Included in the UGC-CARE list (Group B Sr. No 172)

આત્મસન્માનથી સભર સ્ત્રીસ્વરની સંગીતમય રજૂઆત ‘એક ટૂકડા ધૂપ કા’...

અનુભવ સિન્હા એક મહત્વના દિગ્દર્શક અને શકીલ આઝમી મહત્વના ગીતકાર તરીકે જાણીતા છે અને તેમના છ પુસ્તકો પણ પ્રગટ થઈ ચૂક્યા છે. તેમણે’મુલ્ક’ અને ‘થપ્પડ’ જેવી સંવેદનશીલ ફિલ્મો માટે દ્રશ્યો/ઘટનાઓને અનુરૂપ પણ ગીત રચ્યા છે. અહીં વર્ષ ૨૦૨૦માં રજૂ થયેલ અનુભવ સિન્હા દિગ્દર્શિત ‘થપ્પડ’ ફિલ્મના સ્ત્રીત્વના સન્માનને કરુણ રંગ આપતા ‘એક ટૂકડા ધૂપ કા’ ગીતને ચર્ચવાનો ઉપક્રમ છે.

ઘરેલું હિંસાના વિષયને દર્શાવતી આ ફિલ્મ ભારતની એક મહત્વની ફિલ્મ છે. ઘણા લોકો સ્ત્રીને મારીને તુલસીદાસના ‘ઢોલ,ગવાર.શુદ્ર ઔર નારી,સકલ તાડન કે અધિકારી’ દોહાને ગૌરવથી ગાતા હોય છે ત્યારે ભારતના પુરુષપ્રધાન સમાજમાં શોષિત નારીની મનોદશા આ ગીતમાં બખૂબી રજૂ થયેલી છે. ઘરેલું હિંસાનો વાર્ષિક અહેવાલ જોઈશું તો માત્ર ચોપડે નોંધાયેલ હિંસાનો આંકડો પણ ચોંકાવનારો હોય છે. હકીકતે પુરુષપ્રધાન સમાજના માળખામાં મોટા ભાગની સ્ત્રીઓ પોતાને જ તુચ્છ માનીને બધું ચલાવી લેતી હોય છે. પતિ એટલે પરમેશ્વર અને પોતે તો બધાની સેવા જ કરવાની એવું સૂત્ર તેણે સ્વીકારી લીધું હોય છે ત્યારે આવા સામાજિક ચલણની સામે અનુભવ સિન્હા ‘થપ્પડ’ ફિલ્મ રજૂ કરીને દરેક સ્ત્રીને તેના સ્ત્રીત્વના સ્વર સંભળાવે છે. ફિલ્મની કથાવસ્તુ એના નામ મૂજબ જ ‘થપ્પડ’ના ઇર્દગીર્દ ફરે છે અને આ કથાના સારને એક નાનકડા ગીતમાં ટૂંકમાં દર્શાવી આપવામાં શકીલ આઝમીનું રાઘવ ચૈતન્યના સ્વરમાં ગવાયેલ ‘એક ટૂકડા ધૂપ કા’ ગીત અસરકારક સાબિત થાય છે.

