Included in the UGC-CARE list (Group B Sr. No 172)

‘બે ઈ-મેઈલ અને સરગવો' : શોષણ અને માનવીય સંબંધોની વાર્તાઓ

દશરથ પરમાર ગુજરાતી સાહિત્યના જાણીતા વાર્તાકાર છે.તેઓ દલિત – લલિત બંને ધારામાં વાર્તાઓનું સર્જન કરતા રહયા છે. 'પારખું' (૨૦૦૧) તેમનો પ્રથમ વાર્તાસંગ્રહ છે. ૨૦૧૩માં 'બે ઈ- મેઈલ અને સરગવો' વાર્તાસંગ્રહ પ્રસિદ્ધ થાય છે, જેમાં એકવીસ વાર્તાઓ સમાવિષ્ટ છે. જે વિશે વાત કરવાનો મારો ઉપક્રમ છે.

'ધીમે ધીમે હોલવાતી સાંજ' વાર્તામાં વાર્તાનાયક જયેશ અને તેની પત્ની સરલાના લગ્નજીવનની કટોકટીભરી પળોને રજૂ કરે છે.રેવન્યુ વિભાગના મોટા કર્મચારીની નગરવાસી દીકરી સરલા અને જયેશના ગૂંચવાયેલા ધરસંસારનો વિષાદ વાર્તામાં ધીમી ગતિએ ભાવકનાં હ્ર્દયમાં છવાઈ જાય છે. સરલા ગામડાનાં જયેશ સાથે પરણે છે. પરંતુ ગોઠવાઈ શકતી નથી. અંતે રોળાઈ જતા દામ્પત્યની કરુણતા કલાત્મક રીતે રજૂ થઈ છે. જયેશ નોકરી માટે શહેરમાં આવે છે, પરંતુ જ્યાં સુધી ધરનું ધર ન થાય ત્યાં સુધી પોતે પતિના ઘરે પાછી નહિ ફરે એવા મનોમન નિર્ણય સાથે પિયર ગયેલી પત્ની અને પતિ વચ્ચે વર્ષોનો વિયોગ રચાય છે. ઘરનું ઘર થઈ જતાં જયેશ ગૃહપ્રવેશ મુહૂર્તને આગલે દિવસે પત્ની સરલાને ફોન કરે છે, પરંતુ સામે છેડેથી ડૂસકાં સિવાયનો હકાર જવાબ ન મળતા વાર્તાનાયક પણ એક નિર્ણય પર આવી જાય છે. નવા ઘર આગળ નર- સુગરીએ બાંધેલા માળાઓવાળો બાવળ વરન્ડો બનાવવો હતો છતાંયે જયેશે કાપવા દીધો ન હતો. એક માન્યતા પ્રમાણે બાંધેલા માળાઓમાંથી કોઈ એક માળો પસંદ કરી માદા સુગરી પ્રવેશે અને પછી એમનો નર- માદા સુગરીનો ઘરસંસાર શરૂ થાય. પરંતુ હજી કોઈ માદા સુગરી આવી ન હતી. ગૃહપ્રવેશને દિવસે જ જયેશ કોન્ટ્રાક્ટરને બોલાવીએ બાવળ કપાવી નાખવાની સૂચના આપે છે, હવે કોઈ માદા સુગરી માળામાં આવવાની નથી એ વિચારે આ વાર્તાનો પ્રતીકાત્મક ઉપયોગ વાર્તાકારની વાર્તાકળાને રજૂ કરે છે. જયેશનો સરલા તથા પરિવાર માટેનો મનોસંધર્ષ સુપેરે વ્યક્ત થયો છે. જયેશની મનોવેદનામાં કરૂણરસ આલેખિત થયો છે અને ગ્રામીણ – શહેરી પરિવેશનો ઉપયોગ ખપમાં લઈને વાર્તાકારે વાતાવરણને સુપેરે જાગ્રત કરી શકાય છે.

