Included in the UGC-CARE list (Group B Sr. No 172)

ચલચિત્રની પટકથા આધારિત નવલકથા : કંકુ

ગુજરાતી સાહિત્ય અને તેમાં પણ ગાંધીયુગના સાહિત્યમાંથી જ્યારે પસાર થઈએ છીએ ત્યારે આપણે જોઈ શકીએ કે અન્ય સમયના સાહિત્ય કરતાં ગાંધીયુગના સાહિત્યની ભાષા સીધી, સાદી અને સરળ જોવા મળે છે. આ સમયના સાહિત્યમાં સામાન્યમાં સામાન્ય વ્યક્તિ પણ કૃતિના નાયક તરીકે આવી શકે છે. આ સાથે તેની ભાષા પણ સામાન્ય વ્યક્તિ સમજી શકે તેવી હોવાથી વાચકને કૃતિ વાંચવામાં વધારે રસ પડે છે આથી આ સમયના સાહિત્ય તરફ તે વિશેષ આકર્ષાય છે. અહીં આપણે આ જ સમયની એક કૃતિ કે જે પ્રથમ ટૂંકી વાર્તા તરીકે સ્થાન પામ્યા પછી ફિલ્મ તરીકે આકાર પ્રાપ્ત કરે છે. એ પછી પન્નાલાલ પટેલે તેને 'કંકુ' નામથી નવલકથા સ્વરૂપમાં આકારિત કરી છે. તો આ નવલકથા વિશે અહીં વાત કરવાનો ઉપક્રમ રહ્યો છે.

પન્નાલાલ પટેલ લિખિત 'કંકુ' ટૂંકી વાર્તા 'નવસૌરાષ્ટ્ર'ના દિવાળી અંકમાં પ્રગટ થયા બાદ વર્ષો પછી આકાર ફિલ્મના પ્રોડ્યુસર ડાયરેક્ટર શ્રી કાંતિભાઈ રાઠોડ આ વાર્તાને ફિલ્મ માટે માંગે છે. અને ત્યાંથી 'કંકુ' વાર્તા માંથી 'કંકુ' ફિલ્મમાં રૂપાંતરિત થાય છે. ત્યારબાદ લેખક નવલકથા રૂપે તેને ઉતારે છે અને તે 'જનસત્તામાં' હપ્તાવાર છપાય છે. તે પછી ૧૯૭૦માં 'કંકુ' નવલકથા પુસ્તક સ્વરૂપે પ્રથમ વખત પ્રગટ થાય છે. 'કંકુ' પરથી બનેલી 'કંકુ' ફિલ્મને સૌપ્રથમ વખત રાષ્ટ્રપતિ એવોર્ડ પણ મળે છે. આ રીતે પન્નાલાલ પટેલની 'કંકુ' પ્રથમ વાર્તા, પછી ફિલ્મ અને પછી નવલકથા સ્વરૂપમાં આપણે મળે છે. અહીં કંકુ નવલકથા વિશે વાત કરીએ તો -
પન્નાલાલ પટેલ રચિત 'કંકુ' નવલકથા ૩૪ પ્રકરણમાં વિભક્ત છે. તેની પ્રથમ આવૃત્તિ ૧૯૭૦માં પ્રગટ થયા બાદ તે ખૂબ જ વંચાઈ હોવાથી તેની ૧૯૭૦થી લઇને અત્યારે ૨૦૨૦ સુધીમાં દસેક આવૃત્તિ બહાર પડી ચૂકી છે. આ સાથે ઘણી જગ્યાએ આ કૃતિ અભ્યાસક્રમમાં પણ રહી ચૂકી છે. આ પરથી જ તેની ઉત્તમતાનો આપણને ખ્યાલ આવે છે. પ્રસ્તુત નવલકથામાં કંકુ એ નવલકથાની નાયિકા છે. 'કંકુ' નું પાત્ર અહીં પ્રધાન હોવાથી આ પાત્રપ્રધાન નવલકથા છે.

