લઘુકથા: ક્યાં પહોંચ્યા ?
બળબળતી લૂમાં બેબાકળી બની, સૂક્કાંભઠ્ઠ ખેતરોને વીંધતી ટ્રેન આગળ વધતી રહી. વંદિતા બોટલમાંથી વારંવાર પાણી પીતી હતી તોયે ગળું શોષાતું રહ્યું. હજુ અરધું અંતર માંડ કપાયું. આખો રસ્તો કેમ ખૂટશે ? એણે પર્સમાંથી મોબાઈલ કાઢ્યો. મિતુલનો કોલ કે મેસેજ કંઈ નહોતું.
એ જયારે-જયારે મમ્મી-પપ્પાનાં ઘરે જતી હોય ત્યારે મિતુલ વારંવાર ફોન કે મેસેજ કરીને પૂછે, “ક્યાં પહોંચ્યા ?” કોઈ સ્ટેશન નજીક આવે કે વંદિતા બારીમાંથી ડોકિયું કરી જોઈ લે અને જવાબ આપે. જો રાતની ટ્રેનમાં નીકળી હોય તો અંધારામાં વિસ્તારનો ખ્યાલ ન આવે; એટલે સમય જોઈને કહે કે કેટલી વાર લાગશે. પાંચેક વર્ષથી આ સફર ચાલતી એટલે બંનેને અંદાજ હોય જ કે એ ક્યાં પહોંચી. છતાંયે મિતુલ પૂછતો રહે, “ ક્યાં પહોંચ્યા ?” મિતુલના એકધારા સવાલથી મીઠો કંટાળો લાવી એ કહેતી,
“આમ સતત પૂછ્યા કરવાનો શું અર્થ ? એના સમયે ટ્રેન સ્ટેશન પહોંચવાની જ છે. શું ફેર પડે ?”
“ઘણો ફેર પડે વંદિતા. તું આમ અધરસ્તે હોય એ મને નથી ગમતું.”
ગળામાં ફરી શોષ જેવું લાગ્યું. વંદિતાએ મોબાઈલમાં ચેટ બોક્સ ખોલ્યું. મિતુલનો મેસેજ નહિ આવ્યો હોય એની ખાતરી હતી. કોરુંકટ ચેટબોક્સ આંખમાં ખૂંચ્યું. કાશ, મિતુલનો મેસેજ આવ્યો હોત – “ ક્યાં પહોંચ્યા ?” તો જવાબમાં એ સામો પ્રશ્ન જ પૂછત, “ મિતુલ, હું અધરસ્તે જ છું. કેમ આપણે સાથે ક્યાંય ન પહોંચ્યા ?”