'નવેલી' વાર્તામાં બાપ – દીકરાનો નવેલી સાથેનો સંબંધ છે.દીકરાનું બાપમાં થયેલું રૂપાંતર નવેલીમાં બનેલ ઘટનાને કલાત્મક બનાવે છે. વાર્તાની અભિવ્યક્તિમાં રજૂ કરેલી કલાસૂઝને લીધે વાર્તાના તંતુઓ એકબીજા સાથે જોડાયેલા રહે છે. પિતા અને શાંતાકાકીની ઘોર વચ્ચે નવેલી જેટલું અંતર પણ સાંકેતિક છે. આ વાર્તામાં નવેલીના પ્રતીક દ્વારા પાત્રોના ચારિત્ર્યને ઉજાગર કરવામાં વાર્તાકારની સૂક્ષ્મ દ્રષ્ટિ દેખાઈ આવે છે. વાર્તાનો પરિવેશ ગ્રામીણ છે અને કરૂણ રસમાં રજૂ થઈ છે. ' અનપેક્ષિત ' વાર્તામાં નવા આવેલ બ્રાંચ મેનેજર ખૂબ કડક અને ચુસ્ત છે. મેનેજર તથા પરમાર બંને દલિત પાત્રો છે. પરંતુ બોસે જાતિ છૂપાવી છે.સ્ટાફની ખૂબ મથામણ છતાં તેમની જાતિ જાણી કે અન્ય કોઈ માહિતી મળતી નથી.તેમના વર્તન પરથી માત્ર કલ્પનાઓ કર્યા સિવાય છૂટકો નથી. વાર્તાના અંતે ગામડિયા સગાઓને લીધે બોસની જાતિ વિશે જાણકારી મળે છે.પછી તો બોસની જાતિને કારણે પટાવાળા કક્ષાના કર્મચારીઓ પણ બોસની અવગણના કરવા પ્રેરાય છે.જેમાં વાર્તાકારે જાતિગત વ્યવસ્થા તથા સંકુચિત માનસિકતા તરફ ઈશારો કર્યો છે.

'ના…નહીં તોડવા દઉં!' વાર્તા રાજવી પરિવેશમાં રજૂ થઈ છે. વિરેન્દ્રસિંહ અવસાન પામતા તેમના પ્રથમ રાણી પ્રેમકુંવરબા અને બીજા રાણી શણગારકુંવરબા વિધવા થાય છે. પ્રેમકુંવરબાને મંગળ હોવાથી તેમનાં મા- બાપે જોશીની સલાહથી પ્રથમ કુંભ સાથે પરણાવીને તે કુંભ કૂવામાં પધરાવ્યો હતો. પછી વિરેન્દ્રસિંહ સાથે પરણાવેલાં. પ્રેમકુંવરબાનું ચિત સતત કુંભમય રહ્યા કરે છે. વિધવા થયા પછી પણ! આ વાર્તામાં નિર્જીવ વસ્તુ- કુંભ સાથેનું પ્રેમકુંવરનું જોડાણ મનોવૈજ્ઞાનિક સમસ્યા ગણાય છે.આ ઉપરાંત મનોવૈજ્ઞાનિક સમસ્યાથી પીડાયેલા પાત્રના આલેખનથી આ વાર્તા વિશેષ બની રહી છે.' વળાંક પર અંધારું' માં પત્નીના અવસાન પછી વાર્તાનાયકની સ્થિતિનું આલેખન કરે છે. પત્નીના જીવતે જીવત કલ્પનામાં આશક્ત થઇ ગયેલા આત્મારામની જીવનલીલાની વાત છે. વાર્તાઅંતે કલ્પનાનું આત્મારામના જીવન માં હોવું ન હોવા બરાબર બની રહે છે. ' ઠેસ' વીણા અને સવિતા વચ્ચેનો ઈર્ષાભાવ વ્યકત કરતી વાર્તા છે. વીણા વિધવા છે. સવિતા સાથે નાની-મોટી બાબતે વારંવાર ઝઘડા કરે છે. પરંતુ સવિતા વિધવા થઈ છે. તેથી તેના હૈયાફાટરુદનને સાંભળી ઈર્ષાથી ત્યાં પહોંચી ગયેલી વીણા વેર છોડી સાંત્વના આપવા બરડામાં હાથ ફેરવવા લાગે છે. જેમાં ગ્રામજનોમાં ધબકતી સંવેદના સમય આવે કેવી પ્રગટ થઈ આવે છે તેનું ઉદાહરણ આ વાર્તામાં જોઈ શકાય છે. ગ્રામીણ પરિવેશ તથા બાહ્ય અને આંતરિક સંઘર્ષ સુપેરે વ્યક્ત થયો છે. જેમાં વેદના, કરુણ, રુદ્ર રસ નિરૂપાયેલા છે.

