દૂર દૂર ગામતરે ઊડી જતી સંતીની વાર્તા- ‘વાની મારી કોયલ’
ગુજરાતના તળપ્રદેશને ઉજાગર કરતા વાર્તાકારોમાં ચુનીલાલ મડિયાનું સ્થાન પ્રથમ હરોળમાં છે એમ કહી શકાય. ટૂંકીવાર્તાની તાસીર મડિયા ખૂબ સારી રીતે જાણે છે અને ગુજરાતી સાહિત્યને સુન્દર કલાઘાટવાળી એકથી એક ચડિયાતી કળાકૃતિ આપી પોતાનું નામ દીર્ઘકાલ સુધી વાર્તા સ્વરૂપમાંથી ભૂંસી ન શકાય એવું પ્રદાન અર્પે છે. ગ્રામજીવનની તેમજ શહેરીજીવનની ભૂમિકાવાળી વાર્તાઓ મડિયા રચે છે. છતાં સર્જક ગ્રામજીવનને વ્યક્ત કરતી વાર્તાઓમાં વધુ ખીલ્યાં છે એમ કહી શકાય. સોરઠની ભૂમિને તેઓ ઘણી બધી સફળ રીતે વાર્તાઓમાં પ્રગટ કરે છે. મડિયાની વાર્તાઓમાં ભાવ, ભાષા અને પરિવેશનું જે ઘટ્ટ મિશ્રણ જોવા મળે છે એ થકી મડિયાનું સ્થાન ગુજરાતી સાહિત્ય જગતમાં ઉત્તમ વાર્તાકારોમાં છે. ગાંધી યુગ અને સ્વાતંત્ર્યોત્તર કાળનું અનુસંધાન મડિયાની વાર્તાઓ કરાવે છે. આવા પ્રતિભાશાળી વાર્તાકારની ‘વાની મારી કોયલ’ વાર્તા વિશે આસ્વાદલક્ષી ચર્ચા કરવાનો મનસૂબો છે.
પ્રસ્તુત વાર્તા સંદર્ભે ટૂંકીવાર્તાનાં ઘટકતત્વોને ધ્યાને રાખીને વાર્તાની મૂલવણી કરીશું. કથા વસ્તુ, વસ્તુગૂંથણી, પાત્રનિરૂપણ, પરિવેશ, ભાષાશૈલી, સંવાદ, શીર્ષક વગેરે બાબતોને આ વાર્તા સંદર્ભે ધ્યાને રાખીને આસ્વાદન કરીએ. આ વાર્તામાં ભાવ અને ભાષાનું સંયોજન કેવું ઘટ્ટ બન્યું અને ભાવકના ચિત્તને, હૃદયને કેટલું સ્પર્શે છે એનું પણ એક સહૃદયી ભાવક બનીને રસપાન કરીએ.
