Included in the UGC-CARE list (Group B Sr. No 172)

આદિવાસી વસાવા સમાજની વાર્તા - બોબડો આન બોબડી (વસાવા ભાષામાં)

એક ગાંવ આથંઅ તીહીં એક કોરીયેં રેત્લંઅ. તીયાંહા એક પોયરો આન એક પોયરી આથી. દીહા-દીહી ને મઇને મઇના જાતાહા પોયરી આન પોયરો જુવાન વી ગીયેં. પોયરો મોડો, હાતી યાહકી-બાહ્કાંય પોયરા વોરાડ કેરાં વિચાર કેઅયો. એક દિહી કોઓવાલે બાઠે મીલીને વોરાડ કેરાં ખાતોર પોયરી હેરાં ગીયેં પેન પોયરો બોબડીયો આથો હાતી જીંહી બી પોયરી હેરાં જાતલો તીહીં તીયાલ ગોગાંય જાહલંઅ, તીયા ગોઠ્યા ઉનાંયને તો બોબડાય જાય હાતી પોયરીયા વોરાડા ખતોર નાંય જ આખી દેહેલ્યા. એહેંડંઅ ખુબ વા વેઅયં.
એક દિહી પોયરા યાહકી-બાહકાંય આને કોરીયેં મીલીયેં ગોઠ કેએયી કા, આમી ફાચે પોયરી હેરાં જાજી તાહાં પોયરાંય ગોગનું નાંય.
થોડે દિહુકી ફાચી યાહકી-બાહકો આન કોરીયેં પોયરાલ પોયરી હેરાં બીહરા ગાંવ લી ગીયેં આન એવલાલ આખલંઅ કા:
તીહીં જાયને તો ગોગુલો નાંય ઠાકોજ બોહી રેજે પોયરો હમજી ગીયો.
પોયરી હેરાં ગીયે, પોયરીલ હાદી. પોયરાંય પોયરીલ હેઅયી, ને પોયરીયં પોયરાંય હેઅયો બેનીયાંહા પસન્ગી વી ગીયી ફાચે બેનીયાંહા યાહકી-બાહકાંય આન કોરીયાહાંય વોરાડ કેરુલા નોકી કિ લેદો. થોડા દિહીકી સમાજુ રીત-રિવાજુ કિ વોરાડ વી ગીયં. પોયરીલ હાહરાંહા કો લી ગીયેં ફાચે બીહરેં દિહી વોવડીહીલ હાવડીયં માંડો-માવંઅ રાંદા આખિયં. વોવડીયં ચૂલીપ આડ્લીમ તુવી ડા ચુડાત થોવી આન તી કો ફાચાડી પોતડે તોવા ગીયી, આન પોયરો લાકડેં ફોડત્લો. થોડીક વાહંકિ પોયરો બોંબલાં લાગીયો દા દોલી દિયી.....દા દોલી દિયી.
પોયરી પોતડેં તોવતા-તોવતા જ બોંબલા લાગી...
તુલે તાતલી તાલવી....દે તાલવી.
બેની તીયાંહા આવાજ ઉનાંય તે જ ઓહાં ટેકીયેં ફાચે તી વોવડી કોઅમે દોવડી આલી ને જોળોં તી ને બેની ફીરીને આખીને નાંચા ટેકીયેં...
તુ બી તોતલી, આંય બી તોતલ્યો
બેનીયાંહા દોલી.....હુલ્લ....હુલ્લ.

અનુવાદ:

તોતડો અને તોતડી

એક ગામ હતું ત્યાં એક કુંટુંબ રહેતુ હતુ. તેઓના બે સંતાન હતા એક પુત્ર અને એક પુત્રી. દિવસો અને મહિનાઓ વીત્યા પુત્ર અને પુત્રી યુવાન થયા. પુત્ર મોટો હતો એટલે બા-બાપુજીએ તેના લગ્ન માટે વિચાર્યુ. એક દિવસ કુંટુંબના સભ્યો ભેગા મળી લગ્ન માટે છોકરી જોવા ગયા પરંતુ છોકરો નાનપણથી તોતડો હતો તે જ્યારે છોકરી જોવા જતો અને તેનાથી બોલાય જતુ,તે તોતડાય જતો એટલે છોકરીઓ લગ્ન માટે ના કહી દેતી. આવું ઘણીવાર બન્યું.
એક દિવસે છોકરાના માતા-પિતા અને કુંટુંબીજનો ભેગા થયા, તેઓએ વિચારણા કરી કે, હવે પછી છોકરાને જ્યારે છોકરી જોવા લઈ જઈએ ત્યારે છોકરાએ બોલવુ નહી.
થોડા દિવસ પછી બા-બાપુજી અને કુંટુંબીજનો છોકરાને છોકરી જોવા માટે બીજે ગામ લઈ ગયા અને એને કહ્યું:
તારે બોલવુ નહી. ચૂપચાપ બેસી રહેજે, છોકરો સમજી ગયો.
છોકરી જોવા માટે ગયા, છોકરીને બોલાવી, છોકરાએ છોકરીને જોઈ અને છોકરીએ છોકરાને જોયો બંને કંઈ બોલ્યા નહીં માત્ર એકબીજાને હસી બતાવ્યું. બેઉ જણાની પસંદગી થઈ ગઈ પછી બંનેના માતા-પિતા અને કુંટુંબીજનોએ લગ્ન માટે નક્કી કરી લીધું. થોડા દિવસ પછી વસાવા સમાજના રીત-રિવાજ મુજબ લગ્ન થઈ ગયા. છોકરીને સાસરિયામાં લઈ ગયા પછી બીજે દિવસે સાસુએ વહુને રસોઈ બનાવવા કહ્યું. વહુએ ચૂલા પર માટીની હાંડીમાં તુવેરની દાળ બનાવવા મૂકી અને તે ઘરની પાછળ કપડાં ધોવા ગઈ, અને છોકરો લાકડાં કાપતો હતો. થોડો સમય થયો અને છોકરો બૂમપાડવા લાગ્યો:
દાલ દલી દઈ.....દાલ દલી દઈ.
છોકરી કપડાં ધોતા-ધોતા જ બૂમ પાડાવા લાગી...
તુલે તાતલી દે તાલવી...દે તાલવી.
બેઉ એકબીજનો અવાજ સંભળીને હસવા લાગ્યા પછી તે વહુ ઘરમાં દોડી આવી અને બેઉ એકબીજાના કમરે હાથ નાંખી જોડ પકડી ને ગોળ ફરીને ગાઈને નાંચવા લાગ્યા...
તુ બી તોતલી, હું પન તોતલો
બેઉની દોલી....હુલ્લ...હુલ્લ.

