Included in the UGC-CARE list (Group B Sr. No 172)

‘ચેમ્મીન’ નવલકથામાં આલેખાયેલ કાંઠાનો સમાજ પરંપરા અને દરિયો

સદીઓથી દરિયો માનવીને ઉત્સુક કરે છે. સાહસિકોને આહવાન આપે છે. માનવીના અસ્તિત્વ કરતાં દરિયાનું અસ્તિત્વ કેટલુંયે પ્રાચીનતમ છે. માનવ સમાજ અને સંસ્કૃતિ પર દરિયો પ્રભાવી રહ્યો છે. ઘૂઘવતા સાગરે, તેનાં મોજાંઓની થપાટોએ સાહિત્યકારોને પણ પોતાના તરફ કેન્દ્રિત કર્યા છે. તેનાં ફલસ્વરૂપે તેમના સર્જનમાં કોઈને કોઈ રીતે દરિયો પ્રગટ થવા લાગ્યો.

ભારતીય ભાષાનાં સાહિત્યકાર તકષી શિવશંકર પિળ્ળા મલિયાલિ ભાષામાં ‘ચેમ્મીન’ નામની સમુદ્રકાંઠાની એક શુધ્ધ પ્રેમકથા લઈને આવે છે. આ નવલકથામાં કેરળના સાગરકાંઠાના પ્રદેશના માછીમારોનાં જીવનની ઝાંખી, ત્યાંના સમાજની પરંપરા, રીત-રિવાજો, શ્રધ્ધા, રોજબરોજની પ્રવૃતિ તેમજ સમુદ્રમાતાની કથાનું કલાત્મક આલેખન જોવા મળે છે. જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત પિળ્ળાને આ નવલાકથા માટે ૧૯૫૭નો સાહિત્ય અકાદમી પુરસ્કાર પણ મળે છે. યુનેસ્કો તરફથી દેશવિદેશની અનેક ભાષાઓમાં આ નવલકથાના અનુવાદો પ્રકટ થયા છે. ગુજરાતીમાં કમલ જસાપરા દ્વારા આ નવલકથા અનુવાદિત છે

પ્રસ્તુત નવલકથાનો કથાપટ નીર્કુન્ન્મ અને તૃક્કુન્નપુઝા આ બે દરિયાકાઠાંની આસપાસ રમતો રહે છે. ‘ચેમ્મીન’ નો અર્થ થાય છે ઝીંગા, જે સમુદ્રમાંથી મળતી એક જાતની નાની માછલી છે.કેરળના માછીમારો માટે એ જીવનનો આધાર ગણી શકાય. આ નવલકથામાં દરિયાકાંઠો ઉપરાંત બાળપણથી સાથે રમતાં હોવાને કારણે એકબીજામાં જીવ હળી ગયેલા એવાં જુદાં-જુદાં ધર્મનાં બે પ્રેમીઓનું પણ નિરૂપણ વિશેષ છે. આમ, પ્રણયકથા, સમાજકથાની સાથે સાથે સાગરનાં છૈયાંઓનું આલેખન કરતી આ નવલકથાનું એક મુખ્ય તત્વ દરિયો છે. અહીં સાગરકાંઠાના માછીમારોની વસતિ છે. તેઓ પોતાને સમુદ્રમાતા કત્તલમ્માના સંતાન ગણે છે.આ માછીમારોની એવી માન્યતા છે કે જ્યારે પહેલો માછીમાર દરિયામાં ઉતર્યો ત્યારે વહેણોનો સામનો કરી ક્ષિતિજની પેલે પાર ગયો ત્યારે તે માછીની પત્નીએ દિલથી તપશ્ચર્યા કરી તેના ફલસ્વરૂપ અનેક આફતોનો સામનો કરી પેલો માછી એક મોટી માછલીનો શિકાર કરી હેમખેમ કિનારે પહોંચ્યો. આ બધુ તેની પતિવ્રતા નારીના દરિયાકિનારે સાચાં દિલથી તપ કરવાનું ફળ હતું. ત્યારબાદ સમુદ્રમાતાની પુત્રીઓએ તપનું માહત્મ્ય પારખી તેમાંથી બોધ લીધો. આમ, નવલકથા પવિત્રતાનાં આ ‘મોટીફ’ની આસપાસ રચાય છે.