'ચિલોત્રાની જેમ’ વાર્તા કેદાર તુરીની ગરીબાઈનું નિરૂપણ કરતી વાર્તા છે. ચિલોત્રા પક્ષીના પ્રતીક અને તેની તુલના દ્વારા કેદારના ભૂતકાળ તથા વર્તમાનને રજૂ કરવામાં વાર્તાકાર સફળ રહ્યા છે. વર્તમાન સમયમાં કેદારની વેદનામાં આંતરિક સંઘર્ષ કરુણરસમાં ઉભરી આવ્યો છે. ‘સણકો‘ માં કનુના લીધે સગર્ભા બની બેઠેલી લલિતાની દુઃખભરી દાસ્તાન પ્રગટ થઈ છે. વાર્તાકથક લલિતાના બધા સમયનો સાક્ષી છે. વાર્તાન્તે લલિતાના સાડલાના કાણામાંથી રેતની દદુડી થવાનો સંઘર્ષ લલિતાના ડામાડોળ થયેલા જીવનનું જોડાણ રચે છે. પ્રથમ પુરુષ એકવચનમાં લખાયેલી આ વાર્તા છે. ગ્રામીણપરિવેશમાં રજુ થઈ છે. અને લલીતાના આંતરિક સંઘર્ષમાં કરુણા વ્યક્ત થઈ છે. ‘ભેટો' વાર્તામાં મૃત પતિ ત્રિકમની નિશાનીરૂપ પુત્ર ટીનિયાને પિયર મૂકી નાયિકા વાલી રણછોડ સાથે બીજા લગ્ન કરે છે. ત્યારે શરત કરી છે કે પોતે જ્યારે ઈચ્છે ત્યારે પુત્ર ટીનિયાને મળવા જશે . પરણ્યા પછી આ વાત રણછોડને પસંદ આવતી નથી. દેરાણીના પુત્રની બાબરીના પ્રસંગે બંને મેળામાં જાય છે. ત્યાં વાલીને ટીનિયો મળશે તેવી આશા છે. પરંતુ તે જાણી રણછોડ ગુસ્સે થાય છે.અંતે તેની પરવા કર્યા સિવાય વાલી પુત્રને મળવા પિયરની વાટ પકડે છે. રધુવીર ચૌધરી આ વાર્તાને 'જીવંત માતૃત્વના વલોપાતની કથા તરીકે ઓળખાવે છે'.[૧] આ મોહન પરમાર આ વાર્તાને ‘પુત્રઝંખનાની વાર્તા ગણાવે છે'[૨], જ્યારે વિનોદ ગાંધી આ વાર્તાને 'સ્ત્રીના કરમની કઠણાઈની વાર્તા છે' તેવો મત પ્રગટ કરે છે.[૩] અંતે આ વાર્તા માતૃત્વનો વિજય અને સ્ત્રીશક્તિનું ઉદાહરણ બની રહી છે.

'ચીલ'વાર્તામાં નોકરી કરતી પુત્રીને તેના જ કુટુંબીઓ દ્વારા આર્થિક શોષણ થાય છે. ‘દીકરીનું ના ખવાય' તે માન્યતાની સામે બાજુની આ વાર્તા છે. ચીલના પ્રતીક દ્વારા પાત્રોની માનસિક સ્થિતિ રજૂ કરવામાં વાર્તાકાર સફળ રહ્યા છે. વાર્તાઅંતે નાયિકાને મિલકતની વહેંચણી વખતે બાપાની મજબૂરી તથા વેદનાનું કારણ સમજાય છે. રઘુવીર ચૌધરી આ વાર્તાને સંગ્રહની ઉત્તમ વાર્તાઓમાંની એક છે.તેવું કહી આ વાર્તાને બિરદાવી છે. [૪] તો મોહન પરમારના મતે, 'ચીલ' દશરથ પરમારની ઉત્તમ વાર્તાઓમાં સ્થાન પામે તેવી વાર્તા છે.’ [૫] ‘શલ્યા' વાર્તામાં અહલ્યાને રામનો સીતાત્યાગ બરાબર લાગતો નથી. તે રામને મળી વિનંતી કરવા વિચારે છે. ગૌતમ ઋષિ અયોધ્યાથી પરત આવે છે અને એકાંતમાં મળી બધી વાત કરે છે. અંતે ગૌતમઋષિ અહલ્યા સાથે દેહસંબંધ બાંધવા પ્રેરાય છે. તે દરમિયાન અહલ્યા અનુભવે છે કે ગૌતમઋષિ, ઇન્દ્ર કે શ્રીરામ ત્રણેય પુરુષ છે. જેમાં તે ફરીથી શલ્યાનુભવ કરે છે. વાર્તાકાર પોરણિક પરિવેશને સુપેરે વ્યક્ત કરી શક્યા છે. 'કાયાન્તરણ' વાર્તામાં લેબોટરીમાં કેમિકલમાંથી પતંગિયા બનાવવામાં સફળ થયેલા ડૉ. સેમ પટેલ સફળતાના આનંદસાથે ઘરે જાય છે. ત્યાં તે ભૂતકાળની યાદોમાં ગામડે પહોંચી જાય છે.તે વખતે પિતાજીનું દલિતો તરફનું અયોગ્ય વલણ એ સમય ગમતું નહોતું પણ વાર્તાના અંતે કઠે છે. તે દરમિયાન તેના આસિસ્ટન્ટ સિમથની ભૂલથી પતંગિયા કાચની બહાર નીકળવા પ્રયાસ કરી રહ્યાની ખબર મળે છે, એ લેબોરેટરીમાં જઈને જુએ છે તો કાચ તોડી પતંગિયા લેબોરેટરીમાં ઉડવા લાગ્યા છે. વાર્તા અંતે સેમ બાપુજીની જેમ હવાતિયા મારતા હતા તેમ હવાતિયા મારવા માંડ્યો. અહીં દલિતો બંધન સ્વીકારતા નથી તેમ પતંગિયા બંધનમાંથી મુક્ત થઈને સ્વતંત્રતાની આશા રાખે છે. 'શિકાર' વાર્તામાં પક્ષી – પ્રાણીઓને પાત્રો બનાવી અથવા તેમના પ્રતીક દ્વારા સવર્ણ- દલિતો વચ્ચેની ભેદરેખાની વાર્તા છે.