‘વાની મારી કોયલ’ વાર્તાનું કથાવસ્તુ કંઈક આવું છે : રવા પટેલ પોતાના અંધ પિતા નેણશી ભગતની અંતરની એષણાને સંતોષવા પોતાની વાડીમાં ચાર વીઘામાં પાકેલાં શેરડીના પાકને શહેરમાં સારો ભાવ આવતો હતો છતાં વેચવાને બદલે વાડીમાં ચિચોડો મૂકી પીલવાનો નિર્ણય કરે છે અને સૌ સગા વ્હાલા, ગ્રામજનોને આવકારે છે મીઠી શેરડીનો રસ પીવા અને રાંધેલો ગોળ ખાવા. સૌને આ ઉજાણીમાં સામેલ થવા નોતરે છે. રવા પટેલ નેણશી ભગતનું એક માત્ર સંતાન અને રવા પટેલને સંતાનમાં એક માત્ર દીકરી કોયલ સમી સંતી. સંતીના તો ઘોડિયાલગ્ન થયેલાં પણ જોગાનુજોગ સંતીના મોટા આણાંનો પ્રસંગ અને શેરડી પીલવાનો અવસર સાથે જ ઉજવાય એમ ઉદાર દિલના રવા પટેલ નક્કી કરે છે અને પુત્રવિહોણા ઘરમાં પુત્રલગ્ન જેવી ધામધૂમ શરુ થાય છે. શેરડી પીલી એનો ગોળ રાંધવા માટે પટેલે આજુબાજુનાં પંથકમાં નામખ્યાત જુવાન ગોવા ગળિયારાને બોલાવ્યો છે.પાકશાસ્ત્રની કલામાં તો ગોવો કસબવાળો છે જ સાથે રંગીન મિજાજી પણ ખરો. ગોવાનાં આવા સ્વભાવથી જ સંતી એને પ્રથમ મુલાકાતે જ પોતાનું દિલ દઈ બેસે છે એ પણ એના આણાંની આગલી સાંજે. સમય અને સંજોગોનું ભાન ભૂલી મત્ત યુવાહૈયા બધી હદ વતાવે ચુકે છે.સંતી વાડીએ આવી તો હતી નેણશી ભગતને અફીણ આપવા માટે પણ ગોવાના ગીતોમાં, એના ગમતીલા સાહચર્યમાં બધું જ ભૂલી જાય છે,. સમગ્ર વસ્તુસ્થિતિનું ભાન જ્યારે સંતીને થાય છે ત્યારે વખત વહી ચૂક્યો હોય છે.. આજુબાજુ બનતી ઘટનાઓનો ક્યાસ પોતાની બે આંગળી સુંઘીને કાઢી શકે એવા અંધ ભગત નેણશી ભગત પણ વસ્તુસ્થિતિ પારખી લે છે. વાતાવારણને પારખતાં અંધ નેણશી ભગતને સંતી સાથે કશું અઘટિત બની રહ્યું છે એનો અણસારો આવી જાય છે અને ત્યાં સંતી ભગત પાસે આવે છે. સંતી અફીણ જોતાં જ મનમાં નિર્ણય કરી લે છે અને ભગતને આપવા માટે લાવેલું અફીણ સંતી ભગત ને ન આપતાં વાટકામાં ઓગાળી પોતે જ પી લે છે. બીજા દિવસે આણાંનાં ગાડે બેસીને નીકળનારી સંતીની નનામી નીકળે છે.રવા પટેલની વાની મારી કોયલ ઊડી જાય છે દુર દુર દેશાવર જ્યાંથી એ ક્યારેય પાછી નથી ફરવાની. નેણશી ભગત પાગલ થઈ જાય છે અને બીજા દિવસે વાડીમાં ગોવા ગળિયારાનો પણ ક્યાંય પતો નથી. વાર્તાના અંતે આવી આંચકો આપનારી ત્રિવિધ ઘટના બને છે. આટલા કથાનકને મડિયા પોતાની આગવી અભિવ્યકિત દ્વારા પ્રગટાવે છે. વાર્તાનું કથાનક ભાવકને જકડી રાખનારું અને એક પછી એક ઘટનાથી મંત્રમુગ્ધ કરનારું છે.
‘વાની મારી કોયલ’ વાર્તામાં રજુ થતાં પાત્રો વિષે વાત કરીએ તો અહીં ખૂબ ઓછા પણ મહત્વના પાત્રો છે. સંતી, ગોવો ગળિયારો, નેણશી ભગત અને રવા પટેલ આ ચાર પાત્રો જ વાર્તાને પોતાના ખભે લઈને ચાલે છે. વાડીમાં કામ કરતા મજૂરો, સંતીની સહેલીઓ,ગામ લોકો, ઢગ તેડવા આવેલા મહેમાન વગેરે કથાનકને આગળ વધારવા મદદ કરનારા પાત્રો છે.
