શ્રી ક. મા. મુનશીના સામાજિક નાટકો
ક. મા. મુનશીના સામાજિક નાટકો વિશે અગાઉ ઘણા વિવેચકો, સમીક્ષકો, સંશોધકોએ વિગતે વાત કરી છે. એમના નાટકોના કથાનકથી માંડી મંચ પરના પ્રયોગો અને એની સમસ્યાઓ સુધીના મુદ્દાઓ વિશે વિશદ્ વિચારણા પણ વ્યાપક માત્રામાં મળે છે. એમને ગુજરાતી ધંધાદારી રંગભૂમિ અને સાહિત્યિક નાટકો વચ્ચે સેતુ બનવાનું કામ કર્યું- ત્યાંથી માંડીને એમણે અત્યંત નબળા નાટકો સર્જ્યા- સુધીના આત્યંતિક અભિપ્રાયો પ્રાપ્ત થયા છે ને તમ છતાંય કોઈક એવી તાકાત એમની રચનાઓમાં રહી છે જે સમયે સમયે તપાસ- પુનઃ તપાસ માટે આપણને પ્રેરે છે. ગુજરાતી નવલકથા ક્ષેત્રે એમના પ્રદાનને અવગણી શકાય એમ નથી, તેવું જ નાટ્યબાબતે પણ કહી શકાય. સાથે સાથે એ પણ કહી શકાય કે, એમણે એટલું બધું માતબર લેખન કર્યું છે કે- એ બધામાંથી પસાર થઈએ ત્યારે મુનશીના વ્યક્તિત્વનો જે પીંડ બંધાય, જે સ્વરૂપ આપણી સામે ઊભું થાય તે અનેક વિરોધાભાસોનું છે. એ પેલા અશ્વમેધના અશ્વ જેમ બધી ભૂમિને પોતાના પગતળે કરવા મથતો તેજીલો લેખક છે. કશું જ છોડવું નથી. બધી બાબતમાં પોતાના સિક્કા જમાવવા છે. – એમનો એ વિશેષ જ એમની મર્યાદા પણ બની રહે છે. એ ઠરતાં નથી. એમને ભવ્યતાનો મોહ છે, પરંપરાનું ગૌરવ છે ને બીજી બાજુ નવીનતાનો બળુકો સ્વીકાર કરીને અગ્ર હરોળમાં ય રહેવું છે. એટલું જ નહીં, પરંપરાભંજક તરીકે પણ ઓળખાવું છે. એક નજર પૌરાણિક ભવ્યતાને તાકે છે તો બીજી નજર આધુનિકતાને પણ તાકે છે. એ તેજસ્વી, પરંપરાભંજક નારીઓના સમર્થક પણ જણાય ને એ જ પાછા સ્વાતંત્ર્યના ઉધામા કરનારી સ્ત્રીઓના પોકળ સંકલ્પોનો ઠઠ્ઠો ઉડાવવામાં પણ એવા જ અવ્વલ દેખાય છે. એકબાજુ એ પ્રશિષ્ટતાના આગ્રહી હોવાની છાપ ઉપસાવે પણ એમના સાહિત્યમાં એવી કેટલીએ ઘટનાઓ, સંવાદો અને પ્રસંગો આપણને વલ્ગર- કે કનિષ્ઠ હોવાનીએ છાપ જન્માવી એવા છે- આવા અન્તિમો વચ્ચે આન્દોલિત એવા મુનશી એટલે જ દરેક કાળે આપણા માટે ચેલેન્જ ઉભી કરવામાં સમર્થ છે.
