Included in the UGC-CARE list (Group B Sr. No 172)

શિક્ષણ રૂપી જ્યોત વડે દલિતસમાજનાં અંધારા ઉલેચનાર નારીની કથા : `સાવિત્રી’

દક્ષા દામોદરા ગુજરાતી દલિત સાહિત્યમાં નારીવાદી સાહિત્યકાર તરીકે પ્રસિદ્ધ છે. તેમની પ્રથમ નવલકથા `શોષ’ (2003) અને પછી પ્રગટ થયેલી `સાવિત્રી’ (2008) આ વાતની સાક્ષી પૂરે છે. `સાવિત્રી’ નવલકથાનાં કેન્દ્રમાં 1831માં જન્મેલ સાવિત્રીબાઈ ફૂલેનું જીવન અને કાર્યો છે. લેખિકાએ અહીં ઐતિહાસિક પાત્ર પસંદ કરી દલિત સાહિત્યમાં ચીલો ચાતર્યો છે. ડૉ. બાબા સાહેબ આંબેડકર પહેલા મહાત્મા જ્યોતિબા ફૂલે અને તેમના પત્નિ સાવિત્રીબાઈ ફૂલેએ દલિત સમાજના ઉદ્ધાર માટે જે સંઘર્ષ કર્યા તે ઘટના ઇતિહાસના હાસિયાંમાં ધકેલાઈ ગઈ છે. આપણો સમાજ ગાંધીજી, બાબા સાહેબ આંબેડકર, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને જે રીતે જાણે છે, એ રીતે જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેના જીવન અને કાર્યો વિશે કદાચ નથી જાણતો. લેખિકાએ `સાવિત્રી’ નવલકથા દ્વારા જ્યોતિબા અને સાવિત્રીબાઈનાં અન્ત્યજો અને દલિતો માટેનાં ઉદ્ધાર કાર્યોને આલેખી યોગ્ય ગૈરવ અપાવ્યું છે.

ફ્લેશબેકની પ્રયુક્તિતીથી નવલકથાનો આરંભ થાય છે. એટલે વર્તમાન બિંદુએથી આરંભાયેલી નવલકથા ભૂતકાળને આલેખી ફરી વર્તમાન બિંદુએ પૂર્ણ થાય છે. પ્લેગના દર્દીઓની સેવામાં સ્વયં પ્લેગનો ભોગ બનેલી સાવિત્રી અંતિમ ઘડીઓ ગણી રહી છે અને પુત્ર યશવંત તેની સેવા કરી રહ્યો છે ત્યાંથી કથા આરંભાય છે. અંતિમ સમયમાં પણ તેને પોતાના સમાજની ચિંતા પીડી રહી છે. પ્લેગ જેવી મહામારીમાં પણ દવાખાનામાં સારવાર લઈ રહેલ દલિતો માટે ઉચ્ચારાયેલ શબ્દો - "અહીંથી આઘો કાઢો એને... આઘો કાઢો". ભદ્રસમાજની આ રુગ્ણ મનોદશા સાવિત્રીનું હ્રદય વલોવી નાખે છે. આ ઓથારને હળવો કરવા અને પોતાના જીવનની અંતિમ ક્ષણોને પોતાના સ્વામીમાં કેન્દ્રિત કરતા, જોતિબાનો કોટ અને પાઘડીને હૈયે લગાડતા સાવિત્રી ભૂતકાળમાં સરી જાય છે. અને શરૂ થાય છે એક પછી એક પ્રસંગોની હારમાળા. જે જોતીરાવને મહાત્મા જોતીબા બનાવનાર પ્રેરણા સ્ત્રોત સાવિત્રીની સંઘર્ષકથા બને છે.

