‘પ્રેમજી પટેલની રતિરાગની લઘુકથાઓ’- એક આસ્વાદ
ગણપત સોઢા, સી.એન. આર્ટ્સ એન્ડ બી.ડી. કૉમર્સ કૉલેજ, કડીમાં ગુજરાતીના અધ્યાપક છે. તેમણે ગુજરાતી સાહિત્યમાં લઘુકથા ક્ષેત્રે મહત્ત્વનું પ્રદાન કરનાર પ્રેમજી પટેલની લગભગ પાંચ સો જેટલી લઘુકથાઓમાંથી પસાર થઈને રતિરાગની લઘુકથાઓ જુદી તારવી છે. આમ તો મનુષ્યસ્વભાવમાં પડેલી જુદી જુદી વૃત્તિઓને વિષય બનાવીને પ્રેમજી પટેલે ઘણી લઘુકથાઓ સર્જી છે. પરંતુ અહીં તેમણે તેમના ‘ત્રેપનમી બારી’, ‘અમૃતવર્ષા’, ‘સ્પર્શમણિ’, ‘અવેર’, ‘કીડીકથા’ અને ‘ટશિયાભર સુખ’ એમ કુલ છ લઘુકથાસંગ્રહોમાં સમાવિષ્ટ શૃંગારરસની લઘુકથાઓ નોખી તારવીને સંપાદિત કરી છે.
પ્રેમજી પટેલના પ્રથમ લઘુકથા સંગ્રહ ‘ત્રેપનમી બારી’માં કુલ ૬૦ લઘુકથાઓ સમાવાઈ છે. એ પછી ‘અમૃત-વર્ષા’, ‘સ્પર્શમણિ’, ‘અવેર’,‘કીડીકથા’ અને ‘ટશિયાભર સુખ’ લઘુકથાસંગ્રહોમાં અનુક્રમે ૯૫,૮૨,૯૦,૬૧,૬૯ એમ કુલ ૪૫૭ જેટલી લઘુકથાઓ છે. હાલ, સાહિત્યિક સામયિકોમાં પ્રગટ થઈ હોય પણ ગ્રંથસ્થ ન થઈ હોય એવી અને અપ્રગટ હોય એવી આશરે પચાસ લઘુકથાઓ ગણીએ તો પાંચસો ઉપરાંત લઘુકથાઓ તેમની પાસેથી આપણને મળે. આ પાંચસો જેટલી લઘુકથાઓમાંથી પસાર થઈ ગણપત સોઢાએ રતિરાગનું આલેખન કરતી ‘પ્રેમજી પટેલની રતિરાગની લઘુકથાઓ’ એ નામે સંપાદિત કરી છે.
આમાં પ્રથમ ૬ લઘુકથાઓ -‘તાળો’, ‘બાયણું’, ‘ઠપકો’, ‘સવાલ’, ‘સમાધાન’અને ‘ઘયડી’- ‘ત્રેપનમી બારી’ લઘુકથાસંગ્રહમાંથી જ્યારે અંકોડો’, ‘ખીલી’, ‘છીંડું’, ‘સુરસુરિયું’, ‘બી.પી.’, ‘હળવાશ’, ‘કેળું’, ‘મૂંઝવણ’, ‘વંદાપુરાણ’, ‘છાંયડો’, ‘ફરાળ’, ‘લક્કડખોદ’, ‘ભૂત’, ‘બડકમદાર’, ‘વૈતરું’, ‘ચાંલ્લી’, ‘પેચોટી’, ‘દેખરેખ’, ‘ઓચિન્તા’, ‘વડ જેવા ટેટા’, ‘હસ્તાયણ’, ‘કાગકથા’, ‘ફફડાટ’, ‘ઉઘરાંણી’ અને ‘ખાખર’ એ ૨૫ લઘુકથાઓ ‘અમૃતવર્ષા’ સંગ્રહમાંથી લીધી છે. ‘બટન’, ‘જરખ’, ‘ભણ-ભણ’, ‘ઓળખ’, ‘સવારી’, ‘સંજોગ’, ‘કમાલ’, ‘દર્પણ’, ‘ભમરાળી વાતો’, ‘બ્હીક’, ‘વાછરોટ’, ‘ગૂંચ’, ‘બબડાટ’, ‘આંકડી’, ‘અટક’, ‘માંખ’, ‘ઘુઘરિયાળા વાળ’ એ ૧૭ લઘુકથાઓ ‘સ્પર્શમણિ’માંથી, ‘નેળિયું’, ‘કીડી’, ‘ઘો’, ‘પેલ્લી’, ‘બીડી’, ‘બરફની