જયમલ્લ પરમારની ઊર્મિઓનાં પદાર્પણરૂપ 'ઊર્મિનવરચના'
લોકસાહિત્યના ઉદ્ભવ વિશે કહીએ તો, એ માનવ ઉત્ક્રાંતિની સાથે જ થયો છે. અને ત્યારથી આજ દિન સુધી તે મનુષ્યનું સાથી–સંગાથી બની રહ્યું છે. લોકસાહિત્ય અને લોકકળાનાં વિકાસ અને સંવર્ધન માટે ઘણાં વર્ષોથી અનેક મહાનુભાવોએ વ્યાપક ખેડાણ કર્યું છે. આ પ્રવાહને વહેતો રાખવા ઝવેરચંદ મેઘાણીનો ફાળો અમૂલ્ય રહ્યો છે. મેઘાણી પૂર્વે પણ પારસી સાહિત્યકારોએ લોકસાહિત્યમાં મહદ્ અંશે પ્રદાન કર્યું હતું પરંતુ મેઘાણીએ તો લોકસાહિત્યની આખી દિશા આપણી સમક્ષ ખોલી આપી છે અને આ દિશામાં આગળ વધવા માટે દિશાસૂચક તરીકે જયમલ્લ પરમારનો ફાળો મહત્ત્વનો છે. તેઓએ લોકસાહિત્યની દિશામાં દીવાદાંડી બનીને સાહિત્યને આગળ વધારવાનો પ્રયત્ન કર્યો છે. જયમલ્લ પરમારે નશાબંધીક્ષેત્રે પણ યોગદાન આપ્યું છે. નશાબંધીની પ્રવૃત્તિને આગળ વધારવા માટે તેમણે 'કલ્યાણયાત્રા' સામયિકનું સંપાદન પણ કર્યું હતું. જયમલ્લ પરમારનું મહત્ત્વનું કાર્ય તે 'ઊર્મિનવરચના' સામયિકનું સંપાદન છે. આ સામયિકમાં પ્રગટ થતા લેખોથી ઘણાં બધાં સંશોધકોને સાહિત્ય એકઠું કરવાની પ્રેરણા પ્રાપ્ત થઈ છે. સામયિકમાં પ્રગટ થતા લેખોના વિશેષાંકો પણ થયા છે. જે આજે પુસ્તકરૂપે ઉપલબ્ધ છે. જયમલ્લ પરમારે લોકસાહિત્યના પ્રચાર–પ્રસાર માટે ગુજરાતનાં ખૂણે ખૂણેથી સાહિત્ય એકઠું કરવાનો અથાગ પ્રયત્ન કર્યો છે.
જયમલ્લ પરમારનો જન્મ તા.૬–૧૧–૧૯૧૧ના રોજ રાજકોટ જિલ્લાના વાંકાનેર તાલુકામાં થયો હતો. નાની વયમાં પિતાના અવસાનને કારણે જયમલ્લભાઈનો ઉછેર મોસાળ (મોરબી)માં થયો. બાળપણમાં જ તેમણે નાના–નાની પાસેથી સાહિત્યના સંસ્કાર પ્રાપ્ત થયેલાં. ત્યારબાદ તેઓ ધીમે ધીમે વિવિધ પ્રવૃત્તિઓમાં જંપલાવતા ગયા. જેમકે સ્વતંત્રતાસંગ્રામ, ભાવનગર ઠક્કરબાપા છાત્રાલયનું સંચાલન, મનુભાઈ પંચોલી અને બાબુ શાહ સાથે ભારતપર્યટન, 'ફુલછાબ' સાપ્તાહિકમાં સામેલ, લોકસાહિત્યમાં પદાર્પણ, નશાબંધી પ્રવૃત્તિમાં સામેલ, ઊર્મિનવરચનાનું તંત્રીપદ અને અંતે જયમલ્લભાઈએ ભજનની દિશામાં કામ કર્યું એ જ ભાવદશામાં તા.૧ર–૬–૧૯૯૧ની બપોરે નિંદ્રાવસ્થામાં જ અંતિમ વિદાય લીધી.