ચેંબન કુન્ચ અને ચક્કી બંને મહત્વાકાંક્ષી માછી દંપતી છે. તેમને પુત્રી કરુત્તમ્મા અને પંચમી છે. સાગરકન્યા કરુત્તમ્માને તેની માતા ચક્કી કાંઠાની પવિત્રતાની વાત કરે છે.પણ તે પહેલાં પોતાનેય ખબર નથી તેમ કાંઠે વ્યાપાર કરવા પિતા સાથે બાળપણથી જ આવેલા એવાં એક મુસ્લિમ તરુણ પરીકૃટ્ટીને તે પ્રેમ કરી બેસે છે. કરુત્તમ્માની આ નાનકડી ભૂલ નીરકુન્નમના કાંઠાવાસીઓ માટે ચર્ચાનો વિષય બને છે. કરુત્તમ્માનો મહત્વકાંક્ષી અને લાલચુ બાપ તેને તૃક્કનપુઝાના કાઠાંવાસી અનાથ પળની સાથે પરણાવી દે છે.પળની સાથે લગ્નજીવનની શરૂઆત કરતી કરુત્તમ્મા તેના દિલમાં બેસેલા પરીકુટ્ટીને કેમેય કરી વિસરી શકતી નથી. પરીકુટ્ટીની બહિષ્કૃત સ્થિતિ માટે તે પોતાને જવાબદાર ઠેરવે છે. નવલકથાના અંતે આંગણે આવેલા પરીકુટ્ટીને તે પાછો ઠેલવી શકતી નથી. બીજીબાજુ અનંત જલરાશિમાં નાવને હંકારતો પળની કાંટામાં શાર્ક માછલી ભરાતા દરિયા સામે બાથ ભીડતો અંતે પરાજિત થાય છે. અને કરુત્તમ્મા પણ આલિંગનબધ્ધ પરીકુટ્ટી સાથે જળસમાધિ લે છે.

પ્રસ્તુત નવલકથાની શરૂઆતમાં જ દીકરીના પ્રેમનો અણસાર હોવા છતાં ચેંબન પરીકુટ્ટી પાસે પૈસા લઈ હોડી અને જાળ ખરીદે છે. આ સમગ્ર ઘટના ત્યાનાં લોકો માટે ખાસ્સો ચર્ચાનો વિષય બને છે. અને આ ચર્ચા પરથી માછીમારો દ્વારા ત્યાં વિભક્ત માછીની પાંચ જાતિનો જેવી કે, અરયન, વલક્કારન, મુકકુવન, મરક્કાન, પંચમ તથા પૂર્વમાં પ્રસરેલી વાલન જાતિનો પરિચય મળે છે. ચેંબન વલક્કારન એટલે કે જાળવાળો માછી ન હોવા છતાં હોડી અને જાળ મેળવીને જંપે છે. આમ, ચેંબનનો આખો પાત્રવિકાસ આ નવલકથાનું નોંધપાત્ર પાસું છે. હોડી અને જાળ ખરીદવા માટે કંઈપણ કરી છૂટતો ચેંબન કુન્ચ નવલકથામાં આરંભથી અંત સુધીમાં ઘણીબધી પરંપરાને તોડીને આઘાત આપે છે.

  1. પરંપરાગત રીતે કાઠાંનાં વેપારીઓ માછીમારોનું શોષણ કરે છે. જ્યારે આરંભમાં જ ચેંબન મુસ્લિમ વેપારી તેમજ દીકરીના પ્રેમી પરીકુટ્ટી પાસે પૈસા પડાવી લે છે.
  2. ચાગરાના દિવસોમાં માછલી ખૂબ મળે છે ત્યારે તે બબ્બે વાર હોડી લઈને નીકળી પડે છે. સાચો માછીમાર ધનનો સંગ્રહ કરતો નથી. જ્યારે ચેંબન ધનનો સંગ્રહ પણ કરે છે અને બબ્બે હોડી અને જાળ પણ ખરીદે છે.
  3. પોતે રાખેલા કામદારોને ચેંબન ઉપાડ આપતો નથી અગાઉ જ્યારે પોતે મજૂર હતો ત્યારે તેમને મળતો લાભ ૫૦ ટકાનાં બદલે ૬૦ટકા કરાવે છે.
  4. જયારે પોળાના સમયે દરિયાનું પાણી લાલ રંગનું બને છે ત્યારે ત્યાંની પરંપરાગત માન્યતા અનુસાર દરિયામાતા રજસ્વલા બને છે અને દરિયામાં જતું નથી. તેવા વખતે ચેંબન આ તકનો લાભ લઇ માછલી પકડવા જાય છે અને એક મોટી શાર્ક માછલી પણ મેળવે છે.
  5. પરંપરાગત રીતે દરિયાના છોરું તરીકે જે આમન્યા કરુત્તમ્માએ જાળવવાની એ આમન્યાનો સૌ પ્રથમ ભંગ ચેંબન કરે છે. એ પરીકુટ્ટી પાસે નાણાં તો ઉછીના લે છે પણ એને વેચાતી માછલી આપતો નથી.
  6. પરંપરાગત રીતે હોડીમાં આવતી નાની ઉપ્પા માછલી વીણવાનો હક સહું કોઈને હોય છે. એ પોતાની હોડીમાંની ઉપ્પા કોઈનેય વીણવા દેતો નથી.
  7. મુખીને નજરાણું આપ્યા વિના બીજું લગ્ન પણ કરે છે.