ફિલ્મની શરૂઆતનું દ્રશ્ય જ એક ગૃહિણી અમૃતા(તાપસી પન્નૂ)ની દિનચર્યાને દર્શાવે છે. ઘરના તમામ સભ્યોને સમયસર બધું તૈયાર કરી આપવામાં , તેઓને સાચવવામાં સંભાળવામાં અને ખુશ રાખવામાં વ્યસ્ત દર્શાવાયેલી આ નાયિકા આ બધું કરવામાં પોતે ખુશ છે પણ પતિએ ઘરે રાખેલી પાર્ટીમાં પોતાના પ્રમોશનને લઈને ઊભી થયેલી સમસ્યા દરમિયાન પોતાના પતિ વિક્રમ(પવેલ ગુલાટી)ને શાંત કરવા જતી આ નાયિકાને પતિ તમાચો ચોડી દે છે. બસ આ એક ક્ષણ એ જ આ ફિલ્મની હાઈલાઈટર અને અન્ડરલાઈનર ક્ષણ છે. પછી આખી ફિલ્મમાં જે બને છે તે આ ગીતમાં ઓછા શબ્દોમાં પરંતુ વિસ્તારપૂર્વક રજૂ થયેલું છે. જૂઓ આ ગીત-
टूट के हम दोनो में
जो बचा वो कम सा है
एक टुकड़ा धूप का
अंदर अंदर नम सा है
एक धागे में है उलझे यूँ
के बुनते बुनते खुल गए
हम थे लिखे दीवार पे
बारिश हुई और धूल गए
-टूट के हम दोनो में
जो बचा वो कम सा है
एक टुकड़ा धूप का
अंदर अंदर नम सा है
टूटे-फूटे ख़ाबों की हाय, दुनिया में रहना क्या?
झूठे-मूठे वादों की हाय, लहरों में बहना क्या?

हो, दिल ने दिल में ठाना है
ख़ुद को फिर से पाना है
दिल के ही साथ में जाना है
-टूट के हम दोनो में
जो बचा वो कम सा है
एक टुकड़ा धूप का
अंदर अंदर नम सा है

सोचों ज़रा क्या थे हम हाय
क्या से क्या हो गए
हिजर वाली रातों की हाय
कब्रो में सो गए
हो तुम हमारे जितने थे
सच कहो क्या उतने थे
जाने दो मत कहो कितने थे
-टूट के हम दोनो में
जो बचा वो कम सा है
एक टुकड़ा धूप का
अंदर अंदर नम सा है

- શકીલ આઝમી

પેલી થપ્પડ,તમાચાને લીધે પત્નીની અંદર કંઇક તૂટી ગયું છે અને એટલે જ હવે પતિ-પત્નીનો સંબંધ પૂર્વવત રહી શકતો નથી,સંબંધના નામે જે બચ્યું છે તે ખૂબ જ ઓછું બચ્યું છે.-
टूट के हम दोनो में
जो बचा वो कम सा है
एक टुकड़ा धूप का
अंदर अंदर नम सा है


આ પંક્તિમાં ધૂપનો ઉલ્લેખ છે. ધૂપ એટલે એક અર્થ ‘સુર્યનો તડકો’ એવો પણ થાય અને બીજો અર્થ સુગંધી દ્રવ્યોનો ધૂમાડો એવો પણ થાય. અહી સુર્યના તડકાને સંબંધમાં રહેલ હુંફના સંદર્ભમાં જોઈ શકાય. એટલે આ ગીતને ચર્ચતી વખતે આ બંને અર્થો લઈ શકાય. બીજા અર્થનો વિસ્તારપૂર્વકનો અર્થ આ રહ્યો- “માન આપવાની અથવા પૂજા કરવાની અઢાર માંહેની એક રીત.