જયમલ્લ પરમારે સાહિત્યના દરેક ક્ષેત્રમાં પોતાની પ્રતિભાને ખિલવી છે પરંતુ અહીં માત્ર તેમના લોકસાહિત્યમાં થયેલા સંશોધનો–સંપાદનોને મૂલવવાનો પ્રયાસ કર્યો છે. ખાસ કરીને તેમના 'ઊર્મિનવરચના' સામયિકના સંપાદનકાર્યને મહત્ત્વ આપી તેના વિશેષાંકોને ધ્યાનાકર્ષક રાખવામાં આવ્યા છે.
જયમલ્લ પરમારે લોકસાહિત્યમાં લોકવાર્તા, લોકગીતો અને લોકસંસ્કૃતિની વિવિધ દિશામાં ખેડાણ કર્યું છે. તેમના લોકવાર્તાનાં 'ધરતીની અમીરાત', 'ધરતીની મહેક', 'ધરતીની સોડમ', 'ધરતીના મોતી', 'વીરસિંહ' અને 'ચાતુરીની વાતો' વગેરે પુસ્તકો છે. આ પુસ્તકોમાં જુદાં જુદાં પ્રદેશની લોકવાર્તાઓનું સંકલન કર્યું છે તેમાં ચારણ–બારોટ, બહારવટિયા અને ક્ષત્રિયોના બલિદાનની વીરકથાઓ આપી છે. જયમલ્લભાઈએ ધરતીની દરેક છેડાની કથાઓને આપણા સમક્ષ ઐતિહાસિક ઘટના કે પ્રસંગ સ્વરૂપે મૂકી છે. તેમનું લોકવાર્તાના સર્જન વિશેનું પુસ્તક 'લોકવાર્તા : સર્જન અને સંશોધન'માં લોકવાર્તાના સર્જનથી લઈને આજ દિન સુધી તેમાં થયેલા રૂપાંતરો અને તેના પાલક પોષક પરિબળો વિશેની ઊંડાણપૂર્વક ચર્ચા કરી છે.
જયમલ્લ પરમારના લોકગીત વિષયક સંગ્રહો જોઈએ તો 'આપણા લોકગીતો', 'આપણા રાસ–ગરબા', 'આપણું લોકસંગીત' વગેરે છે. આ પુસ્તકોમાં જુદાં–જુદાં પ્રદેશોના લોકગીતો અને તેના પ્રકારો વિશેની માહિતી એકત્રીત કરી છે. 'આપણા લોકગીતો' પુસ્તકમાં લોકગીતનો ઉદ્ભવ, લક્ષણો, લોકગીતનો સ્વર–તાલ, લોકગીતમાં સત્ય–સૌંદર્ય, ગુજરાતના લોકગીતો, લોકઉત્સવોમાં ગવાતાં ગીતો, લગ્નગીતો, પ્રકૃતિવર્ણનના લોકગીતોનો સમાવેશ થાય છે. 'આપણા રાસ–ગરબા' પુસ્તકમાં પરંપરાગત રીતે રમાતા રાસ–રાસડાઓ વિશેની માહિતી આપી છે. ઉત્સવો, મેળાઓ અને અન્ય પ્રસંગે રમાતા રાસ–ગરબાઓ, મેરલોકોના રાસ, પઢારોના રાસ, કોળીઓના રાસ, સીદીઓના રાસ, ભરવાડ–આયરના રાસ અને લોકનૃત્યો વિશેની સમજ આપતા લેખો આપ્યા છે.
