‘ખરડાયેલી માટી’ : નાયિકાના મનમાં ચાલતા આંતરદ્વંદ્વને વાચા આપતી વાર્તા
ગુજરાતી સાહિત્યમાં અનુઆધુનિકયુગમાં વાર્તા, ગઝલ, અને નવલકથા જેવા સાહિત્ય પ્રકાર ખૂબ જ પ્રચલિત જોવા મળે છે. જેમાં વાર્તા સ્વરૂપ પોતાની આગવી ઓળખ આપી રહ્યું છે. વાર્તા સ્વરૂપમાં આજે નવા નવા સર્જકો પોતાની કલમને ચલાવી રહ્યા છે જેમાં પોતાની વાર્તાઓમાં સુવર્ણકાર તેમની સુવર્ણકલાની જેમ વાર્તા કલાને પણ ઝીણવટભર્યા નકશીકામ જેમ મૂલવે છે એવા સર્જક એટલે અજય સોની. અજય સોનીનું પહેલું પુસ્તક (વાર્તાસંગ્રહ) ‘રેતીનો માણસ’(૨૦૧૭) અને ત્યારબાદ તેમની પાસેથી ‘કથા કેન્વાસ’ અને ‘કોરું આકાશ’ જેવી કૃતિઓ મળે છે.
‘રેતીનો માણસ’માં કુલ ૧૮ વાર્તાઓ ગ્રંથસ્થ છે. એમાંથી અહીં તેમની હૃદયસ્પર્શી વાર્તા વિશે નોંધુ તો :- “નાયિકાની લાચારીનો લાભ ઉઠાવતા હવેલીના બાપુની હવસનું આલેખન, તથા પતિની ખુશીમાં ખુશ એવી નાયિકાના મનમાં ચાલતા આંતરદ્વંદ્વને ઘટનાના બાહ્ય નિરૂપણને બદલે પ્રતિકાત્મક સંકેતોથી વાર્તાનાં મર્મને ઉઘાડી આપતી વાર્તા” એવી ‘ખરડાયેલી માટી’ને આસ્વાદવાનો મારો ઉપક્રમ છે.
વિષયવસ્તુના આરંભે કૂતરાનો અવાજ આવતા ફરી રામીનું ધ્યાન તુટ્યુ. કૂતરું ઓરડીની ભીંત સાથે પોતાનું ગંદુ શરીર ધસી રહ્યું હતું. રામીએ હાકોટો કર્યો પણ અંધારામાં એનો અવાજ દબાઈ ગયો. એ ઉભી થઈને ઓરડીમાં આવી, ફાનસ પેટાવ્યું. ફાનસને ખીંટીએ ટાંગતી વખતે એની નજર બાજુમાં ટીંગાતી ટોર્ચ પર ગઈ અને અંદરથી શેરડો પડ્યો. ટોર્ચને ધારી ધારીને જોવા લાગી. પહેલી વાર રામીના પતિએ ટોર્ચ બતાવી ત્યારે તો તેને સરખું બોલતાંય ન’તું આવડતું. “જો રામી આને ટોર્ચ કહેવાય. આ ચાંપ દબાવ એટલે પાણીના ધોધની જેમ અજવાળું વછૂટે. છેક સામે સેઢે ઉભો માણહ પણ દેખાઈ આવે. આજે જ બાપુએ અપાવી છે. કહેતા હતા તને રાતે ચોકી કરવામાં સારું રહેશે. શહેરમાં જશે એટલે મારી હાંટુ બંદૂક પણ લઈ આવશે”(જાત સાથેનો સંવાદ; પૃ-૧૧૩). રામીને ખબર હતી કે એનો પતિ રોજ રાત પડે ત્યારે ચોકીએ જાય છે, પણ આજે એને થયું કે ન જાય તો સારું. તેની અંદરની ફડક વધતી જતી હતી. શિયાળાની રાત ગળવા લાગી હતી. રામીના પતિએ ડાંગ ઉપાડી અને રામીના મોમાંથી ઉહકારો નીકળી ગયો. એ અવળું ફરી ગઈ ને ઓરડીમાં પાછી ફરી ત્યારે