કૃતિમાં આરંભ મહત્ત્વનો હોય છે અહીં પણ જોતીરાવનાં અપમાનનો આરંભિક પ્રસંગ તેના જીવનની દીશા નિશ્ચિત કરનારો છે. હરખે હરખે મિત્ર સખારામની જાનમાં ગયેલ જોતિરાવ હળધૂત થઈને પાછા આવે છે ત્યારે તેના ઉતરી ગયેલ મોંને જોઈ પિતા ગોવિંદરાવ પાછા આવવાનું કારણ પૂછે છે. જેના ઉત્તરમાં જોતિરાવ માંડ એટલું બોલી શકે છે: "મને હાંકી કાઢ્યો. "પુત્રને અપમાન અને ક્ષોભમાંથી બહાર લાવવા પિતા દ્વારા ભૂતકાળમાં માત્ર બ્રાહ્મણોનું અનુકરણ કરવા અને તેમના માટેની ટાંકીમાંથી પાણી ભરવા જેવા કાર્યો માટે અનુક્રમે વૃષણ કાપી નાથવાની અને જનાના અંગોમાં સળગતા સળિયા વડે ડામ દેવા જેવી સજાની વાત કરવામાં આવે છે. પછી તો આવી અનેક સજાઓ અત્યાચારો વિશે જાણી, તથા બ્રાહ્મણો તરફ ઉઠનાર શૂદ્રની આંગળીઓનો વિચ્છેદ કરવામાં ધર્મની આજ્ઞા માનનાર બ્રાહ્મણોની બર્બરતા જોતીરાવને હચમચાવી મુકે છે. અપમાનની જગ્યાએ ક્રોધની જ્વાળા જોતીરાવમાં સળગી ઉઠે છે. પિતા દ્વારા સૂઈ જવાનું કહેતા જોતીરાવનાં અંતરમાંથી શબ્દો નીકળે છે: "સૂવાની નહી બાપુ... વેળ હવે જાગવાની થઈ છે." જેમાં આ બ્રાહ્મણવાદનાં વિરોધની પ્રથમ ચીન્ગારી અનુભવી શકાય છે. પિતા પાસેથી ભૂતકાળમાં શુદ્રો પર થયેલ અત્યાચારો અને અમાનવીય વર્તનની વાત ન સાંભળી શકતાં જોતીરાવ પોતાના ઓરડાની ભોગળ ભીડી દઈ સાવિત્રી પાસે ફસડાઈ પડે છે. અને કહે છે કે આ સમાજમાં પોતે પતિ તરીકે પોતાની પત્નિનાં સ્વમાનની રક્ષા કેવી રીતે કરી શકશે? પતિના અપમાનની પોતાની પીડાનો જરા પણ અણસાર આવા દીધી વગર સાવિત્રી કહે છે: "હૈયે બળતી અપમાનની આગને ક્રાન્તિની મશાલમાં પલટાવી નાખો સ્વામી...!", "તમારી પીડાના મૂળને પરખો સ્વામી...!" સાવિત્રીનાં આ વચનોમાં જોતીરાવને તેનું એક જૂદું જ રૂપ દેખાય છે. સાવિત્રીનાં આ શબ્દો જોતીરાવના ધ્યેય અને જીવનને બદલનાર સિદ્ધ થાય છે. રાજનૈતિક આઝાદી અપાવવામાં માનનાર જોતીરાવ શૂદ્રોને આ સામાજિક ગુલામીમાંથી મુક્તિ અપાવવાને જીવન લક્ષ્ય બનાવે છે. જેમાં શસ્ત્ર બને છે શિક્ષણ. સાવિત્રી પ્રશ્ન કરે છે કે: "મને એટલું સમજાવશો કે શાં માટે બ્રાહ્મણો એમની સિવાયના વર્ણના-ખાસ કરીને શૂદ્ર અને અંત્યજોને શિક્ષાથી વંચિત રાખવા માંગે છે?" (પૃ.12) સાવિત્રીનો આ પ્રશ્ન જોતીરાવનનાં જીવનમાં ઝબકાર સમાન સિદ્ધ થાય છે જેની પ્રતીતિ જોતિરાવનાં આ સંવાદો કરાવે છે: "હિંદુ સમાજના સમાજિક, ધાર્મિક માળખામાં જે સર્વોચ્ચ સ્થાને બ્રાહ્મણો બિરાજમાન છે તે સ્થાનના પાયા જેટલા બ્રાહ્મણોના જ્ઞાન પર નિર્ભર છે તેથી વિશેષ બ્રાહ્મણેતરોના અજ્ઞાન પર નિર્ભર છે. એમણે રચેલી એમની ભ્રામક મહત્તાની માયાજાળ કાગળના મહાલની જેમ કડડભૂસ થઈ, જો શિક્ષાના બળે બ્રાહ્મણેતરો બ્રાહ્મણગ્રંથોની પોકળતા જાણી જાય" (પૃ.12)

- "જીવનના કેટલાક સત્યો પ્રત્યે હું ય ખુલ્લી આંખે ઊંઘમાં હતો. આજ મારી મૂર્છા તૂટી ગઈ છે, સાવિત્રી. સમાજના એક ખાસ વર્ગના એશો-આરામ માટે વિશાળ સમુદાયને એના ઇશ્વરદત્ત અધિકારોથી વંચિત રાખવાના ષડયંત્રને સામાજિક વ્યવસ્થામાં ખપાવવામાં એટલા માટે તેઓ યુગો યુગોથી સફળ થયા છે કે...કચડાયેલ લોકોને તેમની દારુણ દશાનું સાચું કારણ ક્યારેય ન જણાય તે માટે પાણી પહેલાં જ પાળ બાંધવામાં... એટલે કે શૂદ્રો-અંત્યજો માટે શિક્ષા પ્રાપ્તિના માર્ગ જ બંધ રાખવાને તેઓ ધર્મ કહે છે" (પૃ.12)

