રસધારની ત્રણ વાર્તાઓ અને માતૃવાત્સલ્ય
પોતાને પહાડનું બાળક તરીકે ઓળખાવતા ઝવેરચંદ મેઘાણીનો જન્મ ૦૮/૦૮/૧૮૯૬માં ચોટીલામાં થયો હતો. ગાંધીજી દ્વારા જેમણે 'રાષ્ટ્રીય શાયર'નું બિરુદ મળ્યું છે, એવા મેઘાણીએ સાહિત્યની ઉત્તમ સેવા કરી છે. આઝાદીની લડતમાં સતત સક્રિય રહીને પોતાના સાહિત્ય દ્વારા યુવાનો અને દેશમાં રાષ્ટ્રીય ભાવના જગાવવાનો ઉત્તમ પ્રયાસ કર્યો છે. મેઘાણીએ શિષ્ટ સાહિત્યમાં તો માંતબર કામ કર્યું છે, પરંતુ લોકસાહિત્યએ તેને અમર બનાવ્યા છે. લોકસાહિત્યની નવી કેડી કંડારીને કંઠોપકંઠ રહેલા લોકગીતો અને લોકવાર્તાઓને ગામે-ગામ અને નેસડે-નેસડે ફરી લોકસાહિત્યના મહામૂલ ધનને એકત્રિત કરીને સંપાદિત કર્યું છે. તેથી મેઘાણી પણ કહે છે કે, "લોકસાહિત્યનું એક છોગું પણ મારા માટે બસ છે" આમ, મેઘાણીને પણ પોતાની અન્ય સાહિત્ય સેવા કરતા લોકસાહિત્ય ક્ષેત્રે કરેલા પ્રદાનનું વિશેષ મૂલ્ય હતું. મેઘાણીએ વાર્તાઓનું સંપાદન સૌરાષ્ટ્રની રસધાર ભાગ-1 થી 5માં કર્યું છે. જેમાં લગભગ સો એક લોકકંઠે રમતી લોકકથાઓ છે. આમ, તો આ લોકકથાઓ વિભિન્ન દ્રષ્ટિથી તપાસાઈ છે, પરંતુ અહીં આપણે તેમાં સ્થાન પામેલી વિલક્ષ માતાઓના જાજરમાન વ્યક્તિત્વને ઉજાગર કરતી લોકકથાઓ તપાસવાનો ઉપક્રમ રહેલો છે.
નારીનાં વિભિન્ન રૂપોમાં માતાનું રૂપ સૌથી શ્રેષ્ઠ અને વંદનીય ગણાય છે. 'મા' શબ્દની સાથે વાત્સલ્યનો ધોધ વહેતો અનુભવાય છે. માતાનો કોઈ વિકલ્પ ન હોવાથી 'મા તે મા' જેવો અનન્વય અલંકાર પ્રયોજાય છે. એવું કહેવાય છે કે, ઈશ્વર બધી જગ્યાએ પહોંચી શકતો નથી એટલે તેમણે 'માતા'નું સર્જન કર્યું છે, તેથી બાળકના જન્મથી બંધાતા સંબંધ કરતા બાળકોનો માતા સાથેનો સંબંધ નવ મહિના પહેલાનો જ હોય છે. પરંતુ સાંપ્રતકાળમાં માતા અને પુત્ર-પુત્રીના સંબંધોનાં કેન્દ્રમાં બદલાવ જોવા મળે છે.