પાટ’, ‘મોળું મચ્ચ’, ‘મોરવી’, ‘દસ્તો’, ‘ચકામું’, ‘લોલકાં’, ‘મોહન થાળ’, ‘સપનું’, ‘કરચો’, ‘ટહુકાઓ’ એમ કુલ ૧૫ લઘુકથાઓ ‘અવેર’માંથી, ‘રામસેતુ’, ‘મોહન થાળ’, ‘કઠારો’, ‘રિઝલ્ટ’, ‘માવઠું’, ‘મારે શું કહેવું...’,’ખટાશ (૧)’, ‘થેંક્સ’ એમ કુલ ૮ લઘુકથાઓ ‘કીડીકથા’માંથી તો ‘ખટાશ (૨)’, ‘ચટકા’, ‘હવે બેઠું,તે...’, ‘કાણું વાસણ’ અને ‘કાકદષ્ટિ’, એમ કુલ પાંચ લઘુકથાઓ ‘ટશિયાભર સુખ’ લઘુકથા સંગ્રહમાંથી લીધી છે. આ ઉપરાંત ‘ફાંસ’ અને ‘મેળ’ એ બે અપ્રગટ લઘુકથાઓનો પણ તેમાં સમાવેશ થયેલો છે.
આ સંચયમાં સંપાદિત પ્રથમ લઘુકથા ‘તાળો’થી લઈને અંતિમ લઘુકથા ‘મેળ’ સુધી દરેકમાં રતિરાગનું વિવિધ રીતે આલેખન થયેલું જોઈ શકાય છે. અત્રે આ સંગ્રહની પ્રત્યેક કૃતિનું મૂલ્યાંકન કે ચર્ચા શક્ય નથી; આમ છતાં એમાંની મને જે ઉત્તમ લાગી એવી દસ લઘુકથાઓનું વિષયવસ્તુ ભાવકો સુધી પહોંચાડવાનો મારો ઉપક્રમ છે.
‘બાયણું’ લઘુકથામાં જયંતીભાઈ નાયિકાના પતિને ઘર પાછળ આવવા જવાની અગવડ ન પડે એ માટે વાડા તરફ બારણું પડાવી દેવાની સલાહ આપે છે. નાયિકા અને તેના પતિને જયંતીભાઈની સલાહ યોગ્ય લાગતાં તેઓ ત્રણ ચાર દિવસમાં ઘર પાછળ બારણું પડાવી દે છે. પરંતુ એ પછી નાયિકાને એક આંખ ઉઘાડનારો અનુભવ થાય છે. એક સવારે તે વાડામાં ન્હાઈ, વાળ સૂકવી, કપડાં સૂકવવા વાડ પાસે જાય છે ત્યારે તેની નજર સામેના મેડા પર સ્મિત કરતા જયંતીભાઈ પર પડે છે. જયંતીભાઈના ‘સ્મિત'માં નાયિકાને બારણું પડાવવાની મથામણ કળાઈ જાય છે.
‘ઠપકો' માં અનૈતિક સંબંધો બાબતે, પરિણિત મોટાભાઈનું નામ ગામની જુદી જુદી યુવતીઓ સાથે સંકળાતા - ‘આખું ગામ થૂં...થૂં કરે છે’ દિયર પરેશ મોટાંભાભીને આ હકીકતથી વાકેફ કરે છે, ત્યારે ભીનાં સાદે મોટાંભાભી કહે છે- “ના. બળ્યું તમને શું કહું!... પરેશભાઈ, લોકો આગળ દોરડીનો સાપ બનાવી એ છૂટી જાય; પણ સાચું કહું? ત્રણ વરસ થયાં અમારાં લગ્નને પણ હું એવીને એવી જ છું, તમારા ભાઈથી એક તણખલુંય તૂટે એમ નથી. પછી શું ઠપકો દઉં !” આમ, આ લઘુકથામાં પોતાનો પતિ પોતાની નપૂંસકતા ઢાંકવા આવા અખતરા કરે જાય છે એ વાત તેની પત્નીને સારી રીતે ખબર છે !