સુગંધીવાળું દ્રવ્ય. ગૂગળ, વનસ્પતિ વગેરે દેવતામાં નાખતાં નીકળતો સુગંધીદાર ધુમાડો; દેવપૂજનમાં અથવા તો સુગંધ માટે કપૂર, ગૂગળ, અગર કે બીજાં સુગંધીવાળા દ્રવ્યો બાળી કરાતો ધુમાડો. ધૂપ માટે પાંચ પ્રકારનો દ્રવ્યોનો ઉપયોગ કરવામાં આવે છેઃ (૧) નિર્યાસ એટલે ગુંદ, જેવો કે ગૂગળ, રાળ. (૨) ચૂર્ણ એટલે જાયફળ વગેરેનું ચૂર્ણ. (૩) ગંધ એટલે કસ્તૂરી વગેરે. (૪) કાષ્ઠ એટલે અગર વગેરેનું લાકડું. (૫) કૃત્રિમ અથવા કેટલાંક દ્રવ્યોના યોગથી બનાવેલો ધૂપ. કૃત્રિમ ધૂપ અનેક પ્રકારનો હોય છે. જેમકે, પંચાંગ ધૂપ, અષ્ટાંગ ધૂપ, દશાંગ ધૂપ, દ્વાદશાંગ ધૂપ, ષોડશાંગ ધૂપ વગેરે. આમાં દશાંગ ધૂપ સૌથી પ્રસિદ્ધ છે. તેમાં દશ ચીજોનો મેળ હોય છે. પરંતુ એ દશ ચીજો કઈ એ માટે મતભેદ છે. પદ્મપુરાણ અનુસાર કપૂર, કુષ્ઠ, અગર, ગૂગળ, ચંદન, કેસર, સુગંધીવાળો, તેજપત્તા, ખસ અને જાયફળ આ દશ ચીજો જોઈએ. સાલનો ગુંદ, મનઃશિલ અગર, દેવદાર, પદ્માખ, મોચરસ, મોથ. જટામાસી વગેરે દ્રવ્યો ધૂપ દેવાના કામમાં આવે છે. ધાર્મિક પૂજામાં ધૂપનો વપરાશ પુરાણા વખતથી થાય છે. યહૂદી લોકો પણ ધૂપનો ઉપયોગ કરતા. આ રિવાજ ધીમે ધીમે ખિસ્તી ધર્મમાં પણ દાખલ થયેલ છે. ધૂપ અથવા ધૂંવાડી લેવી એ ધારાં તેમ જ ત્વક્દોષમાં ગુણકારી મનાય છે. એક પહોળા ઠામની અંદર દેવતા રાખી તે ઉપર ધૂપ આપવાનાં દ્રવ્ય નાખી માથે માચી અગર ખુરસી મેલી દરદીને ખુલ્લે શરીરે તે ઉપર બેસાડવો. માથું ખુલ્લું રાખી ડોક નીચેનો બધો ભાગ કપડકોટ કરવો. ધુમાડો બહાર નીકળી ન જાય તેને માટે કપડું ઠેઠ ભોંય સુધી પહોંચે એવડું મોટું હોવું જોઈએ. દરદીના રહેવાના ઘરની હવા શુદ્ધ કરવા માટે પણ ધૂપ વપરાય છે. તે ધૂપ સાધારણ રીતે ખુલ્લો મૂકવામાં આવે છે, જેથી તેની સુગંધીદાર હવા ઘરમાંની ઝેરી અને દુષ્ટ હવાને દૂર કરે છે.”

ઉપરોક્ત ધૂપના વિસ્તારપૂર્વકના અર્થમાં માન આપવાની અથવા પૂજા કરવાની અઢાર માંહેની એક રીત, સુગંધીદાર ધુમાડો, સુગંધીદાર હવા ઘરમાંની ઝેરી અને દુષ્ટ હવાને દૂર કરે છે વગેરે જોઈ શકાય છે. પણ આ ગીતમાં જે ધૂપની વાત છે તે હવે नम છે. અને नम એટલે “गीला, तर, भीगा, उत्साहहीन, सीला” પલળી ગયેલા ધૂપમાંથી હવે સુગંધીદાર ધૂમાડો નીકળવાનો નથી અને એનો અહેસાસ માત્ર નાયિકાને જ થાય છે બાકી બીજા બધા માટે તો આ થપ્પડ ખૂબ જ સામાન્ય ઘટના છે. પતિ પત્નીને તમાચો મારે એમાં નવું શું? પણ અનુભવ સિન્હા અને શકીલ આઝમી સ્ત્રીના Humen Beingને , એના નીજ્ત્વનેપ્રેક્ષકો સામે મૂકે છે. નીજ્ત્વના આત્મસન્માનને ઠેસ લાગે તો સ્વમાની સ્ત્રી પતિનું ઘર છોડી દે છે. કારણ હવે જીવન ગમે તે રીતે જીવાય પણ એ ઘરમાં તો નહી જ જીવાય જ્યાં એક ક્ષણે પડેલી થપ્પડ ના થડકારા મનમાં વસી ગયા હોય. જૂઓ આગળની પંક્તિ-
एक धागे में है उलझे यूँ
के बुनते बुनते खुल गए
हम थे लिखे दीवार पे
बारिश हुई और धूल गए