ત્યાર બાદ ભજનિકની અગમવાણી - "ક્યાંથી આવ્યો, ક્યાં છું જવાનો, ભેદ-ભરમ આ ભારી રે... ઓ...જી./ ખડગ લે હાથમાં જ્ઞાનનું ને, ભેદી લે માહ્યલું અંધારું" જોતીરાવને શસ્ત્ર અને શક્તિ આપી જાય છે. આ શસ્ત્ર વડે તે પહેલાં પોતાને માર્ગ બતાવનાર સાવિત્રીને અક્ષરજ્ઞાન આપે છે, જેમાં સાવિત્રીની સાથી બને છે, જોતીરાવને ઉછેનાર અને સંસ્કાર સિંચન કરનાર સગુણાતાઈ. એટલું જ નહિ જોતિરાવ પોતાના બ્રાહ્મણમિત્રો સદાશિવ, સખારામ, મોરોપંત, કેશવશિવરામ, અન્ના સહસ્ત્ર બુદ્ધે, કૃષ્ણ શાસ્ત્રી અને તાત્યાસાહેબની મદદથી કન્યાશાળાની શરૂઆત કરે છે. જોતીરાવનું આ કાર્ય કટ્ટરપંથીઓની ઊંઘ ઉડાનારું બની રહે છે. કેટલાક ધર્મ ધુરંધરો છડે ચોક ત્રિશૂલ અને તલવાર લઈને બાળકીઓને શાળાએ જતી અટકાવવા માટે ઊભા રહી જાય છે ત્યારે શારીરિત શક્તિ ધરાવનાર લહુજી ઉસ્તાદ બાળકીઓને હેમખેમ શાળાએ પહોચાડવાનું બીડું લે છે. બાળકીઓને નથી રોકી શકતા ત્યારે નાતબહિષ્કૃતનું પોતાનું અંતિમ હથિયાર વાપરે છે જેના કારણે જોતીરાવના કેટલાપ બ્રાહ્મણમિત્રો તેનો સાથ છોડી દે છે અને આવી વિકટ ઘડીમાં સાવિત્રી શાળામાં ભણાવવાની જવાબદારી સ્વીકારી લે છે, હવે શરૂ થાય છે સાવિત્રીની ખરી સંઘર્ષ યાત્રા! ઘેરથી શાળા જવાનો માર્ગ સાવિત્રી માટે અનેકગણો લાંબો બની જાય છે, માર્ગમાં કટ્ટરપંથીઓ કડવા વેણ અને મ્હેણાં ટોણાં મારે છે. નિરાશ બનેલી સાવિત્રીમાં જોતીરાવના શબ્દો આત્મમંથન જગાવે છે, આ આત્મમંથનમાંથી આવતો દ્રઢ નિર્ધાર સાવિત્રીનો જીવનમંત્ર બની રહે છે: "હું ભણાવવા જરૂર જઈશ. ચાહે રસ્તામાં આખી દુનિયા અંતરાય બનીને કેમ ઊભી નથી રહી જતી...! મારી સંગાથે તમે છો, સત્ય અને જ્ઞાન છે, હું શા માટે કોઈથી ડરું?"(પૃ.30) અપશબ્દોથી ભરેલો આ રસ્તો વધારે વિકટ બને છે. પહેલા માત્ર અપશબ્દો વરસતા હવે સાવિત્ર પર કાદવ-કીચડ વરસાવવામાં આવે છે. સાવિત્રી આ ઘટના બાદ પોતાની સાથે થેલામાં એક વધારાની સાળી લઈ જતી. જેથી રસ્તાની મલિનતાને શાળાએ પહોચીં દૂર કરી શકે. પરંતુ પરાકાષ્ટા તો ત્યારે આવે છે જ્યારે માર્ગમાં એક કટ્ટરપંથી સાવિત્રી સાથે અડપલું કરવાનો પ્રયત્ન કરે છે પરંતુ સાવિત્રી એ આગળ વધે એ પહેલા તો તેનો મોઢે તમાચો ચોડી દે છે! સાવિત્રીનો આ તમાચો વર્ષોથી સ્ત્રીઓ પર થતાં અત્યાચારોનો જવાબ છે. એટલું જ નહિ આ દિન બાદ સાવિત્રીને બીજી સાળી લઈ જવાની જરૂર નથી પડતી. આટલેથી ન અટકતા આ ધર્મધૂરંધરો ગોવિંદરાવને ઘેર રાધોપંતની મંડલી લઈ પહોંચે છે અને ગોવિંદરાવ સામે પોતાનો દીકરો અને વહુ આ શિક્ષણનું કાર્ય બંધ નહી કરે તો નાત બહાર મૂકાવાનું શસ્ત્ર ઉગામે છે. આ શસ્ત્ર સામે પડી ભાંગી ગોવિંદરાવ જોતીરાવને આ કાર્યો છોડી દેવાનું અથવા આ ઘર છોડી દેવાનું કહે છે ત્યારે જોતીરાવ પોતાના પિતાને આ ઉંમરે નાત બહાર ન મૂકાવું પડે એ માટે ઘર છોડી દે છે. આ વિકટ પરિસ્થિતિમાં તેમને સાથ આપે છે મિત્ર ઉસ્માન શેખ. નિરાધાર બનેલ જોતીરાવ આવી વિકટ પરિસ્થિતિમાંથી પણ સાવિત્રીની ઓથ અને હુંફને કારણે બહાર આવી શકે છે. અને બંધ પડેલી શાળાને પણ સહ્રદય અંગ્રેજ મિ. મિચેલ અને સદાશિવ, મોરોપોંતના સાથને કારણે ફરી શરૂ કરી શકે છે. પછી તો બલ્લાચાર્ય, દેવરામ ઠોસરજી જેવા બ્રાહ્મણો પણ આર્થિક સહાય અને શાળામાં મફત સેવા આપે છે. એક બાજુ વિરોધી રૂઢિવાદી બ્રાહ્મણો છે તો બીજી બાજુ જોતીરાવને મદદ કરનાર તાત્યા સાહેબ, અન્ના સાહેબ ચીપલૂણકર જેવા બ્રાહ્મણો પણ છે. જેના સાથને કારણે જોતીરાવ ભાવિ કાર્યોક્રમો આગળ વધારી શકે છે અને સાવિત્રી પ્રધાનાધ્યાપિકા બને છે. એક શિક્ષણ સમિતિની પણ રચના કરવામાં આવે છે. જોતીરાવના આ કાર્યને બિરદાવવા સરકાર દ્વારા તેમનું સન્માન કરવામાં આવે છે, ત્યારે ભરી સભામાં જોતીરાવ પોતાને ઘડનાર, શિલ્પકાર તરીકે સાવિત્રીને ઓળખાવે છે. જેનાથી સવર્ણોનાં કાનમાં તેલ રેડાય છે. મિ. મિચેલનાં કહેવાથી જોતીરાવ સ્કોટીસ મિશનમાં પાર્ટ ટાઈમ નોકરી સ્વીકારે છે. સાથે જ્ઞાન ઈચ્છુક કામદારો માટે રાત્રિશાળા શરૂ કરે છે.

જોતીરાવનું `તૃતીય રત્ન’ નાટક મનુસ્મૃતિની પોકળતાને પડકારનારું બને છે: "ઉચ્ચવર્ણીઓએ ભગવાન બનીને તમને કેવી રીતે ફસાવ્યા છે તે શિક્ષાની મદદથી તમે જાણી શકશો કે તે લોકો નકલી અને ધૂર્ત છે."(પૃ.66) આ નાટકની વાસ્તવિકતાથી છંછેડાયેલા ધર્મસંરક્ષકો જોતીરાવની હત્યા કરાવવાનો પ્રયત્ન કરે છે પરંતુ સફળ થઈ શકતા નથી. સામાજિક સુધારાની પહેલ કરનાર અંગ્રેજોનો પક્ષ લેનાર જોતીરાવ અને તેના બ્રાહ્મણ મિત્રોમાં મતભેદ ઊભો થતાં પોતે શાળાનાં દાનને આડે અંતરાય ન બને એટલા માટે શાળાની સમિતિથી વિલગ થાય છે. પરંતુ શિક્ષાનું કાર્ય છોડતા નથી. પિતા-પુત્રની વચ્ચે આવેલ શાળાનું કાર્ય દૂર થતાં જાતીરાવ ગોવિંદરાવ પાસે જાય છે અને પિતા-પુત્રનું મિલન થાય છે, જેમાં ગોવિંદરાવની ઘેર પારણું બંધાવાની આખરી અબળખા સાવિત્રીનાં માતૃહ્રદયને હચમચાવી જાય છે અને સાવિત્રી જોતીરાવને સંતાન માટે બીજા લગ્ન કરી લેવાનું કહે છે ત્યારે જોતીરાવનાં વિશ્વાસાત્મક વચનો: "હાડ-માંસના એક માનવપિંડને જન્મ ન આપી શકવાથી તારી જાતને પીડવાનું છોડ સાવિત્રી... તું તો એક નવા યુગની જન્મદાત્રી છો"(પૃ.93) સાંત્વના આપનાર તો બને જ છે સાથે સાવિત્રીના વાત્સલ્યપૂર્ણ હ્રદયમાં ત્યજાયેલા બાળકો માટે "બાળહત્યા પ્રતિબંધક ગૃહ"ના નિર્માણ માટે પ્રેરણા આપનાર પણ બને છે. જેમાં બ્રાહ્મણો દ્વાર અત્યાચારનો ભોગ બનેલી સ્ત્રીઓ પોતાના બાળકને કોઈ પણ જાતના ભય વગર જન્મ આપી શકે. અહીંથી જ બ્રાહ્મણનો ભોગ બનેલ બાળવિધવા કાશી દ્વારા જન્મેલ બાળકને સાવિત્રી દત્તક લે છે, અને બાળકને નામ મળે છે યશવંત જોતીરાવ ફૂલે.