'ફરક તો પડે છે!' વાર્તા ધાર્મિક ભેદભાવને નિરૂપે છે.મુસલમાનોની વધતી જતી જનસંખ્યાને કારણે ઘર બદલવાનો નિર્ણય કરતા જીવણલાલના મનમાં પડેલાં અસમાનતાનો ભાવ વ્યક્ત થયો છે. 'છેહ' વાર્તામાં માઈના દર્શને દલિતોને લઈ જવાની પ્રક્રિયા વખતે અને ગામમાં આવ્યા પછીની ક્રિયા વખતે ઊભી થતી ભેદભાવની માનસિકતાને વ્યક્ત કરતી વાર્તા છે. 'કાટમાળ' ભૂકંપ પીડિત વર્તનાયકની નિ:સહાયતા રજૂ થઈ છે. ભૂકંપ વખતે આખા ગામમાં માત્ર એક જ બચેલો માણસ આધાર – સબિતીના અભાવે સહાય મેળવી શકતો નથી. અંતે તે પણ કાટમાળમાં ફેરવાઈ જતો દર્શાવ્યો છે. 'મનગમતો નિર્ણય લેવાનું સુખ' વાર્તામાં પૂર્વી હિંમતપૂર્વક મનગમતા પુરુષ સાથે લગ્ન કરે છે. વર્ષો પહેલાં પોતે જે કરી શકી ન હતી તે પોતાના પ્રેમી સાથે ભાગી જઈ લગ્ન કરવાનો નિર્ણય કરતી નણદ પૂર્વી કરી શકી હતી. પૂર્વી ભાગી જઈ રહી હતી ત્યારે ભાભી પોતે નણદને લગ્નની ભેટરૂપે પોતાનું મંગળસૂત્ર આપે છે. આ ધટના વાર્તાને વિશેષ બનાવવામાં મહત્વપૂર્ણ રહી છે. 'થળી બહાર પગ' વાર્તામાં સાસુની અફવાને અવગણીને પોતાના પ્રિયપાત્ર તરફ આગળ વધતી વાર્તાનાયિકા અરુણાની(વિધવા)કથા છે.આ બન્ને વાર્તાઓમાં સ્ત્રીઓ પોતાને પસંદ નિર્ણય લેવામાં જરા પણ બાંધછોડ કરતી નથી.

