Included in the UGC-CARE list (Group B Sr. No 172)

‘પાઠડી’માં બોલીનો સર્જનાત્મક વિનિયોગ

કવિતા, બાળસાહિત્ય નિબંધ અને લઘુનવલની સાથે સાથે ટૂંકીવાર્તા ક્ષેત્રે પણ બે નોંધપાત્ર સંગ્રહો આપનારા મનોહર ત્રિવેદીની સર્જકતા ગુજરાતી સાહિત્યરસિકોમાં પોંખાઈ છે અને પુરસ્કૃત પણ થઈ છે. કવિતા ક્ષેત્રે ગીતોમાં તેમણે કરેલું કામ પ્રશંસનીય રહ્યું છે, તેમના ગીતોમાં જોવા મળતો ગ્રામચેતનાને ઉજાગર કરતો બળુકો લય સાચ્ચે જ આસ્વાદ્ય છે, ગીતોની જેમ ટૂંકીવાર્તામાં પણ તેમણે કલમ ચલાવી અને આપણને ‘ગજવામાં ગામ’(1998) અને ‘નાતો’(2010) જેવા બે વાર્તસંગ્રહો મળ્યા. તેમનાં ગીતોની જેમ વાર્તાઓ પણ ભાવકોમાં પ્રિય બની છે તેનાં અનેક કારણો ગણાવી શકાય. આછા કથાપટમાં પણ પાત્ર ભીતરની માંડણી તેઓનો વિશેષ છે. ચરિત્રનાં ચિત્તમાં ચાલતા સંઘર્ષની કથા કહેવી તેમને ગમે છે એટલે જ તેમની બહુધા વાર્તાઓમાં નિષ્ફળ ગયેલો પ્રેમ છે ને પછી ઝૂરતાં ચરિત્રો છે. તો ઘણીવાર પ્રાપ્તિ પછી પણ પેલી સનાતન પીડા તો માનવની સાથે જ રહે છે તેનું આલેખન પણ સચોટ રીતે થવા પામ્યું છે. તેમની વાર્તાઓનાં વિશેષોમાં સૌથી મહત્વનો વિશેષ તેમણે તળબોલીનો વાર્તામાં કરેલો સર્જનાત્મક વિનિયોગ છે. ગોહિલવાડી બોલીને તેની અનેક સંકેતાત્મક શક્તિઓ, લય અને કાકુઓ સમેત વાર્તાઓમાં જે રીતે પ્રયોજી છે તે ખરેખર વખાણવાલાયક છે. અહી આપણે તેમની ‘પાઠડી’ વાર્તામાં થયેલા બોલીના સર્જનાત્મક વિનિયોગને તપાસીએ.

