ફાગુનું સાહિત્ય સ્વરૂપ
મનુષ્યજીવન પ્રકૃતિ સાથે જોડાયેલું રહ્યું છે. કુદરતમાં ઋતુચક્રો ક્રમ પ્રમાણે ચાલ્યા કરે છે.એક પછી એક ઋતુ એના આગવા મિજાજ સાથે આવે છે.એનો પ્રભાવ મનુષ્ય પર પડે છે.પ્રકૃતિની અપરંપાર લીલાનો આનંદ પ્રાપ્ત કરવા માટે મનુષ્ય ઉત્સુક હોય છે.પ્રકૃતિનો મનુષ્ય ઉપર ખૂબ પ્રભાવ પડે છે.પ્રકૃતિનું વૈવિધ્ય મનુષ્ય ઉપર પ્રભાવક પરિબળ તરીકે અસર કરે છે. પ્રકૃતિ સતત કવિઓને સર્જન માટે પ્રેરણા આપે છે. પ્રકૃતિસૌન્દર્યનું ગાન કવિઓનો પ્રિય વિષય રહ્યો છે.સંસ્કૃત સાહિત્યમાં અનેક કવિઓ દ્વ્રારા પ્રકૃતિનું મનભાવન વર્ણન થયું છે. વેદોના વિવિધ સૂકતોમાં ઋતુઓનો ઉલ્લેખ આવે છે.સંસ્કૃત મહાકાવ્યોમાં પણ છ ઋતુઓનો ઉલ્લેખ મળે છે.કાલિદાસના ‘ઋતુસંહાર’માં છયે ઋતુઓનું મનોહર વર્ણન કવિએ કર્યું છે. ભારતમાં પ્રકૃતિ તત્વોની ઉપાસના પ્રાચીન સમયથી થતી આવી છે.દરેક ઋતુને આવકારવા અને એની ઉપાસના માટેના તહેવારો અને ઉત્સવો આપણે ઉજવીએ છીએ.બધી ઋતુઓમાં વસંત ઋતુનો પ્રભાવ મનુષ્યજીવન ઉપર વિશેષ અનુભવાય છે.વસંતપંચમીનું આગવું મૂલ્ય આપણી સંસ્કૃતિમાં છે.વસંતઋતુનો પ્રભાવ પ્રકૃતિ ઉપર પણ નોંધપાત્ર રીતે પડે છે.વૃક્ષો અને વનરાજી પાંગરે છે.પુષ્પો ખીલી ઉઠે છે.કોયલનો ટહૂકાર સંભળાય છે.સમગ્ર વાતાવરણ માદક બની જાય છે. ભારતીય ઉપખંડમાં ફાગણ અને ચૈત્ર માસ વસંતઋતુના મહિના ગણાય છે.જગતભરમાં વસંતઋતુનો મહિમા છે. દરેક પ્રદેશમાં પોતપોતાની રીતે વસંત આગમનનો આનંદ વ્યકત કરવામાં આવે છે.ભારતમાં પણ વસંતઋતુનો મહિમા છે.