'અસ્વીકાર' દલિત વાર્તા છે. ચંદુલાલનું સવર્ણ સંકુચિત માનસ જે સમાજ આપણા ઉપર ઉપકારક બની રહ્યો છે તે સમાજની કરુણ દશા અહી રજુ થઇ છે. વર્ષોથી ઘર કરી ગયેલી અસ્પૃશ્યતાને લીધે સમાજની ભેદરેખાઓને આપણે હજુ પણ ભૂસી શક્યા નથી. શાંતાફૂઈનું ભીખલા સાથે અને ચંદુલાલની પુત્રી સ્મિતાનું વાલ્મીકિ છોકરા સાથેભાગી જવું તથા મંગળનું ચંદુલાલને બચાવવું જેવી ઘટનાઓમાં ચંદુલાલની સંકુચિત માનસિકતા, દલિતો પ્રત્યે નફરતની દ્રષ્ટિ તેમના પાત્રમાં વર્તાય છે. 'વિચ્છેદ' ઘર, ગામથી છુટા પડ્યા પછી અન્ય સમાજમાં ન સ્વીકારાતા દલિત અધિકારી જે. ડી. આર્યની આસપાસ રચાયેલી વાર્તા છે. મોટી થઈ ગયેલી બે દીકરીઓનું ગોઠવવા મોટાભાઈ પાસે ગામડે જે. ડી. જાય છે. તે વખતે મોટાભાઈ અને ભાભીના સંવાદમાં પોતાના પ્રત્યેનો અણગમો નાયક પામી જાય છે. સમાજ સાથેનો વિચ્છેદ કેવા પરિણામો લાવે છે, તે જે. ડી. ના પાત્ર દ્વારા વ્યક્ત થયું છે. વાર્તાનો અંત પ્રતીકાત્મક છે. ‘બે ઈ- મેઈલ અને સરગવો‘ વાર્તામાં ઈ-મેઈલ દ્વારા માનસી શૈલીને પોતાની સ્થિતિથી માહિતગાર કરે છે. એમાં શિવાકાકાનો પોતાના કુટુંબ સાથેનો નાતો અને નિષ્ઠા. શિવાકાકાનો માનસી પ્રત્યેનો વાત્સલ્યભાવ અને સરગવો કાપવાનો હઠાગ્રહ, શિવાકાકાનું અવસાન અને નાયિકાનું સ્વપ્ન. જેમાં સરગવો નહીં કાપવાનો નિર્ધાર, શૈલેષની ઉદાસીનતા અને સરગવો કાપવાનો નિર્ણય જેવા પ્રસંગો વખતે માનસીનું મનોવલણ શિવાકાકાના આત્મા સાથે જોડાયેલું રહે છે.

આમ, આ સંગ્રહની વાર્તાઓમાંથી પસાર થતા વાર્તાકારની કળાસૂઝ, સૂક્ષ્મ નિરીક્ષણશક્તિનો પરિચય કરાવે છે. ગ્રામીણ વાતાવરણ તો વાર્તાકાર સહજ રીતે નિરૂપિત કરી શકે છે, પણ અવનવા પરિવેશમાં વાર્તાને પ્રગટાવવાની દ્રષ્ટિ દશરથ પરમારનું જમા પાસુ છે. પાત્રની સંવેદના, મનોસંચલનો અને પરિસ્થિતિની સંયમપૂર્વકની અભિવ્યક્તિ તેમનું લક્ષ્ય છે. ફ્લેશબેક દ્વારા વાર્તાને વધારે આકર્ષક, ગૂંથણી…એમ કરતા જઈ તેમાંથી સંઘર્ષમય પળોને પ્રગટાવવી કલા ભાવક માટે સચોટ પૂરવાર થાય છે.

પાદટીપ:

  1. ‘બે ઈ-મેઈલ અને સરગવો'ની પ્રસ્તાવનામાંથી
  2. 'પરબ ' સામયિક, પૃ.૬૬, સપ્ટેમ્બર: ૨૦૧૬
  3. 'શબ્દસૃષ્ટિ' સામયિક, પૃ. ૮૦, માર્ચ: ૨૦૧૪
  4. 'બે ઈ-મેઈલ અને સરગવો' ની પ્રસ્તાવનામાંથી
  5. 'પરબ' સામયિક, પૃ.૬૭, સપ્ટેમ્બર: ૨૦૧૬
સંદર્ભ
  1. 'બે ઈ-મેઈલ અને સરગવો' (વાર્તાસંગ્રહ) લે. દશરથ પરમાર, પ્રથમ આવૃતિ: ૨૦૧૩, પ્રકાશન: ડિવાઈન પબ્લિકેશન્સ, અમદાવાદ

પરમાર અરુણકુમાર કનુભાઈ, રિસર્ચ સ્કોલર, ભાષાસાહિત્ય- ભવન, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ. arunkumarparmar7500@gmail.com