સંતી આ વાર્તાનું મુખ્ય અને ખૂબ જ મહત્વનું પાત્ર છે. રવા પટેલે એને ખૂબ જ લાડકોડથી ઉછેરેલી છે. સ્વભાવે ખૂબ જ સરળ, ભોળી મુગ્ધા છે. અંધ નેણશી ભગતની હરહંમેશ સંભાળ રાખનારી વ્હાલી દીકરી છે. અંધ નેણશી ભગતની તો એ જાણે લાકડી છે. વાડીએ રહેતાં ભગતને અફીણ, લાકડી, જમવાનું વગેરે સમયસર સંતી જ આપવા જાય છે. સાસરે જવાના સપના સેવતી સંતીના મોટા આણાંનો સમય થયો છે અને આણાંની આગલી સાંજે સંતી વાડીએ આવી છે અને ગોવા સાથે ગીતો ગાતા ગાતા ક્યારે એનાથી મોહિત થઈ જાય છે અને બધુ જ ભૂલી ગોવામાં સમૂળગી ખોવાય જાય છે. શું બનવા પામ્યું એની જાણ સંતીને થાય છે ત્યારે તો બધું જ બની ગયું હોય છે અને સંતી પોતાનો રસ્તો શોધી લે છે.દાદા નેણશી ભગતનું અફીણ પોતે જ ઓગાળીને પી જાય છે અને દાદા અને બાપાની વ્હાલી કોયલ સદાયને માટે ઊડી જાય છે. ભોળી સંતીને પોતાનું જોબન દગો છે, સ્વભાવની, વાણીની મીઠાશ, તેને દગો દે છે. ગોવાના ગીતોમાં, એના રંગીલાઈ ભર્યા વાણીવિલાસમાં, એના સ્પર્શમાં સંતી ક્યારે તણાય ગઈ એ ખુદને પણ ખબર રહેતી નથી પણ સંતી એ બાબતનો તોડ કાઢી લે છે એ પણ પોતાનો જીવ ત્યાગીને. સંતી ગીતો પણ સરસ ગાઈ શકે છે. ગોવા સાથે ગીતો દ્વારા જ સંવાદ થાય છે.
મડિયા સંતીના યૌવનનું- એના રંગીલા,અલ્લડ સ્વભાવનું વર્ણન કરે છે એ જોઈએ:
‘વહેલી પરોઢે ખેતરે જવા નીકળી હોય કે બપોરા ટાણે ભાત લઈને જતી હોય, કે સાંજે માથા ઉપર ભાર મૂકીને પાછી ફરતી હોય, પણ સંતીના પગરવે સીમનું યૌવન જાગી ઊઠતું. અંગેઅંગમાંથી અણબોટ્યું લાવણ્ય નિતારતી એ સુકુમાર દેહલતા આખી સીમના વાતાવરણને તાઝા-બ-તાઝા આહ્લાદ વડે ભરી મૂકતી. એક ચૈતર મહિને જ્યારે ખેતરે જતા રસ્તા ઉપરના આંબાવાડિયાના આંબા લૂંબઝૂંબ શાખો વડે લચી પડતા હતા અને કોયલોએ બાર બાર મહિનાનાં રખોપાં કર્યાં છતાં મહોર મોર્યાં ટાણે જ દાઢ આવી હોવા બદલ કુ… ઉ… ઉ… કુ… ઉ… ઉના દર્દભરપૂર ફરિયાદ–ટહૌકા ગાવા માંડ્યા હતા ત્યારે નમતે પહોરે નેણશી ભગત માટે અમલનું અફીણ લેવા નીકળેલ સંતીથી આપમેળે જ ગવાઈ ગયું :
ચૈતર ચંપો મ્હોરિયો ને મ્હોર્યાં દાડમ દ્રાખ,
કોયલડી ટહૌકા કરે, કાંઈ બેઠી આંબાડાળ.’