‘પાઠડી’ વાર્તા માસી અને ભાણેજ વચ્ચેના રાગ તથા દૈહિક સંબંધને ચીધતી વાર્તા છે. ગોમતીનું લગ્ન દેવા સાથે થયું છે પણ દેવામાં પુરુષત્વનો અભાવ છે આથી સંતાનસુખ અને શરીરસુખ બંને માટેની તીવ્ર તરસ ગોમતી અનુભવે છે. આ ગોમતીની મોટી બહેનનું મૃત્યુ થતાં તેના પતિ આંબા પટેલ બીજું લગ્ન કરે છે. આથી તેના દીકરા ભોળુને તેની માસી ગોમતી ઉછેરે છે. આ ભોળુ હવે પંદર વર્ષની વય વટાવી ચૂક્યો છે અને તેનું શરીર પણ – ‘લઠ્ઠ’ જેવું થયું છે. આથી માસી અને ભાણેજ બંનેના ચિત્તમાં જાગતા એકબીજા તરફના આકર્ષણને વાર્તાકારે સરસ રીતે આલેખ્યું છે. આ બંનેના આકર્ષણમાં માસી ભાણેજનો સંબંધ એની આડે આવતો હોવાનું અનુભવાય છે જેથી આ પાત્રો પોતાની જાતને એ તરફથી પાછી વાળવાનો પૂરતો પ્રયાસ કરે છે. સમગ્ર વાર્તામાં આ મનોસંઘર્ષ નિરૂપવા માટે સર્જકે તળબોલી- ગોહિલવાડીનો સુંદર ઉપયોગ કર્યો છે. પાત્રોનો પરિચય અને તેના મનોસંઘર્ષને તથા મનમાં ચાલતા વિચારોને પ્રગટાવવા સર્જકે ત્રીજો પુરુષ એકવચન અને પ્રથમ પુરુષ એકવચન એમ બંને કથનકેન્દ્રોનો ઉચિત વિનિયોગ કર્યો છે. વાર્તાના પ્રારંભે જ ભોળુ પ્રથમ પુરુષ કથનકેન્દ્ર દ્વારા પોતાનો પરિચય આપે છે તેમાં તેની લાગણી અને દ્વિધા બંને ડોકાય છે જેમ કે; ‘મારી ટિલવી બકરી મારું માથું સૂંઘતી ઊભી હોય તયેં મા ને માસી એકહાર્યે સાંભરે. કે’નારે માસીને માં-શી અમથી કીધી હશે ? મારા બાપ જ્યેં ઘરઘવણું કર્યાવ્યા તેદૂનો મને પંડયના દીકરાની ઘોડયે સાચવે છ. માસીએ કે મા’કાકાએ સાચવણમાં લગરીકેય ઓછપ નથી આવવા દીધી. તોય હમણાં હમણાંથી મુંજાયા કરું છ. થાય છે અવતાર ધારણ કરીને વેલો વધારવાનું જ કામ મારે ભાગે આવ્યું છ. એક સુવાલ રૈરૈને આંટીએ ચડ્યા કરે છ. થોડા ટેમથી આ માસી કાંક બદલાયલી કાં લગતી હશે ? કેવા લાડથી ઇ મને અફીણી કૈને બકોરે છે! એમ તો નૈ હોયને ... કે...”(પૃ. 104, 105, ગજવામાં ગામ) ભોળુના મનમાં તળબોલીમાં ઉઠતા આ ભાવોથી એક સુંદર સર્જનાત્મક વિશ્વ સર્જાય છે જેનાથી વાર્તાની આગામી ગતિના કેટલાક સંકેતો પ્રાપ્ત થાય છે. ટિલવી બકરીનો ઉલ્લેખ, તેની સાથેનો લાગણીભર્યો સંબંધ અહી એક સમર્થ પ્રતીક બનીને આવે છે જે વાર્તાના અંત લગી સબળ રીતે વિસ્તરે છે. તેને માસી થોડા ટાઈમથી બદલાયેલી લાગે છે ને તે તેને લાડથી અફીણી કહીને ઓલવે છે જેથી તેના મનમાં પોતા પ્રત્યે આકર્ષણ તો નહીં હોયને એ ભાવને સર્જકે અધ્યાહાર રાખ્યો છે. ભોળુ જેવા ગ્રામીણ તથા સીધા – સાદા ચરિત્રને ઉજાગર કરવા માટે અહીં તળબોલી ખપે લાગી છે તેટલી શિષ્ટ ભાષા કામ ન જ લાગે તે સ્વાભાવિક છે. ગ્રામીણ પ્રદેશના ચરિત્રો પોતાની જ બોલીમાં પોતાની વાત રજૂ કરે છે તેથી તેની પ્રતીતિકરતા વધે છે. તેના વિચારોમાં મૂકાયેલું આ વાક્ય; ‘અવતાર ધારણ કરીને વેલો વધારવાનું જ કામ મારે ભાગે આવ્યું છે’ તે વાર્તામાં સાર્થક થતું દેખાય છે તે આખી ગૂંથણી રોચક છે.