કથાનાયક ખૂમો લગ્ન કરી ગામમાં પ્રવેશ કરે છે ત્યાંથી નવલકથાનો પ્રારંભ થાય છે. ખૂમાની જાન જ્યારે ગામમાં આવે છે ત્યારે નવી વહુને જોવા માટે ગામની સ્ત્રીઓ કેવી બહાર નીકળે છે તેની વાત લેખકે આરંભમાં કરી છે. ખૂમો જ્યારે કંકુ સાથે ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે અંબા ફઈની દીકરી ઉંબર રોકે છે. ત્યારે શકુન રૂપે તે હાથફૂલ એટલે કે નેક માંગે છે. ત્યારે ખૂમો પછી આપવાની વાત કરે છે તો ખૂમાના ફઈ અત્યારે જ આપવાનું કહેતા કંકુ પોતાનું હાથ ઘરેણું અંબા ફઈની દીકરીને આપી દે છે. ત્યારે ખૂમો લગ્ન પહેલાંના વિચારો કરવા લાગે છે અને તેના ભૂતકાળમાં સરી પડે છે. જ્યાં લેખકે ફ્લેશબેક ટેક્નિકનો પ્રયોગ કર્યો જાણાય છે. આ ટેક્નિકનો પ્રયોગ લેખકે નવલકથામાં વચ્ચે વચ્ચે ઘણી વખત કર્યો છે. તો કંકુની ઉદારતા દ્વારા ખૂમા ને કંકુના સુખી દાંપત્યજીવનની શરૂઆત લેખકે કરી બતાવી છે. એ પછી કથાને આગળ વધારતા બીજા પ્રકરણમાં ખૂમા અને કંકુના પ્રસન્ન દાંપત્યજીવનને જોઈને ગામ લોકો તેની ઈર્ષ્યા કરે છે. સાથે સાથે ભાથી અને મોતી જેવા પાત્રો ખૂમા અને કંકુ જેવું જીવન જીવવાની વાતો કરે છે ને કંકુ ખૂમાને આદર્શ ગણે છે. આ રીતે પ્રકરણ-૨ માં કંકુ અને ખૂમો એક બનીને કેવી રીતે જીવન જીવે છે તે વાતને લેખકે વર્ણવી આપી છે.

તે પછી આગળના પ્રકરણમાં ખૂમા અને કંકુનું દાંપત્યજીવન દિવસે ને દિવસે વધારે પ્રસન્ન અને આનંદદાયક બનતું જાય છે અને બન્ને એકબીજાની ખુશી માટે કંઈક ને કંઈક કરતાં રહે છે. કંકુના હાથફૂલ માટે પોતાના જીવને જોખમમાં મૂકીને વાણિયણનું ચાંદીનું સાંકળુ કૂવામાંથી કાઢવા માટે ખૂમો જાય છે અને જે પૈસા મળે છે તેમાંથી કંકુ માટે હાથફૂલ લઈ આવે છે. તો બંને જ્યારે મેળામાં જાય છે ત્યારે બંને એકબીજા માટે વસ્તુ લે છે જે ગામ લોકો જોઈ શકતા નથી. આમ છતાં બંનેના જીવનમાં કોઈ ફર્ક પડતો નથી. બંને મોજથી પોતાનું જીવન વ્યતીત કરે છે અને ત્યારબાદના પ્રકરણમાં લેખક ખૂમા ને કંકુના લગ્નના ત્રણ વર્ષ પછીની વાત કરે છે જેમાં અઘરણી માટે ખૂમો કંકુને કપડાં લેવા મલકચંદકાકાને ત્યાં લઇ જાય છે. ત્યાં પણ બંનેને આટલા ખુશ જોઈને મલકચંદને પણ થોડી ઈર્ષ્યા થાય છે. અને જ્યારે બંને જાય છે ત્યારે મલકચંદના મુખમાંથી 'હરે કૃષ્ણ... હરે કૃષ્ણ...' એ શબ્દો ઉચ્ચારાય જાય છે. અને જોતજોતામાં ખૂમા અને કંકુને ત્યાં પુત્રનો જન્મ થાય છે એ વાતનો લેખક આડકતરી રીતે નિર્દેશ કરી ખૂમાની બહાદુરીની વાત આલેખે છે. પોતાને (ખૂમાને) તાવ હોવા છતાં એ સાહસ કરી અને ગામના તળાવની પાળને વરસતા વરસાદમાં તુંટતી બાંધે છે અને ગામલોકોને તથા ગામને ડૂબતું બચાવે છે. પણ વિધિની વક્રતા કહો કે ઈશ્વરની ઉદાસીનતા આ ઘટના પછી ખૂમો બહુ ઝાઝું જીવી શક્તો નથી અને લાંબી બીમારી બાદ અવસાન પામે છે. જેથી કંકુ અને ખૂમાના પ્રેમાળ જીવનને જાણે ઈશ્વરની પણ નજર લાગી હોય તેવું લાગે છે. ખૂમાના મૃત્યુથી તેના એકના જ ગામમાં નહીં ! પણ આજુબાજુના ગામોમાં પણ શોક વ્યાપી જાય છે. ખૂમાના અવસાન પછી તેનું ખેતર ખેડવાની જવાબદારી ગામલોકો પોતાના પર લે છે. કંકુ પણ હિમ્મત ન હારતા જીવનમાં આગળ વધે છે અને થોડા સમયમાં ખૂમાની વરસી વાળી દે છે અને ખેતરે જવા લાગે છે. ત્યારે ગામલોકોને એમ થાય છે કે કંકુ બીજું ઘર કરવા ઈચ્છે છે. પણ ખરેખર કંકુના મનમાં એવું કશું હોતું નથી. ગામલોકો તેને બીજા લગ્ન માટે પુછાવે છે, છતાં કંકુ ના પાડે છે. ગલાકાકા અને રાયમલ તો બેચરભાઈની વાત લઈને કંકુના ઘરે જાય છે ત્યારે પણ કંકુ ચોખ્ખા શબ્દોમાં ના પાડી દે છે.