યુવાનીના જોશમાં કશુંક ન કરવાનું કરીને પોતે ભારોભાર પસ્તાય છે. બીજા જ દિવસે આણાં છે. સાસરે જવાનું છે અને આગલી સાંજે આવું બને છે પણ ભોળી, માસુમ સંતી અચાનક સમજદાર બની બાપા- દાદાની આબરુને કલંક લાગે એ પહેલા જ પોતાનો રસ્તો કરી લે છે. દાદા નેણશી ભગત બધું પારખી ગયાં છે એ જાણતાં જ સંતી હંમેશને માટે ઊડી જાય છે. સંતીનું પાત્ર મડિયાનાં ચિરંજીવી નારીપાત્રો પૈકીનું એક છે.આ વાર્તામાં આવતાં એક જ નારી પાત્ર તરીકે સંતી પોતાની જવાબદારી બેખૂબી નિભાવે છે. કોયલ જેવો મીઠો ટહુકો કરતી સંતી મડિયાનાં નારીપાત્રોમાં મોખરાનું સ્થાન ધરાવે છે એમાં કોઈ શંકા નથી.
ગોવા ગળિયારાનું પાત્ર મુખ્ય પુરુષ પાત્ર તરીકે આવે છે. નેણશી ભગત, રવા પટેલ પણ મહત્વની ભૂમિકા ભજવે છે જ પણ સંતી ની સામે ઉભું રાખી શકાય એવું, વાર્તાના નાયક તરીકેની ભૂમિકા ભજવી શકે એવું પાત્ર હોય તો તે પાત્ર ગોવા ગળિયારાનું છે. પાક શાસ્ત્રનું કસબ તો છે જ પણ રંગીલાઈ અને રસિકતા પણ ગોવામાં ભારોભાર ભરેલાં છે. ગોળ રાંધવાની એની કળા જોતાં જ ગામલોકો વાહ વાહ પોકારી ઉઠે છે. પાક તો સોળ આની ઉતર્યો છે પણ જો ગોવા જેવો ઉત્તમ ગોળ રાંધનારો ન મળ્યો હોત તો ધાનની ધૂળ કરીને ખાવી પડેત એવું ગામલોકો માને છે. નેણશી ભગતને ગામલોકો ઠાવકા ગોવાની પ્રશંસા કરતા કહે છે: ‘હા. ઠાવકો તે કેવો, કે ગોળ તમારે રવાદાર મેસૂબનેય ભુલાવે એવો રંધાય છે.’
ગોવાની કાબેલિયતમા કોઈ કમી નથી, એની કામ કરવાની છટા, એની ગીતો ગાવાની હલક, એનો વાની વિલાસ વગેરેને લીધે તો સંતી એને પોતાનું સર્વસ્વ આપી બેસે છે.
‘મારા વાડામાં ગલ–છોડવો કોયલડી રંગભીની!
ઈ તો ફાલ્યો લચકાલાળ કોયલડી રંગભીની!’
શરૂઆતમાં આ ગીતથી જ સંતી એનાથી આકર્ષાય છે અને ગોવાના કંઠે રમતા અનેક ગીતોથી સંતી રસતરબોળ થાય છે. દૂર દૂર વસતી પત્નીનો વિયોગ વેઠતો રસિક ગોવો સંતીના રૂપથી ઘવાય છે અને સંતી સાથે સાહચર્ય માણે છે. પરિણામે સંતી તો અફીણ ઘોળે છે અને બીજા જ દિવસે બધા માટે નવું આશ્ચર્ય કે ગોવો ગળીયારો પણ ગાયબ છે.
મડિયાની કલમનો સ્પર્શ પામનાર પાત્ર જીવંત બની ભાવક ચિત્તમાં અમીટ છાપ છોડે છે એવું જ એક પાત્ર ગોવા ગળિયારાનું. રંગીન, રસિક, યુવાન ગોવામાં હરકોઈને આકર્ષવાની મોહિની છે. આખા પંથકમાં નામખ્યાત છે, નેણશી ભગત, ગામલોકો બધાને પણ ગોવાની કામ કરવાની કળા પસંદ પડી છે. એમાં યુવાન સંતીનો પગ લપસ્યો. વાર્તામાં બે રસિક યુવાહૈયા એક થયાએ બધું સ્વાભાવિક લાગે છે. ગોવાએ સંતીને છેતરી એવો ભાસ સુધ્ધા થતો નથી. આમ, ગોવો ગળીયારો આ વાર્તાનું મસ્ત મજાનું પુરુષ પાત્ર છે.