વસુધૈવકુંટુંબકમની ભાવના ધરાવતો ભારતીયવાસી વિભક્ત કુટુંબની સંસ્કૃતિ અપનાવી રહ્યો છે જેના કારણે સંબંધોમાં, સંસ્કારમાં પરિવર્તન જોવા મળે છે. ૨૧મી સદીમાં જીવતી આધુનિક mom પાસે તેના સંતાનોની સાભાળ રાખવાનો, તેમાં સંસ્કારોનું સિંચન કરવા માટે સમય નથી. માતાનું સ્થાન 'આયા' એ લઈ લીધું છે. જેના કારણે માતા-સંતાન વચ્ચેની સ્નેહની, વાત્સલ્યની ડોર ટૂટતી જાય છે. જે માતાને આજે તેના સંતાનો માટે સમય નથી, તેજ સંતાનોને ઘડપણમાં તેના માતા-પિતા માટે સમય નથી. આજે આપણી આસપાસ બિલાડીના ટોપની માફક ફૂટી નીકળેલા વૃદ્ધાશ્રમનું કારણ આ પરિવર્તન છે. ભારતીય સંસ્કૃતિ, આપણી સમાજ વ્યવસ્થા કથડી રહી છે. જે ચિંતાનો વિષય છે. પશ્ચિમી સંસ્કૃતિથી અંજાયેલા આજના મનુષ્યને આધુનિક માતાઓને આપણી સંસ્કૃતિથી અભિજ્ઞ કરવા માટે શું કરવું જોઈએ? આ પ્રશ્નનો જવાબ મેઘાણીની આ લોકકથાઓ છે. પોતાના ધર્મ માટે કે સત્યને ખાતર પોતાના પુત્રનું બલિદાન આપવામાં એક ક્ષણનો પણ વિચાર ન કરનારી આ માતાઓને નમન છે. મેઘાણીએ તેમના કાવ્યોમાં પણ માતાના વિલક્ષણ વ્યક્તિત્વને તેના વાત્સલ્યને, શોર્યને વણી લીધા છે. 'શિવાજીનું હાલરડું' રચનામાં પોતાના બાળકમાં શોર્યસંસ્કાર સીંચતી માતાનું સુંદર મજાનું શબ્દચિત્ર ઉપાસવી આપે છે. મેઘાણીએ આવો જ પ્રયાસ લોકકથાઓમાં પણ કર્યો છે. માતાના સંતાન પ્રત્યેના પ્રેમભાવથીય શ્રેષ્ઠ એવી ભાવના પ્રગટ કરતી માતાઓ 'સૌરાષ્ટ્રની રસધાર'માં સંપાદિત થયેલી રા'નવઘણ', 'એક તેતરના કારણે', 'વેર' જેવી લોકકથામાં દ્રષ્ટિગોચર થાય છે.
'રા'નવઘણ' શીર્ષક તળે લખાયેલી લોકકથામાં માતૃવાત્સલ્યથીય ચડિયાતી એવી ભાવનાને પ્રગટાવતી નારીનું અદભુત વ્યક્તિત્વ નિરૂપાય છે. જૂનાગઢનો રાજપલટો થયો. સોલંકીનું રાજ આવતા ડિયાસના રસાલાને દગાથી કતલ કરાયો. રાણીએ અગ્નિસ્નાન કર્યુ. સોમલદે એક રાજ બાળને મૂકીને મૃત્યુ પામી. એ રાજબાળને પોતાના ઘરે લાવીને પોતાની પત્નીને આપતા દેવાયતે કહ્યું : "લે આયરાણી, તારી છાતીને માથે બે ધાવે છે એમાં આ ત્રીજાનો મારગ કર" (સૌ.ર. ભાગ-2,પૃ. 17) આયરણીએ પોતાના સંતાનની જગ્યાએ રાજબાળને ગોઠવી ધવરાવવા લાગે છે. પુત્રની જેમજ રાજબાળને ઉછેરે છે. તેમની અપૂર્વ રાજનિષ્ઠાની કસોટી તો ત્યારે થાય છે, જ્યારે સોલંકીઓના સૈનિકો રાજબાળને શોધતા-શોધતા દેવાયતને ઘરે આવીને પૂછતાજ કરે છે. દેવાયત પોતાની પત્નીને 'રા' રાખતી વાત કરજે' જેવી સોરઠી ભાષામાં રા'નવઘણને બદલે પોતાના પુત્રને સૈનિકોના હાથમાં સોંપવાનો સંદેશો મોકલે છે. આયરાણી ગુપ્ત સંદેશ સમજી જઈને, પોતાના પુત્ર વાહણને સૈનિકોના હાથમાં સોંપતા કહે છે કે, "લ્યો બાપ ! આ ડિયાસ વંશનો છેલ્લો દીવો સંભાળી લ્યો !" (રા'નવઘણ' પૃ.૨૩) સોલંકીના થાનેદાર છોકરાને આયરનાં નેસમાં જ વધેરી નાખે છે. દેવાયતે પોતાની આંખોની સામે દીકરાનો વધ દીઠો, પણ એની મુખમુદ્રામાંક્યાંય ઝાંખપ પડતી નથી. પરંતુ 'આ પુત્ર દેવાયતનો હતો, રાજબાળ નહોતું એવી શંકા જન્મતાં આયરાણીને બોલાવવામાં આવી અને તેને કપાયેલા માથાની આંખો પગ તળે કચડી નાખવાનું કહેવામાં આવે છે. આયરાણીએ હસતે મો એ પોતાના પેટના જણ્યા પુત્ર વાહણની આંખો પગ તળે કચડી નાખીને કરુણતમ કાર્ય કરે છે. રાજ અને અન્ય પ્રત્યે નિષ્ઠા માત્ર પુરૂષોમાં જ નહીં, પરંતુ સ્ત્રીઓમાં પણ જોવા મળે છે. તેનું સુંદર દ્રષ્ટાંત લોકકથામાં નિરૂપાયેલી આયરાણીનું પાત્ર છે.