દૂર પહોંચી ગયેલો ડાંગનો અવાજ દબાતા પગલારૂપી પાછો આવતો સંભળાતો હતો. હવેલીની દીવાલ પરથી વહી આવતો એ અવાજ ડાંગના ઠપકારાના પડઘારૂપે સંભળાતો હતો. ડાંગનો ઠપકારો અને મોજડીનો દબાયેલો અવાજ એક જેવા લાગતા. એકમેકમાં ભળી જતા એ અવાજો ટાઢી રાતે હૂંફ આપી જતા. અડધું વાકેલુ કમાડ ખખડતું અને રામીના લયબંધ શ્વાસ ખોડંગાતા. ગળાનો ખોંખારો અને લાંબી મૂછો ડરાવતી પણ કશું ન થતું. રાત ઠરતી જતી અને ઊંડા ચાલતા શ્વાસમાં બાથ ભીડાઈ જતી. પછી તો હાકોટા, પડકારા સંભળાતા. ટોર્ચના લાંબા શેરડામાં દેખાઈને દ્રશ્યો ઓઝલ થઈ જતા. પરોઢે ફરી સાંકળ ખખડતી અને રામીને અંદરથી ફડકો પડતો. સવારે ઉઠીને રામીના પતિએ ઉંઘરેટી આંખે કહેલું ગઈરાતે ફરી કોઈ જાનવર મોલ બગાડી ગયું. કેટલું દોડ્યો તોય હાથમાં ન આવ્યું. બાપુનો ઠપકો સાંભળવો પડશે. રામી એમની ઉદાસી દૂર કરવા કહેતી “તમે આખો દિવસ મારી સાથે રહેતા હો તો મને કંટાળો ન આવે. ત્યારે એ હસીને કહેતા. તો પછી આ મોલની રખેવાળી કોણ તું કરીશ. આખી રાત ડાંગ લઈને રખડીશ ખેતરમાં ?”(સંવાદ ; પૃ-૧૧૫). એમનું હાસ્ય હવામાં વેરાઈ જતું. રામી વિચારે ચડી જતી. વાર્તા ફ્લેશબેકમાં જતા શિયાળુ પવન રામીને અંદરથી હલબલાવી નાખતો. એની સાથળ પર ફરતો ખરબચડો હાથ પરાણે સુવાળો લાગતો. એ કશો પ્રતિકાર ન કરી શકતી. એની ગોરી પાની અને સાથળ પર ખેતરની માટી ચોંટી જતી. રામીનો પતિ આવતો ત્યારે એ માટી એમના ખરડાયેલા પગ સાથે ભળી જતી. છોકરાનો રડવાનો અવાજ આવતા રામીનું ધ્યાન તૂટ્યું. એકવાર તેને તેના પતિને કહી દેવાનું મન થયેલું આગળનો વિચાર આવતા જ લોહી ઠરી જતું. રામીનું ઉપસેલું પેટ જોઈને રામીનો પતિ ખુશ થયો હતો. સાથે સાથે બાપુને ખબર પડતા એ પણ રાજી થયા હતા. પરંતુ રામીએ નવ મહિના કઈ રીતે કાઢ્યા એ તેનું મન જાણતું હતું. તેના પતિ આવતા જ તેની સોડમાં લપાઈ જતી. તેનો પતિ કહેતો રામી તું બેજીવી થઈ છો. એકવાર રામીના પતિએ જ સામેથી વાત કરી કે, રામી આપણે અહીં નથી રહેવું. ત્યારે એકચોટ તો રામીને છુટકારાની લાગણી થઇ હતી. પણ વળતી જ ક્ષણે એ વિચાર આવેલો કે અહીં અહીં નહીં રહીએ તો શું કરશું ? ત્યારે તેના પતિએ મણ જેવડો નિસાસો નાખેલો અને કહેલું રામી મારાથી આખી રાત ચોકી નથી થતી. મારે મારા છોકરાને અહીં