નેણશી ભગત પણ આ વાર્તાનું મહત્વનું પાત્ર બની રહે છે, ઉદાર દિલના, બધાને ખવરાવીને રાજી થનાર નેણશી ભગત શેરડી પીલવાનું નક્કી કરે, સંતીના આણાં સાથે એ આનંદને જોડે, આંગણે ઘણા મહેમાન તેડાવે, આ બધું જોઇને પોતે આનંદિત થયા કરે. પોતે અંધ છે છતાં આજુબાજુ બનતી ઘટનાને પોતાની બે આંગળી સુઘીને પારખી શકે એવા સાચક માણસ છે. આંખો દિવસ સીતારામજી, સીતારામજી જપ્યા કરતા નેણશી ભગત ગામલોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. પોતાને સંતાનમાં એક માત્ર રવા પટેલ અને રવા પટેલને એક માત્ર સંતી. નેણશી ભગતનું બધું વાત્સલ્ય સંતી પર જ નીતરતું રહે છે. અંધ નેણશી ભગત માટે ઘઢપણની લાકડી સમાન સંતી છે, ભગતને સંતીની આદત પડી ગઈ છે. હંમેશા વાડીએ જ રહેતાં ભગતની જરૂરની બધી જ વસ્તુ- ભોજન, અફીણ વગેરે સંતી જ પહોંચાડતી. સંતીના આણાંની આગલી સાજે સંતી ભગતને અફીણ પહોચાડવા અને સાસરે જતા પહેલાં છેલ્લી વારનું મળવા જાય છે. પણ ગોવાના મીઠા લહેકામાં તણાઈ જાય છે, કશું અઘટિત બન્યાનું ભગત પારખી લે છે. ભગતને સંતીના પરસેવાની ખાટી વાસ આવે છે ભગત બધું જ જાણી લે છે અને સંતી પોતાનો મારગ કરી લે છે. બીજા દિવસે બનેલી ત્રણ આશ્ચર્યજનક ઘટનામાં ગામલોકો જણાવે છે કે નેણશી ભગતનું ચસકી ગયું. નેણશી ભગતનું પાત્ર પણ વાર્તામાં ખુબ અગત્યનું પાત્ર છે. એનો અંધાપો, એની આંગળી સુંઘીને વાતાવરણ ને પારખવાની શક્તિ વગેરે વાર્તાને ઉપકારક નીવડતી બાબતો છે.
રવા પટેલનું પાત્ર ગામમાં સારી શાખ ધરાવતાં નેણશી ભગતનાં કહ્યાગરાં દીકરા અને સંતીના વત્સલ પિતા તરીકેનું દર્શાવાયું છે. ગામલોકો અને સગાં-વહાલાં માટે ચાર વીઘાની શેરડીનો પાક રસ પીવા અને ગોળ રાંધવા માટે વાપરી જાણે એવા ઉદાર હૈયાના માણસ છે. મહેમાનોને સાચવવાં ક્યારેય પાછી પાની ન કરનારા રવા પટેલનો આ સ્વભાવ ઘરે સંતીનું આણું તેડવા આવેલાં મહેમાનોની સાચવણીમા દેખાય છે.પાંચમાં પૂછાય એવાં પરગજુ સ્વભાવના રવા પટેલને દીકરી સંતી પ્રત્યે અપાર હેત છે. સંતીને બધી જ છૂટછાટ આપનાર પિતા દીકરીના આણાંની તૈયારી વખતે જ રડી પડે છે. સંતી ને હરહંમેશ વાની મારી કોયલ કહેતાં પટેલ કહે છે કે કાલ ઊડી જશે મારી કોયલડી..!
વાર્તાના કથાનકને મદદરૂપ થનાર અન્ય ગૌણ પાત્રોમાં ગામ લોકો, સંતીની સહેલીઓ,ઢગ તેડવા આવેલાં મહેમાનો ગણાવી શકાય, જે કથાનકને જરૂર પડ્યે ખપ લાગે છે.