બીજું ઘર કરવા માટે ગામ લોકો તેને ખૂબ જ સમજાવે છે. અમદાવાદથી મફતલાલ પણ આવે છે જે નોકરી કરે છે. કંકુને મનાવવા તેના માટે મોંઘા કપડાં પણ લાવે છે. કંકુ તો એ કપડાં સામે જોતી પણ નથી. એ તો ખૂમાને યાદ કરતી જાય છે અને તેની વાત પર અડગ રહે છે. પાનુ, ભલી અને ધનાના સમજાવવા છતાં પણ તે એકની બે થતી નથી. કંકુની એકલા જીવવાની હિમ્મતને જોઈ ગલાકાકા એનું નામ હિમ્મત રાખે છે. તો બીજી બાજુ કંકુની આ હિમ્મતની વાત જયારે મલકચંદ ભીમાના મુખેથી સાંભળે છે ત્યારે વાણિયા જેવા વાણિયામાં પણ પરિવર્તન આવે છે. અને તે કંકુને થાય એટલી મદદ કરવાનું વિચારે છે ને તે માટે કંકુને મળવા છેક તેના ગામ જાય છે. કંકુને મળી તે હિમ્મત આપે છે અને એકલી થઈ ગઈ છે તો મુંઝવણ ન અનુભવતી એમ કહી આશ્વાસન આપે છે. ત્યારે કંકુને મલકચંદ પર થોડી શંકા જાય છે. પણ તેના ગયા પછી મલકચંદના રૂપમાં જાણે રામદેવપીર તેની વહારે આવ્યા હોય તેવું લાગે છે.

કંકુ, ભાથી, ભૂરી અને કાળુ સૌ ખેતર કામ કરે છે ત્યારે કંકુને ફરી એ જ વાતનો સામનો કરવાનો આવે છે. જેનાથી તે સતત દૂર ભાગતી ફરે છે. બધાં તેને બીજું ઘર કરવાની વાતો કરે છે ત્યારે કંકુ ખૂમા સાથે પસાર કરેલા દિવસો યાદ કરવા લાગે છે. જ્યારે તે સૌ જમવા બેસે છે ત્યારે કાળુ કંકુના શાકના વખાણ કરે છે ત્યારે કંકુને ખૂમાના શબ્દો યાદ આવી જાય છે. ભૂરીના ગયા પછી કાળું પણ કેવો એકલો પડી જાય છે તે વાત અહીં સર્જક કથાને આગળ વધારવા આલેખે છે. આ સાથે કાળુ અને ભૂરીના લગ્ન જીવનની આછેરી ઝલક આપણી સમક્ષ લેખકે અહીં પ્રકરણ દસમાં આલેખી છે. જે પરથી લેખક નિર્દેશ કરે છે કે કાળુ જેવો ગાંડો માણસ જો ભૂરી વગર રહી શક્તો નથી. તો કંકુ માટે ખૂમાને ભૂલાવવો ખૂબ જ અઘરું કામ છે. કંકુ અને પાનુના સંવાદ દ્વારા અહીં લેખકે કંકુની વ્યથાને વાચા આપી છે.