ગુજરાત અને મુંબઈની ધંધાદારી રંગભૂમિ પર એ વખતે (1910-1935ના ગાળામાં) મબલખ નાટકો ભજવાતા હતા. પારસી, ઉર્દુ અને મિલાવટીયા રંગભૂમિની બોલબાલા હતી. નાટ્યલેખકો પાશ્ચાત્ય રચનાઓના તરજૂમાઓ, રૂપાન્તરણો અને ક્વચિત ઢંગધડા વિનાનાં મૌલિક નાટકોથી તત્કાલીન પ્રક્ષકો માટે ‘માત્ર ને માત્ર મનોરંજન’ના ધ્યેય સાથે લખતા હતાં. એ નાટકોમાં લોકોને કળાસ્વાદ નહીં પણ આંજી નાંખવાની હોડ ચાલતી હતી. ખર્ચાળ સેટ, સેટ ઉપર પણ નવા નવા પ્રયોગો, લોકોને અચંબામાં નાંખી દે એવા દૃશ્યો અને સંવાદો, વન્સમોર કરાવનારાં લોકજીભે રમતા થઈ જાય એવા ગીતો- આદિની ભરમાળ લાગેલી હતી. પૌરાણિક કથાનકો, ખ્યાત કથાનકો, ભારતીય અને પાશ્ચાત્ય પરંપરાના મિક્સરમાં ઘોળીને તૈયાર કરાયેલાં અવનવાં કથાનકો, સંવાદોની પટાબાજી, ગાયનોના વન્સમોર, અને ખાસ તો એ સમયે લોકોમાં ઉત્સુકતા અને ઉન્માદ જગવનારાં કજોડાલગ્નો, કન્યાવિક્રય, વિધવાપુનઃ લગ્ન, બાળવગ્નો- જેવી તત્ત્કાલીન સામાજિક સમસ્યાઓ પર ખુબ નાટકો લખાતા, ભજવાતાં હતાં. 1910થી 1930ના સમયગાળામાં સાહિત્યિક માપદંડો અને તખ્તાલાયકી બંનેને સંતોષે એવા નાટકો માટેની રાહ જોવાતી હતી. અગાઉ દલપત-નર્મદ, રણછોડરાય દવે, ધોળશાજી વગેરેએ એ દિશામાં પ્રયત્નો શરુ કરી દીધેલા પણ એમાં ક્યાં તો સંસ્કૃત રંગભૂમિ કે ક્યાં તો પાશ્ચાત્ય રંગભૂમિને અનુસરવાના પ્રયત્નો હતા. પણ નાટક સિદ્ધ થતું ન હતું. રમણભાઈ, મણિલાલ ન.દ્વિવેદી, કાન્ત અને ન્હાનાલાલ જેવા સમર્થ સર્જકો પણ આ યત્નમાં જોડાયા- પણ હજીએ કશુંક ખુટતું હતું. એમના નાટકો રંગભૂમિ માટે ઓછા, વાંચવા માટે વધારે હતા.- મુનશીએ આ બધામાં પોતાનું સ્થાન ઊભું કરવાનું હતું. એ ધંધાદારી રંગભૂમિ પરનાં નાટકો માણી ચૂકેલા, સંસ્કૃત અને પાશ્ચાત્ય નાટકો વાંચી ચૂકેલા- સાથોસાથ શિષ્ટ ગુજરાતી નાટકો લખવાના જે પ્રયાસો થયેલા એને પણ એ જાણતા હતા. આવી ધરાતલ પણ ક.મા.મુનશી જેવા ચબરાક નાટ્યકાર એમની નાટ્યલેખનની શરુઆત કરે છે. કેમકે, એ જાણે છે કે રંગભૂમિની તરસ છીપાવે, મોટા અને શિષ્ટ જનસમુહના ચિત્તને આનંદ આપી શકે એવા નાટકોની ઉણપ છે.
એમણે કુલ આઠ સામાજિક વિષયવસ્તુવાળા નાટકો(પ્રહસન) અને એક પોતાના પર કેન્દ્રીત એવું નાટક ‘વાહ રે મેં વાહ ’ - આપ્યાં છે. એ સીવાય છએક પૌરાણિક કે ઇતિહાસ પર આધારિત નાટકો એમ કુલ પંદર જેટલા નાટકો લખ્યા છે. એ રીતે જોઈએ તો નવલકથાઓ પછી મુનશીએ સૌથી વધારે ખેડેલું સ્વરૂપ હોય તો એ નાટક છે. અહીં સામાજિક નાટકો પર મારે વાત કરવી છે.