લોકસંસ્કૃતિના પુસ્તકો 'આપણી લોકસંસ્કૃતિ', 'લોકસાહિત્ય અને સંસ્કૃતિ'માં સંસ્કૃતિના મૂલ્યને અનુસરનાર પ્રજાઓના જીવન વિષયક પરિબળોનું આલેખન થયું છે. તેમાં સંસ્કૃતિને ઘડનારા પરિબળો જેવા કે ગરબા અને ગરબી, રાસ–રાસડા, લોકસંગીતો, સંત–સરવાણી, પ્રકૃતિપરાયણ, લોકવન, ભક્તિ–શક્તિ અને સૌંદર્ય, વસ્ત્રાલંકાર જેવા સંસ્કૃતિનાં પાલક–પોષક પરિબળોને પ્રોત્સાહન આપતા લેખો સંકલિત કર્યાં છે. આમ, જયમલ્લભાઈએ લોકવાર્તા, લોકગીત અને લોકસંસ્કૃતિ વિશેનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી તેની સમજ આપણી સમક્ષ રજૂ કરી છે.
સૌરાષ્ટ્રના ધર્મ, સંસ્કૃતિ અને લોકજીવનને ઉજાગર કરતો ગ્રંથ 'સેવા ધરમના અમરધામ'માં ગુજરાતનાં શિવાલયો, શક્તિપૂજા, ભાગવતતીર્થો, સ્ત્રીસંતો અને ધાર્મિક સ્થળોના માહાત્મ્યનું નિરૂપણ થયું છે. આપણે ત્યાં લોકસેવા પરાયણ સંતોની કેવી ઉજ્જવલ પરંપરા હતી તેનું આ ગ્રંથમાં સમ્યક્ દર્શન થાય છે. સૌરાષ્ટ્રની ધરતી વિશેનું આવું સુંદર પુસ્તક ગુજરાતીમાં પ્રથમ વખત પ્રસિદ્ધ થયું છે. સૌરાષ્ટ્રના શિવાલયોમાં સોમનાથ, ઘેલા સોમનાથ, ભવનાથ, જડેશ્વર, ઝરિયા મહાદેવ, માંગનાથ મહાદેવ, રામનાથ મહાદેવ, ગંગેશ્વર મહાદેવ જેવા પ્રગટ લિંગો વિશેની માહિતી આપી છે. ભાગવતતીર્થોમાં દ્વારકા, વૈષ્ણવધામ, બેટશંખોદ્ધાર, શ્રીકૃષ્ણની લગ્નભૂમિ માધવપુર, પુરાણપ્રસિદ્ધ પ્રાચીન ગીરનું રમણીય ધર્મસ્થાન તુલસીશ્યામ વગેરે છે. આપણી ભૂમિ નામના લેખોમાં ગિરનાર અને શંત્રુજ જેવા પર્વતની પવિત્રતા બતાવી છે. શક્તિપૂજામાં માતૃપૂજા અને હર્ષદ માતા, આઈ ખોડિયાર અને તેમના સ્થાનકો, હોલમાતા મંદિર, કનેશ્વરી માતા, શીતળા માતા વગેરે શક્તિપૂજાના સ્થળો વિશેના લેખો છે. સ્ત્રીસંતોમાં નારી અને ભક્તિ, આઈ કરણી, લાખો અને લોયણ, મેર મહિલા સંત લીરબાઈ, મૂળીમાની જગ્યા, તપસ્વિની રાણીમાં, વાલબાઈમાં આશ્રમ, મોંઘીબાની જગ્યા જેવા સ્ત્રીસંતોના સ્થાનકનું માહાત્મ્ય દર્શાવ્યું છે. ધાર્મિક સ્થળોમાં પીપાવાવ, દૂધરેજની વડવાડા દેવની જગ્યા, સૂર્યપૂજા અને જૂનું સૂરજમંડળ, પાંચાળના ભક્તમંડળના મોવડી આયા રતા, આપાદાનાની જગ્યા, અણદાબાપા આશ્રમ, રઘુનાથ મંદિર જેવા સ્થળોનો ઉલ્લેખ કર્યો છે. તેમનું મહત્ત્વનું કાર્ય તે ભજન વિશેના સંશોધનનું છે. તેમાં ભાવની–ભજનવાણી નામના મુદ્દામાં ભજનોના સંસ્કાર અને આગમવાણીના ભજનો, ગોરખનાથ, મછંદરનાથ, જાલંધરનાથ અને ગોપીચંદના ભજનો, સંત અને, આઈ જેવી પરંપરાઓના ભજનો એકઠા કર્યાં છે. આ ભજનો દ્વારા જયમલ્લ પરમાર સંત પરંપરાનાજીવંત દર્શન કરાવ્યાં છે.