કંકુ પોતાનો દીકરો હીરિયો હવે મોટો થયો હોવાથી બળદ લેવાનું વિચારે છે અને તે માટે પૈસા લેવા કંકુ મલકચંદકાકાને ત્યાં જાય છે. અને તે નવા બળદ પણ લઈ આવે છે. પણ પોતાના દીકરાને ભણાવવા અંગેની મલકચંદકાકાની વાત એને યાદ આવે છે. અને એ વાત તેને ખટકતી હોવાથી તે તેના દીકરાને ચાર ચોપડી સુધી ભણાવે છે. અને ત્યારબાદ વરસાદ થતાં તે હીરિયાને પ્રથમ વખત હળ ચલાવતા શીખવે છે. ત્યારે કંકુ ચાંદલા કરવા અને નાડાછડી બાંધવા ધીરીને સાથે લે છે. ધીરી જ્યારે બધી વિધિ કરે છે ત્યારે કંકુને પોતે ખૂમા સાથે પ્રથમ વખત કરેલા શુકનની યાદ આવે છે અને ભૂતકાળમાં સરી પડે છે. એ પછી કથાને આગળ વધારવા માટે અને કથામાં વળાંક લાવવા લેખકે હીરિયાના લગ્નની વાત પ્રકરણ બારમાં આલેખી છે. તે પછી આગળના પ્રકરણોમાં એટલે કે પ્રકરણ તેરથી છેક એકવીસ સુધી હીરિયાના લગ્નની વાત અને લગ્ન માટેની તૈયારીની વાત કેન્દ્રમાં રહી છે. આ સાથે જ અનેક અન્ય ઘટનાઓ આ પ્રકરણોમાં વચ્ચે આવે છે, જેમકે- કંકુનું મલકચંદકાકાને ત્યાં લગ્ન માટે પૈસા લેવા જવું, વિવાહ વહોરવા માટે કપડાં લેવા જવા, આ સાથે કંકુની મલકચંદ સાથેની મીઠી મઝાક, કંકુ દ્વારા મલકચંદકાકાને કાળાધોળા ન કરવા માટે સમજાવું, ભૂતકાળમાં કંકુ સાથે બનેલી ચંડીગોરની ઘટના યાદ આવવી, મલકચંદકાકા દ્વારા કંકુને બીજું ઘર ન કરવાં પાછળનું કારણ પૂછવું, દીકરાને પરણાવવા માટે વેવાઈ ને આપવા માટેના જે પૈસા ઘડે છે તે જાન ઉઘલાવી મલકચંદકાકાને ત્યાં કંકુનું લેવા જવું અને એ સમયે મલકચંદ અને કંકુનું ભાન ભૂલવું અને મોટી ભૂલ કરી બેસવી વગેરે જેવા અનેકવિધ નાના મોટા પ્રસંગો પ્રકરણ તેરથી લઈને એકવીસ સુધીમાં આવે છે.

ત્યારબાદ પ્રકરણ બાવીસથી કથામાં એક નવો જ વળાંક આવે છે જેમાં ગામલોકો કંકુના ઘર પર નજર રાખીને બેઠા છે કે ક્યારે સાસુ અને વહુ વચ્ચે ઝઘડો થાય. પણ અહીં પરિસ્થિતિ કંઈક બીજી જ ઊભી થાય છે. કંકુ પોતે જે ભૂલ કરી બેઠી હોય છે તેના વિશેના વિચારોમાં ખોવાઈ રહે છે અને કોઈ સાથે કંઈ વાત કરતી નથી. પોતાની ભૂલ જો ગામ લોકોને ખબર પડશે તો શું થશે? એ વાત કંકુ સતત વિચાર્યા કરે છે. કંકુની ભૂલની જાણ ગામ આખામાં ભલી મારફતે થઈ જાય છે ને તેથી ગામ લોકો કંકુ પ્રત્યે અજુગતો વ્યવહાર કરવા લાગે છે. ખૂમાના ગયા પછી કંકુએ એકલા જીવવાની જે હિમ્મત દાખવી હતી તેના જે ગામલોકો વખાણ કરતાં હતાં એ જ ગામલોકો આજ કંકુ સામે જોતા પણ નથી. આથી કંકુ સામે ચાલી પોતાની ભૂલની કબૂલાત ગોપાલકાકાના ઘરના અને ભલી સામે કરે છે. પણ એ ભૂલ કોની છે એ વીશે કોઈને કાંઈ કહેતી નથી. ગામ લોકોને એમ લાગે છે કે કોઈએ કંકુ સાથે બળજબરી કરી હશે અને એનું જ આ પરિણામ હશે. આથી કંકુ બળજબરી કરનારનું નામ નથી આપતી.

