ભૂંસાતા અસ્તિત્વની વાર્તા : ‘સરલ અને શમ્પા’
મધુ રાય એક પ્રયોગશીલ સર્જક તરીકે જાણીતા છે. ટૂંકીવાર્તા, નવલકથા અને નાટક જેવાં સ્વરૂપોમાં મધુ રાયનું આગવું પ્રદાન રહ્યું છે. ઈ.સ. ૧૯૪૨માં જામખંભાળિયામાં જન્મેલા મધુસૂદન વલ્લભદાસ ઠાકર અઢારેક વર્ષની વયથી ‘મધુ રાય’ એવા ઉપનામથી લખે છે અને પછી તો તેઓ એ જ નામથી ઓળખાય છે. ઈ.સ. ૧૯૭૪થી તેઓ અમેરિકા સ્થાયી થયા છે. આજે ૭૮ વર્ષની વયે પણ તેઓ નવા વાર્તાકારો માટે ‘મમતા’ નામનું સામયિક ચલાવે છે અને અનુજોની સર્જકતાને પોષે છે. તેમની નવલકથા અને નાટકો પરથી ગુજરાતી અને હિન્દીમાં ફિલ્મો અને ધારાવાહિક બની છે. મૂળ તેઓ નાટકના જીવ છે એટલે તેમની કોઈ પણ રચનામાં નાટ્ય તત્વ ઊડીને આંખે વળગે એટલી માત્રામાં જોઈ શકાય છે. મધુ રાયની કોઈ પણ સ્વરૂપની કૃતિ ભાવકોને ઝકડી રાખે એટલી તરોતાઝા હોય છે. નાટ્ય તત્વની જેમ જ ફેન્ટસી પણ મધુ રાયની કૃતિઓનો આગવો વિશેષ છે. ખાસ કરીને તેમની વાર્તાઓમાં આ તત્વ વિશેષ જોવા મળે. અહીં આપણે મધુ રાયની બહું જાણીતી વાર્તા ‘સરલ અને શમ્પા’ સંદર્ભે થોડી ચર્ચા કરીશું.
ઈ.સ. ૧૯૮૭માં સુવર્ણા રાય દ્વારા થયેલ સંપાદન ‘મધુ રાયની શ્રેષ્ઠ વાર્તાઓ..’થી માંડી આજે જે સંપાદન નિમિત્તે આ લખાઈ રહ્યું છે, ત્યાં સુધીમાં પ્રતિનિધિ ગુજરાતી ટૂંકીવાર્તાના અનેક સંપાદનોમાં આ વાર્તા સમાવાઈ છે. આટલાં વર્ષો દરમિયાન સંપાદકોને આ વાર્તાએ આકર્ષ્યા છે અને ભાવકોએ ઝીલી છે. વાર્તાની ફેન્ટસી વાર્તામાં ખેંચી જાય અને સડસડાટ વાર્તા પૂરી થાય ત્યાં સુધી સતત ભાવકને ઉત્તેજિત રાખે તેવી રીતે મધુ રાય આ વાર્તા આલેખે છે. ને વાર્તા પૂરી થાય ત્યારે ભાવક વિચારતો થઈ જાય. એ નક્કી ન કરી શકે કે, બધું સમજાઈ ગયું કે કાંઈ ન સમજાયું ! પણ સમજાય કે ન સમજાય અભિવ્યક્તિની મજા એને ચોક્કસ માણવા મળે. અને સીધેસીધું કાંઈ કહ્યાં વગર આ વાર્તા એને ઘણું બધું વિચારવા પ્રેરે. મને લાગે છે કે, કોઈ નિષ્કર્ષ પર લાવવાનું નહિ, પણ વિચારતા કરવાનું કામ જ સાહિત્ય કૃતિએ કરવાનું હોય છે. વિચાર હશે તો સ્વ-વિવેકથી નિષ્કર્ષ પર જવાનો રસ્તો ભાવક આપોઆપ શોધી શકશે.
