Included in the UGC-CARE list (Group B Sr. No 172)

નગર અને ગ્રામજીવનની સહોપસ્થિતિ: ‘ફૂટપાથ અને શેઢો’

ભારતીય સાહિત્યક્ષેત્ર સર્વોચ્ચ જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા રઘુવીર ચૌધરીએ ગુજરાતી-હિન્દી જેવી ભાષાઓમાં પોતાની કલમ ચલાવી છે. ખાસ તો ગુજરાતી સાહિત્યમાં લગભગ દરેક સાહિત્ય સ્વરૂપોમાં તેમનું માતબર પ્રદાન છે. કવિતા, નવલકથા, વાર્તા, નાટક, નિબંધ, વિવેચન વગેરે સ્વરૂપો તેમણે ખેડ્યા છે, પરંતુ નવલકથાઓ તેમણે પ્રમાણમાં વધુ લખી હોવાના કારણે તેમની વિશેષ ઓળખ નવલકથાકાર તરીકેની રહી છે. તેમણે રચેલા દરેક સ્વરૂપોમાં તેમની સર્જક પ્રતિભાના દર્શન આપણને અવશ્ય થાય છે. અહિ એમના એક નોંધપાત્ર કાવ્યસંગ્રહને કેન્દ્રમાં રાખીને તેમની કવિપ્રતિભાને મૂલવવાનો પ્રયાસ છે.

રઘુવીર ચૌધરી પાસેથી સાત જેટલા કાવ્યસંગ્રહો પ્રાપ્ત થાય છે. જેમાં ‘તમસા’ (૧૯૬૭), ‘વહેતાં વૃક્ષ પવનમાં’ (૧૯૮૪), ‘દિવાળીથી દેવદિવાળી’ (૧૯૮૬), ‘ફૂટપાથ અને શેઢો’ (૧૯૯૭), ‘પાદરના પંખી’ (૨૦૦૭), ‘બચાવનામું’ (૨૦૧૧) અને ‘ધરાધામ’ (૨૦૧૪)નો સમાવેશ થાય છે. ‘દિવાળીથી દેવદિવાળી’ એ બાળકાવ્યસંગ્રહ છે અને ‘બચાવનામું’ પ્રબંધકાવ્ય છે. એ સિવાયના કાવ્યસંગ્રહની અંદર વધુ અછાંદસ રચનાઓ છે, ગઝલ, ગીત, સોનેટ જેવાં સ્વરૂપોમાં તેમણે ખેડાણ કર્યું છે. રઘુવીર ચૌધરીએ જે સમયગાળામાં કવિતાઓનું સર્જન કર્યું છે એ આધુનિક અને અનુઆધુનિક યુગની અસર તેમની કવિતાઓમાં દેખાય છે.

અહિ વાત કરવી છે કવિ રઘુવીર ચૌધીરના કાવ્યસંગ્રહ ‘ફૂટપાથ અને શેઢો’ની. ૧૯૯૭માં પ્રકાશિત આ સંગ્રહની અંદર કૂલ ૫૩ રચનાઓ છે જેમાં અછાંદસ, ગઝલ અને ગીત રચનાઓનો સમાવેશ થાય છે. પહેલું કાવ્ય ‘મહાનગર’ છે. રઘુવીર ચૌધરીના જીવનમાં અને તેમના સાહિત્ય સર્જનમાં ‘ફૂટપાથ અને શેઢો’ એકબીજાથી વિરુદ્ધ નહિ પણ સતત સાથે રહ્યા છે. શીર્ષકમાં રહેલું સંયોજક ‘અને’ ફૂટપાથ શેઢાનું વિચ્છેદન નહિ સમાયોજન સાધે છે. આ કાવ્યસંગ્રહમાં સ્વરૂપોનું વૈવિધ્ય, વ્યક્તિલક્ષી-વ્યક્તિવિશેષ કાવ્યો, શહેરીજીવનને લીધે ભુલાતું ગ્રામજીવન, પ્રકૃતિના તત્ત્વોનું નિરૂપણ, માનવીય સંવેદન, સામાજિક સંપ્રજ્ઞતા, ભાષાની દૃષ્ટિએ વિશિષ્ટ અભિવ્યક્તિ, બોલીનો લય-લહેકો, પ્રતીક-કલ્પન-પુરાકલ્પનનો વિનિયોગ, કટાક્ષ વગેરે દ્વારા રઘુવીર ચૌધરીની કવિપ્રતિભાના દર્શન થાય છે.