બીજી બાજુ કુદરતી આપદારૂપ દુષ્કાળ પડે છે. ત્યારે પણ આ રૂઢિવાદીઓ તેના કારણરૂપ શૂદ્રો અને અન્ત્યજોને માને છે. આ વિકટ કુદરતી આપદામાં પોતાના બાળકોને મરતા ન જોવા પડે એ માટે ગરીબો પોતાના બાળકોને વેંચી રહ્યા છે એ જાણી સાવિત્રીનું હ્રદય દ્રવી ઊઠે છે. અને પોતાના આભૂષણો વેંચીને અન્નક્ષેત્ર ખોલાવે છે. સાથે આ ભૂખમરાનું ખરું કારણ સંગ્રહખોર સામે લાવવામાં જાતીરાવ સફળ થઈ શકે છે.

"સત્યશોધક સમાજ"ની ત્રીજી વર્ષગાઠે આ સમાજ દ્વારા થયેલા કાર્યો અને હવે શું કરી શકાય તેની ચિંતા કરતાં જોતીરાવ શૂદ્રો અને દલિતોની અવસ્થાની વાસ્તવિક પરિસ્થિતિ અંગ્રેજો સામે લાવવા માંગે છે અને ભરી સભામાં અંગ્રેજોની હાજરીમાં જોતીરાવ હિમ્મતપૂર્વક અંગ્રેજો સમક્ષ આ વાસ્તવિક પરિસ્થિતિ લાવી શકે છે. જેમાં તેઓ માત્ર પારંપરિક શિક્ષણ નહિ પણ તેની સાથે વ્યવસાયિક તાલીમ અને વિના મૂલ્યે શિક્ષણ આપવાની હિમાયત પણ કરે છે. જોતીરાવનાં આ કાર્ય બદલ અનેક વર્તમાનપત્રો અને વિષ્ણુ શાસ્ત્રી અને ચીપલૂણકર જેવા ધર્મધૂરંધરો તેમનો વિરોધ કરે છે. સાવિત્રી આ હતાશા-નિલાશાઓમાં સદાય જોતીરાવમાં અમૃતનું સિંચન કરનાર બની રહે છે. આ બન્ને પતિ-પત્નિનાં પ્રયત્નોને લીધે એક દિવસ એવો હતો જ્યારે શૂદ્રો જાહેર માર્ગ પર ચાલતા ડરતા હતા, એ જ જાહેર માર્ગ પર આજ "સત્યશોધક સમાજ"નો જૂલૂસ ગૌરવભેર નીકળી રહ્યો છે. ચારે તરફ જોતીરાવ અને તેના કાર્યનો જય જયકાર થાય છે. જ્ઞાન અને શિક્ષણનો વિજય થાય છે.

જોતીરાવ જ્યારે શારીરિક માંદગીવશ પથારીમાં પડે છે, ત્યારે સાવિત્રી સફળતાપૂર્વક પતિની જવાબદારી ઉપાડી લે છે અને એટલે જ જોતીરાવ પોતાનું શરીર નિશ્ચિંતતાથી છોડી શકે છે. જોતીરાવ બાદ સાવિત્રી પતિનાં અધૂરા કાર્યો આગળ વધારે છે, શિક્ષા રૂપી જ્યોતને જીવંત રાખે છે. એટલું જ નહિં દુષ્કાળ જેવી કારમી સ્થિતિમાં "સત્યશોધક સમાજ" દ્વારા બે હજાર જેટલા બાળકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. આ સ્થિતિમાં પણ ઘી-ચૂરમાની જયાફતો ઉડાવનાર ભદ્ર સમાજ મદદ માટે હાથ લાંબો કરવાની જગ્યાએ શૂદ્રો અને અન્ત્યજો પર દોષનો ટોપલો નાખે છે!

પ્લેગ જેવી મહામારીમાં પણ ભદ્ર લોકો દ્વારા પોતાના તંબુઓ શૂદ્રોથી અલગ રાખવા બાબતે થતી બબાલો સાવિત્રીને ક્ષુબ્ધ કરી દે છે. આ મહામારીમાંથી લોકોને ઉગારવા સાવિત્રી પોતાના સ્વાસ્થયની ચિંતા કર્યા વગર પ્લેગગ્રસ્થ લોકોની મદદે દોડી જાય છે. જેમાં તે બિમારીનો ભોગ બને છે. આ બિમારાવસ્થામાં પણ તેને લોકોની પ્લેગમાં સારવાર કરનાર પ્રત્યેની માનસિકતા પીડી રહી છે. આ અંતિમ ક્ષણોમાં પોતાના બાળકોને `લોકોની સેવા એ જ હરિની સેવા’ એવો મંત્ર આપી ક્ષર દેહે આ જગતની વિદાય લે છે. પોતાના માતા-પિતા દ્વારા જલાવવામાં આવેલી આ શિક્ષા જ્યોત આ સમાજને અંધકારમાં પ્રકાશ તરફ લઈ જનાર બની રહેશે એવા પુત્રના દ્રઢ વિશ્વાસ સાથે નવલકથા વિરામ પામે છે.