સૌ જાણીએ છીએ અન્ય સાહિત્યિક સ્વરૂપો કરતાં વધારે જાડા અર્થમાં નાટકમાં સમાજ પ્રતિબિંબિત થતો હોય છે. છેક નર્મદ-દલપતરામથી જ સમાજ અને સમાજસુધારાના પ્રશ્નો સાહિત્યના કેન્દ્રમાં રહ્યા છે તે મુનશીના આવવા સુધીમાં વધારે સઘનરૂપે, વધારે વ્યાપકરૂપે આલેખાવા લાગ્યા છે. મુનશીના વિષયો નવા નથી, કજોડા-લગ્ન, સ્ત્રી સ્વાતંત્ર્ય, સ્ત્રી-પુરુષના સમાન અધિકાર- જેવા પ્રશ્નો ત્યારે ચલણી હતા.
એટલે મુનશી બે નિશાન તાકે છે- એક તો જે પ્રચલિત છે, જેને જોવા તત્કાલીન દર્શક તડપે છે એ આપવું અને બીજું પોતે તત્ત્કાલીન સુધારાઓ વિશે આગવો મત ધરાવે છે તે માટે નવી ધરાતલ ઊભી કરવી છે, એ તત્કાલીન નાટકોથી જરા અલગ પડીને, આગવી રીતે નાટક મુકી આપવું. એટલે એ જાણીતા વિષયો પકડીને ય એમાં એક જ રસને, હાસ્યરસને પ્રમુખ સ્થાને સ્થાપે છે. એ પહેલા સળંગ પ્રહસનો અને સાવ તખ્તાકેન્દ્રી જ ન હોય- તેવા નાટકો લખવાનો ચાલ નહોતો, તે મુનશીએ શરુ કર્યો.
બીજું- મુનશીએ ત્યારે જે પ્રચલિત પરિપાટી હતી તે સીધા જ સંદેશ આપવા, બોધ આપવાનું ટાળ્યું. મુનશી નાટ્યરૂપને આ અર્થમાં વધારે સમજ સાથે અપનાવે છે. એટલે એ ક્રિયાત્મક આલેખન તરફ વળે છે. ‘વાવાશેઠનું સ્વાતંત્ર્ય’, ‘બે ખરાબ જણ’, ‘બ્રહ્મચર્યાશ્રમ’ અને ‘કાકાની શશી’ – પ્રહસન ગણાવાયા છે. પ્રહસનની વિશેષતા છે, માણસના દંભને ઉઘાડો પાડવો, માણસનો આંતરચહેરાને બહાર લાવવો, ઠઠ્ઠો કરવો, મશ્કરી કરવી. સંસ્કૃત અને ગ્રીક બંનેમાં આ પ્રકારના નાટકોની પરંપરા રહેલી છે.
‘વાવાશેઠનું સ્વાતંત્ર્ય’ – આરંભનું પ્રમાણમાં નબળું પ્રહસન છે. એમાં રૂઢિવાદી પરંપરા અને નવી પેઢીમાં આવી રહેલા બદલાવને ચીંધે છે. તો ‘બે ખરાબ જણ’માં પણ એ જ પ્રશ્ન થોડો વધારે અસરકારક રીતે વ્યક્ત થયો છે. શિક્ષિત બનતી નવી સ્ત્રી – એવી કન્યા (રંભા)કઇ રીતે બંડ પોકારી પોતાના વિક્રયને અટકાવે છે તે હાસ્યની છોળો ઉડે તે રીતે આલેખાયું છે. તો ‘સ્નેહસંભ્રમ’ -નવલકથા પરથી રચાયેલું નાટક ‘પીડાગ્રસ્ત પ્રોફેસર’માં કજોડાના પ્રશ્નને વાચા અપાઈ છે. કજોડું માત્ર ઉમરભેદના જ હોય તેવું નથી. તદ્દન જુદી જ માનસિકતા અને જીવનશૈલી ધરાવતાં પાત્રો પણ એકમેકના બંધનમાં કેવા હિજરાય તે આ નાટકમાં આલેખાયું છે, જોકે, નાટકની દૃષ્ટિએ એ પણ શિથિલ બંધ અને બીનજરૂરી પ્રસ્તાર ધરાવતું નબળું પ્રહસન બની રહે છે. ‘કાકાની શશી’- નાટક બહુ ચર્ચાયેલું, મુનશીએ પોતે દિગ્દર્શન કરીને ભજવેલું અને અત્યંત સફળ થયેલું. એમાં આપણાં હાસ્યલેખક જ્યોતિન્દ્ર દવેએ પણ અભિનય કરેલો - એ નાટક વિષયની રીતે, માવજતની રીતે અને ખાસ કરીને ત્યારના સમયે સ્ત્રીસ્વાતંત્ર્યના નામે જુવાળ ચડેલો તેનો ઠઠ્ઠો ઉડાવતું, મુનશીજીના દૃષ્ટિકોણને સ્પષ્ટ કરતું નાટક બન્યું છે. છેલ્લે એક-દોઢ વર્ષની બાળકીને ગોદ લઇને ઉછેરનાર કાકાની કાકી બનવા જતી નાયિકા શશી-માં એમને કજોડું નથી જણાતું-(કાકા 45-50 વર્ષના અને શશી 21 વર્ષની છે) એવા આ મુનશીના અનેક પૈકી એક વિરોધાભાસને પ્રગટ થતો અનુભવાય છે.