નથી રાખવા. “તમે બાપુને વાત કરી ?. હા, બાપુ તો ના પાડતા હતા. પણ મેં એમને સમજાવ્યા. શહેરમાં એમની ઓળખાણ છે. કારખાને નોકરીએ રખાવી દેશે. બાપુ બહુ ભલા છે રામી, નહિતર કોણ આટલું રાખે”(સંવાદ; પૃ-૧૧૭). આજે નોકરી મળી ગઇ તો આપણી બધી તકલીફો દૂર થઇ જશે અહીં નહીં રહેવું પડે. સવારમાં રામીનો પતિ નીકળ્યો ત્યારે તેના ચહેરા પર અલગ જ તેજ હતું. વાર્તાના અંત તરફ જતા રામીનો પતિ આવતો દેખાયો. તેના વાળના જટિયા ઉડી ગયા હતા. તે કશું બોલ્યા વગર ખાટલા પર બેઠો. રામીએ જ્યારે તેને પૂછ્યું ત્યારે જણાવ્યું કે મને કારખાનામાં ન રાખ્યો. મારી જગ્યાએ ભણેલાને રાખી દીધો. સાંભળીને રામીને દૂર ચાલ્યા ગયેલા પેલા અવાજો એને પાસેથી સંભળાવવા લાગ્યા. ફરી એની સાથળ માટીથી ખરડાઈ જવાની હોય એમ એને ફડક પેસી ગઈ. મોલમાં બેસેલા જાનવરને ભગાડવા એ આખી રાત રખડસે અને અંતે થાકીને શેઢે બીડી પીતા બેસી રહેશે અને પોતે રાત આખી ઓરડીમાં વહેરાયા કરશે.
પાત્રનિરૂપણ તરફ નજર કરતા અહીં મુખ્ય પાત્ર નાયિકા રામીનું છે. તેની આસપાસ પુરી વાર્તા આલેખાયેલી જોવા મળે છે. તે તેના પતિની ખુશીઓમાં જ ખુશ હતી. પરંતુ તેનો પતિ રાત્રે મોલની રખેવાળી કરવા જતો તેથી તેને રાત્રિમાં ડર લાગતો. શિયાળુ પવન તેને અંદરથી હલબલાવી નાખતો. આવી તકનો લાભ ઉઠાવતા હવેલીના બાપુ (ખલનાયક) તેની હવસની હોડમાં રામીના ચારિત્ર્યને દાગ લગાડતા. હવેલીના બાપુ જેવા વ્યક્તિઓનું સર્જકે આ વાર્તામાં ચિત્ર ઊભું કરી આપ્યું છે, જે સમાજને એક સંદેશ આપે છે. રામીનુ પાત્ર ચારિત્ર્યહીન ન થઈ જાય એ માટે સર્જકે એક વાક્યમાં તેની નિર્દોષતા સાબિત કરી આપી છે:- “એની સાથળ પર ફરતો ખરબચડો હાથ એને પરાણે સુંવાળો લાગતો. એ કશો પ્રતિકાર ન કરી શકતી”(પૃ-૧૧૫). તો વળી આ બંને પાત્રો વચ્ચે અટવાયેલો રામીનો પતિ રાત-દિવસ ખેતરમાં જ રહે છે. રોજ રાત્રિમાં ડાંગની ચોકી કરીને થાકી જાય છે એની મનોદશા આ મુજબ છે:- “રામી મારાથી આખી રાત ચોકી નથી થતી. હાકોટા કરું છું ત્યારે એજ હાકોટા પાછા વળીને મને ડરાવે છે. શેઢે ચાલતા એમ લાગે છે કે સતત કોઈ પાછળ આવે છે. પાછળ જોઉં છું તો કોઈ નથી દેખાતું. હવેલીની ઊંચી દીવાલ ફરતે ફરતા બીક લાગે છે. મારે મારા છોકરાંને અહીં નથી રાખવા”(પૃ-૧૧૬).
