Included in the UGC-CARE list (Group B Sr. No 172)

વાર્તાકાર - અભિમન્યુ આચાર્ય

ગુજરાતી ટૂંકી વાર્તાના જગતમાં અભિમન્યુ આચાર્યનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘પડછાયાઓ વચ્ચે’ ૨૦૧૮માં પ્રકાશિત થયો હતો. આ વાર્તાસંગ્રહમાં કુલ ૧૪ ટૂંકીવાર્તા છે. આ વાર્તાઓની વાત કરતા પહેલા મને એમની સર્જન પ્રક્રિયા વિશે થોડી વાત કહેવાનું ગમશે. તેમના ‘પડછાયાઓ વચ્ચે’ વાર્તાસંગ્રહની પ્રસ્તાવના ‘‘સ્વ’ થી ‘પર’ સુધી પહોંચવાની મથામણ’ વાંચતા જણાઈ આવે છે કે નાની વયે જ તેમણે ગુજરાતી અને અંગ્રેજી સાહિત્ય વાંચવાનું અને લખવાનું શરુ કર્યું હતું. વાર્તામાં ભાવકને રસ પડવો જોઈએ એ વાતની સભાનતા પણ તેમનામાં નાની વયે જ આવી ગઈ હતી. ફેન્ટેસી અને થ્રીલર તેમના પ્રિય પ્રકાર રહ્યા છે. વાર્તા લખવાની શરુ કરી તે પહેલાં તેમણે ચંદ્રકાંત બક્ષી, મધુરાય, જયંત ખત્રી, પન્નાલાલ પટેલ, સુરેશ જોશી જેવા વાર્તાકારોને વાંચેલા, ચૌદ વર્ષની ઉંમરે જ તેમની વાર્તાઓ ‘નવનીત-સમર્પણ’, ‘એતદ્’, ‘તથાપિ’, ‘મમતા’, ‘શબ્દસૃષ્ટિ’ વગેરે સામયિકોમાં પ્રકાશિત થતી રહી છે. સત્તર વર્ષની વયે અભિમન્યુ અમદાવાદ રહેવા માટે જાય છે. ત્યાં ગુજરાતી સાહિત્ય પરિષદ, ગૂજરાત વિદ્યાપીઠ સાથે તેઓ જોડાય છે તથા ‘પાક્ષિકી’ કાર્યક્રમમાં મળેલા સુમન શાહ, ચિનુ મોદી, સાગર શાહ વગેરેનો પ્રેમ અને હુંફ. સુ. જો. સા. ફો. (સુરેશ જોશી સાહિત્ય ફોરમ)ના વર્કશોપમાં મળેલી વાર્તાની પાયાની સમજણ અને ‘કલાદ્વીપ’ નામે શરુ કરેલી સંગોષ્ઠી. આમ, તેમના વાર્તા સર્જન પાછળ સુ. જો. સા. ફો., પાક્ષિકી અને કલાદ્વીપ આ ત્રણ સંગોષ્ટીનો મહત્વનો ફાળો રહ્યો છે.

‘પડછાયાઓ વચ્ચે’ વાર્તાસંગ્રહની ૧૪ વાર્તાઓમાં ‘પડછાયાઓ વચ્ચે’, ‘રાત’, ‘રમત’, ‘રીઅર વ્યૂ મિરર’ આ ચાર વાર્તામાં આદિત્ય અને શ્વેતા મુખ્ય પાત્ર છે. આ ચારે ટૂંકીવાર્તામાં આદિત્ય અને શ્વેતાનાં ત્રણ વર્ષનાં પ્રેમસંબંધની વાત છે. જેમાં ‘પડછાયાઓ વચ્ચે’ વાર્તા પ્રથમ પુરુષ એકવચનનાં કથનકેન્દ્રથી રજૂ થયેલી છે. આદિત્ય અને શ્વેતા પોતાનાં સંબંધમાં આવી પડેલી ગૂંચને ઉકેલવા-સમજવા પોતાની પરિચિત જગ્યાએ મળે છે પણ બંનેના પ્રેમસંબંધને લઈને આરંભે જ એક પ્રકારની તાણ અનુભવે છે. વાર્તાકારે વાર્તાને વર્તમાનબિંદુથી ઉઘાડીને વર્તમાન અને ભૂતકાળમાં લઇ જઇને આદિત્ય અને શ્વેતાનાં સંબંધોની ગતિવિધીને ફ્લેશબેક અને ફેન્ટસી જેવી ટેકનિકનો વાર્તામાં ઉપયોગ કરી વાર્તાને સારી રીતે નિપજાવી આપી છે. કૉલેજની પ્રથમ મુલાકાતથી લઈને પછી ધીમે ધીમે આકર્ષણ, ઇર્ષા, ક્ષમા, ઝઘડા, રિસામણાં-મનામણાં અને અંતે એક ન સમજાય તેવી પરસ્પર અંતર રચાઈ ગયાની અનુભૂતિને વાર્તાકારે કલાત્મક ઘાટ આપ્યો છે.