સમાજિક નાટકોમાં સૌથી વધારે અસરકારક અને પ્રમાણમાં નાટકની ખૂબીઓનો ઉપયોગ કરી જાણ્યો હોય તેવું નાટક એટલે ‘છીએ તે જ ઠીક’ - પ્રશ્ન તો એનો એ જ છે- સ્ત્રીપુરુષ સ્વાતંત્ર્ય, પૂર્વ અને પાશ્ચાત્ય જીવનશૈલીનો સંઘર્ષ પણ એની માવજત અને એ પણ નાટ્યોચિત માવજત મુનશીની સર્જકતાને પ્રગટાવનાર છે. નાયક જિતેન્દ્ર અને નાયિકા ઉર્વશી- બંનેના આત્માને એક-બીજાના ખોળીયામાં પ્રવેશ કરાવી દેવાની પ્રયુક્તિ દ્વારા મુનશીએ નાટક સિદ્ધ કર્યું છે. અભિનેતાઓને, દિગ્દર્શકને અને પ્રક્ષકને બધાને પુરો અવકાશ મળે- અભિનય કરવાનો, દિગ્દર્શકને મોકળામને વિસ્તરવાનો અને પ્રેક્ષકને નાટક માણવાનો અહીં પૂરો અવકાશ મુનશીજીએ આપ્યો છે.
મુનશી માત્ર સાહિત્યકાર નહોતા. એ રાજકારણી પણ હતા, સંસ્થાઓના સ્થાપક, કાયદાશાસ્ત્રી, ટ્રસ્ટી, સાહિત્યપરિષદના સક્રિય કાર્યકર અને પ્રમુખ. એમને પોતાનું સ્થાન શોધતા અને જમાવતાં આવડે છે. કયા વિષયને સ્પર્શવાથી પ્રસિદ્ધિ મળી શકે એનો પૂરો ખ્યાલ એમને છે. ‘બ્રહ્મચર્યાશ્રમ’ -નામનું નાટક એમની એ સામાપૂરે ચાલવાની હિંમત પ્રગટાવતું મધ્યમકક્ષાનું ગણી શકીએ એવું પ્રહસન છે. ગાંધીવિચાર, ગાંધીચીંધ્યા આંદોલનો, આશ્રમો અને કંઈક નવું જ કરીને છવાઈ જવાની સામુહિક ચેતના ત્યારે દેશમાં વ્યાપક થઈ ચૂકી હતી. સત્યના, સેવાના, શિક્ષણના ને બીજાં કેટલીએ જાતના પ્રયોગો ચાલતા હતા એવા સમયે ગાંધીજી પ્રેરીત એક મોટો વિચાર હતો તે બ્રહ્મચર્યાશ્રમનો. મુનશી તો જીવનઆનંદમાં માનનારાં કળાકાર. આ નાટકને નિમિત્ત બનાવીને, એ સમયે પ્રવર્તતા દંભી સમાજસેવીઓ, બ્રહ્મચર્યવાદીઓ પર આકરાં કટાક્ષનું હથિયાર અપનાવે છે. બ્રહ્મચર્ય પાળીને અમરતા માટે મથતાં પુરુષો- ઘરબાર અને સ્ત્રીસંગ છોડીને આશ્રમ સ્થાપી પાંચ વર્ષ માટે અલાયદું વિશ્વ સર્જવા માથે છે- પણ અકસ્માતે એમની વચ્ચે આવી પડતી, ગ્રામ્ય, પ્રમાણમાં કુરુપ એવી પેમલીના કારણે જે રીતે આશ્રમવાસીઓની વૃત્તિઓ ભટકવા લાગે છે તેનું આલેખન એકબાજુ ખડખડાટ હસાવે છે, તો બીજી બાજુ એ જે કાકાની શશીમાંના કાકા મનહરલાલના મુખે કહેવડાવે છે તે- “શશી, હું જૂના જમાનાનો છું. સ્ત્રીરુપુષ એકબીજાનાં મિત્ર થાય- પ્રણય વગર-એ મને સમજાતું નથી. બે જણ એકબીજાથી આકર્ષાય, તેમને એકબીજાની મોહિની લાગે, એ બધાનું- પ્રણયનું તમારી કહેવાતી Pal shipનું મૂળ વિશ્વના મહાનિયમમાં છે. એ નિયમ માનવહ્યદયનો નથી. બાયોલોજીનો છે. આવા આકર્ષણ પછી બે જણ સંયમી હોય, સંસ્કારી હોય, તે અંતરાયો આડે તો વિશુદ્ધ રહી શકે- ભાષાનો દુરુપયોગ કરીએ તો તેને મિત્રો પણ કહી શકીએ. પણ એક સ્ત્રી પુરુષને કે પુરુષ સ્ત્રીને આકર્ષે છે એટલે વિશ્વનિયમના ચરખા ચાલવા માંડે છે. ને તેનો હેતુ એ જ – માનવજાતની વૃદ્ધિ.” (કાકાની શશી- પૃ.551) એની પડછે આત્મમંથન કરીને સાચા જીવનમૂલ્યોનું સ્થાપન પણ કરતા જણાય છે.
‘ડૉ. માધુરિકા ’ નબળું નાટક છે. દૃશ્યઆયોજનથી માંડી સંવાદો, બિનજરૂરી પાત્રો, પ્રસ્તાર જેવી બધી જ મર્યાદાઓ સાથેના આ નાટકમાં પણ સ્ત્રી-પુરુષ સંબંધમાં એકબીજાની જરૂરિયાત અને એમાં કશી પણ શરતો કેવી સમસ્યાઓ જન્માવે - તેનું આલેખન કરવામાં આવ્યું છે. સ્વકેન્દ્રીપણું સંબંધોની ઉષ્માને કેવી રીતે હણી લે તે વિચાર આપણી સામે મુકી આપ્યો છે.
જેના વિશે ઓછી વાત થઈ છે. એ નાટક ‘વાહ રે મેં વાહ’- વિશે વાત કરીશ. આ નાટકમાં ક્રિયા ઓછી છે, સંવાદોનું ભારણ છે. એક-પછી એક પાત્રો આવતા જાય છે, જતા જાય છે, કશુંય બનતું નથી- એવી ફરિયાદો આ નાટક વિશે વિવેચન કરનાર સૌએ કરી છે. ખાસ કરીને ડૉ. રવીન્દ્ર ઠાકોરે તો આ બધાં જ સામાજિક નાટકોને સાવ નબળા પૂરવાર કરતી તાર્કીક દલિલો સાથે વાત કરી છે. તેમ છતાં કહીશ કે, આ નાટકને જરા જુદી રીતે જોવા જેવું છે. મુનશીએ પોતે એને ‘એક ફેન્ટસી- નાટક’ કહ્યું છે. પણ એવું મને લાગ્યું નહીં. આ કલ્પના નથી. એમાં કેન્દ્રસ્થ ઘટના, ભારતના ઇતિહાસનું એક મહત્વનું પ્રકરણ છે. દેશ આઝાદ થઈ ગયા પછી હૈદરાબાદનો નિઝામ ભારતસંઘમાં જોડાવા ઇચ્છતો નથી. ભારતના અધિકારીઓ, કર્મચારીઓ ત્યાં કેદ જેવી હાલતમાં છે, રજાકારોનો ભરડો વધતો જાય છે. ત્યારે સરદાર પટેલના અત્યંત વિશ્વાસુ અને મુત્સદ્દી એવા ક.મા.