિક મૂળપાઠ(Text)નું ‘સંઘનિત’ (Compact) પાઠાંતર, સારાંશ અને ડાઈજેસ્ટ(digest) છે, જે મૂળ કથનને Transfer (હસ્તાંતરણ) નહી પણ Transform (રૂપાંતર) કરે છે.” (ભૂમિકા, પૃષ્ઠ X, XI) બાઝાંના વિધાનને વધુ સ્પષ્ટ કરતાં અમૃત ગંગર નોંધે છે: “જો કોઈ ફિલ્મ સર્જક મૂળ સાહિત્યકૃતિને નવા આયામો આપે તો તે આવકાર્ય બને. સાહિત્યકૃતિની ફિલ્મકૃતિમાં રૂપાંતર થવાની પ્રક્રિયામાં ઘણાં ઘટકો ભાગ ભજવે છે અને રૂપાંતરની ગુણવત્તા સમીક્ષાને આધીન રહે છે.” (પૃષ્ઠ XI) ચલચિત્ર અને સાહિત્ય વચ્ચે રહેલાં સંબંધ વિશે ચર્ચા કરતાં પ્રીતિ શાહ નોંધે છે: “ચલચિત્ર અને સાહિત્યનો સંબંધ ધણો વીવાદાસ્પદ રહ્યો છે. ચિત્રપટ જ્યારથી બોલપટ બન્યું અને એમાં વાર્તાકથનની કલા પ્રવેશી ત્યારથી ફિલ્મ સાથે સાહિત્યનુ સાયુજ્ય સાધવાના પ્રયાસો થતાં રહ્યા છે. ક્યારેક આવું સાયુજ્ય મિથ્યા કે ભ્રામક હોય છે. આમ છતાં કથનાત્મક(narrative) ચલચિત્ર અને લિખિત કથનપ્રધાન સાહિત્ય વચ્ચે એક પ્રકારનો ઘરોબો જોવા મળે છે. ક્યારેક આ બન્ને વચ્ચે કશોય સંબંધ નથી એમ કહેવાયું છે. બન્ને જુદા માધ્યમો છે. બન્નેના ધ્યેયો જુદા છે. બન્નેની રજૂઆત અને અભિવ્યક્તિ પણ જુદી છે. ફિલ્મ કોઈપણ કલામાંથી ગમે તેટલું ગ્રહણ કરે, પણ તેને પોતાના ઢાંચામાં ઢાળીને રજૂ કરે છે. આથી કોઇપણ પ્રસિદ્ધ નવલિકા કે નવલકથા જ્યારથી કચકડાની પટ્ટીમાં મઢાઈને પ્રગટ થાય ત્યારે તેના આલેખનનું ગણિત સાવ જુદું હોય છે. (પૃષ્ઠ ૧૭૮)

ગુજરાતીમાં નવલિકા કે નવલકથા સાહિત્યમાંથી ઘણી ફિલ્મો બની છે અને સફળ પણ રહી છે. ધ્રુવ ભટ્ટની ‘તત્ત્વમસિ’ નવલકથા પરથી બનેલી ‘રેવા’ ફિલ્મને બહોળા પ્રમાણમાં પ્રતિસાદ મળ્યો છે. ભારતીય સર્વશ્રેષ્ઠ ફિલ્મ એવોર્ડ પણ પ્રાપ્ત થયો તે ગૌરવની વાત છે. એકંદરે કૃતિનો ઉદ્દેશ ભારતની વિવિધ સંસ્કૃતિનું દર્શન કરાવવાનો રહેલો છે. અને નર્મદાના વિવિધ સ્વરૂપોની ઝાંખી કરાવવાનો ઉદ્દેશ્ય ‘રેવા’ ફિલ્મમાં પણ જોવા મળતો જણાય છે.

સંદર્ભ ગ્રન્થ:

  1. ‘તુલનાત્મક સાહિત્ય’, ધીરુ પરીખ.
  2. ‘તત્ત્વમસિ’, ધ્રુવ ભટ્ટ.
  3. ‘રૂપાંતર’ ,અમૃત ગંગર, પ્રકાશક:અરુણોદય પ્રકાશન, અમદાવાદ, પ્રથમ આ. ૨૦૧૪.
  4. ‘સમૂહમાધ્યમો અને સાહિત્ય’, પ્રીતિ શાહ, પ્રકાશક: પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ, દ્વિતીય આવૃત્તિ ૨૦૦૯.

ડૉ. અરુણા ત્રિવેદી, આસિસ્ટન્ટ પ્રોફેસર ,ગુજરાતી વિભાગ, શ્રી એન.કે. મહેતા એન્ડ શ્રીમતી એમ.એફ.દાણી આર્ટસ કૉલેજ, માલવણ. તા. કડાણા, જી. મહીસાગર. મો. ૯૪૨૮૧ ૫૬૧૨૯ Email. arunatrivedi10@gmail.com