તેમની 'રાત' વાર્તામાં સાંપ્રતયુગની યુવાપેઢીનાં સંબંધોની વાત રજૂ થઈ છે. શ્વેતાને ઝંખતો અને આ ઝંખનાને કારણે સ્નેહાની સાથે કામેચ્છામાં રહેતો આદિત્ય હસ્તમૈથુનની વૃત્તિઓને તૃપ્ત કરવાનો નિષ્ફળ પ્રયત્ન કરે છે. ફેસબૂક-વોટ્સએપ જેવાં સોશિયલ મીડિયાનાં માધ્યમોને કારણે આજની યુવાપેઢીની મનોદશા આદિત્યના પાત્ર દ્વારા લેખકે આ વાર્તામાં રજૂ કરી છે.

'રમત'એ પ્રયોગશીલ વાર્તા છે. આ પ્રયોગ કરવામાં વાર્તા ક્યાંક તેના ઘટકતત્વોની ભિન્નતાને કારણે નબળી લાગે છે. પરંતુ સોશિયલ મીડિયા, ઝોમ્બી અને મર્મેઇડ જેવા અનુ આધુનિક કલ્પનો વાર્તાની નિરૂપણરીતિને વૈવિધ્ય આપે છે. વાર્તામાં શ્વેતા અને આદિત્યનાં બ્રેકઅપને વાર્તાકારે ફેન્ટસી રચનાપ્રયુક્તિનો ઉપયોગ કરી કલાત્મક રીતે રજૂ કરી છે. શ્વેતા સાબરમતી રિવરફન્ટ પર બેઠી છે. આદિત્ય સાથેના સંબંધ પર દોઢ વર્ષ પછી પૂર્ણવિરામ મુકી દીધું છે. એકવાર આદિત્ય ફોન પર રડતાં રડતાં મળવાની વિનંતી કરે છે. તેની આ વિનંતીથી શ્વેતા તેને મળવા આવે છે ત્યારે તેને ઝોમ્બી દેખાઈ રહ્યા છે. એ જ્યારે પણ આદિત્યને મળતી ત્યારે ઝોમ્બી દેખાતા. અત્યારે પણ દૂરથી આવી રહેલા આદિત્યની સાથે ઝોમ્બી આવી રહેલા દેખાય છે. ઝોમ્બીનું ટોળું મોટું થતું જાય છે. તેની સાથે આદિત્યનો ચહેરોય મોટો થતો જાય છે ને આદિત્ય ઝોમ્બીમાં ફેરવાતો જાય છે. શ્વેતાને આ જોઈ ડર લાગે છે અને તે ત્યાંથી ભાગવા માંડે છે. વાર્તાના અંતે શ્વેતા નદીની પાળ પર બેઠી છે, નદીના પાણીમાંથી એક પછી એક મર્મેઇડ કૂદીને આવે છે, તે જોઈ આદિત્યનો ડર વધતો જાય છે. શ્વેતા મર્મેઈડમાં બદલવા લાગે છે. આદિત્ય મર્મેઈડ બની ગયેલી શ્વેતા પાછળ દોડે છે. આમ, વાર્તાનો પૂર્વાર્ધ શ્વેતાનાં પક્ષેથી અને ઉત્તરાર્ધ આદિત્યના પક્ષેથી મૂકીને વાર્તાકારે આ વાર્તામાં એક નવતર પ્રયોગ કર્યો છે.