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં વિવિધ સ્વરૂપોમાં નોંધપાત્ર પ્રદાન થયું છે. એમાનું એક સાહિત્ય સ્વરૂપ ફાગુનું છે. ફાગુ સાહિત્યસ્વરૂપ રાસ સાહિત્યસ્વરૂપની નજીકનું સ્વરૂપ છે. બારમાસી પણ ફાગુ કાવ્યની નજીકનું સ્વરૂપ છે.બારમાસી સ્વરૂપમાં બાર મહિનાનો પ્રભાવ વર્ણવાય છે. ફાગુ એ વસંતવર્ણનનો જ સાહિત્યપ્રકાર છે. ફાગુમાં વસંતનું આગમન અને એમાં પણ ખાસ કરીને પ્રકૃતિમાં આવતો બદલાવ અને મનુષ્ય ઉપર પડતો પ્રભાવ આલેખાય છે. વસંતની સાથે શૃંગાર જોડાયેલો છે.વસંતનું આગમન થતાં પ્રેમીજનો માટે વિરહ મુશ્કેલ થઈ જાય છે. ફાગુ કાવ્યમાં આ વિરહ અને અંતે મિલન વર્ણવાય છે. જે ફાગુ કાવ્યોમાં વર્ષાઋતુની વાત આવે છે ત્યાં પણ વિરહ અને એમાંથી જન્મતો શૃંગાર આવે છે.ફાગુ શબ્દની વ્યુત્પત્તિ સંસ્કૃત ફલ્ગુ શબ્દ ઉપરથી થઈ છે. પ્રાકૃતમાં ફગ્ગૂ અપભ્રંશમાં ફગ્ગુ અને એના ઉપરથી ફાગુ શબ્દ આવ્યો છે.એ પછી ગુજરાતીમાં ફાગ શબ્દ આવ્યો છે.વસંતનો પ્રભાવ ફાગુનો પ્રધાનવિષય છે.શૃંગાર રસનું નિરૂપણ એમાં મુખ્યત્વે થાય છે.ગુજરાતી ફાગુ સાહિત્ય સ્વરૂપની ચર્ચા કરતી વખતે મધ્યકાલીન જૈન ફાગુની વાત પણ અહીં નોંધવી જોઈએ.ફાગુ સાહિત્ય સ્વરૂપની જે રચનાઓ પ્રાપ્ત થઈ છે એમાં મોટા ભાગની રચનાઓ જૈન ફાગુ રચનાઓ છે.નેમિનાથ ઉપર જ પચાસ જેટલાં ફાગુ કાવ્યો લખાયાં છે. જૈન ફાગુઓ મોટાં ભાગે જૈન મુનીઓ દ્વ્રારા લખાયાં છે. જૈન મુનીઓ સંસારથી વિરક્ત થયેલા સાધુપુરુષો હતા.એટલે ફાગુ જેવું શૃંગારી સાહિત્યસ્વરૂપ જૈન ધર્મની મહત્તા કરવા અને તીર્થંકરોની કથા કહેવા માટે ઉપયોગી રહ્યું છે. નેમિનાથ અને સ્થૂલીભદ્રની કથાઓ અને એ રીતે વિરક્તિની વાતો આલેખાઈ છે.જૈન ફાગુઓમાં કેટલીકવાર વસંતને બદલે વર્ષાઋતુની વાત પણ આવે છે.જૈન મુનિઓ વર્ષાઋતુમાં કોઈ એક સ્થળે ચાર્તુમાસ ગાળે.આ સમય દરમિયાન ગુરુ શિષ્યને પોતાની પૂર્વ જન્મની પ્રેયસીને ત્યાં મોકલે.પોતાની નજર સામે પ્રેયસી હોવાં છતાં વિરક્ત રહીને વિજય પ્રાપ્ત કરવાનો.આ પ્રકારની રચનાઓ પણ ફાગુ રચનાઓ કહેવાઈ છે.આ રચનાઓમાં જે શરૂઆતનો ભાગ છે એમાં શૃંગાર રસનું નિરૂપણ જોવા મળે છે. આ રચનાઓમાં અંતે વિરક્તિ દર્શાવવામાં આવે છે.જૈન ફાગુઓમાં પ્રકૃતિ અને શૃંગારનું નિરૂપણ આવે છે,પણ એ નૈમિત્તિક હોય છે.તીર્થ વિશે રચાયેલી ફાગુ રચનાઓમાં પણ તીર્થ સ્થાનનો મહિમા તો બતાવવામાં આવ્યો છે.એની સાથે સાથે વસંતનું વર્ણન આવે છે.પ્રસન્નચન્દ્રસૂરિકૃત ‘રાવણિ પાર્શ્વનાથ ફાગુ’માં રાવણિ તીર્થનો મહિમા અને પાર્શ્વનાથની કથાની સાથે સાથે વસંતનું વર્ણન આવે છે. જે જૈન ફાગુઓ છે એમાં વસંતના વિલાસને વશ થયા વિના સંયમ રાખીને વિજય પ્રાપ્ત કરવાની વાત મુખ્ય છે.