ભોળુનો પરિચય જે રીતે પ્રથમ પુરુષમાં થાય છે તે જે રીતે દેવો અને ગોમતીનો પરિચય પણ થાય છે. આ બને પાત્રો પણ પોતાની ઓળખ અને ભીતરની હલચલને તળપદીમાં જ વ્યક્ત કરે છે. દેવાના મનમાં ઊભા થતા પ્રશ્ન બધી વાતે આમ સુખિયા હોવા છતાં એક વાતની તરસ આ જીવલડાને કોર્યા કરે છે અને તે શેર માટીની ખોટય. ‘સાચું કૈયેં તો બાયુંને એની ઓછપ ઝાઝી ઝુરાવે... આ ભોળુએ ઓણસાલ એન કાઠું કાઢ્યું છ. આ કારતક ઉતર્યે તો પંદર પૂરા... ઇ કેમ હમણાંથી બદલાયેલી બદલાયેલી લાગે છ? એના મનમાં શીનો રવાયો ફરતો હશે ?”(પૃ. 105, ગજવામાં ગામ) અહી દેવાનું ચરિત્ર પ્રગટે છે ને તેમાં સર્જકે વચ્ચે મુકેલ ભોળુનાં પંદર પૂરાં તથા એણે કાઠું કાઢ્યું હોવાની વાત અને ગોમતીના બદલાવનો ઉલ્લેખ વાર્તામાં હવે પછી બનનારી ઘટનાનો એક સબળ સંકેત ઊભો કરે છે. તો ગોમતીના ચરિત્રમાં તો તેના ચિત્તની દશા તળબોલીના આશ્રયે સુંદર રૂપ પામી છે. બે વિરોધો વચ્ચે ખેચાતું તેનું મન આસ્વાદક રીતે પ્રગટ્યું છે. તે વિચારે છે... ‘મા દેવે ધણી તો અદ્દલ એના રોખો ભલોભોળિયો આપ્યો, પણ અમારા આ ભોળિયા રોખો દીધો હત, લઠ.।.”(પૃ. 105, ગજવામાં ગામ) અહીં તેના ઊંડાણમાં પડેલું ભોળિયા તરફનું આકર્ષણ દેખાઈ આવે છે અને આગળ વિચારે છે, ‘ઓણ ઈ કાંય વધણ્યે ચડ્યો છ કાંય વધણ્યે? કેવો ફૂટડો લાગે છ, રોયો ?... અરેરે હીણાં કરમની હું કેવું કેવું વચાર્યા કરું છવ ખોળો પાથરીને કરગરું તોય ક્યાંલી હાંતીડે માવડી ? પેટના પુંખડાની જેમ જેને સવાયો કરીને રાખ્યો.. આ ભોળિયો આમ ટગર ટગર શું તાકયા કરતો હશે ? એના મનમાં કાંક...”(પૃ. 105, 106, ગજવામાં ગામ) આમ સટીક રીતે આ વાકયોમાં તેના મનની દ્વિધા વ્યક્ત થાય છે. તલબોળીની તાકાત તેના મનની સંકુલતાને કેવી અદભુત રીતે પ્રગટાવે છે.

વાર્તામાં ગોમતી અને ભોળુ વચ્ચેના એકબીજા તરફના અદમ્ય આકર્ષણનું બયાન તળબોલી દ્વારા સુપેરે થયું છે. એવા પ્રસંગોમાં વ્યક્ત કરવા ધારેલી વાત આ બોલીના સહારે વધુ પ્રભાવક બનતી હોવાનું દેખાય છે. ભોળુનું ગોમતી તરફનું આકર્ષણ તળપદી બોલીમાં કેવું બળૂકું અને આસ્વાદ્ય બન્યું છે તે જુઓ; ‘હું અરીઠા ચોળતી બોલેલી: એ હું નાવ છૌ, તયેં જાણે સાંભળ્યું નો હોય એવો ડોળ કરેલોને મેં અડધી આંખ્ય ઊઘાડીને જોયું તો, મારી છાતીનાં ઊપસેલાં થાનેલાં ભણી નિલજો થૈને નીરખી ર્યો તો.’ બીજો એવો જ આકર્ષક -સૂચક પ્રસંગ ‘ઓલે વખતે વાડામાં ગૈતી ન્યાં મેં પાછું વાળીને જોયું તો જાળિયામાંલી આંખ્યું માંડેલી.’(પૃ. 107, ગજવામાં ગામ) આ બે પ્રસંગોમાં ભોળુનું ગોમતી તરફનું આકર્ષણ વ્યક્ત થાય છે. એ જ રીતે ગોમતીનું ભોળું તરફનું આકર્ષણ સૂચવતા પ્રસંગો – “એકવાર જીવડું કાઢવાને મશે એણે કાપડાની કહું છોડીને, કાપડું છાતી પરથી ઊંચકાવેલુંય ખરું. પછી મારી હામું જોઈને મરકમરક કરતીકને મલકી’તી સોતે.” (પૃ. 108, ગજવામાં ગામ) અહીં પણ ગોહિલવાડી બોલી દ્વારા આ ગ્રામીણ પાત્રોના અન્યોન્યના આકર્ષણને આબાદ રીતે પ્રગટાવી આપ્યું છે.