‘ફૂટપાથ અને શેઢો’ કાવ્યસંગ્રહમાં સ્વરૂપનું વૈવિધ્ય જોઈ શકાય છે. ખાસ કરીને કવિની આગવી લાક્ષણિકતા તેમના અછાંદસ દીર્ઘ કાવ્યોમાં નજરે ચડે છે. આ સંગ્રહનાં મહત્વના દીર્ઘ કાવ્યો જોઈએ તો ‘જે અંતને જાણે છે’ (પૃ. ૧૧), ‘ચંદ્ર આથમ્યો અમારા સપનાની આસપાસ’ (પૃ. ૧૯), ‘માને તો માયા એ જ મોક્ષ’ (પૃ. ૩૯) અને ‘જીવલેણ જળના સંભારણા’ (પૃ. ૮૯) છે. આ દરેક કાવ્ય કવિ રઘુવીર ચૌધરીએ વિશેષ ભાવ-સંવેદન સાથે લખ્યા છે. જેની અનુભૂતિ આપણને તેમાંથી પસાર થતી વખતે થાય છે. ગઝલ અને ગીતની આ સંગ્રહમાંથી પાંચ-પાંચ રચનાઓ મળે છે. ગઝલના આંતરિક-બાહ્ય લક્ષણોને આધારે કવિએ વિશિષ્ટ અભિવ્યક્તિ સાધી છે. જુઓ:
માયા વિનાનું મન અને છાયા વિનાનું વન,
ગોરજ વિનાના ગામમાં ગોવાળ જાય છે. (‘છાયા વિનાનું વન’ પૃ. ૨૭)

ન શબ્દો લખ્યા કે ન ઉદગાર કીધા ન એકાંત તોળ્યું,
તમારી અવેજી તમે છો, પ્રભુનાં ભલે રૂપ લાખો. (‘સહજ જો મળાયું’ પૃ. ૫૮)

‘અતિવૃષ્ટિ’ વિષયક ચાર કાવ્યોનું ગુચ્છ આ સંગ્રહમાં નજર સામે અલગ તરી આવે છે. એક જ વિષય ‘અતિવૃષ્ટિ’ને કવિ જુદી જુદી પ્રાયોગિક રીતે પ્રયોજે છે. એ ચાર કાવ્યો જોઈએ તો ‘અતિવૃષ્ટિમાં અતિથિ’ (પૃ. ૩૩), ‘અતિવૃષ્ટિમાં ચાલતા’ (પૃ. ૩૪), ‘અતિવૃષ્ટિમાં ફોન પર’ (પૃ. ૩૫) અને ‘અતિવૃષ્ટિને અંતે’ (પૃ. ૩૭) છે. આ રચનાઓમાં વિષયની એકરૂપતા હોવા છતાં ચારેય કાવ્ય સ્વતંત્ર રીતે ઓળખ સ્થાપે છે. આ રઘુવીર ચૌધરીની કવિ તરીકેની મહત્ત્વની લાક્ષણિકતા ગણાવી શકાય.

આ કાવ્યસંગ્રહનું બીજું દ્રઢ પાસું છે વ્યક્તિલક્ષી-વ્યક્તિવિશેષના કાવ્યો. જે વ્યક્તિ ચરિત્રો સાથે રઘુવીર ચૌધરીને અનુબંધ રહ્યો છે તેમનું ચિત્ર કાવ્યબાનીમાં ઉતરી આવ્યું છે. ‘મારે તારી જરૂર છે મુરલીધર!’ (બાબા આમટેને મળવા જતાં) (પૃ. ૧૪), સુરેશ જોષીના અવસાન બાદ લખાયેલ ‘ચંદ્ર આથમ્યો અમારાં સપનાંની આસપાસ’ (સુરેશ જોષી જતાં) (પૃ. ૧૯), જવાહરલાલ નહેરુ વિશે ‘નહેરુની સ્મૃતિ તાજી થતાં’ (પૃ. ૨૮), કૃષ્ણવીર દીક્ષિત ને સંબોધીને લખાયેલ કાવ્ય ‘કૃ. દી.ને’ (પૃ. ૩૨), ‘લાભશંકર ઠાકરને’ (પૃ. ૪૮), ‘હાથ મારો’ (શ્રી ભરત વિંઝુડા માટે) (પૃ. ૭૮) જેવા વ્યક્તિલક્ષી કાવ્યો મળે છે. તેમાં કૃષ્ણવીર દીક્ષિત, લાભશંકર ઠાકર અને ભરત વિંઝુડા માટેના કાવ્યો ગઝલ સ્વરૂપમાં રચાયા છે. સુરેશ જોષીના અવસાનને કારણે રઘુવીર ચૌધરીની ચેતનામાં વ્યાપ્ત શોકને અનુભવી શકાય છે. જુઓ:
મરણને શરીરમાં પૂરીને
તમે કેવા આબાદ નીકળી ગયા
ક્યાંય પગલી પાડ્યા વિના ! (‘ચંદ્ર આથમ્યો અમારાં સપનાંની આસપાસ’ પૃ. ૨૧)