ઊર્મિનવરચના સામયિકનાં વિશેષાંકો -
'ઊર્મિનવરચના' સામયિકનો મુખ્ય હેતુ સામાન્ય લોકોમાં પડેલી લોકસામગ્રીને ઉજાગર કરવાનો હતો. આ સામયિકની શરૂઆત ઈ.સ.૧૯૬૭માં થઈ અને ૧૯૯૧માં બંધ થયું. આ ર૪ વર્ષના ગાળામાં ઘણી બધી સામગ્રી જયમલ્લભાઈને પ્રાપ્ત થઈ છે. તેમણે 'ઊર્મિનવરચના' સામયિકના ૧૭ જેટલાં વિશેષાંકો કરેલા. જે આજે પુસ્તક રૂપે પણ પ્રસિદ્ધ છે. આ વિશેષાંકોને પુસ્તક રૂપે પ્રગટ કરવામાં રાજુલ દવેનો મુખ્ય ફાળો રહ્યો છે. ખાંભી–પાળિયાના વિશેષાંકનું પુસ્તક 'ભાગું તો ભોમકા લાજે', દુહા વિશેષાંકનું પુસ્તક 'દુહો દસમો વેદ', ઘોડા વિષયક 'ભલ ઘોડા વલ વંકડા', નારી વિષયક 'શીલવંતી નારીઓ, નદી વિષયક 'પતિત પાવની સરિતાઓ', લોકવાર્તા વિષયક 'નર પટાધર નીપજે' (ભાગ–૧ થી ૪) વગેરે છે.
'ભાગું તો ભોમકા લાજે' પુસ્તકમાં ગુજરાતના જુદા જુદા વિસ્તારમાં રહેલા ખાંભી–પાળિયા વિશેના લેખો છે. તેમાં ખાંભી–પાળિયાની લોકવાર્તાઓ, કાવ્યો અને દુહામાં ખાંભી–પાળિયા અને ખાંભી–પાળિયા વિશેના અભ્યાસ લેખો એકત્રીત થયા છે. જયમલ્લભાઈએ પાળિયાના અર્થ વિશે કહ્યું છે કે પાળિયા એ 'પાળ' એટલે કે ગામ પર ચઢાઈ કરનાર સૈન્ય અને એ 'પાળ' સામે લડી–ઝઝૂમીને મરનાર શૂરવીર કે સતીઓની યાદી તે પાળિયા.
ખાંભી અને પાળિયાની ભેદકતા જોઈએ. તો ખાંભી કોતરાયેલી હોય અને પાળિયો વણકોતરાયેલો હોય એવું લોકોનું માનવું છે. પરંતુ ખાંભી અને પાળિયા વચ્ચે આવા પ્રગટ ભેદ પાડી શકીએ એવા કોઈ પુરાવા આપણને હજુ સુધી પ્રાપ્ત થયા નથી. માટે ખાંભી અને પાળિયા બંને એકબીજાના અર્થમાં વપરાય છે. 'પાળિયા' રાજાઓ કે કોઈ સામાજિક પ્રતિષ્ઠા ધરાવતા વ્યક્તિના નથી હોતા. પાળિયા તો જે શૂરવીરો કે સતીઓએ પોતાના ગામ, રાજ કે પ્રજાના રક્ષણ માટે સામી છાતીએ લડીને પોતાનું બલિદાન આપ્યું હોય તેના ઊભા થાય છે.