નાયિકાને એ એક થપ્પડ દ્વારા જ અહેસાસ થાય છે કે સંબંધનો તાંતણો ખૂબ જ કાચો હતો અને એ હવે તૂટી ગયો છે પતિ-પત્નીનો સંબંધ જાણે દીવાલ ઉપર લખેલા લૂલા લખાણ જેવો હતો જે વરસાદમાં ધોવાય ગયો છે. આ સંબંધના ધોવાઈ જવાથી વેદનાની જે ખાઈ પડી છે એ એટલી ઊંડી છે કે નાયિકા સિવાય કોઈને એનો અંદાજ નથી. એટલે જ તો એના માતા-પિતા સહીત બધા જ તેને કહે છે કે ‘તું over react કરે છે,forget it and move on’ ત્યારે આ નાયિકાનું દર્દ ઓર વધી જાય છે. પોતાના સમર્પિત જીવનનો બદલો ‘થપ્પડ’ તો ના જ હોઈ શકે એ સ્ટેન્ડ ઉપર-પક્ષ ઉપર વળગી રહેલી નાયિકા ખરેખરી સેલ્યુટેબલ સ્ત્રીનું પ્રતિનિધિત્વ કરનારું પાત્ર છે. સંબંધ કાચા દોરા જેવા કે દીવાલો ઉપર લખેલા લખાણ જેવા જ હોય તો એવા સંબંધનું કોઈ મૂલ્ય નથી અને એવા સંબંધને વાત કરવાનો ય મોકો આપ્યા વિના માનસિક રીતે લાત મારીને ચાલતા થવું એ આજના ફેમિનિઝમના ઉપરછલ્લા ખ્યાલ કરતા સ્વમાનની બમણી ઉંચાઈને આંબેલી વિચારધારાની દ્યોતક ઘટના છે. આગળની પંક્તિ જૂઓ-
टूटे-फूटे ख़ाबों की हाय, दुनिया में रहना क्या?
झूठे-मूठे वादों की हाय, लहरों में बहना क्या?

हो, दिल ने दिल में ठाना है
ख़ुद को फिर से पाना है
दिल के ही साथ में जाना है


તૂટી ગયેલ સ્વપ્નોમાં અને જૂઠ્ઠા વાયદાઓ વચ્ચે જીવવાનો કોઈ અર્થ જ નથી. અને એટલે જ નાયિકા પતિના ઘરને છોડવાનું દિલથી નક્કી કરી નાખે છે. દિલની ઈચ્છાને માન આપવાનું અત્યંત મ્હત્વનું પગલું નાયિકા ભરે છે અને સાસરામાં એની કિમત સાસરાના લોકોને સમજાવા લાગે છે. તૂટેલા સંબંધની દુનિયાને નાયિકા છોડે છે અને પતિના ઘરની દુનિયા તૂટી જાય છે. દરરોજ સવારથી સાંજ સુધી નાયિકા આખા ઘરને સાંચવી લેતી એ ઘરમાં હવે સમયસર સારી રીતે કોઈ કામ થતું નથી. પોતાની જાતને ફરીથી પામવા માટે નાયિકા મક્કમ છે કારણ કે એ માત્ર થપ્પડ ન્હોતી પણ નારીના અસ્તિત્વ-સ્વમાન ઉપર થયેલ વિશેષ પ્રહાર હતો. જેના લીધે સ્ત્રી આંતરિક રીતે હચમચી ઉઠી. આગળની પંક્તિ જુઓ-
सोचों ज़रा क्या थे हम हाय
क्या से क्या हो गए
हिजर वाली रातों की हाय
कब्रो में सो गए