માણસના રક્ષણ માટે માણસ પોતાનું બલિદાન આપે એ ઘટનાઓ તો અનેક ઇતિહાસમાં નોંધાયેલી, પરંતુ એકાદ પક્ષીના રક્ષણ માટે પોતાના આખાય કુળને યુદ્ધના મેદાનમાં ધકેલી દેતી અને તેમને બહાદુરીપૂર્વક લડતા, પડતા અને મરતા નિહાળી ગૌરવ લેતી જોમબાઈ જેવી માતાનું અપૂર્વ વ્યક્તિત્વ તો તાદર્શ થાય છે, 'એક તેતર ને કારણે' લોકકથામાં. જોમબાઈ પાસે ઘવાયેલ તેતર આવીને પડે છે. તેતરનો શિકાર કરનાર રાજપૂતો જોમબાઈ પાસે પોતાનો શિકાર માંગે છે ત્યારે જોમબાઈ સ્પષ્ટ શબ્દોમાં કહી દે છે : "તેતર પાછો અપાય કાંઈ ! એ તો મારો શરણાગત કર્યો, ભાઈ! વળી એ તો મારા ઠાકરના બાજઠ હેઠળ બેઠેલ હતો, એ ભગવાનનો શરણાગત મારાથી પાછો કેમ અપાય ?... શરણે આવેલાને રાજપૂત ન સોંપી દે, એટલું ય શું તારી જનેતાએ તમને ધાવણમાં નથી પાયું. બાપ ?" (સૌ. ર. ભાગ-2 પૃ. 57) રાજપૂતો ઉશ્કેરાયા, તલવારો ખેંચાઈ . માતાએ જુવાન બેટા મુંજાજીને રાજપૂતોનો સામનો કરવા પડકાર્યો. એક કારમું ધીંગાણું મંડાયું. તેમાં એકસો ચાલીસ સોઢા પરમારોએ પોતાના બલિદાન આપ્યા. એક પક્ષી પ્રત્યેની દયાદ્રષ્ટિ અને શરણાગતની કોઈપણ ભોગે રક્ષા કરવાની ભાવના રાજપૂતાણીઓના અંગે-અંગમાં જોવા મળતી હતી.
નારી એક માતા તરીકેનું, પત્ની તરીકેનું અને અન્ય કૌટુંબિક સંબંધોથી બંધાયેલું વ્યક્તિત્વ 'વેર' લોકકથામાં સરસ રીતે ઉપસાવ્યુ છે. પેટના દીકરા જેવા સસલાને મારી નાખનાર બનેવી સાથે ચડભડ થતાં વેસુર ગેલવા બનેવીના હાથે મૃત્યુ પામે છે અને બનેવી ઘરે જઈને પોતાની પત્નીને કહે છે કે, "ચારણ્ય તારા ભાઈને મારી આવ્યો છું" ત્યારે પત્ની માત્ર એટલો જ જવાબ આપે છે : "એમાં શું ? એ તો મરદના ખેલ છે."(સૌ. ર. ભાગ-3 પૃ. ૨૫) ઠંડા કલેજે કહેવાયેલા આ વાક્યની ભીતર છુપાયેલ પોતાના ભાઈના મૃત્યુની વેદના વર્ષો પછી જાગી ઊઠે છે. મરનાર ભાઈનો પુત્ર પીઠાશ મોટો થાય છે ત્યારે તેની માતાની આંખોમાં આંસુ પડતા જુએ છે. માતા તેને તેના પિતાનું વેર લેવા ઉશ્કેરે છે. પીઠાશ તેના ફૂઆનાં ઘરે પહોંચે છે. ફૂઆ સૂતા છે. ફઈ જાગી ઊઠે છે. છતાં પીઠાશ તેનું કાર્ય પૂરું કરી ભાગી જવા કહે છે. પીઠાશ ફૂઆને મારી ભાગે છે. ફઈ પીઠાશને ભાગી જવા માટે પૂરતો સમય મળી રહે તે માટે પોતાના ધણીનું લોહી તરબોળ ધડ માથું જોતી-જોતી ભળકડા અબોલા બેઠી રહે છે. હવે પીઠાશ ઘણો