પૃષ્ઠ ૧૬ ઉપર સંપાદિત થયેલી ‘ઘયડી' લઘુકથામાં રાતે ગરબા જોવા ન આવેલી નાયિકાને તેનો પતિ ‘ઘયડી’ કહીને ઉપાલંભ આપે છે. પતિ પોતાને ‘ઘૈડી' કહે એ નાયિકાને ગમતું નથી. પરંતુ પોતે તૈયાર થઈને ગરબા જોવા નીકળી હતી ત્યારે અંધારી નવેરીમાં પ્રેમી કનુ સાથે કરેલી રતિક્રિડા અને બગડેલાં કપડાંની વાત પતિને શી રીતે કરે ? તેથી પતિના પ્રશ્નનો ખુલાસો આપવાને બદલે તે સભાન થઈને ‘હવે તો હું તમને ઘયડી જ લાગુ ને !' એમ તે બોલે છે અને ખંધું હસીને ઊંઘવાનો ડોળ કરે છે. સત્ય છૂપાવવાની નાયિકાની આવડત દ્વારા તેનો સ્વૈરવિહાર અહીં સારી રીતે સૂચવાઈ જાય છે.
‘છીડું’ લઘુકથામાં માસ્તર પતિને કલજીભાઈએ ઢાળિયા બાજું છીંડું પાડ્યું હોવાથી પોતે તેમાંથી પસાર થતાં પોતે લપસી પડી હતી તેથી સાડલો માટીવાળો થયો છે એવો ગોઠવેલો જવાબ આપે છે છે. પરંતુ હકીકત કંઈક ઓર છે. આ લઘુકથાના સંવાદ ઉપરથી જારકર્મ કરીને આવેલી નાયિકાનો તંત આપોઆપ મળી જાય છે.
‘અમૃત વર્ષા’ સંગ્રહના પૃષ્ઠ ૨૮ પરથી લીધેલી ‘મૂંઝવણ’ લઘુકથામાં મિત્રની પત્ની તરફથી મળેલા ઈજનની વાત છે. નાયકનો મિત્ર પોતાની પત્નીને શારીરિક સુખ આપી શકતો નથી. એ વાત તેની પત્ની નાયકને કહે છે અને પોતાની સાથે સંબંધ બાંધવા જણાવે છે પરંતુ નાયક મિત્રદ્રોહ કરવા તૈયાર નથી. તે મૂંઝવણ અનુભવે છે. એવામાં તેણે ચૂલા પર મૂકેલી ચા ઊભરાવા લાગે છે. ચૂલાની ઈંટો પર વહી જતી ચાને જોતાં નાયકને મિત્રની પત્નીના શબ્દો યાદ આવે છે - ‘દૂધ ઉભરાઈ જાય પછી તો કૂતરાં જ ચાટે એના કરતાં તો ઠામમાં જ રહે એ સારું !” આમ, મિત્રની પત્નીએ આપેલા ઇજન બાબતે નાયક મૂંઝવણ અનુભવે છે.
સંગ્રહની અઢારમી લઘુકથા ‘લક્કડખોદ’માં ચાર વર્ષે પિયરમાં આવેલી નાયિકા ભાભી સાથે ખેતરે જાય છે. શેઢેથી આગળ ખૂણા તરફ પડેલા ખાડાને જોતાં નાયિકા ભૂતકાળની સ્મૃતિમાં સરી પડે છે. લગ્ન પહેલાં કમલા સાથેનો તેનો ‘મીઠો’ સંબંધ અને તેના પરિણામ સ્વરૂપ એ ખાડાનો પોતાના કાકાથી બચવા કરેલો ઉપયોગ અને પોતાના પ્રેમી કમલાનું કરંટથી થયેલું મૃત્યુ લક્કડ ખોદની જેમ તેના ચિત્તમાં ટચ ટચ ટચકા માર્યા કરે છે એ વસ્તુ સુંદર રીતે નિરૂપાયું છે.