વાર્તાના પરિવેશની વાત કરીએ તો અહીં ગામડાનો પરિવેશ લેખકે પસંદ કર્યો છે. આખાં પરિવેશમાં ભાવક તણાયને આનંદની અનુભૂતિ કરે છે. ગામડાનાં લોકોની ઉદારતા, આંગણે આવેલાની મન મૂકીને સાચવવાની રીત, પરસ્પર માન-સન્માન જાળવવું, સદાય એકબીજાને મદદરૂપ થવું વગેરે બાબતો અહીં પ્રગટે છે. ખેતીપ્રધાન લોકોની રહેણીકરણી, વ્યવહાર, નિર્દોષ આનંદ વગેરે સુપેરે વ્યક્ત થયું છે. આણાં આવ્યાં છે અને પરપુરુષના સંપર્કમાં આવી છે એવી સંતી મોતને વહાલું કરે છે કારણકે એનો સમાજ આ સંબંધને ક્યારેય સ્વીકારે પણ નહિ અને સંતીને એના બાપાના ખોરડાની ખાનદાની વહાલી છે. સંતી સમાજને ખાતર પોતાના પ્રાણનો ત્યાગ કરે છે.એ રીતે પણ સમાજની વ્યવસ્થા દેખા દે છે. સમગ્ર રીતે જોતાં વાર્તાકાર મડિયાનું ગ્રામ પરિવેશ પરત્વેનું મમત્વ અહીં જોઈ શકાય છે.
કોઈ પણ સર્જકે સંવેદનાને પ્રગટ કરવા માટે ભાષાનો સહારો લેવો પડે છે. જેટલી અભિવ્યક્તિ સહજ તેટલી જ કળાકૃતિ શ્રેષ્ઠ બનવાની. આ વાર્તામાં ભાવને અનુરૂપ ભાષા બળુકી રીતે પ્રયોજાય છે. તળપદ ભાષાનો આશ્રય લઈને વાર્તા ખુલે છે અને અંત સુધી ભાવકને જકડી રાખે છે. સંતી, નેણશી ભગત, રવા પટેલ ,ગોવા ગળિયારા વગેરે પાત્રોના મુખે બોલાતી ભાષા ભાવકને ગમ્યાં જ કરે એવી મીઠી મીઠી સોરઠી બોલી છે.
આ વાર્તામાં કથાનકને સહાયરૂપ થતાં લોકગીતો પણ મડિયાની એક ખાસિયત ગણવી જોઈએ. સંતી અને ગોવાના મુખે મુકાયેલાં ગીતો બન્ને પાત્રની ઓળખ પણ છતી કરે છે સાથોસાથ બન્નેની મન:સ્થિતિ પણ પ્રગટાવે છે. મડિયાની ઘણીબધી વાર્તાઓમાં લોકગીતો આગવી ભૂમિકા ભજવે છે એવું જ આ વાર્તામાં પણ બનવા પામ્યું છે અને કૃતિને આગવી ઓળખ આપે છે.
‘વાની મારી કોયલ’ વાર્તાનું શીર્ષક પણ કથાનકને સુપેરે વ્યક્ત કરનારું બની રહે છે. દીકરીને કોયલની ઉપમા આપણા લોકસમુદાયો દ્વારા અપાતી હોય છે. લગ્નગીતોમાં પણ આવી ઉપમા લોકનારી દીકરી કે વહુ માટે આપે છે. આ વાર્તામાં રવા પટેલ પોતાની દીકરી સંતીને ‘કોયલ,મારી કોયલ, વાની મારી કોયલ’ એવું લાડથી કહેતાં હોય છે. રવા પટેલ કહેતાં:
‘સંતી મારી દીકરી નથી, ઈ તો વાની મારી કોયલ છે, ને કોઈ પૂરવભવની લેણાદેણી રહી ગઈ હશે તે મારે ઘેરે ઊડી આવી છે. આ કમૂરતાં ઊતરશે ને આણું વાળવા આવશે એટલે મારી કોયલ ઊડી જાશે…’
અને બને છે પણ એવું જ... સંતી-કોયલ ઊડી ગઈ પણ દૂર દૂર દેશાવર, જ્યાંથી એ ક્યારેય પાછી નથી ફરવાની. આમ, સંતી માટે એના બાપાએ આપેલી કોયલની ઉપમા ભાવકપક્ષે ગાઢ ભાવ વર્તુળ રચે છે. સહૃદયી ભાવકના આંખના ખૂણા અવશ્ય ભીના કરે છે આ વાની મારી કોયલ. અને શીર્ષકને યથાર્થ બનાવે છે.