ભલી જ્યારે કંકુની ભૂલ વિશે પાનુને કહે છે ત્યારે પાનુ અને તેનો પતિ બંને કંકુની ખૂબ ચિંતા કરે છે અને પાનુ તો કંકુથી નારાજ થઈને કહે છે કે, મેં કહ્યું હતું કે બીજું ઘર કરી લે પણ તે માની નહીં. પાનુ કંકુના ઘર સામે પણ જોવા તૈયાર નથી. તો બીજી બાજુ મલકચંદ પણ પોતાની ભૂલ વિશે વિચાર્યા કરે છે. અને એમની ભૂલનું ક્યાંક ખોટું પરિણામ ન આવે તેની સતત ચિંતા કર્યા કરે છે. મલકચંદ તો કંકુને કોઈ પણ કિંમતે પોતાના ઘરે લઈ આવવાનું પણ મનોમન વિચારે છે. આ સાથે જ કોઈ અનર્થ ન થાય તે માટે તે માનતા પણ રાખે છે. તો આ તરફ ગલાકાકા અને ગામલોકો કંકુના કપડાં પહેરાવવા માટે ભીમા, ધના, મંગળ, કાળુ વગેરેને પૂછે છે, અને છેલ્લે કાળુ સાથે કંકુના બીજા લગ્ન કરવાનું નક્કી થાય છે. તે માટે કંકુના ઘરે બધા પૂછવા માટે જાય છે. ત્યારે કંકુને તો પોતાના દીકરાને પોતાની ભૂલની જ્યારે ખબર પડશે ત્યારે શું થશે? એ જ ચિંતા સતત કોરી ખાય છે. અને પોતાની પંદર વર્ષની તપશ્ચર્યા પર પણ પાણી ન ફરી વળે એ વિચારે તે પાનુ દ્વારા તેના દીકરાને બધું કહેવાનું નક્કી કરે છે. પાનુના કહેવા પહેલાં જ કંકુના દીકરા અને વહુને બધી ખબર પડી જાય છે. આથી હીરિયો અને તેની પત્ની કંકુને બોલાવ્યા વગર ખેતરે ચાલ્યા જાય છે. અને એક દિવસ તો હીરિયો વગર કહીએ ક્યાંક ચાલ્યો જાય છે અને ગામ લોકો તેને શોધવા માટે જાય છે. આ ઘટનાથી કંકુ મનોમન ભાંગી પડે છે. આ બધી માથાકુટથી કંટાળી કંકુ આત્મહત્યા કરવાનું વિચારે છે ને દોરડું લઈ ઓરડીમાં જાય છે. અને ગાળીઓ બનાવી તે આત્મહત્યા કરવા જાય છે ત્યાં જ તેને ખૂમાના શબ્દો સંભળાય છે અને ગલાકાકાએ તેની હિંમત જોઈ અને તેનું નામ હિંમત પાડ્યું હતું તે પણ તેને યાદ આવે છે. થોડી વાર થાય છે ત્યાં જ ગલાકાકા અને ભાથી આવે છે. તેને જોઈને કંકુ નીચે ઉતરી જાય છે. ગલાકાકા કંકુને દોરડાં સાથે જોઈ બધું સમજી જાય છે અને કહે છે કે અમે થોડા મોડા પડ્યાં હોત તો અનર્થ થઈ જાત નહીં! અને તે કંકુ ને સમજાવે છે આ સાથે જ બીજું લગ્ન કરવા માટે પણ કંકુને પૂછે છે ત્યારે કંકુ કમને પણ હા પાડે છે. ત્યારબાદ પ્રકરણ ૨૯માં લેખકે ગલાકાકા કંકુ અને કાળુના લગ્ન કરાવી આપે છે એ વાતને આલેખી આપી છે.

તો આ બાજુ મલકચંદ ગલાકાકાના આવવાની રાહ જોવે છે. ગલાકાકાની રાહમાં મલકચંદ ઊંઘતો પણ નથી. અને સવારે જ્યારે લલી દૂધ આપવા આવે છે ત્યારે ગલાકાકા આવ્યા છે એમ સમજી એ એકદમથી જાગી જાય છે. આ જોઈને કંઇક ગરબડ છે એવો ભાસ લલીને થાય છે. તો વળી, જ્યારે ગલાકાકા સવારમાં મલકચંદના ઘરે આવે છે ત્યારે તેના આવવાનું કારણ લલી એને પૂછે છે ત્યારે ગલાકાકા કહે છે કે ઘોડીને જોવા આવ્યો છું. તો લલી કહે છે કે ઘોડી તો એ ઊભી એને કાંઈ નથી થયું. ત્યારે ગલાકાકા કશું બોલ્યા વગર મલકચંદના ઘરે જતા રહે છે. ગલાકાકા મલકચંદના ઘરે આવે છે ત્યારે પોતાની વાત કેમ કરવી? વાતની શરૂઆત ક્યાંથી કરવી ? વગેરે જેવાં વિચારો મલકચંદને મૂંઝવે છે. તો આ બાજુ ગલાકાકા પોતે મોડા શા માટે આવ્યા તે વાત કહેવાના બહાના શોધે છે. એ સાથે જ કંકુને કાળુના લૂગડાં પહેરાવ્યા (અર્થાત્ કંકુના કાળુ સાથે બીજા લગ્ન કરી આપ્યાં.)એ આખી વાત ગલાકાકા કહી સંભળાવે છે. ત્યારે મલકચંદ આશ્ચર્ય પામે છે ને શું બોલવું અને શું ન બોલવું એ પણ તે ભૂલી જાય છે. અને ગલાકાકાને બીજી બીજી વાતો કરી એમનું ધ્યાન બીજી વાતો તરફ દોરી જાય છે અને ગમે તેમ કરી મલકચંદ ગલાકાકાને તેમના ઘરેથી વિદાય આપે છે.

તો બીજી તરફ કાળુ અને કંકુના લગ્નનાં ત્રીજા દિવસે વરસાદ થતાં સૌ પોતપોતાના કામમાં બધું ભૂલી જાય છે. અને કંકુને છેલ્લા દિવસો ચાલવા લાગે છે અને એક રાતે પ્રસુતિ વેળા આવી જાય છે. કંકુ અને કાળુને ત્યાં દીકરાનો જન્મ થાય છે. કાળુ તો દીકરો આવ્યાની ખુશીમાં બધાને ગોળ-ધાણા ખવડાવવા લાગે છે. આ બાજુ ગલાકાકાના ઘરનાને કંકુના દીકરાને જોઈને ખબર પડી જાય છે કે આતો મલકચંદનુ પાપ છે અને તે ઘરે આવી ગલાકાકાને બધી વાત કરે છે. ત્યારે ગલાકાકાને પણ બધી વાતની ખબર પડી જાય છે.