'રીઅર વ્યૂ મિરર' વાર્તા આદિત્ય અને શ્વેતાના બ્રેકઅપને દસ મહિના થયા બાદ શ્વેતાનાં મૅસેજથી શરૂ થાય છે. યુ.એસમાં માસ્ટર્સના અભ્યાસ માટે જઈ રહેલી શ્વેતા યુ.એસ. જાય તે પહેલા આદિત્યને મળવા બોલાવે છે. છેલ્લા દસ મહિનાથી આદિત્ય શ્વેતાને ભૂલી જવાના પ્રયત્નોમાં અન્ય પ્રવૃત્તિમાં પોતાની જાતને કામે લગાવી દે છે. પરંતુ શ્વેતાનાં એક મૅસેજે તે પાછો શ્વેતા પ્રત્યે લાગણીશીલ બની તેને મળવા જાય છે. ભૂતકાળમાં તેઓ જે રીતે બાઇક પર બેસતાં તેમ બેસે છે. સાથે સિગારેટ પીવે છે. વસ્ત્રાપુર લૅકમાં જાય છે અને મોડી રાતે શ્વેતાનાં ઘરે શરાબ તથા શ્વેતાની સાથે પસાર કરેલી દરેક યાદને વાગોળે છે અને અંતે શ્વેતાની કામેચ્છાને અવગણી તેના ઘરેથી આદિત્ય ચાલ્યો જાય છે. આમ, આ વાસ્તવવાદી વાર્તામાં પાત્રો અંતે એકબીજાથી દૂર જતાં રહે છે અને પરિસ્થિતિનો સ્વીકાર કરતાં શીખે છે.

‘સોનેરી રંગના સસલાં’ વાર્તા પત્નીનાં અવસાન બાદ કલ્પનાની દુનિયામાં મસ્ત રહેતા સુરેશભાઈના આંતરમનને વ્યક્ત કરતી કલાત્મક વાર્તા છે. પુત્ર અને પુત્રવધુ જોબ કરે છે. પૌત્ર અલય સ્કૂલ અને ટ્યુશનના હોમવર્કના વ્યસ્ત હોય છે. છતાંય સમય મળે ત્યારે અલય દાદાની ખબર લેય છે. દાદાની કુંભકર્ણ જેવી ઊંઘનું કારણ શોધતો અલય દાદાએ વાંચેલા ‘લ્યુસિડ ડ્રીમ્સ’ના પુસ્તકમાંથી ‘શું તમે એકલાં છો ? કોઈને તમારા માટે સમય નથી ? જીવન કંટાળાજનક લાગે છે ? જો એવું હોય તો આ પુસ્તક તમારા માટે જ છે.’ આ વિધાન વાંચે છે. આ વાંચ્યા પછી અલયને સમજાય છે કે દાદા ઊંધી નહોતા રહ્યા પણ જે જિંદગી તે વાસ્તવમાં નથી જીવી રહ્યા તે જિંદગી તે કલ્પનાઓમાં જીવી રહ્યા છે. આમ, સુરેશભાઈના પાત્ર દ્વારા જ ઊભી કરવામાં આવેલી કાલ્પનિક દુનિયાની વાત આ વાર્તાનાં કેન્દ્રમાં છે.

‘અડુકિયો-દડુકિયો’ બે મિત્રો વચ્ચેની સંવેદનાને વ્યક્ત કરતી વાર્તા છે. દડુકિયાની સગાઈ થઈ જવાને કારણે પહેલાં નિયમિત મળતાં મિત્રો હવે ત્રણ મહિને મળી રહ્યા છે. બે મિત્રોનાં જીવનમાં એક સ્ત્રીનું આવવું કેવું પરિવર્તન લાવી શકે છે તેનો અનુભવ કરાવતી હળવી શૈલીમાં રજૂ થયેલી આ વાર્તા છે.

‘મૅજિક મોમેન્ટસ’ વાર્તાનું શીર્ષક દારૂની બોટલ પરથી રાખ્યું છે. આ વાર્તામાં ગુંડાગીરી કરતા માણસો, તેમની ગેંગ, તેમની વ્યવહારની બોલી, તેમની કૂટેવો, રાજકારણ વગેરે મુખ્ય છે. રાજકારણને લીધે મોતને ઘાટ ઉતારેલા મોન્ટી ઉર્ફે મોહનની હત્યા આ વાર્તાનો મુખ્ય સૂર છે. અમદાવાદનાં ઘાટલોડીયા વિસ્તારમાં ઠાકોર, રબારી અને પટેલની વર્ષો જૂની દુશ્મનીની વાત આ વાર્તામાં આવે છે. બાળપણથી સાથે મોટા થયેલા મોહન અને દિનેશ એકબીજાના સારા મિત્રો છે. મોહન દિનેશની ગેંગનો શૂટર છે. એક દિવસ દિનેશ મોહનને રબારી ગેંગના માણસ જોડે વાત કરતા જોય જાય છે ત્યારથી દિનેશ એવું સમજી બેસે છે કે મોહન પોતાની ગેંગ માટે ગદ્દાર માણસ છે. આવી સમજણને કારણે દિનેશ ફોકલીને તેની હત્યા કરવા કહે છે. પરંતુ ફોકલી તેની હત્યા કરે તે પહેલા બીજું કોઈ તેની હત્યા કરી નાખે છે. અંતે દિનેશ દારૂ પીધા પછી બારી ખોલી તેની પાસે ઊભો રહે છે અને ચડ્ડી પહેરેલા નાના છોકરાઓને ધૂળમાં રમતા જુએ છે અને અતીતમાં ખોવાઈ જાય છે. આમ, ગુંડાગીરી કરતા દિનેશના પાત્ર દ્વારા ગુંડામાં રહેલી માનવીય સંવેદના આ વાર્તામાં વાર્તાના અંતે રજુ થઈ છે.

તરુણાવસ્થામાં પ્રવેશેલા અને કલ્પનાની દુનિયામાં મસ્ત રહેતા છોકરાની વાત ‘હિરોઇન’ વાર્તામાં રજૂ થઈ છે. આ છોકરાની પ્રિય હિરોઇન કરીના કપૂર છે. કરીના સાથે એ બગીચાનાં શાંત ખૂણે બેસી વાતો કરે છે, એ અડધો - પોણો કલાક આ કલ્પનાનાં જીવનમાં જ તે ખૂશ છે. નિશાળે જવું આ છોકરાને જેલમાં જવા જેવું લાગે છે. ટ્યૂશનનાં શિક્ષકનો માર પણ તેના નસીબમાં છે અને એટલે જ તે જીવવાનું ચાલુ કરે છે તે સાથે જ મરવાનું પણ ચાલુ કરે છે. શહેરનાં એક મૉલમાં કરીના કપૂર આવવાની છે એ વાતની જાણ થતાં જ તે બે કલાક પહેલાં આ મૉલમાં પહોંચી જાય છે. કરીના કપૂર મૉલમાં આવે છે. ત્યારે એકી નજરે તે એને જોઈ રહે છે અને તેની નજીક જવાનો પ્રયત્ન કરે છે. પરંતુ તેનાં બોડીગાર્ડ તેને ઊંચકીને બહાર ફેંકી દે છે. આ ઉપરાંત તેની કરુ (કરીના કપૂર) તેની સામે મોં બગાડે છે. જેથી તે ખૂબ દુઃખી થાય છે. બીજે દિવસે સાંજે તે પાછો બગીચે જઇ કરીનાની રાહ જુએ છે પણ તે આવતી નથી. ગઈકાલે બનેલી ઘટનાને કારણે તે આવી નથી એવી અવઢવમાં રાચતો આ છોકરો જમણાં અને ડાબા પગની આંટી મારે છે, છોડે છે, ફરી આંટી મારે છે... ફરી છોડે છે. કલ્પના અને વાસ્તવમાં આપણે પણ આ છોકરાની જેમ ઘણા માણસોના ભ્રમમાં જીવતા હોઈએ છે એ વાત આ વાર્તા સાબિત કરી બતાવે છે.

‘તાળું’ અને ‘માસ્ટરપીસ’ આ બંને વાર્તાઓમાં વર્કશોપ પ્રકારની બેઠક ચલાવતાં કલાકારોની વાત છે. જેમાં ‘તાળું’ વાર્તા વાંચતા અભિમન્યુ અને તેના મિત્ર વર્તુળે શરુ કરેલી ‘કલાદ્વીપ’ નામની સંગોષ્ઠીની અચૂક યાદ આવે. કલાને નામે થઈ રહેલાં ઢોંગ-ધતિંગ અને મજાક-મશ્કરીની વાત આ વાર્તામાં સામાન્ય રીતે રજુ થઇ છે. જ્યારે ‘માસ્ટરપીસ’ વાર્તા ચિત્રકારની ભાવપરિસ્થિતિને વર્ણવતી વાર્તા છે. જેમાં ઉડીને આંખે વળગે તેવી કોઈ વિશેષતા જણાતી નથી.

સાંપ્રત પરિસ્થિતિને આલેખતી ‘એફ.ડબલ્યુ.બી.’ વાર્તામાં સેક્સના બદલાતા મૂલ્યોની વાત કેન્દ્રમાં છે. મિત્ર મિલિંદે જૈનમને બતાવેલી ‘એફ.ડબલ્યુ.બી.’નાં કોનસેપ્ટ વાળી ફિલ્મ ‘નો સ્ટ્રિંગ્સ એટેચ્ડ’. આ ફિલ્મની માફક જૈનમ સુપ્રિયા સાથે સુપ્રીયાના ઘરે શરીરસંબંધથી જોડાય છે. એ પછીના દિવસે જૈનમે કરેલા સુપ્રિયા પરના મેસેજનો ઉત્તર ન આવતા જૈનમ વારંવાર મોબાઈલમાં મેસેજના પ્રત્યુત્તરની પ્રતિક્ષા કરે છે. સુપ્રિયા સાથે બાંધેલા શરીરસંબંધને કારણે તે મનમાં અકળામણ અનુભવે છે. વાર્તાના અંતે સુપ્રીયાના ફોન આવવાના કારણે વધતાં હૃદયના ધબકારા સાથે વાર્તા પૂરી થાય છે. આમ, શરીરસંબંધ આજના યુગમાં એક સામાન્ય બાબત બની ગઈ છે તે વ્યંજના આ વાર્તામાં હળવી શૈલીમાં રજુ થઈ છે.

‘ઘૂઘવતો દરિયો’ વાર્તા રહસ્યમય છે. રોનકે કરેલી આત્મહત્યાને સભાન રીતે ખોલવાનો વાર્તાકારનો ઉપક્રમ યશોદાયી છે. માસીની દીકરીને મનોમન ચાહતો રોનક તેની સગાઇ થવાની છે એ જાણી તેને મળવા જાય છે અને મળીને ઘરે આવ્યા બાદ આત્મહત્યા કરે છે. આ મુખ્ય ઘટના છે. આ વાર્તામાં ઘટનાને રહસ્યમય રીતે ઉઘાડી આપવાની સર્જકની રીત આપણને સહેજે ગમી જાય તેવી છે.

'કૅમ્પ' વાર્તામાં કૅમ્પમાં ગયેલા એક યુવકની મનોસ્થિતિની વાત અને ગમા-અણગમાની વાત વ્યજનાં સ્વરૂપે રજૂ થઈ છે. આ વાર્તાનું મુખ્ય પાત્ર રાહુલ છે. કૅમ્પમાં રાહુલને જેમની સાથે ટેન્ટમાં રહેવાનું છે તે તરુણ અને રવિ એકબીજાના સારા મિત્રો છે. રાહુલ તેમના સબંધને પ્રકૃતિ વિરુદ્ધનો સંબંધ માની બેસે છે અને તેમની સાથે ટેન્ટમાં રહેવાની તેની ઇચ્છા નથી. પરંતુ અન્ય ટેન્ટમાં જગ્યા ન હોવાથી તેને તરુણ અને રવિ સાથે જ રહેવું પડે છે. કૅમ્પમાં જેમ દિવસો પસાર થાય છે તેમ થતાં અનુભવો અને ચેસની રમત વખતે રાહુલના વર્તનથી તરુણ અને રવિને થયેલું દુઃખ રાહુલના મનની બંધ બારી ખોલી નાખે છે. વાર્તાને અંતે રાહુલ પંખીઓને કૂદતાં, તડકામાં નાહતા,એકબીજાની ચાંચ સાથે ચાંચ ઘસતાં જોઈ રહે છે. એ જ એમનાં કુદરતી સ્વભાવ મુજબ. વાર્તામાં આ રીતે અંત મહત્વ ધરાવે છે.

