Included in the UGC-CARE list (Group B Sr. No 172)

બાવકા

વંચિતોની વચ્ચે,
વન સમા વિસ્તારમાં,
વસ્યું
બાવકા નામે ગામ;
બનાવ્યું હશે કોણે કોઈ ન જાણે
મહાકાલ શિવનું પરમ ધામ.
જાણ્યું હતું કે છે એ સૌંદર્યમંડિત,
રૂપકડું છે, ભલે છે એ ખંડિત.
દૂરથી જોયું;
થડકી ઊઠ્યું હૈયું,
ને ભરાઈ આવી આંખ.
ઊડતા કોઈ પંખીડાની જાણે
કોઈએ તોડી પાડી પાંખ.
અંદર આવી, મૂંઝવણ વધી,
કોને નમું?
પંચાયતન આ મંદિરનું
નથી શિખર એકેય લાધતું
જડે ન અવશેષ એકેય મંડપના
ચોરી ગયા ચોર
— એ બધા દેવ ક્યાં?
બહાર નીકળી...
આ હા હા..!
કલા એની જુઓ તો
લાગે નાનું સરીખું
ખજૂરાહોનું કોઈ મંદિર,
કે પછી આવે કોણાર્કની યાદ.
સંસારીને ભાન ભૂલાવે,
વૈરાગીને રાગ ચડાવે,
કામસૂત્રના શિલ્પસૂત્ર એ
શોભે દેવાંજલિએ!
ને મંડોવરે ઊભેલા દિક્‌‌પાલો,
જોઈ આટલું ન વિચલિત થાતાં!
અવિચલતા એની માન મંગાવે.
શું છે એમાં?
છે મોઢેરાની કલા પરંપરાની છાયા,
કે ગળતેશ્વરના સ્થાપત્યની કાયા?
કેવી કલાકારની કલ્પનાની માયા!
હું તો જોઉં,
કલા ભરેલ કંદોરો નાંખેલી,
કોઈ વૃદ્ધા જાણે ગર્વીલી,
સ્મશાનમાં એકલી ઊભેલી,
લડે મૃત્યુ સામે કેવી ખમતીલી!

ઝલક પટેલ