Included in the UGC-CARE list (Group B Sr. No 172)

બે ગઝલ


અઘરું છે.


જાતથી નોખા થવાનું ખૂબ અઘરું છે.
ફૂલ થૈને મ્હેકવાનું ખૂબ અઘરું છે.

રૂપ લેવાનું હવાનું ખૂબ અઘરું છે.
દેહને છોડી જવાનું ખૂબ અઘરું છે.

ખૂબ અઘરું છે બધાનાં દર્દ લેવાનું,
કામ જો કે આ દવાનું ખૂબ અઘરું છે.

એક જણ હો તો તમે રાજી ય રાખી લો,
ખુશ બધાને રાખવાનું ખૂબ અઘરું છે.

ઝાડ થૈને પૂગવાનું આભમેળે એ,
બી પ્રથમ ઉગાડવાનું ખૂબ અઘરું છે.

વાર શી કો’ દીપને પ્રગટાવવામાં ‘અનિ’ ?!
પોતને પ્રગટાવવાનું ખૂબ અઘરું છે.


તું


તું અમસ્તી જ પગ મૂક જે જે સ્થળે;
એ, સ્થળો રેશમી રેશમી ઝળહળે.

નામ તારું લખું જ્યાં હજી વાદળે;
યાદ તારી નદી જેમ ટોળે વળે.

આવવાના સમાચાર તારા મળે;
આ હ્રદય તુર્ત સમદર બની ખળભળે.

માછલી જેમ ઇચ્છા બધી ટળવળે;
હાથથી તું જરા સ્પર્શ, તો કળ વળે.

આવ, ને આજ તું લે ! મને મળ ગળે;
પહાડ એકાંતનો તો તરત પીગળે.

ફૂલને કાનમાં કૈં કહ્યું ઝાકળે;
ફૂલ પત્તંગિયું થૈ ગયું એ પળે.

આ ગઝલ જે સુણે-સંભળાવે જગે;
એમને પિયુ દર્શન તણું સુખ મળે.

અનિરુદ્ધસિંહ ભીખુભા ગોહિલ, ‘ઉપનિષદ’, પ્લોટ નં. ૪૩/બી, ગૌરીશંકર સોસાયટી, જવેલ્સ સર્કલ, ભાવનગર: ૩૬૪૦૦૩