ફાગુ સાહિત્યસ્વરૂપમાં વસંતનું વર્ણન આવે છે.વસંતની સાથે સાથે શૃંગાર રસનું નિરૂપણ પણ કરવામાં આવે છે.શૃંગારના બંને પ્રકારો વિપ્રલંભ અને સંભોગ શૃંગારનું નિરૂપણ થાય છે.વસંત વર્ણનનો એક નમૂનો અજ્ઞાત કવિના ‘વસંતવિલાસ’ ફાગુ કાવ્યમાંથી જોઈએ.
‘પદમિની પરિમલ બહકઈ,લહકઈ મલયસમીર;
મયણુ જિહાં પરિપંથીય પંથીય ઘાઈ અધીર.
(કમલિનીની સુગંધ મહેકી રહી છે.મલય પવન મંદમંદ લહેરાઈ રહ્યો છે.મદન શત્રુ બની પથિકજનોનો માર્ગ અવરોધે છે.ત્યાં તેઓ અધીરા બની (ઘર તરફ)દોડી રહ્યાં છે.)
વસંતના વિલાસનું વર્ણન ફાગુમાં મુખ્યત્વે થાય છે.જૈન કવિઓએ ધર્મની વાત રજૂ કરવા માટે ફાગુનો આશ્રય લીધો છે.જો કે આ ફાગુઓમાં પણ શૃંગારનું નિરૂપણ જોવા મળે છે.રાજશેખરસૂરિકૃત ‘નેમિનાથ ફાગુ’માં આવતું રાજુલનું વર્ણન શૃંગાર રસ જન્માવે છે.આ વર્ણન જુઓ :
‘અહસામલકોમલ કેશપાશ કિરિ મોરકલાઉ,
અદ્ધચંદસમુ ભાલુ મયણુ પોસઈ ભડવાઉ;
વંકુડિયાલીય ભુંહડિયહ ભરિ ભુવણુ ભમાડઉ,
લાડી લોયણલહકુડલઈ સુર સગ્ગહ પાડઈ.’
જિનપદ્મસૂરિકૃત “સ્થૂલિભદ્ર ફાગુ’માં કોશાનું વર્ણન મનોહર રીતે કરે છે.કોશાનાં વેણીદંડ, રોમાવલિ, પયોધર, નયન, સેંથો, કર્ણયુગલ, કંઠ, નાભિ, પગ, અધર વગેરેનું આલંકારિક અને મનોહર વર્ણન કવિએ કર્યું છે.કવિ લખે છે :
‘મયણખગ્ગ જિમ લહલહંત જસુ વેણીદંડો,
સરલઉ તરલઉ સામલઉ રોમાવલિ દંડો
તુંગ પયોધર ઉલ્લસઈ સિંગારથવક્કા,
કુસુમબાણિ નિય અમિયકુંભ કિર થાપણિ મુક્કા.’
કેટલાંક જૈન ફાગુઓમાં વર્ષાઋતુનાં વર્ણનો મળે છે. જેમાં જિનપદ્મસૂરિકૃત “સ્થૂલીભદ્ર ફાગ’નું આ વર્ણન જુઓ :
‘ઝિરમિરિ ઝિરમિરિ ઝિરમિરિ એ મેહા વરિસંતિ,
ખલહલ ખલહલ ખલહલ એ વાહલા વહંતિ.
ઝબઝબ ઝબઝબ ઝબઝબ એ વીજુલિય ઝબકઈ
થરહર થરહર થરહર એ વિરહિણિમણુ કંપઈ.’