દૂર નીકળી ગયો હશે એમ માની ખાતરી થઈ પછી તે મોટેથી રોવા માંડે છે. તેના રૂદનથી તેના બે પુત્રો જાગી ઊઠે છે. પિતાના મૃત્યુની ઘટનાને અને માતાના રુદનના ઢોંગને જાણે છે. જુએ છે અને કટાક્ષ કરે છે. ત્યારે માતા કહે છે : "દીકરા એક દી એનોય બાપ આમ મૂઓ'તો હો ! ત્રણ વરસનો એનો બાળકો તે દી ઉજ્જડ વગડે બાપના મડદા ઉપર પડ્યો-પડ્યો, ગાય વન્યાના વાછરુંની જેમ વલવલતો હતો એ ભૂલી ગયા, મારા પેટ ? બાપ તો સહુંના સરખા. અને હવે બળ હોય તો ચિતોડ ક્યાં આઘું છે. મારા બાપ ?" (સૌ. ર. ભાગ-3 પૃ.૨૭) પત્ની અને માતાનું આ પ્રકારનું વિલક્ષણ વ્યક્તિત્વ મધ્યકાળમાં જ નિહાળી શકાય. એક બાજુ પોતાના પતિના મૃત્યુનું પરોક્ષ કારણ બનતી પત્ની છે. તો બીજી બાજુ પોતાના પતિને મારનાર પ્રતિ, પોતાના પુત્રોને વેર લેવા પડકારતી માતા છે. આ જ માતાના પૂત્રો પીઠાશને ચિતોડમાં ઘેરી વળે છે. ત્યારે પીઠાશની માતા બે ઘોડા લઈને આવે છે અને કહે છે : "ચારણ, આનું નામ કાઈ વેર કહેવાય ? સાંભળે છે ચારણી ? તું એના બાપને મારવા ગયો ત્યારે તેને ત્રણ-ત્રણ ઘોડા હતાં. અને ફઈએ તને ભાગવા દીધો'તો ને સાહી ! આ બાપડા તારા પ્રાણ લઈને કેટલેક ભાગશે ? હમણાં ખબર પડતા જ રાણીની સાંઢયું છુટશે, દુશ્મનને આમ કમોતે મરવા નથી દેવા. તને ભાગવાનો સમો મળ્યો હતો તેમ એમને ય મળવો જોઈએ; માટે આ બે ઘોડા આણ્યા છે. લ્યો બાપ, કામ પતાવીને ચડી જાઓ વીજળી જેવી ચિત્તોડની સાંઢયુંને ય આ ઘોડા નહીં આંબવા દે "(સૌ. ર. ભાગ-૩ પૃ.૩૨) પોતાના પુત્રને મારવા આવનાર દુશ્મનને પણ કમોતે ન મરવા દેવાય અને દુશ્મનની માતાએ જે રીતે પોતાના પુત્રને ભાગવાનો સમય આપ્યો એવી રીતે પોતાના પુત્રને મારનારને પણ ભાગવાનો સમય અને સવલત આપવા જોઈએ એવું માનતી આ સ્ત્રીનું વિરલ વ્યક્તિત્વ અને ભાવના વેરની આગને ઓલવી નાખે છે.
નારીના નવલારૂપોમાં માતાનું સ્થાન મૂઠી ઉચેરું છે. તે આપણા ઇતિહાસમાં નજર કરીએ ત્યારે ખ્યાલ આવે છે. ઝવેરચંદ મેઘાણીએ માતાના ગૌરવભર્યા સ્થાનને સૌરાષ્ટ્રની રસધારમાં આલેખ્યું છે. તેમાંથી પસાર થાઈ ત્યારે ખ્યાલ આવે છે કે, જો કદાચ આપણા અમુક ખજાનામાં સૌરાષ્ટ્રની રસધાર ન હોત તો આપણી માતાઓએ પરિવાર માટે સત્યને ખાતર કે ધર્મને માટે આપેલ પોતાના માતૃત્વના બલિદાનને આપણે ક્યારેય જાણી શક્યા ન હોત.
સંદર્ભગ્રંથ :