સંવાદએ નાટકનો આત્મા છે પરંતુ વાર્તામાં પણ સંવાદતત્વની ભૂમિકા મહત્વની બની રહે છે. અહીં વાર્તાકાર મડિયાને નાટ્યકાર મડિયા વારંવાર કામ લાગે છે. પ્રસ્તુત વાર્તામાં પણ એક પછી એક બનતી ઘટનાઓ, પાત્ર-પાત્ર વચ્ચે આવતાં સંવાદો ઊડીને આંખે વળગે એવાં રચાયાં છે. નેણશી ભગત અને ગામલોકોના સંવાદ, રવા પટેલ અને ગામલોકોનાં સંવાદ, સંતી અને વાડીમાં કામ કરતા મજુરોના સંવાદ ધ્યાનાકર્ષક રચાયા છે. સૌથી વધુ અસરકારક જો કોઈ સંવાદ હોય તો તે છે ગોવા ગળિયારા અને સંતી વચ્ચેનાં સંવાદ. ગીત- ગીતમાં આગળ વધતાં સંવાદ ભાવકચિત્તને જકડી રાખે છે.ગીતો દ્વારા હૃદયના ભાવ વ્યક્ત કર્યા પછી આ બન્ને પાત્રોના સંવાદ યાદગાર બની રહે તેવા છે.
ઉદાહરણ તરીકે-
૧. સંતી- ‘એકલા એકલા જ ગોળ રાંધો છો ને? એકલપેટા!
ગોવો- ‘એકલ માણસ તો એકલપેટો જ હોય ને? એ બીજું પેટ ક્યાંથી કાઢે?’
૨. સંતી- ગોળ તો રૂપાળો સોનાની વીંટી જેવો રાંધ્યો છે ને!’
ગોવાએ તેના કેફમાં જ કહ્યું : ‘ખાનારાં ક્યાં ઓછાં રૂપાળાં છે, તી ગોળ રૂપાળો ન રંધાય?’
૩.‘છૂંદણાંમાં શેનાં શેનાં ચિત્તર ચિતરાવ્યાં છે?’ ગોવાએ એ હાથ ઉપર નજર ઠેરવીને પૂછ્યું.
સંતી- ઈ તો હું નાની હતી તંયે ચાર જણાંએ થઈને મને પરાણે પકડી રાખીને કૂંજડીનું ચિત્તર ત્રોફાવ્યું’તું.
સંવાદ કથાનકને આગળ વધારવા અને પાત્રોની ઓળખ કરાવવાનું કામ કરે છે જે કામ અહીં સર્જકે સુપેરે પાર પાડ્યું છે.
આ વાર્તામાંથી પસાર થતાં ભાવકને શોર્ટ ફિલ્મ જોતાં હોય એવી અનુભૂતિ થાય છે. સંતીનું અફીણ પીવાવાળું દૃશ્ય હંમેશ માટે અંકિત થઈ જાય છે. સાસરે જવા થનગનતી,જોવનાઈનાં ઉંબરે ઉભેલી યુવતી પરપુરુષના સંસર્ગમાં આવવાથી મોતને વહાલું કરે છે એવી કરુણાંતિકા ભાવકના હૈયાને હચમચાવી દે છે અને એ જ વાર્તાકારની સફળતા છે.
સંદર્ભ ગ્રંથ –