हिज्र
એટલે “separation from beloved जुदाई, वियोग, विछोह, विरह” અહી સ્પષ્ટ છે કે તમાચાએ જુદાઈની કબર ખોદી જ નાખી છે. આગળના પ્રેમથી ભરેલા સંબંધો હવે એ કબરમાં દફન થઈ ગયા છે. અને એટલે જ નાયિકા લોકોના લાખ સમજાવવા છતાં હવે એ ઘરમાં એ પતિ સાથે રહેવાની ચોખ્ખી ના પાડે છે. નાયિકાની સમજદારી અહી ઉચ્ચ સ્તરની છે, પતિ સામે કેસ માંડે છે પણ ભરણ-પોષણના પૈસા નથી માંગતી. સામે પક્ષે પતિ એના ઉપર માનસિક રીતે બીમાર હોવાનો આરોપ મૂકે તો પણ એ માત્ર પેલી અમાનવીય થપ્પડનો જ આરોપ યથાવત રાખે છે. કેસ લડનાર વકીલ જે પોતે સ્ત્રી છે તે પણ આ નાયિકાના વલણ ઉપરથી પોતાના જીવનમાં હિંમતભેર પતિ સામે નવો ચીલો ચાતરવાનું શરુ કરે છે. ભૂતકાળ ભવ્ય હોય તો પણ વરવા વર્તમાનને ચલાવી ના જ લેવાય એ સ્ટેન્ડ ઉપર અડીખમ છે આ નાયિકા. આગળની પંક્તિ જૂઓ-
हो तुम हमारे जितने थे
सच कहो क्या उतने थे
जाने दो मत कहो कितने थे


આ પ્રશ્ન નાયિકા પતિને પૂછે છે પણ ભારતીય પુરુષપ્રધાન સામાજિક માળખામાં તો પતિને પૂછવાનું અપરાધ જેવું છે. અહી ફિલ્મમાં આ પ્રશ્નનો પતિ પાસે કોઈ જવાબ નથી પણ એ માને છે કે તેની પત્ની વધારે પડતું વિચારી,કરી રહી છે. પત્નીની આત્મસન્માનની લાગણીનો અનુભવ પતિને ફિલ્મમાં મોડે મોડે થાય છે અને એને પોતાની ભૂલ સમજાય છે. આખરે બંને સમજદારીપૂર્વક છૂટાછેડા લઈ લે છે. અહીં નાયિકાએ પતિ સામે કરેલો કેસ એ પતિને અને પુરુષપ્રધાન સમાજની નબળી માનસિકતાને મારેલો તમાચો છે...પતિના તમાચાને બધાએ એટલો સાહજિક લીધો હતો કે પતિ તો શું પણ સાસરાપક્ષના કે પિયરપક્ષના કોઈએ તે રાતે એના હાલચાલ, મનોદશા બાબતે પૂછ્યું નહીં, sorry કહેવાની વાત તો દૂર જ રહી ગયેલી એ રાત્રે. પણ ત્યાર બાદની સવારે નાયિકા એક નવા જ રૂપમાં આ સડેલા સમાજ સામે લડાઈની શરૂઆત કરે છે...પલળી ગયેલા ધૂપનો ધૂમાડો એણે ચલાવવો ફેલાવવો નથી કારણ એને પોતાનું આત્મસન્માનરૂપી અત્તર વધુ વ્હાલું અને પ્રાણપ્રિય છે, સુર્યના હુંફ વગરના તડકાનો ટૂકડો નાયિકાને જોઈતો નથી.