‘ઉઘરાણી'માં ઉઘરાણી કરવા ગયેલ નાયકનો મેળાપ, દેણદારની ગેરહાજરીમાં તેના ઘેર આવેલી પ્રભા સાથે થાય છે. નાયક નિષ્પલક તેને જોઈ રહે છે. શરૂઆતમાં બંને વચ્ચે થોડી ઔપચારિક વાતચીત થાય છે. પરંતુ પ્રભાની માસી અરજન્ટ કામે બહાર ગયેલાં હોઈ બંનેને મોકળું મેદાન મળી જાય છે. બેઉ વચ્ચેની ઔપચારિકતાની હદ ઓગળી જાય છે. સાંજે નાયક મોડો ઘેર પહોંચે છે ત્યારે તેની પત્ની ઉઘરાણી પતી કે કેમ? એ બાબતે પૂછે છે ત્યારે નાયક – “મૂઇ, ઉઘરાંણી, ના પતે તો ! જવા થશે-' એમ મનમાં વિચારે છે. પણ પત્નીને ‘ઘરે નથી કોઈ ... !’ એવો મુખર જવાબ આપે છે ત્યારે આખી વાત આપોઆપ વ્યંજિત થઈ જાય છે. આમ અહીં લેખકે પત્નીની આડમાં બે યુવા હૈયાંઓનું વિજાતીય આકર્ષણ ઉપસાવ્યું છે.
‘સ્પર્શમણિ’ સંગ્રહની ‘જરખ’ લઘુકથામાં બકરી પાછળ પડેલા બકરાને હોથોજી વાળવા પ્રયત્ન કરે છે. પણ બકરો વાડાનું કટલું તોડીનેય બકરીને છોડતો નથી એ પાછળ ને પાછળ જાય છે. એ વખતે ‘આ જમ તલશી(બકરીનું નામ)નો સાલ છોડતો નથી’ એમ તે કહે છે ત્યારે તેની પત્ની પાલી ‘બકરાને વાળવાની માથાકૂટ મેલો… એમ બોકડા પાછા વળતા હોય તો... તો...’ એવું અધૂરું વાક્ય બોલી અટકી જાય છે અને આમ બોલતાંની સાથે જ તેના ચિત્તમાં નારણની દુકાનનો પાછલો ગોડાઉન જેવો ખંડ અને એમાંની કોથળાની થપ્પી બરડામાં અડતી હોય એવો આભાસ થાય છે. આમ, અહીં પાલી અને નારણ વચ્ચેના અવૈધ સંબંધનું સૂચન થયેલું છે. આ લઘુકથાને અપાયેલ ‘જરખ’ શીર્ષક તીવ્ર જાતીય આવેગનું પ્રતીક બની રહે છે.
લઘુકથા ‘દર્પણ’માં ખેતરેથી પોટલું લઈને આવેલી મમ્મીની ચૉલ્લી કપાળ પરથી ખસીને કાન નજીક આવી ગઈ છે તે અંગે પુત્રી કકી ધ્યાન દોરે છે ત્યારે નાયિકાને ખેતરમાં ઊંચી એરંડી વચ્ચે ‘ઘચરાપાડા’એ આદરેલી ‘રમત’ યાદ આવે છે. તે સ્વ બચાવમાં ‘આ મણભારનો પોટલો ઊંચકવામાં ચૉલો કે ચોલ્લી કુણ ધ્યાન રાખે !’ એમ કહે છે. કકી થોડી માપની પોટલી કરવા બાબતે પોતાની મમ્મીને સલાહ આપે છે. તેના અનુસંધાનમાં નાયિકા દીકરીને ચેતવે છે કે “ભણજો નકર.. પોટલા...” પણ તે પૂરું બોલી રહે તે પહેલાં કકલી કહે છે, “ભણો કે ના ભણો મમ્મી પોટલા તો ઉપાડવા જ પડેને...” અહીં ‘પોટલા’ શબ્દ વ્યંજનાત્મક બની રહે છે. ‘વેઠવું એ સ્ત્રીની નિયતિ છે’ એમ જાણે અહીં સૂચવાઈ જાય છે. નાયિકા લઘુકથાના આરંભે પોતાના પતિ માટે ‘મહારાજ’ શબ્દ પ્રયોજે છે તે પણ જાણે કે પતિના નમાલાપણાનું સૂચક બની રહે છે. કકલીના ‘ભણો કે ના ભણો...’ વિધાન પછી નાયિકા સંદર્ભે આવતું અંતિમ વાક્ય – ‘દર્પણ જેવો કકલીનો બોલ સાંભળતી રહી’- માર્મિક રીતે રજૂ થયું છે.