તેની ઉપરોક્ત ક્રિયાઓમાં આપણે જોઈએ છીએ કે પરંપરા વિદ્રોહ એ માત્ર સ્વઅર્થ ખાતર જ આદરે છે. આથી જ તે મજૂર મટી ગયા પછી કામદારોનું પણ શોષણ કરે છે. એનામાં વધતાં જતાં લોભ-લાલચ, નિર્દયતા, સારાં જીવન જીવનના ધખારા, સ્વાર્થને કારણે તે પોતાના પરિવારની અને તેમાંય પોતાની રૂપાળી દીકરી કરુત્તમ્માનાં ઊઘડતા અરમાનને કચડે છે, પરીકુટ્ટીને, પોતાના કુટુંબનેય બરબાદ કરે છે. સાથે પોતાનુંય અધ:પતન નોતરે છે.

પિળ્ળા ગરીબ પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માંગે છે. આ નવલકથામાં તેમણે ગરીબ કુટુંબનું જ નિરૂપણ કર્યું છે. અહીં સાગરના છૈયાંઓની વાત છે. અહીં કોઈ ધનિક ગરીબનો સંઘર્ષ નથી. શોષક –શોષિતનો કોઈ બોધ નથી. પોળાનાં સમયે જ્યારે ત્યાંની પરંપરા અનુસાર દરિયો ન ખેડતા માછલાં બજાર તૂટે છે ત્યારે કેટલાંયને ઘરે ચૂલા પેટતા બંધ થઈ જાય છે આ પરિસ્થિતિનું પિળ્ળાએ કરેલ વાસ્તવિક આલેખન ભાવક સમક્ષ તરવરે છે. ‘ચેમ્મીન’નાં સર્જક સાગરકાઠાંની આસપાસ રહેલ છે.પરિણામે તેમની નવલકથામાં ત્યાંના પ્રાંતિય શબ્દો જેવા કે ચાગરા, કંબાજાળ, ઉપ્પા, આઈલ્યમ, મણ્ણારશાલ, વગેરેનું પણ આલેખન જોવા મળે છે .

પાત્રાલેખન સંદર્ભ જોઈએ તો સર્જક કૃતિના પ્રમુખ પાત્રોની આંતર-બાહ્ય સ્થિતિઓ સંતુલિત કરી છે. આથી જ ચેંબન, ચક્કી, કરુત્તમ્મા, પળની કે પરીકુટ્ટી આપણને સ્પર્શે છે. ગૌણપાત્રોની રેખાઓ પણ લેખકે આબાદ પકડી છે. નૈલ્લેપેણ્ણ અને અચ્ચન જે ગરીબ માછી દંપતી તથા ચક્કીના પાડોશી છે. નૈલ્લેપેણ્ણ ક્યારેક ચક્કી સાથે બેફામ ગાળો બોલી ઝઘડે છે. ઈર્ષ્યાખોળ, ઝઘડાળું આજ સ્ત્રી ચક્કીના મૃત્યુ પછી મા વછોઈ પંચમીને દીકરીની જેમ રાખે છે. નૈલ્લેપેણ્ણ અને અચ્ચન જેવાં પાડોશીઓનું ચિત્ર નવલકથાને વાસ્તવાદી સ્પર્શ આપે છે. ચેંબને હોડી અને જાળ ખરીદતાં જ લોકોમાં વિવાદના વમળો સર્જાય છે. નવલકથામાં સમુદ્રમાતાનું વર્ણન પણ એક પાત્રનાં રૂપમાં થયેલ છે. સમુદ્રમાતાના બદલાતા રહેતા મિજાજની વિવિધ મુદ્રાઓ સર્જકે આલેખી છે. કરુત્તમ્માનાં વળામણાં વખતે પટ્ટાબાજી ખેલતો, જાનૈયાઓને હંફાવતો, જ્યારે ચેંબન હોડી ખરીદી લાવે ત્યારે તેની ખબર લઈ નાખતો, ચેંબન બીજા લગ્ન તેની જાણ બહાર કરીને જ્યારે નવી પત્નીને કાઢી મૂકે ત્યારે એનો ખટલો ચલાવતો મુખી ગુજરાતી ભાવકને પન્નાલાલ પટેલની નવલકથા ‘વળામણાં’નાં માનોરદા કે ‘માનવીની ભવાઇ’નાં પેઠા પટેલની યાદ અપાવે છે. માત્ર બુદ્ધિ, સ્વાર્થનાં ખેંચાણથી પ્રેરાયને પરંપરા સામે વિદ્રોહ રચતો ચેંબન કૃતિના આરંભની જેમ અંતે પણ ‘દયનીય’ ભાસે છે. તેના જીવનમાં ભૌતિક સમૃધ્ધિનું મોજું આવીને શમી જાય છે. અંતે તે પછડાટ ખાય છે. જ્યારે હદયના સ્પંદનોથી પરીકુટ્ટી તરફ ખેચાયેલી કરુત્તમ્મા નવલકથાને અંતે કંશુક પામી છે. કરુત્તમ્માનાં પતિ તરીકે પળનીનું પાત્ર પણ સશક્ત છે. કરુત્તમ્મા પળની સાથે પરણીને જાય ત્યારે લોકોના પ્રતિભાવો જો ઝીણવટથી જોઈએ તો આપણને માલૂમ પડે છે કે સર્જકે માત્ર એક કે બે પાત્રો નહીં પણ આખો દરિયાકાંઠો જીવંત કર્યો છે. આ ઉપરાંત ચક્કીના મૃત્યુ પછી ચેંબનની નવી પત્ની અને તેનો આંગળિયાત પુત્ર, કરુત્તમ્માનાં ભેદનો ઢોલ પીટતો પુણ્યન, મુક્કુવન અને વેલાયુધન, કાળી માછણ, વાવો, કંડનકોર અને તેની પત્ની પાળ્ળી વગેરે જેવા પાત્રોની વિવિધ ભાવમુદ્રાઓ ઊપસે છે. પાત્રોની નાની અમથી ક્રિયા પણ પાત્રોને માનવીય રાખે છે.