નોંધ:

વસાવા સમાજમાં લગ્નવિધિ પહેલા છોકરાના માતા-પિતા અને કુંટુંબીજનો નક્કી કરી છોકરી પક્ષે લગ્નનો પ્રસ્તાવ મૂકે છે ત્યાર બાદ પસંદગી માટે છોકરાને છોકરીના ઘરે લઈ જાય છે જો વર-કન્યા પક્ષની (બંને પક્ષ) સંમતી થયા પછી લગ્ન નક્કી થાય છે. અહીં વાર્તામાં વસાવા સમાજમાં લગ્ન પછી સાસરિયામાં કન્યાને બીજે દિવસે વરના પીઠીના કપડાં ધોવા, કુંટુંબીજનોના કપડાં ધોવા તથા બધાને રસોઈ બનાવીને ખવડાવવું જેવી પરંપરા આજે પણ જીવંત છે તેની અહીં ઝાંખી થઈ છે. વર અને વધૂ બંને તોતડા હોય છે તે પણ એકબીજાને લગ્ન પછી બીજે દિવસે જ તેની જાણ થાય છે કારણ કે, લગ્ન પહેલાં એકબીજાને મળવાની મંજૂરી હોતી નથી જે વાર્તામાં સ્પષ્ટ્પણે જણાયું છે. વસાવા સમાજના ઘરો ગાર-માટીના તથા છાણના લીંપણવાળા હોય છે આ વાર્તામાં તુલે (કૂડ)-જેનો અર્થ કાચી ગાર-માટીની ભીંત અને(બીજો અર્થ કુલા-નીતંબ થાય છે)જે હાસ્ય ઉત્પન્ન કરે છે. પહેલાંના સમયમાં સ્ટીલના વાંસણો નહોતા ત્યારે લોકો માટીના અને લાકડાંના વાંસણોનો ઉપયોગ કરતા હતા, હાલમાં ઓછા પ્રમાણમાં જોવા મળે છે. આ વાર્તામાં તાતલી(ચાટલી) એટલે કે આલીના વૃક્ષના લાકડાંની ચમચી.

વાર્તામાં વસાવા સમાજમાં ધાર્મિકવિધિ તથા લગ્ન પ્રસંગે સ્ત્રી-પુરૂષ એકબીજાના કમરે હાથ નાંખીને નાંચે છે જેને નાંચણું કહેવામાં આવે છે અને હુર્રર્રર્ર....નાંચણામાં આવતો ચાળો છે. (ચાળો- એટલે નાંચતી વખતે બોલ પ્રમાણે બદલવામાં આવતો નાચ.) પહેલાંના સમયમાં મનોરંજનનું કોઈ સાધન ન હતુ ત્યારે લોકો ખેતીકામ કરીને આવતા, સાંજે જમીને પછી મનોરંજન માટે આવી વાર્તા કરતાં જેમાં સમાજની પરંપરાની સાથે-સાથી હાસ્ય પ્રેરક વાર્તા પણ કરતા જેથી થાક પણ ઉતરી જતો અને મઝા પણ આવતી.

શબ્દાર્થ:

વોવડી-વહુ
પોયરી-છોકરી
પોયરો-છોકરો
હેરાં-જોવા
યાહ્કી-માતા
બાહકો-પિતા
દિહી-દિવસ
પોતડે-કપડાં
માંડો-રોટલો
આંડલીમ- માટીની હાંડી
ડા-દાળ
બોંબલા-બૂમ પાડવી
ઉનાંયને-સાંભળીને
હાહરાંહાકો-સાસરિયામાં
ચાટલી-લાકડાંની ચમચી
કૂડ-ગારમાટીની ભીંત

ગામીત ઉર્વશી બાબુભાઈ, (પીએચ.ડી) સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર