Included in the UGC-CARE list (Group B Sr. No 172)

ખીલને ધરબી દેવા છે ....

બહુ કામના હોય છે ખીલ્લા
એ અવાજને, જ્ઞાનને, સત્યને
શાંત કરી શકે છે ખીલ્લા

કેટલીકવાર કાનમાં તો
ક્યારેક ક્રોસ પર
ઠોકાય છે ખીલ્લા

કેટલીકવાર ખીલ્લા બની
જાય છે કારતૂસ
ને પછી બંદૂકમાંથી ફૂટે છે

ધર્મના ખીલ્લા, નાતજાતના
મળે છે ખીલ્લા
ને હવે તો મળે છે
લવ જેહાદના ને
રાષ્ટ્રવાદના પણ ખીલ્લા
જાતજાતના
હોય છે ખીલ્લા

સમાજ ઠોકે છે
રિતરીવાજના ખીલ્લા
સરકાર કાયદાના ખીલ્લા
ઘરમાં વડીલોના
શિસ્ત પાલનના ખીલ્લા

મહાવીર, બુદ્ધ, ઈસુ ને ગાંધી
દીવાલ પર લટકાવાયા છે
આધાર છે ખીલ્લા

ખીલ્લા બની શકે છે બાણ
બાણશય્યા અનેક છે
પણ ભીષ્મત્વ ક્યાંથી લાવવું?
એટલે ભોંકાય છે ખીલ્લા

ખેતરોમાં પાક નહીં
અસંતોષના ઉગે છે ખીલ્લા
આમઆદમી ને
લાગે છે રોજરોજ ખીલ્લા
બસમાં, ટ્રેનમાં, ભીડમાં, લાઈનમાં
બધે ઠોકાય છે ખીલ્લા

જિંદગી બની ગઈ છે
ખીલ્લા જડેલી સામસામી
દીવાલો, વચ્ચે માનવ જાતને
ડરાવે છે ખીલ્લા

શોધું છું હથોડી
જે ખીલ્લા પર
ઠોકી શકે ખીલ્લા
મળે એટલી વાર છે
ખીલ્લાની ખીલ્લી ઉડાવી
ધરબી દેવા છે ખીલ્લા

કૌશિક મહેતા