આ કડીમાં વર્ષાઋતુનું સોંદર્ય અને એની સાથે સાથે એનો વિરહીજનો ઉપર એનો જે પ્રભાવ પડે છે એનું વર્ણન છે. આ પ્રકારનું શૃંગારનું વર્ણન આખરે તો તીર્થકરોનો મહિમા રજૂ કરવા માટે થાય છે. આ પ્રલોભનોને વશ થયા વિના સંયમશ્રી સાથેનો વિહાર નિરુપાય છે.આ ફાગુઓમાં આવતું નારીવર્ણન સામાન્ય રીતે એકસરખું રહે છે.
મધ્યકાલીન સાહિત્ય પદ્ય સ્વરૂપે વિશેષ મળે છે. ફાગુ સાહિત્યસ્વરૂપ સાથે ગાયન અને નૃત્ય સંકળાયેલું છે. વસંતઋતુના દિવસોમાં ફાગુ લોકો દ્વ્રારા સમૂહમાં અથવા તો એકલા એકલા ગવાતું હશે. રાસનું સાહિત્યસ્વરૂપ પણ આ જ પ્રકારનું છે કે જેમાં ગાયન અને નૃત્ય છે.ફાગુ એ વસંતોત્સવ અને વસંતક્રીડા વર્ણવતું સાહિત્ય સ્વરૂપ છે.આ સ્વરૂપમાં વસંતઋતુનું સૌન્દર્ય અને ઋતુનો માનવ અને માનવેતર સૃષ્ટિ ઉપર પડેલો પ્રભાવ રસિક રીતે આલેખાય છે. વસંત ઋતુમાં હોળીનો તહેવાર આવે છે. આ દિવસોમાં ઘણી જગ્યાએ ફાગ ખેલવાનો ચાલ પણ હતો. આ ઋતુના આનંદની અભિવ્યક્તિ માટે ફાગુ ગવાતાં હશે. આ સંદર્ભે સ ડૉ.ભોગીલાલ સાંડેસરાનો આ મત જુઓ:
‘ફાગુ એ જાહેરમાં વિવિધ રીતે નૃત્યાદિ સાથે ગવાતો પ્રકાર હતો –ઓછામાં ઓછું,એના પ્રાચીનતર સ્વરૂપમાં તો હતો.નૃત્યકાવ્ય કે ગેયરૂપકને કંઈક મળતો એ પ્રકાર હશે અને લોકસાહિત્યમાંથી એ શિષ્ટ સાહિત્યમાં સ્વીકારાયો હશે. અલબત્ત,જેમ જેમ આ પ્રકાર પોતાના મૂળ સ્વરૂપથી દૂર થતો ગયો અને શિષ્ટ સાહિત્યના એક પ્રકાર લેખે જ વિકસતો –અથવા કહો કે પલટાતો –ગયો તેમ તેમ એના જાહેરમાં પ્રયોગની શક્યતા ઓછી થતી ગઈ.’ (નાયક,રતિલાલ, સંપા.વસંતવિલાસ, પ્રકા.અનડા બુક ડીપો,અમદાવાદ,બીજી આવૃત્તિ,૧૯૮૮ પૃષ્ઠ ૯)
ફાગુનો કાવ્યપ્રકાર ઊર્મિપ્રધાન છે.ગેયતત્વ સહજ રીતે એમાં વણાયેલું છે.એકલા અથવા સમૂહમાં ગાવામાં આવતું હતું.. એમાં નૃત્ય પણ હોય.કેટલાંક ફાગુ કાવ્યોમાં ગાવાની રીતનો ઉલ્લેખ પણ જોવા મળે છે.ગાવાની સાથે સાથે રમવાના ઉલ્લેખો પણ ફાગુ રચનાઓમાંથી મળે છે.આ વિગતોથી એ સિદ્ધ થાય છે કે ફાગુ ગેય કાવ્યસ્વરૂપ છે.અને એની સાથે નૃત્ય પણ એમાં જોડાયેલું છે. ગેયતાને માફક આવે એટલે માત્રામેળ છંદનો ઉપયોગ થાય છે.ફાગુકાવ્ય માટે દુહો સવિશેષ અનુકુળ આવ્યો છે.દુહો જુદી જુદી લઢણથી ગાઈ શકાય છે.આરંભના ફાગુઓમાં દુહા અને રોળાની કડીઓમાં ફાગુની રચના થયેલી જોવા મળે છે. એક કડી દુહાની અને બે,ત્રણ કે ચાર કડી રોળાની એમ એક એકમ બને છે. જેને ભાસ એવું નામ આપવામાં આવ્યું.દુહાને સુંદર બનાવવા માટે અંત્યાનુપ્રાસ અને આંતરયમકનો ઉપયોગ થયો.