પાત્રોની દ્રષ્ટિએ સાવિત્રી, જોતીરાવ, સગુણાતાઈ, ગોવિંદરાવ, સદાશિવ, યશવંત, લહુજી ઉસ્તાદજી, મોરોપંત, મિ. કેન્ડી, મિ. મિચેલ જેવા પાત્રો સારો ઉઠાવ પામ્યા છે. નવલકથાના કેન્દ્રમાં જોતીરાવ અને સાવિત્રીએ શુદ્રોને શિક્ષણ અપાવવા માટે કરેલા સંઘર્ષો છે. અને તેમાં પણ જોતીરાવને મહાત્મા જોતીબા બનાવનાર સાવિત્રી છે. માટે સાવિત્રીના પાત્રની અનેક રેખાઓ નવલકથામાં ઉપસે છે. જ્યારે જ્યારે જોતીરાવ હતાસામાં ગરકાવ થઈ જાય છે ત્યારે ત્યારે સાવિત્રી તેમની માર્ગદર્શક અને શક્તિ બની રહે છે. સાવિત્રીએ જ જોતીરાવને અપમાનની આગને ક્રાન્તિની આગમાં પલટાવવાની દીશા બતાવી હતી: " હૈયે બળતી અપમાનની આગને ક્રાન્તિની મશાલમાં પલટી નાખો સ્વામી...!"(પૃ.9), "તમારી પીડાના મૂળ પરખો સ્વામી...! અને એના વિચ્છેદ માટે વિનાશને બદલે નિર્માણનો માર્ગ પસંદ કરો."(પૃ 10) આ ઉપરાંત પણ જ્યારે નાત બહાર મૂકાવાના ડરને લીધે ભણાવનાર મિત્રો શાળા છોડી દે છે ત્યારે સાવિત્રી અધ્યાપિકાની જવાબદારી ભદ્ર સમાજનાં અપશબ્દો અને કાદવ-કીચડના વરસાદ છતાં પતિને પોતાની પીડા જણાવ્યા વિના નિભાવે છે. માટે જોતીરાવ પણ સ્વીકારે છે કે: "હું શરીર છું તો સાવિત્રી આત્મા છે." પતિ પાસે શિક્ષણ મેળવીને અધ્યાપિકામાંથી પ્રધાનાધ્યાપિકા બની, જોતીરાવનાં અવસાન બાદ શિક્ષણ અને માનવસેવા રૂપી જ્યોતને પોતાના પ્રાણનાં ભોગે પણ જલતી રાખે છે, બ્રાહ્મણોનો ભોગ બનેલી વિધવાઓ પોતાના બાળકને ભય વગર જન્મ આપી શકે એ માટે "બાળહત્યા પ્રતિબંધકગૃહ"ની સ્થાપના કરે છે. ત્યાંથી જ બાળવિધવા કાશીનાં બાળકને દત્તક લે છે. દુષ્કાળમાં અન્નક્ષેત્ર ખોલીને લોકોની સેવા કરે છે, પતિના અવસાન બાદ તેના કાર્યોને આગળ વધારે છે. એટલું જ નહિ પોતાના કાર્યો દ્વારા પોતાના બાળકો અને સમગ્ર સમાજને `લોકોની સેવામાં જ હરિની સેવા છે’ એવું શીખવી જાય છે. આ બાહ્ય સંઘર્ષોની સાથે સાવિત્રી અને જોતીરાવના પ્રણય-મઘુર દાંપ્ત્યજીવનનું આલેખન પતિના સુખે સુખી અને પતિના દુખે દુખી થનાર જીવનસાથી સાવિત્રી અને લગ્નને ઘણો સમય થયો હોવા છતાં બાળક ન થતાં માતૃત્વસંખતી સાવિત્રીનું હ્દયસ્પર્શી આલેખન આંતરિક સંઘર્ષ જન્માવે છે.

જોતીરાવનું પાત્ર પણ તેમના સિધ્ધાંતો અને કાર્યો દ્વારા યોગ્ય રીતે આલેખન પામ્યું છે. પોતાના મિત્રની જાનમાંથી અપમાનિત થઈને આવનાર જોતિરાવને જીવનની સાચી દિશા મળતા સમાજની વિરોધમાં જઈ પોતાની પત્નિ અને પાલક માતા સગુણાતાઈને ભણાવે છે એટલું જ નહિ જ્યાં સુધી આ અધ્યાપન ચાલે ત્યાં સુધી પત્નિને પણ શિષ્યા તરીકે જ જુવે છે. ભદ્રસમાજનાં વિરોધ અને અપમાન છતાં કન્યાશાળા ચલાવે છે. શિક્ષણની જ્યોત જલતી રાખવા, પોતાના પિતાનું ઘર અને પરિવાર છોડી દે છે. મિત્ર સાથે મળી બંધ પડેલી શાળા ફરી શરૂ કરે છે. સરકાર દ્વારા જ્યારે તેમના સામાજિક કાર્યો બદલ સન્માન કરવામાં આવે છે ત્યારે પોતાની સફળતાનું કારણ પોતાની પત્નિ છે એવુ ભરી સભામાં સ્વીકારે છે. સંતાન માટે સાવિત્રી જોતીરાવને બીજા લગ્ન કરવાનું કહે છે ત્યારે જોતીરાવ: "તું તો એક બાળકની નહિ પરંતુ એક યુગની જન્મદાત્રી છે" કહી સાવિત્રીને પોતાની શક્તિનો પરિચય કરાવે છે. દુષ્કાળમાં સંગ્રહખોરો વિરુદ્ધ અવાજ ઉઠાવવામાં અને સંગ્રહખોરોને નાથવામાં સફળ થઈ શકે છે. મિત્રોનો વિરોધ વહોરીને પણ આ દેશના ઉદ્ધાર માટે રાજકીય સ્વતંત્રતા કરતા સામાજિક સ્વતંત્રતાની જરૂર છે એ મત પર દ્રઢપણે વળગીને, એ જ માર્ગ પર આગળ વધે છે. અંગ્રેજો સમક્ષ શૂદ્રોની વાસ્તવિક પરિસ્થિતિ લાવી શુદ્રો માટે શિક્ષાનાં દ્વાર ખોલી દે છે. મૃત્યુ સમયે પણ જોતીરાવ પોતાની અંતિમ સંસ્કારની વિધિ માટે પરંપરાગત અગ્નિસંસ્કારની રૂઢિ છોડી દફનાવવાનો ચીલો પાડે છે. તેમના આ કાર્યો જોતીરાવના પાત્રને ઘડવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે.