‘ઓળખ’ લઘુકથામાં બિલાડી જોવા જાળીએ ચડેલ નાયક અભિ કે જે હજી બાળક છે તે પાડોશી વનુકાકીને દૂધવાળા ભૈયાજી સાથે તેમનાં જ ઘરમાં છાનગપતિયાં કરતાં જોઈ હસી પડે છે. વનુકાકી હસતાં અભિને જોઈ પોતાની આ પોલ અભિ બીજા આગળ ખોલી ન દે એ માટે તેને ફોસલાવી કુલ્ફી ખાવા પૈસા આપે છે. એ દરમિયાન કુલ્ફી ખાતાં અભિને તેની મમ્મી જોઈ જાય છે. તે અભિને રોજ રોજ કુલ્ફી ન ખાવા ધમકાવવી સાંજે ફરવા જવાની લાલચ આપે છે. ત્યારે નાનો અભિ બધી વિગત પોતાની મમ્મીને જણાવી દે છે. હકીકત જાણી તે બબડે છે – ‘સોનીકાકા બિચારા ભગવાનના માણસ અને આ રૉડ...’ અહીં અભિની મમ્મીના મોઢામાં મુકાયેલા આ શબ્દો ઘણુંબધુ કહી જાય છે.
અગાઉ કહ્યું એ મુજબ અહીં પ્રત્યેક કૃતિનું મૂલ્યાંક્ન કે ચર્ચા શક્ય નથી; પરંતુ આખા ગ્રંથમાંથી પસાર થતાં જે કૃતિઓ સહજ ગમી જાય એવી છે એનું જ વિષયવસ્તુ ભાવકો સુધી પહોંચાડ્યું છે. પૂરો ઉન્માદ માણવા આ સંપાદનમાંથી પસાર થવું રહ્યું !
બીજી એક આડ વાત. આ સંપાદનના પૃષ્ઠ ૧૧૧ પર સં. ગણપત સોઢાએ મનુષ્યની ચાર વૃત્તિઓની વિગતે વાત કરી છે. આપણે જાણીએ છીએ કે-
“आहार-निद्रा-भय-मैथुनं च, सामान्यमेतद् पशुभि: नराणाम् ।”
અર્થાત્
આહાર,નિદ્રા, ભય અને મૈથુન આ ચાર વૃત્તિઓ મનુષ્યો અને પશુઓમાં સમાન હોય છે.
(Eating, Sleeping, Fear and Sex; these habits are common between human beings and animals.)
આમાંની ચોથી વૃત્તિ રતિ વિશે સં. ગણપત સોઢાએ આચાર્ય ભરત મુનિએ આપેલા विभावानुभावव्यभिचारी संयोगात् रसनिष्पत्ति: । સૂત્ર ટાંકીને વિગતે સમજાવ્યું છે.
‘રતિરાગનું વિશિષ્ટ આલેખન : પ્રેમજી પટેલની રતિરાગની લઘુકથાઓ’માં તેઓ લખે છે કે, “આ જગતમાં જીવસૃષ્ટિની જ્યારથી ઉત્પત્તિ થઈ છે ત્યારથી દરેક જીવ કે પશુમાં ઊંઘ, આહાર, ભય અને મૈથુન એ ચાર પ્રાકૃતિક વૃત્તિઓ સમાન મૂકી છે. દરેક પશુને ઊંઘ ઈશ્વરદત્ત છે. એ જ રીતે દરેક જીવ જીવવા માટે ખાય છે-ભોજન કરે છે. એટલે કે આહાર એના માટે બીજી ખૂબ મહત્ત્વની જરૂરિયાત છે. તો દરેક પશુ પોતાના પર કોઈ આપત્તિ આવે છે ત્યારે જીવ સટોસટની લડાઈ લડી જાણે છે. એટલે કે પોતાની જાતને સલામત રાખવા માટે તે સતત પ્રયત્નશીલ રહેતો હોય છે. એ જ રીતે પોતાના વંશને ટકાવવા કે આગળ વધારવા તે મૈથુન કરે છે. આપણા પ્રાચીન ગ્રંથોમાં પણ મૈથુનને ઘૃણાથી જોવામાં આવ્યું નથી. આપણા પ્રાચીન મંદિરોની દીવાલો પરનાં શિલ્પ અને સ્થાપત્યો સદીઓથી એની સાક્ષી પૂરે છે.