'સતી' શબ્દની શરૂઆત આમ તો પાર્વતી દક્ષ, પ્રજાપતિના યજ્ઞમાં બળીને ભસ્મ થયાં ત્યારથી થઈ છે. તેથી પતિની પાછળ બળીને ભસ્મ થતી અથવા તો પતિની આજ્ઞાનું પાલન કરતી સ્ત્રીઓ પૂરતો સીમિત બની ગયો છે. પરંતુ હકીકત એ છે કે માત્ર પતિવ્રતા સ્ત્રીને જ સતી ન કહેવાય પણ જે સ્ત્રી પોતાના દેશ, ગામ, કોઈ પશુ કે પોતાના બાળકની રક્ષા માટે પોતાનું બલિદાન આપે તેને પણ સતી કહેવાય છે. જો માત્ર પતિવ્રતા સ્ત્રીને જ સતી કહેવાતી હોય તો રામાયણમાં રાવણના મૃત્યુ બાદ વિભિષણ સાથે લગ્ન કરનાર મંદોદરી શા માટે સતી કહેવાય ? પાંચ પાંડવોની પત્ની દ્રૌપદીને પણ સતી કહેવાય ? અને એકથી વધુ દેવોના પુત્રની માતા કુંતાને પણ સતી કહેવાય કે નહીં એ પ્રશ્ન થાય છે. તેથી જે સ્ત્રી પોતાની શક્તિ દ્વારા નિઃસ્વાર્થ ભાવે બીજાની રક્ષા કરે છે તેને જ સતી કહેવાય છે અને એવી સતીઓના પાળિયા ઊભા થાય છે. પાળિયા માત્ર ઐતિહાસિક સ્મારકો નથી હોતા પરંતુ તેની પાછળ એક વીરગાથા રહેલી હોય છે.
'દુહો દસમો વેદ' પુસ્તકમાં દુહાઓમાં રહેલી લોકહૃદયની વેદનાઓને લેવામાં આવી છે. અપભ્રંશ કાળથી દુહા ચાલ્યા આવે છે અને લોકસાહિત્યના સંવર્ધનમાં આ દુહાઓનો મોટો ફાળો રહ્યો છે. દુહામાં ભૂગોળ, ઇતિહાસ અને જે તે કાળનું સમાજદર્શન રહેલું છે. આ પુસ્તકમાં દુહાને જુદાં જુદાં પરિવેશમાં દર્શાવ્યો છે. જેમકે સિંહ વિશેના દુહાઓ, માનવ સ્વભાવના દુહાઓ, બોધ આપતા દુહાઓ, સજણાંના સ્નેહ વિશેના દુહાઓ, દેશ વિષયક દુહાઓ, વીરરસના દુહાઓ, પ્રદેશ વિશેના દુહાઓ મળીને ૧૦પ જેટલા દુહા વિષયક લેખો અહીં સંકલિત થયા છે.
પ્રદેશ વિષયક દુહાનું ઉદાહરણ જોઈએ તો...
''તળ ઊંડા જળ છીંછરા, કામન લંબે કેશ;
નર પટાધર નીપજે, કોડીલો કચ્છ દેશ"
આ દુહામાં ગુજરાતનો મોટો વિસ્તાર રોકીને પડેલા કચ્છનો ભાતીગળ ઇતિહાસ છે ત્યારબાદ માણસને ઉપદેશ આપતો દુહો –
"જટો કયે છે જટડી, કાંઈ લે ને કાંઈક દે;
સામે ઢેરા રખ્ખજા, વો ભી માડુ થે"
અરે હે માનવી આ સામે રાખનો જે ઢગલો દેખાય છે તે પણ એક દિવસ તારા જેવા રૂડાં માણસ હતાં. એમાંથી કંઈક સબક લે અને કંઈક સારું કાર્ય આ દુનિયા માટે કર. આપણે રાખમાં ફેરવાઈ જઈએ એ પહેલા કંઈક વિચાર.
જયમલ્લ ભાઈએ દુહાને દસમો વેદ કહ્યો છે અને આ પુસ્તકમાં આશરે ચાર હજાર જેટલા દુહાઓ સંગ્રહિત કર્યાં છે.