સગુણાતાઈનું પાત્ર ગૌણ હોવા છતાં ભાવકમાનસ પર છાપ છોડી જનારું બન્યું છે. જોતીરાવની માતાના અવસાન બાદ જોતીરાવના પાલન અને સંસ્કારસિંચનનું કાર્ય તે ઉપાડી લે છે. સામાજિક વિરોધની ચિંતા કર્યા વગર સાવિત્રીની સહપાઠી બને છે. પોતાની બધી મૂળી શાળા શરૂ કરવા જોતીરાવનાં હાથમાં મૂકી દે છે.

ગોવિંદરાવનું પાત્ર રૂઢિવાદી પિતા તરીકે આલેખાયું છે. સામાજિક વિરોધ થતાં પોતાના પુત્રને ઘર છોડવાનું કહે છે. તો જોતીરાવ પાછા આવતા તેમને અપનાવી પણ લે છે. સદાશિવ, તાત્યા સાહેબ, ઉસ્માન શેખ જેવા મિત્રો ડગલેને પગલે જોતીરાવને સાથ આપનાર સાચાં મિત્ર તરીકે આલેખાયા છે.

પાત્રોચિત્ત ભાષા નવલકથાનું સબળ પાસું છે. સ્થળ મહારાષ્ટ્ર હોવાને કારણે સંવાદમાં મરાઠી ભાષાનો પ્રયોગ કર્યો છે. સરળ, સહજ મરાઠી ભાષા પ્રયોજાવાને કારણે સમજવામાં ગુજરાતી ભાષકોને અગવડ પડતી નથી. સાહજિક રીતે પ્રયોજાતા અલંકારો અને વર્ણનો નવલકથાનું જમાં પાસું છે. જેમકે: પદ્મ શો પ્રફુલ્લિત ચહેરો, સાવિત્રીનાં પંડમાં જાણે પ્રાણ પૂરાણો, સાવિત્રીના અંતરને જાણે હળવું પીછું સ્પર્શી ગયું, આંસુડાની ધાર શિશુના હોઠ પાસે એવી રીતે ટપકીને અટકી ગઈ જાણે દૂધનું બુંદ, સાવિત્રીની ગોદમાં યશવંત શું આવ્યો, જાણે આનંદનો અમર કૂપ આવી ગયો, કાતર જેવી જુબાન, જ્વાળામુખી જેવી સાવિત્રી, સૂરજના અજવાળા જેવી છીપને ચીડ તેવી આ રૂઢિદાસોને નવ્ય સુધારાઓની, ખારા સાગરમાં મીઠી વીરડી સમા તાત્યા સાહેબ, વીજળીની જેમ ચમકતી બે ધારવાળી તલવાર, વિદ્રોહીઓ પરંપરાના થીજેલ હવળજળનાં જંતુ જેવા, અણખપના બનેલ માવતર જેવા, કોમળ પાંદડીશી અંગૂલિ, કમળપાંદ જેવી આંખો, ઝાંઝવા જેવી તૃષ્ણાઓ, વરસીને નિર્મણ બનેલા નિરભ્ર આકાશ જેવી સાવિત્રીની આંખો, શિશુના કોમળ સ્પર્શ જેવી હવા, હવાનાં મસ્ત ઝોંકા જેવી એ (સાવિત્રી), યમના પાશ જેવી સૂરજની ગરમી, તીણાં તીર જેવી ઠંડી. સાહજિક રીતે પ્રયોજાતા આવા ઉપમા અને ઉત્પ્રેક્ષા અલંકારો લેખિકાનાં સક્ષમ ગદ્યનો પરિચય કરાવે છે.