મુનશીને ત્યાં પોલિટિકલ એજન્ટ તરીકે મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પછીનો ઇતિહાસ જાણીએ છીએ. એમાં જવાના બદલે કહીશ કે, હૈદરાબાદ જવા નીકળતા મુનશીના માનસમાં જે ચિત્તસંઘર્ષ ચાલે છે તે અહીં નાટ્યદેહ ધરીને આવ્યો છે. પહેલા પ્રકરણમાં મુનશી હૈદરાબાદ જવા બપોરના પ્લેનમાં જવા નીકળવાના છે એટલે સ્વજનો, મિત્રો એમને મળવા આવે છે- આ દૃશ્યમાં મુનશીનો મોભો, મુનશીના ચિત્તમાં ચાલતો વેગ, સતત ફોન, સતત સૂચનાઓ, વિવિધ નિર્ણયો કરવાની તત્પરતા વચ્ચે ભારતીય વિદ્યાભવન, સાહિત્યપરિષદ, બીજી શાળાઓ વિશે, કાયદાના સુધારાઓ વિશે- ફટાફટ બધું ચાલે છે. ને પછી જે નાટ્યપ્રયુક્તિ અજમાવી છે તે તે સમયગાળામાં નવી છે. પ્રવેશમાં અંધારું થયા પછી- ચિત્તના કમાડ ખુલે છે. હવે પેલા રાજકારણી મુનશી નથી, હવે છે એ લેખક મુનશી છે. એમના પૌરાણિક, સામાજિક નવલકથાઓના પાત્રો, વાર્તાઓના પાત્રો એક પછી એક આવતા જાય છે. પહેલા નારીપાત્રો, પછી નાટકોના પાત્રો, પછી પૌરાણિક નાટકોના પાત્રો- એમ આડાઅવળા ક્રમે આવતા જઈને મુનશીને કેટલાક સીધા પ્રશ્નો તો કેટલાંક મદદ કરવાની ઇચ્છાથી પ્રશ્નો કરે છે એમાં ધ્યાનથી પકડીએ તો તત્કાલીન સ્થિતિમાં પોલિટિકલ એજન્ટ મુનશી, એમને આદેશ આપનારાં દિલ્હીમાં બેઠેલા વડાપ્રધાન, સરદારથી માંડી જે તે નેતાઓના ભિન્નભિન્ન મત હતા તે પણ ઉજાગર થતાં જાય છે. કાક અને મુંજ જેવા મુનશીને યુદ્ધ માટે સજ્જ કરે છે, તો સામે મુનશી પોતાના નમાલાપણાને આગળ કરે છે, આ લડાઈ જુદી છે- એ બાબતને સ્પષ્ટ કરવા જે પ્રયુક્તિ અને સંવાદો અજમાવ્યાં છે તે મુક્તમને ખડખડાટ હસાવે છે. છેલ્લે આવતા પરશુરામ મુનશીની આ નબળાઈ જોઈને ક્રોધિત થાય છે ત્યારે – સોફા પાછળ સંતાઈ જતાં મુનશીનું દૃશ્ય અદભુત નાટ્યક્ષણ રચી આપનારું છે. – બધાં જ પાત્રો ગયા, મુનશી સોફા પાછળ ભરાઈ બેઠા છે ને પત્ની લીલાવતી આવે છે, ને એ પૂછે- ‘હજામત કરી...?’
‘મારા કેસરભીના કંથ, હો સિધાવોજી રણવાટ...’
(મુનશી ધ્રૂજતા ધ્રૂજતા સોફાની પાછળથી ઊભા થાય છે. ચારેતરફ બીકથી જુવે છે. )
‘શું કરો છો...?’
મુનશીઃ “હું ? હું ? (જરા હિંમતથી) શું કરું છું...? (હિંમતથી છાતી કાઢીને રંગભૂમિની વચ્ચે ઊભા રહી)
હેદરાબાદ જવાની તૈયારી..!