વાર્તાની શરૂઆત તો સામાન્ય રીતે વાર્તાઓમાં હોય છે એમ એક નાયક અને નાયિકાથી થાય છે. પહેલાં ફકરામાં વાર્તાકાર નાયક-નાયિકાનો ટૂંકો પરિચય આપી દે છે. પણ બીજાં ફકરાથી વાર્તા સામાન્યમાંથી વિશિષ્ટ બનવા લાગે છે. વાર્તાના આરંભનો એ ખંડ જુઓ :
“સરલ અને શમ્પાને પ્રેમ હતો અને એ બંને લગભગ રોજ સાંજના બગીચામાં બેસતાં. શનિ અને રવિ આખો દિવસ સાથે ગાળતાં અને વાતો કરતાં.
એક દિવસ સાંજે બગીચામાં સરલ અને શમ્પા પ્રેમથી બેઠાંબેઠાં વાતો કરતાં હતાં, અને શમ્પાએ સરલને કહ્યું હતું કે દુનિયાના અંત સુધી આમ બેઠાં રહેવાનું હોય તો કેવું સારું ! સરલ ખૂબ મજાની વાતો, સાંભળવાનું મન થાય એવી વાતો, શમ્પાને કરતો હતો, અને એકાએક બત્તીના આછા અજવાળામાં એણે જોયું તો શમ્પાનો જમણો હાથ દેખાતો નથી.....”
સરલની જેમ જ થોડી વાર ભાવક પણ કાંઈ સમજી શકતો નથી, પણ પછી તો ધીમે ધીમે આખી શમ્પા જ અદૃશ્ય થઈ જાય છે ! પોતાને ભ્રમ થયો હશે એમ માનીને સરલ સામેની હોટલમાંથી ફોન પર શમ્પા સાથે વાત કરવા પ્રયાસ કરે છે, શમ્પાના ઘરે જઈ શમ્પાને મળવા ઈચ્છે છે, શમ્પાની બહેનપણીને ત્યાં શમ્પા વિષે પૂછપરછ કરે છે, કૉલેજના કાર્યાલયના રજીસ્ટરમાં શમ્પા વિષે તપાસ કરે છે, પણ ક્યાંય કોઈ શમ્પાને ઓળખતું જ નથી ! એટલે શમ્પા અદૃશ્ય થઈ એ ભ્રમ હતો કે શમ્પા હતી એ જ ભ્રમ હતો ? એવો એક પ્રશ્ન મૂકીને વાર્તાનો પ્રથમ ખંડ પૂરો થાય છે.
બીજાં ખંડમાં સરલ જે મિત્રને શમ્પા વિષે વાતો કરતો એને પૂછે છે, શમ્પાના પ્રેમપત્રો શોધે છે, પેન ઉપર લખેલું ‘સરલ અને શમ્પા’ નામ શોધે છે, પણ બધેથી શમ્પા ગાયબ છે. બીજે દિવસે સાંજે ફરી સરલ ગઈ કાલે જ્યાંથી ફોન કરેલો તે હોટલમાં જાય છે, તો ત્યાં કોઈ એને ઓળખતું નથી ને ફોન પણ નથી. બગીચામાં જાય છે તો બગીચો અદૃશ્ય થવા લાગે છે અને ત્યાંથી ભાગી સરલ શમ્પાને ઘરે જાય છે, તેની બહેનપણીને ઘરે પહોચે છે પણ ગઈ કાલે શમ્પાને ઓળખવાની ના પાડનારા આ સ્વજનો આજે સરલને પણ નથી ઓળખતા. એટલે હવે સરલનું હોવું પણ ભ્રમ છે ? કે બધાં સંબંધો ભ્રમણા છે ? એવાં પ્રશ્ન ભાવક ચિત્તમાં જગાડી બીજો ખંડ અટકે છે.