ગુજરાતી સાહિત્યના વિવેચનનું કેન્દ્રબિંદુ: ‘નાટ્યશાસ્ત્ર’ તેના રચયિતા આચાર્ય ભરત. ‘નાટ્યશાસ્ત્ર’માં ભરતે નાટકનાં અઢાર અંગ ગણાવ્યાં છે. એમાંના એક અંગ તરીકે ‘રસ’નો ઉલ્લેખ કર્યો છે. ‘રસ’ની ચર્ચા કરતાં ભરતે રસ સૂત્ર આપ્યું. તેમાં આઠ સ્થાયીભાવ અને એ સ્થાયીભાવોથી નિષ્પન્ન થતા આઠ રસનો ઉલ્લેખ કર્યો છે. તેમાંનો એક સ્થાયીભાવ તે રતિ. અને આ રતિભાવને અનુસંગે પ્રગટ થતો રસ તે શૃંગારરસ. શૃંગારરસમાં પણ પાછા બે પેટા પ્રકાર. એક સંભોગશૃંગાર અને વિપ્રલંભશૃંગાર. સંભોગશૃંગારમાં સ્ત્રી-પુરુષના દૈહિક મિલનને આવરી લેવાય છે.”[૧]
આ સંપાદન ગ્રંથના મુખપૃષ્ઠ પર છૂટા કેશમાં કમળનું ફૂલ સૂંઘતી કન્યાનું ચિત્ર છે. જે ઘણું વ્યંજનાસભર લાગે છે. પાછળના પૃષ્ઠ પર શ્રી મોહનલાલ પટેલે તા: ૨૮-૧૦-૨૦૦૭ના રોજ સંપાદક પર લખેલો પત્ર છાપેલો છે. તેમણે આ આખો સંપાદનગ્રંથ લઘુકથાના જનક સ્વ. મોહનલાલ પટેલને અર્પણ કર્યો છે. આ સંપાદન ગ્રંથમાં ઘણી એવી લઘુકથાઓય છે જે પ્રથમ વાંચને સમજાય એવી નથી. આના હલ સ્વરૂપે સંપાદકે પૃષ્ઠ ૧૧૨ થી ૧૩૫ એમ કુલ ૨૪ પાનાંમાં આ ગ્રંથમાં સંપાદિત પ્રત્યેક લઘુકથાની વિગતે છણાવટ કરી છે. જેનાથી ભાવકોને લઘુકથાના અર્થબોધની સુગમતા રહે છે.
પહેલી નજરે આ સંપાદનની નોંધપાત્ર હકીકત એ છે કે કોઈ એક મનુષ્યવૃત્તિને ધ્યાનમાં રાખીને રચાયેલી લઘુકથાઓની આટલી ઇયત્તા અને આવી ગુણવત્તાવાળું સંપાદન ગુજરાતી ભાષામાં જોવા મળતું નથી. લઘુકથામાં રસ ધરાવતા વાચકો અને વિવેચકો એ ભલીભાંતિ જાણે છે કે ક્ષણના વિસ્ફોટને જે પામી શકે એ જ લઘુકથાના હાર્દને સમજી શકે ! ગણપત સોઢા આ હાર્દને બરાબર સમજી શક્યા છે. તેથી જ તેમણે આવું ઉત્કૃષ્ટ સંપાદન ગુજરાતી સાહિત્યને આપ્યું છે. મનુષ્ય સ્વભાવની આવી બીજી વૃત્તિનું આવું જ સંપાદન તેમની પાસેથી મળે એવી અપેક્ષા અને શુભેચ્છાઓ !
સંદર્ભ :