(લીલાબહેન પ્રશંશામુગ્ધ બની પતિની બહાદુરી જોઈ રહે છે)
મુનશીની મર્યાદાઓ પણ ઘણી છે. નવલકથા હોય કે નાટક હોય- એ આગળ કહ્યું હતું એમ કથાબીજને યોગ્ય સેવવાની, કૃતાના તર્કવિશ્વને આત્મસાત કરીને આલેખવાની ધીરજ ધરાવતાં નથી. નવું જડપી લેવાની જેટલી તીવ્રતા એમનામાં છે, એટલો જ ધીરજનો અભાવ પણ છે. એટલે આલેખન ઉભડક રહી જાય છે. એમના સામાજિક નાટકોમાં અનેક પાત્રો છે, એ બધાની જરૂર પણ નહોતી એટલા બધા પાત્રો અને પ્રસંગો છે, બીનજરૂરી એવા દૃશ્યોનો ય પાર નથી. સંવાદો એ એમનો વિશેષ ગણાવાયો છે પણ એમ કરવા જતાં સામાજિક નાટકોમાં એ ઘણીવાર સાવ છીછરા લાગે, સાવ કુત્સિત લાગે એવા ભાષા પ્રયોગો કરી લે છે. પાત્રોને વિકસવા દેવાને બદલે પોતાના દોર પર નચાવે છે. પરિણામે મનહરલાલ(કાકા), મોહન મેડીકો, જિતેન્દ્ર જેવા બે-ત્રણ પુરુષો અને શશી, ઉર્વશી જેવી એકાદ-બે સ્ત્રી જ પાત્રઘાટ પામી શકી છે. બાકી બધાં અધુરાં, આછા લસરકે ચિત્તમાં આવીને ભૂંસાઈ જાય તેવા પાત્રો બની રહ્યાં છે.
મુનશી એમના સમકાલીન ચં.ચી.મહેતા જેવા સીધા સંકળાયેલા રંગકર્મી નહોતા એટલે દૃશ્ય આયોજન, રંગસૂચનો, દૃશ્યોની ભરમાણ અને પલટાઓને બહું સમજીને ખપમાં લઈ શક્યા હોય એવું નથી બન્યું. એમના નાટકોમાં એવી એવી વિગતો સૂચનરૂપે આપી છે જેને અનુસરવું ઘણીવાર અશક્ય લાગે, દિગ્દર્શક માટે બિનજરૂરી બોજ બની રહે- તેવું પણ અનેક સ્થળે બન્યું છે. એટલે ધનસુખલાલ મહેતાએ ‘કાકાની શશી’ ભજવનાર મુનશીના પ્રયત્નો અને એની સફળતાનો અહેવાલ આપ્યો છે- પણ પછી તરત નોંધ્યું પણ છે કે, મુનશી સહિત એમના અભિનેતાઓ પણ બીજી દિશા ભણી વધી ગયેલા. એટલે મુનશી આણિ કંપની પાસેથી વધારે ભજવણીઓ ન મળી. કદાચ મુનશીને પણ આ વાત મનમાં સમજાઈ ગઈ હશે. એ સમય ઓળખીને બીજે વળી જવાનું પણ જાણતા હતા.!!
આજની રંગભૂમિને આધુનિક સાધનોએ વધારે સજ્જ બનાવી છે. રિવોલ્વીંગ સ્ટેજ, ફોલ્ડીંગ સેટ, ઇચ્છાનુસાર થતું લાઈટિંગ, ઇલેક્ટ્રોનિક સાઈક્લોરામા, અકલ્પનીય એવી સાઉન્ડ ઇફેક્ટ્સ- ના કારણે મુનશીના નાટકોને ભજવવાની હિંમત કરવા જેવી ખરી. જો કે, આ નાટકોની સ્ક્રિપ્ટ બહુ મોટા ફેરફાર કરવામાં આવે તો જ એ વાત શક્ય બને.
સામાજિક નાટકોની વાત કરતી વેળાએ મુનશીને યાદ કરવા પડે, ભલે ગુણવત્તામાં નબળા, નાટ્યસ્વરૂપની રીતે ય નબળા પણ મોટી સંખ્યામાં લખીને એ વખતના અવકાશને ભરવામાં, કંઈક નવી દિશા આપવામાં એમના નાટકોનું પ્રદાન ભૂલી શકાય તેમ નથી.
સંદર્ભગ્રંથો :