ત્રીજા ખંડમાં સરલની તપાસના અંતે કૉલેજમાં, હોસ્ટેલમાં, મતદારયાદીમાં, સામયિકના ગ્રાહકોની યાદીમાં, હોસ્પિટલમાં, પોસ્ટ ઓફિસમાં ક્યાંય સરલ નામના વ્યક્તિને કોઈ ઓળખતું નથી. એ જે ગામનો છે એ નામનું કોઈ ગામ નથી. એના એક મિત્રને પોતાની ઘડિયાળ અને પેન વેંચવા ગયેલા સરલને પેલો મિત્ર ઓળખતો નથી અને ખોવાયેલી વસ્તુ પાછી આપવા માટે આભાર માનીને અજાણ્યા વ્યક્તિ તરીકે શરબત પીવડાવે છે. આમ બહારની દુનિયા માટે શમ્પાની જેમ જ નામશેષ થઈને, જાણીતા મિત્રને ત્યાં અજાણ્યા તરીકે શરબત પીતા સરલ પાસે ત્રીજો ખંડ લઈ જાય છે.
ચોથા ખંડમાં રસ્તે ચાલતા સરલને પોતાના જ બૂટ નાના પડવા લાગે છે, માથે તાલ પડી જાય છે, ધીમે ધીમે નિર્વસ્ત્ર દશામાં દોડતો સરલ એક ઝરણામાં પગ બોળે છે તો પગ અદૃશ્ય થઇ જાય છે, તે ભાષા ભૂલી જાય છે, છેવટે આખું શરીર અલોપ થઈ જાય છે. પોતાનું નામોનિશાન ગુમાવી બેઠેલો સરલ પોતાની હસ્તી સ્થગિત કરી દે છે, જેથી પોતે જ પોતાને ન ઓળખી શકે એવી સ્થિતિમાં મૂકાવું ન પડે -ત્યાં વાર્તા પૂરી થાય છે. પણ હવે કાંઈ બચાવવા જેવું બચ્યું જ નથી, પછી અટકવાનો શો અર્થ ? અને આ બધું સમજાયું, છતાં કશુંક ભાષા ઉકેલવા માત્રથી ન સમજી શકાય એવું કંઈક વણસમજ્યુ રહી ગયું તેના વસવસા વચ્ચે ભાવકને વાર્તાકાર મૂકી દે છે.
આખીય વાર્તાના કેન્દ્રમાં સરલ છે. વાર્તામાં જે કાંઈ બને છે, તે સરલ સાથે બને છે. શમ્પા અદૃશ્ય થઈ પછી એનું શું થયું ? અથવા એ અદૃશ્ય થઈ કે સરલનો વહેમ હતો ? અથવા તો શમ્પા હતી કે કેમ ? એવાં ઘણાં બધાં પ્રશ્નો છે ને ભાવક પાસે એનાં કોઈ જવાબ નથી, પણ સરલ તો છે જ. આખી વાર્તામાં એ પોતાના પ્રિય પાત્રની શોધમાં પોતાના વિલાઈ રહેલા અસ્તિત્વની નોંધ પણ રાખી શકતો નથી. અંતમાં શમ્પાને તો નથી મેળવી શકતો, પણ પોતાની જાતને પણ સરલ ખોઈ બેસે છે. બીજાં બધાં પાત્રો તો તદ્દન ખપ પૂરતાં જ વાર્તામાં પ્રયોજાયા છે. અહીં મુખ્ય સરલ છે, બાકી બધું તેની સાથે, તેના હોવાથી વાર્તામાં આવ્યું છે એટલે મધુ રાય ‘શમ્પા અને સરલ’ નહિ, પણ ‘સરલ અને શમ્પા’ એવું શીર્ષક યથાર્થ રીતે પ્રયોજે છે.
ચાર ખંડમાં વહેચાયેલી વાર્તા તેનાં ટૂંકા સંવાદો અને ગતિશીલ ગદ્યના લીધે ભાવકને એક શ્વાસે સરલની સાથે સાથે દોડાવે છે. પોતાની શમ્પા અને પોતાના અસ્તિત્વને શોધવા નીકળેલા સરલની ગતિ સ્વાભાવિક જ તેજ હોવાની, એ ગતિશીલતા વાર્તાના ગદ્યમાં અનુભવાય છે. સહૃદય ભાવક વાર્તા વાંચતા ભાષા દ્વારા સર્જકે વાર્તાને આપેલી રફતાર અને એ રફતારની વાર્તામાં ઉપયોગીતા અનુભવી શકશે.