રઘુવીર ચૌધરીએ આ કાવ્યસંગ્રહની અંદર પોતાના કુટુંબના સભ્યો વિશેના કાવ્યોને સંચિત કર્યા છે. રઘુવીર ચૌધરીના માતા જીતીબહેન જે પરિસ્થિતિમાં જીવ્યા, બાળકોને સાચવીને મોટા કર્યા, માતા તરફથી બાળકોને મળેલી શીખ, માતાની માનવતા આ બધું જ કાવ્ય ‘માને તો માયા એ જ મોક્ષ’ (પૃ. ૩૯)માં આલેખન પામ્યું છે. રઘુવીર ચૌધરીનો માતા સાથેનાં નિકટ સંબંધને આપણે પણ અનુભવી શકીએ છીએ. જુઓ:
ચિતાની ટાઢી વાળવા ગયો
ત્યારે સુર્યોદય થવામાં હતો.
માનાં ફૂલ જાણે મને ઓળખાતાં હોય
એમ દુધિયલ આંસુ શાં ચમકી ઊઠયાં. (‘માને તો માયા એ જ મોક્ષ’ પૃ. ૪૨-૪૩)

અહિ ‘દુધિયલ આંસુ’ જેવું કલ્પન કવિકર્મની સાથે ભાવસંવેદનની તીવ્રતા ઉપસાવે છે.

પૌત્ર મંદારને અનુલક્ષીને કાવ્ય રચના ‘મંદાર’ (પૃ. ૫૫) લખાઈ છે. મંદારના જન્મ સમયે ઘરમાં આનંદની લાગણી, મંદારનું બાળસહજ ભોળપણ બીજું ઘણું કવિએ કાવ્યમાં નિરૂપ્યું છે.

સર્જકના સંવેદનશીલ હ્રદયનો પરિચય તેમના ગ્રામજીવનનાં કાવ્યોમાં ખાસ થાય છે. આ સંગ્રહના કાવ્યોની અંદર વિસરાયેલું ગ્રામજીવન તો છે સાથોસાથ શહેરીજીવનની વિટંબણાગ્રસ્ત સ્થિતિ પણ છે. ગ્રામજીવન અને શહેરીજીવનનો વિરોધાભાસ થતો હોય એવું આપણને કાવ્યોમાંથી પસાર થતી વખતે લાગ્યા કરે છે. કાવ્યસંગ્રહનું શીર્ષક ‘ફૂટપાથ અને શેઢો’ એ ગ્રામ્ય અને શહેરી જીવનનાં વિરોધાભાસને વ્યંજિત કરતાં પ્રતીક રૂપે ઉઘડે છે. જુઓ:
ફૂટપાથ પર ઊભા રહેવાનો થાક
ખેતરમાં કામ કરીને ઉતારું છું. (‘ફૂટપાથ અને શેઢો’ પૃ. ૬૯)

શહેરીજીવનની રોજીંદી તકલીફો કરતા ગ્રામપરિવેશ અને ખેતીના કામમાં મહેનત કરી જીવવું કવિને વધારે ગમે છે. આ પ્રકારના બીજા કાવ્યો જોઈએ તો ‘ક્યારા વાળું ને’ (પૃ. ૩૦), ‘અષાઢ સુદી બારશે’ (પૃ. ૫૦), ‘સૂકું ખેતર અને ટહુકો’ (પૃ. ૭૨), ‘ ઘઉંનાં ખેતરમાં’ (પૃ. ૭૩) છે. આ બધા જ કાવ્યોમાં કોઈને કોઈ રીતે વતન વિચ્છેદ, કૃષિ પદાવલી અને ગામની મીઠી યાદોને કવિ નિરૂપે છે. શેઢા પરનું વૃક્ષ કપાવાને લીધે કવિચિત્ત દુઃખદ લાગણી અને ખિન્નતા અનુભવે છે. જુઓ:
શેઢાનું ઝાડ સુકાવામાં છે,
વટેમારગુ બન્યા છે કઠિયારા,
કઠિયારા બન્યા છે કાળમુખા,
મુવા ડાળપાંદના દુશ્મન. (‘સૂકું ખેતર અને ટહુકો’ પૃ. ૭૨)

‘ફૂટપાથ અને શેઢો’ કાવ્યસંગ્રહમાં રઘુવીર ચૌધરીની વિશિષ્ટ અભિવ્યક્તિછટા ધ્યનાકર્ષક છે. ગ્રામપરિવેશનાં નિરૂપણને કારણે તળ બોલીનો લય-લહેકો તેમનો ગુણવિશેષ બનીને આવે છે. ‘માને તો માયા એ જ મોક્ષ’ (પૃ. ૩૯) કાવ્યમાં જોઈએ તો...
એમ તો નોટોનું નાણું,
રાજાપરજા - બધું સમજતાં.
માતામા ગાંધી ને ઝવેરીલાલ નેરુ જેવા
આગેવાનોને વખાણતાં. (‘માને તો માયા એ જ મોક્ષ’ પૃ. ૪૨)