ફાગુ રચનાઓમાં સામાન્ય રીતે પૌરાણિક પાત્રોને નાયક –નાયિકા તરીકે સ્થાન મળ્યું છે. જે ફાગુ રચનાઓ આપણને મળી છે એમાં મોટાભાગની રચનાઓ જૈન ફાગુઓ છે. એમાં પણ નેમિનાથ અને રાજુલને કેન્દ્રમાં રાખીને લગભગ પચાસ જેટલી રચનાઓ મળે છે. આ ઉપરાંત સ્થૂલિભદ્ર અને કોશાને વિષય બનાવીને પણ કેટલીક ફાગુ રચનાઓ થઈ છે. જૈનેતર ફાગુ રચનાઓમાં કૃષ્ણ રાધાને સ્થાન આપવામાં આવ્યું છે. ‘વસંતવિલાસ’ જેવી કૃતિઓમાં સામાન્ય નર-નારને નાયક-નાયિકા તરીકે સ્થાન મળેલ છે.કેટલીક ફાગુ રચનાઓમાં તીર્થ વિશેની વિગતો પણ મળે છે.
કેટલીક ફાગુ રચનાઓમાં મૂળ કડીઓના ભાવ પ્રમાણેના સંસ્કૃત શ્લોકો આપવામાં આવ્યાં છે.આ શ્લોક રચના કવિની પોતાની જ હોય એવું અનિવાર્ય નથી.કેટલીક કૃતિઓમાં આ શ્લોક સુપ્રસિદ્ધ સુભાષિત પણ છે.કેટલીક કૃતિઓમાં શ્લોક બે કડી વચ્ચે અનુસંધાનરૂપ છે અને કાવ્યનો આસ્વાદ કરતી વખતે તે ઉપયોગી છે.ફાગુનો આરંભ કરતી વખતે ઇષ્ટ દેવ કે દેવીની સ્તુતી કરવામાં આવે છે.જે મંગલાચરણ છે. ટૂંકી ફલશ્રુતિથી તે પૂર્ણ થાય છે. કર્તા જૈન હોય તો સંયમનો મહિમા કરી ત્યાગની વાત કરે છે.અંતે પુષ્પિકામાં રચયિતા,નકલ કરનાર,રચનાસાલ,નકલ કર્યાનું વર્ષ પણ આપવામાં આવે છે.
ફાગુનું સાહિત્ય સ્વરૂપ મધ્યકાલનું એક વિશિષ્ટ સાહિત્ય સ્વરૂપ રહ્યું છે.જે સમયના સાહિત્યમાં ભક્તિ કેન્દ્રમાં હતી એવાં સમયમાં શૃંગાર રસનું પ્રગટીકરણ કરતું આવું સ્વરૂપ નોંધપાત્ર રીતે જુદું પડે છે. ‘વસંતવિલાસ’ જેવી રચના તો આ સાહિત્યને માત્ર ધર્મકેન્દ્રી કહેનારને અપાયેલો એક જડબાતોડ જવાબ છે.જૈન ફાગુઓમાં ભલે ધર્મ કેન્દ્રમાં હોય પણ એમાં પણ વસંતવર્ણન આવ્યા વિના રહ્યું નથી.
સંદર્ભગ્રન્થ