કંકુ કાળુ સાથે સામાન્ય રીતે જીવન જીવવાના વિચારો કરતાં કરતાં પોતાના ભૂતકાળમાં સરી પડે છે. ત્યાં જ ગલાકાકા પોતાના શંકાના સમાધાન માટે કંકુના ઘરે આવે છે અને તેને અનેક પ્રશ્નો કરે છે. આ સાથે જ આ બાળક કોનું છે? તે પ્રશ્ન પણ તે પૂછી બેસે છે. પણ કંકુ કહેતી નથી. ત્યારે વાત જાણવા માટે તે મલકચંદ પાસે જાય છે. ને મલકચંદ એ વાતને સ્વીકારી લે છે. અને કંકુને એક વખત મળવાની પોતાની ઈચ્છા પણ ગલાકાકા સમક્ષ વ્યક્ત કરે છે. આથી ગલાકાકા પણ કોઈપણ બહાને કંકુને મલકચંદને ત્યાં મળવા માટે લઈ જવાનું વિચારે છે. ત્યાં બીજી તરફ મલકચંદ પોતાનું બધું વહેંચી જાત્રા કરવા જાય છે એ વાતની ખબર પડતાં ગલાકાકા કંકુને સાથે લઈ મલકચંદને ત્યાં જાય છે. કંકુ પણ જાણે છે કે મલકચંદ જાત્રાનું કહી અને જાય છે પણ તે પાછા નહીં આવે. આથી જ્યારે કંકુ મલકચંદને રૂપિયો અને નાળિયર ઝિલાવે છે ત્યારે કહે છે કે : 'હેમ ખેમ જાત્રા કરીને હેંડજો પાછા ઝટ હાં કે?' ઉમેર્યું: 'અમારા વતીય દર્શન કરજો અને અષાઢ પે'લાં આવી જ જો.'(પૃ.૨૧૯)

આ વાત મલકચંદના મનમાં ઘર કરી જાય છે અને તે અષાઢ પહેલાં જાત્રા કરી પાછા આવે છે અને પોતાનો વ્યવસાય સંભાળે છે. એ ક્યારેક ક્યારે કંકુને મળવા આવે છે ત્યારે કંકુનો 'આવજો મલકચંદકાકા !' એ ટહુકો સાંભળી અને પોતાના દીકરાને રમતો જોઈ મલકચંદ હૈયામાં હરખાય છે અને ત્યાંથી ચાલતો થાય છે. તો કાળુ પણ આ જ તાનમાં છોકરા સાથે છોકરો બની રહે છે. ને ત્યાં જ નવલકથાની પૂર્ણાહુતિ થાય છે એ સાથે કંકુના સંસારની કથા પણ પૂર્ણ થાય છે.

આ તો થઈ 'કંકુ' નવલકથાના કથાનકની વાત. હવે આપણે કંકુ ચલચિત્રની થોડી વાત કરીએ કે જે વાત નવલકથામાં છે પણ ચલચિત્રમાં તે જોવા નથી મળતી. જેમ કે -