લગ્ન કરવા માત્રથી પતિને પત્ની ઉપર હાથ ઉઠાવવાનો હક્ક મળી જતો નથી અને સ્ત્રી-પુરુષ વચ્ચેના ભેદભાવોને તો બિલકુલ સ્થાન જ હોવું જોઈએ. સ્ત્રી ઉપર અત્યાચાર થાય ત્યારે મોટા મોટા દેખાડા સાથે થયેલાં લગ્નો પણ ખૂબ વામણા સાબિત થાય છે. સ્ત્રીને માનવીય અભિગમથી જોવાનો દ્રષ્ટિકોણ સતત ધ્યાનમાં રાખવા માટે અપીલ કરે છે આ ગીત અને ફિલ્મ. બાકી પુરુષ હોવા માત્રથી મન ફાવે તેમ વર્તન કરવાનો ઈજારો નથી મળી જતો. મ્હત્વની વાત એ પણ છે કે અત્યાચાર સહન કરીને સ્ત્રી પોતે જ પુરુષને સીધી રીતે અત્યાચાર માટે પ્રોત્સાહન આપતી હોય છે. એટલે આ ફિલ્મની નાયિકા પતિને પાઠ ભણાવવા નહીં પરંતુ પોતાના સ્વમાન ખાતર પતિ સામે કાયદાકીય રાહે કેસ કરીને પતિને માફ કરતી નથી અને પોતે માણસ હોવા માત્રના આધારે પતિ અને અન્ય બીજા સંબંધીઓ સામે મક્કમતાથી પોતાનો પક્ષ રાખે છે. આજે તો ફેમિનીઝમના નામે અઢળક ચર્ચાઓ અને સંશોધનો થતાં રહેતા હોય છે પણ એનાથી સ્ત્રીસન્માનની ભાવના જાગૃત થઈ જતી નથી અને એટલે જ તો ભારતમાં ઘરેલુ હિંસાના કિસ્સાઓમાં ઘટાડો થતો નથી. એટલે કરવા ખાતર કરાતી ચર્ચાઓ-સંશોધનોથી અળગા થઈને સ્ત્રીના અસ્તિત્વને માન-સન્માનની નજરથી જોવું પડશે. અમૃતા પ્રીતમ કહે છે કે- “When a man denies the power of women, he is denying his own subconscious.” ૪ સ્ત્રી ઉપર અત્યાચાર કરનાર સમાજને કઈ રીતે સારો સમાજ કહી શકાય? શકીલ આઝમી આ ગીત દ્વારા આવા સમાજને એ દિશામાં વિચારવા માટે પ્રેરે છે. આવી ફિલ્મો અને આવા ગીતો બનતા રહેવાજોઈએ. સમાજની કડવી વાસ્તવિકતા સામે એકલા અટુલા લોકોની મક્કમ અને નિર્ણાયક લડાઈ હમેશા અભિનંદનને પાત્ર જ રહેવાની. ફિલ્મો અને ગીતો કેટલીકવાર મહામૂલું જ્ઞાન સરળતાથી આપતા હોય છે ધ્યાનથી જોઈએ તો નારીને લઈને ચાલી આવતી ચર્ચાઓ અને સિમોન દ બુવા,કેત મિલે,ડેયલ સ્પેન્ડર,જુલ્ય ક્રિસતેવા,ઝાક લંકા, વર્જિનિયા વુલ્ફ જેવા ચિંતકોએ રજૂ કરેલ વિચારોની જ સંગીતમય રજૂઆત આ ગીતમાં જોઈ શકાય. દિગ્દર્શ્ક અનુભવ સિન્હા અને ગીતકાર શકીલ આઝમીને અભિનંદન અને તાપસીની અદાકારી તો અવ્વલ જ...

ડૉ. મનોજ માહ્યાવંશી, આસીસ્ટન્ટ પ્રોફેસર, ગુજરાતી વિભાગ, ડૉ.એપીજે અબ્દુલ કલામ ગવર્મેન્ટ કૉલેજ, સિલવાસા. ૯૮૯૮૬૮૪૬૦૧ mahyavanshimanoj@yahoo.co.in