વાર્તા ત્રીજો પુરુષ પાત્રકેન્દ્રી કથક દ્વારા કહેવાઈ છે. પ્રથમ પુરુષ કથક સરલના અલોપ થયા પછી આપણી સાથે વાત ન કરી શકેત, તો ત્રીજો પુરુષ સર્વજ્ઞ કથક શમ્પા પછી સરલ પણ નથી રહેવાનો તેવું રહસ્ય ગોપવી ન શકેત. પણ ત્રીજો પુરુષ પાત્રકેન્દ્રી કથક સતત પાત્રની સાથે રહી ભાવકને કથા કહેતો જાય છે અને નાયકથી અલિપ્ત પણ રહી શકે છે. સર્જક પણ આવી જ રીતે પોતાના પાત્રો સાથે કામ પાડે છે, એટલે તો ઘણી વખત સર્જક અને કથક વચ્ચે ભેદ કરવામાં અવઢવ થતી હોય છે.
સંબંધો કે અસ્તિત્વ એક ભ્રમણા છે, એવાં કોઈ દર્શન તરફ ઈશારો કરતી આ વાર્તામાંથી પરંપરાગત વાર્તાની જેમ કોઈ નિશ્ચિત બોધ કે સંદેશ કે દર્શન તારવવું સરળ નથી. જો કે એ કારણે જ વાર્તા અનંત શક્યતાઓ વિચારવા માટે ખુલ્લો પટ મૂકી જાય છે. ને એ જ સાહિત્યકૃતિ તરીકે આ વાર્તાની સાર્થકતા છે. ‘સરલ અને શમ્પા’ વિષે ‘પ્રયોગની પવનપાવડી પર’ શીર્ષકથી એક લેખમાં પ્રસાદ બ્રહ્મભટ્ટ નોંધે છે :
“....શમ્પાના, શમ્પા સાથેના સંબંધના સત્યને સમજવા, સુલઝાવવા સરલ સતત જાતજાતના પ્રયાસો કરે છે, ઉધામા કરે છે, પણ સત્ય જો તેની સમજમાં ન આવ્યું હોય તો વાચકને, ભાવકને, સરળતાથી સમજાય એવી આશા, અપેક્ષા અસ્થાને નથી ? સરલની જેમ આપણે પણ સચ્ચાઈને સમજવાની, સંબંધોની સંકુલતાને સુલઝાવવાની માથાકૂટ, મથામણ, મહેનત કરવી જ રહી. એ મથામણને અંતે માખણ મળશે કે છાસ એ આપણી ક્ષમતા પર અવલંબિત છે...”
અહીં સરલની સમજમાં ન આવે, એ સત્ય ભાવકને પણ ન સમજાય એ વાત માની શકાય એમ નથી. કેમ કે પાત્રની સમજ સર્જકે નિયત કરેલી હોય છે, ભાવકની સમજ પર એવું કોઈ નિયંત્રણ હોતું નથી, તેથી ચોક્કસ આશા રાખી શકાય. પણ એ ખરું કે મંથનના અંતે ક્ષમતા મુજબ સૌ પામી શકે. આ વાર્તા વિષેની આટલી વાત પછી માખણ નીકળ્યું કે નહિ, એ તો ખબર નહિ પણ ફીણ જરૂર વળ્યા છે. જો આ રીતે મથતા રહીશું તો કયારેક ને ક્યારેક માખણ મળ્યા વગર નહિ રહે.
વાર્તામાંથી જેટલી વખત પસાર થઈએ એટલી વખત અગાઉ તારવેલા તારણ માટે ‘આપકો કોઈ ધોખા હુઆ હૈ.’ ‘કંઈ સમજફેર થઈ હશે’, ‘સરતચૂક થઈ ગઈ લાગે છે.’ –એવું કહેતી આ ભૂંસાતા અસ્તિત્વની વાર્તા મધુ રાયની એક ચીર કાળ સુધી ભાવકોને આકર્ષતી રહેલી નોંધપાત્ર પ્રયોગશીલ વાર્તા છે.
સંદર્ભ ગ્રંથ :