  1. નવલકથાના પ્રકરણ ૦૩માં ખૂમો અને કંકુ બન્ને મેળામાં જાય છે એ વાત લેખકે આલેખી છે. જેમાં કંકુ અને ખૂમો પોતપોતા કામ માટે થોડી વખત છૂટા પડે છે. ત્યારે જે પહેલાં આવે તે પીપળના વૃક્ષ નીચે રાહ જોશે એવું નક્કી કરે છે.નવલકથામાં ખૂમાને પ્રથમ આવતો દર્શાવવામાં આવ્યો છે જ્યારે ફિલ્મમાં કંકુને પ્રથમ આવતી દર્શાવી છે.
  2. ખૂમાના મૃત્યુ પછી કંકુ જ્યારે એકલા રહેવાનો વિચાર કરે છે ત્યારે મલકચંદ પણ કંકુની હિમ્મત જોઈને તેને આશ્વાસન આપવા આવે છે ત્યારે તે કંકુને નદી કાંઠે મળે છે. મલકચંદ આશ્વાસન આપીને ચાલ્યો જાય છે એવું ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે. જ્યારે નવલકથામાં એ આશ્વાસન આપી જાય છે અને ફરી ઘાસનો ભારો ચઢાવવા પાછો ફરે છે એવો ઉલ્લેખ છે.
  3. કાળુ, ભૂરી અને પાનુ ખેતરે જમે છે અને ભૂરીનું અવસાન થાય તે વાત નવલકથામાં વિસ્તારથી કહી છે. જ્યારે ફિલ્મમાં એનો આછેરો જ ઉલ્લેખ કર્યો છે.
  4. કંકુ બળદ લેવા માટેના પૈસા લેવા મલકચંદને ત્યાં જાય છે ત્યારે તે પોતાના દીકરાને ભણાવવાની વાત કરે છે. એ વાતનો ઉલ્લેખ ફિલ્મમાં છે. તો નવલકથામાં કંકુને તેના દીકરાને ભણાવવાની વાત મલકચંદ કરે છે.
  5. હીરિયાના લગ્ન વખતે વેવાઇને જે પૈસા આપવાના છે તે ઘટે છે અને ઘટતા પૈસા લેવા માટે કંકુ જાન ઉઘલાવી પછી પૈસા લેવા જાય છે. જયારે ફિલ્મમાં પ્રથમ પૈસા લેવા જતી બતાવી પછી જાન ઉઘલતી બતાવે છે.
  6. કંકુના કાળુ સાથે બીજા લગ્ન થઈ જાય છે એ વાતની જાણ મલકચંદને અન્ય દ્વારા થાય છે એવો ઉલ્લેખ ફિલ્મમાં છે. જ્યારે નવલકથામાં ગલાકાકા દ્વારા કંકુ ને કાળુના લગ્નની જાણ મલકચંદને થાય છે.
  7. કંકુ અને કાળુને ત્યાં દીકરાનો જન્મ થાય છે ત્યાં ફિલ્મ પૂર્ણ થઈ જાય છે. જયારે નવલકથામાં તો એ પછી પણ કથા થોડી આગળ વધે છે. ને ગલાકાકા કંકુની પાસે જાણવા જાય છે કે એ બાળક કોનું છે? પણ કંકુ કાંઈ બોલતી નથી. ત્યારે તે મલકચંદ પાસે જાય છે અને મલકચંદ બધું કહી દે છે. તે પછી મલકચંદ પોતાનું બધું વહેંચી જાત્રાએ જાય છે અને કંકુના કહેવાથી અષાઢ પહેલા આવી જાય છે. તે પછી મલકચંદ કંકુને અને તેના પુત્રને મળવા અવારનવાર તેના ઘરે આવે છે. ને પોતાના દીકરાને દૂરથી જોઈ મલકચંદ હરખાય છે અને ચાલ્યો જાય છે. ત્યાં નવલકથા પૂર્ણ થાય છે.

આ રીતે નવલકથા અને ચલચિત્રની કથામાં થોડાઘણાં ફેરફારો દૃષ્ટિગોચર થાય છે. ચલચિત્રની જે પટકથા છે એમા લેખકે થોડા ફેરફારો કરી અમુક પ્રસંગોને વિસ્તારથી દર્શાવી આપ્યાં છે. તો કોઈક પ્રસંગમાં થોડા સુધારા વધારા કર્યા છે. એ તો જે હોય તે, પણ કથાનો પોત તો બન્નેમાં ઉત્તમ રીતના જળવાય રહ્યો છે. ફિલ્મમાં જોતા આપણને એમ જરાય ન લાગે કે આ ફિલ્મનું નિર્માણ વાર્તા પરથી થયું હશે. અને નવલકથામાંથી પસાર થતાં જરા પણ એમ ન થાય કે આ નવલકથાની કથા ચલચિત્રની પટકથા આધારિત છે. આમા જ એક કૃતિની ખરી સિધ્ધિ રહેલી છે.

પ્રસ્તુત નવલકથામાં લેખકે પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બંને રીતે પાત્રો આલેખીને નવલકથાને એક સુઘડ ઓપ આપ્યો છે. અહીં કંકુ, ખૂમો, અંબાફોઈ, અંબાફોઈની દીકરી, હીરિયો, મંગળ, ભાથી, મોતી, ગલાકાકા, પાનુ, ભૂરી, કાળુ, મલકચંદકાકા, ધના ડામોર, ચંડીગોર, હરગોવન, હીરાની પત્ની, ગલાકાકાના ઘરના, મલકચંદના બા, શંકર, લલી, બેચરભાઈ, મફતલાલ, ધીરી, જગોગોર વગેરે જેવાં મુખ્ય અને ગૌણ પાત્રો અહીં આલેખ્યા છે. દરેક પાત્રો કથાને આગળ ધપાવવામાં મહત્વની ભૂમિકા નિભાવે છે. અહીં પાત્રોની ભરમાર હોવા છતાં એક પણ પાત્રને કોઈ હાનિ પહોંચી નથી. દરેક પાત્રો પોતાની વાત રજૂ કરી જતું રહે છે. આ સાથે જ કંકુના પાત્રને ઉપસાવવામાં પણ દરેક પાત્રએ મહત્વની ભૂમિકા અદા કરી છે. પ્રસ્તુત નવલકથા પાત્ર પ્રધાન નવલકથા હોવાના કારણે આરંભથી અંત સુધી નવલકથામાં કંકુના પાત્રને જ મહત્વ આપવામાં આવ્યું છે.