ભાષાસૃષ્ટિ તરફ નજર કરતા સર્જકે ગુજરાતી શિષ્ટ ભાષામાં વાર્તા લખી છે. જેમાં સર્જકની ભાષા પર સારી પકડ રહી છે. તેમણે પૂરી વાર્તાને પ્રતિકાત્મક (સાંકેતિક) વાક્યોથી વાર્તાનો મર્મ ખોલી આપ્યો છે. જે તેમની ભાષા પરની ચોકસાઈનો માપદંડ બતાવે છે. વાર્તાનો મર્મ ઉઘાડી આપતા પ્રતિકાત્મક વાક્યો જોઈએ તો:-
- વાર્તાની આરંભમાં આવતું પ્રતિકાત્મક વાક્ય જે રામીની મનોદશા સૂચવે છે:-“કૂતરુ ઓરડીની ભીંત સાથે પોતાનું ગંદું શરીર ધસી રહ્યું હતું”(પૃ-૧૧૩).
- રામીને સંભળાતો અવાજ પણ અર્થસૂચક છે:-“ડાંગનો ઠપકારો અને મોજડીનો દબાયેલો અવાજ એક જેવા લાગતા”(પૃ-૧૧૪).
- રામીનો પતિ આખી રાત વાડીમાં કોઈ જાનવર મોલ બગાડી જાય નહીં તેની ચોકી કરતો. એ જ સમયે હવેલીના બાપુ રામી જોડે રાત વિતાવતા. જેનો સંકેત જુઓ:-“ગઈરાતે ફરી કોઈ જાનવર મોલ બગાડી ગયું”(પૃ-૧૧૫).
- જ્યારે હવેલીના બાપુ રામી જોડે રાત વિતાવીને પાછા વળતા અને પછી રામીનો પતિ આવતો જેમાં વાર્તાના શીર્ષકનું નિરૂપણ કરતું પ્રતીકાત્મક વાક્ય જોઈએ તો:-“દબાતા મોજડીવાળા પગલા પાછું વળ્યા વિના ચાલ્યા જતા. હાંફતી રામી ખાટલામાં પડી રહેતી. એની ગોરી પાની અને સાથળ પર ખેતરની માટી ચોંટી જતી. એ આવતા ત્યારે એ માટી એમના ખરડાયેલા પગ સાથે ભળી જતી” (પૃ-૧૧૫).
સર્જકે ભાષામાં વ્યાકરણનો પણ સારી રીતે ઉપયોગ કર્યો છે. જેમાં ઉપમા અલંકારના વાક્યો જોઈએ તો :- “ડાંગનો અવાજ અને દબાતાં પગલાંનો અવાજ એકસરખા લાગતા હતા”(પૃ-૧૧૩).
- “જો રામી આને ટોર્ચ કહેવાય. આ ચાંપ દબાવ એટલે પાણીના ધોધની જેમ અજવાળું વછૂટે”(પૃ-૧૧૩).
- “વળ ખાયેલી નાગણની જેમ એ ખાટલા પર રહેસાવા લાગી”(પૃ-૧૧૭).
- “રામી ગોદડામાં પડી ગયેલા સળને જોઈ રહી. ખેતરના ક્યારાની માટીમાં પાણીના કારણે થઈ ગયેલા વમળ જેવા લાગતા હતા”(પૃ-૧૧૮).