આ વાર્તાના મહત્વના એવા માસી ભાણેજ વચ્ચેના શરીર સબંધની વાત સર્જકે યોગ્ય ભૂમિકાસહ અને સહેજ પણ અશ્લીલ ન બને તે રીતે છતાં મુખર રીતે પ્રગટાવી છે. “એણે એના કાપડાની કસું તડોતડ તોડી નાખી. છીંકોટા નાખતી, મારા ઉઘાડા વાંસા ને છાતીને મંડી ચાટવા. બકરીની જેમ આછોતરી ધીંક મારી, બે પગના ચીપીયામાં મને જકડી લીધો. છાતી ભણી મારું મોઢું નમાવીને બોલી, ‘લે કર્ય તો ખરો અખતરો. આ પાઠડીને ય વેણ્યના વાવડ આપ્ય, મારા અફીણી.” (પૃ. 111, ગજવામાં ગામ) અહીં ગોમતીના માનસને રતિસંદર્ભે બરાબર ઉજાગર કર્યું છે. વર્ષોની તરસ કેવી તીવ્રતાથી પ્રગટે છે તે અહીં તેના વર્તનમાં જોઈ શકાય છે. કાપડાની કરતું ને ખોલતી નથી પરંતુ તડોતડ તોડી નાખે છે તેમાં તેની અધીરાય, વ્યાકુળતા અને ઉત્કટ તાલાવેલી વ્યક્ત થાય છે. તળબોલીની ચોટદાર તાકાતને કારણે આ આખો અનુભવ અહીં આસ્વાદ્ય બન્યો છે.

ગોમતી અને ભોળુના શરીર સંબંધ પછી મનમાં જન્મતો પશ્ચાત્તાપ આ વાર્તાનું નોંધનીય પાસું છે. ગોમતીના મનમાં ચાલતો એ પસ્તાવો અહી તેની પોતીકી બોલીમાં વ્યક્ત થાય છે. ગોમતીનો આ સંઘર્ષ ભાવકસ્પર્શી બને છે તેમાં બોલીની ઉપયુક્તતા વખાણવાલાયક છે. “ અરેરે બાય હવે નિહાકા શીદને નાખ છ? કૂણા જીવને મુંઝારો કાં આપ છ ? રાજીપામાં રે.. ફરકવાનો પેલવારુકો મરમ તારા મોંઢે લીંપી રાખ્ય. વાંઝિયામેણું ટાળવાની જ એકલી આ ધધખના હતી કે ભવભવની તરશ્યે તને નો છોડી ? પણ અભાગણી, એમ કરવા જતાં ભોળીયા શંકર રોખા ધણીનો તેં વશવા ગુમાવ્યો એનું કાંય નૈ ?... કે’તા’તા ઇ: રન્નાદેએ લાજ રાખી : આ તે લાજ રાખી કે ચીંથરા ઉડાડયા, મા ? બળ્યું આવા વચાર બેજીવ સોતાં હોય તયેં નો કરવા જોવે અને ઇ ય શું નો’તા જાણતા ? શીદ મને કાચીકુંવારીને વાંહળી એક રૂપિયા વેરી, વેચાતી લૂંટી લીધી ? ચૈતર-વૈશાખના તાપ જીરવ્યા, તનના તુટામણ નો જીરવાયાં , મા કોનો વાંક કાઢું ? આમ ક્યો તો સૌનો, આમ ક્યો તો-“ (પૃ. 110, ગજવામાં ગામ)

બકરી ‘પાઠડી’ છે એ સંદર્ભે ગોમતીનું અનુસંધાન સંકેતાત્મક રીતે વાર્તામાં થવા પામ્યું છે. વાર્તાં’તે બકરી અને ગોમતી બને સગર્ભા છે તે રીતે આખું બકરીનું પાત્ર વાર્તાને ઉપકારક નીવડે છે. ભોળુને રાત્રે ઊંઘ નથી આવતી, બહાર વરસાદ છે તેથી તેને ટીલવીની ચિંતા થાય છે એ વખતે તેના વિચારજગતમાં ગ્રામીણ પરિવેશ તળબોલી દ્વારા સચોટ રીતે ઉપસ્યો છે, જેમ કે, ‘મારી ટીલવીને ઓશરીમાં બાંધ્યા’વું. મનની લપમાં ઓહાણ જ નોં ર્યું. મર ટિલવી લીંડિયું કરતી. વાળશે માસી આફુડી. ઓણ તો ચંટાઈ ગૈ. એમાં પાછું ટાઢોડું લાગી જાહે તો ફરી સાલવણું, તરોઈ જાતાં વાર નૈ લાગે. તાપડું વીંટાળી દૌ ટીલવીને ક્યાંકથું ગોતીને. થોડા મૈના કેડ્યે વિંયાશે. પછી તો શેડકઢું દૂધ... મોઢામાં પરબારા આંચળ મેલી ધાવી લેવાનું. એક કોર એનું ગદીડું, એક કોર આપણા રામ. મર માસીય બળતી... કુશલો નેવાની વળગણીએ ટિંગાડ્યો’તો કાકાએ. ન્યાંલી લૈને માથે ઓઢી લેશ… છપ્પરમાં જોયા’વું. એની તે દ્યે, ફાટંફાટ લાગી છે મૂતવણી.” (પૃ. 108, ગજવામાં ગામ)