પાત્રાલેખન કલા ઉપરાંત તત્કાલીન સમાજ, રહેણીકરણી, રીતરિવાજ, દેશ-કાળ,વાતાવરણ, સંવાદકલા, ભાષા વગેરેની દ્રષ્ટિએ પણ અહીં વિવિધતાજોવા મળે છે. તેમાં પણ ભાષાની તો વાત જ કંઈક ઔર છે, કેમકે નવલકથાના આરંભથી લઈ અને અંત સુધીમાં તો આપણે અનેક કહેવતો, રૂઢિપ્રયોગો અને દેશ્ય શબ્દોનો વિનિયોગ થયેલો જોવા મળે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો-
'ટાઢા ચૂલામાં બિલાડાં આળોટવાં.'(પૃ.૦૯)
'સોનાની જાળ પાણીમાં ન નાખો.'(પૃ.૩૬)
'ગરજવાનને અક્કલ ન હોય.'(પૃ.૩૬)
'ઢેલ મળતી હોય તો કબૂતરી શું કામ વહોરવી?'(પૃ.૩૬)
'ઊંઘ નહિ જુએ સાથરો ને ભૂખ નહીં જુએ ભાખરો.'(પૃ.૩૬)
'કરમના જ લેખ ને!'(પૃ.૪૬)
'ઘરનું ઘોયલું ને ખેતરોનું ખળું.'(પૃ.૬૪)
'બાર સાંધીએ ત્યાં તેર તૂટે.'(પૃ.૮૪)...વગેરે

આવી તો અનેક કહેવતો અને રૂઢિપ્રયોગો લેખકે કથાને સુદૃઢ બનાવવા માટે ખપમાં લીધા છે. ગ્રામીણ બોલીના લહેકાઓ પણ અહીં જોવા જેવા છે. એકાદ બે ઉદાહરણ જોઈએ તો-
'ના રે કંકુભાભી ,રંગનાંચટકાં હોય, કાંઈ કૂંડાં હોય?'(પૃ.૬૦)
'કેવા બળદ લઉં, મોંઘા કે સૂંઘા?'(પૃ.૭૧)
'તમે કો' એવા લઉં મલકચંદકાકા.'(પૃ.૭૧)
'હું તો કાં તો હાથી બાંધું.'(પૃ.૭૧)...વગેરે

આ રીતે અહીં ગ્રામીણ પ્રદેશના લહેકાઓ દ્વારા લોકબોલીનો ઉપયોગ સર્જકે સુચારુ રીતે કરી જાણ્યો છે. આ ઉપરાંત કૃતિનું શીર્ષક પણ અહીં સાર્થક સિદ્ધ થાય છે. 'કંકુ' નવલકથાનું શીર્ષક પાત્ર પ્રધાન છે. જે અહીં ચરિતાર્થ થયું છે. કેમકે નવલકથાના આરંભથી માંડીને છેક અંત સુધી કંકુના પાત્રની જ પ્રધાનતા રહેલી છે. એક પણ પ્રકરણ તો શું એક પાનું પણ એવું નથી કે જેમાં કંકુના નામનો ઉલ્લેખ ના થયો હોય ! આથી નવલકથાનું શીર્ષક 'કંકુ' સફળ નીવડે છે.

એક ટૂંકી વાર્તા પરથી વર્ષો પછી એક સફળ ચલચિત્ર નિર્માણ પામે છે. અને તેના પરથી નવલકથાનો ઘાટ પામતી 'કંકુ' નવલકથા એ પન્નાલાલ પટેલની જ નહીં પણ ગુજરાતી સાહિત્યની ઉત્તમ અને લોકચાહના પામેલી ને ખૂબ જ વંચાયેલી સફળ એવી નવલકથા છે કે જેની આટલાં વર્ષો પછી પણ ખ્યાતિ ઝાંખી નથી પડી. આજ વાત સર્જકની અને કૃતિની પણ સફળતા નક્કી કરી આપે છે.

સંદર્ભગ્રંથ:-

  1. 'કંકુ', લેખક- પન્નાલાલ પટેલ, પ્રકાશક - સંજીવની- અમદાવાદ, આવૃત્તિ- ૨૦૨૦

નિરૂપા ટાંક, પીએચ.ડી. રિસર્ચ ફેલો, ગુજરાતી ભાષા- સાહિત્ય ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી,રાજકોટ. મો. ૮૩૪૭૩૬૩૬૮૦, ૮૨૩૮૪૫૬૫૬૩ ઈમેલ- tank.nirupa@gmail.com