વર્ણનકલા તરફ નજર કરતા સજકે તેની સુવર્ણકારની ચોકસાઈ, ધીરજ, અને નકશીકામના કૌશલ્યની સાચી ઓળખ ભાષા સિવાય વર્ણનમાં પણ આપી છે. જે આ મુજબ જોવા મળે છે. જ્યારે શિયાળાની રાત ગળવા લાગતી રામીનો પતિ હાકોટા પાડતો મોલમાં અદશ્ય થઈ જતો અને ત્યારબાદ હવેલીના બાપુ મોડી રાત્રિએ આવતા ત્યાર સુધીનું વર્ણન :-“કમાડને આગળિઓ ચડાવતી વખતે એના હાથ અનાયાસે જ રોકાઇ જતા. સાંકળ ખખડીને હવામાં ઝૂલતી રહેતી. એમના ચહેરાનું વિલાયેલું સ્મિત આંખ આગળ આવી જતું અને હાથ અટકી જતા. પગમાં ઠંડક બાઝી જતી. નસોમાં વહેતા લોહીનો સંચાર બમણો થઈ જતુ. ઠરી ગયેલી રાતે ખાટલામાં પડી પડી દૂરના અવાજો સાંભળ્યા કરતી. ખાટલાની પાંગત પછળાટથી ઝૂલતી. ડાંગનો ઠપકારો અને મોજડીનો દબાયેલો અવાજ એક જેવા લાગતા. એકમેકમાં ભળી જતા એ અવાજો ઢાઢી રાતે હૂંફ આપી જતા. અડધા વાસેલા કમાડ ખખડતાં અને રામીના લયબંધ ચાલતા શ્વાસ ખોડંગાતા”(પૃ-૧૧૪). રામીના પતિએ નોકરી માટે બાપુને વાત કરી હતી, તેથી તે નોકરી માટે સવારે નીકળે છે. ત્યારબાદ એકલી પડેલી રામની મૂંઝવણને રજૂ કરતું વર્ણન :-“રામી બેચેન થઈ ગઈ. ખાટલા પર ઉંધી પડી. ગળામાં શોષ વધતો જતો હતો. દબાતી છાતી અંદર અકળામણ પેદા કરતી હતી. રામીથી સહન થતું ન હતું. વળ ખાયેલી નાગણની જેમ એ ખાટલા પર રહેસાવા લાગી. નાગનું ઝેર ચડ્યું હોય એમ તરફડતી હતી”(પૃ-૧૧૭)
રસ અને સંઘર્ષની બાબતમાં સર્જકે નાયિકાનું જીવન ભયાનક અને કરુણરસમાં સંઘર્ષી આલેખ્યું છે. નાયિકા જાણે છે કે બાપુની વાડી છોડીને જઈશું તો ક્યાં જઈને રહીશું ? તેથી તેની આ લાચારીમાં સંઘર્ષ જોવા મળે છે. રોજ રાત્રે નાયિકાનો પતિ મોલની રખેવાળી કરવા જતો. એકલી પડેલી નાયિકાને ખૂબ જ ડર લાગતો. તેના ચિત્તમાં ચાલતો આંતરદ્રંદ્ર ભયાનકરસમાં આલેખાયેલો જોવા મળે છે. તેથી આ વાર્તાનો મુખ્ય રસ એટલે ભયાનકરસ. એકલી પડેલી નાયિકાનો ફાયદો હવેલીના બાપુ ઉઠાવતા ત્યાં તેની મનોદશામાં કરુણતા જોવા મળે છે. સર્જકનું ચોકસાઈપૂર્વક કૌશલ્ય અહીં તેમના એક જ ફકરામાંની ચાર લાઈનમાં વાર્તાનો મર્મ, રસ, અને સંઘર્ષનું આલેખન તેમની વાર્તાકલાનું પ્રમાણ આપે છે જે ઉલ્લેખનીય છે. માટે અહીં સંઘર્ષ સાથે ભયાનકરસમાં કરૂણતાનું મિશ્રણ જોઈએ તો :-“શિયાળુ પવન રામીને અંદરથી હલબલાવી નાખતો. એની સાથળ પર ફરતો ખરબચડો હાથ પરાણે સુંવાળો લાગતો. એ કશો પ્રતિકાર ન કરી શકતી. એના વિચારોને લૂણો લાગી જતો. ઊંઘમાં એમના હાકોટા સંભળાતા ત્યારે થથરી જવાતું. આંખના ખૂણે ભીનાશ વળી આવતી”(પૃ-૧૧૫).
વાર્તાનું શીર્ષક જ પ્રતીકાત્મક છે. જેમાં વાર્તાનો મર્મ પણ પ્રતીકાત્મક વાક્યોથી ખૂલતો જોવા મળે છે. સર્જકે સંવાદ, રસ, સંઘર્ષ, અને વર્ણનથી વાર્તાને સુવર્ણકાર તરીકે ચોકસાઈપૂર્વક તદ્દન નવો ઘાટ આપ્યો છે.
(‘રેતીનો માણસ’ - અજય સોની, ડિવાઇન પબ્લિકેશન્સ, અમદાવાદ. પ્રથમ આવૃત્તિ : ૨૦૧૭, મૂલ્ય-૧૪૦).