આમ, આખી વાર્તામાં ગોહિલવાડી બોલીનો ઉપયોગ પાત્ર અને તદ્દજન્ય માનસિકતાને વર્ણવવામાં ખપે લીધો છે. બોલીની અધિકતા આ વાર્તામાં ક્યાંય મર્યાદારૂપ બનતી નથી બલકે જે પ્રમાણે પાત્રોની સંવેદનાની પ્રુષ્ઠભૂ અને પરિવેશ છે તે જોતાં તેની આવશ્યક્તા જણાઈ આવે છે. રમેશ ર. દવે આ અંગે નોધે છે કે: “વાર્તાની ભાષામાં પાત્રોની માનસિકતા અને તજ્જન્ય વિશિષ્ઠ પરિવેશની ગ્રામીણતા સૂચવવાની અપરોક્ષ ક્ષમતા છે તે દ્દ્ષ્ટવ્ય છે. પાત્રોના સંવાદોમાં જ નહીં વાર્તાકથકના કથનમાં પણ ગોહિલવાડી બોલીનું સુસ્વાદુ રૂપ પ્રયોજાયું છે.*** વાર્તાકારે ભાષાનો ઉપયોગ અત્યંત લાઘવભર્યો કર્યો છે. એમ થતાં એમની નિરૂપણકળા છતી થાય છે.” (પૃ. 151, ગજવામાં ગામ) એ જ રીતે વાર્તાકારની ભાષાને સર્જનાત્મક સ્તરે પ્રયોજવાની કળા સંદર્ભે શરીફા વીજળીવાળા પણ યોગ્ય જ લખે છે કે, ‘રીતરિવાજો, વાતચીતના લહેકાઓ, કહેવતો, રૂઢિપ્રયોગોથી સભર ગોહિલવાડી બોલી ગ્રામપરિવેશને સજીવ બનાવે છે, વાર્તાનાં અંગરૂપ બની રહે છે. પાત્રમાનસની સરળ કે સંકુલ લાગણીઓને અભિવ્યક્ત કરવામાં ભાષાનો પનો ક્યાંય ટૂંકો નથી પડ્યો. ઊલટાનું ભાષા થકી ઘણું સિધ્ધ થઈ શક્યું છે. ગોહિલવાડી બોલીની ક્ષમતા-શક્યતાઓને સર્જનાત્મક સ્તરે તાગ કાઢવામાં સર્જક પુરોગામીઓને અતિક્રમી શક્યા છે.’ (પૃ. 152, ગજવામાં ગામ) અંતે મણિલાલ હ. પટેલ પ્રસ્તાવનામાં કહે છે તેમ ‘ગોહિલવાડી ભાષાનો – બોલીનો અહીં થયેલો પ્રયોગ અનિવાર્ય તો છે જ સાથે એની બળકટતા વાર્તાના કલામૂલ્યને ઉપકારક ઠરે છે. આમ, સર્જક તથા સર્જકતાને સંકોરવામાં અને વાર્તાવિશ્વને આસ્વાદ્ય બનાવવામાં તળબોલી ખપે લાગી છે એમ ચોકકસપણે કહી શકાય.

સંદર્ભ ગ્રંથ:

  1. ત્રિવેદી, મનોહર, ‘ગજવામાં ગામ’, લટૂર પ્રકાશન, ભાવનગર

ડો. પ્રવીણ વાઘેલા, એમ. એમ. ચૌધરી આર્ટ્સ કોલેજ, રાજેન્દ્રનગર. મોબાઇલ નંબર ૯૪૨૭૮૫૮૨૪૮ ઇ મેઈલ : pravinvaghela4175@gmail.com