આ રીતે કવિ બીજા ઘણાં કાવ્યોમાં વિશેષ રીતે પોતાની બાનીમાં વિચારોની અભિવ્યક્તિ કરતા રહે છે. પ્રતીક-કલ્પન-પુરાકલ્પનનો વિનિયોગ પણ એટલી જ સહજતાપૂર્વક તેઓ કરી જાણે છે. કાવ્યસંગ્રહનાં શીર્ષક ‘ફૂટપાથ’ અને ‘શેઢો’ પ્રતીક તરીકે જ આવ્યાં છે. કાવ્યમાં આવતા પ્રસંગને અનુરૂપ પુરાકલ્પનો આધાર લઈ વિકર્ણ, યુયુત્સુ, એકલવ્ય, પ્રહલાદ, શબરી, સીતા અને મંથરા જેવા પાત્રોનો ઉલ્લેખ થયો છે. અછાંદસ કવિતા એ રઘુવીર ચૌધરીનું સબળ પાસું છે. અભિવ્યક્તિને તીક્ષ્ણ બનાવવા પ્રાસ-અનુપ્રાસનો ઉપયોગ કવિએ સચોટ રીતે કર્યો છે. દરેક કાવ્યની શરૂઆત પછી થતો કાવ્યનો ઉઘાડ અને અંત કવિની લાક્ષણિકતા દર્શાવે છે. ઘણી દીર્ઘ રચનાઓમાં કવિ સરસ રીતે કાવ્યનો ઉઘાડ કરી શક્યા છે. ઉદાહરણ તરીકે ‘જે અંતને જાણે છે’ (પૃ. ૧૧) કાવ્યને લઈ શકાય. લઘુકાવ્યો પણ પોતાની છાપ છોડે છે. જેમ કે ‘પણ બીજી વાર ?’ (પૃ. ૪૪). આ કાવ્યસંગ્રહની કવિતાઓની અભિવ્યક્તિ એકદમ સરળ અને સહજ છે માટે કવિનો વિચાર ભાવક હૃદયને અવશ્ય સ્પર્શે છે.

‘ફૂટપાથ અને શેઢો’ કાવ્યસંગ્રહ અંગે કેટલાંક નિરીક્ષણો અંકે કરતાં રઘુવીર ચૌધરીનાં કવિ તરીકેનાં ગુણો અને લાક્ષણિકતાઓથી આપણે જ્ઞાત થઈએ છીએ. કવિ જે તે સમયની પરિસ્થિતિથી અવગત હોવાને લીધે કવિતાઓમાં તેનો પ્રભાવ ઝીલાયો છે. રઘુવીર ચૌધરીના ગ્રામ્યજીવન સાથેના સંબંધને કારણે ગામડું, તેની સંસ્કૃતિ, ગ્રામ્ય પરિવેશ, લોક બોલીનો લય-લહેકો બધું સંગ્રહના કાવ્યોમાં સ-રસ નિરૂપણ પામ્યું છે. સામાજિક સંપ્રજ્ઞતા, માનવીય સંવેદન અને વ્યંગ-કટાક્ષ જેવા વિચારોથી કાવ્યોની સૃષ્ટિ સમૃદ્ધ બની છે. અમુક અછાંદસ રચનાઓ ઘણી દીર્ઘ અને ગદ્યકાવ્ય પ્રકારની પણ બની છે. લઘુકાવ્યો થોડામાં ઘણું કહી શકવાની ક્ષમતા ધરાવે છે. ગીતમાં કવિની સૌન્દર્યદૃષ્ટિ અને કૌશલ્યનાં દર્શન થાય છે. એક સરખા વિષયનું નિરૂપણ હોવા છતાં દરેક કાવ્ય પોતાની અલગ-અલગ છાપ ઊભી કરે છે. રઘુવીર ચૌધરી કહે છે કે તેમનો પહેલો પ્રેમ તે કવિતા છે. આ કાવ્યસંગ્રહમાંથી પસાર થતા તે પ્રેમભર્યા સંસ્પર્શની પ્રતીતિ થાય છે. ‘ફૂટપાથ અને શેઢો’ સંગ્રહમાં સશક્ત કવિ રઘુવીર ચૌધરીના દર્શન થયા વિના રહેતા નથી.

સંદર્ભગ્રંથ:

  1. ‘ફૂટપાથ અને શેઢો’, રઘુવીર ચૌધરી, રંગદ્વાર પ્રકાશન, પ્ર. આ. ૧૯૯૭

વિજયરાજસિંહ જાડેજા, પીએચ.ડી. શોધછાત્ર: ગુજરાતી ભાષા-સાહિત્ય ભવન, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, ભાવનગર.