લઘુકથા - આવશે
“......આજે,પપ્પા મને સ્કૂલે મૂકવા આવશે તો જ હું સ્કૂલે જઈશ, નહીં તો નહીં જાઉ.. ..” – ત્રીજા ધોરણમાં ભણતા યશે પોતાના મમ્મી-પપ્પાને કાલીઘેલી ભાષામાં સંભળાવી દીધું. ઓફિસે મોડું થતું હોવા છતાં પણ પોતાના પુત્રપ્રેમને વશ થઈને સાહિલ યશને સ્કૂલે છોડવા તૈયાર થયો. સતત કામમાં વ્યસ્ત સાહિલને આજે પોતાના એકના એક દીકરા યશ પર બહુ પ્રેમ આવતો હતો. સ્કૂલ યુનિફોર્મમાં યશ તૈયાર થયો અને બંને મોટરકારમાં ગોઠવાયાં.
ઘડીકવારમાં તો યશની શાળા આવી ગઈ. સાહિલ ગાડીમાંથી નીચે ઉતરીને યશને વહાલી કરે છે અને માથા પર ચુંબન કરીને ભેટે છે. આજુબાજુ ઉભેલા વાલીઓ પણ પિતા-પુત્રના પ્રેમને જોઈને મરક મરક હસી રહ્યાં છે. યશ શાળાના ગેટમાં પ્રવેશતા પહેલા પોતાના પપ્પા પાસે વચન માંગી લે છે, “...... પપ્પા, આજે છૂટતી વખતે પણ તમે જ મને લેવા આવજો, પપ્પા આવશો ને.......”
સાહિલ પણ જાણે પોતાના પુત્રને વચન આપતો હોય તેમ, ...... હા, બેટા.... હું જ તને લેવા આવીશ. દુનિયા ઉથલપાથલ થઈ જશે ને તો પણ હું જ આવીશ. મારી રાહ જોઈશ ને ? સામે છેડે પણ નાનકડો યશ પોતાના વ્હાલસોયા પપ્પાને જવાબ આપે છે. “ હા, પપ્પા ...... હું તમારી રાહ જોઈશ પણ તમે જ મને લેવા આવજો. આટલું કહીને બંને બાપ-દીકરો છૂટા પડે છે.
કલાક-દોઢ કલાક વીત્યો હશે ને અચાનક જ ભયંકર ધરતીકંપ આવીને જતો રહે છે. અને એ ધરતીકંપમાં મોટી મોટી ઇમારતો ધરાશાયી થઈ ગઈ. સાહિલની ઓફિસમાં પણ ઘણું નુકસાન થયું છે. તરત જ સાહિલને યશની ચિંતા ઘેરી વળે છે. મારા છોકરાનું શું થયું હશે ? એના શું હાલ હશે ? એની શાળા તૂટી તો નહીં પડી હોય ને ? હાય રે ! સાહિલના મોઢામાંથી નિઃસાસો નીકળી પડે છે. અને સીધો યશની શાળા તરફ મોટર હંકારી મૂકે છે.
સાહિલ જે જગ્યાએ યશને મૂકીને ગયો હોય છે તે જ સ્થળે તે આવીને ઊભો રહ્યો. કલ્પનામાં પણ ના આવે તેવી સ્થિતિ શાળાની હતી. શાળાનું તો નામોનિશાન નહોતું રહ્યું. આખી ઇમારત ધરાશાયી થઈ ગઈ હતી. એક બાપ માટે તો આ દ્રશ્ય બિહામણું હતું. સાહિલ સાથે સાથે બીજા વાલીઓ પણ આવ્યા હતા. અન્ય વિદ્યાર્થીઓના વાલીઓ તો રડી રહ્યા હતા. કોઈક પ્રાર્થના કરી રહ્યું હતું તો કોઈક જમીન પર બેસીને માથું કૂટી રહ્યું હતું. શાળા જાણે સ્મશાનભૂમિમાં ફેરવાઇ ગઈ હતી. ચારે બાજુ રોકકળ હતી.
પણ આથીયે વિપરીત પરિસ્થિતિ સાહિલની હતી. સાહિલના આંખમાં ન તો આંસુ આવ્યા, ન એણે હાર માની. એ તો પથરાયેલા કાટમાળને આમથી તેમ નાંખવા માંડયો. એક એક ઈંટ ઊંચકીને દૂર દૂર નાખીને રસ્તો કરવા લાગ્યો. એક મિનિટ પણ પોતાના હાથને આરામ આપ્યા વગર પોતાની મહેનત ચાલુ રાખી. બપોરથી માંડીને રાત્રિના ત્રણ વાગી ગયા હતા. પણ સાહિલ તો રોડાં ખસેડયે જ જતો હતો. કોઇકે તો કહ્યું પણ ખરું કે, પુત્ર ઘેલછામાં ગાંડો થઈ ગયો છે. ભાઈ.... ખોટી મહેનત કર માં. કશું જ હાથમાં નહીં આવે.
આમ છતાં, કોઈનું પણ સાંભળ્યા વગર સાહિલ પોતાના બે હાથેથી રોડાં અને કાટમાળ ખસેડયે જ જતો હતો.
સવારના ત્રણ વાગ્યે એણે કોઇકના કણસવાનો અવાજ સાંભળ્યો. એણે એ દિશામાં વધુમાં વધુ ઈંટો ખસેડી. એને લાગ્યું કે કોઈક અહી દટાયેલું છે. જેમ જેમ ઈંટો ખસેડયે જતો હતો તેમ તેમ અવાજ વધુ નજીક આવતો જતો હતો અને છેલ્લી ઈંટ હટાવે છે ત્યાં જ તેને પોતાનો જ દીકરો યશ દેખાય છે. “.. .. .. પપ્પા, ડેડી .. “ કહીને યશ પોતાના પપ્પાને ભેટી પડે છે. યશ બહાર નીકળતા જ પોતાના પપ્પાને કહે છે, “ પપ્પા.. મારા
બે ફ્રેન્ડ હજી પણ અંદર છે એમને બહાર કાઢો. એટલે સાહિલે યશના બે ભાઈબંધોને બહાર કાઢવાની કવાયત હાથ ધરી. અને અંતે યશના બે ફ્રેન્ડને પણ સાહિલે બહાર કાઢ્યા. અહી પોતાના બે મિત્રોને બહાર કાઢવા બદલ યશ પોતાના પપ્પાને ભેટવાને બદલે, ‘થેન્ક યુ’ કહેવાને બદલે તેના બે મિત્રોને કહેવા લાગ્યો .... “ જો મે તને કહ્યું હતું ને કે મારા પપ્પા આવશે.”