'ભલ ઘોડા વલ વંકડા' વિશેષાંકના આ પુસ્તકમાં ઘોડાઓનો મહિમા દર્શાવ્યો છે. અહીં અશ્વ એટલે કે ઘોડાની અગાધતા અને અદ્ભૂતતાને અનુલક્ષીને ગીતામાં શ્રીકૃષ્ણએ કહ્યું છે કે, 'અશ્વાનામ્ ઉચ્ચઃ શ્રવાહમ્' અશ્વમા હું ઊંચા કાનવાળો અશ્વ છું પ્રાચીન કાળમાં જે સિદ્ધિઓ માણસને હાંસલ થઈ છે તેમાં મહત્ત્વનો ફાળો ઘોડાઓનો રહ્યો છે. ઘોડાની વાત આવે ત્યારે મહારાણા પ્રતાપનો ચેતક આપણને યાદ આવ્યા વગર રહેતો નથી. પ્રસ્તુત પુસ્તકમાં ૩૮ જેટલી લોકવાર્તાઓ, અશ્વના દુહા–કાવ્યો, અશ્વના અભ્યાસ લેખોનું સંકલન થયું છે.
મનુષ્ય ઇતિહાસમાં ઘોડાએ શૂરવીરતામાં સદાય માણસને સાથ આપ્યો છે અને સમય આવ્યે માણસના પ્રાણની પણ રક્ષા કરી છે. મહારાણા પ્રતાપનો ચેતક અનેક લડાઈઓ લડીને તેને બચાવે છે. એ જ ચેતક જ્યારે મહારાણા પ્રતાપ ઘાયલ થઈ બેશુદ્ધ થયા હોય ત્યારે એને લઈ હલ્દીઘાટીના મેદાનમાંથી દુશ્મનોના ઘરમાંથી હજારો ઘોડેસવારો અને હાથીઓની કતારો વીંધી મર્દના ફળિયા કહેવાય એવા દુશ્મનો વચ્ચેથી મહારાણાને પોતાની જાનના જોખમે સલામત રીતે કોમળમેરના પહાડોમાં જઈ ઉતારે છે. આ એક અશ્વની ગાથા છે. મેવાડના મહારાણાનું રાજ અવિચલ રહ્યું તેમાં જેટલી શૂરવીરતા મહારાણા પ્રતાપની છે તેનાથી વિશેષ મહારાણાને જિવાડીને મેવાડ ઘેર કરાવનાર ચેતકની પણ છે. આ ચેતકને ઘોડો કહેવાય કે ઈશ્વરનો અંશ ? જેટલા મહારાણા પ્રતાપ અમર છે એટલો જ તેનો વનસંગ્રામનો સંગાથી ચેતક અમર છે.
આપણા શાસ્ત્રોમાં સ્ત્રીના વિવિધ સ્વરૂપો આલેખવામાં આવ્યાં છે, તેમાં એક સ્વરૂપ શક્તિનું છે. સ્ત્રીને શક્તિરૂપે ગણવામાં આવી છે અને છતાં એ જ શાસ્ત્રોએ સ્ત્રીના મોક્ષના અધિકાર વિશે બે મત વ્યક્ત કર્યાં છે. એમાં પ્રધાન મત મહિલા મોક્ષ ન મેળવી શકે તેવો રહ્યો છે. ત્યારથી આજ દિન સુધી સ્ત્રીઓ વિશેના પૂર્વગ્રહો દૂર થયા નથી.