મોટાભાગની નવલકથામાં દરિયો પુરુષવાચક તરીકે પ્રયોજાય છે જ્યારે અહીં દરિયાનું આલેખન એક માતા તરીકે સ્ત્રીનાં રૂપમાં પ્રયોજાયું છે. આખી નવલકથાને ઝીણવટથી તપાસીએ તો ખ્યાલ આવે કે નવલકથામાં હોડી, જાળ, વિવિધ માછલીઓ, સાગરકાંઠો વગેરે સઘળી વ્યંજનાનો પણ લાભ પ્રાપ્ત થયો છે.

‘ચેમ્મીન’ કરુત્તમ્મા અને પરીકુટ્ટીના વિશુધ્ધપ્રેમની કથા છે.પરંતુ નવલકથાનો પૂર્વાર્ધ ચેંબનનાં વ્યક્તિત્વને ઉઠાવ આપવા પાછળ જ ખરચાયો છે.નાયક-નાયિકના વ્યક્તિત્વમાં ખાસ પરિવર્તન આવતું નથી. વળી નવલકથાનાં ઉત્તરાર્ધમાં એક પછી એક એમ ઉપરાછાપરી વિવિધ બનાવો બનતા જાય છે જે નવલકથાને ફિલ્મી વધારે બનાવે છે. સામાજિક વાસ્તવની સમાંતરે પાત્રોનાં મનોગતને સક્ષમ વાચા આપવામાં નથી આવી.

નવલકથાને અંતે દરિયા સાથે બાથ ભીડતા પળનીના કાંટામાં શાર્ક માછલી ભરાઈ છે ત્યારે પળની એની સાથે સંવાદ કરે છે. ત્યારે સ્પષ્ટપણે હેમિંગ્વેનો પ્રભાવ વરતાયેલો જોઈ શકાય છે. પળની દરિયા સામે બાથ ભીડે છે પણ અંતે પરાજિત થાય છે. કરુત્તમ્મા મળવા આવેલા પરીકુટ્ટી સાથે જળસમાધિ લે છે. આમ નવલકથાનો અંત અતિરંજિત લાગે છે. આવી મર્યાદાઓ છતાં કૃતિ પ્રાદેશિક વાતાવરણને વિશિષ્ટ રીતે ઉજાગર કરી આપવામાં સર્જક સફળ રહે છે. દરિયામાં આવતા એક પછી એક મોજાંની જેમ અહીં આખો દરિયાકાઠો જીવંત લાગે છે.

સંદર્ભ :-

  1. ‘જ્ઞાનપીઠ પુરસ્કૃત નવલકથા’ સંપાદક-ભરત મહેતા, ગુજરાતી સાહિત્ય અકાદમી, ગાંધીનગર,આવૃત્તિ પ્રથમ,૨૦૦૧
  2. ‘નવલકથા-સ્વરૂપ અને વૈવિધ્ય’ સંપાદક-શિરિષ પંચાલ, અરુણોદય પ્રકાશન,આવૃત્તિ પ્રથમ, જુલાઇ,૨૦૧૪

મેઘના પટેલ, મુ. પો વટાર તા-વાપી, જિ –વલસાડ Email id :-hiren7190@gmail.com