સ્થળ- પરિવેશના વર્ણનો લેખિકાનાં અલંકૃત ગદ્યનો પરિચય થાય છે. કેટલાક ઉદાહરણો જોઈએ:
1. "કાળા-સીસમયાં કમાનોથી સજ્જ રાજપ્રસાદ અને સભાગૃહ, સફેદ દૂધ જેવા કાચથી ઝળહળતાં ભવ્ય ઝુમ્મરો, કાષ્ઠનાં ઘરેણા જેવી કોતરણીથી મઢેલ ઝરૂખાઓ અને બારીઓ, રેશમિયા પડદા, સભાગૃહનો બારીમાંથી દેખાતો ચોક, ચોકની ફરતે સર્પાકાર સીડીઓ..." (પૃ.56)

2. "ફાંસીના માચડે લટકેલા વિદ્રોહીના બહાર નીકળી આવેલ ડોળા જેવો સૂરજ ઉગતો અને રોજ સળગતી કેટલીય ચિતા જેવી જ્વાળાઓને પોતાનામાં સમાવી આથમી જતો. મહારાષ્ટ્રની ધરતીને પ્રત્યક્ષતો કોઈ નાતો બળવા સાથે હતો નહિ, પણ આશંકાના ઘોડા હણહણ્યા કરતા અને તકેદારીની બેનાળી આગ ફૂંક્યા કરતી હતી."(પૃ. 78)

3. "સૂરજ અસ્તાચળમાં ડૂબી ગયો એટલે અંધકારે એનો કાળો પછેડો ચોમેર ફેરવી દીધો. શિતળ હવાની લહેરખીઓ અંધારામાં મનસ્વીપણે ઘુમરાતી હતી."(પૃ.84)

આવાં વર્ણનો લેખિકાના ગદ્ય સામર્થ્યની સાથે પાત્રમાનસને ઉજાગર કરનારા બની રહે છે.

નવલકથામાં વેરાયેલી કાવ્ય પંક્તિઓ કવિયત્રી સાવિત્રીને નીરૂપવામાં સફળ પૂરવાર થઈ છે લેખિકાએ આ કાવ્યોનો કાર્યસાધક વિનિયોગ કર્યો છે :
"સ્વાવલંબન ચા । ઉદ્યોગ પ્રપંચ ।
જ્ઞાન ધન સંચ । કરિયેલ ।"
વિદ્યેવીણ ગેલે । વાયા ગેલે પશુ ।
સ્વસ્થ નકા બસૂ । વિદ્યા ઘેણે । (પૃ. 88)

તો જોતીબાના અવસાન બાદ નીચેની કાવ્ય પંક્તિઓ સાવિત્રીનાં સૂના હૈયાને વાચા આપે છે:
દિન નહી ચૈન,
રાત નહીં નિંદિયાં
કાસે કહું દુ:ખ હોયે
સાંઈ બિના... દરદ કલેજે હોય...! (પૃ. 153)

નવલકથામાં આલેખાયેલ પાકૃતિક અને સામાજિક પરિવેશ પાત્રને જીવંત બનાવે છે સાથે પાત્રમાનસને, તેના આંતરિક ભાવને ઉજાગર કરે છે :
1. "આથમણી દિશામાં લપાયેલા સૂરજનું ઓલવાતું જતું અજવાળું સાવિત્રીના મોં પર લીંપાઈ ગયું" ( પૃ. 96)
2. "રસ્તામાં લહેરાતા નાના-મોટા બગીચાઓની લીલોતરી આંખને અને રેંટના કુઉ-કુઉ નાદ સંગાથે ખેતરોમાં બળદને હાંકતાં-હાંકતા ક્યાંક લલકારતાં બેફિકરા ગીતો કાનને મસ્તીથી છલોછલ ભરી દેતાં હતાં. સોપારી, નાળિયેરી અને કેળ, અનાયાસના પાંદડાંમાંથી ચળાઇને આવતા સુગંધમય પવનમાં તરબત્તર બની જતું મન પ્રકૃતિના અનુપમ રૂપના દર્શનમાં એવું તો ખોવાઈ ગયું હતું કે ક્યારે સાંજ ઢળી ગઈ અને ક્યારે વેલડાંએ પૂણે નગરીનો સીમાડો રણઝણાવી દીધો તેનો સાવિત્રીને ખ્યાલ પણ ન રહ્યો." (પૃ.90)

પ્રાકૃતિક પરિવેશનું આ વર્ણન મહારાષ્ટ્રનાં ગ્રામ્ય પરિવેશનું નિર્માણ કરે છે સાથે સાવિત્રીનાં હ્રદયાનંદનો પણ સંકેત કરે છે.

આંમ, સમગ્ર દ્રષ્ટિએ જોતા `સાવિત્રી’ નવલકથા વડે લેખિકાએ સાવિત્રીબાઈ ફૂલે અને જોતીબા ફૂલેએ શિક્ષણ ક્ષેત્રે કરેલાં કાર્યોને ઉજાગર કરી ઇતિહાસમાં ઉપેક્ષાયેલા પાત્રોને યોગ્ય ન્યાય આપ્યો છે.

સુશીલા વાઘમશી