'શીલવંતી નારીઓ' પુસ્તકમાં લોકસંસ્કૃતિની સીમા નિશ્ચિત કરીને તેમાં સ્ત્રીત્વના વિશિષ્ટ વ્યક્તિત્વ તરફ ધ્યાન દોરવાની કોશિશ કરવામાં આવી છે. 'ઊર્મિનવરચના'માં સ્ત્રીશક્તિને ઉજાગર કરતા સંખ્યાબંધ લેખો અને લોકવાર્તાઓ પ્રસિદ્ધ થઈ હતી. ૧૯૭૧નો દીપોત્સવી અંક 'લોકસાહિત્યમાં નારી' પ્રગટ કરીને નારીનો વ્યાપક વિચાર તેમાં આલેખવામાં આવ્યો હતો. પ્રસ્તુત પુસ્તકમાં નારીજીવનની ઘટનાઓને અલગ–અલગ દ્રષ્ટિકોણથી તપાસીને પુસ્તકમાં સમાવી છે. નારીના કલા, પ્રેમ, સ્વાર્પણ, સ્વાભિમાન, શૌર્ય, ભક્તિ, નીતિ, માતૃત્વ જેવા ગુણોને નજર સમક્ષ રાખીને અહીં ગ્રંથસ્થ કર્યાં છે. 'શીલવંતી નારીઓ'માં નારીવિષયક ૧૩ અભ્યાસ લેખો અને ર૪ જેટલી લોકવાર્તા મળે છે. તેમાથી ઊજળું ઓઢણું, એના પેટમાં પાંડવ પાકે, બહારવટિયણ મલી, ઈન્દ્રામણિ, ભાઈ–બહેનના સ્નેહમિનાર જેવી લોકવાર્તાઓ સંગ્રહિત થઈ છે. આ વાર્તાઓમાં એક બહારવટિયણ મલી નામની વાર્તા છે તેમાં મલી નામની સ્ત્રી પોતાના ગામની બહેન દીકરીયુંને રાહુભા દરબારના ત્રાસથી બચાવે છે. તેના લગ્ન પછી તો મલી તેને સામે ઝઝૂમીને જતી રહે છે. સસરા પક્ષમાંથી ઘરેણા ન મળતા તેનું વેર લેવા તે બહારવટિયે ચડે છે તે વઢવાણના રાજાથી હળવદની જાનુ લૂંટાતી બચાવે છે. અંતે રાજા પણ પ્રસન્ન થાય છે અને તેને પોતાના ઘરેણા પાછા અપાવે છે. આ વાતને લગભગ ર૭પ વર્ષ થઈ ગયા. પ્રસ્તુત વાર્તામાં મલીની વીરતા અને બળજબરીની કથા નિરૂપાય છે.
'નર પટાધર નીપજે' પુસ્તકમાં શૂરવીરોની કથાઓ આપવામાં આવી છે. તેમાં મરદાઈના પારખાં, સાગરરાણાનો હાર, કાઠિયાણીના કૌશલ, જોધારમલની જનેતા, શામ મા, રાજને પ્રતાપે, વેરીની ખાનદાની જેવી ઘણી બધી લોકવાર્તા આપેલી છે. આ લોકવાર્તાઓમાં વીરકથાઓજીવંત રીતે પ્રગટ થઈ છે. જે શૂરવીરોએ પોતાની જાનના જોખમે બીજાને બચાવ્યા અને પોતાના બલિદાનો આપ્યા છે તેની કથાઓ આજે પણ લોકહૃદયમાં શબ્દદેહે વહે છે.
જયમલ્લ પરમારે મેઘાણીની સાહિત્ય યાત્રાને આગળ વધારવા મહત્ત્વ નું યોગદાન આપ્યું છે. તેઓ લોકસાહિત્યના સંશોધન–સંપાદન કાર્યમાં આજીવન પ્રવૃત્ત રહ્યા છે. તેમને લોકવાર્તા–લોકગીતો, લોકસંસ્કૃતિ વિષયક સંપાદનો ઉપરાંત ઊર્મિનવરચના સામયિક દ્વારા લોકસાહિત્યની સેવા યાચના કરી છે. તેમનાં લોકસાહિત્યક્ષેત્રના પ્રદાને જયમલ્લભાઈને અક્ષરદેહે ચિરંવી બનાવ્યા છે.
સંદર્ભગ્રંથ :