'ઓછાયો' વાર્તા રચનાદ્રષ્ટિએ ધ્યાન ખેંચે એવી વાર્તા છે. આ વાર્તામાં ક્ષિતિજ, અરસ્તૂ અને એષાનો પ્રણયત્રિકોણ મુખ્ય ઘટના છે. ક્ષિતિજ આ વાર્તાનું મુખ્ય પાત્ર છે. એષાને ચાહતો ક્ષિતિજ એષાને પોતે પ્રેમ કરે છે એવું કહીં નથી શક્યો. પરંતુ અરસ્તૂની નજીક એષા જતાં તેને ઈર્ષા થાય છે. અરસ્તૂ હાઈટ-બોડીમાં અને રૂપે સારો દેખાય છે તેથી એષા એની નજીક જઈ રહી છે એવું સમજતો ક્ષિતિજ અરસ્તૂની જેમ ફૂટબોલ રમવાના પ્રયત્નો કરે છે. આ વાર્તામાં ફૂટબોલની રમત એક નિર્ણાયક ઘટક બની રહે છે. અરસ્તૂ ક્ષિતિજને રમતમાં અવેજી તરીકે રાખે છે અને પોતે રમત જીતી જાય છે. વિજેતા થયાના બે દિવસ બાદ અરસ્તૂને એષાએ આપેલ કોફી માટેનું આમંત્રણ અને પછી લોંગડ્રાઈવ પર જતી વખતે થયેલ અંગત મૂલાકાત. આ મુલાકાતમાં આલિંગન કરતી વખતે ક્ષિતિજે આપેલું ચાંદીનું લોકેટ અરસ્તૂના ટી-શર્ટમાં ભરાય જાય છે. લોકેટ ખેંચતા અરસ્તૂનું ટી-શર્ટ ફાટી જાય છે અને એષા ગળેથી છોલાય છે. વાર્તાના અંતમાં ક્ષિતિજ અને એષા કેન્ટીનમાં મળે છે ત્યારે ક્ષિતિજ જુએ છે કે અત્યાર સુધી મેં આપેલું લોકેટ એષાના ગળામાં હતું પરંતુ આજે નથી. એષા ક્ષિતિજને અરસ્તૂ અને તેના પ્રેમસંબંધની વાત કરે છે. ક્ષિતિજ આ વાત સાંભળી એષાને ‘કોન્ગ્રેચ્યુલેશન’ કહી ત્યાંથી ચાલ્યો જાય છે. એષા તેને બોલાવે છે પણ છતાંય તે ત્યાં ઊભો રહેતો નથી. તે બાથરૂમમાં જાય છે. તેને આંખે અંધારા અને ચક્કર આવતા હોય એવું લાગે છે. અરસ્તૂ અને એષાનાં ચહેરા એકમેકમાં ભળી ગયા હોય એવું તે અનુભવે છે. તેથી તે વારંવાર પાણીથી મો ધોયા કરે છે. આમ, ક્ષિતિજની બોલચાલની ભાષાથી શરુ થયેલી વાર્તા ક્ષિતિજની આંતરમનોવ્યથા દ્વારા પૂર્ણ થાય છે. એષા, અરસ્તૂ અને ક્ષિતિજ આ ત્રણ યુવા પાત્રોની આસપાસ તેમનાં જ અલગ અલગ કથનકેન્દ્રથી ખુલતી આ વાર્તા તેનાં વિષય અને ભાષાકર્મ બંને સંદર્ભથી તપાસવા જેવી વાર્તા છે. કૉલેજલાઈફની બેફિકર, મસ્ત-મોજીલી ભાષામાં પોતાની લાગણીઓને વ્યક્ત કરતાં આ ત્રણ પાત્રોની વાતમાં વાર્તાપ્રેમી ભાવકનેય સહેજે રસ પડી જાય તેમ છે.

આમ, રચનારીતિ, કથનરીતિનાં પ્રયોગોમાં તથા વિષયવૈવિધ્યમાં અભિમન્યુ આચાર્ય ગુજરાતી વાર્તાને એક ડગલું આગળ લઈ જાય છે. પાત્ર અને પરિવેશ અનુરૂપ ભાષા વાર્તામાં તેઓ રજુ કરી શક્યા છે. ભાષા અને પાત્રોને પરિમાણ આપવામાં તથા તેમનાં આંતરમનનાં સંચલનોને આપણી સામે ઉઘાડી આપવામાં અભિમન્યુની વાર્તાઓ સફળ રહી છે. અભિમન્યુની સમગ્ર વાર્તાઓમાંથી પસાર થતાં એક સહજ તારણ પર આવી શકાય કે આ વાર્તાકારનો સર્જકયશ શહેરી વાતાવરણ, શિષ્ટ ભાષા, યુવાવર્ગ - એમની સંવેદના, પ્રેમ અને સેક્સના બદલાયેલા મૂલ્યો, ડ્રગ્સનું સેવન, ટેકનોલોજી અને સોશિયલ મીડિયાને કારણે યુવાવર્ગમાં આવેલું પરિવર્તન, કલાને નામે થઇ રહેલાં ઢોંગ-ધતિંગ વગેરેમાં છે. પાત્રની મૂંઝવણોને, ગૂંચોને, લાચારીને તથા આંતરચેતના પ્રવાહને પોતાની શૈલી વડે તેઓ આકાર આપે છે. જરૂર પડે ત્યાં પાત્રોની એકોક્તિ કે સંવાદ દ્વારા કામ કાઢી લેતા અભિમન્યુ આચાર્ય અનિવાર્ય લાગે ત્યાં વાર્તા વિશ્વમાં પ્રવેશી પાત્રો વિશેનાં પોતાના પૃથ્થકરણો પણ રજૂ કરે છે. જો દૃશ્ય ઊભું કરવાનું અનિવાર્ય લાગે તો ફ્લેશબેક અને ફેન્ટસી ટેકનિકથી દૃશ્ય પણ ઊભું કરે છે. વાર્તામાં બનતી ઘટનાઓને પ્રતીતિકર બનાવવામાં ‘તાળું’ અને ‘માસ્ટરપીસ’ જેવી અમૂક વાર્તાને બાદ કરતાં બીજી વાર્તાઓમાં તેઓ સફળ રહ્યા છે. કથનકળાશાસ્ત્ર વિશેની કેળવાયેલી સમજને કારણે તેમની વાર્તામાં કથનરીતિના વૈવિધ્યસભર પ્રયોગો જોઈ શકાય છે. તેમની મોટાભાગની વાર્તા વાસ્તવિક અને કાલ્પનિક છે. નાગરીજીવન અને તેવા પાત્રો ઊભા કરતાં અભિમન્યુ આચાર્ય ગુજરાતી વાર્તાજગતમાં પોતાનું અગત્યનું સ્થાન સ્થાપશે એના અણસાર તેમની આ વાર્તાઓ આપે છે.

સંદર્ભ ગ્રંથ :

  1. પડછાયાઓ વચ્ચે : અભિમન્યુ આચાર્ય, રંગદ્વાર પ્રકાશન અમદાવાદ, પ્રથમ આવૃત્તિ ૨૦૧૮, ૧૨૦ રૂ.
  2. શબ્દસૃષ્ટિ : સપ્ટેમ્બર ૨૦૧૯, ‘સંઘેડાઘાટ વાર્તા ઉતારવાની મથામણ : પડછાયાઓ વચ્ચે’ લેખ - વિપુલ પુરોહિત.

કાર્તિકકુમાર પી. મકવાણા, ઇમેલ: kartikmakwana540@gmail.com મોબાઇલ: 8866072714